૩. ઍટલાન્ટા (૧૯૬૫ – ૧૯૬૬)

પ્લેનની પહેલી મુસાફરી

૧૯૬૫ના ઑક્ટોબરની દસમી તારીખે મોડી રાતે હું જ્યારે એર ઇન્ડિયાના પ્લેનમાં બેઠો એ મારી જિંદગીની પહેલી જ પ્લેનની મુસાફરી હતી. સાવરકુંડલા જેવા નાનકડા ગામમાંથી વાયા વિરમગામ થઈ મુંબઈ પહોંચેલા અમારા જેવા માટે એરપ્લેનનું એક્સાઈમેન્ટ જબરું હતું! દેશમાંથી નવા નવા આવેલા અમે મુંબઈના ઍરપોર્ટ પર પ્લેન જોવા જતાં. પ્લેનને ચડતું-ઊતરતું જોવું એ પણ અમારે માટે મોટો લ્હાવો હતો. ઍરપોર્ટના લાઉડસ્પીકર ઉપર થતા એનાઉન્સમેન્ટમાં જ્યારે ન્યૂ યૉર્ક, લંડન, બર્લિન, મિલાન, સિડની વગેરે નામો બોલાતાં ત્યારે હું રોમાંચ અનુભવતો. કલ્પના કરતો કેવાં હશે એ શહેરો? મૂવી થીએટરમાં જ્યારે ન્યૂઝ રિલ્ઝમાં પરદેશ જતા આવતા મહાનુભાવોને પ્લેનમાં હું ચડતા-ઊતરતા જોતો ત્યારે થતું કે હું ક્યારે આવી રીતે પ્લેનની મુસાફરી કરીશ? ઑક્ટોબરના એ દિવસે જ્યારે પ્લેનના પગથિયાં ચડતો હતો ત્યારે માની જ નહોતો શકતો કે હું ખરેખર જ પ્લેનમાં બેસીને ન્યૂ યૉર્ક જઈ રહ્યો હતો.

પ્લેનમાં દાખલ થતાં જ મેં જોયું કે બધું કેટલું સ્વચ્છ અને વ્યવસ્થિત હતું. અહીં ઍરપોર્ટનો ઘોંઘાટ, ધમાલ, ધક્કામુક્કી નહોતાં. મારી સીટ ઉપર બેઠો કે તુરત એક ટૂંકા વાળવાળી, છટાથી સુંદર સાડી પહેરેલી રૂપાળી એર હોસ્ટેસ આવીને વિનયથી મને પૂછી ગઈ, બધું બરાબર છે ને? તમારે કોઈ ચા-કૉફી જોઈએ છે? મુંબઈમાં ક્યારેય કોઈએ મારી સાથે આવી મીઠાશથી વાત કરી હોય એવું યાદ નહોતું. એ જમાનો એર લાઈન સર્વિસનો હતો, અને તેમાંય એર ઇન્ડિયાની સર્વિસ તો બહુ વખણાતી હતી. હું તો બાઘાની જેમ એને જોઈ જ રહ્યો. એને એમ કે હું ઈંગ્લીશ નહીં સમજતો હોઉં. એણે મને ફરી પૂછ્યું, પણ હવે હિન્દીમાં, હું કંઈ પાછો પડું એવો થોડો હતો? મેં કહ્યું “નો, થેંક્યુ!”

મારા લેબાસ પણ એવા જ હતા. જિંદગીમાં પહેલી જ વાર સૂટ પહેરેલો. મારા શેઠે મને આપ્યો હતો. કહે: અમેરિકામાં બહુ ઠંડી પડે છે. તમારે આ ગરમ સૂટની જરૂર પડશે. બરાબર ફીટ નહોતો થતો તો ય મેં તો ચડાવ્યો! બાકી હોય તેમ એમણે જે એક થર્મલ પેન્ટ આપ્યું એ પણ લગાવ્યું. ઍરપોર્ટની એ ગરમી, ગર્દી, હારતોરા, અને હું પરસેવે રેબઝેબ. ટાઈ બાંધતાં પણ હજી હમણાં જ શીખ્યો હતો. મેં જિંદગીમાં પહેલી જ વાર મોજા અને દોરીવાળા શુઝ પહેર્યા હતા. એ બહુ કઠતા હતા. ચપ્પ્લથી ટેવાયેલા મારા પગને આ ઠઠારો નહીં ગમ્યો હોય.

જે લોકો છાશવારે પ્લેનની મુસાફરી કરતા હશે તે તો બધા ફટાફટ ગોઠવાઈ ગયા. એમને તો ખબર હોય ને કે સાથે લીધેલો સામાન ક્યાં મૂકવો, હાથમાં શું રાખવું. એ બધાને જોઈને મેં પણ મારો સામાન ઉપર ગોઠવ્યો. મોટા ભાગના મુસાફરો તો છાપાં કે ચોપડીમાં ખોવાઈ ગયા. હું એ બધાંને જોતો જ રહ્યો. થયું કે આ લોકો જે મુંબઈમાં મારો ભાવ પણ ન પૂછે, તેમની સાથે આજે હું પ્લેનમાં બેઠો છું!

ઍરપોર્ટ પર મને હારતોરા પહેરાવાતા હતા ત્યારે મારા મિત્ર પંચમિયા આવીને મને કહી ગયા કે મારા જ પ્લેનમાં એસ. કે. પાટીલ હતા. એ પણ અમેરિકા જતા હતા. હું તો માની જ ન શક્યો. હું અને સદોબા પાટીલ એક જ પ્લેનમાં? ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી? પાટીલ તો મુંબઈના એ સમયના બેતાજ બાદશાહ ગણાતા. મુંબઈ નગરીનો એકહથ્થુ કન્ટ્રોલ તો કરે, પણ સાથે સાથે દિલ્હીની સેન્ટ્રલ ગવર્ન્મેન્ટમાં મિનિસ્ટર પણ હતાં. મુંબઈમાં એમને ઘણી વાર જોવા, સાંભળવાનું થયેલું, પણ એ બધું તો જાહેર સભા સમારંભોમાં. મને થયું કે આ એમને મળવાની અનેરી તક છે તે ન ગુમાવવી જોઈએ. પણ એ તો ફર્સ્ટ ક્લાસમાં હોય, એને મળવું કેમ?

મેં તુરત એમને ચિઠ્ઠી લખી. કહ્યું કે મળવું છે. લાગ્યું તો તીર, નહીં તો તુક્કો! બહુ બહુ તો એ ના પાડશે. એ રીતે જ ૧૯૬૨માં મુંબઈની ચૂંટણી વખતે હું કૃષ્ણ મેનન અને આચાર્ય કૃપલાનીને મળી આવેલો. આવા મોટા માણસોને મળવાનો મને કોઈ દિવસ સંકોચ નથી થયો. હું એમની સાથે શું વાતો કરીશ એવો પણ પ્રશ્ન મને થયો નથી. અમેરિકા આવીને પણ અહીંના અગત્યના નેતાઓ, વિચારકોને આ રીતે જ મળતો. ઍટલાન્ટા પહોંચતાં જ ત્યાંનાં મુખ્ય છાપાં, ઍટલાન્ટા જર્નલ એન્ડ કોન્સ્ટિટ્યુશનના તંત્રી અને અમેરિકાની સિવિલ રાઈટ્સ મુવમેન્ટના એક અગત્યના પ્રણેતા રાલ્ફ મક્ગીલને પણ કાગળ લખીને મળી આવ્યો હતો. અમેરિકાના તે વખતના જગપ્રસિદ્ધ કોલમિસ્ટ વોલ્ટર લીપમેનને પણ મળવા માટે કાગળ લખ્યો હતો! જો કે પાછળથી ખબર પડી કે એને મળવા માટે મોટા મોટા એમ્બેસેડરો, રાષ્ટ્રપ્રમુખો, વડાપ્રધાનોને પણ મુશ્કેલી પડે છે! અમેરિકાથી દેશમાં ફરવા જતો ત્યારે મળવા જેવા માણસોને અગાઉથી થોડા પત્રો લખતો હતો. આ રીતે જ ઇન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈને પણ મળી આવ્યો હતો.

મેં એર હોસ્ટેસ દ્વારા ચિઠ્ઠી મોકલાવી. એ પાછી આવી ને કહે અત્યારે તો પાટીલ સાહેબ સૂતા છે, સવારે એમને ચિઠ્ઠી આપશે. હું પણ આખા દિવસની ધમાલથી થાક્યો હતો. સૂઈ ગયો. સવારના પ્લેન ઝ્યુરિક પહોંચ્યું. પગ છૂટો કરવા ઊતર્યો. નાનું પણ શું સુંદર ઍરપોર્ટ! ક્યાં મુંબઈના ઍરપોર્ટના ધમાલ, ગંદકી, અંધાધુંધી અને ક્યાં અહીંની વ્યવસ્થા, શાંતિ, સ્વચ્છતા! ત્યાં સવાર પડેલી. લાંબી કાચની દીવાલોમાંથી પથરાતો સવારના સૂર્યનો હૂંફાળો તડકો મને ગમ્યો. ઍરપોર્ટના રિસેપ્શન એરિયાના એક બેંચ પર બેઠો, અને મને પહેલી જ વાર થયું કે મેં મુંબઈને, દેશને, એ બધી ધમાલને ખરેખર છોડ્યાં છે. હું મારા સદ્ભાગ્યને માની જ નહોતો શકતો કે જે અમેરિકા વિશે મેં છાપાંમાં કે મૅગેઝિનોમાં વાંચ્યું હતું ત્યાં જ હું જઈ રહ્યો હતો.

મારી અમેરિકાની સફર વિશે હું આવા અહોભાવથી લખું છું અથવા એ વિશે વાતો કરું છું તે હવે અમેરિકા છાશવારે જતા આવતા દેશીઓને વિચિત્ર લાગે એ હું સમજી શકું છું. એ જમાનામાં આજના જેટલું લોકો ટ્રાવેલ નહોતા કરતા. હવે તો દેશમાં ગામડે ગામડે ટેલિવિઝન પહોંચ્યાં હોવાથી લોકોને અમેરિકાના ન્યુઝ ચોવીસે કલાક મળે છે. આજે સીએનએન જેવા શો અમેરિકામાં શું થઈ રહ્યું છે તેની માહિતી તત્કાલ ઘરે ઘરે પહોંચાડે છે. આજે જે રીતે દેશના લોકો અમેરિકામાં શું ચાલી રહ્યું છે, અમેરિકનો કેવી રીતે જીવે છે, એ બાબતમાં વાકેફ છે, એવી અમને અમારા જમાનામાં કોઈ ખબર નહોતી. હું જ્યારે દેશમાંથી નીકળ્યો ત્યારે હજી મુંબઈમાં ટેલિવિઝન આવ્યું નહોતું.

માત્ર હોલીવુડની મૂવીઓમાં અથવા તો ન્યૂઝરીલમાં જે અમેરિકા જોવા મળતું તેનાથી અમે આભા બનતા. અમેરિકા ફરીને કે ભણીને કોઈ પાછું આવ્યું હોય તેને મળવાનું બન્યું હોય તેય મારે મન મોટી વાત હતી. એવા વિરલ પ્રસંગે હું તેમને અમેરિકા વિશેના અનેક પ્રશ્નો પૂછીને પજવી મારતો. એક ભાઈ કંટાળીને મને કહે: તમને અમેરિકાનું આટલું બધું ઘેલું છે તો તમે ત્યાં કેમ જતા નથી? બાપને દલ્લે અમેરિકા આંટો મારી આવેલા એ નબીરાને હું શું કહું? એ વાત મને ઝ્યુરિકના ઍરપોર્ટ પર યાદ આવી ગઈ!

હું ઍરપોર્ટ ઉપર આમ મારી સુખની પળો વાગોળતો બેઠો હતો ત્યાં મને સંભળાયું કે મારે પ્લેનમાં પાછું ચડવાનું છે. પ્લેનમાં બેઠો કે તુરત બ્રેકફાસ્ટ આવ્યો. એક નાની ટ્રેમાં આટલી બધી વસ્તુઓ આવી વ્યવસ્થિત રીતે ગોઠવાઈને આવે એ જોઈને હું છક્ક થઈ ગયો. જિંદગીમાં પહેલી જ વાર મેં સીરિયલ જોયા. ખબર નહીં કે એ કેમ ખવાય. બાજુના પેસેન્જરને જોઈ મેં પણ એમાં દૂધ નાખ્યું. આમ પહેલી વાર મેં સીરિયલ ખાધા અને મારું અમેરીકાનાઈઝેશન શરૂ થયું.

બ્રેકફાસ્ટ પૂરો થયો કે તુરત પાટીલ સાહેબે મને મળવા બોલાવ્યો. હું બાજુની સીટમાં બેઠો. હું કોણ છું, શા માટે અમેરિકા જાઉં છું, એવા એમના ઔપચારિક પ્રશ્નો પછી મેં એમને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. વર્ષોનું મારું નિયમિત ટાઈમ્સનું વાંચન કામમાં આવ્યું. એમની અને કૃષ્ણ મેનનની વચ્ચેની વૈચારિક હુંસાતુંસી જગજાહેર હતી. હજી હું મેનનનું નામ લઉં ત્યાં જ તેમણે ડાબેરી વિચારધારાને અનુસરતા દેશના રાજકારણીઓ–જેમાં મેનન મુખ્ય ગણાતા–દેશનું કેવું સત્યાનાશ કરી રહ્યા છે, તે માટે લાંબું ભાષણ કર્યું અને પછી તે અચાનક જ મૂંગા થઈ ગયા. તેમણે આંખો બંધ કરી દીધી. મને ખબર ન પડી કે મારે હવે શું કરવું. એર હોસ્ટેસ જે દૂર ઊભી ઊભી અમારો તમાશો જોઈ રહી હતી, તેણે મને ઊઠવાનો ઈશારો કર્યો. અને મારી પાટીલ સાહેબ સાથેની મુલાકાત પૂરી થઈ. હું તો હવામાં ઊડતો ઊડતો મારી સીટ ઉપર પાછો આવ્યો. થયું કે ક્યારે હું ઍટલાન્ટા પહોંચું અને મિત્ર પંચમિયાને કાગળ લખું કે હું પાટીલને મળ્યો!

જો એર હોસ્ટેસે પાટીલ સાહેબ સાથે મારો ઇન્ટરવ્યૂ પૂરો ન કરાવ્યો હોત તો મારે એમને મારા મુંબઈના કડવા અનુભવની વાત કરવી હતી. આખરે એ તો મુંબઈના વડા નાગરિક હતા. કહેવાતું કે એમને પૂછ્યા વગર મુંબઈમાં ચકલુંય ન ફરકે. હું ૧૯૫૭માં મુંબઈમાં આવ્યો અને ૧૯૬૫માં છોડતો હતો. જ્યારે આવ્યો ત્યારે કેટકેટલા સપનાં લઈને આવ્યો હતો! હું તો દેશ સેવા કરવા થનગનતો હતો. મારે તો મોટાં કામ કરવા હતાં. નામના કાઢવી હતી. આજે મુંબઈથી જ્યારે નીકળતો હતો ત્યારે એ બધું શેખચલ્લીનાં સપનાઓની જેમ કેમ રોળાઈ ગયું?

મારે પાટીલને પૂછવું હતું કે મુંબઈમાં મારા જેવા જુવાનિયાઓ જેને કામ કરવું છે તેમને જેવી તેવી પણ નોકરી મેળવતાં આટલી બધી મુશ્કેલી કેમ પડે છે? દેશમાં આટલી બેકારી કેમ છે? રહેવાની નાનકડી ઓરડી પણ કેમ મળતી નથી? એને માટે એ શું કરે છે? દેશમાં તંગી સિવાય છે શું? અને તંગીનું નિવારણ કરવા માટે સરકાર એક પછી એક બાબતમાં કન્ટ્રોલ મૂકવા સિવાય બીજું કરે છે શું? અને જે લોકોને કંઈક પણ કરવું છે તેની ઉપર સરકારનો અંકુશ શા માટે છે? એકનો એક દીકરો પરણતો હોય અને તમારે જમણવાર કરવો હોય તો ન થાય! ફિલ્મોમાં શું બતાવી શકાય અને શું ન બતાવી શકાય એ પણ સરકાર નક્કી કરે. હીરો હિરોઈનને ફિલ્મમાં ચુંબન ન કરી શકે! એવું કંઈ જોવું હોય તો હોલીવુડની મૂવી જોવા જવું પડે. વળી એવી મૂવી અમુક થિયેટર જ દેખાડી શકે. નાનો મોટો ધંધો કરવો હોય કે ફેક્ટરી શરૂ કરવી હોય તો એને માટે સરકારી પરમીટ લેવી જોઈએ. રાજાજીએ સાવ સાચું જ કહ્યું હતું આ તો ‘લાયસન્સ પરમીટ રાજ’ છે. જિંદગીની નાની મોટી બધી જ વાતમાં આ સડેલી સરકાર, ખાસ તો એની રેઢિયાળ અને બેજવાબદાર બ્યુરોક્રસી, આડી આવે છે એ બાબતમાં એ શું કરે છે. એવું પણ બને કે મારી આવા ઉકળાટ સામે પાટીલ સાહેબે મને કહ્યું હોત કે નહેરુ એનું કહ્યું માને તો ને? પણ મને પૂછવાનો કે એમને જવાબ આપવાનો મોકો મળ્યો.

ઍટલાન્ટા પહોંચ્યો

ન્યૂ યૉર્કમાં પ્લેન બદલીને ઍટલાન્ટા જવાનું હતું. ઍરપોર્ટ ઉપર હેલ્પ ડેસ્ક ઉપર જઈને ઇસ્ટર્ન એરલાઈન્સનું ઍટલાન્ટા જતું પ્લેન કેમ પકડવું અને ટેલિફોન કેમ કરવો એ પૂછ્યું. છોકરી ભલી હતી. એણે વિગતથી મને સમજાવ્યું. મેં કહ્યું : “Thank you,” એણે કહ્યું : “You are welcome.” આપણે ત્યાં જેમ Thank you પછી ‘Don’t mention it’ કહેવાનો રિવાજ છે તેમ અહીં લોકો ‘You are welcome,’ કહે. હું એમ સમજ્યો કે એ અમેરિકામાં મારું સ્વાગત કરે છે. તો વળી પાછું મેં કહ્યું : “Thank you.” અને એણે કહ્યું : “You are welcome.” અમારી આ પીંગ પોન્ગની શબ્દ બાજી આગળ વધે તે પહેલાં જ એણે હારીને કહ્યું : “Never mind!” અને મને ટેલિફોન બૂથ પર લઈ ગઈ. એ જમાનો હજી લેન્ડ લાઇનનો હતો. એણે મને જારેચાનો નંબર જોડી આપ્યો. મેં જેવો ટેલિફોન ઉપાડ્યો ત્યાં જ જારેચા પૂછે : કેમ છો તમે, ભાઈ?! બરાબર પહોંચી ગયા? ટેલિફોનનો અવાજ એટલો સ્પષ્ટ હતો કે જાણે બાજુમાં જ ઊભા હોય એમ લાગે. મને કહે કે આપણે બે કલાકમાં મળીએ છીએ. ઍરપોર્ટ ઉપર તમને લેવા આવું છું. ઇસ્ટર્ન એરલાઇનનું પ્લેન બે કલાકમાં મને ઍટલાન્ટા લઈ આવ્યું.

ઊતરીને હું જેવો ટર્મિનલમાં ગયો કે મેં જારેચાને જોયા. એમની સાથે એક રૂપાળી આફ્રિકન અમેરિકન છોકરી હતી. જારેચાએ અમારી ઓળખાણ કરાવી. એમની ફેન્સી કારમાં હું બેઠો. પાણીના રેલાની જેમ ગાડી દોડ્યે જતી હતી. ઍટલાન્ટાના રશ અવરના એ જબ્બરદસ્ત ટ્રાફિકમાં જારેચા સહજતાથી કાર ચલાવતા હતા. એક હાથ સ્ટીઅરીન્ગ વ્હીલ પર, બીજા હાથમાં સિગરેટ. સિગરેટના ધુમાડાના ગોટાઓ ચગાવતા ચગાવતા બાજુમાં બેઠેલી છોકરી સાથે વાતો કરતા જાય. એ બધું જોઈને હું છક્ક થઈ ગયો. આવા જબરા ટ્રાફિકમાં પણ કેટલી સહજતાથી અને કેટલી સ્પીડમાં ગાડીઓ જતી હતી! હાઈ વે ઉપર કોઈ ટ્રાફિક લાઈટ્સ નહીં, કોઈ ધમાલ નહીં, કોઈ અંધાધૂંધી નહીં. જાણે કે બધાને ખબર કે શું કરવાનું છે, કેવી શિસ્ત! બધા કેવા પોતાની લેનમાં જ કાર ચલાવે છે! જારેચા કહે કે એ બધાને ખબર છે કે એમ જો ન કરીએ તો શું થાય. નવા નિશાળિયાની કુતુહલવૃત્તિથી મેં પૂછ્યું કે શું થાય? એ કહે, મોટો એક્સિડન્ટ થાય, તમે મરી જાવ, અને જો બચ્યા તો મોટી ટિકિટ મળે અને ઇન્સ્યૂરન્સનું પ્રિમિયમ વધી જાય. જો કે એ બધી, ખાસ કરીને પ્રિમિયમ વધવાની વાત તો વર્ષો પછી મારો પોતાનો એક્સિડન્ટ થયો ત્યારે સમજાણી.

જે યુનિવર્સિટીમાં જારેચા બર્સરની ઑફિસમાં કામ કરતા હતા અને જ્યાં એ પોતે પણ ભણ્યા હતા ત્યાં જ મને એમણે એડમિશન અપાવ્યું હતું, તેની જ ડૉર્મમાં એમનો ફ્લૅટ હતો. એ ફ્લૅટનો બાથરૂમ પણ કેવો! બધી જ વ્યવસ્થા હતી. આવો બાથરૂમ મેં મૂવીઓ સિવાય ક્યાંય જોયો નહોતો. એમણે મને ઠંડા ગરમ પાણીના નળ, શાવર, ટબ, ટોઇલેટ વગેરેની વ્યવસ્થા સમજાવી. પહેલે દિવસે તો બીતા બીતા શાવર વાપર્યો, ભૂલે ચૂકેય કાંઈ ગરબડ થઈ જાય તો. અને એવું જ થયું. જિંદગીમાં પહેલી જ વાર મેં શાવર લીધો. શાવર કર્ટન બરાબર બંધ નહીં થયો એટલે બાથરૂમમાં બધે પાણી પાણી થઈ ગયું!

એમનો ફ્લૅટ અમેરિકાની દૃષ્ટિએ નાનો ગણાય. લીવીંગ રૂમ, બેડરૂમ અને બાથરૂમ, પણ મુંબઈની સરખામણીમાં તો ખાસ્સો મોટો હતો. હું તરત જોઈ શક્યો કે યુનિવર્સિટીમાં એક ક્લાર્કની સામાન્ય નોકરી અને તે પણ માત્ર એક વર્ષથી જ, છતાં જારેચા પાસે કેવો સુંદર ફ્લૅટ હતો! જારેચાને મુંબઈમાં આવો ફ્લૅટ મેળવતાં આખી જિંદગી નીકળી જાત, અને તે પણ ભાગ્યશાળી હોત તો જ. દૂરના એક પરામાં ખાલી એક ઓરડી મેળવતાં મારે મુંબઈમાં જે રઝળપાટ કરવો પડ્યો હતો તે મને યાદ આવ્યો. થયું કે સામાન્ય માણસને પણ આ સુખસગવડ મળે તે તો અમેરિકાનો જ પ્રતાપ છે!

અમેરિકામાં કૉલેજ અને યુનિવર્સિટીમાં ભણવા માટે વિદ્યાર્થીઓ મોટે ભાગે બહાર ગામથી આવે. મોટી મોટી યુનિવર્સિટીઓમાં સિત્તેર એંશી હજાર છોકરા છોકરીઓ ભણતા હોય. કૅમ્પસમાં સેંકડોની સંખ્યામાં બિલ્ડીંગો હોય. એમાં અનેક ડૉર્મ હોય. નાનકડું ગામ જ જોઈ લો. શરૂઆતમાં વિદ્યાર્થીઓને ડૉર્મમાં રહેવું પડે. માબાપ અને કુટુંબથી વિખૂટા પડીને એકલા રહેવાથી એમનામાં સ્વાયત્તતા આવે. એમને જવાબદારીનું ભાન આવે. ઍટલાન્ટા યુનિવર્સિટી પ્રમાણમાં નાની. છોકરાઓની એક ડૉર્મમાં એમની બાજુની રૂમ જારેચાએ મારે માટે નોંધાવી રાખી હતી. એમના ફ્લૅટની ચાવી આપી મને કહ્યું કે હમણાં મારા ફ્લૅટનો જ બાથરૂમ વાપરજે.

મેં જ્યારે ડૉર્મના કૉમન બાથરૂમ વાપરવા શરૂ કર્યાં ત્યારે ખબર પડી કે શા માટે એમણે મને એમનો અંગત બાથરૂમ વાપરવા કહ્યું. મુંબઈની છોકરાઓની હોસ્ટેલમાં હું બાથરૂમમાં ટુવાલ પહેરી રાખવા અને બારણું બંધ કરીને જ ટુવાલ કાઢવા ટેવાયેલો હતો. અહીંયા જોયું તો કાળા છોકરાઓ કોઈ પણ સંકોચ વગર નાગા રખડતા હતા. એમના કાળા ડીબાંગ પડછંદ શરીરને નગ્ન અવસ્થામાં જોઈને હું તો ડઘાઈ ગયો. બાકી હતું તો આ છોકરાઓ નાગા નાગા એકબીજા સાથે મસ્તી કરતા હતા! મને થયું કે આપણે હમણાં તો જારેચાના બાથરૂમમાં જ સારા!

બીજે દિવસે એમની સાથે ડૉર્મના ડાઈનિંગ હોલમાં ગયો. નિશ્ચિત સમયે કાફેટેરિયામાં બધા લાઈનસર ઊભા રહે. કોઈ ધક્કામુક્કી નહીં. ખાવાનું પણ કેટલું બધું, અને કેવું જુદું જુદું. બાફેલાં શાકભાજી, ફળફળાદિ, બ્રેડ, અનેક પ્રકારની મિષ્ટાનની વાનગીઓ. પીવા માટે દૂધ, બટરમિલ્ક વગેરે. મેં પહેલી જ વાર ચોકલેટ મિલ્ક જોયું. મારે માટે કેટલીયે વસ્તુઓ સાવ નવી હતી. આપણે તો પાછા વેજીટેરિયન, પૂછવું પડે, આમાં ક્યાંય મીટ ખરું? એ જમાનામાં અમેરિકામાં સલાડ બાર હજુ શરૂ થયા નહોતા. લોકોને વેજીટેરિયન થવાની લત લાગી ન હતી. મોટા ભાગના લોકો મીટ, ખાસ કરીને બીફ સ્ટેક, ફીશ, ચીકન, લેમ્બ વગેરે નિયમિત ખાય. મેં જોયું કે છોકરા-છોકરીઓ બધા સાથે બેઠા હતાં. કોઈને કોઈનો છોછ ન હોતો. સહજ જ અલકમલકની વાતો કરતા ભોજન કરતાં હતાં. ખાધા પછી ઘણા આરામથી સિગરેટ ફૂંકતા હતા. એ જમાનામાં સિગરેટ બહુ પીવાતી. જમ્યા પછી બધા પોતાની ટ્રે લઈ લે અને કન્વેયર બેલ્ટ ઉપર મૂકી દે. કોઈ નોકરો ન હતાં. બધા પોતપોતાનું કામ કરતાં હતાં. અને આટલા બધાં લોકો હતાં છતાં કોઈ ઘોંઘાટ નહીં.

કાળા લોકોની યુનિવર્સિટી

ડૉર્મમાં એક વસ્તુ મેં ખાસ નોંધી. ત્યાં મને કોઈ ગોરો અમેરિકન દેખાયો જ નહીં! ડોર્મના રહેવાસી છોકરાઓ, કામ કરનારા લોકો, વગેરે બધા આફ્રિકન અમેરિકન એટલે કે કાળા લોકો જ હતા. મને થયું કે હું અમેરિકા આવ્યો છું કે આફ્રિકા? આ કેવું? બીજે દિવસે જારેચા સાથે યુનિવર્સિટીમાં ગયો ત્યાં પણ એવું જ. વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, પ્રૉફેસરો, અધિકારીઓ વગેરે બધા કાળા જ. થોડા ઇન્ડિયન અને ચાઇનીઝ વિદ્યાર્થીઓ દેખાયા. ઇન્ડિયન વિદ્યાર્થીઓ મારી મૂંઝવણ સહેજે સમજી ગયા. એ બધાનો પણ આવ્યા ત્યારે આ જ અનુભવ હતો. એમણે મને સમજાવ્યું કે ઍટલાન્ટા યુનિવર્સિટી તો મુખ્યત્વે કાળા લોકો માટેની છે.

ઍટલાન્ટા યુનિવર્સિટી દક્ષિણના જ્યોર્જિયા રાજ્યની રાજધાની ઍટલાન્ટામાં આવેલી. દક્ષિણનાં રાજ્યો ૧૯૬૦ના દાયકામાં પણ હજી રંગભેદમાં માનતાં હતાં. તેમણે કાળી અને ગોરી પ્રજાઓને એકબીજાથી અલગ રાખવા માટે કાળાઓ માટે એક જુદી જ સમાજવ્યવસ્થા ઊભી કરી હતી. કાળાઓને ગોરા લોકોની કૉલેજો કે યુનિવર્સિટીઓમાં ન આવવા દેવા માટે એમની જુદી સ્કૂલો, કૉલેજો અને યુનિવર્સિટીઓ બાંધી. કાળા વિદ્યાર્થીઓ માટે જે પબ્લિક અને પ્રાઈવેટ કૉલેજો અને યુનિવર્સિટીઓ સ્થપાઈ તેમાંની એક ઍટલાન્ટા યુનિવર્સિટી. આ યુનિવર્સિટી મુખ્યત્વે કાળા લોકો માટે છે એ અમને દેશી વિદ્યાર્થીઓને તો અહીં આવ્યા પછી જ ખબર પડી! ઍટલાન્ટા યુનિવર્સિટી અને આજુબાજુ જે કૉલેજો હતી—મોરહાઉસ, ક્લાર્ક, સ્પેલ્મન, મોરીસ બ્રાઉન—તે બધી ખાસ કાળા છોકરા-છોકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે ઊભી કરવામાં આવી હતી.

દેશમાં કાળા લોકો વિશે સાંભળેલું—એમની ગુલામી વિશે, રંગભેદને કારણે એમને થતા ભયંકર અન્યાય વિશે. વધુમાં તેમના મહાન નેતા માર્ટીન લ્યુથર કિંગ અને બીજાઓની આગેવાની નીચે વૉશિંગ્ટનના લિંકન મેમોરિયલ ઉપર લાખોની સંખ્યામાં કાળા લોકો ભેગા થયેલા તેનું ન્યુઝ રીલ પણ જોયું હતું. એમાં એ વખતે કિંગે આપેલું I have a dream વાળું યાદગાર પ્રવચન પણ સાંભળેલું. પણ એ લોકો માટે જુદી કૉલેજો હશે અને મારે એવી એક કૉલેજમાં જવાનું થશે એની કલ્પના પણ ત્યારે કયાંથી હોય?

અમેરિકાનાં દક્ષિણ રાજ્યો, ખાસ કરીને નૉર્થ અને સાઉથ કૅરોલીના, જ્યોર્જિયા, ફ્લોરીડા, એલબામા, મિસીસીપી, ટૅક્સાસ, આર્કાન્સાસ, ટેનેસી વગેરેમાં ગુલામીની પ્રથા સદીઓથી પ્રચલિત હતી. ત્યાંના સ્યુગર, કોટન અને ટોબેકોના મોટા પ્લાન્ટેશનોમાં કામ કરવા માટે મજૂરોની ખૂબ જરૂર હતી. આવું સખત કામ કરનારા મજૂરો લાવવા ક્યાંથી? પ્લાન્ટેશનોના માલિકો ગોરાઓ હતા. ગોરા લોકોની સંખ્યા પ્રમાણમાં ઓછી, અને જે હતા તે કાંઈ આવું કમરતોડ અને હલકું કામ થોડા કરવાના હતા? એ માટે ગોરાઓ આફ્રિકામાંથી લાખોની સંખ્યામાં કાળા લોકોને ઘસડી લાવ્યા, અને આમ ગુલામીની પ્રથા શરૂ થઈ.

ગુલામ થઈને આવેલા કાળા લોકો ગોરાઓની મિલકત હતી. ઢોર-જનાવરની જેમ જ એમની લેવડદેવડ થતી. એમને વેચવા ખરીદવાના રીતસરના બજારો ભરાતા, જ્યાં એમના લીલામ થતાં. બળબળતા બપોરે કે હાડકાં ભાંગી નાખતી ઠંડીમાં ઢોરની જેમ જ એમણે માલિકના હુકમ મુજબ રાતદિવસ કામ કરવાનું. એમની આ મજૂરીથી જ સ્યુગર, કોટન અને ટોબેકોના ઉદ્યોગો ચાલતા હતાં અને તેથી જ તો દક્ષિણનાં રાજ્યોના અર્થકારણમાં ગુલામીની પ્રથા અનિવાર્ય રીતે ગૂંથાઈ ગઈ. ૧૮૬૦ના દાયકામાં આ ગુલામીની પ્રથા નાબૂદ કરવા અમેરિકાનાં ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે દારુણ સિવિલ વોર થઈ. અમેરિકાના મહાન પ્રમુખ એબ્રાહમ લિંકનની નેતાગીરી નીચે ઉત્તરનાં રાજ્યો એ મહાયુદ્ધમાં વિજેતા નીવડ્યાં.

જેમ આપણે ત્યાં દેશના ભાગલાની કરુણ અને ભયંકર ઘટના પછી હિંદુ અને મુસ્લિમ પ્રજા વચ્ચેના સંબંધો સદાને માટે વણસી ગયા, તેમજ અમેરિકાની સિવિલ વોર પછી ગોરી અને કાળી પ્રજાના સંબંધો, ખાસ કરીને દક્ષિણનાં રાજ્યોમાં બગડેલા જ રહ્યા. કાળા લોકોની ગુલામીમાંથી મુક્તિ ભલે થઈ, પણ એ કલંકનો ડાઘો હજી અમેરિકાના રોજબરોજના જીવનમાંથી સાવ ભુંસાયો નથી. કાળા ધોળાના સંબંધોમાં એનું ઝેર હજી પણ ઊંડેઊંડે પ્રસરેલું છે. સિવિલ વોરને કારણે ગુલામીની પ્રથાની કાયદેસરની નાબૂદી થઈ હોવા છતાં, દેશનો રંગભેદ, ખાસ કરીને દક્ષિણનાં રાજ્યોમાં લગભગ કંઈક અંશે ટકી રહ્યો છે. આ રંગભેદને કારણે કાળા લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ જ રહી, બલકે વણસી. ગુલામી નાબૂદ થયા પછી તો હવે રોજબરોજ જીવવા માટે એમણે કામ શોધવાનું રહ્યું.

રંગભેદને કારણે જીવનનાં અનેક ક્ષેત્રમાં તેમને બળજબરીથી પાછળ રખાયા. જ્યાં જ્યાં ગોરા લોકો હોય ત્યાં ત્યાં તેમને આવવાનો અધિકાર નહીં. એમને બસમાં બેસવાનું હોય તો તે પાછળ, ગોરા લોકો આગળ બેસે. ગોરા લોકોના ચર્ચમાં એ આવી ન શકે. એમના ચર્ચ જુદાં, એમની સ્કૂલો જુદી, એમની કૉલેજો જુદી, એમનાં રહેઠાણ અને પાડોશ પણ જુદાં. આમ સમાજના બે ભાગ પડી ગયા, એક ગોરા લોકો માટે, અને બીજો કાળા લોકો માટે. ગોરા લોકો સત્તાનો કબજો લઈને બેઠા હતા. સારા નોકરીધંધા, રહેવાના સારા પાડોશો, સારી સ્કૂલો અને કૉલેજો વગેરે ગોરાઓ માટે, હલકાં કામ કાળાઓ માટે. કાળા લોકોને પૂરેપૂરો મતાધિકાર અને અન્ય સ્વતંત્રતા મળવાને હજી વાર હતી. મૂળમાં કાળા લોકોની રાજકીય, સામાજિક અને ખાસ કરીને આર્થિક સ્થિતિ ગોરાઓની સરખામણીમાં નીચી અને ખરાબ જ રહી અને એમનું શોષણ થતું રહ્યું.

હું ઍટલાન્ટા ૧૯૬૫માં પહોંચ્યો ત્યારે સિવિલ વોરને સો વર્ષ થઈ ગયાં હતાં. એ સો વરસમાં કાળા લોકોની પરિસ્થિતિમાં ધીમે ધીમે પણ મોટા ફેરફાર થયા હતા. છતાં કાળા ધોળાનો ભેદભાવ મટે અને આખરે એમને નાગરિકતાના બધા હક્ક મળે એ માટે ત્યારે માર્ટીન લ્યુથર કિંગ અને બીજા આફ્રિકન અમેરિકન નેતાઓની આગેવાની નીચે સિવિલ રાઈટ્સની ઝુંબેશ પુરબહાર ચાલતી હતી. છતાં રંગભેદને કારણે જે ભેદભાવ થતો હતો તે ગોરા લોકોના હાડમાં એવો તો ઊતરી ગયો હતો કે સમાજ અને રાષ્ટ્રના જે બે ભાગ પડી ગયા હતા તે યેનકેન પ્રકારેણ ચાલુ જ રહ્યા.

આજે આ લખાય છે ત્યારે ૨૦૧૬માં સિવિલ વોરને દોઢસોથી પણ વધારે વરસ થયાં, પણ રંગભેદનો ભેદભાવ થોડે ઘણે અંશે આખાયે દેશમાં, પણ ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં, હજી જોવા મળે છે. હમણાં જ સાઉથ કૅરોલીનાની રાજધાની ચાર્લ્સટનમાં એકવીસ વરસના એક ગોરા જુવાને ચર્ચમાં જઈને પ્રભુભજન કરતા ૯ કાળા લોકોની હત્યા કરી. કહે કે એ કાળા લોકોને ધિક્કારે છે. હું અમેરિકા ગયો ત્યારે કાળા ધોળા વચ્ચેનાં છમકલાં તો રોજબરોજ થયે જતાં હતાં. ૧૯૬૦માં એલબામા રાજ્યમાં ચાર કાળી છોકરીઓને ચર્ચમાં બોમ્બ ફેંકીને બાળી નાખવામાં આવેલી. આવાં હિચકારાં કૃત્યો ઉપરાંત કાળા લોકો પર થતો રોજનો ત્રાસ ઘણી વાર અસહ્ય બની જતો. કાળા લોકોનો રોષ ક્યારેક મોટાં શહેરોમાં ભયંકર હુલ્લડોમાં પ્રગટ થતો. અને પછી મહિનાઓ સુધી મોટે ભડકે બળતો. ૧૯૬૮માં માર્ટિન લ્યુથર કિંગની હત્યા પછી અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન સહિત કેટલાંક શહેરોમાં આવાં મોટાં હુલ્લડો થયાં હતાં.

અમેરિકામાં કાળા ધોળા વચ્ચેના રંગભેદને કારણે થતો ભેદભાવ ભૂંસવા અસાધારણ પ્રગતિ થઈ છે. ખાસ તો ભેદભાવને લીધે ઊભી થયેલી કાળાઓની દારુણ આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરવા માટે અમેરિકામાં અનેક કાયદાઓ ઘડાયા છે. કાળા લોકોને પૂરેપૂરો મતાધિકાર મળે તે માટે કંઈક કેસ ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા. હું જ્યારે અમેરિકા આવ્યો ત્યારે તો કલ્પના પણ નહોતી થઈ શકતી કે કાળો માણસ અમેરિકાના કોઈ રાજ્યનો ગવર્નર કે રાષ્ટ્રનો પ્રમુખ બને. અને છતાં ૨૦૦૮માં આફ્રિકન અમેરિકન બરાક ઓબામાની બહુમતિથી પ્રમુખ તરીકે ચૂંટણી થઈ. અમેરિકન સમાજ કેટલો પરિવર્તનશીલ છે એ આ મહાન ઘટના સાબિત કરે છે.

મુંબઈનો પેલો કન્સલ્ટન્ટ જેનો ધંધો અમને અમેરિકન કૉલેજો અને યુનિવર્સિટીઓમાં સહેલાઈથી એડમિશન અપાવાનો હતો તે ઍટલાન્ટા યુનિવર્સિટી જેવી કૉલેજ શોધે કે જેમાં અમને જલ્દીથી એડમિશન મળી જાય અને અમે અમેરિકામાં ઠેકાણે પડી જઈએ. અને એને એની ફી મળી જાય. એ અમને કંઈ થોડો કહેવાનો હતો કે આ કૉલેજો કઈ કક્ષાની છે? કે કાળા વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે આ કૉલેજોમાં ધોરણ અનિવાર્યતઃ જુદાં અને નીચાં રાખવા પડે. ક્લાસમાં, ખાસ કરીને મેથ્સ કે અકાઉન્ટિન્ગના ક્લાસમાં, તરત ખબર પડે કે અમારા સહાધ્યાયી કાળા વિદ્યાર્થીઓ ભણવામાં દેશી વિદ્યાર્થીઓ જેટલા સજ્જ ન હતા. જે હાઈસ્કૂલોમાં એ બધા ભણ્યા હતા ત્યાં પણ સગવડો ઓછી હોય. એ પણ આ રંગભેદથી થતા ભેદભાવનું જ પરિણામ. દક્ષિણનાં બધાં જ રાજ્યોમાં ગોરાઓની સ્કૂલ અને કૉલેજોને ફંડ, સાધનો, સગવડ પહેલાં મળે અને જે કાંઈ વધ્યુંઘટ્યું હોય તે કાળી સંસ્થાઓને મળે.

અહીં આવ્યા પછી ખબર પડી કે અમેરિકામાં તો ચારેક હજાર કૉલેજો અને યુનિવર્સિટીઓ છે અને બધાની કક્ષા એક સરખી નથી. એટલું જ નહીં પણ હાર્વર્ડ, યેલ, શિકાગો, પેન, સ્ટેનફર્ડ, ડાર્ટમથ જેવી ખ્યાતનામ કૉલેજો તો બહુ ઓછી. અમે એવી ઉચ્ચ કક્ષાની યુનિવર્સિટીમાં ભણતા નથી એ અમને દેશી વિદ્યાર્થીઓને બહુ કઠતું. એ પ્રખ્યાત યુનિવર્સિટીઓમાં જે સાધનસગવડ હોય તે બધે કેવી રીતે હોય? અને તેમાં પણ ઍટલાન્ટા યુનિવર્સિટી જેવી કાળા લોકોની સંસ્થાઓની આર્થિક સ્થિતિ તો બહુ જ કફોડી. ખાસ કરીને સરકારી બજેટમાં ગોરી યુનિવર્સિટીઓની પતરાવળી પહેલી પડે. કાળાઓને ભાગે તો જે કાંઈ બાકી રહ્યું હોય તે આવે. આવી કફોડી આર્થિક પરિસ્થિતિને કારણે કેટલીક પ્રાઇવેટ કાળી કૉલેજો તો સાવ બંધ થઈ ગઈ અને કેટલીક એક બીજા સાથે જોડાઈ ગઈ. જેમ કે ઍટલાન્ટા યુનિવર્સિટી આજે ક્લાર્ક ઍટલાન્ટા યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. એ અને બાજુની ક્લાર્ક કૉલેજ જોડાઈ ગયા.

અમેરિકામાં આવીને પૂરતાં સાધનસગવડ વગરની ગરીબ યુનિવર્સિટીમાં ભણતા અમે બધા વિચાર કરતા કે હાર્વર્ડ, યેલ, શિકાગો, જેવી યુનિવર્સિટીઓમાં ભણવાનું કેવું હશે! ઍટલાન્ટાની ગોરી યુનિવર્સિટીઓ કેવી હોય તે જોવા જાણવા માટે હું બહુ ઉત્સુક હતો. એક વાર હું ઍટલાન્ટામાં આવેલી એમરી નામની ગોરા લોકોની યુનિવર્સિટીમાં ગયો. ત્યાંની વ્યવસ્થા, મકાનો, પ્રોફસરો, વિદ્યાર્થીઓ, વગેરે જોઈને હું છક્ક થઈ ગયો. એની સરખામણીમાં અમારી ઍટલાન્ટા યુનિવર્સિટી ખૂબ વામણી લાગે. થયું કે આવી યુનિવર્સિટીમાં મારે ભણવાનું?

પણ હવે શું થાય? અહીંથી પાછું થોડું જવાય છે? એમ પણ થયું કે ચાલ, અહીંથી છોડીને બીજી કૉલેજમાં એડમિશન લઉં. પણ જવું ક્યાં? આપણે તો અહીં મફતના ભાવે આવ્યા છીએ. બીજે જવાના પૈસા ક્યાંથી કાઢવા? અહીં તો જારેચાની મદદ પણ છે, કંપની છે, તે મને બીજે ક્યાં મળવાની છે? અને મારાથી એમને એમ કહેવાય પણ કેમ કે મારે હવે ઍટલાન્ટા છોડીને બીજે જવું છે? એ ભલા માણસે મારા માટે આટલી બધી મહેનત કરીને બધી વ્યવસ્થા કરી આપી, એરલાઈનની ટિકિટ પણ મેળવી આપી, અને મારો થોડો ઘણો ખર્ચો નીકળે એ માટે યુનિવર્સિટીમાં જોબ અપાવ્યો જેમાંથી હું થોડા પૈસા નલિનીને મોકલતો હતો. હવે એને જ એમ કહું કે તમે જે યુનિવર્સિટીમાં ભણ્યા છો, અને જ્યાં હવે કામ કરો છો, એ મને નથી ગમતી એટલે હું ચાલ્યો. હું એવો નગુણો નહીં થાઉં. થયું કે આ પલાળ્યું છે તે પૂરું કરો, એમ.બી.એ ની ડીગ્રી લઈ લો અને પછી ભાગો.

પ્રેક્ટિકલ શિક્ષણ

ઍટલાન્ટા યુનિવર્સિટી ભલે ગોરી યુનિવર્સિટીઓની સરખામણીમાં નબળી હતી, પણ મુંબઈની અમારી સીડનહામ કૉલેજ કરતાં તો હજારગણી સારી હતી! સીડનહામ કૉલેજમાં તો અમે ગોખી ગોખીને ભણતા, ગાઇડ્સમાં જે હતું તે એક્ઝામ પેપર્સમાં ઓકતા. પચાસ સાઠ છોકરાઓના ક્લાસમાં પ્રૉફેસર આવે, વેઠ ઉતારતા હોય એમ લેકચર આપીને ચાલતા થાય. વિદ્યાર્થીઓ સમજે છે કે નહીં એની એને કાંઈ પડી ન હોય.

મારા કૉલેજના ચાર વરસ દરમિયાન પ્રૉફેસર અને વિદ્યાર્થીઓ વચ્ચે ક્લાસમાં ક્યારેય કોઈ ચર્ચા થઈ હોય એવું યાદ નથી. જ્યાં પ્રૉફેસર અને વિદ્યાર્થી વચ્ચે જો વાત જ ન થતી હોય ત્યાં વિચારવિનિયમ કે ચર્ચાને અવકાશ કેવી રીતે હોય? માત્ર મુરલીભાઈએ જ મારી કાવ્યપ્રવૃત્તિમાં કંઈક રસ બતાડ્યો હતો. પણ એ તો ગુજરાતીના પ્રૉફેસર, કૉમર્સ કૉલેજમાં એમનું શું ગજું? અહીં કેટલાક પ્રૉફેસરો તો તમને ઘરે જમવા બોલાવે. વિદેશી વિદ્યાર્થીઓને એ લાભ બહુ મળતો. અઠવાડિયામાં એક વાર મળતો સાંજનો એક ક્લાસ ભરવા અમે પ્રૉફેસરને ઘરે જતા! જ્યાં એમનાં પત્ની અમારી આગતાસ્વાગતા કરે, ચા નાસ્તો આપે. અમારામાં રસ બતાડે. અમને ઍટલાન્ટામાં સ્થાયી થવામાં શી મુશ્કેલી પડે છે તે બાબતની પૂછપરછ કરે, અને બનતી મદદ કરે.

અમેરિકન યુનિવર્સિટી સિસ્ટમની એક વસ્તુ મેં ખાસ નોંધી. જે કોર્સ તમે લીધો હોય તેમાં તમે કેવું કરો છો, કયો ગ્રેડ મેળવશો એ બધું જ એ કોર્સનો પ્રૉફેસર જ નક્કી કરે. આપણે ત્યાં જેમ આખી યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ માટે જે એક જ એક્ઝામ પેપર નીકળે અને એ સેટ કરવાનું કે એને તપાસવાનું કામ તમારા પ્રૉફેસર નહીં પણ કોઈ જુદા લોકો કરે. અહીં તો તમારો પ્રૉફેસર બધું નક્કી કરે. એ જ પેપર કાઢે અને એ જ ગ્રેડ કરે. ઍટલાન્ટા યુનિવર્સિટીમાં એક વિચિત્ર પ્રૉફેસર હતો. એને ઇન્ડિયનો વિશે સખત પૂર્વગ્રહ હતો. કોઈ પણ ઇન્ડિયન વિદ્યાર્થીને એ સારા ગ્રેડ આપે જ નહીં. અમે બધા નવા નવા એટલે એ બાબતની ફરિયાદ કરવાની અમારી હિંમત ન ચાલે. નીચી મૂંડીએ એ જે ગ્રેડ આપે તે લઈ આગળ વધીએ. અમે બધા A ગ્રેડથી ટેવાયેલા, પણ આ વિચિત્ર પ્રૉફેસર પાસેથી જો F ગ્રેડ ન મળે તો જાન છૂટી એમ માનતા. જો કે આ તો અપવાદ રૂપ જ પરિસ્થિતિ હતી. બાકીના બધા પ્રૉફેસરો ઇન્ડિયનો માટે ખૂબ સારો અભિપ્રાય ધરાવતા. એમની ગ્રેડિંગ સિસ્ટમ પણ કોઈ પ્રકારના પૂર્વગ્રહ વગર થતી.

મુંબઈની કૉલેજની સરખામણીમાં અહીં ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી. પ્રૉફેસર વિદ્યાર્થીઓને નામથી ઓળખે. ક્લાસમાં વિદ્યાર્થીઓને ચર્ચામાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહન આપે. પ્રૉફેસરનું લેક્ચર હોય ખરું, પણ પ્રમાણમાં ઓછું, અને તે પણ વિષયને માત્ર રજૂ કરવા માટે, પછી સોક્રેટિક મેથડ મુજબ ક્લાસની ચર્ચા દ્વારા જ શિક્ષણ અપાય. આશય તો વિદ્યાર્થીને સ્વતંત્ર વિચાર કરતા કરવાનો હોય છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓને ચાર પાંચ સહાધ્યાયીઓની ટીમ બનાવવાનું કહેવામાં આવે. એમ.બી.એ.ના અભ્યાસમાં વિદ્યાર્થીઓને ધંધાના પ્રશ્નો રજૂ કરતા કેસ આપવામાં આવે. એમણે એ પ્રશ્નોનો ઉકેલ ટીમના સહાધ્યાયીઓ સાથે મળીને કરવાનો હોય. આખીય ટીમ પ્રૉફેસરને મળે અને ચર્ચા કરે.

આપણે ત્યાં કૉમર્સ કૉલેજના અત્યંત વ્યવહારુ વિષયો જેવા કે ઍકાઉન્ટિંગ કે માર્કેટિંગ પણ પોથીમાંનાં રીંગણાં જેમ ભણાવાતા. મેં જોયું તો અહીંનું બિઝનેસ શિક્ષણ પ્રેક્ટિકલ ઘણું. જે કોઈ ભણવાના કેસ હોય તે જીવતીજાગતી કંપનીઓના હોય. જેમ કે કેવી રીતે જનરલ મોટર્સ કંપની સ્થપાઈ અને એ અમેરિકાની સર્વોચ્ચ કાર કંપની કેવી રીતે થઈ શકી? અથવા તો મોટો રીટેલ સ્ટોર સીઅર્સ એના હરીફ મોંટગોમરી વોર્ડથી કેવી રીતે જુદો હતો? અમારે આવી કંપનીઓમાં જવાનું અને એના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતો કરવાની. અમારી ટીમને ઍટલાન્ટાની એક સિમેન્ટ ફેક્ટરીનો કેસ મળ્યો હતો તો અમારી ટીમ પ્રૉફેસર સાથે ઍટલાન્ટાથી થોડે દૂર એક સિમેન્ટ ફેક્ટરીમાં ગઈ હતી. અમારા કેટલાક પ્રૉફેસરો જે વિષય ભણાવતા હોય તે બાબતનો એમને પોતાનો અનુભવ હોય. એટલું જ નહીં પણ કેટલાક પ્રૉફેસરો તો પોતે હજુ પોતાના ક્ષેત્રે કંપનીઓમાં કામ કરતા હોય. કેટલાકને પોતાની કન્સલ્ટિંગ પ્રેક્ટીસ હોય. કૉલેજમાં પાર્ટ ટાઈમ ભણાવતા હોય. અમારા બૅંકિંગના પ્રૉફેસર ઍટલાન્ટાની ફૅડરલ રિઝર્વ બૅંકના મોટા ઑફિસર હતા.

૧૯૬૦ના દાયકામાં માત્ર આપણા જ દેશમાં નહીં પણ આખી દુનિયામાં અમેરિકાના એમ.બી.એ.નું મોટું વળગણ હતું. કહેવાતું કે બિઝનેસની દુનિયામાં આગળ આવવું હોય તો અમેરિકા જઈને એમ.બી.એ.નું ભણી આવો. અમેરિકન યુનિવર્સિટીમાંથી જો તમે એમ.બી.એ.ની ડીગ્રી લીધી હોય તો મોટી મોટી કંપનીઓમાં ફટ કરતાં સારો જોબ મળી જાય. આ એમ.બી.એ.ની ડીગ્રીમાં હાર્વર્ડ યુનિવર્સિટીની ડિગ્રીનું મહત્ત્વ સૌથી વધુ. તેની કેસ મેથડ બહુ વખણાતી. એ મેથડના મૂળમાં મુખ્ય વિચાર એવો કે બિઝનેસનું શિક્ષણ થિયરીનાં થોથા ઉથલાવાથી નહીં, પણ જીવતા જાગતા ધંધાનો, એક્ચુઅલ કંપનીઓનો અભ્યાસ કરવાથી થાય છે. થીયરી પણ આવા એક્ચુઅલ કંપનીના કેસ દ્વારા જ રજૂ થાય. અમેરિકાની મોટા ભાગની બિઝનેસ સ્કૂલ હાર્વર્ડમાં જે કેસ ભણાવાય તેનું અનુકરણ કરતી. અમે ઍટલાન્ટા યુનિવર્સિટીમાં પણ આવા હાર્વર્ડના ઘણા કેસ ભણ્યા.

દેશમાં માત્ર ઍકાઉન્ટિંગના પ્રૉફેસરને પોતાની ચાર્ટર્ડ ઍકાઉન્ટિંગની પ્રેક્ટીસ હતી. યાદ છે કે એ એક જ માત્ર પોતાની કારમાં આવે. બાકી બધા પ્રૉફેસરો પરાની ટ્રેનમાં અમારી જેમ હડદોલા ખાતાં આવે! એ ઍકાઉન્ટિંગના પ્રૉફેસરની ભલે પ્રેક્ટીસ હોય અને એમના રોજબરોજના કામમાં કંપનીઓના પ્રશ્નો ઉકેલતા હોય, પણ ક્લાસમાં એમનું ભણાવવાનું પોથીમાંના રીંગણા જેવું જ. મેં એમને એમના અનુભવના પ્રશ્નોની કોઈ પણ ચર્ચા કરતા સાંભળ્યા નથી. વર્તમાન ઍકાઉન્ટિંગની પ્રેક્ટીસના પ્રશ્નો શું છે, કે એ વિશે એમનો અભિપ્રાય શું છે, એ બાબતની ક્યારેય એમણે ચર્ચા કરી હોય એવું યાદ નથી. માત્ર જમા-ઉધારની જર્નલ એન્ટ્રી કેમ પાડવી, બૅલેન્સશીટને કેમ ટેલી કરવી, એ બતાવે. ઍકાઉન્ટિંગ શું છે, એનો સામાજિક અને આર્થિક હેતુ શું છે, વિકસતા દેશની અર્થવ્યવસ્થામાં એનું સ્થાન શું છે, આપણે શા માટે ઍકાઉન્ટિંગનો અભ્યાસ કરવો જોઈએ—એવી કોઈ દિવસ વાત જ નહીં. માત્ર ઍકાઉન્ટિંગ જ નહી, પરંતુ બીજા બધાં જ વિષયોમાં પણ એક્ઝામમાં શું પૂછાશે અને અમારે એનો શું જવાબ આપવો એની જ વાત હોય. આશ્ચર્યની વાત તો એ છે કે દેશના નાણાંપ્રધાન પંચવર્ષીય યોજના રજૂ કરતા હોય અને અમે ઇકોનોમિક્સના ક્લાસમાં એનો ઉલ્લેખ પણ ન સાંભળીએ. એ ભણતર કેવું?

અહીં અમેરિકામાં લોકો પોતાની કૉલેજને જિંદગીભર યાદ કરે. દરેક કૉલેજનું એકે એક ગામમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ઍલમનાઈ એસોશિએશન હોય. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કૉલેજને નાણાંકીય મદદ કરવાની પોતાની ફરજ સમજે. કેટલાક તો લાખો અને કરોડો ડોલર્સનું દાન કરે. ઘણા પોતાનું વિલ બનાવતી વખતે કૉલેજને યાદ રાખે અને મર્યા પછી પોતાની મિલકતનો અમુક ભાગ કૉલેજને મળે એવી જોગવાઈ કરે. કૉલેજો પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સંબંધ જાળવી રાખે, દર વર્ષે ગ્રેજુએશન સમયે એમને યાદ રાખીને બોલાવે, માનસન્માન કરે. અને જે વિદ્યાર્થીઓએ અસાધારણ સિદ્ધિઓ મેળવી હોય એમને ઓનરરી ડિગ્રી આપે.

કૉલેજમાંથી નીકળ્યા પછી મને યાદ નથી કે સીડનહામ કૉલેજ કે મુંબઈ યુનિવર્સિટીએ મારો કોઈ દિવસ સંપર્ક સાધ્યો હોય. હું જ્યારે જ્યારે મુંબઈ જાઉં ત્યારે સીડનહામ કૉલેજમાં જરૂર આંટો મારું. દરવાજે પોલીસ ઊભો હોય એ આવવાની મનાઈ કરે. એને સમજાવું કે હું અહીં એક વાર વિદ્યાર્થી હતો ત્યારે માંડ માંડ મને અંદર જવા દે. અંદર ગયા પછી પણ કૉલેજમાં આંટા માર્યા સિવાય બીજું હું શું કરી શકું? મને ઘણી વાર વિદ્યાર્થીઓની સાથે કે પ્રૉફેસરોની સાથે વાતો અને વિચાર-વિનિમય કરવાનું મન થાય. પણ કોને કહેવું? કોઈ ઍલમનાઈ ઑફિસ હોય તો પૂછું ને?

ઍટલાન્ટા યુનિવર્સિટી ભલે શહેરના કાળા વિસ્તારમાં હતી, પણ હતી તો અમેરિકામાં અને તે પણ ઍટલાન્ટા જેવા શહેરમાં. અમેરિકાની સિવિલ વોરમાં આ શહેરનું મોટું નામ હતું. સિવિલ વોરની એક અગત્યની લડાઈ અહીં થયેલી. એ લડાઈમાં શર્મન નામના અમેરિકન જનરલે એની વિખ્યાત March to the Sea ઍટલાન્ટાથી શરૂ કરી હતી અને દક્ષિણનાં રાજ્યોને હરાવવામાં મોટો ભાગ ભજવેલો. એ વિશેની પ્રખ્યાત મૂવી Gone with the Wind મેં મુંબઈના મેટ્રો થિયેટરમાં જોયેલી, જો કે ત્યારે કલ્પના પણ નહોતી કે હું એ ઍટલાન્ટામાં એક વાર જઈશ અને ત્યાં યુનિવર્સિટીમાં ભણીશ.

થયું કે ઍટલાન્ટા જેવા અગત્યના શહેરમાં હું આવ્યો જ છું તો મારે એનો લાભ લેવો જોઈએ. ત્યાંનાં પ્રસિદ્ધ છાપાં Atlanta Journal and Constitutionના ખ્યાતનામ તંત્રી રાલ્ફ મક્ગીલને પત્ર લખ્યો કે મારે તમને મળવું છે. એનો જવાબ તરત આવ્યો. કહે, જરૂર આવો. હું તો પહોંચી ગયો. ત્યારે વિયેટનામનું યુદ્ધ ચાલતું હતું. એ વિશેનો મારો તીવ્ર વિરોધ મેં રજૂ કર્યો. ભૂલતો ન હોઉં તો મક્ગીલ એ વોરના હિમાયતી હતા. આર્કાન્સાસના સેનેટર વિલિયમ ફુલબ્રાઈટ એ વોરની વિરુદ્ધ સેનેટમાં હિઅરિંગ્સ ચલાવતા હતા. એ બાબતમાં મેં એમનાં વખાણ કર્યાં. મક્ગીલે મને ફુલબ્રાઈટની બાબતમાં ચેતવ્યો. કહે, એ ભલે વિયેટનામની મોટી મોટી વાતો કરે, પણ તમે એનો વોટિંગ રેકર્ડ તપાસશો તો ખબર પડશે કે એમણે જિંદગી આખી કાળાઓને સિવિલ રાઈટ્સ આપવાનો વિરોધ કર્યો છે. મક્ગીલ પોતે કાળાઓને સિવિલ રાઈટ્સ આપવાના મોટા હિમાયતી હતા. જો કે ફુલબ્રાઈટની મોટી મૂંઝવણ એ હતી કે દક્ષિણના કોઈ પણ રાજ્યમાં તમારે ચૂંટણીમાં જીતવું હોય તો કાળાઓને સિવિલ રાઈટ્સ આપવાની વાત જ ન કરાય.

પાર્ટ ટાઈમ કામ શરૂ કર્યું

મેં ક્લાસ ભરવાના શરૂ કર્યા. વિચાર એવો હતો કે જેટલું બને તેટલું જલદીથી ભણવાનું પૂરું કરવું અને કામે લાગી જવું. દેશમાંથી નલિનીના કાગળો આવવાના શરૂ થઈ ગયા હતા કે ક્યારે બોલાવો છો? વળી ત્યાં ઘર ચલાવવા માટે પૈસા પણ નિયમિત મોકલવાના હતા. બા કાકા હજી હમણાં જ મુંબઈ આવીને સ્થાયી થયાં હતાં, તેમની પાસે પૈસાની કોઈ સગવડ નહોતી. હું જ્યારે મુંબઈથી નીકળ્યો ત્યારે મારી પાસે કોઈ બચત નહોતી. ઊલટાનું થોડુંઘણું દેવું હતું. વધુમાં ઍટલાન્ટાનો જે કંઈ ખરચ થતો હતો તે પણ પૂરો પાડવાનો હતો. જારેચા બહુ ભલા માણસ. એ તો મદદ કરવા હંમેશ તૈયાર હતા, પણ એમણે મારે માટે ઘણું કર્યું હતું, એટલે હવે એમની પાસે હાથ લંબાવવાની મારી ઇચ્છા નહોતી. એટલે એમની ઑફિસમાં, ડોર્મના કિચનમાં, લાઇબ્રેરીમાં જ્યાં જ્યાં કામ મળતું હતું ત્યાં પાર્ટ ટાઈમ કામ કરવાનું શરૂ કરી દીધું.

અમેરિકામાં કામ કરવાનો આ મારો પહેલો અનુભવ હતો. મોટા ભાગનું જે કામ હું કરતો હતો તે હાઈસ્કૂલના છોકરા-છોકરીઓ માટે હતું. એ બધા વચ્ચે હું પચીસ વરસનો હતો અને એમ.બી.એ.નું ભણતો હતો. એ વાત જાણીને બધાંને આશ્ચર્ય થતું હતું અને મને સંકોચ થતો હતો. પણ કામ કર્યા સિવાય, થોડા ઘણા પૈસા કમાયા સિવાય છૂટકો ન હતો. ખાસ કરીને ડોર્મના કિચનમાં મોટાં તપેલાં ઉપાડવાનું, સાફ કરવાનું કામ મને ખૂબ આકરું લાગતું હતું. પહેલાં તો મારાથી એ ભારે વાસણો ઊંચકાય જ નહીં. પહેલે જ દિવસે કિચનમાં એક મોટું તપેલું ઉપાડવા ગયો, પણ ઊપડે તો ને? એક કાળી છોકરી મારી મથામણ જોતી હતી, પાસે આવી એક હાથે એ તપેલું ઉપાડી હસવા માંડી!

ઑફિસનાં કામોમાં પણ કમ્પ્યૂટિંગ મશીન ચલાવતાં આવડે નહીં. દેશમાં મેં ઍકાઉન્ટિંગનું કામ આંગળીના વેઢેથી કરેલું. હજી કેલ્ક્યુલેટર આવ્યા નહોતા, તો કમ્પ્યૂટરની વાત ક્યાં કરવી? દેશનો મારો અનુભવ અને જે કાંઈ આવડત હતી તે બધી અહીં નકામી નીવડી. એક કંપનીમાં મને ઍકાઉન્ટિંગ ક્લાર્ક તરીકે જે પાર્ટટાઇમ નોકરી મળી હતી તેમાંથી મને એક જ અઠવાડિયામાં રજા મળી. ભલે ને હું રાલ્ફ મક્ગીલ જેવા મોટા તંત્રી અને વિચારક સાથે વિયેટનામ વિશે ચર્ચા કરી શકું, પણ એક ઍકાઉન્ટિંગ ક્લર્ક તરીકે કામ કરવામાંથી મને રજા મળે છે!

માત્ર એક લાઇબ્રેરીના કામમાં કાંઈ વાંધો નહીં આવ્યો. લાઇબ્રેરીના ઓપન સ્ટેક જોઈ હું છક્ક થઈ ગયો. દેશની કૉલેજમાં જો કોઈ ચોપડી જોઈતી હોય તો લાઇબ્રેરિયનને સ્લીપ ભરીને આપવાની, એ પ્યૂનને આપે, એ એની ફુરસદે સ્ટેકમાં જાય. વારંવાર એમને વિનંતી કરવી પડે. પુસ્તકની તમને બહુ જરૂર હોય અને એને ચાપાણી પીવરાવ્યાં હોય તો જ એ ચોપડી તમને જોઈતી હોય ત્યારે મળે. અહીં તો ઓપન સ્ટેક! કોઈ પણ વિદ્યાર્થી સહજ જ ત્યાં જાય અને પોતાને જોઈતું પુસ્તક લઈ લે. ત્યાં વાંચવાની પણ સગવડ હોય. મારું કામ આ સ્ટેકમાં નવી ચોપડીઓ આવી હોય તે યથાસ્થાને ગોઠવવાનું. લાઇબ્રેરીના ઓપન સ્ટેકમાં છૂટથી ફરવા મળવાથી મને અનેક પ્રકારનાં પુસ્તકો જોવા મળ્યાં. જો કે મારે ભાગ્યે અહીં પણ અૅકાઉન્ટિંગ અને બિઝનેસના વિષયો ભણવાના હતાં, પણ મેં તો પોલિટિક્સ અને સાહિત્યનાં પુસ્તકો અને મૅગેઝિનો પર મારો શરૂ કર્યો.

ભણવામાં અને પાર્ટ ટાઈમ કામમાંથી મને જે સમય મળતો તે હું શહેર અને આજુબાજુ ફરવામાં કાઢતો. જારેચા પાસે તો ગાડી હતી. એ અમારા જેવા દેશી વિદ્યાર્થીઓને ગ્રોસરી અને બીજું શોપિંગ કરવા લઈ જાય. હું ઘણી વાર મારી મેળે એકલો બસમાં કે ચાલતો ચાલતો જતો. એક વાર આમ ડૉર્મથી ડાઉન ટાઉન ચાલતો ગયો. ઠંડી હતી, પણ જુવાનીના તોરમાં એમ માન્યું કે એમાં શું થઈ જવાનું છે? બે માઈલ જેટલું ચાલ્યો. થીજી ગયો. જારેચાને જ્યારે ખબર પડી ત્યારે એમણે મને ઠપકો આપ્યો. કહે, ઠંડીમાં આમ બહાર નીકળશો તો ન્યૂમોનિયા થઈ જશે. અને જો હૉસ્પિટલમાં જવું પડશે તો હજારો ડોલરનો ખર્ચ થશે. પછી એમણે મને અમેરિકન હેલ્થકેરની સિસ્ટમ કેવી રીતે માણસોનું દેવાળું કઢાવે છે તે સમજાવ્યું. હું ચેત્યો, પછી ચાલવાને બદલે બસમાં જતો.

અમેરિકા, પહેલી નજરે

દેશમાં અમેરિકા વિશે જાણવાની મારી ભૂખ સંતોષવા હું હોલીવુડની મૂવીઓ જોવા જતો. ટાઈમ અને લાઈફ મૅગેઝિન જેવાં અમેરિકન સામયિકો વાંચતો. મુંબઈમાં ચર્ચગેટ સ્ટેશન નજીક આવેલ અમેરિકન લાઇબ્રેરી (યુસીસ)માં જઈને અમેરિકન છાપાં ઉથલાવતો. હું જોહન ગુન્થરના ઇનસાઇડ અમેરિકા નામના મોટા પુસ્તકનાં પાનાં ફેરવતા અમેરિકાનાં સપનાં જોતો. આ બધું પરોક્ષ જ હતું. અમેરિકાને જાત નજરે જોવાની પહેલી તક મને ઍટલાન્ટામાં મળી. કહો કે ત્યાં જ મને અમેરિકા રૂબરૂ જોવા મળ્યું—ઊંચા ઊંચા સ્કાયસ્ક્રેપર બિલ્ડીંગો, વિશાળ રસ્તાઓ, તેના પર પાણીના રેલાની જેમ દોડતી મોટી મોટી ગાડીઓ, મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ, ઊંચી એડીના શુઝમાં ફટ ફટ ચાલતી પુરુષ સમોવડી દેખાવડી સ્ત્રીઓ, ઊંચા અને તંદુરસ્ત પુરુષો વગેરે, વગેરે.

આ પહેલી નજરે જે અમેરિકા જોયું તેની થોડી વસ્તુઓ ખાસ ગમી. એક તો શહેરની સ્વચ્છતા. મુંબઈમાં રસ્તે રસ્તે કચરાઓના જે ઢગલાઓ જોયેલા તે ક્યાંય શોધ્યા પણ જોવા ન મળે. અરે, સાઈડ વોક, જેને આપણે ફૂટપાથ કહીએ એ એટલા સ્વચ્છ કે તેની ઉપર આરામથી સૂઈ શકાય! કોઈ ગમે ત્યાં કચરો ન ફેંકે. રેસ્ટોરાં, ગેસ સ્ટેશન, લાઇબ્રેરી, રેલવે સ્ટેશન, ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ જેવી બધી જાહેર જગ્યાઓએ સ્વચ્છ ટોઈલેટની વ્યવસ્થા હોય જ. આ કારણે કોઈને જાહેરમાં પેશાબ પાણી કરવા ન પડે. આજે હું સમજી જ શકતો નથી કે આપણા દેશને સ્વતંત્ર થયે સિત્તેર વરસ થયા છતાં અર્ધા દેશને, અને તેમાંયે સ્ત્રીઓને, જાહેરમાં જાજરૂ જવું પડે છે!

અહીં લોકોનો એક બીજા સાથેનો રોજિંદો વ્યવહાર વિવેકપૂર્ણ અને વિનયી. હોદ્દામાં ભલે ને માણસો ઊંચા હોય, પણ વિવેક અને વિનય જાળવે. બોસ પોતાની સેક્રેટરી સાથે પણ ‘પ્લીઝ’થી જે કાંઈ કરવાનું હોય તે કહે, અને અચુક ‘થેંક યુ’ કહીને જ વાત પૂરી કરે. પ્રૉફેસરો પણ વિદ્યાર્થીઓ સાથે પૂરા વિવેકથી જ વાત કરે. અરે, માબાપ પોતાના નાનાં મોટાં સંતાનો સાથે આ શિષ્ટાચાર જાળવે અને છોકરાઓ આવો વિનય વિવેક બચપણથી જ શીખે એવી રીતે બાળઉછેર કરે. સ્ટોરમાં, સ્ટેશનમાં, બસ કે ટ્રેનમાં, રસ્તામાં, ગમે ત્યાં, અજાણ્યા માણસો વચ્ચે પણ આ વિવેક અને વિનય જળવાય.

શિસ્ત જાણે લોકોને ગળથૂથીમાંથી મળતી હોય એમ લાગે. મોટે મોટેથી વાતો કરવી, ઘોંઘાટ કરવો, બરાડા પાડીને એકબીજાને બોલાવવા, ધક્કામુક્કી કરવી, લાઈન તોડીને આગળ ઘૂસવું વગેરે જે આપણે ત્યાં સહજ છે, તેનો મેં અહીં લગભગ સર્વથા અભાવ જોયો. મેં જોયું કે શું ઘરમાં કે શું સ્કૂલમાં બાળકોના ઉછેરમાં શિસ્ત ઉપર ભાર મૂકવામાં આવે. કહેવામાં આવે કે સામા માણસનો વિચાર કરો. તમારા વર્તનની બીજા લોકો ઉપર શું અસર પડશે તેનો વિચાર કરવા કહે. મેં એ પણ જોયું કે દેશીઓ જ્યારે અમેરિકનો સાથે હોય, ત્યારે આ વિવેક જાળવવા પ્રયત્ન કરે, પણ ઇન્ડિયન એસોસિએશનના કાર્યક્રમોમાં પાછા દેશમાં પહોંચી ગયા હોય એમ એમનું વર્તન રેઢિયાળ અને શિસ્ત વગરનું શરૂ થઈ જાય!

મેં જોયું કે અહીં કોઈ પણ કામ કરવામાં લોકોને નાનમ નથી લાગતી, પછી ભલે ને એ કામ આપણા દેશની દૃષ્ટિએ હલકું ગણાય. અને જેને ફાળે આવું ‘હલકું’ કામ કરવાની જવાબદારી આજે આવી પડી છે, એ કાલે ઊઠીને મોટી જવાબદારીવાળું પ્રોફેશનલ કામ કરતો હોય. ડૉર્મના કિચનમાં કામ કરનારાઓ કેટલાક વિદ્યાર્થીઓ સારા પૈસાદાર કુટુંબોમાંથી આવેલા હતા. લગભગ બધા જ વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક કામે લાગેલા હતા. જાણે કે પાર્ટ ટાઈમ કામ કરવાની પોતાની ફરજ સમજતા હતાં. ગેસ સ્ટેશન, ગ્રોસરી સ્ટોર, ડિપાર્ટમેન્ટ સ્ટોર, રેસ્ટોરાંમાં, ડોનટ કે બર્ગરના ફ્રેન્ચાઈઝ્માં, લાઇબ્રેરી, બૅંક, વગેરે, વગેરે જ્યાં જ્યાં અને જે કંઈ કામ મળે ત્યાં નિઃસંકોચ કરવા માંડે.

એમ.બી.એ. તો ગ્રેજ્યુએટ ડિગ્રી એટલે ઘણાએ ફૂલ ટાઈમ જોબ પહેલાં કરેલી. પોતાનો ચાલુ જોબ છોડીને વળી પાછું ભણવા બેસવું એ મારે માટે નવી વાત હતી. આપણે ત્યાં તો તમે ભણવાનું પૂરું કરો, અને પછી નોકરીધંધો કરો. એક વાર નોકરીધંધો શરૂ કર્યા પછી ભણવું કેવું અને વાત કેવી? મોટી ઉંમરે ભણવા જવું એમાં અહીં કોઈ શરમ નહીં. બલકે એ અમેરિકન ખાસિયત હતી. અહીંની જાણીતી બિઝનેસ સ્કૂલ્સમાં તો તમે જો બેચલર ડીગ્રી લઈને પછી કંઈ ફૂલ ટાઈમ કામ કરેલું હોય તો એડમિશન મળવાની શક્યતા વધુ.

પરિવર્તનશીલ અમેરિકા

નિરંતર પરિવર્તનશીલતા એ એક અમેરિકન લાક્ષણિકતા છે. અહીં છાશવારે એકે એક બાબતમાં કંઈ ને કંઈ ફેરફાર થતા રહેતા હોય છે. આમાં ટેક્નૉલોજીનો ફાળો તો મોટો જ, પણ સાથે સાથે બધી બાબતમાં સુધારોવધારો કર્યા કરવો એ જાણે કે અમેરિકન સ્વભાવ છે. જાણે કે એમને કૂલે ભમરો છે. અમેરિકનો એક ઠેકાણે પલાંઠી વાળીને શાંતિથી બેસી જ ન શકે. એમને કોઈ એક વસ્તુથી સંતોષ ન હોય, તેમ કંઈ ને કંઈ નવું કરવું જોઈએ, નવી નવી વસ્તુઓ જોઈએ. આને લીધે અનેક પ્રકારના નવા નવા ગેજેટ મારકેટમાં હંમેશ આવ્યા જ કરતા હોય છે. કાર, કમ્પ્યૂટર અને જેટ એંજીનથી માંડીને ટોસ્ટર સુધી એકે એક વસ્તુનાં નવાં મોડેલ દર વરસે આવ્યા કરે. ભાગ્યે જ કોઈ એવી પ્રજા હશે જે ટેક્નોલોજીને પોતાના નિત્ય જીવનમાં અને વેપારધંધામાં અમેરિકનોની જેમ સાંગોપાંગ વણી લેતી હશે.

શું ઘરમાં કે ઘરની બહાર, વ્યક્તિગત કે સામૂહિક રીતે અમેરિકનો હંમેશ પ્રવૃત્તિરત હોય છે. કેવી રીતે વધુ પૈસા બનાવવા, કેવી રીતે પોતાનું આરોગ્ય વધારવું, કેવી રીતે ઘરમાં સુધારાવધારા કરવા, કેવી રીતે વાહનવ્યવહારની વ્યવસ્થા વધુ સારી કરવી, કેવી રીતે સ્કૂલ, કૉલેજ, હૉસ્પિટલ, ફેક્ટરી, કંપની વગેરેનું મૅનેજમૅન્ટ વધુ એફીસીઅંટ બનાવવું એનો વિચાર અહીં નિરંતર થતો રહે છે. આને કારણે રોજબરોજનું જીવન બદલાતું રહે છે. શાંતિથી એક ઠેકાણે બેસી રહેવું અથવા જે છે તેમાં સંતોષ માનીને બેસી રહે તેવા અમેરિકનો બહુ ઓછા. શનિ કે રવિના રજાના દિવસોમાં પણ અમેરિકનો ઘરમાં કે ઘરની બહાર એમના યાર્ડમાં કંઈ ને કંઈ કરતા જ હોય. ગીતાના બારમાં અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પ્રિય ભક્તનાં જે લક્ષણો બતાડે છે–સંતુષ્ટ, અનપેક્ષ, સર્વારંભ પરિત્યાગી, વગેરે તે અમેરિકનોને ભાગ્યે જ લાગુ પડે!

પહેલી વાર બૅંકમાં ખાતું ખોલાવવા ગયો તો ત્રણ ચાર છોકરીઓ અને એક મેનેજર આખી બ્રાંચ ચલાવતા હતા! હું તો દેશની બૅંકની બ્રાન્ચથી ટેવાયેલો હતો. એમાં તો વીસ ત્રીસ માણસો કામ કરતા હોય, પ્યૂન ચપરાસીઓ ચા નાસ્તો લાવતા હોય, ખાતાના ચોપડાઓ એક કાઉન્ટરથી બીજે લઈ જતા હોય, મેનેજર એમની કેબીનમાં બેઠા, બેઠા હુકમ કરતા હોય, કે ટેલિફોન પર મોટે મોટેથી વાત કરતા હોય, અને મારા જેવા કસ્ટમરો પોતાનો નમ્બર ક્યારે લાગશે તેની રાહ જોતા બેઠા હોય.

ઍટલાન્ટાની બૅંકમાં ખાતું ખોલાવતા મને ભાગ્યે જ દસ મિનિટ થઈ હશે. અને પછી ચેક ડીપોઝીટ કરતા કે કેશ કરાવતા ભાગ્યે જ પાંચ દસ મિનિટ થાય. જે બૅંકમાં ડ્રાઈવ ઇન વિન્ડો હોય ત્યાં તો અંદર જવાની જરૂર પણ નહીં. ગાડીમાં બેઠા બેઠા બૅંકિંગનું કામ થઈ શકે. આજે તો આખું અમેરિકા ક્રેડિટ ઉપર જ ચાલે છે. કેશનો ભાગ્યે જ ઉપયોગ થાય છે. અને જો કેશની જરૂર પડી તો એટીએમ મશીનમાંથી થોડી મિનિટમાં કેશ કાઢી શકાય. જે કામ કરવા દેશમાં હું બૅંકમાં જતો ત્યારે અડધી સવાર ગણી લેવી પડતી તે અહીં હવે મિનિટોમાં થાય. હું મુંબઈની મૂળજી જેઠા મારકેટમાં જ્યારે કામ કરતો હતો ત્યારે મારો અડધો દિવસ બૅંકમાં હૂંડી છોડાવવામાં જતો. જો કે બૅંકમાં જતો ત્યારે સાથે કોઈ ચોપડી રાખતો. આવી રીતે બૅંકમાં હૂંડી છૂટવાની રાહ જોતા જોતા કંઈક ચોપડીઓ વાંચી હતી. એમાંની બે ચોપડીઓ ખાસ યાદ રહી ગઈ: એક તો માઈકલ બ્રેશરે લખેલ જવાહરલાલ નહેરુનું જીવનચરિત્ર, Nehru: A Political Biography અને બીજી તે આપણા ચીન ખાતેના એમ્બેસેડર કે. એમ. પન્નીકરે લખેલ Between Two Chinas.

જો કે દેશની આ વાત પચાસ વરસ પહેલાંની છે. હવે તો ઈન્ટરનેટના જમાનામાં બૅંકિંગનું કામ દેશમાં પણ ઘરે બેઠા થઈ શકે છે. દેશ-વિદેશમાં, તમે જ્યાં હો ત્યાંથી લેપટોપ, કમ્પ્યૂટર કે સ્માર્ટ ફોન દ્વારા બૅંકિંગ કરી શકો એ અમેરિકન ટેક્નૉલોજીની બલિહારી છે. હવે તો હું જ્યારે દેશમાં આવું છું ત્યારે મારું અમેરિકાનું બૅંકિંગ કાર્ડ મુંબઈના એટીએમ મશીનમાં સહેલાઈથી વાપરી શકું છું. દેશના બૅંકિંગમાં પણ જે ધરખમ ફેરફાર થયા તે શહેરોમાં ઠેર ઠેર થઈ ગયેલા એટીએમ મશીનથી દેખાય છે.

ટેક્નોલોજીને કારણે કામની એફિસિઅન્સી આટલી બધી વધે એ નજરોનજર મેં પહેલી વાર અમેરિકામાં જોયું. સાથે સાથે એ પણ જોયું કે ટેક્નૉલોજીએ કામની વ્યાખ્યા જ બદલાવી નાખી હતી. જે કામ માટે પાંચ માણસની જરૂર પડે, તે હવે એક માણસથી થાય, અથવા તો એ કામ પૂરેપૂરું મશીન કરે. અને જો મશીન જ કામ કરવાનું હોય તો પછી માણસની જરૂર જ શું? વેક્યુમ ક્લીનર હોય તો પછી કામવાળી કે ઘાટીની શી જરૂર? રોજિંદાં ઘરકામ જે આપણે ત્યાં કામવાળી સ્ત્રીઓ અથવા ઘાટીઓ કરે, એ અહીં સૌએ પોતપોતાની મેળે જ કરવાનું. અને એ કામ સહેલું બનાવવા માટે અનેક પ્રકારના ગેજેટ, મશીન મળે.

જેવું ઘરમાં એવું જ ઑફિસ અને ફેક્ટરીમાં. જો બધા ટાઈપ કરતા હોય તો પછી ટાઈપિસ્ટની શી જરૂર? ફેક્ટરીમાં ઓટોમેશન દ્વારા જો જુદા જુદા ભાગો અસેમ્બ્લ થતા હોય અને આખી ને આખી કાર એમ બનતી હોય તો પછી મજૂર કામદારોની જરૂર ખરી? અને જો લગભગ બધાને ડ્રાઈવ કરતા આવડતું હોય તો પછી ડ્રાઈવરની શી જરૂર? અને હવે તો પોતાની મેળે ચાલતી કાર શોધાઈ છે અને તેનું રોડ ટેસ્ટિંગ પણ થઈ રહ્યું છે! જો બોસને કૉફી પીવાની ઇચ્છા થઈ તો પોતે ઊભા થઈને કૉફી મશીનમાંથી લઈ લે. અને એના લીધા પછી કૉફી મશીનમાં કૉફી પૂરી થઈ ગઈ તો એ કૉફી બનાવવાની જવાબદારી એની. કાફેટેરિયામાં તમે પોતે લાઈનમાં ઊભા રહીને તમારે જે ખાવાનું જોઈએ તે જાતે લઈ લો, અને ખાવાનું પતે એટલે તમારી ડીશ ઉપાડીને કન્વેયર બેલ્ટ ઉપર મૂકવાની જવાબદારી પણ તમારી જ. આ કારણે આપણે ત્યાં પ્યૂન, ઘાટી કે ચપરાસી કે કામવાળાનો જે આખો વર્ગ હતો તે અહીં ક્યાંય દેખાયો જ નહીં!

અનેક પ્રકારનાં કામ અને તે કરવાવાળા માણસો ધીમે ધીમે અમેરિકામાંથી અદૃશ્ય થતા ગયા. જે રૂટીન હોય છે અથવા તો જે જોખમી કામો હોય છે તે બધા માટે જુદા જુદા પ્રકારના ગેજેટ અને મશીન મળતા હોવાથી, એ પ્રકારના કામ કરવાવાળાઓએ કંઈક બીજું શોધવાનું રહ્યું. જેમ જેમ કામકાજ બદલાતાં ગયાં તેમ તેમ સ્કૂલ, કૉલેજ ને અન્ય શિક્ષણસંસ્થાઓએ નવી ટ્રેનિંગ કે શિક્ષણને પોતાના અભ્યાસક્રમમાં ઉમેર્યાં જેથી એ પ્રકારે લોકો તૈયાર થાય. પરંતુ જેમણે એવાં કામોમાં આખી જિંદગી કાઢી હોય છે તે મોટી ઉંમરે નવું શીખવા જલદીથી તૈયાર નથી થતાં. એમની બેકારીથી પ્રવર્તતો તીવ્ર અસંતોષ અહીંના રાજકારણમાં, ખાસ કરીને ૨૦૧૬ની ચૂંટણીમાં વ્યક્ત થયો છે.

ઘરકામની બાબતમાં સ્ત્રીઓને ઘરમાં જે બંધાઈ રહેવું પડતું હતું તે હવે ગેજેટ અને ટેક્નોલોજીના ઉપયોગને કારણે જરૂરી નહોતું. સ્ત્રીઓ બધે જ કામ કરતી જોવા મળે—બૅંકમાં, સ્ટોરમાં, રેસ્ટોરાંમાં, સ્કૂલમાં, કૉલેજમાં, યુનિવર્સિટીમાં, ઑફિસમાં, ફેક્ટરીમાં. હવે અહીં તો ઠેઠ લશ્કરમાં પણ સ્ત્રીઓની ભરતી થવા માંડી છે! આમ સ્ત્રીઓને ઘરકામની ગુલામીમાંથી મુક્તિ મળી, પણ સાથે સાથે દેશને એની અરધોઅરધ પ્રજાની પ્રોડક્ટીવિટીનો લાભ પણ મળ્યો. વધુમાં સ્ત્રીઓને આર્થિક સ્વતંત્રતા મળી અને ઘણી બાબતમાં એ પુરુષોની સમોવડી થઈ. પુરુષો સ્ત્રીઓનું જે શોષણ કરતા હતા તે હવે પ્રમાણમાં ઓછું થયું. લગ્નજીવનમાં જો પુરુષ એની ઉપર ત્રાસ કરતો હોય તો સ્ત્રી પોતાના આર્થિક સ્વાવલંબન કારણે છૂટી થઈ શકે. પરિણામે કુટુંબવ્યવસ્થા અને બાળઉછેરમાં પણ મોટા ફેરફાર થયા.

મેં જોયું તો પતિ સાથે અમેરિકા આવેલી દેશી સ્ત્રીઓને પણ અહીંનું સ્ત્રીસ્વાતંત્ર્ય ગમી ગયું છે. જે કોઈ ભણીને, ડિગ્રી લઈને આવેલી હોય તેમને અહીં તરત કામ મળી જાય. જે બહેન ડૉક્ટર થઈને આવેલી હોય તે તો એન્જિનિયર પતિ કરતાં વધુ કમાતી થઈ જાય! અહીંનું સ્ત્રીદાક્ષિણ્ય પણ આપણી સ્ત્રીઓને ગમે છે. અમેરિકન પુરુષો એમને માટે દરવાજો ઉઘાડે, એ રૂમમાં આવે તો ઊભા થાય, એમને માટે ડ્રીન્કસ લઈ આવે, વિવેકથી વાત કરે, વાત કરતા સ્મિત આપે—આવું બધું, ઇન્ડિયન પુરુષો અહીં પણ નથી કરતા, તો દેશની વાત શી કરવી?

અમેરિકાની જાહોજલાલી

દેશની ગરીબી અને તંગી હજી હમણાં જ અનુભવીને આવ્યો હતો એટલે મારે મન સૌથી વધુ આશ્ચર્યજનક વાત તો અમેરિકાની સમૃદ્ધિ અને ભૌતિક જાહોજલાલીની હતી. આપણે ત્યાં જે પૈસાદારો જ માણી શકે એ બધું સામાન્ય માણસને અહીં સહેલાઈથી મળતું હતું તે મેં જોયું. સામાન્યમાં સામાન્ય માણસને પણ જીવનની બધી પ્રાથમિક જરૂરિયાતો મળતી હતી. સારું રહેવાનું, ખાવાપીવાનું, અને વ્યક્તિગત સગવડ બધાને મળે. મધ્યમ વર્ગના લોકોની પાસે પણ રહેવા માટે મોટાં ઘર, એકે એક ઘરમાં લીવિંગ રૂમ, ડાઈનિંગ રૂમ, બે ત્રણ બેડરૂમ, બેઝમેન્ટ, આગળપાછળ યાર્ડ હોય. ઘરમાં સેન્ટ્રલ હિટિંગ અને એરકન્ડીશનિંગ, રેફ્રિજરેટર, ઠંડા અને ગરમ પાણીના શાવર, ટોઇલેટ વગેરેની વ્યવસ્થા હોય. જેની પાસે આવાં ઘર ન હોય, તે અપાર્ટમેન્ટ કે ફ્લૅટમાં રહે, જો કે તેમાં પણ બધી સગવડો તો હોય જ. બધાને ત્યાં બબ્બે નહીં તો ઓછામાં ઓછી એક કાર તો ડ્રાઈવે કે ગરાજમાં જરૂર પડી હોય. અને એ કારમાં પણ અનેક પ્રકારનાં ગેજેટ હોય.

અમેરિકાની ખરી જાહોજલાલી શું છે તે તો એના ગ્રોસરી સ્ટોરમાં જાઓ ત્યારે ખબર પડે. એની આઈલ્સ અને શેલ્ફ વસ્તુઓથી છલકાતા હોય. દહીં, દૂધ, ચીઝ, બટર વગેરે ડેરીની વસ્તુઓ, અનેક પ્રકારનાં લીલાં શાકભાજી, ફળો, સીરિયલ, બ્રેડ, ચા, કૉફી, સ્યુગર, કોકો, વગેરે જે માંગો તે તરત મળે. માંસાહારીઓ માટે અનેક પ્રકારની ચીજવસ્તુઓ હોય એ તો સ્વાભાવિક છે, પણ હવે તો શાકાહારીઓ માટે કે માત્ર વીગન અથવા અન્ય ડાએટ કરનારાઓ માટે પણ બધું મળી રહે. જેમ છતના આ ચાળા હોય તેમ ચીઝ અને બ્રેડ જેવી વસ્તુઓ એક નહીં પણ અનેક પ્રકારની મળે! કોઈ બાબતની તંગી જ નહીં. દર શનિ-રવિએ લોકો મોટી-મોટી કાર્ટ ભરીને આ બધું લઈ જાય. જેવું ગ્રોસરી સ્ટોરનું તેવું જ વિશાળ ડિપાર્ટમેન્ટ સ્ટોરનું. કપડાં લત્તા, ફર્નિચર, અને ઘરને સજ્જ અને સુશોભિત કરવા અમેરિકનો જે હજાર વસ્તુઓ માંગે તે બધી અહીં સ્ટોર્સમાં મળે. વળી સામેથી ઉધારમાં લઈ જવાનું કહે!

મુંબઈમાં મને ઓરડી લેતાં નાકે દમ આવી ગયો હતો. કારણ કે એ લેવા માટે મારી પાસે બે હજાર રૂપિયા જેટલા પણ રોકડા પૈસા નહોતા. આખરે હું મુંબઈ છોડવા તૈયાર થઈ ગયો હતો. ઇન્સ્ટોલમેન્ટ દ્વારા કોઈ વસ્તુ દેશમાં ત્યારે ખરીદી શકાતી નહોતી. અહીં તો મોટાં ઘર અને કારથી માંડીને નાનામાં નાની વસ્તુ ઉધાર મળે. અને તમે એ પૈસા હપ્તે હપ્તે વ્યાજ સાથે ભરી શકો. નોકરીની શરૂઆત કરો કે તરત જ તમને ક્રેડિટ કાર્ડ મળે, જેથી જે જે વસ્તુની જરૂરિયાત હોય તે બધી વસ્તુઓ ઉધાર લઈ શકો. તે માટે રોકડા પૈસાની જરૂર નહીં, એ જોઈ જાણી હું તો છક્ક થઈ ગયો!

અમેરિકનોની આ બધી વ્યક્તિગત અને કૌટુંબિક જાહોજલાલી તો ખરી જ, પણ ઘરની બહાર નીકળો તો દેશની સામૂહિક અને ભૌતિક સમૃદ્ધિનો અને એની નૈસર્ગિક રમણીયતાનો ખ્યાલ આવે. અહીંના વિશાળ રસ્તાઓ, હાઇવે, ગામને ખૂણે ખૂણે આવેલી લાઇબ્રેરીઓ, સ્કૂલો, પાર્ક્સ, મ્યુઝિયમ્સ અને રીક્રિએશન સેન્ટર્સ, નેશનલ પાર્ક્સ અને રળિયામણા બીચ, એની દરિયા જેવી નદીઓ, ઊંચા નીચા પર્વતો, આ બધું મફતના ભાવે બધા લોકો માણી શકે એવી સરકાર વ્યવસ્થા કરે. એમાં ગરીબ તવંગરનો કોઈજ ભેદભાવ નહીં. આગળ ભણવું હોય તો સરકારી કૉલેજો પણ ખરી, જેમાં એકદમ ઓછી ફી ભરી ભણી શકાય. વળી જેમને જરૂર હોય એમને સ્કોલરશિપ અને બીજી નાણાંકીય મદદ મળે. અરે, મારા જેવા વિદેશી વિદ્યાર્થીઓને પણ એ બધી મદદ મળતી હતી.

સૌથી વધુ આશ્ચર્યની વાત મને અહીંની સોશિયલ સિક્યોરિટીની લાગી. પાંસઠ વરસના થાઓ કે સરકાર તરફથી દર મહિને જીવન નિર્વાહ માટે સોશિયલ સિક્યોરિટીના ચેક આવવા શરૂ થઈ જાય! જ્યારે કમાતા હો ત્યારે જરૂર પગારના ચેકમાંથી એ માટે સરકાર પૈસા લે, પણ એ જેટલા પૈસા કાપે એના કરતા અનેકગણા પૈસા પાછા આપે. માણસ મરે ત્યાં સુધી એ ચેક આવ્યા કરે. એના મર્યા પછી એની વિધવાને સર્વાઇવર બેનીફીટ મળ્યા કરે જેથી એને બીજા આગળ હાથ લંબાવવો ન પડે. એવું પણ બને કે કેટલાય લોકોએ કાંઈ પણ પૈસા ન ભર્યા હોય, છતાં એમને પણ કંઈક ને કંઈક રકમનો ચેક તો આવે જ. આપણા ઘણા લોકો જે મોટી ઉંમરે અહીં આવ્યા હોય અને સોશિયલ સિક્યુરિટી સિસ્ટમમાં કશું પણ ભર્યું ન હોય છતાં એમને પણ ચેક તો આવે જ! અમેરિકામાં મોટી ઉંમરે આવેલા આપણાં ઘણાં વૃદ્ધજનો એવો લાભ જરૂર લે! એવું જ હેલ્થ કેરનું. વૃદ્ધાવસ્થામાં જો તમારી પાસે કોઈ સગવડ ન હોય, અને તમારી તબિયત બગડી તો સરકાર તમારી હૉસ્પિટલ સારવારનો ખર્ચ સંભાળી લે, કોઈ ફી વગર. આવી ઉદાર સમાજવ્યવસ્થા અને અમેરિકન જાહોજલાલીને કારણે આખી દુનિયામાંથી આવીને લોકો અહીં ઠલવાય છે. ઘણાં તો ગેરકાયદે અમેરિકામાં ઘૂસે છે.

અમેરિકન પ્રજાની એવી જ ઉદારતા ઓછી શક્તિમત્તાવાળા નાગરિકો માટે અહીં જે ખાસ વ્યવસ્થા હોય છે તેમાં વ્યક્ત થાય છે. મૂંગા, બહેરા, લૂલા, લંગડા, આંધળા, ઓછી બુદ્ધિવાળા કે અન્ય રીતે વિકલાંગ થયેલાં બાળકોનો વ્યવસ્થિત ઉછેર થાય તે બાબતની જવાબદારી સરકાર ઉપાડે. એમને માટે વિશિષ્ટ સંસ્થાઓ હોય છે જ્યાં એમની સંભાળ લેતા શિક્ષકો પણ ખાસ તાલીમ પામેલા હોય છે. ઠેઠ બાળમંદિરથી માંડીને કૉલેજ સુધી એમને બીજાઓ જેવું જ શિક્ષણ મળે તેની કાળજી રખાય છે. કશીક ખોડવાળા લોકો બીજા નાગરિકોની જેમ જ સમાજની બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે એવી અપેક્ષા હોય છે. ટૂંકમાં વિકલાંગ લોકોની બધી શક્તિઓનો વિકાસ થઈ શકે એવી વ્યવસ્થા કરવામાં અમેરિકન સમૃદ્ધિ જરૂર ઉપયોગી નીવડે જ છે, પણ એમાં સાથે સાથે અમેરીકનોની એક પ્રજા તરીકેની સંવેદનશીલતા અને ઉદારતા જોવા મળે છે.

હું દેશમાં હતો ત્યારે અમેરિકાના મોટાં શહેરોનાં સ્લમ્સ વિશે બહુ સાંભળેલું. થયું કે હું અમેરિકાની સમૃદ્ધિ અને આર્થિક વ્યવસ્થાથી બહુ અંજાયેલો છું, તો અહીંના ગરીબ લોકોનું શું થતું હશે એ પણ મારે જાણવું જોઈએ. થયું કે ચાલો એવા સ્લમ્સ જોવા જાઉં અને જોઉં કે એમાં ગરીબ લોકો કેવી રીતે રહે છે. એક અમેરિકન મિત્રને લઈને ઍટલાન્ટાના સ્લમ્સ વિસ્તારમાં ગયો. મારા ખ્યાલમાં સ્લમ્સ એટલે આપણા મુંબઈની ઝોંપડપટ્ટી જેવું કંઈક હશે–ખુલ્લી ગટરમાં કે કચરાના ડુંગરાઓ ઉપર ચડીને અર્ધા નાગા છોકરાઓ રમતા હશે, લૂલા લંગડા ભિખારીઓ આવતા જતા લોકોને કનડતા હશે, લોકો ખુલ્લામાં સૂતા હશે, ગંધાતી સાંકડી ગલીકૂંચીઓમાં પતરાંના છાપરાં નીચે કાચી બંધાયેલી નાની ઓરડીઓમાં લોકો વસતા હશે.

જઈને જોયું તો આમાંનું કંઈ ન હતું. ત્યાં રહેનારા મોટે ભાગે કાળા લોકો જ હતાં, પણ ઝૂંપડાઓને બદલે જૂના ટાઉન હાઉસની કતારો હતી, થોડા મોટા પબ્લિક હાઉસિંગના અપાર્ટમેન્ટ બિલ્ડીંગ હતાં. હું મુંબઈની ચાલીમાં રહેતો હતો, તેના કરતા આ સ્લમ્સ સાત ગણા સારાં! મેં મારા મિત્રને પૂછ્યું કે આમાં કંઈ ભૂલ તો નથી થતી ને? પછી સમજાયું કે ગરીબી રીલેટીવ છે–જે અમેરિકામાં સ્લમ ગણાય તે આપણા દેશમાં મધ્યમ વર્ગમાં ખપે. અમેરિકામાં જે ગરીબ ગણાય તેને આપણા મધ્યમ વર્ગ કરતાં પણ સારાં સાધનસગવડ મળતાં હોય છે!

ભોળી આંખે થયેલું આ અમેરિકાનું મારું પ્રથમ દર્શન! શરૂશરૂમાં અમેરિકાનું બધું સારું જ દેખાતું. અને જો કોઈ દેશી અમેરિકાની ટીકા કરે તે મારાથી સહેવાય નહીં, અને જેમ નવો મિયાં ચૂક્યા વગર નમાજ પઢે અને બહુ અલ્લા અલ્લા કરે તેમ હું પણ અમેરિકાના ગુણગાન ગાતો. વધુમાં દેશના મારા કડવા અનુભવો હજી મનમાં તાજા હતા. શરૂઆતમાં તો મને નાઇટમેર આવતા કે હજી હું દેશમાં જ છું, મૂળજી જેઠા મારકેટમાં હજી ગુમાસ્તાની નોકરી કરું છું, અને શેઠિયાઓ અને એમના નબીરાઓ માટે ચા-પાણી લઈ આવું છું! ભરઊંઘમાંથી જાગી પડું, અને જ્યારે ખાતરી થાય કે મારા જીવનની એ કારમી યાત્રા પૂરી થઈ છે, અને હવે તો હું અમેરિકામાં જ છું, ત્યારે પાછો સૂવા પ્રયત્ન કરું.

જેમ જેમ હું ઍટલાન્ટામાં સેટલ થતો ગયો તેમ તેમ દેશની બીજી બાજુ મને દેખાતી ગઈ. દેશની વિદેશનીતિ અને ખાસ કરીને વિએટનામનું યુદ્ધ મારે માટે અસહ્ય હતું. ખાસ કરીને દક્ષિણનાં રાજ્યોમાં કાળા લોકો પ્રત્યેના રંગભેદને કારણે થતો ભેદભાવ મને બહુ કઠતો. કાળા લોકોની સ્થિતિ સુધારવા માટે, એમને પૂર્ણ નાગરિકત્વ આપવા માટે પ્રયત્નો જરૂર થતા હતા, પણ દક્ષિણનાં રંગભેદી દુષ્ટ રાજકારણીઓ એનો વિરોધ કરતા હતા. મોટા ભાગના સુધારાઓ વૉશિંગ્ટનથી ફૅડરલ ગવર્ન્મેન્ટ અને સુપ્રીમ કોર્ટના દબાણથી જ થતા હતા. કાળા લોકોની આ કફોડી દશાનો કોઈ અંત ન જોતા કાળા યુવાનોએ માર્ટીન લ્યુથર કિંગે ગાંધીજીની અસર નીચે આદરેલ અહિંસક અસહકારને નકાર્યો. તેમણે ‘બ્લેક પાવર’ની હિંસક ઝુંબેશ ઉપાડી. દેશનાં મોટાં શહેરોમાં હુલ્લડો શરૂ થયાં. એ જ સમયે વિએટનામનું યુદ્ધ પુર જોશમાં ચાલતું હતું. તેની વિરુદ્ધ પણ આંદોલનો શરૂ થયાં.

વધુમાં અમેરિકાના રાજકારણમાં નેશનલ રાઇફલ એસોશિએશન (એન.આર.એ.), અમેરિકન મેડિકલ એસોશિએશન (એ.એમ.એ.) વગેરે સ્થાપિત હિતોની જોરદાર લૉબીઓ પ્રગતિશીલ સુધારાઓ કેવી રીતે અટકાવતી હતી તે ધીમે ધીમે સમજાયું. દાખલા તરીકે એનઆરએ કારણે અમેરિકામાં રાઇફલ, હેન્ડગન અને અન્ય હિંસક સાધનો બજારમાં છડે ચોક વેચાય અને દર વર્ષે લગભગ ૩૩,૦૦૦ લોકોની હત્યા થાય. એ.એમ.એ. અને ઇન્સ્યોરન્સ કંપનીઓની લૉબીઓને કારણે દેશમાં પબ્લિક હેલ્થકેરની વ્યવસ્થા ન થઈ શકે. મધ્યમ વર્ગ ને ગરીબ લોકો સામાન્ય સારવાર મેળવવામાં પણ પાયમાલ થઈ જાય, તો પછી કેન્સર જેવા જીવલેણ રોગની તો વાત જ શી કરવી? આવી અનેક લૉબીઓથી કલુષિત થયેલું અમેરિકન રાજકારણ બહુજન પ્રજાના હિતો કરતાં સ્વાર્થી સ્થાપિત હિતોનું જ રક્ષણ કરતી. આ બધું મને અહીંના વસવાટ પછી જ સમજાણું. અને અમેરિકાની એક જુદી જ ભાત જોવા મળી.

એમ.બી.એ. થયો

મુંબઈની સીડનહામ કૉલેજમાં ભણવાથી એક ફાયદો એ થયો એ કે મને અંગ્રેજી પ્રમાણમાં સારું આવડતું હતું. સાવરકુંડલામાં તો મારું ભણતર ગુજરાતી માધ્યમમાં જ થયું હતું, એટલે સીડનહામ કૉલેજનું ઈંગ્લીશ મીડિયમ મને બહુ આકરું લાગેલું. પણ કૉલેજનાં ઈંગ્લીશ મીડિયમનાં ચાર વર્ષો અને મુંબઈના વસવાટને કારણે અંગ્રેજી ભાષાની સગવડ વધી હતી. ઍટલાન્ટા યુનિવર્સિટીમાં ભાષાની બાબતમાં કોઈ વાંધો નહીં આવ્યો. ભણવાના વિષયો પણ મને મુખ્યત્વે સહેલા લાગ્યા. પ્રૉફેસરો ક્લાસમાં શું બોલે છે કે ભણાવે છે એ સમજવામાં મુંબઈમાં જે મુશ્કેલી પડી હતી, તે ઍટલાન્ટામાં ન પડી! જેમ મુંબઈના કોઈ પ્રૉફેસરની બુદ્ધિમત્તાથી હું અંજાયો ન હતો, તેવું જ ઍટલાન્ટામાં થયું, જો કે અહીંના પ્રૉફેસરો પોતાના વિષયની બરાબર તૈયારી કરીને આવતા, અને પોતાના વિષયના નિષ્ણાત દેખાતા. સીડનહામ કૉલેજમાં પ્રૉફેસરો વેઠ ઉતારતા હતા એવું લાગતું, જ્યારે અહીં પ્રૉફેસરોને પોતાના વિષયમાં અને વિદ્યાર્થીઓમાં રસ હોય એવું દેખાતું. આ બધામાં ઍટલાન્ટાનું પહેલું વરસ તો ક્યાં ગયું તેની ખબર જ ન પડી.

મારો અભ્યાસ પૂરો થાય તે પહેલાં મારે ફૂલટાઈમ જોબ શોધવાનો હતો. હું જ્યારે જોબ શોધવા નીકળ્યો ત્યારે ખબર પડી કે ઍટલાન્ટા યુનિવર્સિટીમાં ભણવાની મર્યાદાઓ શું હતી. મેં જોયું તો અમારી સાથે જે કાળા છોકરાછોકરીઓ હતાં તેમને ફટફટ સારી સારી કંપનીઓમાં જોબ મળવા માંડી, જ્યારે અમને દેશી વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂના પણ ફાંફા! અમેરિકાની સમૃદ્ધિથી કાળાઓને વેગળા રાખવાથી એમની કપરી દશા થઈ હતી. અમેરિકન સમૃદ્ધિ જે અહીં સામાન્ય ગોરા માણસોને પણ મળતી હતી, તે કાળા લોકોને નહોતી મળતી. એમને નસીબે ગરીબી અને કાળી મજૂરી ને હલકાં કામો જ લખાયાં હતાં. ખાસ તો મોટી કંપનીઓની અને ફૅડરલ કે સ્ટેટ ગવર્ન્મેન્ટની સારી સારી નોકરીઓમાંથી એમને બાકાત રાખવામાં આવ્યા હતા.

૧૯૬૦ના દાયકામાં કાળી પ્રજાની સિવિલ રાઈટ્સની મોટી ઝુંબેશ શરૂ થઈ. બ્લેક પાવરના હિંસક આંદોલનને કારણે મોટાં શહેરોમાં હુલ્લડો થયાં. ગોરી પ્રજા ચેતી. દેશના આર્થિક તંત્રમાં ફેરફાર કરવાની જરૂરિયાત ગોરાઓને વરતાણી. ફૅડરલ ગવર્ન્મેન્ટનું કંપનીઓ ઉપર દબાણ આવવા માંડ્યું કે એમણે કાળી પ્રજાને સારા જોબ આપવા, પ્રમોશન આપવું. આ સરકારી વ્યવસ્થાને અહીં ‘અફીર્મેટીવ એક્શન’ કહેવામાં આવે છે. આપણા દેશમાં લઘુમતિઓ માટે જેમ સારી નોકરીઓ, મેડિકલ કૉલેજના એડમિશન વગેરેના અમુક ટકા રિઝર્વ રખાય તેવું જ. ક્વોટા રાખવાની અમેરિકનોને મોટી સૂગ, પણ હકીકતમાં આ કાળા લોકોને સારા જોબ આપવાના ક્વોટા જ હતાં.

સારી સારી કંપનીઓ પોતાના ક્વોટા જલદી ભરવા બ્લેક કૉલેજોમાં જાય અને છોકરાછોકરીઓને પસંદ કરે. ભલે સાવ નબળો બ્લેક વિદ્યાર્થી હોય, છતાં પણ એને ઝીરોક્સ કે આઇબીએમ જેવી કંપનીઓ સામેથી મોટી ઓફર આપે, અને અમે દેશી વિદ્યાર્થીઓ જોતા રહી જઈએ. અમને ઇન્ટરવ્યૂમાં પણ ન બોલાવે. અહીં દરેક યુનિવર્સિટીમાં જોબ પ્લેસમેન્ટ સેન્ટર હોય. એની ફરજ વિદ્યાર્થીઓને સારી નોકરીઓ અપાવવાની હોય છે. કંપનીઓ યુનિવર્સિટીઓમાં સામેથી આવે અને સારા વિદ્યાર્થીઓને પસંદ કરે. જોબ પ્લેસમેન્ટ ઑફિસર વિદ્યાર્થીઓને મદદ કરે. હું પ્લેસમેન્ટ સેન્ટરમાં જાઉં ત્યારે મને મારા મુંબઈના દિવસો યાદ આવે. સીડનહામ કૉલેજમાં પ્લેસમેન્ટ સેન્ટર કેવું ને વાત કેવી? બી.કોમ થયા પછી મુંબઈમાં એક સાવ સામાન્ય ક્લર્કની નોકરી લેતા મને નાકે દમ આવી ગયો. અને છેવટે જે નોકરી મળી તે લાગવગથી જ મળી.

હવે મારે અમેરિકામાં જોબનો પત્તો પાડવાનો હતો, અને તે પણ તુરત જ. પૈસાની જરૂર તો ખરી જ, પણ મારે જલદી જલદી ગ્રીન કાર્ડ મેળવવું હતું. એ મળે તો જ અમેરિકામાં રહી શકાય. મારે કંઈ દેશમાં પાછા જવું નહોતું. પાછા જઈને દેશસેવા કરવી છે કે દેશ તમારી રાહ જોઈને બેઠો છે એવા શેખચલ્લીનાં શમણાં હું ક્યારેય જો’તો નહોતો. ગ્રીનકાર્ડ મેળવવા માટે જોબ હોવો એ અનિવાર્ય હતું. મારો હિસાબ સીધો હતો: જોબ હોય તો તમારા એમ્પ્લોયર તમને ગ્રીન કાર્ડ માટે સ્પોન્સર કરે. ભવિષ્યમાં વધુ સારો જોબ મેળવવા માટે પણ ગ્રીન કાર્ડ હોવું જરૂરી હતી. વળી ગ્રીન કાર્ડ વગર નલિનીને કેમ બોલાવી શકાય? એના એકસૂરી કાગળો તો નિયમિત આવતા જ હતા: ક્યારે બોલાવો છો?

ગ્રીનકાર્ડ મળે તો પછી પાંચ વરસે સીટીઝનશીપ માટે પણ એપ્લાય કરી શકાય. ભાઈ, બહેન, માબાપ વગેરેને જો દેશમાંથી બોલાવવા હોય તો અમેરિકન સીટીઝનશીપ હોવી જ જોઈએ. એટલે જે એમ્પ્લોયર સ્પોન્સરશીપ આપવા તૈયાર હોય ત્યાં જોબ લેવાનો હતો. બ્લેક કૉલેજો સ્પોન્સરશીપ આપવા તૈયાર હતી. તેમને બિઝનેસ, મેથ્સ અને એન્જિનિયરિંગના પ્રૉફેસરોની ખૂબ જરૂર હતી. આવા પ્રૉફેસરોની ત્યાં તંગી હોવાને કારણે ઈમિગ્રેશન સર્વિસ બ્લેક કૉલેજોની સ્પોન્સરશીપ તરત માન્ય કરતી અને ગ્રીનકાર્ડ આપતી.

બ્લેક કૉલેજમાં જોબ શોધવાનું એક બીજું રહસ્ય હતું. ઍટલાન્ટા યુનિવર્સિટી જેવી બ્લેક કૉલેજમાં ભણ્યા હો તો તમારે ભાગ્યમાં બ્લેક કૉલેજ જ લખી હોય ને! હવે મને ખબર પડી કે જારેચા શા માટે અહીં ઍટલાન્ટા યુનિવર્સિટીમાં કામ કરતા હતા. અમારે જોબ જોતો હોય તો કોઈ બ્લેક કૉલેજમાં જ મળવાનો હતો. ત્યાં ઘણી જગ્યાઓ ખાલી પડી હતી. એક જમાનામાં જ્યારે બ્લેક લોકોને વ્હાઈટ કંપનીઓમાં નોકરી નહોતી મળતી ત્યારે ઍટલાન્ટા યુનિવર્સિટીના સ્નાતકો આવી બ્લેક કૉલેજોમાં નોકરી કરતા. પણ હવે તો મોટી કંપનીઓ અને ફૅડરલ અને સ્ટેટ ગવર્ન્મેન્ટ આ બ્લેક સ્નાતકોને જેવા યુનિવર્સિટીમાંથી નીકળ્યા કે તરત ઊપાડી જાય. કંપનીઓની જેમ વ્હાઈટ યુનિવર્સિટી ઉપર પણ બ્લેક પ્રૉફેસરોને જોબ આપવાનું ફૅડરલ ગવર્ન્મેન્ટનું પ્રેશર હતું. આમ બ્લેક કૉલેજોમાં જે પ્રૉફેસરો હતા તેમને પણ વ્હાઈટ કૉલેજો અને યુનિવર્સિટીઓ સારી સારી ઓફર આપી લઈ જતી.

બ્લેક પ્રૉફેસરો જો વ્હાઈટ કૉલેજ અને યુનિવર્સિટીમાં જતા રહે તો પછી બ્લેક કૉલેજોમાં ભણાવશે કોણ? અમેરિકામાં ત્યારે લગભગ સોએક જેટલી બ્લેક કૉલેજો અને યુનિવર્સિટીઓ હતી. ત્યાં હવે નવા બ્લેક સ્નાતકો તો જતા બંધ થયા. બ્લેક કૉલેજમાં પ્રૉફેસરોની, ખાસ કરીને બિઝનેસ, મેથેમેટિક્સ, એન્જિનિયરિંગના પ્રૉફેસરોની, ખૂબ તંગી થઈ. લાઇબ્રેરીમાં જઈને બ્લેક કૉલેજોનું લીસ્ટ હું લઈ આવ્યો. ફટ ફટ એપ્લીકેશન કરવા માંડી. આપણે એપ્લીકેશન કરવામાં તો હોંશિયાર હતા. મુંબઈની ટ્રેનિંગ હતી ને? જો કે આ વખતે મુંબઈની જેમ હાથે લખીને નહીં, પણ ટાઈપ કરીને ઘણે ઠેકાણે એપ્લીકેશન મોકલાવી દીધી. ચાર ઠેકાણેથી ઇન્ટરવ્યૂ માટે મને બોલાવ્યો. ગયો. ચારે ઠેકાણેથી જોબ ઓફર આવી.

મેં નૉર્થ કેરોલિના સ્ટેટના ગ્રીન્સબરો નામના એક નાના શહેરની બ્લેક પબ્લિક યુનિવર્સિટીમાં નોકરી લીધી. નૉર્થ કેરોલિના સ્ટેટની એગ્રીકલ્ચરલ એન્ડ ટેક્નિકલ યુનિવર્સિટી (એ. ઍન્ડ ટી.)નું ફંડિંગ રાજ્ય તરફથી હતું, તેથી પ્રમાણમાં નાણાંકીય રીતે એ સદ્ધર હતી. મોટા ભાગની પ્રાઈવેટ બ્લેક કૉલેજો ફંડિંગને અભાવે મરવા પડી હતી. ગ્રીન્સબરોની જ એક પ્રાઈવેટ બ્લેક કૉલેજ બેનેટ કૉલેજમાં પણ મને જોબ મળેલો. મેં વિનયપૂર્વક ના પાડી. તે ફંડના અભાવે ફડચામાં પડવાની તૈયારી હતી. જેવું ઍટલાન્ટાનું ભણવાનું પત્યું કે આપણે તુરત જ બેગ ઉપાડીને બસમાં બેસી ગયા, ગ્રીન્સબરો જવા માટે.

હું કાંઈ ગ્રેજ્યુએશન સેરીમનીમાં માર્ચ કરીને ડિગ્રી લેવા રોકાયો નહીં. મને થયું કે યુનિવર્સિટી એની ફૂરસદે ડિગ્રી મોકલવાની છે, તો પછી એને માટે કંઈ ગાઉન અને કેપનો ખોટો ખર્ચ શા માટે કરવો? મારી સાથે ભણતા અમેરિકનોને આ વાત વિચિત્ર લાગી. એમને માટે કૉલેજ ગ્રેજ્યુએશન એ બહુ મોટી વાત હતી. એ સેરીમની માટે આખું કુટુંબ ભેગું થાય. દૂરદૂરથી સગાંવહાલાંઓ આવે, મોટા ડિનર થાય, ફોટા પડે, વગેરે, વગેરે.

મારે માટે એવું કંઈ થવાનું નહોતું. જે કુટુંબમાં ઉચ્ચ અભ્યાસનું મહત્ત્વ હોય તે કૉલેજ ગ્રેજ્યુએશનનો ઉત્સવ કરે, પણ અમારા કુટુંબમાં હું શું ભણું છું તેની જ કોઈને ખબર ન હોય, અને કાકા તો એમ માનતા હતા કે હાઈસ્કૂલ પછી કંઈ ભણવું એ જ નકામું છે, તો પછી હું કયા મોઢે કહું કે મારું ગ્રેજ્યુએશન થવાનું છે તો તેની સેરીમનીમાં તમે આવો. આ કારણે મારી પાસે પીએચ.ડી સુધીની આજે ચાર ચાર ડિગ્રીઓ હોવા છતાં મેં કયારેય ગ્રેજ્યુએશન સેરીમનીમાં માર્ચ કરીને એકેય ડિગ્રી લીધી નથી કે ફોટા પડાવ્યા નથી. મુંબઈમાં મને બી.કોમ. અને એલ.એલ.બી.ની ડિગ્રીઓ મળી ત્યારે ખબર પણ નહોતી કે સેરીમની ક્યારે હતી! જોબ શોધવાની મથામણ જ એવડી મોટી હતી કે ગ્રેજ્યુએશન સેરીમનીનો વિચાર પણ નહોતો કર્યો.

License

એક અજાણ્યા ગાંધીની આત્મકથા Copyright © by નટવર ગાંધી. All Rights Reserved.