મરણની ઝાલર

કોઈક વાર નિરાધાર બાળકની જેમ હું મને પંપાળવા લાગું છું. એથી તો ઊલટી લાચારી વધે છે. કોઈની મેં માની લીધેલી ભૂલથી દુ:ખી થવા જતાં બીજી અક્ષમ્ય ભૂલ કરી બેસું છું. કદાચ અહંકારની ઉગ્રતા દૂર કરવાની આ પ્રક્રિયા પણ હશે. ભૂલોની આ પરમ્પરા મને જ ઢાંકી દેશે તો? આથી ભૂલોથી તો બચવું જ જોઈએ એવી સમજ પ્રગટી છે. આવું ઘણું ઘણું વેઠ્યા પછી, પશ્ચાત્તાપમાં શેકાયા પછી, ઘણી બધી મૂંઝવણોની ભુલભુલામણીઓમાં ભટક્યા પછી, સરહદોના અનેક ગોટાળાઓને વેઠ્યા પછી, આછીપાતળી આશાને આધારે દગાખોર દુ:સ્વપ્નો વેઠીને હું મને પોતાને જોઉં, મારી આંખોમાં જે દૃઢતા જોઉં તેથી મારી જાત પ્રત્યે હું ફરીથી કૂણો બનું છું. ફરીથી મારું હૃદય પૂરપાટ જતા ઘોડાની જેમ પડછંદા પાડે છે. પશ્ચાત્તાપની અગ્નિશિખાને હું દાંત વચ્ચે દબાવીને કરડું છું. નહિ વહેલાં આંસુની થીજી ગયેલી ખારાશને ધીમે ધીમે ઓગાળવા મથું છું. રાત્રિના અન્ધકારના વાતાવરણમાં દિવસે કરેલી ભૂલો પ્રચણ્ડ આકાર ધારણ કરીને મારી સામે ઊભી રહે છે. પૂર્વની બારીએથી મારી ખાલી પથારીને ચન્દ્ર સ્પર્શે છે પણ એની શીતળતા મારાથી દૂર જ રહે છે. કશુંક ભાંગવા-તોડવાની જીદથી મારી આંગળીનાં ટેરવાં સળવળી ઊઠે છે. રાત્રિના એકાન્તમાં હું મારા લુપ્ત થઈ ગયેલા એ ચિરપરિચિત વ્યક્તિત્વને શોધવા નીકળું છું.

પણ આ બધાનો આલેખ દિવસના અજવાળામાં મારી આંખો સમાવી રાખતી નથી. સવારે આંગળીઓ વચ્ચેના છિદ્રમાંથી આકાશને સેરવતો હું બેઠો રહું છું. હું જાસૂસની જેમ છુપાઈને મારા વર્તન પર નજર રાખું છું. એકે એક શબ્દનો રણકો પારખીને વાપરું છું. મારી આ સાવધાની જ મને વળી કશીક ભૂલ કરવા ઉશ્કેરે છે. હું મારી બે આંખો વડે મારા હોવાના વધતા જતા ભારને ભાગીદાર કરું છું. શું શેષ રહ્યો તે જોતો નથી.

ફરી પાછો પ્રવૃત્તિનો દોર શરૂ થાય છે. સાક્ષીભાવે મૂંગો મૂંગો એ બધાંમાંથી પસાર થાઉં છું. હવાના ભંગુર આધારને ઝાલીને અદૃશ્ય થવા મથું છું. મારા જુદા જુદા ચહેરાઓ એક સાથે મને ઘેરી વળે છે. એમાંથી છૂટવા હું કોઈની મદદ શોધું છું. સૂર્યને ડૂબવા જેટલું ઊંડાણ મારી આંખોમાં છે, છતાં મને કશું જ મારાથી સંતાડી શકતું નથી. મારી નરી પ્રગટતાથી બચવા માટે મને એકાદ આંસુની ઓથ પણ મળતી નથી. હું મારા ઉદ્વિગ્ન હૃદયને સમજાવું છું કે હવે બહુ મોડું થઈ ગયું છે. આ બધા ઉધામાને માટે હવે સમય રહ્યો નથી. હવે તો નિદ્રાની અપારદર્શક દીવાલ પાછળ લપાઈ જઈને જ ઊગરી શકાય તેમ છે.

દૂરથી ચાલી જતી ગાડીની વ્હીસલ આકાશને ચીરી નાંખે છે. પડછાયાઓના પડને વીંધીને મને કશુંક સ્પર્શી જાય છે. મેલાં ચીંથરાં જેવું કશુંક શ્વાસને અડે છે. આ પાસેનું શીમળાનું ઝાડ મારી આંખે કરેલા ક્રૂરતાના ગુણાકારને કારણે ગતજન્મ જેટલું દૂર જતું રહે છે. દૃષ્ટિથી હું જોવાને બદલે ભ્રમની જાળ રચું છું. કદિક સમયનું રૂપ જુદું જ લાગે છે. એ વિફરેલા પશુની જેમ દોડીને એની ખરીથી મારા હૃદયને કચડી નાંખે છે. કશીક વણમાગેલી અધિકૃતતાના ભારથી મારા ખભા ઝૂકી જાય છે.

અન્તરીક્ષમાંનો પવન આ પોષની રાતને ખંખેરી નાંખે છે. એમાંથી કેટલો બધો તેજાબ ઝરે છે! એથી મારા શરીરની ત્વચામાં જ નહિ, ઊંડે ઊંડે બધે તિરાડો પડે છે, એમાંથી આવતું મારા શ્વાસનું બસૂરું સંગીત સાંભળીને હું અકળાઈ ઊઠું છું. એમાંથી નાસી છૂટવા મથું છું. તો હું જાઉં છું. નિ:શબ્દતાની કાદવિયા ભોંયમાં ખૂંપી પહેલાં નહીં અનુભવેલી એવી કશીક અનોખી જ એકલતા મને ઘેરી વળે છે. અપારદર્શક શહેરોની ગલીઓમાંથી અથડાતોકૂટાતો હું કોઈ વાર વગર સરનામાના ઘરની શોધમાં ભટક્યા કરું છું.

આંસુ વગરના મિત્રો અને અકારણ ક્રૂર બની ગયેલી નિયતિ – આ બે વચ્ચેથી રસ્તો કરતો નીકળું છું ત્યાં ક્યાંક મરણની ઝાલર વાગે છે. મારા હોઠ પર અનિદ્રાનો તૂરો સ્વાદ છે, મારા જ શ્વાસ મારી સાથે સેન્ડપેપરની જેમ ઘસાય છે ને ઉઝરડાઉં છું. કોઈનું હિમ જેવું નિ:શબ્દ ઠંડું સ્મિત મારા શરીરમાં ચચરી ઊઠે છે. રોષમાં ને રોષમાં હું મારાથી દૂર ભાગી છૂટું છું.

આ બધું છતાં હું જાણું છું કે મારામાં જ ક્યાંક પ્રસન્નતાની આબોહવા રહેલી છે. કશાક ખુન્નસથી હું મારી સામે જ ઝઝૂમી રહ્યો છું. તેને કારણે જ એ પ્રસન્નતાથી હું છેટે રહી ગયો છું. આમ છતાં મને આશા છે કે એનાથી બહુ દૂર નીકળી ગયો નથી. પણ ત્યાં જતાં પહેલાં બધી વેદનાને ઓગાળી નાખવી પડશે, શબ્દોનો ચઢેલો કાટ કાઢી નાખવો પડશે. કદાચ હજી કાંઈક એવું છે જે મારા આનન્દને દ્વિગુણિત કરવાની હામ ભીડવાને તૈયાર છે.

આ બને તે પહેલાં મારે ભારે નમ્રતા કેળવવાની રહેશે. દાસત્વથી ઝૂકવું એના કરતાં નમ્રતાથી ઝૂકવું એમાં નાનમ નથી. જે કોઈને મારી મર્યાદાઓ નડી છે તેમનો હું ક્ષમાપ્રાર્થી છું. ‘મૌ સમ કોન કુટિલ ખલ કામી’ કહેવાની હદે તો હું જઈ શકું નહિ પણ સમ્બન્ધોમાં જ્યાં ગૂંચ ઊભી થઈ હોય ત્યાં એ ઉકેલવાની જવાબદારી બીજા પર નાખી દઈ શકું નહીં. કેવળ ઉગ્રતાના જોરે કશું સ્થાન પડાવી લેવાની હવે વૃત્તિ નથી. એથી ઊલટું, સહેજ સરખો અણગમાનો કે બીજી તરફ ઝૂકવાનો ઈશારો સરખો મળે ત્યાંથી કશો વિક્ષોભ ઊભો કર્યા વિના, ખસી જવાનું જ પસંદ કરીશ.

આ બધું હું કહું છું તે મારામાં જ રહેલું કશુંક સમજણપૂર્વકના સ્મિત સહિત સાંભળી રહ્યું છે. કેટલીક વાર આપણી ભૂલો જ આપણને આપણો સાચો પરિચય કરાવે છે. છતાં એવું કશુંક – હઠીલું મૂળ નાખીને પડ્યું હોય છે કે એકદમ ભૂલ સ્વીકારવાને બદલે એ ઝૂઝવા જ મંડી જાય છે. ગમે તેવું દુર્દમ્ય હોય તેને નિયન્ત્રિત તો કરવાનું જ રહેશે જ.

સ્મૃતિ એકાદ તણખા માત્રથી સળગી ઊઠે એવા કાષ્ઠના જેવી છે. કદિક સ્મૃતિની જાળ ભારે અટપટી લાગે છે. મનના ઘણા પ્રદેશમાંથી હું ગુપચુપ ભાગી છૂટ્યો છું. ત્યાં હજી મારો ભયનો પ્રચંડ પડછાયો ચોકીપહેરો ભર્યા કરે છે. બધી જટિલ વાતો છોડીને સાવ સરળ વસ્તુ તરફ જવાનું એટલું સહેલું નથી. મનની ગૂંચ ઉકેલવામાં સમય વેડફાઈ જાય છે તેય જીવનરીતિની જ ક્ષતિ ગણાય પણ એ ક્ષતિનું ઉગ્ર ભાન આત્મવંચના તરફ લઈ જાય તે ખોટું. આથી આત્મનિન્દાના લપસણા ઢાળથી સાવધ રહેવું જોઈએ. વેદનાનો સ્વભાવ પણ હકીકતની અતિશયોક્તિ કરવાનો છે, વળી વેદના પણ અહંકાર બહેકાવે છે. આવી ઉત્કટતા એવી હોવી જોઈએ જે સ્વસ્થતાનો ભોગ નહિ લે. ડહોળાએલી સંપત્તિને ઠરવા દેવાની ધીરજ રાખવી જોઈએ. બધું પારદર્શક બને પછી શૂન્ય દેખાય.

6-2-81

License

પ્રથમ પુરુષ એકવચન Copyright © by . All Rights Reserved.