૭. વૉશિંગ્ટન–જી.એ.ઓ. (૧૯૭૬ – ૧૯૯૭)

૧૯૫૭માં સાવરકુંડલા છોડ્યું પછી વૉશિંગ્ટન સિવાય ભાગ્યે જ કોઈ જગ્યાએ હું આટલાં બધાં વર્ષો રહ્યો હોઈશ. મુંબઈ, ઍટલાન્ટા, ગ્રીન્સબરો, બેટન રુજ, પીટ્સબર્ગ—આ બધાં શહેરોમાં તો કામ પતાવીને ભાગવાની જ વાત હતી. પણ જ્યારે ૧૯૭૬માં વૉશિંગ્ટન આવ્યો ત્યારે થયું કે અહીં લાંબું રહેવા મળે તો કેવું સારું! સદ્ભાગ્યે એવું જ બન્યું. અને આ લખાય છે ત્યારે મને અહીં વૉશિંગ્ટનમાં ચાલીસ વર્ષ થશે. લાગે છે કે બાકીની જિંદગી હવે અહીં જ જશે.

મેં આગળ જણાવ્યું તેમ અમેરિકાનું મને પહેલેથી જ આકર્ષણ હતું. હોલીવુડની મૂવીઓએ મને અમેરિકાનું ઘેલું લગાડ્યું હતું. મુંબઈમાં દરરોજ ચર્ચગેટના સ્ટેશન પર ટ્રેનમાંથી નીકળતાં જ સામે ઇરોઝ દેખાય. હોલીવુડની નવી નવી મૂવીઓ ત્યાં જોવા મળતી. સ્ટેશનથી થોડું ચાલો તો જમણી બાજુ અમેરિકન લાઇબ્રેરી જોવા મળે. મુંબઈની પરસેવે રેબઝેબ કરતી ગરમીમાં એનું એરકન્ડિશનિંગ તો ગમતું જ, પણ ત્યાં અમેરિકન મૅગેઝિન અને છાપાં જોવા મળતા. આગળ ઉપર જણાવ્યું તેમ અમેરિકન સરકેરામા જોતાં થયેલું કે આવા દેશમાં રહેવા મળે તો કેવું!

અમેરિકામાં પણ વૉશિંગ્ટનનું બહુ ઘેલું હતું. ૧૯૬૩માં મેટ્રો સિનેમામાં મેં પ્રેસિડેન્ટ કેનેડીના ફ્યુનરલની ન્યૂઝ રીલ જોયેલી. તેમાં થોડું ઘણું વૉશિંગ્ટન જોવા મળેલું. સામાન્ય રીતે મૂવી શરૂ થાય એ પહેલા ન્યૂઝ રીલ બતાવવામાં આવે. આ કેનેડી ન્યૂઝ રીલથી લોકો એટલા પ્રભાવિત થયેલા કે મૂવીને બદલે ખાસ તો એ ન્યૂઝ રીલ જોવા જતાં! એમાં પણ કેનેડીનું કોફીન પસાર થતું હતું ત્યારે જેકવેલીન કેનેડીએ વાંકા વળી નાના દીકરા જ્હોનને સલામ ભરવાનું કહ્યું અને જ્હોનને સલામ ભરતો જોઈ આખા થિયેટરમાં તાળીઓનો ગડગડાટ થઈ ગયેલો તે મને હજી યાદ છે. એક વારથી નહીં ધરાતા હું તો બીજી વાર ખાસ ન્યૂઝ રીલ જોવા માટે મૂવીમાં ગયેલો. જો કે આજે યાદ પણ નથી કે એ કઈ મૂવી હતી!

અમેરિકામાં મેં જ્યારે કાર લીધી ત્યારે પહેલી ટ્રીપ મેં વૉશિંગ્ટનની જ કરેલી. કેપીટોલ બિલ્ડીંગ જ્યાં કૉંગ્રેસ (અહીંની પાર્લામેન્ટ) બેસે છે ત્યાંથી માંડીને ઠેઠ લીંકન મેમોરિયલ સુધી એકાદ માઈલમાં પથરાયેલો એનો ભવ્ય મૉલ, વ્હાઇટ હાઉસ, વૉશિંગ્ટન, લિંકન, જેફરસન, જેવા મહાન પ્રમુખોના સ્મારકસમા મોન્યુમેન્ટ અને મેમોરિયલ, લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ, સ્મિથસોનિયન મ્યુઝિયમ વગેરે મારે જોવાં હતાં. ત્યાં વસતા અને કામ કરતા જાણીતા સેનેટર અને કૉંગ્રેસમેન અને વોલ્ટર લિપમેન જેવા વિખ્યાત કોલમિસ્ટને મળવું હતું. કોંગ્રેશનલ હીયરીંગ્સમાં જઈને બેસવું હતું.

૧૯૬૫ના ગાળામાં સેનેટર ફુલબ્રાઈટે ફૉરેન રિલેશન્સ કમિટીમાં વિએટનામની વોર વિશે જે હિયરીન્ગ્સ કર્યા હતા તે મેં ટીવી ઉપર જોયેલા. કલાકો સુધી સેક્રેટરી ઓફ સ્ટેટ ડીન રસ્ક કેન્ટ સિગરેટ ફૂંક્યે જાય અને સેનેટરોને પોતાના મોનોટોનસ ટોનમાં જરા પણ ઉશ્કેરાયા વગર જવાબ આપ્યે જાય. ત્યારે એમ પણ થયેલું કે મને કોઈ દિવસ આવા હિયરીંગમાં ટેસ્ટીફાય કરવા મળશે ખરું? પછી જ્યારે જ્યારે હું કૉંગ્રેસમાં ટેસ્ટીફાય કરતો ત્યારે સેક્રેટરી રસ્કના વિએટનામ હિયરીન્ગ્સ યાદ કરતો. એવી જ રીતે વૉશિંગ્ટનની પ્રેસ કૉન્ફરન્સ ટીવી પર જોતો ત્યારે મને થતું કે મને પ્રેસ કૉન્ફરન્સ ભરવાનો મોકો મળશે? વૉશિંગ્ટન, ત્યાં પહોંચું તે પહેલાં આમ મારી રગેરગમાં વસી ગયું હતું.

આજે ચાલીસ વરસના વસવાટ પછી પણ મને વૉશિંગ્ટનનું ઘેલું ગયું નથી. વૉશિંગ્ટનના સી.એફ.ઓ. થયા પછી મારી ઑફિસ પેન્સિલ્વેનિયા એવન્યૂ પર હતી. એ એવન્યૂના એક ખૂણે કેપિટોલ હિલ જ્યાં હાઉસ અને સેનેટ બેસે. અને બીજે ખૂણે વ્હાઈટ હાઉસ. દર ચાર વર્ષે ચૂંટાતા પ્રમુખનું કેપિટોલ સ્ટેપ્સ પર ઇનોગ્યુરેશન થયા પછી આ જ એવન્યૂ ઉપર ભવ્ય પરેડ નીકળે જે વ્હાઈટ હાઉસ સુધી પહોંચે. લંચ ટાઈમે ઘણી વાર હું એવન્યૂ પર આંટા મારવા નીકળતો.

૯/૧૧ના હત્યાકાંડ પછી વૉશિંગ્ટનમાં સિક્યુરિટી ખૂબ વધી ગઈ. પણ એ પહેલાં તો તમે કેપિટોલ બિલ્ડીંગમાં ઠેઠ ઉપર સુધી જઈ શકો. ત્યાં ઉપરથી પશ્ચિમ બાજુ નજર નાખો તમને આખોય મોલ દેખાય. મોલની જમણી બાજુ વ્હાઈટ હાઉસ, વચમાં અમેરિકાના પહેલા પ્રેસિડેન્ટ વૉશિંગ્ટનના સ્મારકનો ઊંચો સ્થંભ, એની પાછળ વળી પાછો મોલ અને રીફ્લેક્ટિંગ પૂલ અને છેવટે લિંકનનું ભવ્ય મેમોરિયલ. એ મેમોરિયલના પગથિયાં પરથી સિવિલ રાઈટ્સ મુવમેન્ટના અગ્રણી નેતા માર્ટીન લ્યુથર કિંગે એમનું યાદગાર ‘I have a dream’ પ્રવચન આપેલું. કેપિટોલ ઉપરથી બીજું શું દેખાય? પ્રેસિડેન્ટ જેફરસન અને રૂઝવેલ્ટના તેમ જ બીજા વિશ્વયુદ્ધ અને વિએટનામના યુદ્ધનાં સ્મારકો, વિશ્વવિખ્યાત સ્મિથસોનિયન મ્યુઝિયમનાં અનેક બિલ્ડીંગો, અને વચમાં વહેતી પટોમક નદી—આ બધાયનો પેનોરેમિક વ્યૂ મળે. કેપિટોલની પૂર્વમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટ અને લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ જોવા મળે.

અમેરિકાના જાહેર જીવનમાં આ મોલ એક વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. દર ચાર વર્ષે જાન્યુઆરીની વીસમી તારીખે કેપિટોલ સ્ટેપ્સ પર જે ઇનોગ્યુરેશન થાય તે જોવા હાડકાં ભાંગી નાખતી ઠંડીમાં પણ લોકો લાખોની સંખ્યામાં મોલ પર આવે. દર વર્ષની ચોથી જુલાઈએ પણ એવી જ મોટી સંખ્યામાં લોકો મોલ પર સ્વતંત્ર દિનની ઉજવણી કરે. અને તે દિવસે રાત્રે આખાયે આકાશને ઝળહળ અજવાળી દેતું ફટાકડાંઓનું ફાયર વર્કસ જુએ. સિવિલ રાઈટ્સ, ગે રાઈટ્સ, બ્લેક લોકોની ‘મીલીયન મેન માર્ચ’ જેવી અનેક મુવમેન્ટસ માટે પણ લોકો અહીં ભેગા થાય અને પોતાની વાત અમેરિકન પ્રજા અને તેના પ્રતિનિધિ કૉંગ્રેસમેન, સેનેટર, પ્રમુખ વગેરે સામે રજૂ કરે.

દેશમાંથી અને બહારગામથી આવતા મુલાકાતીઓને આ બધું હું હોંશેહોંશે બતાડતો. બને તો વ્હાઈટ હાઉસ અને કેપિટોલની ટૂર પણ ગોઠવતો. એમને લિંકન મેમોરિયલ તો અચૂક લઈ જતો. મનુભાઈ પંચોળી ‘દર્શક’ અને ઉમાશંકર જોશી બન્ને ત્યાં જઈ લાગણીવશ થઈ ગયેલા તે યાદ છે. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લઈ જેલ ભોગવી આવેલા ગાંધીયુગના આ અગ્રણી સાહિત્યકારો માટે ગુલામોના મુક્તિદાતા લિંકનનું વિશેષ મહત્ત્વ હોય તે સમજી શકાય. દર્શકે તો અમેરિકાની સિવિલ વોર અને લિંકન વિશે નવલકથા લખી છે. ઉમાશંકર જોશીએ એ જ સિવિલ વોરમાં જાતને હોમી દેનાર આ મહાન પ્રમુખને ‘મહામના લિંકન’ નામના એક સૉનેટમાં અંજલિ આપી છે. લિંકન મોન્યુમેન્ટ જોયા પછી ત્યાં પટોમક નદીને કિનારે હરિયાળા ઘાસ પર અમે ઉમાશંકર જોશી સાથે બેઠા હતા ત્યારે મેં એમને સહજ કહ્યું કે થોડાં વરસ પહેલા અમે સુરેશ દલાલ સાથે અહીં જ આવીને બેઠેલા. કવિ કહે તો હવે સુરેશ જોષીને લઈ આવો તો એમાં અમે બે ફરી આવી જશું!

જીએઓની ફેલોશીપ

જીએઓની મારી ફેલોશીપ તો માત્ર એક જ વરસની હતી. અહીં આવતાં જ મેં વિચાર કર્યો કે અહીં હંમેશ કેમ રહી શકાય? અને ધારો કે જીએઓમાં જો ન રહી શકાય તો બીજે ક્યાંય સગવડ થાય? વૉશિંગ્ટનમાં ઘણી કૉલેજ અને યુનિવર્સિટીઓ હતી. એક તો કાળા લોકોની વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી હતી. અહીં ક્યાંય પીટ્સબર્ગ જેવું રિસર્ચનું તીવ્ર ‘પબ્લીશ ઓર પેરીશ’નું વાતાવરણ ન હતું. એમાં કંઈક આપણું થઈ શકે?

એ વિચારે મેં અહીંની અમેરિકન યુનિવર્સિટીમાં સાંજના પાર્ટ ટાઈમ પ્રૉફેસર તરીકે અપ્લાય કર્યું. એ લોકોની તરત હા આવી. એ બલિહારી પણ ઍકાઉન્ટિંગ પીએચ.ડી.ની તંગીની હતી. મારા જેવો આવો અનુભવી અને એકાંઉન્ટીંગમાં પીએચ.ડી. થયેલો પ્રૉફેસર તેમને ક્યાંથી મળવાનો હતો? વધુમાં જેમ હું પીટ્સબર્ગમાં વિદ્યાર્થીઓમાં કલાસ રૂમ ટીચર તરીકે પોપ્યુલર હતો, તેમ અહીં અમેરિકન યુનિવર્સિટીમાં પણ થોડા સમયમાં પોપ્યુલર થઈ ગયો. મારી ક્લાસ રૂમની પોપ્યુલારિટીની વાત ફેલાવા લાગી. વિદ્યાર્થીઓ મારા ક્લાસ આતુરતાથી ભરવા લાગ્યા. બિઝનેસ સ્કૂલના ડીને મને મળવા બોલાવ્યો અને કહ્યું કે વરસ પછી જ્યારે તમારી જીએઓની ફેલોશીપ પૂરી થાય અને તમારે જો પીટ્સબર્ગ પાછું ન જવું હોય, અને વૉશિંગ્ટનમાં રહી જવું હોય તો તમને ફુલ ટાઈમ જોબ આપવા અમે તૈયાર છીએ!

મને તો ભાવતું’તું અને વૈદ્યે કીધું. મેં એમનો આભાર માન્યો અને કહ્યું કે એ વાતનો હું જરૂર વિચાર કરીશ. હજી તો હું હમણાં જ વૉશિંગ્ટન આવ્યો છું. અને ફેલોશીપનું કામ કરવા આતુર છું. પણ આ બારી ઊઘડી એ મને ગમ્યું, જો પીટ્સબર્ગમાંથી છૂટવા માટે અને વૉશિંગ્ટનના મોહે હું અમેરિકન યુનિવર્સિટીમાં જોબ લઉં તો પણ આખરે તો યુનિવર્સિટીનું જ વાતાવરણ તો ખરું ને? મારી નજર તો જીએઓના જોબ ઉપર હતી. જો જીએઓમાં યેન કેન પ્રકારેણ જોબ મળી જાય તો યુનિવર્સિટીના રેકેટમાંથી મારો જાન છૂટે. આ આશયે જીએઓની ફેલોશીપના કામમાં લાગી ગયો.

આગળ જણાવ્યું એ મુજબ જીએઓ કોન્ગ્રેશનલ એજન્સી છે. એનું મુખ્ય કામ કૉંગ્રેસને એના કાયદા ઘડવાના કામમાં મદદ કરવાનું. કૉંગ્રેસની જુદી જુદી કમિટીઓ જીએઓને એમના હાથ નીચેની એજન્સીનું ઑડિટ કરવાનું સોંપે. નવા કાયદાઓ ઘડે એ પહેલાં જીએઓને એ વિશે અભ્યાસ કરવા કહે, અને માર્ગદર્શન માગે. હું જ્યારે જીએઓમાં હતો ત્યારે કૉંગ્રેસની જોઈન્ટ કમિટી ઑન ટૅક્સેશન જેનું કામ કંપનીઓના ટૅક્સેશનને લગતા કાયદાઓનો અભ્યાસ કરીને કૉંગ્રેસની ટૅક્સ પોલિસી ઘડવાનું હતું, તેણે જીએઓને વિનંતી કરી કે ઇન્સ્યૂરન્સ કંપનીઓના ટૅક્સેશન વિશે એ રિપોર્ટ તૈયાર કરે અને સલાહ આપે કે એ કાયદાઓમાં શું ફેરફાર કરવા જોઈએ. ઇન્સ્યૂરન્સ કંપનીઓના ટૅક્સેશનને લાગુ પડતો ટૅક્સ કોડ બહુ અટપટો અને અનેક પ્રકારની ગૂંચવણો ભરેલો હતો. ઇન્સ્યૂરન્સ કંપનીઓ એ ગૂંચવણોનો લાભ લઈ મોટા ભાગે કરવેરા ભરવાનું ટાળતી. કમિટીનું કહેવું હતું કે એ કોડને સરળ બનાવી શકાય ખરો? એ કંપનીઓને એમના ભાગનો ટૅક્સ ભરતી કેમ કરી શકાય? આ બાબતનો રિપોર્ટ તૈયાર કરવાનું જે પ્રોફેશનલ ટીમને સોંપાયું તેની જવાબદારી મને સોંપવામાં આવી.

આ રિપોર્ટ તૈયાર કરવા માટે અમેરિકના ઇન્સ્યૂરન્સના ધંધાની અને એની મુખ્ય કંપનીઓનોની દેશની ઈકોનોમી ઉપર શું અસર છે તેનો મેં અભ્યાસ કર્યો. એ કંપનીઓના ટેકસેશનમાં જે કાંઈ સુધારાવધારા થાય તેની લાઈફ, પ્રોપર્ટી, ઓટોમોબાઈલ વગેરેના ઇન્સ્યૂરન્સનો ધંધો કરતી કંપનીઓ અને ગ્રાહકો પર શું અસર થાય તે અમારે ખાસ જાણવું હતું. એ રિપોર્ટ તૈયાર કરવા મારે ઇન્સ્યૂરન્સ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને અને એના લોબીઇસ્ટ, અર્થશાસ્ત્રીઓ અને ધંધાના એકેડેમિક નિષ્ણાતો વગેરેને વારંવાર મળવાનું થતું. મારી ટીમ સાથે આ બધો અભ્યાસ કરતાં એક વરસ તો ક્યાંય નીકળી ગયું, અને રિપોર્ટ પૂરો કરતા બીજા છસાત મહિના નીકળી જાય એવું લાગ્યું.

જીએઓના ઉપરીઓએ મને વિનંતી કરી કે હું આ રિપોર્ટ પૂરો થાય ત્યાં સુધી મારી ફેલોશીપ લંબાવીને જીએઓમાં રહી શકું ખરો કે? મેં કહ્યું કે મારે પીટ્સબર્ગ જઈને ડીનને મળવું જોઈએ. એ જો મને એક વરસ વધુ રહેવાની છૂટ આપે તો હું જરૂર જીએઓમાં રહીને આ કામ પૂરું કરીશ. હું પીટ્સબર્ગ ગયો. ડીનને મળ્યો અને મારી મૂંઝવણની વાત કરી. વધુમાં કહ્યું કે આ રિપોર્ટ દ્વારા ઇન્સ્યૂરન્સ જેવા અગત્યના ધંધાના ટૅક્સેશનને બદલાવી સરળ કરવાની આ મોટી તક છે. જો એમની રજા હોય તો જીએઓમાં એક વરસ વધુ રહું. એમ પણ કહ્યું કે આપણી યુનિવર્સિટીનો એક ફેકલ્ટી મેમ્બર જો આવું અગત્યનું કામ કરે તેમાં યુનિવર્સિટીની પણ ખ્યાતિ વધશે.

હાર્વર્ડ જેવી ઉચ્ચ કક્ષાની યુનિવર્સિટીના પ્રૉફેસરો છાશવારે વૉશિંગ્ટન જાય અને ફૅડરલ ગવર્નમેન્ટમાં વરસ બે વરસની અપોઈન્ટમેન્ટ લે અને પાછા યુનિવર્સિટીમાં આવી જાય. પ્રેસિડેન્ટ કેનેડીએ પ્રૉફેસર જ્હોન કેનેથ ગાલ્બ્રેથને અમેરિકન એમ્બેસેડર થઈને ઇન્ડિયા જવાનું કહ્યું ત્યારે આ રીતે હાર્વર્ડમાંથી એ બે વરસની રજા લઈને ઇન્ડિયા આવ્યા હતા. દરેક અમેરિકન પ્રેસિડેન્ટના ઇકોનોમિક એડવાઈઝર્સ સામાન્ય રીતે યુનિવર્સિટી પ્રૉફેસરો જ હોય છે. એ બધા મોટે ભાગે વરસ બે વરસની રજા લઈને વૉશિંગ્ટન જાય અને પાછા આવી જાય. આવા બધા દાખલા દલીલ લઈને હું ડીનને મળવા ગયો હતો. પણ એવું કંઈક કહેવાની જરૂર ન પડી. ડીન મારી વાત તરત સમજ્યા. મને હા પાડી, પણ મને ચેતવણી પણ આપી કે આનાથી વધુ એક્સ્ટેંશન નહીં મળે. જો હું આ પછી એક વરસમાં પાછો નહીં આવું તો મારો પીટ્સબર્ગનો જોબ જશે. મેં હા પાડી અને કહ્યું કે હું એમની વાત સમજુ છું. એમ પણ કહ્યું કે મારી ઇચ્છા તો અહીં પાછા આવવાની જ છે. જુઓ, હજી પીટ્સબર્ગમાં મારું ઘર છે જ!

જીએઓમાં પરમેનન્ટ જોબ મળ્યો

વૉશિંગ્ટન પાછો આવી ઇન્સ્યૂરન્સ ટૅક્સેશનનો રિપોર્ટ તૈયાર કરવામાં લાગી ગયો. બીજા છએક મહિના પછી રિપોર્ટ તૈયાર થયો. કૉંગ્રેસના સ્ટાફ અને મેમ્બર્સને આ રિપોર્ટ વિશે બ્રીફ કર્યા. અમારા રિપોર્ટે જે સુધારાવધારા સૂચવ્યા હતાં તે જો કાયદામાં મૂકવામાં આવે તો સાતેક બીલિયન ડોલરનો વધુ ટેક્ષ ઇન્સ્યૂરન્સ કંપનીઓએ આપવો પડે. એ વાત એમને ગમી. એ બાબતના હિઅરિન્ગ્સ નક્કી થયા. જીએઓના ઉચ્ચ અધિકારીઓ સાથે મેં આ કોન્ગ્રેશનલ હિઅરિન્ગ્સમાં જઈને જુબાની આપી. ઇન્સ્યૂરન્સ કંપનીઓમાં મારી ખ્યાતિ પ્રસરી ગઈ કે ગાંધીથી ચેતતા રહેવું. એણે તૈયાર કરેલા રિપોર્ટથી આપણે હવે વધુ ટૅક્સ આપવો પડશે. કૉંગ્રેસમાં પણ કમિટી સ્ટાફના લોકોએ મને કહ્યું કે જે કામ તમે ઇન્સ્યૂરન્સ કંપનીઓના ટેક્શેશન કર્યું એવું જ કામ ડીફેન્સ કોન્ટ્રેકટર્સ માટે કરો. એ કંપનીઓ પણ પૂરતો ટૅક્સ ભરતી નથી. જીએઓના ઉચ્ચ અધિકારીઓ મારા કામનું મહત્ત્વ સમજ્યા. મને કહે કે તમને અમે અહીં ઊંચી કક્ષાનો જોબ આપવા માગીએ છીએ. મને તો ભાવતું’તું ને વૈદ્યે કીધું.

જેવો જીએઓનો પરમેનન્ટ જોબ નક્કી થયો કે હું દોડીને પીટ્સબર્ગ ગયો. ડીનને મળ્યો, અને રાજીનામું આપ્યું. કહ્યું કે વૉશિંગ્ટનમાં ટૅક્સેશનના ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ આવું અગત્યનું કામ કરવાની તક મને મળે છે તે મારાથી ન જવા દેવાય. એમણે મારે માટે પીટ્સબર્ગમાં જે સગવડ કરી આપી હતી, એમની મારે માટે જે ભલમનસાઈ હતી તે માટે મેં એમનો આભાર માન્યો. હું પીટ્સબર્ગ યુનિવર્સિટી છોડતો હતો તે એમને ગમ્યું નહીં, પણ એ મારી વાત સમજી શક્યા. મારું રાજીનામું સ્વીકાર્યું. એમ પણ કહ્યું કે ભવિષ્યમાં વૉશિંગ્ટન ન ફાવ્યું અને એકેડેમિક દુનિયામાં પાછું આવવું હોય તો મને જણાવવું!

સીનિયર ફેકલ્ટી મેમ્બર્સ જે નાકનું ટેરવું ઉપર ચડાવીને ફરતા અને મારા જેવા નવાસવાની સામે જોતા પણ નહીં, તે એકાએક મારી સાથે વિવેકથી વાતો કરવા મંડ્યા, મારા ખબરઅંતર પૂછતા થઈ ગયાં! એમ પણ મને કહ્યું કે વૉશિંગ્ટનના મારા કામકાજમાં એમની જો મદદની જરૂર પડી તો જણાવવું! એ લોકો તો માની જ ન શક્યા કે હું વૉશિંગ્ટનમાં જઈને આવું અગત્યનું કામ કરી શક્યો અને જીએઓમાં ઉચ્ચ કક્ષાનો જોબ મેળવી શક્યો. નવા ફેકલ્ટી મેમ્બર્સ જે મારી સાથે યુનિવર્સિટીમાં જોડાયેલા તેમાંથી ઘણાએ મને ખાનગીમાં કહ્યું પણ ખરું કે એમને માટે પણ જો વૉશિંગ્ટનમાં કોઈ વ્યવસ્થા થઈ શકે તો જરૂર કરવી!

વૉશિંગ્ટનમાં પરમેનન્ટ જોબ મળ્યો એનો અર્થ એ થયો કે મારે હવે પીટ્સબર્ગનું ઘર જે ભાડે આપ્યું હતું તે વેચીને વૉશિંગ્ટનમાં ઘર લેવું જોઈએ. છેલ્લાં બે વરસથી વૉશિંગ્ટનમાં અમે ભાડાના અપાર્ટમેન્ટમાં રહેતાં હતાં. પીટ્સબર્ગના ઘરમાં જે રહ્યો સહ્યો સામાન હતો તે વળી પાછો યુ હોલના મોટા વેગનમાં ભર્યો. ઘર વેચવા મૂક્યું. પીટ્સબર્ગને બાય બાય કરી, અમે વૉશિંગ્ટન ભણી વેગન ચલાવ્યું.

‘હેરી ધ હોમ ઓનર’

અમેરિકામાં ઘર લેવું વેચવું એ ભારે માથાકુટિયું કામ છે. મહિનાઓ નીકળી જાય, ખાસ કરીને ઘર લેવામાં. ઘર લેતી વખતે જ્યાં આપણે મૂવ થવાના છીએ ત્યાં સંતાનોની સ્કૂલ કેવી હશે તેની મુખ્ય ચિંતા. સ્કૂલમાં ભણતર કેવું હોય, કયા પાઠ્યપુસ્તકો વાપરવાં, કેવા ટીચર રાખવા વગેરે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બધા પ્રશ્નો લોકલ ગવર્નમેન્ટ નક્કી કરે. સંતાનોનાં માબાપો એ બધી બાબતમાં જબરો રસ લે. બધાને ખબર હોય છે કે જો સંતાનો નબળી સ્કૂલમાં જશે તો એમને સારી કૉલેજમાં એડમિશન મળવું મુશ્કેલ પડશે. કાઉન્ટી સરકારના પ્રોપર્ટી ટૅક્સ આ સ્કૂલ સિસ્ટમનો ખર્ચ કાઢવામાં વપરાય.

અમેરિકા જેવી વિશ્વસત્તાની રાજધાની હોવા છતાં વૉશિંગ્ટન એક શહેર તરીકે નાનું ગણાય. મુંબઈના એક પરા કરતાં પણ એની વસ્તી (લગભગ ૭૦૦,૦૦૦) ઓછી. લોકો આજુબાજુના પરાંઓમાંથી સવારમાં ત્યાં કામ કરવા આવે અને સાંજના ઘરે પાછા જાય. મોટા ભાગના લોકો અહીં ફૅડરલ ગવર્નમેન્ટ સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા હોય. કાં તો સરકારી નોકર હોય, અથવા કન્સલ્ટન્ટ હોય કે લોબીઇસ્ટ હોય. ફૅડરલ ગવર્નમેન્ટમાં કામ કરતા બ્યુરોક્રેટ્સ મોટે ભાગે વર્જિનિયા અને મેરીલેન્ડ નામના બાજુમાં આવેલા રાજ્યોમાં વસે. ખાસ તો વર્જિનિયાની ફેર્ફેક્સ અને મેરીલેન્ડની મોન્ટગોમરી નામની કાઉન્ટીઓમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ અને બીજો પૈસાદાર વર્ગ વસે. ત્યાં સ્કૂલો બહુ સારી. પાર્ક્સ, લાઇબ્રેરીઓ જેવી સગવડો પણ સારી. સ્વાભાવિક રીતે જ ત્યાં ઘર મોંઘાં હોય. અમને થયું કે સંતાનોનું ભણતર એમના ભવિષ્ય માટે ખૂબ અગત્યની વાત છે. વૉશિંગ્ટન શહેરની પોતાની સ્કૂલો ખરી, પણ પ્રમાણમાં એનું ધોરણ ઘણું નીચું. એવી જ રીતે બાજુમાં આવેલી પ્રિન્સ જ્યોર્જ કાઉન્ટીની સ્કૂલો પણ બહુ સારી ન ગણાય.

આ બાબતમાં રંગભેદ પણ ઘૂસેલો ખરો. વૉશિંગ્ટન શહેર અને પ્રિન્સ જ્યોર્જ કાઉન્ટીમાં કાળા માણસોની બહુમતિ. એમની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાને કારણે ત્યાં સ્કૂલો, લાઇબ્રેરી, પાર્ક્સ વગેરે જાહેર સુવિધાઓ માટે ખર્ચો કરવાની સગવડ ઓછી. આ કારણે એ વિસ્તારોમાં ઘર પ્રમાણમાં સસ્તાં મળે. ઘરો કેટલાં મોંઘાં છે તે વિચારવાનું રહ્યું. નલિની તો બાળઉછેરમાં પડી હતી. એની કોઈ આવક નહોતી. એક જ પગારમાંથી મોર્ગેજ ભરવાની અને ઘર ચલાવવાની વાત હતી. છતાં એક વાત સ્પષ્ટ હતી કે જ્યાં સ્કૂલો સારી હોય ત્યાં જ ઘર લેવું. મોંઘું હોય તો પણ. વિચાર્યું કે કરકસરથી રહીશું, પણ સંતાનોનું ભવિષ્ય અગત્યનું છે.

વધુમાં દરરોજ ગાડી ચલાવીને ઑફિસ જવાનું છે એટલે ટ્રાફિકનો પણ ખ્યાલ રાખવો જરૂરી હતો. રોજના કમ્યુટીંગ માટે અમેરિકામાં વૉશિંગ્ટનનાં પરાંઓનો ટ્રાફિક બહુ ખરાબ ગણાય. દરરોજના બબ્બે કલાક ગાડીમાં આવવા જવામાં જાય. લોકો સવારના છ વાગે ઘરેથી નીકળે તો પણ ટ્રાફિકમાં ફસાય! આ બાબતમાં વધુ તપાસ કરતા ખબર પડી કે મેરીલેન્ડ કરતાં વર્જિનિયાનો ટ્રાફિક વધુ ખરાબ. તેથી અમે વર્જિનિયા પડતું મૂકી ને મેરીલેન્ડની મોન્ટગોમરી કાઉન્ટીમાં ઘર શોધવાનું નક્કી કર્યું.

અનેક ઘર જોયા પછી, ચાર બેડરૂમ, બેઝમેન્ટ અને એકાદ એકરના યાર્ડવાળું ઘર પસંદ કર્યું. મોન્ટગોમરી કાઉન્ટીના સિલ્વરસ્પ્રિંગ નામના વિસ્તારમાં સ્ટોનગેટ નેબરહુડમાં ઘર હતું. પાડોશમાં મોટા ભાગના રહેવાસીઓ યહૂદી લોકો હતા. યહૂદી લોકો એમના સંસ્કાર, ધર્મપ્રીતિ, રીતરિવાજો, અને ભણતર માટે જાણીતા. યુરોપ અને અમેરિકાની ઔદ્યોગિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રગતિમાં યહૂદી લોકોનો મોટો ફાળો. ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધના ગાળામાં નાઝી ત્રાસમાંથી બચવા યુરોપમાંથી ભાગીને જે યહૂદી લોકો અમેરિકામાં આવ્યા હતા તેમના મહાન પ્રદાનનો જોટો મળવો મુશ્કેલ છે.

પાડોશની સ્કૂલમાં બન્ને બાળકોને દાખલ કર્યા. બાળકો ચાલતાં ચાલતાં જઈ શકે એટલી નજીક સ્કૂલ હતી. વળી બાજુમાં પાડોશનો સ્વીમીંગ પુલ હતો. અમારાં બન્ને સંતાનો એની સ્વીમીંગ ટીમમાં જોડાઈ ગયાં. એમના શારીરિક વિકાસમાં સ્વીમીંગ ખૂબ લાભદાયી નીવડ્યું. સ્વીમીંગ પુલમાં આખા નેબરહુડના છોકરાઓ ભેગા થાય. તેમનામાં અનેકની સાથે તેમની જે મૈત્રી થઈ તેથી આડોશપાડોશમાં એમની અવરજવર વધી. અમારા કરતાં સંતાનો પાડોશમાં વધુ ભળી ગયા. પાડોશના લોકો અમને અપૂર્વ અને સોનાના માબાપ તરીકે ઓળખતા. ધીમે ધીમે છોકરાઓ સાથે સાથે અમે પણ પાડોશમાં ભળી ગયા.

અમેરિકામાં યાર્ડ સાથેનું મોટું ઘર ચલાવવું એ માથાકૂટની વાત છે. વિન્ટરમાં બરફ પડે તે શવલ કરવાનો, સમરમાં ઘાસ કાપવાનું, યાર્ડને સાફસૂફ અને સ્વચ્છ રાખવાનું, ઘરનું રૂફ રીપેર કરવાનું, રંગરોગાન કરવાના—આવાં આવાં કામો કરવામાં જ અમારા વિકેન્ડ જાય. આ તો ઘરની બહારની વાત થઈ. આવડું મોટું ઘર હોય તો એને અંદરથી સ્વચ્છ અને સાફ રાખતાં નાકે દમ આવી જાય. આવું બધું કામ કરનારા માણસો મળી રહે, પણ એ તો બહુ મોંઘા પડે એટલે જાતમહેનત જિંદાબાદ કરીને લોકો જાતે જ આવું બધું કામ કરે. એ ઉપરાંત ઘરમાં ડીશ વોશર, ડ્રાયર, ટીવી, સ્ટવ, રેફ્રીજરેટર જેવા જે અનેક ગેજેટ હોય છે તે તૂટી-ફૂટી જાય કે ચાલે નહીં ત્યારે એ બધા રીપેર કરતા આપણને આવડવું જોઈએ, નહીં તો એના મોંઘાદાટ રીપેરમેન બોલાવવા પડે.

એક વાર ઘર લીધા પછી અમેરિકામાં જેને ‘હેરી ધ હોમ ઓનર’ કહે છે તેની જેમ હું પણ હાર્ડવેર સ્ટોરમાં આંટા મારતો થઈ ગયો. મોટે ઉપાડે ટૂલ બોક્સ લીધું પણ હેન્ડીમેન બનવામાં હું સર્વથા નિષ્ફળ નીવડ્યો. એટલું જ નહીં પણ જે જે કામ કોઈ પણ અમેરિકન માટે રૂટીન હોય છે, જેમ કે કારનું ઓઈલ બદલવું, કે ફ્લૅટ ટાયરને રીપ્લેસ કરવું, તે પણ કરવું મારે માટે મુશ્કેલ હતું. આ બતાવે છે કે મારું અમેરીકાનાઈજેશન હજી એટલું અધૂરું હતું. પરિણામે આ બધું બીજાઓ પાસેથી મોંઘા ભાવે કરાવી લેતો. મારી આ અણઘડતા મને કઠતી. આ બાબતમાં નલિની મને વઢતી. છતાં કોણ જાણે કેમ પણ એવું બધું શીખવાની મારી તૈયારી જ નહોતી.

સામાજિક સંબંધો

વૉશિંગ્ટન એરિયામાં ઘણાં ગુજરાતી કુટુંબો વસતાં હતાં. એમના કેટલાક અગ્રણી ગુજરાતીઓને વૉશિંગ્ટન એરિયાનો પહેલો ગુજરાતી સમાજ સ્થાપવો હતો. તે પ્રયાસમાં મેં મદદ કરી. તેવી જ રીતે અન્ય ભાષી ભારતીયોના સહકારથી અમે એક ઇન્ડિયન અસોશિએશન પણ સ્થાપ્યું. વૉશિંગ્ટનની જેમ જ ન્યૂ યૉર્ક, ફિલાડેલ્ફિયા, બોસ્ટન વગેરે શહેરોમાં પણ ગુજરાતી સમાજો અને ઇન્ડિયન અસોશિએશનો સ્થપાવા માંડ્યાં. આ બધાંનું એક રાષ્ટીય અસોશિએશન કરવામાં પણ મેં મદદ કરી. આ બધી પ્રવૃત્તિઓને કારણે અમારું મિત્રવર્તુળ ઘણું વધ્યું.

૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં આવેલા ભારતીયો બહુધા ડૉક્ટર, એન્જિનિયર, ફાર્મસીસ્ટ, કે અકાઉન્ટન્ટ એવા પ્રોફેશનલો હતાં. પોતાની ધંધાકીય સૂઝ અને પ્રોફેશનલ કૌશલ્યથી એ બધા અમેરિકન ઇકોનોમીમાં બહુ સારી રીતે ગોઠવાઈ ગયાં. આ પહેલી પેઢીના ભારતીયોનું પ્રોફેશનલ અને ઇકોનોમિક એસીમીલેશન જો સારી રીતે થયું, તો બૃહદ્ અમેરિકન સમાજમાં એ સહેલાઈથી ભળી શક્યા નથી. એમના રીતરિવાજો, માન્યતાઓ, ધર્મપ્રથાઓ, ખોરાક, પોશાક વગેરેને કારણે એ જુદા તરી આવતા હતા.

દેશથી હજારો માઈલ દૂર વસતા હોવાથી પોતે એકલા ન પડી જાય એ માટે એમણે અનેક મંડળો અને ધાર્મિક સંસ્થાઓ ઊભી કરી. જેમજેમ અહીં ભારતીયોની વસ્તી વધતી ગઈ તેમ તેમ અહીં મંદિરો, ગુરુદ્વારાઓ, અપાસરાઓ અને આશ્રમો બંધાવા માંડ્યાં. સ્વામીનારાયણ સંસ્થાએ શિકાગો, ઍટલાન્ટા, હ્યુસ્ટન વગેરે શહેરોમાં જે મંદિરો બાંધ્યાં છે તેની ભવ્યતા ખરે જ અસાધારણ છે. આ મંદિરોમાં અને અન્ય ઠેકાણે થતી ધાર્મિક પ્રવૃત્તિઓ કારણે દેશમાંથી અનેક સાધુ, ગુરુ, સ્વામી, ઉપદેશકો વગેરે અહીં દર સમરમાં આવીને ઊભા જ હોય. દિવાળી, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, વૈશાખી, કાલીપૂજા વગેરે ઉત્સવો ભભકાથી અહીં ઉજવાય છે. એમાંય નવરાત્રિના દિવસોમાં તો રાસ રમવા માટે ન્યુ જર્સી જેવા સ્ટેટમાં જ્યાં ગુજરાતીઓની વસતી વધુ હોય છે ત્યાં તો વિશાળ તંબૂઓ તણાય અને મોડી રાત સુધી હજારો લોકો રાસ ગરબા રમે. એ માટે દેશમાંથી ગાયકો અને સંગીતકારો ખાસ આવે અને ગામે ગામે ફરે. આ સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક અને ધાર્મિક મંડળોને કારણે અમેરિકામાં વસતા ભારતીયોની રોજબરોજની જિંદગી, ખાસ કરીને વિકેન્ડમાં પ્રવૃત્તિઓથી ધમધમી રહે છે.

એટલું જ નહીં પણ અહીં વસતા ગુજરાતીઓ, મરાઠીઓ વગેરે વિવિધ ભાષીઓની એટલી તો વસ્તી વધી ગઈ છે કે એ બધા દર વરસે બે વરસે પોતાના સમ્મેલનો યોજે જેમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહે. એવું જ જુદા જુદા ધર્મના અનુંનાયીઓનું. આવાં સમ્મેલનોમાં દેશમાંથી પ્રધાનો, સ્વામીઓ, ગુરુઓ, બૉલીવુડના લોકો આવે અને મોટો ઉત્સવ કરે. દર પંદરમી ઓગસ્ટે ન્યૂ યૉર્કમાં ઇન્ડિયા-ડે ઉજવાય. એની મોટી પરેડ નીકળે જેમાં બૉલીવુડની કોઈ એક્ટ્રેસ આવી જ હોય. તે ઉપરાંત ન્યૂ યૉર્કના મેયર અને બીજા અધિકારીઓ પણ હાજરી આપે.

અહીંની વિધવિધ સામાજિક પ્રવૃત્તિઓને કારણે નલિનીને વૉશિંગ્ટન ખૂબ ગમ્યું. એક તો એને મોટું ઘર મળ્યું જે એ પોતાની ઇચ્છા મુજબ સજાવી શકે. અમે લોકો તો મુંબઈની ચાલીની એક જ ઓરડીમાં રહ્યા હતા. જે અમારી ઓરડી હતી તેની સાઈઝ અમારા ઘરના માસ્ટર બેડરૂમથી પણ ઓછી! વધુમાં ઘરનું મોટું બેજમેન્ટ પણ એને ખાસ ગમ્યું. ત્યાં એ મોટી પાર્ટીઓ કરી શકે. અમારા મિત્રોમાં લગભગ બધાંને ત્યાં નાનાં બાળકો હતાં. વારંવાર થતી પાર્ટીઓને કારણે અમારાં બાળકોને એમની ઉંમરનાં અનેક મિત્રો મળી ગયાં. એ મૈત્રી એમણે આજ સુધી જાળવી રાખી છે. આ મૈત્રીમાંથી કેટલાકને એમના ભવિષ્યના જીવનસાથીઓ પણ મળ્યાં! મિત્રોએ સગાંઓની ગરજ સારી. પાર્ટીઓને કારણે સંબધો બંધાયા. આમ અમે પરદેશમાં રહીએ છીએ એવી લાગણી ઓછી થઈ.

આ સ્ટોનગેટનું ઘર મારા જીવનમાં ઘણું અગત્યનું છે. ૧૯૭૯માં એ ઘર લીધું. અમારા દામ્પત્યનાં, અરે, અમારી જિંદગીનાં વધુમાં વધુ (ત્રીસ) વરસો આ ઘરમાં જ ગાળ્યાં. અમારા બન્ને સંતાનો ત્યાં મોટાં થયાં અને અમે એમને ત્યાંથી જ પરણાવ્યાં. શું દેશમાં કે શું અમેરિકામાં અત્યાર સુધી જ્યાં જ્યાં હું રહ્યો છું ત્યાં મને હંમેશ ઉભડક હોવાની લાગણી થઈ છે. જ્યાં જ્યાં હતો ત્યાં બધે થતું કે મારે અહીંથી નીકળવાનું છે. પણ વૉશિંગ્ટનમાં સ્ટોનગેટનું ઘર લીધું ત્યારે મને પહેલી જ વાર થયું કે બસ અહીં ઠરીઠામ થવું છે.

જે ઘરમાં અમે ત્રીસ વરસ રહ્યા, જ્યાં અમારાં સંતાનો ઉછર્યાં અને જ્યાંથી એ પરણ્યાં, જ્યાં મારા બા, બહેન, મારા અને નલિનીના ભાઈ અને તેમના ફેમીલીઓ દેશમાંથી આવીને રહ્યા, જ્યાં અનેક જાણીતા અણજાણીતા મહેમાનો ઊતર્યા, જ્યાં ખ્યાતનામ ગુજરાતી સાહિત્યકારો—મનુભાઈ પંચોળી, ઉમાશંકર જોશી, નિરંજન ભગત, બકુલ ત્રિપાઠી, સુરેશ દલાલ, હરીન્દ્ર દવે—વગેરે આવીને રહ્યા, જ્યાં સાહિત્ય અને સંગીતના અનેક કાર્યક્રમો થયા, જ્યાં અનેક પાર્ટીઓ થઈ, તે ઘર ૨૦૦૯માં મેં વેચ્યું. નલિનીના નિધન પછી એ ઘરમાં મારે માટે રહેવું મુશ્કેલ થઈ પડ્યું. જાણે કે આખું ઘર મને ખાવા ધાતું હોય એમ લાગતું. બન્ને સંતાનોએ તો પોતપોતાના ઘર વસાવ્યાં હતાં. આવડા મોટા ઘરની કોઈ જરૂર ન હતી. મેં નક્કી કર્યું કે આ મોટું ઘર અને શહેરમાં લીધેલું નાનું કોન્ડોમીનિયમ બન્ને વેચી દેવાં અને મોટું અને સારું કોન્ડોમીનિયમ શહેરમાં લઈ લેવું જે પછી મારું હંમેશનું મુકામ બને.

નલિનીનું દુઃખદ નિધન

નલિનીના બધાં ભાઈ બહેનોને હૃદય રોગ અને ડાયાબિટીસ જાણે કે વારસામાં જ મળ્યાં હતાં. એ બધાં પચાસ સાઠની ઉંમરે ગુજરી ગયેલા. દેશમાં એમની આર્થિક પરિસ્થિતિને કારણે યોગ્ય સારવાર પણ નહોતી થઈ શકી. અમેરિકા આવ્યા પછી નલિની અને તેનો એક ભાઈ જેને અમે અમેરિકા બોલાવેલો હતો તે બન્નેને વૉશિંગ્ટનના ઉત્તમ ડૉક્ટરોની દેખરેખ નીચે અહીંની અદ્યતન હૉસ્પિટલોમાં પૂરતી સારવાર મળી છતાં ૨૦૦૯માં નલિનીનું મૃત્યુ થયું ત્યારે એની ઉંમર ૬૯ની અને એનો ભાઈ જે પછી છ જ મહિનામાં ગુજરી ગયો તેની ઉંમર ૬૫ની. ૬૦ની ઉંમર પછી આ વારસાગત રોગોને કારણે નલિનીની તબિયત લથડી હતી. પાછલાં વરસો તો ડૉક્ટરોની ઑફિસો અને હૉસ્પિટલોમાં આંટા મારવામાં જ ગયા.

નલિનીનું અને મારું ૪૭ વર્ષનું દામ્પત્ય વર્તમાન અમેરિકન દૃષ્ટિએ ઘણું લાંબું ગણાય, છતાં એ સર્વથા પ્રસન્ન હતું તેવું કહેવાનો હું દંભ હું નહીં કરું. અમારા દામ્પત્યના શરૂઆતનાં વર્ષો ખૂબ કપરાં હતાં. આગળ જણાવ્યું તેમ લગ્ન થતાં જ અમારે જુદાં રહેવું પડ્યું. મુંબઈમાં અમારી રહેવાની વ્યવસ્થા નહીં થઈ શકી તેથી મારે એને દેશમાં મોકલવી પડી. એ જ્યારે મુંબઈ આવી ત્યારે પણ અમે દર ત્રણ મહિને સેનિટોરિયમ બદલાવતાં ઘણું રઝળ્યાં. જ્યારે ઓરડી મળી ત્યારે પણ અમે બંને હૂતોહૂતી સાથે એકલાં કદી રહી શક્યા નથી. એક તો નાની એવી ઓરડી અને એમાં કોઈને કોઈ ઘરમાં સાથે હોય જ. અમારે જે પ્રાઇવસી જોઈતી હતી તે મળી જ નહીં. મુંબઈના શરૂઆતના વર્ષોમાં તો નોકરી સાથે હું કાં કંઈ ભણતો હોઉં અથવા ટ્યુશન કરતો હોઉં તેથી સવારના વહેલો નીકળું. સાંજે મોડો ઘરે આવું ત્યારે થાકેલો હોઉં. ઓછાં પગારની નોકરીમાં ખૂબ કરકસરથી ઘર ચલાવવાનું, દૂર પરાંમાં નાની ઓરડીમાં સાંકડુંમાંકડું રહેવાનું, દેશમાંથી આવેલો તીતાલી ભાઈ વળી એ ઓરડીમાં સાથે—આમ લગ્ન પછીના શરૂઆતનાં અમારાં વર્ષો આનંદ અને ઉલ્લાસમાં નહીં પણ સંયુક્ત કુટુંબની કચકચમાં અને ઘસરડાં કરવામાં ગયા. આ બધું ઓછું હોય એમ પ્રથમ પુત્ર જન્મતાં જ મૃત્યુ પામ્યો.

હું અમેરિકા ભણવા આવ્યો ત્યારે વળી પાછું નલિનીને એકલું રહેવું પડ્યું. એના અમેરિકા આવ્યા પછી પણ મારું વધુ ભણવાનું તૂત તો ચાલુ જ હતું. અહીંયા મારું પીએચ.ડી. કરવા અને સારી નોકરી કરવા શોધવા માટે અમે ઘણું રખડ્યાં. દેશના અને અહીંના મારા રઝળપાટમાં મેં નલિનીને ઘણો અન્યાય કર્યો છે. મેં એના ગમાઅણગમા ભાગ્યે જ વિચાર કર્યો છે. કોઈ પણ ભારતીય સ્ત્રીની જેમ એને પણ એનું લગ્ન ધામધૂમથી કરવું હતું, તે મેં ન કરવા દીધું. મેં મારી સુધારાની ધૂનમાં સાદાઈથી સિવિલ મેરેજ કર્યા. આમ દાંપત્યની શરૂઆતથી માંડીને આખી જિંદગી એને ગમે કે નહીં તે છતાં મેં મારું જ ધાર્યું કર્યું છે એને સાથે ઘસડી છે. આવા સંઘર્ષમય જીવનમાં પણ એણે રતન જેવા બે સંતાનોને ઉછેર્યાં, ભણાવ્યાં અને પરણાવ્યાં. આજે એ સંતાનોને ઘરે તેમના રતન જેવાં સંતાનો છે. આ બધાનો યશ નલિનીને જ જાય છે. શું દેશમાં કે શું અમેરિકામાં હું હંમેશ મારી કરિયર બનાવવામાં જ પડ્યો હતો. મોટે ઉપાડે આ કરવું અને તે કરવું એવી ઘેલછા ઝાઝી, આવડત ઓછી અને મારી મહત્ત્વાકાંક્ષાની કોઈ હદ નહીં. જે કરું તેનાથી મારા અસંતોષી જીવને બધું ઓછું પડે. આ કારણે જે નિષ્ફળતાઓ મળી છે તેનો ત્રાસ નલિનીએ જ સહન કરવો પડ્યો છે.

વધુમાં મારું અતડાપણું અમારી સોશિયલ લાઈફમાં આડું આવતું હતું. દેશમાંથી આવેલા બીજા ભારતીયો સાથે હું સહેલાઈથી હળીમળી ન શકતો. એમના અને મારા શોખ જુદા. પાર્ટીઓમાં પોપ્યુલર થવા માટે જે ચીજોની જરૂરિયાત હોય છે—ગાવું, નાચવું, ગૉસિપ કરવી, પત્તાં રમવા—આ બધાંનો મારામાં સર્વથા અભાવ. અને જે વસ્તુઓમાં મને રસ—સાહિત્ય, બૃહદ અમેરિકન સમાજ અને સંસ્કૃતિ, બૌદ્ધિક ચર્ચા—એ બધું અમારા મિત્રમંડળમાં વેદિયાપણામાં ખપે. આ કારણે અમને પાર્ટીઓના આમંત્રણ ઓછાં આવતાં. એ વાત નલિનીને કઠતી. આ પાર્ટીઓમાં જવું એ મારે માટે સજારૂપ હતું ત્યારે એ અને સંતાનો તો વિકેન્ડની પાર્ટીઓની રાહ જોઈને બેઠાં હોય! નલિની મને વારંવાર ઠપકો આપતી કહે કે મારે લોકોમાં હળવુંમળવું જોઈએ.

હું ગમે તેટલો પ્રયત્ન કરું તોય મારામાં કંઈ બહુ ફેરફાર ન થયો. ઘરમાં કે ઘરની બહાર હું એવો ને એવો મૂજી જ રહ્યો. આજે હું જ્યારે અમારા દીર્ઘ લગ્નજીવનનો વિચાર કરું છું ત્યારે મારે કબૂલ કરવું જોઈએ કે એક પ્રેમાળ પતિ તરીકે હું સર્વથા નિષ્ફળ ગયો છું તેનો ડંખ આજે મને સતાવે છે. મારા ત્રીજા કાવ્યસંગ્રહ, પેન્સિલવેનિયા એવન્યૂ નું તેને અર્પણ કરતાં મેં લખ્યું છે : “નથી આપ્યું ઝાઝું સુખ વળી, તને દુભવી ઘણી, પરંતુ જે પામ્યો, કશું વળી કર્યું, સર્વ તુજથી.” એ જ કાવ્યસંગ્રહમાં નલિનીના નિધન સમયે જે સૉનેટ લખ્યા છે તે સમાવાયા છે.23

સ્ટોનગેટનું ઘર છોડ્યું

વૉશિંગ્ટન આવ્યા પછી અમે કંઈક ઠરીઠામ થયાં. એક તો મને વૉશિંગ્ટન શહેર ગમતું હતું. આગળ જણાવ્યા મુજબ કાર લીધી ત્યારે પહેલી ટ્રીપ મેં વૉશિંગ્ટનની કરેલી. મારી જેમ જેને વર્તમાન રાજકારણમાં અને પબ્લિક અફેર્સમાં જીવંત રસ હોય તેમને માટે આ શહેર સ્વર્ગ સમાન હતું. વધુમાં વૉશિંગ્ટનના જીએઓના જોબને કારણે હું પીટ્સબર્ગ યુનિવર્સિટીનું ‘પબ્લીશ ઓર પેરીશ’નું ત્રાસદાયક વાતાવરણ છોડી શક્યો. હવે પીટ્સબર્ગ કે બીજે ક્યાંય એવે ઠેકાણે જવાની વાત નહોતી. ક્લાસ રૂમમાં ભણાવવાનું જે મને ગમતું હતું તે ગયું તેનો મને રંજ રહ્યો, પણ મેં એનો ઉપાય અહીંની અમેરિકન યુનિવર્સિટીમાં સાંજના પાર્ટટાઈમ ટીચિંગની વ્યવસ્થા કરીને કાઢ્યો. મેં આગળ જણાવ્યા મુજબ મારી ક્લાસ રૂમની ટીચિંગ પોપ્યુલારીટી કારણે અમેરિકન યુનિવર્સિટીના ડીન તો મને ફુલ ટાઈમ જોબ આપવા પણ તૈયાર હતા!

૧૯૯૭માં જીએઓનો જોબ છોડીને હું વૉશિંગ્ટન ડી.સી.નો ટૅક્સ કમિશનર અને પછી ચીફ ફાઇનન્સિઅલ ઑફિસર બન્યો. એ ઉચ્ચ કક્ષાની પોઝિશનના હોદ્દેદારોને શહેરમાં રહેવું પડતું. અમારું સ્ટોનગેટનું ઘર તો સિલ્વર સ્પ્રિંગ નામના મેરીલેન્ડ સ્ટેટના પરામાં હતું. એ ઘર એમને એમ રાખીને મેં શહેરમાં એક નાનું એફિસિઅન્સિ—એક રૂમનું કોન્ડોમીનિયમ લીધું. સોમથી શુક્ર હું ત્યાં એકલો રહેતો અને શનિ-રવિએ સ્ટોનગેટના ઘરે જતો.

ઈમિગ્રેશન વિષયક પ્રવત્તિઓ

અમેરિકા એ ઈમિગ્રંટ્સથી વસાવાયેલો દેશ છે. આખી દુનિયામાંથી દુભાયેલા, દાઝેલા અને દુઃખિયા માણસો પોતાના દેશમાંથી ભાગીને અહીં આવે છે, ભલે ને પછી એ ધર્માંધ પાદરીઓના, ક્રૂર રાજાઓના, કે કોઈ ત્રાસદાયીના જુલમમાંથી ભાગીને આવેલા હોય. ગરીબ લોકો પોતાની ગરીબીમાંથી છૂટવા આવતા હોય છે તો મહત્ત્વાકાંક્ષી લોકો પોતાનાં સપનાંઓને સાકાર કરવા આવતા હોય છે. આ દેશનો ઇતિહાસ એવો છે કે એણે આવા ભાગીને આવેલા લોકોને આશરો આપ્યો છે. ન્યૂ યૉર્કના બારામાં સ્ટેચ્યૂ ઑફ લીબર્ટીમાં સ્વતંત્રતા દેવી મશાલ ઊંચી કરીને બધાને આવકારે છે. એ ભવ્ય મોન્યુમેન્ટમાં કોતરાયેલા એમાં લેઝરસના સુંદર સૉનેટની આ પંક્તિઓ જગવિખ્યાત છે : “Give me your tired, your poor, your huddled masses yearning to breathe free.”

અમેરિકન ઇમિગ્રેશનના ઇતિહાસમાં ૧૯૬૫ના હાર્ટ સેલર એક્ટનું સ્થાન અત્યંત મહત્વનું છે. એ કાયદાથી અમેરિકન ઈમિગ્રેશનમાં ધરખમ ફેરફાર થયા. એ પહેલાં જે ઈમિગ્રેશન થતું તે અહીંની વસતી મુજબ નેશનલ ક્વોટા સિસ્ટમ પ્રમાણે થતું. એ સમયે અમેરિકાની બહુમતિ વસતી યુરોપથી આવેલા ગોરા લોકો અને તેમના વંશજોની હતી, મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર યુરોપના લોકોની. એ લોકોની બહુમતિ જાળવવા જે દેશોમાંથી એ આવ્યા ત્યાંથી વધુ લોકોને આવવા દેવાનું વલણ હતું. હાર્ટ સેલર ઈમિગ્રેશન એક્ટ દ્વારા નેશનલ ક્વોટા રદ કરવામાં આવ્યા. અમેરિકાના આર્થિક વિકાસમાં જે સ્કીલ્સ જરૂરી છે તે ધ્યાનમાં રાખીને દુનિયાના કોઈ પણ દેશમાંથી લોકોને આવવાની રજા મળી, જો એમની પાસે અમેરિકાના વિકાસને જરૂરી સ્કીલ્સ—જાણકારી અને આવડત—હોય તો. એ સમયે અમેરિકામાં એન્જિનિયરો અને ડૉક્ટરોની બહુ જરૂર હતી. આ નવી ઈમિગ્રેશનની પોલિસીનો લાભ લઈ હજારોની સંખ્યામાં ઇન્ડિયન એન્જિનિયરો અને ડૉક્ટરો આવ્યા.

હાર્ટ સેલર એક્ટનું બીજું એક પ્રોવીઝન એ હતું કે અહીં જે ઈમિગ્રન્ટ આવી ગયા છે તેમનાં સગાંસંબંધીઓને અમેરિકામાં આવવામાં પ્રેફરન્સ આપવો. આ પ્રોવીઝનનો આશય તો ગોરા યુરોપીઅનોની જ સંખ્યા વધારવાનો હતો. પણ થયું એવું કે સ્કીલ્સ પ્રોવીઝનને આધારે જે લાખો બિન યુરોપીઅનો –મુખ્યત્વે એશિયનો—આવ્યા તે હવે સગાંવહાલાંઓને—ખાસ કરીને ભાઈ, બહેન અને માબાપને બોલાવવા લાગ્યા. આને કારણે અમેરિકાના રંગરોગાન બદલાવા લાગ્યા. ૧૯૬૦માં જો ગોરા યુરોપીઅનો મોટી સંખ્યામાં (૮૭%) અમેરિકામાં આવતા હતા, તો ૨૦૧૦માં આવનારાઓમાં યુરોપીઅનોની સંખ્યા ઘટીને માત્ર દસ ટકા જેટલી થઈ ગઈ હતી. હવે આવનારાઓમાં નોનયુરોપીઅનોની, ખાસ કરીને એશિયન, આફ્રિકન અને લેટિન અને સેન્ટ્રલ અમેરિકનોની સંખ્યા વધીને ૯૦% ટકા થઈ છે! આ નવા ઈમિગ્રન્ટોમાં અડધોઅડધ લેટિન અને સેન્ટ્રલ અમેરિકામાંથી હતા, ખાસ કરીને મેક્સિકોમાંથી.

આ તો કાયદેસર થતા ઈમિગ્રેશનની વાત છે. લેટીન અને સેન્ટ્રલ અમેરિકામાંથી, ખાસ કરીને મેક્સિકોમાંથી મોટી સંખ્યામાં બિનકાયદેસર ઈમિગ્રન્ટ્સો નિયમિત આવે છે. કહેવાય છે કે અમેરિકામાં અત્યારે લગભગ ૧૧ મીલિયન આવા ઈલીગલ ઇમિગ્રન્ટ વસે છે. અહીં જે પ્રમાણે હિસ્પાનિક પ્રજાની વસતી વધે છે તેને આધારે આવતાં પચાસ વરસમાં અમેરિકા એક હિસ્પાનિક દેશ થઈ જશે તે નક્કી છે. કાયદેસર અને ગેરકાયદેસર થઈ રહેલા આ ઇમિગ્રેશનના પેટર્નથી ચેતીને નવી પોલિસી તૈયાર કરવા એક બાય-પાર્ટીજન કમિશન નીમાયું છે. એનાં સલાહસૂચનોને અનુસરીને નવો ઈમિગ્રેશન એક્ટ ઘડાવાનો હતો. દેશની બિનગોરી લઘુમતિઓને સ્વાભાવિક જ થયું કે પોતાનું હિત જળવાઈ રહે તે માટે કૉંગ્રેસમાં પ્રતિનિધિત્વ કરવું જોઈએ. આ લઘુમતિઓએ, ખાસ કરીને હિસ્પાનીકોએ આ બાબતમાં ચળવળ શરૂ કરી.

બધાની જેમ ઇન્ડિયન અને બીજી એશિયન ઇમિગ્રન્ટ પ્રજાને પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો હતો. અમે થોડા મિત્રોએ ભેગા મળીને નક્કી કર્યું કે કૉંગ્રેસમાં આપણું મંતવ્ય રજૂ થવું જોઈએ. સંઘ : શક્તિ કલિયુગે—આ વાત જો કોઈ ઠેકાણે બરાબર લાગુ પડતી હોય તો તે અમેરિકામાં. આ દેશમાં વ્યક્તિગત સફળતા મેળવવા માટે ઇનીશિયેટીવ અને હાર્ડ વર્ક અગત્યના છે. પણ રાજકીય અને સામાજિક સફળતા પ્રાપ્ત કરવા માટે સામૂહિક સંગઠનનું મહત્ત્વ છે. ખાસ કરીને લઘુમતિ પ્રજાને જો પોતાના હક્ક જોઈતા હોય તો એને સંગઠિત થયા સિવાય છૂટકો નથી. આ ન્યાયે વૉશિંગ્ટન આવ્યા પછી અમેરિકામાં વસતા ઇન્ડિયનોને ઓર્ગેનાઈઝ કરવાના પ્રયત્નોમાં હું જોડાયો. ઇસ્ટ કોસ્ટના, ખાસ કરીને ન્યૂ યૉર્ક અને ન્યૂ જર્સીના કેટલાક એક્ટીવિસ્ટ ઇન્ડિયનોના સહકારથી અમે એસોશિએશન ઑફ ઇન્ડિયન્સ ઈન અમેરિકા એવું એક મંડળ ઊભું કર્યું. જુદાં જુદાં શહેરોમાં એના ચેપ્ટર્સ ખોલ્યાં.

મારી ઈમિગ્રેશન વિશેની પ્રવૃત્તિઓ—ખાસ કરીને સેનેટ અને વ્હાઈટ હાઉસની ટેસ્ટીમનીઓ—આ એસોશિએશનોને આશ્રયે થઈ હતી. વાયોમીંગ સ્ટેટના સેનેટર સિમ્પસન એ બાબતના હિયરીંગ ચેર કરવાના હતા. એની ટેસ્ટીમની તૈયાર કરવાનું મને સોંપવામાં આવ્યું. તે ઉપરાંત વ્હાઈટ હાઉસમાં એક ડેલીગેશન લઈ જવાનું હતું. ત્યારે પણ જે સ્ટેટમેન્ટ રજૂ કરવાનું હતું તે મેં તૈયાર કર્યું અને પ્રેસિડેન્ટ રેગનના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર જજ કલાર્કની હાજરીમાં વ્હાઈટ હાઉસમાં રજૂ કર્યું. આ બન્ને સ્ટેટમેન્ટમાં મેં બે વસ્તુ પર ભાર મૂક્યો. એક તો એ કે ફેમિલી યુનિફીકેશન અને પ્રેફરન્સની વર્તમાન પ્રોવીઝન યોગ્ય છે અને તેમાં ફેરફાર ન કરવા જોઈએ કારણ કે અમેરિકન પ્રજાએ કૌટુંબિક મૂલ્યોનો હંમેશ મહિમા કર્યો છે. વધુમાં એ પ્રોવીઝન અમને અમારાં ભાઈભાંડુઓ અને માબાપ સાથે અમેરિકામાં રહેવાની તક આપે છે.

અહીંની ઈમિગ્રેશન પોલિસીમાં પારકા લોકોને સ્વીકારવાની અને પોતાના કરવાની અમેરિકનોની ઉદારતા વ્યક્ત થાય છે. સાથે સાથે એ પોલિસીમાં એમની વ્યવહારુતા પણ પ્રગટ થાય છે. સમાજના મોવડીઓને ખબર છે કે આ દેશનો વિકાસ જાળવી રાખવો હોય તો ઈમિગ્રન્ટ પ્રજા ખૂબ ઉપયોગી નીવડવાની છે. આ વાત જેટલી ભણેલાગણેલા, સ્કીલ્ડ ઈમિગ્રન્ટ્સ માટે સાચી છે તેટલી અનસ્કીલ્ડ ઈમિગ્રન્ટ્સ માટે પણ સાચી છે. જો યુનિવર્સિટીઓ, હૉસ્પિટલો, હાઈ ટેક કંપનીઓમાં પ્રૉફેસરો, ડૉક્ટરો, અને એન્જિનિયરોનું કામ કરતા સ્કીલ્ડ ઈમિગ્રન્ટ્સની જરૂર છે, તો અહીંના ખેતરો, ફેક્ટરીઓ અને ઘરોમાં કામ કરવા માટે અનસ્કીલ્ડ ઈમિગ્રન્ટ્સની પણ એટલી જ જરૂર છે. અમેરિકાની કાળી કે ધોળી પ્રજાને જે કામ હવે કરવું નથી એ ‘હલકું’ કામ બહુધા આ અનસ્કીલ્ડ ઈમિગ્રન્ટ્સ, ખાસ કરીને હિસ્પાનિક પ્રજા કરે છે. કેલિફોર્નિયાનાં ખેતરોમાં, દેશભરનાં રેસ્ટોરાંમાં, કે કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીમાં જે કમરતોડ કામ કરવું પડે છે ત્યાં મોટે ભાગે હિસ્પાનિક પ્રજા જોવા મળે છે. વધુમાં ઘરે ઘરે મૈડ, બેબી સીટીંગ કે હેન્ડીમેનનું કામ પણ હિસ્પાનિક ઈમિગ્રન્ટો જ કરે છે.

દુનિયાભરથી આવી ચડતા ભાતભાતના ઈમિગ્રન્ટો આ દેશને પેઢીએ પેઢીએ નવું લોહી અને નવું જોમ આપે છે. દેશને યુવાન રાખે છે. વધતા જતા વૃદ્ધ લોકો અને તેમની સંભાળ લેવાનો જે બહુ મોટો પ્રશ્ન યુરોપ કે જાપાનનો છે તે આ હિસ્પાનિક ઈમિગ્રેશનને કારણે અમેરિકાને નથી. એ દૃષ્ટિએ અમેરિકામાં થતું ઇન્ડિયન ઈમિગ્રેશન દેશને ખૂબ ફાયદાકારક નીવડ્યું છે. ભણેલગણેલ અને અનેક પ્રકારની સ્કીલ્સ ધરાવતા ભારતીય ઈમિગ્રન્ટો આવીને તરત કામે લાગી જાય છે અને દેશના આર્થિક વિકાસમાં મોટો ફાળો આપે છે. જે ઇન્ડિયનો અહીં મેડિસીન કે એન્જિનિયરિંગ જેવી પ્રોફેશનલ ટ્રેનિંગ વગર આવે છે તે પણ પોતાના વ્યાપારકૌશલ્ય અને ખંતથી અનેક પ્રકારના ધંધારોજગારે લાગી જાય છે. એવી રીતે જે ભણેલગણેલ નથી અને કોઈ પ્રકારની પ્રોફેશનલ સ્કીલ્સ નથી ધરાવતી એવી હિસ્પાનિક પ્રજાનું પણ આ દેશના આર્થિક વિકાસમાં અગત્યનું પ્રદાન છે.

અગત્યની વાત તો એ છે કે અમેરિકાની વસતી હવે ઉંમરમાં વધતી જાય છે. ૧૯૪૦ અને ૧૯૫૦ના દાયકાઓમાં જે ‘બેબી બૂમ’માં મોટી સંખ્યામાં બાળકો જન્મ્યાં હતાં તે હવે નિવૃત્ત થવાની તૈયારીમાં છે. અમેરિકન હેલ્થ કેર સિસ્ટમને કારણે તે લાંબું જીવવાનાં છે. એમની વૃદ્ધાવસ્થામાં સરકારે એમની સંભાળ લેવી પડશે. એમને લાંબો સમય સુધી સોશિયલ સિક્યુરિટી, મેડીકેર, અને મેડીકેડ જેવી સર્વીસ આપવી પડશે. આ કારણે ફૅડરલ બજેટમાં મોટો ખર્ચો થવાનો છે. એ ફાઈનાન્સ કરવા માટે ટૅક્સપેયર્સની જે જરૂર છે તે આ હિસ્પાનિક ઈમિગ્રન્ટો પૂરા પાડશે. હિસ્પાનિક ઈમિગ્રેશન બહુધા બાળકો અને જુવાનોનું છે. તેમનાં કુટુંબો મોટાં હોવાથી દેશને નવા નવા ટૅક્સ પેયર્સ મળ્યા કરે છે.

જ્યારે જ્યારે પણ મને આ વિષય ઉપર બોલવા લખવાની તક મળે છે તે હું જવા દેતો નથી. સોવીએટ યુનિયનની અસર વધતી અટકાવવા માટે જેની ‘કંટેઇન્મેન્ટ’ પોલિસી અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ પછીનાં પચાસ વર્ષ સુધી અપનાવેલી તે વિદેશનીતિના અગત્યના મુત્સદ્દી વિચારક જ્યોર્જ કેનને એમની આત્મકથામાં જ્યારે એવું વિધાન કર્યું હતું કે બિનગોરાઓનું ઈમિગ્રેશન થઈ રહ્યું છે તે દેશ માટે સારું નથી ત્યારે મેં એમને જવાબ આપતો એક ઓપ-એડ આર્ટિકલ વૉશિંગ્ટન પોસ્ટ માટે લખેલો.24 સારાંશમાં મારું કહેવાનું એ હતું કે અગાઉ ઉપર જે રીતે ગોરા ઈમિગ્રેશનથી દેશ સમૃદ્ધ થયો હતો તે મુજબ અત્યારે થઈ રહેલ બિનગોરા ઈમિગ્રેશનથી પણ દેશની સમૃદ્ધિ વધી રહી છે.

જીએઓ

અત્યાર સુધી અમેરિકામાં મેં મોટે ભાગે યુનિવર્સિટીના એકેડેમિક વાતાવરણમાં કામ કર્યું હતું. હા, જોન્સ લાક્લીન સ્ટીલ અને આઈબીએમ જેવી કંપનીઓમાં કામ કર્યું હતું, પણ એ તો ત્રણ ત્રણ મહિનાના સમર જોબ હતાં. લાંબો સમય કામ તો યુનિવર્સિટીઓમાં જ કર્યું હતું. જીએઓની ફેલોશીપ દ્વારા હવે પહેલી વાર ગવર્નમેન્ટ સેટિંગ, અને તે પણ ફૅડરલ ગવર્નમેન્ટ અને વૉશિંગ્ટનમાં કામ કરવાની મને તક મળી. પેન્ટાગોન જેવી તોતિંગ એજન્સી જ્યાં લાખોની સંખ્યામાં લોકો કામ કરે તેની સરખામણીમાં પાંચેક હજારની જીએઓ એક નાની એજન્સી ગણાય. છતાં આગળ જણાવ્યા મુજબ એ કોન્ગ્રેશનલ ઑડિટ એજન્સી હોવાને કારણે તેનું મહત્ત્વ ઘણું. કોઈ પણ એજન્સી વિશે એનો ટીકા કરતો રિપોર્ટ જો લખાયો તો એ એજન્સીએ એ બાબતમાં કૉંગ્રેસમેનોને અને સેનેટરોને ઓપન હીઅરીંગમાં જવાબ આપવા પડે. એમાં એમનું બજેટ કપાવાની શક્યતા પણ ખરી. આ કારણે કોઈ પણ એજન્સીમાં જઈને કહો કે તમે જીએઓમાંથી ઑડિટ કરવા આવ્યા છો તો એમના અધિકારીઓને જરૂર ચિંતા થાય. ઑડિટ કોને ગમે?

હું જીએઓમાં ૧૯૭૭માં ફેલોશીપના એક વરસ માટે જોડાયો. આગળ જણાવ્યા મુજબ ફેલોશીપ પૂરી થતાં મને એક વરસનું એક્સ્ટેન્શન મળ્યું, અને આખરે એ પરમેનન્ટ જોબમાં કન્વર્ટ થઈ. મેં જીએઓનો જોબ ૧૯૯૭માં છોડ્યો. એ વીસ વરસ દરમિયાન મારું કામ મુખ્યત્વે ટૅક્સ એરિયામાં હતું. કાં તો અમેરિકાની ટૅક્સ એજન્સી ઇન્ટર્નલ રેવન્યુ એજન્સી (આઈ.આર.એસ.)નું ઑડિટ કરવાનું હોય અથવા જુદા જુદા ઉદ્યોગોના અર્થશાસ્ત્ર અને ટૅક્સેશનનો કૉંગ્રેસની કમિટીઓ માટે અભ્યાસ કરવાનો હોય. આ ઑડિટ અને અભ્યાસ પછી એ બાબતમાં કૉંગ્રેસની ટૅક્સ કમિટીઓને કાયદાઓ ઘડવા માટે સલાહસૂચના કરવાની. આપણી લોકસભાની જેમ અહીંનું હાઉસ ઓફ રેપ્રેજેન્ટીવીઝ કૉંગ્રેસનું લોઅર હાઉસ કહેવાય છે. તેની ટૅક્સ કમિટી વેજ ઍન્ડ મીન્સનું મહત્ત્વ ઘણું. અમેરિકાનું ૬૦ ટકા બજેટ એ એક જ કમિટીના હાથમાં. આપણી રાજ્યસભા જેમ કૉંગ્રેસનું અપર હાઉસ સેનેટ છે. એની ફાઈનાન્સ કમિટી એ વેજ ઍન્ડ મીન્સની કાઉન્ટરપાર્ટ કમિટી ગણાય. એટલી જ પાવરફુલ.

હું ટૅક્સ એરિયામાં કામ કરતો હતો એટલે આ બન્ને કમિટીઓ, તેના મેમ્બર્સ અને ચેરમેન અને સ્ટાફ સાથે નિયમિત સંપર્કમાં આવતો, ખાસ કરીને જ્યારે અમારી ટીમના રિપોર્ટ પછી કમિટીના ઓપન હીઅરીંગ હોય ત્યારે. રિપોર્ટનું કામ ચાલતું હોય ત્યારે કમિટીઓમાં જઈને સ્ટાફને નિયમિત પ્રોગ્રેસ રિપોર્ટ આપવાના હોય. તે ઉપરાંત જે જે ધંધા વિશે અભ્યાસ કરતા હો તે બધાને અને આઈ.આર.એસ.ને પણ જાણવું હોય કે અમારું કામ ક્યાં સુધી આવ્યું, એ રિપોર્ટને કારણે કૉંગ્રેસ એમને લાગતા વળગતા કાયદાઓમાં શું ફેરફાર કરશે, અને ખાસ તો કંપનીઓને વધુ ટૅક્સ આપવો પડશે કે નહીં.

જીએઓ કોઈ પણ ધંધાના ટેકસનો અભ્યાસ અને ઑડિટ શરૂ કરે છે એવું જાહેર થાય ત્યારે કંપનીઓ અમે શું કહેવાના છીએ એનું અનુમાન કરીને એમનો પોતાના રિપોર્ટ તૈયાર કરવાનો શરૂ કરે. એ બાબતમાં મોટા મોટા અર્થશાસ્ત્રીઓ અને પ્રૉફેસરોને કામે લગાડે. જેવો અમારો રિપોર્ટ બહાર પડે કે ધડ દઈને સામે એમનો રિપોર્ટ રજૂ થાય. અમારા રિપોર્ટની સામે લોબિંગ શરૂ થાય. અમારી ભૂલો અને ગેરસમજો બહેલાવીને અમને બદનામ કરવાના પ્રયત્ન થાય. અમારા રિપોર્ટનાં સલાહસૂચનો મુજબ જો કૉંગ્રેસ કાયદાઓ બદલાવે એ એમને માટે મોટી વાત. એમનું ટૅક્સ બિલ જે બીલિયન્સ ઑફ ડોલર્સનું હોય અને તેમાં વધારો થાય.

આખા અમેરિકામાંથી કંપનીઓના મોટા અધિકારીઓ અમને મળવા આવે, લંચ, ડીનર, રીસીશીપ્ન્સમાં બોલાવે. કંપનીઓના હેડ ક્વાટર્સમાં જ્યાં હોય ત્યાં જુદાં જુદાં શહેરોમાં જવું પડે. જે ધંધાના અર્થશાસ્ત્ર અને ટૅક્સેશનનો અભ્યાસ કરતા હો તેને લગતી કૉન્ફરન્સમાં જઈને જીએઓના રિપોર્ટની રજૂઆત કરવી પડે. રિપોર્ટનાં સલાહસૂચનોનો બચાવ કરવો પડે. આ બધાને કારણે મને અમેરિકાનાં ઘણાં નાનાંમોટાં શહેરોમાં અને યુનિવર્સિટીઓમાં જવાની તક મળી.

કંપનીઓના ઑફિસરોને મળીએ ત્યારે અમારે જીએઓની સ્ટ્રીક્ટ ગાઈડ લાઈન મુજબ જ વર્તવાનું. જ્યારે જ્યારે કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને વૉશિંગ્ટન કે બીજે ક્યાંય મળ્યા હો ત્યારે એ બાબતનો ઉપરીઓને રિપોર્ટ આપવાનો. જીએઓની ગાઈડલાઈન જો તમે ક્યાંય ચૂક્યા તો તમારું આવી બને. સખ્ત ડીસીપ્લીનરી પગલાં લેવાય. જોબ જાય. મારા જીએઓનાં વીસ વરસમાં એવું ક્યારેય યાદ નથી કે કોઈ એજન્સીના માણસે લાંચ લીધી હોય કે કંપનીઓ સાથેના વર્તનમાં કોઈએ અયોગ્ય પગલું ભર્યું હોય. જીએઓ એની ઓબજ્કેટીવિટી અને નીતિમત્તા માટે પ્રખ્યાત છે. તેથી જ તો જીએઓના રિપોર્ટ ધ્યાનથી વંચાય અને એનાં સલાહસૂચનોને અનુસરીને કૉંગ્રેસ ઘણી વાર કાયદાઓમાં ફેરફાર કરે.

અમેરિકાની વિશિષ્ટતા

એક વાર જ્યારે અમારી ટીમ ઇન્સ્યૂરન્સ કંપનીઓના ટૅક્સેશનનો અભ્યાસ કરતી હતી ત્યારે ઠેઠ લંડનથી લોયડ્સની આંતરરાષ્ટ્રીય ઇન્સ્યૂરન્સ કંપનીના ઉચ્ચ અધિકારીઓ એમના વૉશિંગ્ટનના લોયર લોબીઈસ્ટ લઈને મને મળવા આવેલા. લંડન આવીને જો અમારે એમની કંપનીનો અભ્યાસ કરવો હોય તો તેની વ્યવસ્થા કરવા તૈયારી બતાવી. અમેરિકાની વિશ્વવ્યાપી ઇન્સ્યૂરન્સ કંપનીઓના ટૅક્સેશનનો અભ્યાસ હજુ દેશી ઉચ્ચારોવાળા મારા જેવા એક ઇન્ડિયન અને એની ટીમના હાથમાં હતો તે આ લોયડ્સના ગોરા બ્રિટીશ ઑફિસરો માટે આશ્ચર્યની વાત હતી. એ લોકો જીએઓના કોઈ ગોરા અમેરિકનને મળવાની અપેક્ષા કરતા હતા. જો કે એમના અમેરિકન લોયર લોબીઈસ્ટ માટે મારી ઉપસ્થિતિ સહજ હતી. બ્રિટીશ ઑફિસરોનો પ્રાથમિક સંકોચ ઓછો થયા પછી અમારી મિટિંગ બરાબર ગઈ.

જો લોયડ્સના અધિકારીઓ માટે જીએઓ જેવી અગત્યની એજન્સીને હું રેપ્રજેન્ટ કરતો હતો એ આશ્ચર્યની વાત હતી તો મારે માટે એ અમેરિકાની વિશિષ્ટતા હતી. આ વિશિષ્ટતાને કારણે જ મારા જેવા અસંખ્ય ઈમિગ્રંટ્સ યેન કેન પ્રકારેણ રસ્તો કાઢીને આ દેશ આવી પહોંચે છે. એનો અર્થ એ નથી કે અહીં કાળાધોળાનો રંગભેદ અને ભેદભાવ સાવ ભુંસાઈ ગયો છે, કે ડીસ્ક્રીમીનેશન નથી. છે જ. એ તો માનવ સહજ છે, અને થોડા ઘણા પ્રમાણમાં બધે છે. ખુદ આપણે ત્યાં અસ્પૃશ્યતાનું કલંક હજારો વરસથી હિંદુ સમાજનું એક અવિભાજ્ય અંગ રહેલું છે. ભલે ને એની વિરુદ્ધ અનેક કાયદાઓ ઘડાયા કે ગાંધીજીએ એને નાબૂદ કરવા જીવન ઘસી નાખ્યું. સાવરકુંડલામાં અમારી સ્કૂલમાં જે અછૂત છોકરાઓ હતા તે બધાથી દૂર છેલ્લી બેંચ ઉપર બેસતા. એમની સાથે અમારે લેવાદેવાનો કે બોલવાચાલવાનો કોઈ સંબંધ ન હતો. અને એ વાત અમને ત્યારે જરાય કઠતી નહોતી!

અમેરિકનોની ખૂબી એ છે કે કાળાધોળાના ભેદભાવને ભૂંસવા માટે એ કંઈક ને કંઈક રીતે મથ્યા રહેતા હોય છે. ઘણી વાર બે પગલાં આગળ અને એક પાછળ એમ પણ થતું હોય છે. કોઈ પણ સમાજમાં પ્રગતિ હરણફાળથી નહીં, પણ ઘસડાતા ઘસડાતા થાય છે. હું જ્યારે ૧૯૬૫માં અમેરિકામાં આવ્યો ત્યારે કોઈ કાળો માણસ એક દિવસે અમેરિકાનો પ્રમુખ થશે એવી કલ્પના પણ કરવી મુશ્કેલ હતી, અને આજે બરાક ઓબામા બે વાર પ્રમુખ તરીકે ચૂંટાયા. આ ભેદભાવ મનુષ્ય સહજ છે અને અમેરિકામાં એને દૂર કરવા સતત પ્રયત્ન થઈ રહ્યા છે એમ અમેરિકાનો બચાવ કરતો એક લેખ મેં વૉલ સ્ટ્રીટ જર્નલમાં લખેલ.25 તે લેખમાં હિંદુ સમાજની યુગો જૂની અસ્પૃશ્યતાનો દાખલો આપેલો. જે દિવસે તે છાપામાં આવ્યો તે જ દિવસે અહીંની ઇન્ડિયન એમ્બેસીમાંથી સંદેશો આવ્યો કે આપણા દેશની અસ્પૃશ્યતાની વાત તમે શા માટે કરી? એમાં આપણા દેશનું ખરાબ દેખાય છે!

જીએઓના પ્રતિનિધિ તરીકે એના અધિકારીઓએ નિસંકોચ મને અનેક ઠેકાણે મોકલ્યો છે. એ લોકોને ટૅક્સેશન વિશેને મારી સૂઝ અને સમજ અને એ સમજાવવાની મારી આવડતમાં વિશ્વાસ બેઠો. જીએઓના પ્રતિનિધિ તરીકે મેં અનેક વાર કૉંગ્રેસની કમિટીઓના ઓપન હિઅરિન્ગ્સમાં જુબાની આપી છે. સેનેટ ફાઈનાન્સ કમિટીના તેમ જ હાઉસ વેજ ઍન્ડ મીન્સ કમિટીના ચેરમેનને ટૅક્સેશનની બાબતમાં ઘણી વાર બ્રીફ કર્યા છે. દેશ પરદેશ કૉન્ફરન્સોમાં જઈને પ્રેઝન્ટેશન કર્યા છે. અમેરિકન યુનિવર્સિટીઓ, ઓક્સફર્ડની મૅનેજમૅન્ટ સ્કૂલ, લંડન બિઝનેસ સ્કૂલ અને બાથ યુનિવર્સિટીથી માંડીને ઈન્ડિયન સિવિલ સર્વિસ આઈ.એ.એસ.ની ટ્રેનિંગ સ્કૂલમાં જઈને મેં પ્રવચનો આપ્યાં છે. વધુમાં ન્યુ જર્સીના ગવર્નર જેમ્સ ફ્લોરીઓને બજેટની બાબતમાં એક્સપર્ટની જરૂર હતી ત્યારે જીએઓએ મને ત્રણ મહિના ત્યાં મોકલ્યો હતો.

જીએઓનું બદલાતું મિશન

૧૯૧૩થી ૧૯૬૫ સુધી જીએઓનો રોલ માત્ર ફાઇનાન્સિયલ ઑડિટ સુધી મર્યાદિત હતો. સરકારી એજન્સીઓને જે બજેટ મળ્યું હોય તેમાં કંઈ ગોલમાલ તો નથી થઈ એ ચેક કરવાનું એ જીએઓના ઑડિટનું લક્ષ્ય હતું. આ કારણે જીએઓમાં કામ કરતા લોકો મોટે ભાગે અકાઉન્ટીંગ અને કાયદાઓનું ભણેલા હોય, અને તે પણ બેચલરની ડીગ્રી સુધીનું. ૧૯૬૬માં આલમર સ્ટાટ્સ (૧૯૬૬-૧૯૮૧) જીએઓના સર્વોચ્ચ અધિકારી–કમ્પ્ટ્રોલર જનરલ બન્યા. એ પહેલાં સ્ટાટ્સ ફૅડરલ ગવર્નમેન્ટના બજેટ ડાયરેક્ટર હતા. કોઈ પોલીટિકલ પ્રેશરમાંથી કમ્પ્ટ્રોલર જનરલને દૂર રાખવા માટે અને એ ઑફિસની નિષ્પક્ષતા જાળવી રાખવા માટે એની ટર્મ ૧૫ વરસની રખાઈ છે. જે એક વાર કમ્પ્ટ્રોલર જનરલ થયા હોય તે ફરી વાર ન થઈ શકે. ફૅડરલ ન્યાયાધીશો સિવાય કોઈની આવી લાંબી ટર્મ હોતી નથી.

આલમર સ્ટાટસે પોતાની પંદર વરસની લાંબી ટર્મનો લાભ લઈ જીએઓનું મિશન વિસ્તાર્યું. માત્ર ફાઈનાન્સિયલ ઑડિટથી અટકી ન જતા, એજન્સીઓને જે હેતુ માટે બજેટ અપાયું હતું તે સિદ્ધ થયો કે નહીં, અને જો ન થયો તો શા માટે ન થયો એ બાબતની તપાસ કરવાનું જીએઓનું મિશન હોવું જોઈએ એવું એમનું માનવું હતું. ફૅડરલ ગવર્નમેન્ટના બજેટ ડાયરેક્ટર તરીકે સ્ટાટસે ઘણા બધા પ્રોગ્રામમાં બગાડ અને ઓવર સ્પેન્ડીંગ જોયું હતું. આ બગાડ અને ઓવર સ્પેન્ડીંગ ઓછું કરવા તરફ જીએઓએ ધ્યાન આપવું ઘટે એ માટે એમણે પ્રોગ્રામ ઇવેલ્યુએશનની હિમાયત કરી. આ પ્રકારનું ઇવેલ્યુએશન કરવા માટે માત્ર ઍકાઉન્ટિંગ કે કાયદાઓ ભણેલાઓ ઉપરાંત ઇકોનોમિકસ, સોશિયોલોજી, સ્ટેટિસ્ટિક્સ, સાયકોલોજી વગેરે સોશિયલ સાયન્સીઝમાં જે પારંગત હોય એવા પ્રોફેશનલ લોકોની જરૂર હતી. આ હિસાબે જીએઓમાં આવા સ્પેશીઆલિસ્ટોનું—ખાસ કરીને પીએચ.ડી. ડીગ્રી જેવી એડવાન્સ ટ્રેનિંગ લીધેલાનું—રીક્રુટીંગ મોટે પાયે શરૂ કર્યું.

જીએઓએ જે નવા લોકોને રિક્રુટ કરવા માંડ્યા એમાં ઘણા મારા જેવા કૉલેજ પ્રૉફેસરો પણ હતા. દાયકાઓથી જીએઓમાં ઠરીઠામ બેઠેલા ઑડિટરોને આ ન ગમ્યું. એમની દૃષ્ટિએ એજન્સીનું મિશન બદલાતું હતું તે અયોગ્ય હતું. તેમાં એમને પોતાનું મહત્ત્વ અને વર્ચસ્વ પણ ઓછું થતું દેખાયું. એમને માટે જીએઓમાં કામ કરવું એ કંઈ સ્પેશ્યલ ન હતું. બીજી કોઈ ફૅડરલ એજન્સીમાં કામ કરવા જેવું હતું. તેમને માટે અગત્યની વાત માત્ર પોતાની પોઝિશન અને હોદ્દાની હતી. નિશાળેથી નિસરીને જવું પાંસરું ઘેર એવી રીતે આ ઑડિટરો મોટે ભાગે કારપુલમાં સવારે ઑફિસે આવે અને સાંજે નિયત સમયે કારપુલમાં ઘરે જાય. એમને પબ્લિક અફેર્સમાં, વૉશિંગ્ટનના રાજકારણમાં કાંઈ ઝાઝો રસ હોય એવું મને દેખાયું નહીં. મારા જીએઓના વીસ વરસના ટેન્યરમાં ભાગ્યે જ કોઈ એવો ઑડિટર મળ્યો હોય કે જેની બુદ્ધિ કે જનરલ નોલેજની જાણકારીથી હું અંજાયો હોઉં. એમને માટે વૉશિંગ્ટન પોસ્ટ જેવું છાપું વાંચવું એટલે સ્પોર્ટ્સ, કોમિક્સ, અને હેડલાઈન્સ જોવી એટલું જ. ઑફિસમાં એમની વાતચીત પણ સાવ સામાન્ય અને રોજબરોજની અને સ્પોર્ટ્સની. કઈ ટીમ હારી અને કઈ ટીમ જીતી એ એમનો રસનો વિષય. એમની પાસેથી ભાગ્યે જ પબ્લિક અફેર્સના કોઈ વર્તમાન વિષયની ચર્ચા સાંભળવા મળે.

જ્યારે ચાર્લ્સ બાઉશર (૧૯૬૬-૧૯૮૧) કમ્પ્ટ્રોલર જનરલ થયા ત્યારે એમણે જીએઓના મિશનને વધુ બ્રોડ બનાવ્યું. પોતે પેન્ટાગોનના નેવી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટંટ સેક્રેટરી તરીકે એક વાર કામ કરેલું હોવાથી એમને વૉશિંગ્ટનની બ્યુરોક્રસીનો પૂરેપૂરો અનુભવ. શિકાગો યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. થયેલા. વધુમાં આર્થર એન્ડરસન કન્સલ્ટિંગ કંપનીમાં પણ લાંબો સમય કામ કર્યાને કારણે એમને દેશવિદેશના મોટા કોર્પોરેશન કેમ ચાલે છે તેની સમજણ ઘણી. એમણે આવીને જીએઓમાં ધરખમ ફેરફાર કરવા માંડ્યા.

મને જ્યારે જીએઓની સીનિયર સિવિલ સર્વિસમાં પ્રમોશન મળ્યું ત્યારે ચાર મહિના સુધી કમ્પ્ટ્રોલર જનરલ બાઉશરના સ્પેશિયલ આસિસ્ટંટ થવાની તક મળી. એ કારણે એમની બધી ઑફિશિયલ મિટિંગમાં મારી હાજરી હોય. આને લીધે જુદી જુદી ફૅડરલ એજન્સીના ઉચ્ચ અધિકારીઓ, કૉંગ્રેસમેન, સેનેટરો, અમેરિકાની કેટલીક ટોપ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ, અગત્યના વિદેશી મુલાકાતીઓ વગેરેને મારું મળવાનું બન્યું. આમ સર્વોચ્ચ કક્ષાએ અમેરિકાના પ્રાઈવેટ અને પબ્લિક સેક્ટરનું સંચાલન કેમ થાય છે તે નજીકથી જોવા જાણવાની તક મળી.

બાઉશર સાથે જે સંબંધ બંધાયો તે અમારા બન્નેની નિવૃત્તિમાં પણ ચાલુ રહ્યો. જો કે એમની ટ્રેનિંગ ઍકાઉન્ટિંગમાં, છતાં એમનું વાંચન વિશાળ હતું, ખાસ કરીને હિસ્ટરી અને અમેરિકન પોલીટિક્સનું. હું જ્યારે એમનો સ્પેશીયલ આસિસ્ટંટ હતો ત્યારે લગભગ દરરોજ સાંજે એમની સાથે અનેક વિષયો ઉપર વાતચીત થતી. બાઉશર જ્યારે નિવૃત્ત થયા ત્યારે અહીંની વિખ્યાત મેટ્રોપોલિટન ક્લબ, જ્યાં હું મેમ્બર હતો, ત્યાં એ પ્રેસિડેન્ટ થયા. ક્લબની પ્રવૃત્તિઓને કારણે પણ અમારો સંબંધ વિકસ્યો. હજી પણ મહિને બે મહિને અમારી બ્રેકફાસ્ટ કે લંચ મિટિંગ થાય અને વર્તમાન પોલિટિક્સના બનાવો વિશે વાતચીતો થાય.

આખરે જીએઓ છોડ્યું

કમ્પ્ટ્રોલર જનરલ આવે ને જાય અને જીએઓનું મિશન ભલે બદલાય, પણ જીએઓમાં ઑડિટરોનું રાજ્ય ચાલે. એમની ત્યાં બહુમતિ હતી. વરસોથી પોતાની જમાત જમાવીને એ બેસી ગયેલા. ઉચ્ચ કક્ષાની પોઝિશનો એ લોકોના કબજામાં. એ જ બધા નક્કી કરતા કે કોને પ્રમોશન આપવું અને કોને નહીં. આ બાબતમાં એમણે મને એમનો પરચો બતાડ્યો. કૉંગ્રેસમાં અને બીજે બધે મારા કામની પ્રશંસા થતી હોવા છતાં એ લોકો મને વધુ પ્રમોશન આપવા રાજી ન હતા. એમને મતે હું હજી હમણાં જ યુનિવર્સિટીમાંથી આવ્યો હતો, અને ભલે મારી પાસે ઍકાઉન્ટિંગ અને ટૅક્સેશનની એક્સપર્ટીસ હોય, પણ શું હું ત્યાંના મોટા સ્ટાફને મેનેજ કરી શકવાનો હતો? ખાસ તો જીએઓના ઑડિટરોને મેનેજ અને સુપરવાઈઝ કરી શકું ખરો કે? વધુમાં પ્રૉફેસરોને એ લોકો વેદિયા ગણતા. ભલે પ્રૉફેસરો એમની ઑફિસમાં બેસીને રિપોર્ટ લખે, પણ મૅનેજમૅન્ટ અને સુપરવિઝનમાં એમને શું ખબર પડે? મારા જેવા જે હજી હમણાં જ જીએઓમાં દાખલ થયા તે આગળ વધે એ વરસોથી ત્યાં બેઠેલા લોકોને કેમ ગમે? આ કારણે મને જીએઓમાં જોઈતું હતું તેવું ઉચ્ચ કક્ષાનું પ્રમોશન ન જ મળ્યું.

મેં જીએઓમાં વીસ વરસ (૧૯૭૭-૧૯૯૭) કામ કર્યું. જીએઓનાં આ વીસ વરસ કશા ઘર્ષણ વગર સરળ રીતે ગયાં એમ તો કેમ કહેવાય? પ્રમોશનની બાબતમાં મને જે અન્યાય થઈ રહ્યો હતો તે મારાથી સહન નહોતું થતું. અને આખરે મેં જીએઓ છોડવાનું નક્કી કર્યું. છતાં જીએઓમાં મને રાષ્ટ્રીય કક્ષાનું અગત્યનું કામ કરવાની જે તક મળી હતી તે માટે એ એજન્સીનો હું બહુ ઋણી છું. મારી પ્રોફેશનલ કારકિર્દીમાં આ અગત્યનો સમય હતો. આ વરસોમાં મેં આ દેશના મોટા ધંધાઓના અર્થશાસ્ત્ર અને ટૅક્સેશનનો અભ્યાસ કર્યો, એને માટે માત્ર કૉંગ્રેસમાં જ નહીં, પણ ન્યૂ જર્સી અને હવાઈ જેવા કેટલાંક રાજ્યોની લેજીસ્લેટીવ અસેમ્બ્લીમાં જઈને ટેસ્ટીમની આપી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સિઝમાં પ્રેઝન્ટેશન કર્યા, અગત્યના કૉંગ્રેસમેન અને સેનેટરો અને સ્ટેટ લેજીસ્લેટરોને બ્રીફ કર્યા, એમને મળવાનું થયું.

આ વરસો દરમિયાન અહીંની વિખ્યાત ટૅક્સ એજન્સી અઈઆરેસની કાર્યવાહીનાં અમુક પાસાંનું ઑડિટ કરવાનું પણ થયું. જીએઓનું કામ હંમેશ ટીમ વર્ક દ્વારા થાય છે. શરૂઆતથી જ હું મારી પીએચ.ડી.ની ડીગ્રીને કારણે ઊંચા ગ્રેડમાં જોડાયેલો એટલે મને હંમેશ ટીમ લીડર બનાવાતો. આમ મને જતાંવેંત જ પાંચથી દસ જેટલા એક્સપર્ટસની ટીમનું નેતૃત્વ કરવા મળ્યું. અમેરિકનોને મેનેજ કરવાનો મારો આ પહેલો અનુભવ હતો. એ કરતાં મારો આત્મવિશ્વાસ વધ્યો. આ અનુભવ મને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી નીવડ્યો. સૌથી વધુ મહત્ત્વની વાત એ હતી કે વૉશિંગ્ટનના ટૅક્સ સર્કલમાં મારું નામ જાણીતું થયું. આ કારણે જ્યારે વૉશિંગ્ટન ડી.સી. (ડિસ્ટ્રીક્ટ ઓફ કોલમ્બિયા)માં ટેક્ષ કમિશ્નરની જરૂર પડી ત્યારે મને એ હોદ્દો સંભાળવાનું આમંત્રણ મળ્યું.

License

એક અજાણ્યા ગાંધીની આત્મકથા Copyright © by નટવર ગાંધી. All Rights Reserved.