થાક નામનો અતિથિ

શરીરમાં હવે એક અતિથિ લાંબા વખત સુધી ધામા નાખીને પડ્યા રહેવાની દાનતથી આવ્યો છે. એની દાનત તો એવી છે કે હવે હું એનું જ લાલનપાલન કરું. મારી ગતિ સામે એને વિરોધ, સ્થિતિ જ ગમે. એનું ચાલે તો આંખનાં પોપચાં પણ એ ઉઘાડવા ન દે! મારા પગ જાણે શરીરના નિરર્થક વિસ્તારરૂપ છે એવું મને સમજાવે છે. મારા હાથ કોકડું વળીને પડી રહે તે એને ગમે, બન્ને હાથ લંબાય તો વળી અજાણ્યા એક વિશ્વને પાછા લઈ આવે એવો એને ભય. એ અતિથિનું નામ છે થાક. એણે મારું આસન અને મારી મુખમુદ્રા બદલી નાખ્યાં છે.

એનાથી અજાણપણે મારું મન મારી સાથે ભળીને એક કાવતરું રચી રહ્યું છે. અમે ચિત્તના નેપથ્યમાં એક પંખી રચી રહ્યા છીએ. એની પાંખ રચાઈ જાય એટલી જ વાર છે. પછી અમે તો અન્તરીક્ષમાં વિહાર કરતાં થઈ જઈશું. મારા મુખ પર ચોંટેલી તારક રજ મને એક નવી દ્યુતિ અર્પશે. પાંખોમાં ઓગણપચ્ચાસ મરુતો પૈકીના નહિ એવા એક નવા મરુતને અમે લઈ આવીશું. ધરતી પર નથી એવી કોઈક આકાશકુસુમની સૌરભ પણ એની સાથે આવશે. એ પંખીનો માળો મારું શરીર બની રહેશે. એ પંખી એવું તો પાંખો પસારીને બેસશે કે એ અતિથિ માટે તસુભર જગ્યા નહિ રહે! હું અહીં રહ્યો રહ્યો અન્તરીક્ષના વાતાવરણમાં જીવતો થઈ જઈશ. પછી મારા શબ્દોનેય એ અન્તરીક્ષની આબોહવાનો પાસ બેસશે.

કોઈ સમજે કે ન સમજે, આપણને જીવવા માટે શબ્દોની બહુ જરૂર પડે છે. કોઈ જીવનભર શબ્દોથી દૂર ભાગતો ફરે, પણ મરણ વેળાએ માથું ટેકવવા માટેના ઓશીકાને સ્થાને એને શબ્દની જરૂર પડે! કોઈ વાર માનવી એમ માનતો હોય કે એ શબ્દ ઉચ્ચારતો નથી, પણ શબ્દ હોઠથી જ ઉચ્ચારી શકાય છે એમ માનવું તે ભ્રમ છે. નિ:શ્વાસ પણ ભાષાનું અંગ છે. આંખનાં પોપચાંની ઉઘાડબીડ પણ ભાષાની જ મુદ્રા છે. આંગળીનાં ટેરવાં જે લિપિ આલેખે છે તે એક ગુપ્ત સાંકેતિક ભાષા છે. જીવનભર કેટલાક હૃદયમાં વણઉચ્ચારાયેલા શબ્દો ભરી રાખે છે. એવાનું મૃત્યુ ખૂબ વાચાળ બની જાય છે. ઋષિમુનિ મૌન સેવીને તપ કરવા બેસે છે ત્યારે એમની આજુબાજુનાં વૃક્ષો પર પર્ણેપર્ણે એમના શબ્દો ઉચ્ચારાઈ જાય છે. માણસ દૂર દૂરની યાત્રાએ શા માટે જતો હશે? થોડાક શબ્દોને પામવા. અરે, મરણની યાત્રા પણ શબ્દાતીતના પ્રદેશમાં થોડા શબ્દો લઈ જવાને માટે જ નથી? સાંજે ઘરે પાછો ફરતો હોઉં છું ત્યારે હું એકલો પાછો ફરતો નથી, થોડાક શબ્દો મારી સાથે સાથે ચાલતા હોય છે. ઘણા શબ્દોને આપણે દ્વિદલની જેમ બે ભાગમાં વહેંચી નાખ્યા હોય છે. કોઈ વાર એવો અનુભવ નથી થતો કે પ્રેમ આપણને ‘હા’ અને ‘ના’ના છૂટા નહોતા પડ્યા એવા શબ્દલોકમાં લઈ જતો હોય?

પણ ઘણી વાર આપણે જ આપણા શબ્દો પ્રત્યે નિષ્ઠુર થતા હોઈએ છીએ. આપણે આંસુના ઘુમ્મટની છાયામાં આશ્રય લઈએ છીએ અને શબ્દોને સહેજ સરખો છાંયડો આપતા નથી. કોઈ વાર શબ્દનો સાથ આપણે એને દગો દઈને છોડી દઈએ છીએ. કેટલીક વાર શબ્દોને જૂની પોથીનાં પાનાંઓ વચ્ચે દબાઈ જઈને ચપટ થવા દઈએ છીએ. શબ્દાંકુરના પ્રરોહને આપણે જ અજાણતાં ટૂંપી નાખીએ છીએ. શબ્દોને પાંખ ફૂટે તે ઘણી વાર આપણને ગમતું નથી હોતું, શબ્દો સાથે બાખડવાનું કૌવત નથી હોતું ત્યારે આપણે મૌનનો મહિમા ગાવા બેસી જઈએ છીએ. છતાં આદિમાં તો શબ્દ જ હતો, અને ઋષિઓએ જોયો હતો, સાંભળ્યો નહોતો. થીજી ગયેલાં આંસુ જેવું બીજું કશું કઠોર નથી. મોટી મોટી કાળમીંઢ શિલાઓને જોઉં છું ત્યારે એ આંસુ સારનાર મુખ મારી દૃષ્ટિ સમક્ષ હું ખડું કરવા મથું છું. એમાંથી બધું તેજ હોલવાઈ ગયું હોય છે, એની કઠોરતા તે ઘુંટાયેલી ભંગુરતા જ છે. ઘણા સૂર્યોને એમાં ઠારી નાખ્યા હોય છે. હવે એ કોઈ બીજને ગર્ભમાં ઉછેરવા તત્પર નથી. જળનું આલંગિન હવે એને લલચાવી શકતું નથી. આથી જ તો હું શિલાઓને જોઈને સ્તબ્ધ બની જાઉં છું.

દરેક ગ્રીષ્મે મારામાં એક નવો ઉન્માદ સળકે છે. મનોજગત એની સીમાઓ બદલી નાખે છે. ‘મારું તારું’ના સ્પષ્ટ ભેદ ભુંસાઈ જાય છે. મારે વિશે પ્રથમ પુરુષ એકવચન વગર બોલવાની વ્યવસ્થા ઊભી કરવી પડે છે. મારામાં એક નવા જ પ્રકારની રિક્તતા છલકાઈ ઊઠે છે. એની વજનહીનતા જાણે હું અવકાશયાત્રી હોઉં એવી ભ્રાન્તિ ઊભી કરે છે. ઉન્માદને ત્રાજવે જગતનું જુદું જ માપ નીકળે છે. ઉન્માદની બારાખડી પણ જુદી હોય છે. પરિચિત સંજ્ઞાનું ખોળિયું ઉતાર્યા વિના એ શીખી શકાતી નથી.

દિવસભરની લીમડા, શિરીષ અને ગરમાળા-ગુલમહોર નીચેની છાયાઓને સંકેલીને હું મારા ખપ પૂરતા અન્ધકારનું પોત રચી લઉં છું. એ અન્ધકાર શીતળ છે, સુગન્ધી છે. એમાં કોયલના ટહુકાની ભાત છે. મારે મન રાત એટલે આ સુખદ અન્ધકાર. કોઈક વાર દિવસે પણ હું આ અન્ધકારમાં લુપ્ત થઈ જાઉં છું. પછી મારું ખોળિયું રાબેતા મુજબનો વ્યવહાર ચલાવ્યા કરે છે.

હવામાં પંખીઓની ચંચળતાનો આન્દોલિત ઝંકાર છે. ઉનાળાનો આવડો મોટો દિવસ એમને નાનો પડે છે. મળસ્કે ચાર વાગે ન વાગે ત્યાં ટહુકાઓ પ્રાત:સમયની નિ:શબ્દતાના પાત્રને છલોછલ ભરી દે છે. સવારે ઊઠું છું ત્યારે એ ટહુકાઓ મારા શ્વાસમાં ઓતપ્રોત થઈ ગયા હોય છે. આંગળીઓ તન્તુવાદ્ય જેવી બની ગઈ હોય છે. એ કશાકનો સ્પર્શ થતાં જ રણકી ઊઠે છે. ગ્રીષ્મના ટહુકાઓને કોઈ વાર ઉછેરીને બીજી ઋતુ માટે રાખવાનો લોભ જાગે છે. પણ પ્રકૃતિમાં પ્રાચુર્ય એટલું બધું છે કે મિથ્યા વ્યય જેવું ત્યાં કશું જ નથી.

ચારે બાજુ હું અશક્યતાઓથી ઘેરાયેલો છું. સામેના લીમડાનાં પાંદડાં આ જન્મે તો હું ગણી શકવાનો નથી. શિરીષના ફૂલની રેષા જેવી પાંખડી પણ હું ક્યાં ગણી શક્યો છું! ઘર પાસે પથરાતી છાયાઓનું ક્ષેત્રફળ હું કાઢી શક્યો નથી. આ વખતે શીમળાનું કેટલું રૂ ઊડ્યું તેનો મારી પાસે કશો હિસાબ નથી. બારીમાંથી કેટલું પ્રવેશ્યું અને કેટલું બહાર ગયું તેનોય મને કશો અન્દાજ નથી. અમારા બેમાં કોણ વધારે ચાલ્યું – હું કે મારો પડછાયો? એનો જવાબ પણ હું જાણતો નથી. કોઈ વાર સ્પર્શની લાલસા મને નદીની જેમ વહેતો કરી મૂકે છે. પછી હું મારામાંથી વહી જઈને કેટલા બધા ભૂમિભાગને, વૃક્ષોનાં મૂળને સ્પર્શી વળું છું! નદીના તરંગો મારે મન તો સ્પર્શના જ રોમાંચો છે. નદીના સ્પર્શના ઊંડાણમાં આખું આકાશ સંગોપી શકાય છે. કાંઠેના મન્દિરનું શિખર પણ નદીમાં આન્દોલિત થઈ ઊઠે છે. આન્દોલન વગરના સ્પર્શને હું કદી માણી શક્યો નથી.

સવારે બારણું ખોલતાં જ છાપાનો ઉકરડો ગંધાય છે. પછી ધીમે ધીમે આત્મીયતાની સોડમ ઘરમાં લહેરાવા લાગે છે. બ્રોડસ્કીની કે પોલ સેલાનની કવિતાને હું પ્રેમથી પંપાળું છું. રિલ્કેની છબિ જોઈને એની આંખોને તાગું છું. ચન્દન અને ધૂપસળીના નન્દનવનમાં ટહેલું છું. શીતળ જળના શરીર સાથેના સંયોગને ભોગવું છું એટલામાં તો બસ ચારે બાજુ સુખ જ સુખ લહેરાઈ રહે છે. એની અંજલિ ભરીને હું બહાર નીકળું છું.

13-5-78

License

પ્રથમ પુરુષ એકવચન Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.