સહજ તે વિરલ

એકાએક આકાશ મીંઢું થઈ ગયું. ઉષ્માહીન માનવીના શબ્દો જેવા થોડા છાંટા પણ પડ્યા, વૃક્ષો અને પવનનો સમ્બન્ધ બદલાઈ ગયો. આ પરિસ્થિતિ પ્રત્યે સૂર્યે પણ આંખ આડા કાન કર્યા. એકલો પવન જ વળ ખાતો છતાં નફફટ બનીને ભમતો રહ્યો. શહેરી લોકોને ઊની કપડાંનું પ્રદર્શન કરવાની તક મળી. પરદેશ જઈ આવેલા એક સજ્જને તો ‘હવા ખુશનુમા છે’ એમ કહીને લંડનમાં હોવાનો મનોમન આનન્દ પણ માણી લીધો. હું તો વાતાવરણમાં વસન્તના ઈંગિતને શોધતો હતો, ત્યાં દક્ષિણાનિલને બદલે ઉત્તરાનિલ આવી ચઢ્યો. કોઈક સંસ્કૃત કવિએ આવા કોઈ દિવસે જ કહ્યું છે ‘આ ઉત્તરના પવનમાં યમના પ્રસ્વેદની ગન્ધ આવે છે!’

શહેરના ચોકમાં મૂકેલાં પૂતળાંઓનો પડછાયો અદૃશ્ય થઈ ગયો છે. થોડા દિવસથી સવારે ટહુકવા માંડેલી કોયલ છેતરાઈ જવાથી ભોંઠી પડી ગઈ છે. દિશાઓનું મુખ મ્લાન થઈ ગયું છે. ધરતીને સૂર્યની અપેક્ષા છે, વૃષ્ટિની નહિ. છતાં જો વૃષ્ટિ થશે તો મહાભારતમાં કહ્યું છે તેમ, પૃથ્વી ધ્રૂજશે. કોઈક વાર અલપઝલપ, આશ્વાસન રૂપે તડકો દેખાઈ જાય છે. ફૂલો પર દિવસના આ વિષાદનો ભાર તોળાઈ રહ્યો છે. પાણીનો સ્પર્શ ડંખીલો બન્યો છે. પ્રહરોની શ્લથમન્થર ગતિને હું બેઠો બેઠો જોયા કરું છું.

ગહન વિચાર કરવા માટે, વિરક્તિ કેળવવા માટે, કદાચ આ આબોહવા ઉદ્દીપનની ગરજ સારે છે. વિચાર કરનાર પોતાને ઊંચી કોટિનો માને છે. ક્યિર્કેગાર્દે કહ્યું હતું તેમ દરેક પેઢીમાં મોટા ભાગના માનવીઓ એમ માનતા હોય છે કે જીવન વિશેની સમજ કેળવી લઈએ એટલે બસ. જેમ વિચારીએ તેમ સમજનાં પડ પછી પડ ખૂલતાં જાય, અને જો આયુષ્ય લાંબું આવ્યું હોય તો વળી સમજનો પટ વિસ્તરતો જ જશે. પણ એ ભોળા જીવને ખબર નથી હોતી કે આ પ્રક્રિયા દરમિયાન જ એક બિન્દુ આવે છે જ્યાંથી એવું લાગવા માંડે છે કે એવું કશુંક પણ રહ્યું છે જે સમજની પકડમાંથી છટકી જતું હોય છે. સોક્રેટિસને આનો અનુભવ થયો હતો. આપણા જમાનાને પણ આવો અનુભવ થાય તે જરૂરી છે.

જ્યાંથી ખરેખર જીવનનો મહત્ત્વનો ગાળો શરૂ થાય છે ત્યાં જ ઘણા માણસો અટકી જતા હોય છે. એઓ ત્યારે કહેતા હોય છે, ‘એવી બધી પંચાતમાં આપણે નથી પડવું, આપણે તો વહેવારુ બનવું છે.’ આથી મોટા ભાગના માનવીઓને ચેતનાનાં વિસ્તરતાં જતાં પરિમાણનો અનુભવ થતો નથી. રિલ્કેએ કહ્યું છે તેમ ચેતનાનો વિસ્તાર જ માનવીનું સૌથી મોટું ઐશ્વર્ય છે. લોકોને મન ઈશ્વર એટલે નિરર્થક એવું મનુષ્યનું જ કશુંક અતિશયોક્તિ સ્વરૂપ. આવી ઈશ્વર વિશેની ઉપલકિયા સમજ આગળ મોટા ભાગના લોકો અટકી જતા હોય છે. આથી જ તો ક્યિર્કેગાર્દે કહ્યું છે કે એવું ઘણું બધું છે જે સમજની બહાર રહ્યું છે.

એ ક્ષેત્ર અનુભવીઓનું છે, કવિઓનું છે. ત્યાં કશું ઉદ્ધતાઈભરી નિશ્ચિતતાથી નથી અનુભવાતું. એકને સ્થાને અનેક વિકલ્પોની માંડણી થાય છે. આમ આપણે જ્યાં ચાલતા રહીએ છીએ તે જ આપણું વ્રજ. પછી ધીમે ધીમે બધી કુણ્ઠા દૂર થતી જાય અને એમ આપણે વૈકુણ્ઠમાં પહોંચી જઈએ.

પણ એ કાંઈ સહેલું નથી. આપણે સરળ નિર્વ્યાજભાવે કશું કરતા નથી. કશુંક ગુમાવ્યા વગર આપણને મજા આવતી નથી. સવારે ઊઠીને વાડીમાં ફૂલોને ખીલેલાં જોઉં છું, ત્યારે સાહજિક આનન્દ થાય છે એથી વિશેષની કશી પ્રાપ્તિનો લોભ મારે શા માટે રાખવો જોઈએ? એવો લોભ હોય છે તો ફૂલ જોઈને રાજી થવાને બદલે મોટી ફિલસૂફી હાંકવા માંડું છું. કેવળ જોઈ રહેવાનો આનન્દ આથી જ તો વિરલ બનતો જાય છે.

મનમાં પ્રશ્ન થાય છે : આપણા જમાનામાં જે સહજ તે વિરલ કેમ બનતું જાય છે! જ્યારથી માનવીએ જીવવાને બદલે જીવવાનો પાઠ ભજવવાનું કર્યું છે ત્યારથી સહજને છોડીને કૃત્રિમને અપનાવતો શરૂ થઈ ગયો છે. હવે તો બધા વ્યવહારોમાં કૃત્રિમતા આપણને કોઠે પડતી જાય છે. આથી જ તો દરરોજ સવારે ફૂલની ખીલવાની સાહજિકતા હું અચરજપૂર્વક જોયા કરું છું. વિચારો પણ એટલી સાહજિકતાથી પ્રફુલ્લિત થતા રહે તો ચિત્ત કેવું મઘમઘી ઊઠે! પ્રકૃતિ સાથેનો સમ્પર્ક એ અનિવાર્યતયા માનવસમ્પર્કનો વિરોધી નથી. શહેરમાં વસીએ ત્યારે પ્રકૃતિ પરકીયા જેવી બની જાય. અને તેથી જ એના આકર્ષણમાં એક પ્રકારની વિલક્ષણતા ભળે. શહેરમાં તો વૃક્ષોને વધવાની જગ્યા જ નહિ. આથી જે વૃક્ષોને જોઉં તે બધાંનો મહિમા ખંડિત થયેલો દેખાય છે. ઘણે વખતે આ વર્ષે સોનગઢ પાસે વૃક્ષોને એના સાચા મહિમાથી અંકિત થયેલાં જોયા. તે વખતે જોયેલો ઉંબરો અને આંબાવાડિયું હજી હતાં. સોનગઢમાં આ પરિચિત વૃક્ષોએ જ મારું સ્વાગત કર્યું. એ સિવાય હવે મને ત્યાં કોણ ઓળખે? જ્યાં જીવનના પ્રથમ ચૌદ વર્ષ ગાળ્યાં ત્યાં જઈને જોયું તો હજી બહેડાનાં બે વૃક્ષો ઘરની પાસે ઊભાં છે. એ મોગરો નથી, ગુલાબ નથી, લીમડા નથી, ને બપોર વેળાએ વડીલોની નિદ્રાનો લાભ લઈને જેના બોર ખાવા જતાં તે બોરડી પણ નથી!

વૃક્ષોની માયા હજી ખૂબ છે. પણ ઘરની આસપાસ એવી જગ્યા નથી જ્યાં લીમડા કે આંબાનું ગૌરવ હું સાચવી શકું. અરે, બોરસલી હોય તો તેનાં ખરેલાં ફૂલ અને પ્રસરતી સુવાસ માણવા મળે, પણ એટલીય જગ્યા ક્યાંથી લાવવી? આમ છતાં બાળપણનું પ્રિય સાથી ચંદન વૃક્ષ તો મેં રોપ્યું જ છે અને અત્યારે તો એની કિશોરાવસ્થા થઈ ગઈ છે. કહે છે કે પંદર વર્ષે એના લાકડામાં સુગન્ધ આવે. કદાચ ત્યારે તો હું હોઉં કે ના હોઉં પણ અત્યારે રોજ સવારે જોઉં છું ને મારો વીતેલો સમય બધો મહેકી ઊઠે છે.

આથી જ તો મારું મન નિવૃત્તિ શું તે જાણતું નથી. ક્ષણે ક્ષણે નવાં આશ્ચર્યો પ્રગટ કરતું આ વિશ્વ જોયા કરવાની પ્રવૃત્તિ સતત ચાલ્યા જ કરે છે. હા, વ્યવહારુ લોકોની દૃષ્ટિએ જેને ઉપયોગી લેખાય તેવું ઝાઝું હું નહિ કરતો હોઉં. પણ એથી જ તો મનને રુચે એ રીતે વિહરવા દેવાનો કેટલો બધો સમય મળી રહે છે. આ અર્થમાં મારી નિવૃત્તિ સ્પૃહણીય છે. મારી આંખો હજી ઘણું જોવાને તલસે છે.

29-1-82

License

પ્રથમ પુરુષ એકવચન Copyright © by . All Rights Reserved.