અનિદ્રા

સસ્તન ચન્દ્ર આકાશમાં નીચે ઊતરે છે
દિલ્હીગેટ પાસેનો મકાઈવાળો સગડી તરફ નજર કરે
ત્યાં તો પસાર થઈ જાય
કેટલાંય સ્કુટરો, ટ્રેકટરો, મ્યુનિસિપલ બસો

સ્લીપીંગ પીલ્સના ભાવ આસમાન પર નાચે છે
ને
સસ્તન ચન્દ્ર આસમાનથી નીચે ઊતરે છે
નણદલનો વીરો સલૂનમાંથી મૂછ કપાવીને આવી ગયો હશે.
ખિસ્સાકાતરુ પાસે ખિસ્સું કપાવડાવી, એક દિવસ હું ચાલ્યો ગયો’તો.
ખીજડિયે ટેકરેથી હેડંબા ઊતરી, પ્હોળા મેદાનમાં ચારો ચરી
કાંઈ નહીં;
‘ભૂર્ભુવ: સ્વ:’માં સિગારેટનાં ઠૂંઠા વીણતો વીણતો ફર્યા કરીશ.
વિચારોના નગરની ઊંચીનીચી કોલોનીઓની ચોપાસ
ચીટકી બેસે તીડોનાં ટોળાં
કેતકરે મને ‘પ્લીઝ’ કહીને મારી નાખી.

૧-૧-૬૮

License

પ્રથમ સ્નાન Copyright © by ભૂપેશ અધ્વર્યુ. All Rights Reserved.

Share This Book