મર્યાદાઓનું અરણ્ય

વાદળો ગયાં છે, હવામાં ઠંડીનો ચમકારો છે. પાસેના રસ્તા પર લગભગ નવસ્ત્રું કહેવાય એવું એક બાળક એનાથી બે જ વર્ષે મોટા ‘વડીલ’ની સાથે બેઠું છે. હું ઘરમાં બેઠો બેઠો ઠંડીથી ધ્રૂજતા હાથે બે અક્ષર પાડવા મથી રહ્યો છું. બધું જ જાણે પ્રતિકૂળ હોય એમ લાગે છે. આ ભાષાનો પ્રપંચ અને ‘શબ્દબ્રહ્મ’ જેવી સંજ્ઞાઓ ઠાલી લાગે છે. છતાં લખતો જાઉં છું ને સાથે રવિશંકરની સિતાર સાંભળતો જાઉં છું. સંગીત એવા અગોચરને પ્રગટ કરે છે જેની આગળ હું મારા અહમ્ના બધા ઠાઠઠઠેરા પડતા મૂકીને ઊભો રહી જાઉં છું. આમ છતાં બધી પ્રવૃત્તિને અન્તે અવશેષમાં થોડો વિષાદ રહી જાય છે. એ ધીમે ધીમે થોડીક અપારદર્શકતા ઊભી કર્યે જાય છે. જગત જરા ધૂંધળું દેખાવા લાગે છે.

કોઈક વાર આ વર્તમાનની આબોહવામાં જીવ અકળાવા લાગે છે, મર્યાદાઓને ઓળખીને, એને જ શસ્ત્ર બનાવીને ઝૂઝ્યો છું. ઝૂઝ્યા પછી કેવળ નિર્વેદની લાગણી થાય છે. બાળપણમાં મારામાં ‘હું’ થોડો જ વસતો હતો. વિસ્મયનાં દ્વાર ખુલ્લાં મૂકીને જગતને ઘણો બધો અવકાશ કરી આપ્યો હતો. પછી ધીમે ધીમે જગત એની છાપ, એનાં પ્રતિરૂપ અને સંકેતોને પોતાની અવેજીમાં મૂકીને સરતું ગયું. પછી આ સંકેતો, પ્રતિરૂપો અને સંસ્કારોનો વેપલો શરૂ થયો. બાળપણની ભાષા સોનગઢના પાતાળઝરણામાં ક્યાંક ઊંડે વહી ગઈ. ધીમે ધીમે પુરુષાર્થનું ક્ષેત્ર વિસ્તરતું ગયું; સાથે સાથે મર્યાદાઓનું અરણ્ય પણ વિસ્તરતું ગયું.

મર્યાદાને શસ્ત્ર બનાવ્યું, પણ મર્યાદા જોડે મારે પણ ઝૂઝવું તો પડ્યું જ. જે નિરક્ષર હતા તેના સુધી અક્ષરને પહોંચાડતાં હું ડર્યો, અક્ષર સાથે સંકળાયેલી બધી જ જટાજાળમાં હું એમને દોરી નહોતો જતો? શબ્દ બોલતી વેળાએ પણ કોઈક વાર મારું મન મને વચ્ચે રોકતું હતું : આ શબ્દપ્રપંચ કોઈકને મૂઝવશે, પ્રશ્નોથી વિક્ષુબ્ધ કરશે. આમ છતાં એક વાર ક્રિયાશીલ બન્યા પછી, નિષ્ક્રિયતાની સુરક્ષિત ભૂમિમાં પાછા ફરવાનું સહેલું નથી હોતું. આથી કોઈ વાર પ્રવૃત્તિ ચાલતી રહી, પણ એના દોર મારા હાથમાંથી સરી જવા દીધા. એને પરિણામે ગૂંચ વધી, ગૂંચો વધારવી એ જ જાણે પુરુષાર્થ બની રહ્યો.

શાન્તિ, નિ:શબ્દતા અને નિષ્ક્રિયતા જ અભીષ્ટ છે એમ હું કદી માની શક્યો નથી. સાચા અર્થમાં તો શબ્દ જ આપણી આંખ છે. એના વડે જ હું બીજાના હ્યદયમાં દૃષ્ટિક્ષેપ કરવાની હિમ્મત કરી શકું છું. હોઠેથી શબ્દ નથી ઉચ્ચારતો ત્યારે પણ હ્યદય ક્યાં મૂંગું હોય છે? અરે, રાતે નિદ્રાના પાતાળ પડ નીચે શબ્દના સ્રોતનો વહ્યો જવાનો અવાજ કેવું સમ્મોહન ઊભું કરે છે! નિદ્રાવશ નહિ, પણ એ સમ્મોહનને વશ થઈને જ ઘણી રાતો ગાળી છે. શબ્દોનાં ટોળાં વચ્ચે જ લુપ્ત થવાનો એક માર્ગ મારે માટે ખુલ્લો છે.

નમતા પહોર તરફ ઢળેલા ઘણાના જીવનમાં મેં શાન્તિની શીળી આભા પ્રસરી જતી જોઈ છે. હૃદયના કોલાહલ ધીમે ધીમે શમી જતા દેખાય છે. શબ્દો ઉચ્ચારાયા પછી વાયુની લહરીની જેમ તરંગ સરખો ઉત્પન્ન કર્યા વિના વિખેરાઈ જાય છે, હું તો આ બધું આશ્ચર્યવત્ જોઈ રહું છું. મારા ઉચ્ચારાયેલા શબ્દનો પડઘો પાછો વળે છે ત્યારે એ કોઈ ખીણના ઊંડાણને સાથે લઈને આવે છે, કોઈ વાર એ ઉત્કટ લાગણીના પ્રપાતનો લય લઈ આવે છે, તો કોઈ વાર એમાં વનના દાવાનળની આંચ હોય છે. આથી જ તો મારા શબ્દોના પાછાં વળતાં ધ્વનિઆન્દોલનોની હું પ્રતીક્ષા કરું છું. એ જે જગતને સાથે લઈને આવે છે તેની મને જરૂર છે.

સુખને મોઢેથી આંસુ લૂછવાના પ્રસંગો નથી બન્યા એવુંય નથી. સુખના અન્તરમાંય ક્યાં જ્વાળામુખી નથી હોતા? કેટલીક વાર તો ‘સુ’ અને ‘ખ’ને ભેગા કરીએ તે પહેલાં જ સ્ફોટ થાય છે ને પછી જાતે જ બધું વિશીર્ણ એકઠું કરીને એક નવી ખણ્ડિતતાને વૈભવ તરીકે સ્વીકારવાનું શીખી લેવાનું રહે છે. આથી જ તો કોઈક મારા વ્યક્તિત્વમાં પડેલી તિરાડને ચીંધી બતાવે છે તો મને આત્મીયતાનો અનુભવ થાય છે. પણ એ તરડ તે સ્વરક્ષણ માટે કરેલા સંઘર્ષોનો ઘા નથી એવું કહીને કોઈ વગર સમજ્યે મને સારું લગાડવા જાય ત્યારે મને રોષ થાય છે.

નગણ્યતા અને અકિંચિત્કરતાના અનુભવો ઘણા થયા છે. એ અનુભવોને નોખા પાડીને નથી રાખ્યા. આથી જ તો ઘણી પ્રશંસાને નગણ્યતાનો પાસ બેઠેલો છે. ઘણું કરવાનું અનિવાર્ય લાગ્યું હોય ને છતાં કરી શકાયું નથી. કોઈનું દુ:ખ, કોઈની ગરીબાઈ સહી જતી નથી; પણ એક આંસુ લૂછવા હાથ લંબાવતાં હાડકાં કઠણ થઈ ગયાં હોય એવું લાગે છે. ગરીબાઈને દૂર કરવાને માટે હું કશું જ ન કરી શકું એમ તો નથી. છતાં અનુકમ્પા સિવાય બીજું કશું આપી શકતો નથી. આ બધાંનો રંજ છે, પણ એ રંજ જ મારો ઉગારો છે એમ મેં મારી જાતને મનાવવાનો પ્રયત્ન કર્યો નથી.

બધી પરિસ્થિતિને પરિણામે કોઈક વાર આંસુથી તો કોઈક વાર નિ:શ્વાસથી, કોઈક વાર ક્રોધથી તો કોઈક વાર વિષાદથી બધું ખૂબ ધૂંધળું થઈ જાય છે. હું મને ઓળખી શકું તેટલીય પારદર્શકતા જાળવી શકાતી નથી. આને પરિણામે હું ઘણી વાર તો મારી સાથે જ અથડાયા કરું છું, મારાથી મને થયેલા ઘાની ફરિયાદ કોની આગળ કરવી? આમ છતાં હજી મારામાં એટલી તો આર્દ્રતા બચી છે કે કોઈની આંસુભીની આંખ જોતાં જ એને લૂછી નાખવા હું તરત જ તત્પર થઈ જાઉં છું, તરત જ શાતા વળે એવા શબ્દો શોધું છું. મારી પ્રત્યેના મારા રોષની ઝાળ ભૂલથી કોઈને દઝાડી જાય છે તો તેથી હું ખૂબ જ સન્તાપ અનુભવું છું.

ક્ષતિમર્યાદાનો આંકડો એટલો વધતો ગયો છે કે હવે બાકીનો હિસાબ તો ચિત્રગુપ્તને જ સોંપી દીધો છે. મનને શાન્ત પાડવાના પ્રયત્નો છોડી દીધા છે. બાળપણમાં લાગતું તેમ ફરીથી કોઈ વાર વિસ્મયનું દ્વાર ખોલીને જગતને જ મારામાં વિસ્તરી જવાનું નિમન્ત્રણ મોકલું છું. પણ વિસ્મયનું દ્વાર ઝટ ખૂલતું નથી. એ ખોલવા જાઉં છું ત્યારે મારા સુધી આવવા નીકળીને જે બંધ દ્વાર જોઈ પાછું વળી ગયું તેનાં પગલાંની છાપ જોઉં છું. એ જ જાણે મારા ભાવિની બારાખડી હોય એમ હું એને ઉકેલવા મથી રહું છું. સૂર્યના આથમવા સાથે વદાય થતા પડછાયાઓ ભેગો એક પડછાયો થઈને સરી જાઉં એવી ઇચ્છા ઘણી વાર થાય છે, પણ પોતાની જાતને કેવળ પડછાયામાં સારવી લેવી એ પણ કેટલું કપરું છે!

12-1-80

License

પ્રથમ પુરુષ એકવચન Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.