કર્મહીનતાનું ઘેન

બાળપણના એ દિવસો યાદ આવે છે. દાદાનો નહાવાનો ને પૂજાપાઠનો લાંબો ગાળો મારે માટે ભારે સુખનો સમય હતો. એક દોઢ કલાકનો સમય મળતો. દાદાની પાવડી રડારનું કામ કરતી. એનો અવાજ નજીક આવે એટલે ચેતવણી મળી જતી. આ ગાળા દરમિયાન એમણે મારે માટે નિષિદ્ધ ગણેલાં પુસ્તકો ચોરીછૂપીથી હું વાંચી લેતો. સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતાની ‘નીલમ અને માણેક’ જેવી નવલકથા અનેક ખણ્ડોમાં વિસ્તરતી. કથાનો પટ ઉખેળાતો જતો ને રસમાં એવા તો ગરકાવ થઈ જવાતું કે આજુબાજુનું કશું ભાન રહેતું નહિ. એ જ અરસામાં ડાહ્યાભાઈ જાગીરદારની નવલકથાઓ પણ વાંચેલી. ‘કાળરાત્રિનું ખૂની ખંજર’ અને ‘જુલ્મી જલ્લાદ’નાં નામ તો મને હજી યાદ રહી ગયાં છે. હજી કોઈ જૂની લાયબ્રેરીમાં જવાનું થાય છે ત્યારે એ નવલકથાઓ શોધું છું. આજે આટલે વર્ષે એ નવલકથાઓ ખોલીને એનાં પૃષ્ઠોમાં આત્મવૃત્તાન્તની ખોવાઈ ગયેલી મારી એ મુગ્ધ આંખોનો અણસાર ફરીથી હું શોધું છું.

જાણું છું કે હવે એ સ્થાને પાછા ફરી શકવાનું નથી. પણ ત્યાર પછી મને અનેક રીતે મુગ્ધ કરી દેનારા કવિઓ અને લેખકો મળતા રહ્યા છે. ઘણી વાર એ શિશુસહજ મુગ્ધતાને આંચકો આપીને મને નિર્ભ્રાન્ત કરનારા સર્જકો પણ મળ્યા છે. ઘણી વાર એવો પણ સમય આવ્યો જ્યારે પુસ્તકો તરફથી આંખ ફેરવી લીધી છે. પુસ્તકો મને નર્યો અરક્ષણીય બનાવી મૂકે છે. અનેક પ્રકારના વિષાદ, સંઘર્ષ, સમસ્યા મારા પર આક્રમણ કરે છે. કોઈ ઈશ્વરને લુપ્ત કરી દે છે તો કોઈ ઈશ્વરને એના પૂરા દમામ સાથે પ્રગટ કરે છે.

હમણાં ખાસ્સો લાંબો ગાળો કશું ગમ્ભીર વાંચ્યા વિનાનો ગયો છે. કશું માંડીને બેસવાને હજી મન થતું નથી. કશીક ચંચળતાએ મનની આબોહવાને બદલી નાખી છે. ઉદ્ભિજની સૃષ્ટિમાં વધુ ને વધુ ઓતપ્રોત થતો જોઉં છું. જે ભૂમિખણ્ડ પર રહું છું તે ક્યારેક સમુદ્રના પેટાળમાં રહ્યો હશે, ક્યારેક એના પર લાવા રેલાઈ ગયો હશે. મન એકાએક પૃથ્વીના બાળપણના સમયમાં સરી જાય છે. સેવંતીની ખીલું ખીલું થતી કળી ચારપાંચ દિવસથી જોયા કરું છું. એ મીંઢી બનીને પોતાનું મન મને જાણવા દેતી નથી. ગુલાબ ઉમળકાથી ખીલતાં નથી. એમને જાણે અહીં પરાણે પકડી આણ્યાં હોય એવી એમની મુખમુદ્રા જોઈને હું મને દોષિત ગણતો થઈ જાઉં છું.

થોડા દિવસ એવા પણ આવ્યા હતા જ્યારે બ્રહ્મસૂત્ર અને આચાર્યોનાં ભાષ્યો લઈને બેસી ગયો હતો. ઈશ્વર અને બ્રહ્મ તો નિમિત્ત છે, એ મિષે મન એનો વ્યાયામ કરે છે ને એનાથી સુખ પામે છે. રાતે ઊંઘ નથી આવતી ત્યારે બારીમાંથી રેલાઈ રહેતી કૃષ્ણપક્ષની પાંખી ચાંદનીને મારા પર પ્રસરી રહેલી જોઉં છું. હજી ક્યાંક એ ભૂતકાળનો સુખનો રોમાંચ સજીવન થવા મથી રહ્યો હશે એવું અનુભવું છું. જાગૃતિ, તન્દ્રા, સ્વપ્ન આ બધાં ઓતપ્રોત થઈને એક નવું જ પોત વણે છે.

કોઈક વાર કશીક કર્મહીનતાનું ઊંડું ઘેન ચઢતું લાગે છે. બહુ જ પ્રિય એવું પુસ્તક હાથમાં લઉં છું. એ ઘણી વાર વાંચ્યું છે, માણ્યું છે, પણ હવે મનમાં કશો ભાવ ઊઠતો નથી. એની લિપિ મને સાવ અજાણી લાગે છે. જાણે એક્કેય અક્ષર ઉકેલી શકાતો નથી. પુસ્તક બંધ કરી દઉં છું. મન કંઈક ખિન્ન થઈ જાય છે. મને થોડો ઉપાલમ્ભ પણ આપું છું, કચવાઉં છું. કોઈક મળવા આવે છે. થોડી વાર ગુમસુમ બેસી રહું છું. એ મારે વિશે જે વાત કરે છે તેને કારણે તો હું મને પોતાને વધુ ને વધુ અજાણ્યો લાગવા માંડું છું. એથી એક વિલક્ષણ પ્રકારની હળવાશ અનુભવું છું. વર્ષોના વીતવા સાથે મારે વિશેની સંઘરાતી જતી સમજનો ભાર લઈને જીવતો રહ્યો. કોઈ મારા પર આક્રમણ કરે તો ઘણી વાર મને મારો બચાવ કરવાનો ઉત્સાહ થાય નહિ એવી પણ ક્ષણો આવે છે. મારે વિશેની ગેરસમજ સુધારી લેવાની મારી ‘પવિત્ર’ ફરજ ગણાય, પણ હવે મને એ બધો હિસાબ રાખવાનું ગમતું નથી. આ ગેરસમજો મને મારી આગળ જ નવે રૂપે રજૂ કરે છે. હું મને જ કંઈક કુતૂહલથી જોઈ રહું છું. આને ઘણાં બાઘાઈ ગણે છે. પણ આવી બાઘાઈ એ એક વિરલ ગુણ છે. અમુક માત્રામાં નિલિર્પ્તતા કેળવી હોય છે તો જ એ શક્ય બને છે.

ઘણી વાર મારું શરીર કશાક વ્યાધિની મદદ લઈને ભારે વિચિત્ર પરિસ્થિતિ ઊભી કરી દે છે. ત્યારે આંખો જુદી જ રીતે બધું જોતી થઈ જાય છે, શરીરને એક નવું જ વજન પ્રાપ્ત થાય છે. મારા બોલવાનો રણકો જ ફરી જાય છે! ફરજોની યાદી ભુંસાઈ જાય છે. નિયમિતતાનો વ્યતિક્રમ થાય છે, ધીમે ધીમે શરીર અરાજકતા ફેલાવવાનું કાવતરું કર્યે જાય છે. મારું મન મને આની સામે ચેતવ્યા કરે છે, પણ એય આખરે પરવશ થતું જાય છે. મને લાગે છે કે હું મારાથી જ ખૂબ ખૂબ દૂર નીકળી ચૂક્યો છું. મગજને એક ખૂણે ગડી વાળીને મૂકેલો. મારાપણાની ભૂગોળને ઓળખાવનારો નકશો હવે ઓળખાય એવો રહ્યો નથી.

આ સ્થિતિમાંથી ફરી પાછા સ્વાસ્થ્યની દિશામાં આવવાનું હંમેશાં સુખદ હોતું નથી. તન્દુરસ્ત માણસની બધી જ ફરજો મને પાછી વળગી પડે છે. ફરી જવાબદાર માણસની જેમ વર્તવા લાગું છું, મારે વિશેની અમુક એક સમજને જ પાકી કરીને એને જ વળ ચઢાવતો રહું છું. આ બધાં સ્થિત્યન્તરો દરમિયાન મારો એનો એ ચહેરો હું એનો એ જ છું એવી, વ્યવહારને માટે જરૂરી, ભ્રાન્તિ જાળવી રાખે છે. આમ છતાં કોઈ વાર લોખંડના કબાટમાંનું દર્પણ અને પાસેની બારીનો કાચ મારાં જુદાં જુદાં બે પ્રતિબિમ્બોથી મને ઘેરી લે છે.

‘આ આ જ છે’ની દૃઢ પ્રતીતિ આપણો કેટલો મોટો આધાર છે! કોઈક વાર, કશાક અકળ કારણથી, બધું અસ્તવ્યસ્ત થઈ જાય છે ત્યારે સમયના તંતુ પણ ગૂંચવાઈ જાય છે. બધું એકાએક અટપટું બની જાય છે. આંખો પર વિશ્વાસ બેસતો નથી. કશુંક બોલવા જઈશ અને એ જો મને મારાથી દૂર ફેંકી દેશે તો! આ ભયથી હું મૂગો જ થઈ જાઉં છું. આવી વેળાએ શૂન્યમનસ્ક બનીને જોતાં બેસી રહેવા સિવાય બીજું શું કરવાનું રહે?

હવે લાંબા સમયથી ધૂળ ખાતાં પડેલાં એ પુસ્તકો તરફ પાછા ફરવાનું મન થાય છે. પણ એ ઘડીને કોણ જાણે શાથી હું પાછી ઠેલ્યા કરું છું. આ દરમિયાન કોઈક ને કોઈક જોડે ગમ્ભીર ચર્ચા કરવાનું નાટક તો ચાલતું જ રહ્યું છે. નકામી વાતો ચગળવાનો આનન્દ પણ જતો નથી કર્યો. કોઈ વાર નરી આળસને પંપાળતો રહ્યો છું. સમયનાં બન્ધન મને હંમેશાં અકળાવી મૂકે છે. મને એમ લાગતું હતું કે નિયત સમયે કરવાના કામમાંથી હવે હું છૂટી ગયો છું. પણ હવે મને સ્પષ્ટ સમજાય છે કે એ મારી ભ્રાન્તિ હતી.

સંગીત મને આત્મવિલોપનની કેડીએ લઈ જાય છે, એથી જ્યારે કશું જ સૂઝતું નથી ત્યારે હું સંગીતને શરણે જાઉં છું. પણ કેટલાક ભય એવા હોય છે કે જેને સંગીતના આ લય વધારે ઘનીભૂત કરે છે. હા, એથી સમય હળવો બની જાય છે; પણ કોઈક વાર આ હળવાશ જ ભયનું ઉદ્દીપન બની રહે છે. એથી ક્યાં ને ક્યાં ફંગોળાઈ જવાશે એવો ભય રહે છે. એના કરતાં કંટાળાની સ્થિતિમાં મને ક્યારેક વધુ સલામતી લાગે છે. એ મને અમુક એક બિન્દુએ સ્થિર કરી રાખે છે.

ફિલસૂફીનો પણ કોઈક વાર મને કવિતા જેવો જ કેફ ચઢે છે. પછી એમાંથી છૂટવાનો સભાનપણે પ્રયત્ન કરવો પડે છે. એ ઘણી વાર મારે મન આજુબાજુ સભાનપણે ભુલભુલામણી ઊભી કરીને એમાંથી છૂટવાનો રસ્તો શોધવાની રમત જેવી બની રહે છે. કવિતામાં કોઈ વાર મન બહુ સુખદ રીતે ઓગળતું જાય છે. આ દ્રવીભૂત થવાનું સુખ મને ગમે છે. પણ હંમેશાં એવું બનતું નથી. કોઈક વાર કવિતા એક નવી જ વિભીષિકા આજુબાજુ ઊભી કરી દે છે. એકાદ પંક્તિ એવી વળગી પડે છે કે એનાથી છૂટવાનું અઘરું થઈ પડે છે.

કોઈક વાર દિવસ રસળતી ગતિએ આસાનીથી પૂરો થાય છે. ત્યારે હિસાબ-કિતાબ કરવાના રહેતા નથી, બાકી પુરાંત ખેંચવાની રહેતી નથી. પણ કોઈક દિવસ એવો ઊગે છે જે સવારથી જ મને ગભરાવી મૂકે છે. એની ધૂર્તતાને હું પામી શકતો નથી. એ ક્યારે પૂરો થાય એની હું રાહ જોયા કરું છું. એવા દિવસે એકાન્ત ગમતું નથી. ઘણા માણસો આવે, કશીક ગપસપ ચાલ્યા કરે, અર્થહીન વાતોના ગબારા ઊઠ્યા કરે તો જ સલામતી લાગે.

ભ્રમણતૃષા શમી નથી, પણ શરીર પાછળ ઢસડાતું ઢસડાતું આવે છે. આથી એની મજા રહેતી નથી. કેવળ જોઈ રહેવાનું સુખ મેં ખોયું નથી. સાંજ ઢળે છે ને તડકાનું પોત બદલાય છે. પારિજાતની ડાળ પર બુલબુલ અને દૈયડનો ઝઘડો ચાલે છે. જાસૂદની કળી અર્ધુંપર્ધું બોલીને અટકી ગઈ છે. હું આથમતા સૂરજના પ્રકાશમાં સ્મૃતિઓને ભેળવી દઉં છું.

19-11-81

License

પ્રથમ પુરુષ એકવચન Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.