૧૩. ભગા પટેલની ભેંશ

ભગા પટેલની પાસે એક ભેંશ હતી. દેખાવે હાથી જેવી લાગે. સૌ કહે: ‘ભેંશ તો ભગા પટેલની, શિંગડાં તો ભગા પટેલની ભેંશનાં!’

એક વાર પટેલ ભેંશને તળાવે પાણી પાવા લઈ ગયા. બે પગ પાણીમાં અને બે પગ બહાર રાખી ભેંશ પાણી પીવા લાગી. પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈ ભેંશ કહે: ‘કેમ રે, માશી, તું માથું હલાવે છે, તારે મને કાંઈ કહેવું છે?’

પ્રતિબિંબે કહ્યું: ‘હા! તેં બે પગ બહાર રાખ્યા છે તે ચારે પગ પાણીમાં રાખ ને?’

ભેંશે ચારે પગ પાણીમાં મૂક્યા. તળાવમાં એટલો કાદવ હતો કે ભેંશના પગ કાદવમાં ઊતરી ગયા, ભેંશને એ કાદવ મીઠા માખણ જેવો લાગ્યો. ત્યાં ફરી પેલું પ્રતિબિંબ બોલ્યું: ‘ભેંશ રે ભેંશ! ભેંશ જેવી ભેંશ થઈને તને માખણ જેવા કાદવની કદર નથી એ કેવું?’

ભેંશે કહ્યું: ‘કદર નથી કેમ? છે! દેખ!’ બોલતાં બોલતાં ભેંશ કાદવમાં આળોટી પડી. એને ખૂબ મજા પડી. પટેલે ભેંશને બહાર નીકળવા ડચકારા કર્યા, પણ ભેંશ સાંભળે તો ને? છેવટે પટેલે હાથમાંનો સોટો ઉગામી કહ્યું: ‘તને વાઘ ખાય!’

ભેંશને આવું કહેવું એ ભેંશનું અપમાન કરવા બરાબર છે. બીજી ભેંશો એ સહન કરે, પણ ભગા પટેલી ભેંશ કંઈ સહન કરે? એણે સામું કહ્યું: ‘તમે મારું અપમાન કરો છો, પટેલ! તમને કોગળિયું ખાય એવું હું તમને કહું તો તમને કેવું લાગશે?

પટેલે ગુસ્સામાં આવી કહ્યું: ‘તને ટાબરિયો વાઘ ખાય!’

 આ તો અપમાન પર અપમાન! ભેંશની એ સહન થયું નહિ. એ બોલી ઊઠી: ‘એ તમારો ટાબરિયો બાબરિયો મને શું ખાતો’તો! હું એને ખાઈ જાઉં!’

‘તો ચાલ, તને ટાબરિયા ભેગી કરું!’ પટેલ હજી ગુસ્સામાં હતા.

હવે ભેંશ તળાવમાંથી બહાર નીકળી. પટેલ એને ખરેખર ટાબરિયા વાઘને ઘેર લઈ ગયા. વાઘને કહે: ‘ટાબરિયા, તું મારી ભેંશને ખાય તો ખરો!’

ટાબરિયો ભેંશને જોઈ ખુશ થયો, કહે: ‘ આને ખાવાનું મને ઘણા વખતથી મન છે.’

પટેલે કહ્યું: ‘તો કર કુસ્તી ને હરાવ એને!’

વાઘ કહે: ‘અબ ઘડી!’

ભેંશ કહે: ‘તૈયારીનો વખત આપ્યા વિના હું કોઈની સાથે લડતી નથી. હું તને બે દિવસનો વખત આપું છું. ત્યાં લગીમાં તારાં હથિયાર સજી તૈયાર થઈ જા! પણ પરમ દિવસે સાંજે ગધેડિયા મેદાનમાં!’

વાઘે કહ્યું: ‘મારે સમયની જરૂર નથી.’

ભેંશે કહ્યું: ‘સમય આપ્યા વિના હું તારી સાથે લડું ને તું મરી જાય તો દેશમાં મારી બદબોઈ થાય કે ભગા પટેલની ભેંશે ઓચિંતો હુમલો કરી ટાબરિયા વાઘને મારી નાખ્યો!’

વાઘે કહ્યું: ‘પણ હું મરવાનો નથી.’

ભેંશે કહ્યું: ‘એવું તું કહે છે ને? હું શું કહું છું એ તું જાણે છે? હું કહું છું કે તું મરવાનો છે.’

વાઘ હબકી ગયો. તેણે કહ્યું: ‘ઠીક, તો પરમ દિવસે સાંજે ગધેડિયા મેદાનમાં!’

ગબલા શિયાળે આ સમાચાર આખા વનમાં ઘેર ઘેર પહોંચાડી દીધા.

વાઘ એનાં હથિયારો — નખ ને દાંત અણીદાર કરવા લાગી ગયો. ખાવાપીવાનો પણ એને વખત રહ્યો નહિ. કહે: ‘ભગા પટેલની ભેંશને મારીને પારણાં કરીશ.’

હવે ભેંશે શું કર્યું તે જોઈએ: એણે ખાવાપીવાનું છોડ્યું નહિ. ઊલટું ખા ખા કર્યું, ને શિંગડાંને ધાર કાઢી. બીજે દિવસે એ પેલા તળાવમાં જઈને પડી ને માખણિયા કાદવમાં ખૂબ આળોટી. એના શરીર પર કાદવનો જાડો થર જામ્યો અને પછી બહાર નીકળી એ ધૂળમાં ને કાંકરામાં આળોટી. ધૂળકાંકરા શરીર પરના કાદવમાં ચોંટી ગયા અને શરીર પર જાડા બખતર જેવું થઈ ગયું. પછી એ ગધેડિયા મેદાનમાં જઈને ઊભી. ટાબરિયો વાઘ ત્યાં હાજર હતો. પપૂડો વાંદરો ન્યાયાધીશ બની વચમાં ઊભો હતો. એણે જાહેર કર્યું કે હું ગુલાંટ ખાઉં છું. મારી પૂંછડી જો જમણી તરફ પડે તો પહેલો દાવ વાઘનો — એણે ભેંશ પર ત્રણ હુમલા કરવાના; અને જો પૂંછડી ડાબી તરફ પડે તો પહેલો દાવ ભેંશનો — એણે વાઘ પર ત્રણ હુમલા કરવાના!

પપૂડાની પૂંછડી જમણી તરફ પડી. પહેલો દાવ વાઘનો આવ્યો. તે ખુશ ખુશ થઈ ગયો. કહે: ‘એક જ હુમલામાં ભેંશને ખતમ કરી નાખું! ત્રણ દિવસનો ભૂખ્યો છું, આજે ધરાઈને જમું!’

પહેલો હુમલો એણે જોરદાર કર્યો. એના નખ ભેંશના શરીરમાં ખૂંપી ગયા ને ભેંશના શરીરનો એક ટુકડો કપાઈને પડ્યો! પણ એ ટુકડો તો કાદવ કીચડના બખતરનો હતો! વાઘે ફરી હુમલો કર્યો, ફરી હુમલો કર્યો. દરેક વખતે ભેંશના શરીરમાંથી લોહીનું એક ટીપું નીકળ્યું નહિ. વાઘ ગુસ્સાથી ધૂવાંપૂવાં થઈ ગયો. એ ચોથો હુમલો કરવા જતો હતો, ત્યાં પપૂડા ન્યાયાધીશે કહ્યું: ‘ખબરદાર, હવે ભેંશનો વારો છે.’

ભેંશે માથું નીચું કરી શિંગડાં તૈયાર કર્યાં. પહેલા જ હુમલામાં એણે વાઘને શિંગડાથી વીંધી નાખ્યો. શિંગડાં વાઘના પેટમાં ગયાં ને એ ચીસ પાડી ઊઠ્યો. બીજા હુમલામાં એનું માથું ફાટી ગયું ને ત્રીજા હુમલામાં એ લાંબો સોડ થઈ ગયો, મરી ગયો.

ન્યાયાધીશે જાહેર કર્યું કે ભગા પટેલની ભેંશનો વિજય થાય છે.

ચારે તરફ તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો.

ભગા પટેલે ભેંશને ધન્યવાદ આપ્યો ને કહ્યું: ‘હવે હું કદી નહિ કહું કે તને વાઘ ખાય, પણ વાઘને કહીશ કે તને મારી ભેંશ ખાય!’

[લાડુની જાત્રા]

License