આત્મવિલોપન

આ ઋતુ વિશે બધેથી ફરિયાદ સંભળાય છે. પણ લોકો તો ઉત્સવઘેલાં થઈને આ આસોની રઢિયાળી રાતોને માણી રહ્યાં હોય તેવું લાગે છે. સૂર્ય હજી સુખસેવ્ય બન્યો નથી. ચૈત્રવૈશાખનું આકરાપણું છોડતાં એને વાર લાગે છે. જેમ દિવસ આગળ વધે છે તેમ એ એનું પોત પ્રકાશે છે. ગણપતિના આગમન સાથે જ ઉત્સવનું આગમન થાય છે, પછી તો ઉત્સવોની ધારા અસ્ખલિત દિવાળી સુધી ચાલે છે. આ સૂચવે છે કે આ દેશની પ્રિય ઋતુ વર્ષા છે.

આમેય તે મોટે ભાગે વિદ્યાપીઠોમાં અનધ્યાયનું જ પ્રાબલ્ય વધ્યું છે, છતાં હમણાં તો એનું મોટું મોજું આવ્યું હોય એવું લાગે છે. મારું મન થોડું ખિન્ન છે. દૈયડના ટહુકા હવે સંભળાતા નથી. મોર, ચાસ, પચનક અને હુદહુદ તો હવે આ તરફ દેખાતાં જ નથી. હવે ખંજન અબાબીલ આવશે. આ ઋતુમાં આ બધા સાથે આકાશી લીમડાના લાંબી દાંડીવાળાં સુગન્ધી ફૂલોની સ્મૃતિ પણ સંકળાયેલી છે. સોનગઢના કિલ્લાની ગઢીમાં સીતાફળીઓ પર ફૂલ બેસી ગયાં છે. ગઢીમાં સીતાફળીની ખબર કાઢવા ગયો ત્યારે જાણ્યું કે હવે તો સીતાફળના સારા પૈસા ઊપજે છે એટલે પહેલાંની જેમ સ્વેચ્છાએ સીતાફળ તોડી લઈ શકાય નહિ! બાળપણનાં ફળ તો એ જ – બોર અને સીતાફળ.

કોઈક વાર વાળેલી મૂઠીઓ ખોલતાં એમાંથી એકાએક શૂન્યને ઘૂઘવી ઊઠતું સાંભળું છું. પદાર્થોની ભીડ અવકાશને હડસેલ્યા કરે છે. આ રીતે હડસેલાયા કરતો અવકાશ રાત્રે મને ઘેરી વળે છે. એની ચારે બાજુની કોર ચોળાઈ ગયેલી હોય છે. પદાર્થોના દાબના ડાઘા એના પર પડ્યા હોય છે. એમાંથી જે કાંઈ અકલુષિત રહ્યો હોય તે અવકાશને હું મૂઠીમાં સાચવી રાખું છું – બાળપણનું ખજાનો સાચવવાનું મુખ્ય સાધન તે બંધ મૂઠી. ખિસ્સાં તો હોય કે નહિ હોય, ઘણું ખરું તો કાણાં જ થઈ ગયેલાં હોય. પછી એ મૂઠી જ સ્વરક્ષણનું ને આક્રમણનું શસ્ત્ર બની જાય! હવે થોડા વધુ અવકાશની જરૂર વર્તાયા કરે છે. વપરાઈ ચૂકેલા વાસી અવકાશથી મને મારામાં સમાવવા પૂરતોય અવકાશ નથી મળતો ત્યારે હું જ કેટલો બધો મારી બહાર ફેંકાઈ જાઉં છું, અવકાશમાં બે અવકાશયાનનું જોડાવું સહેલું છે, પણ આપણામાંથી જ ફેંકાઈ ગયેલા આપણા જ અંશ સાથે સંધાઈ જવાનું એટલું સહેલું નથી. આપણે અવકાશને ઉચ્છિષ્ટ કરી મૂકીએ છીએ. એને જોઈએ તેટલા પ્રમાણમાં રિક્ત રાખી શકતા નથી. ફૂલનું હોવું અવકાશ પર કશો અત્યાચાર ગુજારતું નથી. રિલ્કેએ ગુલાબને ખૂબ ચાહ્યું છે તે આટલા જ ખાતર. રાત્રિના અન્ધકારમાં બિન્દુઓ ગુલાબના છોડનાં મૂળ સુધી ઊતરી જાય. પછી એ અન્ધકારના પર સંસ્કાર કરીને આખરે એને ગુલાબી મુલાયમ રૂપે પરિવતિર્ત કરી નાખવામાં આવે. પણ આપણે તો ક્યારનાય આવાં રૂપાન્તરો સિદ્ધ કરવાની સર્જકતા થાકીહારીને છોડી બેઠા હોઈએ છીએ. બહારથી આપણા તરફ ફેંકાયેલો ક્રોધ આપણામાં કજળીને ધુમાયા કરે છે. આપણી આંખમાં ઝમેલાં આંસુના જ દ્રવ્યમાંથી આનન્દને ઉપજાવવાનું આપણાથી બની શકતું નથી. આથી ક્રોધમાં આપણને વીરત્વ દેખાય છે, આંસુનુંય આપણે ગૌરવ લેતા થઈ જઈએ છીએ.

મારા ‘હું’ની સમ્પત્તિ ઘણી બધી તો મને જગત પાસેથી જ મળે છે. પછી હું એની ઉપેક્ષા શી રીતે કરી શકું? આ દરજીડો ટિહૂકટિહૂક કરે છે, એના શ્લોકની બાકીની બે પંક્તિ તો મારામાં જ રહેલી છે. રાત્રે મારું લોહી જગતમાં સ્પન્દિત લય સાથે એનો પ્રાસ શી રીતે મેળવી આવે છે તે હજી ક્યાં મને સમજાયું છે! આથી જ મને લાગે છે કે કવિતા જે કરે છે તે વાણીવિલાસ નથી, એ જીવનને પૂર્ણ કરવાનો એક અદ્ભુત પુરુષાર્થ છે. કવિતા વગરના કોઈને રાખવા તે સૌથી મોટો અત્યાચાર છે.

જાણું છું કે ચારે બાજુ વિકટ સમસ્યાઓ છે, એ પૈકીની ઘણીના છેડા મને પણ અડે છે. ઘણી વાર હોઠ પર આવેલા શબ્દો પાછા ખેંચી લઉં છું, એ શબ્દો જીવે એવું વાતાવરણ દેખાતું નથી. ઘણી વાર ગેરસમજનો જ આધાર લઈને સમ્બન્ધોની જાળ ગુંથાતી હોય છે. ઘણી વાર હું કેવળ મારો બચાવ કરીને ટકી રહેવા સિવાય બીજી કશી પ્રવૃત્તિ કરી શકતો નથી. મારે વિશેની નિર્મમતા સિદ્ધ કર્યા વિના કશીય આસક્તિને દૃઢમૂળ કરવાની ભૂમિ રચી શકાવાની નથી તે જાણવા છતાં એ બની શકતું નથી. હૃદય નાનામોટા ઉચાટને સંઘર્યા કરે છે.

આમ છતાં આ બધાંમાં જ દટાઈ જવાની જડતા હજી આવી નથી તે સાચું છે. હજી જાત સાથેનો સંઘર્ષ ચાલ્યા કરે છે. એના જે સાક્ષી છે તે જ જાણે છે કે મારું ગજું કેટલું છે. આથી એઓ એથી વિશેષની મારી પાસે અપેક્ષા રાખતા નથી. એમની આ ઉદારતા અને સહિષ્ણુતાના આધારે મારું ભવિષ્ય ટકી રહ્યું છે. ઘણી વાર નમ્રતાથી બોલવાની વાતનો ધ્વનિ તોછડો બની જાય છે. અનુશોચનીય માણ્યા કરવાની વૃત્તિ થઈ જાય છે. પણ હવે મૂઠી ખોલી નાખી છે. એમાં જે હતું તે નૈવેદ્ય રૂપે બીજાને ધરવા માટેનું હતું, બીજાઓથી બચાવીને મારે માટે સાચવી રાખવાનું નહોતું.

આસોના આ ઉજમાળા દિવસો ધાન્યની પરિપૂર્ણતાના દિવસો છે. ધાન્ય લણાઈ ચૂક્યા પછીનાં ખેતરોની સાર્થક રિક્તતાને માણનારા દિવસો છે. આ ઋતુ તો એવી છે કે વિષાદની જ નરી ખેતી કરી હોય તોય આનન્દનાં ફળ આપે. કૃતજ્ઞતાના ભાવથી હૃદય કૃતાર્થ છે. જાત સાથે સંઘર્ષસમાધાન કર્યા કરવાના ઉધામા ઘડીભર મૂકી દઈને આ કૃતાર્થતાના ભાવને ઘનીભૂત કરવાનું મન થાય છે.

ઘણા પ્રારમ્ભો કરવાનું આ મુહૂર્ત છે. હું ધનતેરસની રાહ જોવા જેટલી ધીરજ ધરાવતો નથી. બે શબ્દ હળવામળવા જેટલા નિકટ આવી ગયા હોય તો એ ક્ષણ જ એક શુભ મુહૂર્ત નથી બની રહેતી? પણ આનન્દની આ પળે જ મને આત્મવિલોપનનો મહિમા સમજાય છે. સમ્બન્ધોમાં હું મારા પર જ ધ્યાન કેન્દ્રિત કરું ને બીજું ગૌણ લેખું તો એ જ મારી અવમાનના છે તે હું સમજું છું. શરદના આ દિવસો મને એક નવી જ સાધનાને માર્ગે વાળે છે.

5-10-79

License

પ્રથમ પુરુષ એકવચન Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.