૨. મુંબઈ (૧૯૫૭ – ૧૯૬૫)

ચલ મન મુંબઈ નગરી,
જોવા પુચ્છ વિનાની મગરી!

                                  નિરંજન ભગત

અહીં ઊઘડી આંખ, પાંખ પ્રસરી, ઊડ્યો આભ હું,
મહાનગર આ, ભણ્યો જીવનના અહીં પાઠ હું.

મુંબઈ આવ્યો

સાવરકુંડલાની લાઇબ્રેરીમાં મેં જોયું હતું કે મોટા ભાગનાં ગુજરાતી પુસ્તકોના પ્રકાશકો મુંબઈના, અને તે પણ પ્રિન્સેસ સ્ટ્રીટના. થયેલું કે કોઈક દિવસે મુંબઈ જવાનું થશે ત્યારે આ પ્રિન્સેસ સ્ટ્રીટ પર તો જઈશ જ. કેવી ભવ્ય એ સ્ટ્રીટ હશે! ત્યાં આંટો મારીશ તો એકાદ કવિ કે લેખક જરૂર મળશે. મુંબઈ આવીને પહેલું કામ પ્રિન્સેસ સ્ટ્રીટ જવાનું કરેલું. જોયું તો પ્રિન્સેસ સ્ટ્રીટ સાવ જુદી જ નીકળી. ત્યાં તો ધમાલ અને ઘોંઘાટ, મોટર અને હાથગાડીઓનો ટ્રાફિક, અસંખ્ય લોકોની આવજા, હાથગાડીવાળાઓની ધક્કામુક્કી, ફેરિયાઓની બૂમાબૂમ, અને બોનસમાં મોટો ઉકરડો! આ બધું જોઈને હું નિરાશ થઈ ગયો: થયું કે આ પ્રિન્સેસ સ્ટ્રીટ? અહીંની ધમાલમાં સામાન્ય લેખકની વાત છોડો, કનૈયાલાલ મુનશી આવે તો પણ કોઈ એને ન ઓળખે!

સાવરકુંડલામાં બૉલીવુડની ફિલ્મો મને મુંબઈ લઈ જતી. ફિલ્મોનું મુંબઈ જોઈને હું અધધધ થઈ જતો. આસ્ફાલ્ટના વિશાળ રસ્તાઓ પર સડસડાટ દોડી જતી ગાડીઓ, આલિશાન મકાનો, ઈસ્ત્રીવાળાં કપડાં પહેરીને ફરતા લોકો, નિયોન લાઈટનો ઝગમગાટ, ભભકદાર રેસ્ટોરાંમાં હાથમાં હાથ નાખીને જમવા જતાં યુગલો, ચોપાટીનો દરિયો—આ બધું જોઈને હું ગામ ભૂલીને મુંબઈમાં ખોવાઈ જતો. થતું કે મુંબઈ જવાનું કયારે થશે? હવે હું મુંબઈ આવ્યો. અત્યાર સુધીનું મારું મુંબઈ ફિલ્મોનું મુંબઈ હતું. જે બધું ફિલ્મોમાં જોયેલું તે હવે સગી આંખે જોતાં હું આભો બની ગયો.

મારા જીવનમાં જે વળાંકો આવ્યા છે, જે પરિવર્તનો થયાં છે, તેમાં મોટામાં મોટું તે અમારા નાના ગામમાંથી મુંબઈ આવવું તે. દેશમાંથી અમેરિકામાં આવવા કરતાં પણ એ મોટો બનાવ હતો. મુંબઈ મારા માટે માત્ર દેશની જ નહિ, પણ દુનિયાની બારી હતી. અહીં મને પહેલી વાર ભાત ભાતના લોકો જોવા સાંભળવા મળ્યા. દેશવિદેશના અંગ્રેજી છાપાં અને મૅગેઝિન જોવા વાંચવાં મળ્યાં. મારી આખી દૃષ્ટિ બદલાઈ ગઈ. અંધારિયા કૂવાનો દેડકો જાણે કે મોટી માછલી બનીને મહાસાગરમાં તરવા માંડ્યો!

આજનું મુંબઈ તો રહેવા માટે લગભગ અશક્ય થઈ ગયું છે. અત્યારે તો ત્યાં આવવાજવાની મુશ્કેલીથી જ થાકી જવાય છે. એમાં ઉમેરો: ગંદકી, ગરમી, ગિરદી, ઘોંઘાટ, હુંસાતુંસી, કીડિયારાની જેમ ઊભરાતી વસતી, પૈસા અને માત્ર પૈસાની જ બોલબાલા, ખૂણે ખૂણે ઊભી થઈ ગયેલી ઝૂંપડપટ્ટી લગોલગ બંધાતા મીલિયન કે બિલિયન ડોલર્સના મહેલો, ટ્રાફિક લાઈટ આગળ હુમલો કરતા ભિખારીઓ, અસહ્ય ગરીબી વચ્ચે છડેચોક પૈસા ઉડાડતા અને મોજમજા કરતા ધનિકો–આ બધું જોતાં અમારા જેવા અમેરિકાની સુવિધાઓથી સુંવાળા થઈ ગયેલા મુલાકાતીઓને એક બે અઠવાડિયામાં જ થાય કે ભાગો!

એ વખતનું મુંબઈ

પરંતુ ઓગણીસો પચાસના અને સાઇઠના દાયકાનું મુંબઈ જુદું હતું. આધુનિક સગવડ વગરના નાના ગામમાં ઉછરેલા મારા જેવા માટે મુંબઈનું મહાનગર એ જ મોટું આશ્ચર્ય હતું! મેં જિંદગીમાં પહેલી જ વાર આટલા બધા માણસો અને આટલો બધો ટ્રાફિક જોયો. પાણીના રેલાની જેમ સરતી પીળી પીળી ટૅક્સીઓ, મુસાફરોથી ખીચોખીચ ટણણ કરતી દોડતી ટ્રામો, હજારો અને લાખો પરાંવાસીઓને સડસડાટ લાવતી ને લઈ જતી ઇલેક્ટ્રિક ટ્રેન, ડબલ ડેકર બસો, ફોર્ટ એરિયાના આલિશાન મકાનો, ભવ્ય ગેઇટ વે ઑફ ઇન્ડિયા અને એની સામે તાજમહાલ હોટેલ, મરીન ડ્રાઈવ, મલબાર હિલ, હૅંગીંગ ગાર્ડન, મુંબઈ યુનિવર્સિટી, રાજાબાઈ ટાવર, એલ્ફિન્સ્ટન અને સેન્ટ ઝેવિયર્સ જેવી વિખ્યાત કૉલેજો, એરકન્ડીશન્ડ મૂવી થિયેટરો, હોલીવુડની મૂવીઓ, ક્રિકેટ માટેનું બ્રેબોર્ન સ્ટૅડિયમ, બોરીબંદર અને ચર્ચગેટ સ્ટેશન, ઊંચાં મકાનોમાં ઉપર નીચે લઈ જતી લીફ્ટો–આવું આવું તો કંઈ કંઈ હું મારી ભોળી આંખે જોઈને અંજાઈ ગયો. પહેલી વાર લીફ્ટનો અનુભવ કંઈક અનોખો જ હતો!

આજે તો મુંબઈમાં ચાલવું જ મુશ્કેલ થઈ ગયું છે. ફોર્ટ એરિયાની બધી જ ફૂટપાથ ફેરિયાઓએ કબજે કરી છે. (જો કે એમને હવે ફેરિયા કેમ ગણવા? ફરવાને બદલે એ તો એમને જે વેચવાનો માલ હોય છે તેનો પથારો કરીને ફૂટપાથ ઉપર બેઠા હોય છે!) પણ એ જમાનામાં ફૂટપાથ ઉપર લોકોને હાલવાચાલવાની મોકળાશ હતી. શરૂ શરૂમાં હું ફોર્ટ એરિયામાં ફરવા જતો. ભવ્ય ગેટ વે ઑફ ઇન્ડિયાથી ઠેઠ હું ચાલવાનું શરૂ કરું. ત્યાંની તાજમહાલ હોટેલ, આગળ ચાલતા ડાબી બાજુ વિશાળ કાવસજી જહાંગીર હોલ. ૧૯૫૭માં પ્રવૃત્તિ સંઘનું કવિ સમ્મેલન થયેલું ત્યારે ત્યાં ગયો હતો. આવો મોટો હોલ મેં જિંદગીમાં પહેલી વાર જોયો. આ જ હોલમાં વર્ષો સુધી પ્રખ્યાત ધારાશાસ્ત્રી અને ટૅક્સ નિષ્ણાત નાની પાલખીવાલા દર વર્ષે એમનું નવા બજેટના કરવેરા વિશે જોરદાર ઈંગ્લીશમાં ભાષણ આપતા. (આવું ભારેખમ અને જૂનવાણી ઈંગ્લીશ આપણા દેશ સિવાય ભાગ્યે જ ક્યાંય બોલાતું હશે. અમેરિકામાં તો નહીં જ.) એમને સાંભળવા આખો હોલ ભરાઈ જતો.

થોડુંક આગળ વધો તો કાલાઘોડા પર જમણી બાજુ જહાંગીર આર્ટ ગેલેરી આવે. એની સામે ખૈબર નામનું રેસ્ટોરાં, એમાં તો અંદર જવાની પણ આપણી હિંમત ન ચાલે. એની બાજુમાં એક ટ્રાવેલ એજન્સી હતી. તેની શો વિન્ડોમાં યુરોપ અને અમેરિકાનાં શહેરોની જાહેરાત કરતા પોસ્ટર્સ મુકાયાં હોય તે હું લળી લળીને જોતો. એ નામો મને જોવા સાંભળવા ખૂબ ગમતાં તેથી મનોમન ગણગણતો—લંડન, ઝ્યુરિક, મિલાન, ન્યૂ યૉર્ક, સિડની, સાન ફ્રાન્સિસ્કો! મુંબઈના એ વખતના સાંતાક્રુઝ ઍરપોર્ટ પણ ક્યારેક ક્યારેક ફરવા જતો. ત્યાં પરદેશથી આવતી જતી ફ્લાઈટનું પબ્લિક એનાઉન્સ્મેન્ટ થાય ત્યારે પણ આવાં નામો ધ્યાનથી સાંભળતો. એ સમયે થતું કે આવે કોઈ ઠેકાણે જવામાં આપણો નંબર ક્યારેય લાગશે ખરો?

કાલાઘોડાની ડાબી બાજુ ડેવિડ સાસુન લાઇબ્રેરી અને એલ્ફિન્સ્ટન કૉલેજ. ડેવિડ સાસુનની પાછળ એક નાનો બગીચો. ત્યાં ચા કૉફીની નાની દુકાન. ચા લઈને બગીચામાં બેસો અને મિત્રો સાથે અલકમલકની વાતો કરો. હું એનો મેમ્બર થઈ ગયો હતો. લો કૉલેજમાં ભણતો હતો ત્યારે ત્યાં વાંચતો. દેશવિદેશનાં મૅગેઝિન ત્યાં મને પહેલી વાર જોવા મળ્યાં–એનકાઉન્ટર, ન્યુ સ્ટેટ્સમેન, સ્પેકટેટર, ક્વેસ્ટ. એની અગાશીમાં લાંબા થઈને પડવાની વ્યવસ્થા. પરંતુ એ બધી આર્મ ચેર ઉપર તો બૂઢા પારસીઓનો ઈજારો. સવારથી સાંજ સુધી એ ત્યાં સૂતા પડેલા હોય. ધોબી તળાવ ઉપર મેટ્રો સિનેમા સામે એક મોટી લાઇબ્રેરી હતી. ત્યાં પણ લોકો સૂવા જ આવે! આ સૂનારાઓનો એવો તો ત્રાસ થઈ ગયેલો કે પ્યૂન દર કલાકે ટેબલ પર લાકડાની એક જાડી પટ્ટી પછાડે. લોકો જાગે, અને પાછા સૂઈ જાય! આ ત્રાસ ઓછો હોય તેમાં ખુરસીઓમાં માંકડનું ધણ છુપાઈને બેઠું હોય. જેવા તમે ત્યાં બેસો કે તુરત તમારા ઉપર હુમલો કરે. જો કે સૂનારા બહાદુરોને ન પ્યૂનની કે ન માંકડની કોઈ અસર! એ તો નસકોરાં બોલાવે જ જાય!

ડેવિડ સાસુનની બાજુમાં આર્મી નેવીનું બિલ્ડીંગ હતું. ત્યાં મુલ્કરાજ આનંદના મોંઘા પણ દળદાર આર્ટ મૅગેઝિન માર્ગ ની ઑફિસ હતી. સ્વતંત્ર પાર્ટીના અગ્રગણ્ય નેતા અને ધારાસભ્ય મીનુ મસાણીની ઑફિસ પણ ત્યાં હતી. એક વાર લાઇબ્રેરીના બગીચામાં ચા પીતો હું બેઠો હતો ત્યાં કોઈ એક માણસ જોર જોરથી બોલતો સંભળાયો. ઊભા થઈને જોયું તો મીનુ મસાણી એના ડ્રાઇવરને ધમકાવતા હતા! એમના પ્રત્યેનું મારું બધું જ માન ત્યાં ને ત્યાં જ ઊતરી ગયું. થયું કે આ માણસ એક વાર સોશિયાલીસ્ટ પાર્ટીનો આદ્ય સ્થાપક હતો?

કાલાઘોડાથી નીચે ઊતરો તો ડાબી બાજુ મુંબઈ યુનિવર્સિટી આવે. એનો રાજાબાઈ ટાવર, કોન્વોકેશન હોલ, ગાર્ડન, એની સામે જ ભવ્ય મેદાન જ્યાં પોપ આવેલા ત્યારે જંગી સભા યોજાઈ હતી. આગળ વધતા ફ્લોરા ફાઉન્ટન અને સર ફિરોજશાહ મહેતાનું ભવ્ય પૂતળું. એક વખતે એ મુંબઈના બેતાજ બાદશાહ ગણાતા. દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી એમની ચળવળ માટે મદદ લેવા દેશમાં આવ્યા હતા ત્યારે તેમને મળવા ગયા હતા. ગાંધીજી એમનાથી કેટલા પ્રભાવિત થયેલા એ વાત એમણે આત્મકથામાં લખી છે. ઓગણીસમી સદીના પહેલા દાયકામાં ફિરોજશાહ મહેતા મુંબઈના જાહેર જીવનમાં કેવા અગ્રણી અને પ્રખ્યાત હતા તેની વાત કનૈયાલાલ મુનશીએ પણ એમની આત્મકથામાં લખેલ છે. ફ્લોરા ફાઉન્ટનના એમના ભવ્ય પૂતળા આગળ ઊભો રહીને હું આ બધું યાદ કરતો. એ વખતે આ વિશાળ રસ્તો હોર્ન્બી રોડ કહેવાતો. ફ્લોરા ફાઉન્ટન પર મોટી મોટી બૅંકનાં તોતિંગ બિલ્ડીંગ જોવા મળે. બૅંક ઑફ ઇન્ડિયા, સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા, સેન્ટ્રલ બૅંક ઑફ ઇન્ડિયા, વગેરે.

એ એરિયામાં અસંખ્ય રેસ્ટોરાં. સસ્તાં સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં પણ ઘણાં. ટેમરીન્ડ લેનમાં એક છાયા નામનું રેસ્ટોરાં હતું. હજી પણ છે. જ્યારે જ્યારે હું ફોર્ટ એરિયામાં જાઉં ત્યારે ત્યાં મારો ધામો જરૂર પડે. સસ્તું ખરું ને. એ બધાં રેસ્ટોરાંમાં જબ્બર ગિર્દી હોય. તમારા ચારના ટેબલ પર બીજા ત્રણ બેઠેલા હોય જેમને તમે કોઈ દિવસ જોયા પણ ન હોય. બધા નીચે મોઢે મૂંગા મૂંગા જલદી જલદી ખાઈ લે. તમે ઊઠો કે તરત તમારી જગ્યાએ બેસવા માટે પાછળ કોક ઊભું જ હોય! તમારે જો તમારા ટેબલ પર કે બુથમાં એકલા કે મિત્રો સાથે બેસવું હોય તો ગે લોર્ડ કે લા બેલા જેવા વેસ્ટર્ન સ્ટાઈલના મોંઘાં રેસ્ટોરાંમાં જવું પડે. પણ ત્યાં જવાની આપણી ત્રેવડ નહીં.

મુંબઈમાં મને પહેલી જ વાર પંજાબી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન વગેરે જુદું જુદું ખાવાનું મળ્યું. આ બધામાં સાઉથ ઇન્ડિયન વધુ ભાવ્યું. અહીં અમેરિકામાં પણ હું સૌથી પહેલાં જવાનું પસંદ કરું સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાંમાં. મુંબઈમાં અમારા જેવા વેજીટેરિયન ગુમાસ્તાઓ માટે મોંઘાં રેસ્ટોરાં તો દેખાવનાં, ખાવાની મજા તો ચીપ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાંમાં જ. મસાલા ડોસા, ઈડલી, અને પૂરી સુકી ભાજી અને ખાસ કરીને રવા ડોસા અને કોકોનટની ધોળી ચટણી અને સંભાર. ઉડીપી રેસ્ટોરાંની કૉફી મને ખૂબ ભાવતી. લુંગી પહેરેલો વેટર તમારા ટેબલ પર આવીને કપ વાટકામાં જે રીતે એક પણ ટીપું બહાર ન પડે એમ કૉફી ઉછાળે તે હું જોઈ રહેતો! એવી મજેદાર કૉફી મને હજી સુધી ક્યાંય મળી નથી, અમેરિકાના વિખ્યાત સ્ટારબક કૉફીહાઉસમાં પણ નહીં. મુંબઈમાં જાઉં ત્યારે માટુંગા જરૂર એક આંટો મારું. ઉડીપી ઈડલી ખાઉં ત્યારે જ મને સંતોષ વળે. હું જ્યારે કૉલેજમાં ભણતો હતો ત્યારે માટુંગામાં કિંગ્સ સર્કલ પર આવેલી નાતની બોર્ડિંગમાં રહેતો. ત્યાં ઉડીપી રેસ્ટોરાં ઘણાં. ત્યારથી સાઉથ ઇન્ડિયન ફૂડનો મને ચસકો લાગી ગયો.

મુંબઈ આવીને પહેલી વાર હું રેસ્ટોરાંમાં જતો થયો. દેશમાં તો હોટેલ રેસ્ટોરાં કેવા ને વાત કેવી? કોળી કુંભાર જેવા હલકા વરણના લોકો હોટેલમાં જઈને ચા પીવે. વાણિયા બ્રાહ્મણ હોટેલમાં ન જાય. ફરસાણ અને મીઠાઈની દુકાનો જરૂર, પણ ત્યાંથી તો કોઈ પ્રસંગોપાત્ત પેંડા જેવી વસ્તુઓ ઘરે લઈ આવે. પણ ખાવાનું તો ઘરે જ. બાપાને ગરમ ગરમ ફાફડા ગાંઠિયા અને મરચાં બહુ ભાવે. ઘણી વાર સવારના દુકાને પહોંચતાં જ મને કહે, ગાંઠિયા લઈ આવ. પછી દુકાનનો દરવાજો આડો કરીને અમે જે ઝાપટીએ! ત્યારથી મને ગાંઠિયાનો જબ્બર શોખ લાગી ગયો તે ઠેઠ આજ સુધી છે. અહીં અમેરિકામાં પણ દર વિકેન્ડમાં સવારે ગરમ ગરમ ગાંઠિયા ન મળે તો મારી સવાર ન પડે!

ફ્લોરા ફાઉન્ટનથી થોડા આગળ હોર્ન્બી રોડ પર જઈએ તો ટાઈમ્સ ઑફ ઇન્ડિયાનું બિલ્ડીંગ, ન્યુ બૂક કંપની, વેસ્ટ ઍન્ડ વોચ, હેન્ડલુમ હાઉસ, ખાદી ગ્રામોદ્યોગ વગેરે જોવા મળે. ખાદી ગ્રામોદ્યોગવાળા લંચ ટાઈમે એક કલાક સ્ટોર બંધ કરી દે, કારણ કે કર્મચારીઓનો લંચ ટાઈમ તો સચવાવો જ જોઈએ! જ્યારે આજુબાજુની ઑફિસોના લોકોને લંચ ટાઈમે શોપિંગ કરવું હોય ત્યારે આ સ્ટોર બંધ હોય! બોલો, એ કેવો ધંધો કરતા હશે?! પણ કર્મચારીઓના યુનિયનનું જોર જબરું. સ્ટોરમાં નફો થાય કે ખોટ, એમને એમનો લંચ ટાઈમસર લેવાનો એટલે લેવાનો જ. ટાઈમ્સના બિલ્ડીંગમાં મારું રોજનું આવવાનું થતું. નોકરી શોધવાની જે એપ્લીકેશન કરતો તે રોજ અહીં આવીને એના ચમકતા પીળા બોક્સમાં નાખતો. દર વખતે ભગવાનને કહેતો કે બાપા, હવે ખમૈયા કરો, જેવી તેવી પણ કોઈક નોકરી અપાવો!

ફ્લોરા ફાઉન્ટનની (આજના હુતાત્મા ચોક)ની આજુબાજુ ફરતા હું નિરંજન ભગતના મુંબઈ વિશે ને પ્રવાલદ્વીપનાં કાવ્યો ગણગણતો. ૧૮૬૪માં બંધાયેલ ગ્રીક ગૉડેસ ફ્લોરાના આ આરસના પૂતળામાં આર્કિટેક્ચર, સ્કલ્પચર અને વોટરનો અદ્ભુત સમન્વય થયો છે. કવિએ ગૉડેસ ફ્લોરા માટે ‘વિશ્વ માલણી’ જેવો સુંદર શબ્દ વાપર્યો છે, તો એના હાથમાં રહેલાં પુષ્પોને ‘શલ્ય ફૂલ’ કહ્યા છે. ‘હોર્નબી રોડ’ના પ્રવાહી લય અને એના કાવ્ય વસ્તુનું મને હંમેશ આકર્ષણ રહ્યું છે : “આસફાલ્ટ રોડ, સ્નિગ્ધ સૌમ્યને સપાટ, કશી ન ખોડ!” ‘હોર્નબી રોડ’ના કવિ મધરાતે લટાર મારવા નીકળે છે તે મોટિફનું મેં વર્ષો પછી મારા પેન્સીલવેનિયા એવન્યૂ નામના કાવ્યમાં અનુસરણ કર્યું છે, જો કે મેં ગુલબંકી નહીં પણ ઝૂલણા છંદ વાપર્યો છે.

હોર્ન્બી રોડ ઉપર આગળ જમણી બાજુ બોરીબંદર સ્ટેશન અને ડાબી બાજુ જરાક અંદર એક્સેલ્સિઅર થિયેટર હતું. ઓપેરા થિયેટરની જેમ બેસવા માટે અનેક લેયર. ત્યાં સૌથી ઉપરના માળે બેસીને માથું એકદમ નીચું કરીને Bridge on River Kwai નામની હોલીવુડની ફિલ્મ જોઈ હતી તે હજી યાદ છે. આગળ જતાં કાલબાદેવી, પણ એ પહેલાં મેટ્રો થિયેટર જ્યાં અનેક મેટિની શો જોયેલા. દર રવિવારે લાઈનમાં ઊભા રહી જવાનું. આ હોલીવુડની મૂવીઓ બે કલાક માટે મને અમેરિકા પહોંચાડી દેતી. એ જમાનામાં હજી મુંબઈમાં ટ્રામ હતી. કિંગ્સ સર્કલ ઉપરથી બેસો તો ઠેઠ ફોર્ટ સુધી લઈ જાય. એ સર્કલ પર અરોરા થિયેટર હતું, ત્યાં પણ હોલીવુડની ઘણી મૂવીઓ જોઈ છે.

સમજાય કે નહીં, પણ જવું ખરું. આલ્ફર્ડ હિચકોકની Vertigo મૂવીમાં સ્ટોરીની કંઈ ખબર ન પડી, પણ કીમ નોવાકને જોઈને અમે તો પાણી પાણી થઈ ગયા હતા! એ મૂવીનું સાન-ફ્રાંસિસ્કો, North By Northwest અને Apartmentનું ન્યૂ યૉર્ક—કેવાં એ શહેરો! એના વિશાળ રસ્તાઓ, તેના પર દોડી જતી પીળી પીળી ટૅક્સીઓ, સ્કાય સ્ક્રેપર્સ, સ્વચ્છતા, લોકોની મેનર્સ વગેરે જોતાં હું થાકતો જ નહીં. આર્થર મિલરના નાટક A View from the Bridge પરથી ઊતરેલી મૂવી જોઈ હતી. એમાં ઇટાલિયન ઈમિગ્રન્ટો અમેરિકામાં આવીને કેમ એડજસ્ટ થાય છે એ જોતાં હું પણ એમની સાથે અમેરિકામાં એડજસ્ટ થઈ જતો!

Stalag ૧૭, Judgment at Nuremberg, Guns of Navarone વગેરે જોઈને હું બીજા વિશ્વયુદ્ધમાં ખોવાઈ જતો. The Wages of Fearમાં Yves Montandની એક્ટિંગ બહુ ગમેલી. એની બીજી મૂવીઓ Z, અને Let’s Make Love જોવાની તો હજી બાકી હતી. એક વાર વર્ષને અંતે રવિવારે શેઠે હવાલા પાડવા પેઢીમાં બોલાવેલો અને હું પહોંચી ગયો Lotus થિયેટરમાં. Yves Montand અને Ingrid Bergmanનું Goodbye Again જોવા. મૂવી જોઈને પેઢીએ પહોંચ્યો ત્યારે મારો જ હવાલો પડી ગયો! એ જ લોટસમાં સત્યજીત રાયની કેટલી બધી ફિલ્મો જોયેલી! એ અરસામાં Ingmar Bergmanનું પણ ઘેલું લાગ્યું. એની બે મૂવીઓ The Seventh Seal અને Wild Strawberries બહુ ગમેલી.

આજે એમ થાય છે કે મૂવીઓના બે કલાકના એ અંધારામાં હું મારી જાતને પામતો! મને થતું કે મારે ખરેખર ન્યૂ યૉર્ક, સાન ફ્રાન્સિસ્કો, બર્લિન જેવાં શહેરોમાં રહેવું જોઈએ, પણ બે કલાક પછી જેવા બહાર નીકળો તો મુંબઈ દેખાય! ઘણી વાર તો ત્યાંથી ભાગી જવાનું મન થાય. પણ જવું ક્યાં? એક વાર ડોરિસ ડે અને રોક હડસન વાળી એક કોમેડી Pillow Talk જોઈ. તેની સિક્વલ Lover Come Back કલાક પછી જ હતી. બાજુના રેસ્ટોરામાં કંઈક ખાધું ન ખાધું ને સિક્વલ જોવા વળી પાછા આપણે તો લાઈનમાં ઊભા રહી ગયા! Witness for Prosecutionમાં ચાર્લ્સ લોટનને જોઈને થયેલું કે બસ, ઇંગ્લેન્ડ જઈને ભણવું અને લોયર થવું! પણ મુંબઈમાંથી છટકવું કેમ?

મુંબઈના મલબાર હિલ, માટુંગાના ફાઈવ ગાર્ડન્સ, હોર્ન્બી રોડ જેવા અનેક વિસ્તારોમાં ફરતા મને વારંવાર થતું કે ક્યાં મારું ધૂળિયું ગામ અને ક્યાં આ મુંબઈ! ગંદકી, વરસાદની મોસમમાં થતો કીચડ, ગમે ત્યાં પેશાબ કરતા છોકરાઓ, રખડતી ગાયો, ગૂંગળાવી નાખે એવું અંધારિયા કૂવાનું એ વાતાવરણ છોડીને મને હવે આ મહાન શહેરની સ્વચ્છતા અને મોકળાશમાં રહેવાનું મળ્યું. થયું હું કેટલો ભાગ્યશાળી છું! જાણે કે મારું સપનું સાકાર થયું. ગામની સંકુચિતતામાંથી નીકળીને આવ્યો હતો તેથી મુંબઈનું બૃહદ્ સાંસ્કૃતિક, સાહિત્યિક અને રાજકીય વાતાવરણ મારે માટે કોઈ ઈશ્વરદત્ત વરદાન હતું. જે મને ગામમાં કયારેય જોવા ન મળતું તે બધું મુંબઈમાં એકાએક જ મારા ખોળામાં આવી પડ્યું. હું તો ભૂખ્યા ડાંસની જેમ તૂટી પડ્યો. જ્યાં જ્યાં મને જવાની જોવાની તક મળે કે તરત જ દોડી જતો.

દરરોજ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા લઉં. ખબર પડે કે ન પડે પણ વાંચું. ટાઇમ્સમાં રોજના બનાવો અને મીટિંગની માહિતી આપવામાં આવતી. સવારે પહેલું કામ એ જોવાનું કરું. સાંજે જવા જેવી કોઈ મીટિંગ છે ખરી? કોઈ સાહિત્યકાર કે દેશપરદેશનો નેતા આવવાનો છે? આમ મુંબઈના સાંસ્કૃતિક, સાહિત્યિક અને રાજકીય વાતાવરણમાં હું સહેજે વિહરવા માંડ્યો.

મુંબઈનું વિશાળ સાંસ્કૃતિક જગત

જે જે કવિઓ અને લેખકોનાં મેં માત્ર નામ જ સાંભળ્યાં હતાં કે જેમનાં પુસ્તકો જ જોયા હતા તે હવે મને રૂબરૂ જોવા મળ્યા! ઘોઘા સ્ટ્રીટ પર આવેલા જન્મભૂમિ પ્રવાસીના જૂના ખખડધજ મકાનના એક નાના હોલમાં સાંજે સાહિત્ય સભાઓ કે દેશપરદેશથી આવતા સાહિત્યકારો સાથે મિલનો ગોઠવાતા. ત્યાં હું અચુક જતો. અમદાવાદ કે વડોદરાથી આવતા સાહિત્યકારો માટે ત્યાં જરૂર કાર્યક્રમો યોજાય. ખબર પડતા ત્યાં હું હાજર થઈ જાઉં. એ જ હોલમાં એ વખતના ગુજરાતી સાહિત્યના કેટલાં બધાં ધુરંધર કવિઓ, લેખકોને મેં જોયા સાંભળ્યા છે. સુરેશ દલાલ, સુરેશ જોષી, ગુલાબદાસ બ્રોકર, સુંદરજી બેટાઈ, મનસુખલાલ ઝવેરી–આમ કંઈકને મેં મુંબઈમાં પહેલી વાર જોયા. એક વાર કાલાઘોડા પાસે આવેલા વિશાળ કાવસજી જહાંગીર હોલમાં પ્રવૃત્તિ સંઘના આશ્રયે એક મોટું કવિ સંમેલન યોજાયું હતું. તેમાં કેટલા બધા કવિઓને એક સાથે એક જ મંચ ઉપર બેઠેલા જોયા! હું તો અધધધ થઈ ગયો. એ કવિ સમ્મેલનમાં સ્ટેજની જે વ્યવસ્થા હતી તે એ દિવસના પ્રમુખ ચંદ્રવદન મહેતાને નહીં ગમી. સંઘના આયાજ્કોને ગમે કે ન ગમે, પણ ધરાર એ બદલાવીને જ રહ્યા! ત્યાં મનસુખલાલ ઝવેરીએ પોતાના વનપ્રવેશનું કાવ્ય ‘પચાસમે’ રિસાઈટ કર્યું હતું તે યાદ છે.

એ જમાનાના પ્રસિદ્ધ મૅગેઝિન સેટરડે રીવ્યુના તંત્રી નોર્મન કજીન્સ એક વાર મુંબઈ આવ્યા ત્યારે હું એમને જોવા સાંભળવા દોડી ગયો હતો. આવા કોઈ અગ્રગણ્ય અમેરિકન સાહિત્યકાર તંત્રી સાથે શેક હેન્ડ કરવા મળે તે મારે મન મોટી વાત હતી. એમને જોઈને હું તો આભો જ બની ગયો. ડવાઈટ મેકડોનલ્ડે ક્જીન્સ અને સેટરડે રીવ્યુને ‘મિડલ બ્રો’ ગણીને ઝાટકણી કાઢતો જે આકરો લેખ લખ્યો હતો તે વાંચવાને હજી દસેક વરસની વાર હતી, એટલે ત્યારે તો ક્જીન્સને જોવા સાંભળવા મળ્યું એને જ મારું સદ્ભાગ્ય સમજતો હતો.

૧૯૬૧માં રવીન્દ્રનાથ ટાગોરની જન્મ શતાબ્દી મુંબઈમાં ઉજવાઈ હતી. ત્યારે દેશવિદેશથી ઘણા સાહિત્યકારો આવેલા. તેમાં સમર્થ ઇટાલિયન નવલકથાકાર આલ્બર્ટો મોરાવિયાને જોયેલા. એમની નવલકથા ધ વુમન ઓફ રોમ નો અનુવાદ સ્ત્રી નામે થયેલો તે મેં દેશની લાઇબ્રેરીમાં વાંચેલો. એ પ્રસંગે અમદાવાદથી ઉમાશંકર જોશી આવેલા. મને થયું કે એમને તો મળવું જ જોઈએ. મારે એમને કહેવું હતું કે એમની કવિતા ‘બળતાં પાણી’ મને ખૂબ ગમી ગયેલી. એમનું પ્રવચન પત્યે એ જ્યારે મંચ ઉપરથી નીચે ઊતર્યા એટલે આપણે તો ત્યાં પહોંચી ગયા. એમણે સહજ જ મારે ખભે હાથ મૂકીને પૂછ્યું, “શું નામ તમારું?” હું કંઈ જવાબ આપું તેટલામાં તો ગુલાબદાસ બ્રોકરે એમનો કબજો લીધો. મારે જે ‘બળતાં પાણી’ની વાત કરવાની હતી તે તો રહી જ ગઈ. એ વાત છેવટે બે દાયકે ઉમાશંકર જોશી અમેરિકા આવ્યા ત્યારે જરૂર કરી. પણ મુંબઈમાં એમણે મારે ખભે જે હાથ મૂક્યો હતો તે એકાદ બે ક્ષણો મારે માટે અદ્ભુત હતી!

એ જમાનામાં સાહિત્યિક ક્ષેત્રે ઉમાશંકરની બોલબાલા હતી. કવિ, નાટકકાર અને વાર્તાકાર તરીકેની એમની પ્રતિષ્ઠા તો હતી જ, પણ વિવેચક તરીકે પણ એમનો પડતો બોલ ઝીલાય. ભલભલા એમની પાસે પ્રસ્તાવના મળશે એ લોભે પુસ્તક પ્રગટ કરવાની વરસ બે વરસ રાહ જુએ. એમના મૅગેઝિન સંસ્કૃતિમાં પોતાની કવિતા, લેખ કે વાર્તા છપાય એ કોઈ પણ ગુજરાતી સર્જક માટે ‘Good-Housekeeping Seal of Approval’ હતો. એમાં ગુજરાતી સાહિત્ય વિષયક વિધવિધ ચર્ચા કે વાદવિવાદ પ્રગટ થતાં. કવિ વિવેચકો તેમાં ઉત્સાહથી ભાગ લેતાં. જેવું સંસ્કૃતિ આવ્યું કે રાતોરાત હું એ વાંચી લેતો, ખાસ કરીને તંત્રી લેખ. કેરળમાં જ્યારે સામ્યવાદી સરકાર આવી ત્યારે ઉમાશંકર જોશીનો તંત્રીલેખ, ‘કેરળે કેમ આગ સાથે રમત આદરી?’ એ તો હજી યાદ છે. કહેવાય છે કે એ જમાનામાં પણ સંસ્કૃતિના સબસ્ક્રાઇબર્સની સંખ્યા વધી વધીને સાતસો સુધી પહોંચી હતી, અને પછી તો ઘટીને બસો જેટલી થઈ ગયેલી! એ વખતની ચારેક કરોડની વસ્તીવાળી ગુજરાતી પ્રજામાં આવા ઉત્તમ સામયિકની હજારથી પણ વધુ કોપી ન વેચાય એમાં હું આપણી સાહિત્યિક અને સાંસ્કારિક દરિદ્રતા જોઉં છું.

હું મારા બૌદ્ધિક વિકાસની વાત કરું તો નિઃશંક કહી શકું કે આ ‘લિટલ’ મૅગેઝિનની મારી પર જે અસર પડી છે તેવી કોઈ પણ લાખોની સંખ્યામાં વેચાતાં મૅગેઝિનની નથી પડી. આજે અડધી સદી પછી પણ સંસ્કૃતિના કેટલા બધા લેખો મને હજી યાદ છે! ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાનો યશવંત દોશીએ લખેલો આકરો વિવેચન લેખ અને પછી જયંતિ દલાલે લખેલો પ્રત્યુત્તર, વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ લખેલો ‘સુન્દરમ્’ના કાવ્યસંગ્રહ યાત્રાનો વિવેચન લેખ અને તે વિશે ખુદ ઉમાશંકર જોશીનો પોતાનો જ આધુનિક કવિતામાં શ્રદ્ધાના અભાવ વિશેનો સણસણતો જવાબ, વિનાયક પુરોહિતનો સુરેશ જોષીના પ્રથમ વાર્તાસંગ્રહ ગૃહપ્રવેશનાં છોતરાં ફાડી નાખતો વિવેચનલેખ, ‘આમ ગૃહપ્રવેશ ન થાય,’ ક્રિશ્ચિયન મિશનરીઓની ધર્માન્તર પ્રવૃત્તિઓ વિશેનો સ્વામી આનંદનો લાંબો લેખ, વાડીલાલ ડગલીનો પંચવર્ષીય યોજનાના વધુ પડતા મિલિટરી સ્પેન્ડિંગ વિશેનો, ‘ગણવેશની આરતી,’વાળો લેખ, હરિશ્ચન્દ્ર ભટ્ટ ઉપરના ઉમાશંકર જોશીના પોતાના બે લેખો, જે પાછળથી હરિશ્ચન્દ્ર ભટ્ટના મરણોત્તર કાવ્યસંગ્રહ સ્વપ્નપ્રયાણમાં સમાવાયેલા—આવા આવા કંઈક લેખો આજે પણ હું સહજ જ યાદ કરી શકું. એ દિવસોમાં તો આ બધા લેખો રસથી વાંચતો અને વિચારતો. થતું કે આવી ચર્ચામાં હું ક્યારે ભાગ લઈશ?

જેવું સંસ્કૃતિનું તેવું જ સુરેશ જોષીના સામયિક ક્ષિતિજનું. એમનો મનુભાઈ પંચોલી ‘દર્શક’ની ખૂબ લોકપ્રિય બનેલી નવલકથા ઝેર તો પીધાં છે જાણી જાણીનો આકરો રિવ્યૂ જ્યારે આવ્યો ત્યારે ગુજરાતી સાહિત્યજગતમાં ખળભળાટ મચી ગયેલો. ભોગીલાલ ગાંધીના માસિક વિશ્વમાનવમાં સુરેશ જોષીના ગુજરાતી કાવ્યોના આસ્વાદ કરાવતા જે લેખો આવતા એની હું આતુરતાથી રાહ જોતો. એ જ અરસામાં ઉમાશંકર જોશી ઠક્કર વસનજી માધવજી વ્યાખાનમાળામાં પ્રવચનો આપવા આવ્યા હતા. મુંબઈ યુનિવર્સિટીના મોટા કોન્વોકેશન હોલમાં એ પ્રવચનો યોજાયાં હતાં. આખો હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો. એમને સાંભળીને થયું કે જિંદગીમાં જો કંઈ થવું તો કવિ જ થવું, બાકી બધું નકામું! ઉમાશંકર જોશીએ એમના પ્રવચનમાં પ્રખ્યાત વિવેચક મોરીસ બાવરાની વાત કરી હતી એટલું જ અત્યારે યાદ છે.

એ જ હોલમાં ‘ઍક્સપૅરિમેન્ટ ઇન ઇન્ટરનેશલન લીવીંગ’ના આશ્રયે અમેરિકાથી આવેલા. યુવકયુવતીઓના ગ્રુપને હાથમાં હાથ મિલાવી હસતા, ગાતા અને નાચતા જોઈને થયું કે હું અમેરિકા કયારે જાઉં ને આમ ગાઉ અને નાચું! મારે તો ખાસ એ છોકરીઓ પાસે જઈને વાતો કરવી હતી અને એમનાં સરનામાં લઈને પત્રવ્યવહાર કરવો હતો. પણ એ કાર્યક્રમ પૂરો થતા જ મુંબઈના ફટ ફટ અંગ્રેજી ફાડતા છોકરાઓ એમને ઘેરી વળ્યા. એમાં મારા જેવા વાયા વિરમગામવાળાનો નંબર ક્યાંથી લાગે?

ચોપાટી ઉપર આવેલા ભારતીય વિદ્યાભવનના ગીતા મંદિર હોલમાં સુરેશ જોષીને એમની સંસ્કૃતમય પ્રવાહી ભાષામાં ભાષણ કરતા સાંભળતા હું આફરીન થઈ ગયો હતો. કાલિદાસની પ્રખ્યાત પંક્તિ, ‘શૈલાધિરાજ તનયા ન યયૌ ન તસ્થૌ,’ ટાંકીને એના સંદર્ભમાં કવિતાની જે વ્યાખ્યા અને કવિકર્મ સમજાવેલ એ હજી મારા કાનમાં ગુંજે છે. ભારતીય વિદ્યાભવનના સ્થાપક કનૈયાલાલ મુનશીને પણ અહીં જ જોવાનું બન્યું હતું. એમની નવલકથાઓ અને ખાસ કરીને એમની આત્મકથા વાંચીને હું બહુ જ પ્રભાવિત થઈ હતો. થયું કે આ મહાન પુરુષ માત્ર સાહિત્યકાર નથી, પણ દેશનું બંધારણ રચવામાં અગત્યનું કામ કરનાર કુશળ ધારાશાસ્ત્રી છે. ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રણેતા તો ખરા જ પણ સાથે સાથે એક સાંસ્કૃતિક પુરુષ પણ છે. ઊંચાઈ ઓછી, ગોરો વાન, ધોળા બગલા જેવી કફની અને ધોતિયું, માથે ટાલ ઢાંકતી ગાંધી ટોપી! આવા અનેકવિધ ક્ષેત્રે મોટું પ્રદાન કરનાર મુનશીને હું સદેહે જોતો હતો તે મારાથી મનાતું નહોતું.

ગીતામંદિરમાં જ મેં મનુભાઈ પંચોળી ‘દર્શક’ને પહેલી વાર જોયા અને સાંભળ્યા. ઈસ્ત્રી વગરની ખાદીની કફની અને ધોતિયું. આવા સાવ સાદા લેબાસમાં એમને જોઈને હું પ્રભાવિત થયો હતો. એમની પ્રસિદ્ધ નવલકથા ઝેર તો પીધાં છે જાણી જાણી નાં પાત્રો સત્યકામ અને અચ્યુતના ઇંગ્લૅન્ડ અને યુરોપનાં પરાક્રમો વિશે વાંચીને પરદેશ જવાનાં સપનાં સેવ્યાં હતાં તે મારે તેમને કહેવું હતું, પણ સંકોચને કારણે બધા લોકોની વચ્ચે ન કહી શક્યો. પછી એ વાત ઠેઠ ઓગણીસો એંશીના દાયકામાં થઈ. અમેરિકાની ગુજરાતી લિટરરી અકાદમીનું તેમને અમેરિકા આવવાનું આમંત્રણ આપવા જ્યારે દેશમાં ગયો હતો ત્યારે એ વાત એમને કરી હતી.

આવી સભાઓ ચર્ચગેટ ઉપર આવેલા ચેમ્બર ઑફ કૉમર્સના હોલમાં પણ ભરાતી. એકાંકીઓની હરીફાઈમાં જીતેલાઓનું સન્માન કરવા માટે એક સમારંભ ત્યાં યોજાયો હતો. ન ભૂલતો હોઉં તો કલકત્તાથી આવેલી ટીમને એમાં પહેલું ઇનામ મળ્યું હતું. ગગનવિહારી મહેતા એ સમારંભના પ્રમુખ  હતા. ગોરો વાન, મીડીયમ હાઈટ, સુરવાલ, અચકન અને માથે ઝાંખી પીળી ટોપી અને ટટ્ટાર શરીર. એમની ટોપી ગાંધી ટોપી જેવી ધોળી કેમ નથી એ પઝલ વર્ષો પછી વાડીલાલ ડગલીના એમને વિશેના લેખ પરથી પડી. “ધોળી નહીં પણ ઝાંખી પીળી ટોપી—પોતાની આંતરિક સ્વતંત્રતા જાળવવા માટે કદાચ” હોય.20 વર્ષોના વિદેશ વસવાટ પછી પણ એમને સરળ અને શુદ્ધ ગુજરાતીમાં પ્રવચન કરતા જોઈ મને આશ્ચર્ય થયેલું. ૧૯૫૨-૧૯૫૮ દરમિયાન એ અમેરિકા ખાતે દેશના એલચી હતા. અને અમેરિકામાં એમની કામગીરી માટે ખૂબ વખણાયા હતા. દેશમાં આવ્યા પછી આઈસીઆઈસીઆઈ કોર્પોરેશનના ચેરમેન હતા. ફરી એક વાર એમને ટાટાના બોમ્બે હોલમાં જોયા હતા. કોઈ વિદેશી મહાનુભાવની ત્યાં મીટિંગ હતી. આવી બધી મીટિંગ પત્યા પછી હું ત્યાં ઊભો રહેતો અને આવા મહાનુભાવોને આભો બનીને જોઈ રહેતો.

ભારતીય વિદ્યાભવનના ભવ્ય સભાગૃહમાં એ સમયે દેશના એકીકરણ ઉપર એક પરિસંવાદ યોજાયો હતો. આપણે તો તરત પહોંચી ગયા. એમાં કનૈયાલાલ મુનશી બોલવાના હતા. તે કંઈ છોડાય? ત્યાં એ જ સભામાં રાજાજી અને સી પી રામસ્વામી અય્યારને સાંભળેલા એવું યાદ છે. ભારતીય વિદ્યાભવનની રજત જયંતિ પણ મુંબઈમાં ત્યારે ઉજવાઈ હતી. એમાં રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણ આવ્યા હતા. એ ભવ્ય મેળાવડામાં હું હોંશે હોંશે ગયો હતો. એમને બહુ દૂરથી જોયા. પ્રવાહી અંગ્રેજીમાં બોલે, વચ્ચે વચ્ચે સંસ્કૃતના શ્લોકો ટાંકે અને એનું રનીંગ ટ્રાન્સલેશન કરતા જાય. એમની બોલવાની શી છટા! મારા ઉપર એની ખૂબ અસર પડેલી. હું એવો તો અંજાયો કે એમની એ હિંદુ વ્યૂ ઑફ લાઈફ નામની ચોપડી મેં ફૂટપાથ પર ચોપડીઓ પાથરીને બેઠેલા ફેરિયા પાસેથી બીજે જ દિવસે ખરીદી. એમાં બહુ કાંઈ ખબર ન પડી, પણ મારું અંગ્રેજી સુધરે એ માટે એમાંથી ફકરાઓ ગોખવાના શરૂ કર્યા.

એવું જ વિશાળ રાજકીય જગત

જેવું કવિ લેખકોનું એવું જ અગ્રણી રાજકર્તાઓનું. ખબર પડી કે દેશ પરદેશથી કોઈ અગત્યનું માણસ આવ્યું છે, તો હું પહોંચી જતો. ટાઈમ્સમાંથી ખબર પડી કે કેરાલાના સામ્યવાદી મુખ્ય પ્રધાન નામ્બુદ્રીપાદની એક સભા યોજાઈ છે. ગયો. કોઈક પત્રકારને એમની સાથે દલીલબાજી કરતો જોઈ મને આશ્ચર્ય થયું હતું. આવા મોટા માણસ સાથે આવી રીતે વાત થાય? એક વાર કૃષ્ણમેનન યુનોમાં કે એમ ક્યાંક અમેરિકા જતા હતા. આગલે દિવસે એમની મુંબઈમાં સભા થઈ. પત્રકારોએ પ્રશ્નોની ઝડી વરસાવી તે એમને નહીં ગમી. એમણે એ બધાના ઊધડા લીધા તે જોવાની મજા પડેલી. એવી જ રીતે ટાટા કંપનીના બોમ્બે હાઉસના નાના હોલમાં મોરારજી દેસાઈને બહુ નજીકથી જોઈ સાંભળીને આશ્ચર્ય થયેલું. ઊંચા, ટટ્ટાર, અને ગોરા, જાણે કે હજી હમણાં જ નાહી ધોઈને તૈયાર થયા હોય એવા લાગ્યા. મુંબઈની એ ગરમીથી જ્યારે અમે બધા પરસેવાથી રેબઝેબ હતા ત્યારે આ માણસ આટલો ફ્રેશ કેમ છે?

એ વરસોમાં જુસ્સેદાર સમાજવાદી નેતા અને યુનિયન લીડર જ્યોર્જ ફર્નાન્ડીસે રેલવેના કર્મચારીઓની હડતાલ પાડેલી. પૉલીસ એને પકડવા બહુ મથતી હતી પણ એ મળે તો ને? દાદરના સ્ટેશને હું ગાડીની રાહ જોતા ઊભો હતો. ત્યાં એક માણસ પ્લેટફોર્મ પરથી કૂદકો મારી પાટા ઓળંગી સામેના પ્લેટફોર્મ ઉપર દોડીને જતો હતો, પૉલીસ એની બરાબર પાછળ હતી. મેં ત્યાં કોકને પૂછ્યું કોણ છે? જવાબ મળ્યો : ‘ફર્નાન્ડીસ!’ વર્ષો પછી એ જ જ્યોર્જ ફર્નાન્ડીસ દેશના ડિફેન્સ મિનિસ્ટર થયા! સમાજવાદી પક્ષની સ્થાપનાની રજત જયંતિ મુંબઈના દાદર પરામાં ઉજવાઈ હતી. ત્યાં મેં અશોક મહેતા, જયપ્રકાશ નારાયણ વગેરે સમાજવાદી નેતાઓને જોયા, સાંભળ્યા. તે વખતે સમાજવાદી પક્ષના એક આદ્ય સ્થાપક યુસુફ મહેરઅલીને યાદ કરીને જયપ્રકાશ રડી પડ્યા હતા એ હજી યાદ છે.

અશોક મહેતાને એ જ સમયે શિવાજી પાર્કના મેદાનમાં ઉર્દૂની છાંટવાળી હિન્દીમાં જોરદાર ભાષણ કરતા સાંભળ્યા હતા. એ કન્વેન્શનમાં એમને સિગરેટના ઠુંઠાને બૂટથી ઓલવી નાખતા જોયા એ હજી પણ યાદ રહી ગયું છે! એ જમાનામાં કોઈ મોટા માણસને સ્મોકિંગ કરતા જોતો ત્યારે જરૂર આશ્ચર્ય થતું. બીડી કે સિગરેટ ફૂંકવી એમાં કોઈ ચારિત્ર્યની ખામી હોય એવું નાનપણથી જ મારા મનમાં ચોખલિયા ગાંધીવાદીઓએ ઠાંસી ઠાંસીને ભરી દીધેલું. એક વાર જાણીતા કવિ મનસુખલાલ ઝવેરીને પ્રવચન હોલની બહાર નીકળતા જ સિગરેટ સળગાવતા જોતાં મને થયું કે આવું સુંદર રસવાહી પ્રવચન આપનાર માણસ સિગરેટ ફૂંકે છે?! જેવું સ્મોકિંગનું તેવું જ દારૂનું. એમના શિષ્ય અને જાણીતા કવિ અને સંચાલક સુરેશ દલાલ તો જેમ ચેન સ્મોકર હતા તેમ ડ્રિક્ન્સ પણ લેતા. જો કે એ પોતાનો દારૂ જાળવી રાખતા. વર્ષો પછી એમના મિત્ર થવાનો લ્હાવો મળ્યો ત્યારે હું એમને વારંવાર સ્મોકિંગ છોડવા કહેતો, પણ એ જો એમના પત્ની સુશીબહેનનું ન માને તો, મારું શું ગજું? સિગરેટ અને ડ્રિંક્સ જાણે કે એમની ખાસિયતની વસ્તુઓ થઈ ગઈ હતી. મારો બીજો કાવ્યસંગ્રહ, ઇન્ડિયા ઇન્ડિયા એમને અર્પણ કરતા લખેલું:

શરાબ, સિગરેટ, કેફ વધુ કાવ્યનો માણતા;
સદાય જલસો કરો, બધું પ્રમાણતા, જાણતા.

મુંબઈની ગે લોર્ડ હોટેલમાં એક વાર અમેરિકાના ઍમ્બેસડર જ્હોન કેનેથ ગાલ્બ્રેથ આવવાના હતા એવું સાંભળ્યું એટલે આપણે તો ત્યાં જઈને અડ્ડો જમાવ્યો. અંદર જવા તો ન મળ્યું પણ ત્યાં બહાર ઊભા રહીને ગાડીમાંથી ઊતરીને અંદર જતા ગાલ્બ્રેથને જરૂર જોયા. એમની આજુબાજુના ઠીંગણા દેખાતા દેશી યજમાનોની સરખામણીમાં તેમની ઊંચાઈ માનવી મુશ્કેલ હતી. ગે લોર્ડની અંદર જતા પહેલાં કોઈ પણ સંકોચ વગર એમણે ખિસ્સામાંથી દાંતિયો કાઢીને વાળ ઓળ્યા. એ જ ગે લોર્ડમાં કૅનેડીની હત્યા થઈ ત્યારે શોકસભા થઈ હતી, તેમાં મને મુંબઈના કેટલા બધા ખ્યાતનામ લોકો જોવા મળેલા! મને થયું હતું કે હું કેટલો ભાગ્યશાળી માણસ છું કે મને મુંબઈ રહેવાનું મળ્યું છે!

૧૯૬૨માં લોકસભાની મુંબઈની સીટ માટે એ સમયે આચાર્ય કૃપલાની અને કૃષ્ણ મેનનની વચ્ચે “બેઉ બળિયા બાથે વળિયા,” એવો મોટો ચૂંટણીજંગ લડાયો હતો. વિવિધ વિષયો ઉપર એ શું વિચારે છે એ જાણવા માટે મેં એમને મળવા વિનંતી કરી. બંનેએ મને આવીને મળી જવા કહ્યું! હું તો માની જ ન શક્યો કે આવા મહાન નેતાઓ મારા જેવા સાવ સામાન્ય છોકરાને આમ તરત મળવા બોલાવશે! એ બંનેને મારા મિત્ર કનુભાઈ દોશી સાથે જઈને મળી આવ્યો! એક વાર ગુજરાતના પ્રસિદ્ધ પ્રવાસલેખક અને ગાંધીજીના અંતેવાસી કાકાસાહેબ કાલેલકરની એક સભા મણીભવનમાં યોજાઈ હતી. તેમાં મેં એમને દેશની ગરીબી અને બેકારીના સળગતા સવાલો કેમ ઉકેલવા એ માટે પ્રશ્ન પૂછેલો. દેશની એ સમસ્યાનો ઉકેલ કરવા માટે મને કાકાસાહેબની વાતો સાવ વાહિયાત લાગી. પરંતુ તે દરમિયાન પ્લાનિંગ કમિશનના અગ્રગણ્ય સ્ટેટીટિશિયન મહાલોનોબીસ મુંબઈમાં આવેલા, ત્યારે એમણે દેશના આર્થિક વિકાસ વિશે જે વાતો કરી હતી તે બરાબર ગળે ઊતરી ગઈ હતી.

આવા સાહિત્યિક, સાંસ્કૃતિક અને રાજકીય પ્રવૃત્તિથી ધમધમતા મુંબઈથી થોડાં જ વરસોમાં હું થાકી જઈશ અને તેને છોડવા તૈયાર થઈ જઈશ તેની તો કલ્પના પણ ત્યારે કરવી મુશ્કેલ હતી. મુંબઈ આવવાનું મારું મિશન—અલબત્ત કાકાનું મિશન—એ હતું કે હું જલદી જલદી સેટલ થઈ જાઉં અને દેશમાંથી ભાઈબહેનોને બોલાવું. પણ મુંબઈમાં સેટલ થવા જતાં મને જે અસહ્ય હાડમારીઓ સહન કરવી પડી હતી, ખાસ કરીને નોકરી અને ઓરડી શોધવાના ભયંકર ત્રાસથી હું એવાે તો તોબા પોકારી ગયો હતો કે મેં મુંબઈ છોડવાનું નક્કી કર્યું અને ભોપાલમાં નોકરી પણ લઈ લીધી હતી, અને મુંબઈ છોડવા તૈયાર થઈ ગયો હતો!

બહેનના ઘરે

સાવરકુંડલા સ્ટેશને મને વળાવતા કાકાએ કહ્યું હતું કે બહેનને ત્યાં જજે. બહેન બનેવીનો મુંબઈમાં ગિરગામના પારસી વિસ્તારમાં મોટો ફ્લૅટ હતો. માન ન માન, હમ તેરે મહેમાન એ ન્યાયે હું તો બહેનને ત્યાં આવી પડ્યો. બહેન બનેવીનું સંયુક્ત કુટુંબ. એમની પાંચ દીકરીઓ, બે દિયર, એક દેરાણી, સાસુ અને નણંદ બધા સાથે રહેતા. એ ફ્લૅટમાં આગળના રૂમ સિવાય બીજે બધે ઠેકાણે ધોળે દિવસે પણ લાઈટ ચાલુ રાખવી પડે એટલું અંધારું. ભલે બધા સાથે રહે, પણ જાણે કે કોઈ એક બીજાને ઓળખતા નથી એમ જ. ભાઈઓ એકબીજા સાથે ભાગ્યે જ બોલે, વેર ઝેર એવું નહીં, પણ કોઈ વાતચીત જ ન કરે. ખાલી સાસુ જ બોલ બોલ કર્યા કરે. ઘરમાં સૌ પોતપોતાનું કામ મૂંગા મૂંગા કર્યા કરે. રેડિયો અને દીકરીઓના કિલકિલાટ અને સાસુની કચકચ સિવાય બીજું કશું સંભળાય નહીં.

બહેનને ઉપરા ઉપર પાંચ દીકરીઓ થઈ એમાં છેલ્લી બે તો જોડકી હતી. બહેનને જોઈતો હતો દીકરો અને જન્મતી હતી દીકરીઓ. છેલ્લી બે છોકરીઓ જન્મ્યા પછી તો બહેન બહુ ડિપ્રેસ થઈ ગઈ હતી. કોઈ એમને મળવા જાય તો તુરત રોવા માંડે. છેવટે એમને એક છોકરો થયો ખરો, પણ બહેનનું ડીપ્રેશન ચાલુ જ રહ્યું, જે વધીને પેરેનોયા થયો. જેને કારણે આઘાતજનક પરિસ્થિતિમાં એમનું દુઃખદ મૃત્યુ થયું. આવા ઉલ્લાસ અને આનંદ વગરના ઘરમાં વળી મારો વધારો થયો. જતાં વેંત જ મને થયું કે હું અહીં ક્યાં આવ્યો? આ ઘરમાંથી નીકળવું જોઈએ, પણ જવું ક્યાં?

એમની બાજુના જ ફ્લૅટમાં એક ભલી પારસી વિધવા બાઈ રહેતી. એનું નામ બાનુબહેન. એ મને એના ફ્લૅટમાં લઈ જાય. કંઈ ને કંઈ ખાવાનું આપે જ. હંમેશ વેલ ડ્રેસ્ડ હોય. ઘરમાં પણ શુઝ પહેરેલા હોય. મોઢા પર પાવડરના થથેરા હોય. એ પાવડરની તીવ્ર ગંધ હજી સુધી નાકમાં રહી ગઈ છે. એમને ખબર પડી કે હું નવોસવો દેશમાંથી આવ્યો છું તો મને સલાહસૂચના, શિખામણ આપે. મુંબઈના વાતાવરણથી ગભરાવું નહીં એમ કહે. થોડા સમયમાં “ટને બધું સમજાઈ જશે.” શાળાનાં પાઠ્યપુસ્તકોમાં ફિરોઝશાહ મહેતા અને જમશેદજી ટાટા વિશે વાંચ્યું હતું, પણ પારસીઓનો આ મારો પહેલો અનુભવ. પ્રજા તરીકેની એમની સાલસતાની મારા પર બહુ સરસ છાપ પડી. વરસો પછી અમેરિકામાં પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં હું ભણાવતો હતો ત્યાં સાયરસ મહેતા કરીને મારો એક પારસી કલીગ હતો. એ પણ ખૂબ સાલસ અને ખાનદાન માણસ હતો. અમારી બન્નેની મૈત્રી જામી હતી.

નોકરી મળી, પણ પગાર વગરની!

દેશમાં કામધંધા ભાંગી પડ્યા હતા. જોબ્સ હતા જ નહીં. કાકાને એમ કે હું મુંબઈ જઈને જલદી જલદી નોકરી લઈશ. કોઈ ધંધાની લાઈન પકડીશ. સ્વતંત્ર ધંધો શરૂ કરીશ, અને તેમનો બોજો ઉપાડી લઈશ. અમારા સગામાંથી જ મુંબઈ જઈને સફળ થયેલ કેટલાક લોકોના દાખલા હતા. એમાં મુખ્ય અમૃતલાલનો. એ કાકાના મોટા ભાઈના (જેને અમે બાપુજી કહેતા) મોટા દીકરા. મુંબઈની હમામ સ્ટ્રીટમાં એમની મોટી ઑફિસ. અમારા બધા માટે અમૃતલાલ મોડેલ. બહુ ઝાઝું ભણેલ નહીં. હાઇસ્કૂલ માંડ માંડ પૂરી કરી હતી. પણ મુંબઈમાં ધીકતો ધંધો કરે. ખૂબ કમાય. સાયનમાં મોટો ફ્લૅટ લીધો. દેશમાંથી બાપુજીના આખા કુટુંબને મુંબઈ બોલાવી લીધું. બહેનોને એક પછી એક પરણાવી દીધી. ભાઈઓને કામે લગાડી દીધા.

એવો જ બીજો દાખલો મારા બનેવીનો. એ પણ દેશમાંથી માત્ર હાઈસ્કૂલ પૂરી કરીને મુંબઈ આવ્યા હતા. મૂળજી જેઠા મારકેટમાં નોકરી કરતા કરતા એમણે કાપડની દલાલી શરૂ કરી. દલાલીની લાઈન બરાબર પકડી. જામી ગયા. એમણે પણ દેશમાંથી પોતાનું કુટુંબ બોલાવ્યું અને ભાઈઓનો ભાર ઉપાડી લીધો. બહેનને પરણાવી. મારા ફઈના દીકરા રતિભાઈ પણ આ જ રીતે મુંબઈમાં સ્થાયી થયા હતા. એમનાં માબાપ નાનપણમાં જ ગુજરી ગયાં હતાં. એ એમના મોસાળમાં, એટલે કે અમારે ત્યાં દેશમાં ઉછર્યા હતા. બા કાકાએ એમની સંભાળ લીધી હતી. બધાની જેમ રતિભાઈ પણ હાઈસ્કુલ પૂરી કરી મુંબઈ આવ્યા હતા. તફાવત એટલો કે એ નોકરી કરતાં કરતાં આગળ ભણ્યા. કૉલેજમાં જઈને બી. કોમ કર્યું. સારી લાઈન પકડીને ધંધો શરૂ કર્યો. સફળ થયા. પૈસા બનાવ્યા.

મારી સામે, બલકે કાકાની સામે આવા દાખલાઓ હતા. મને મુંબઈ મોકલીને રાહ જોઈને બેઠા હતા કે ક્યારે હું મુંબઈમાં સ્થાયી થાઉં અને દેશમાંથી ભાઈબહેનોને બોલાવું. હું મુંબઈ આવ્યો ત્યારે મારી ઉંમર સત્તર વરસની. કશી ગતાગમ નહીં. છાપાં મૅગેઝિન અને બૉલીવુડની મૂવીઓમાં જે મુંબઈ જોયેલું એ જ. મુંબઈમાં નોકરી ગોતવાની વાત તો બાજુ રહી, પણ એના રસ્તાઓ, બસ, ટૅક્સી, ટ્રામ, ટ્રૈનમાં કેમ આવવું જવું તેનું પણ મને ભાન નહોતું. પણ ભલા બહેનબનેવીએ મારી સંભાળ લીધી. બનેવી મને દૂરના એક માસા પાસે લઈ ગયા. એ મૂળજી જેઠા મારકેટની એક પેઢીમાં ગુમાસ્તા હતા. માસાને કહે કે તમારી પેઢીમાં નટુને હમણાં બેસાડો. માસા કહે, આવીને ભલે બેસે અને કામકાજ શીખે. પણ હમણાં એને પગાર બગાર નહિ આપીએ. બનેવી કહે, વાંધો નહીં. પગારની જરૂર નથી. બસ, તમારા હાથ નીચે કેળવજો અને કામકાજ શીખવજો. ભલું થાજો એ માસાનું કે આમ એમને કારણે મને નોકરી મળી. આ મારી પહેલી નોકરી, જોકે પગાર વગરની.

મૂળજી જેઠા મારકેટ

મૂળજી જેઠા મારકેટની દુનિયા જ જુદી હતી. એની હાયરારકીમાં સૌથી ઉપર શેઠ. તે ઉપર બેઠા બેઠા બધા પર રાજ કરે. એની નીચે મહેતાજીઓ. પછી ગુમાસ્તાઓ, એની નીચે ઘાટીઓ. હું તો સાવ નવોસવો એટલે ઘાટીઓથી પણ નીચે. મારે તો બધું એકડે એકથી શીખવાનું હતું. પહેલાં તો મારે મારકેટની ભૂગોળ શીખવાની હતી. અસંખ્ય ગલીઓ, અનેક ચોક, આજુબાજુની શેરીઓ, ચાનાસ્તાની દુકાનો, ખમતીધર શેઠિયાઓની ખ્યાતનામ પેઢીઓ, મિલોના એજન્ટની પેઢીઓ, મોટી મોટી બૅંકો—આ બધું ક્યાં છે એ શીખવાનું હતું. આ બધી જગ્યાએ જલદી કેમ જવાય તે ઘાટીઓ બરાબર જાણે. એ તો હાથગાડીઓમાં માલ ભરીને લોકોનાં ટોળાં વચ્ચે રસ્તો કાઢતા ઝટપટ દોડે. હું જોતો રહું.

પહેલે દિવસે શેઠે મને પેઢીમાં જોયો. એ કાંઈ બોલે એ પહેલાં મોટા મહેતાજીએ કહ્યું કે છોકરો દેશમાંથી આવ્યો છે. થોડા દિવસ આપણી પેઢીમાં બેસશે, પછી એનો રસ્તો કાઢી લેશે. ગાંધી નામ છે. શેઠે મારી સામે જોયું. કાંઈ બોલ્યા નહીં. મને થયું કે મરી ગયા. પહેલે જ દિવસે રજા મળી કે શું? ત્યાં મોટા મહેતાજીનો હુકમ છૂટ્યો. જા, ચા લઈ આવ! પણ ક્યાં જવું ચા લેવા? પેઢીનો ઘાટી કહે ચાલ, તને બતાવું ક્યાંથી અને કેવી ચા લાવવાની. કહે, શેઠને માટે એક ઠેકાણેથી જ ચા લાવવાની, એ લોકોને ખબર છે કે શેઠને ફુદીનો અને આદુમસાલાવાળી જ ચા ભાવે છે. પાછા વળતાં શેઠ માટે પાન પણ લેતા આવવાનું. અને તે પણ અમુક જ પાનવાળા પાસેથી, કારણ કે એને ખબર છે કે શેઠને પાનમાં કેટલી તમાકુ ફાવે.

આમ પેઢીનો ઘાટી મારો ગુરુ બની ગયો. એણે મને એની પાંખમાં લીધો. કઈ બૅંકમાં હૂંડી છોડાવવા જવું, ક્યો કેશિયર આપણું કામ જલદી કરે, આ બધી એને ખબર. ઘાટી અને ગુમાસ્તાઓ સવારે પહેલાં આવે. સાફસૂફી કરે. ગાદીતકિયા ગોઠવે, પછી આવે મહેતાજી. શેઠ કરતાં મહેતાજીનો રૂઆબ મોટો. જેવા એ આવે એવા એમના હુકમ છૂટવા માંડે: ચા લઈ આવ. મિલની દુકાનમાં જઈને આજ જે માલ છોડાવવાનો છે તેનું ઇન્વોઇસ લઈ આવ. બૅંકમાં જઈને બૅલેન્સ ચેક કરી આવ, વગેરે વગેરે. અમને બધાંને ખબર કોને માટે કયો પ્રશ્ન પૂછાય છે, અને કોણે શું કરવાનું છે.

પછી મોડા મોડા શેઠ આવે. એ આવે એટલે પેઢીમાં થોડી વાર તો સોપો પડી જાય. થોડો સમય કોઈ કંઈ બોલે નહીં. શેઠ આજુબાજુ ઘૂરકીને જુએ. વાતાવરણ એકદમ તંગ હોય. એમને માટે ચા આવે. એકાદ બે ઘૂંટડા ભરે. પછી વાતાવરણ કંઈ હળવું થાય. મહેતાજી સાથે સવાલ જવાબ શરૂ થાય– આજે કઈ મિલનો માલ છોડાવવાનો છે, કેટલી હૂંડી ભરવાની છે, શેના સોદા કરવાના છે, ઉઘરાણી ક્યાં સુધી આવી, વગેરે. પછી દલાલોની અવરજવર શરૂ થાય. મિલના એજન્ટો, દૂર ગામોથી આવેલા કાપડના વેપારીઓ, ફંડફાળો ઉઘરાવતા નાતના કાર્યકર્તાઓ, ચાનાસ્તાના લોભે આવતા ખુશામતિયાઓ—આમ અનેક લોકોની આવજા થયા કરે. સોદાઓ થાય. લાખોની ઊથલપાથલ થાય. વચમાં વચમાં મહેતાજીના હુકમ છૂટ્યા કરે. ગુમાસ્તાઓ અને ઘાટીઓ દોડાદોડી કર્યા કરે.

ક્યારેક શેઠનો છોકરો એના કૉલેજિયન ફ્રેન્ડસ લઈને આવે. અમે બધા જ્યારે ચોળાયેલ લેંઘો-કફની અને ચંપલમાં આંટા મારતા હોઈએ ત્યારે એ રાણો સ્ટાર્ચ કરેલ કડક પેન્ટ શર્ટ અને પોલિશ કરેલ બુટમાં સજ્જ હોય. શેઠ કરતાં એનો રુઆબ મોટો. એ આવે કે એને માટે તુરત અમારે ચા અને નાસ્તાપાણીની વ્યવસ્થા કરવાની. ઘાટીએ મને સમજાવેલું કે એ રાજકુંવરને શું શું ભાવે. દોડીને એને માટે એનો ભાવતો નાસ્તો લઈ આવવાનો. ઘણી વાર તો એ અને એના મિત્રો નાસ્તો કરતા હોય ત્યારે અમારે મેટ્રો સિનેમામાં જઈને એમને માટે હોલીવુડની ફિલ્મની ટિકીટ લઈ આવવાની. એ લાડકાઓ લાઈનમાં થોડા ઊભા રહેવાના હતા?

આ બધામાં સાંજ કયારે પૂરી થાય એ ખબર ન પડે. મોડી સાંજે ટ્રામમાં બેસીને ઘરે આવું. એ વખતે મુંબઈમાં હજી ટ્રામો હતી, જોકે ઘોડાઓથી નહિ પણ ઈલેક્ટ્રિસિટીથી ચાલતી. લોકો જાનને જોખમે દોડતી ટ્રામે ઝડપથી ચડે ઊતરે. પછી તો જોયું કે પરાના લોકો એવી જ રીતે ચાલતી ઇલેક્ટ્રિક ટ્રેનમાં ચડતા ઊતરતા. એવું પણ સાંભળેલું કે બે ચાર હીરાઓ એવી બહાદુરી કરતા રોજ મરે છે.

જેમ જેમ હું મારકેટની દુનિયામાં ગોઠવાતો જતો હતો તેમ તેમ મને ખબર પડી કે કાકા શા માટે કહેતા હતા કે ભણવાની બહુ જરૂર નથી. જે પૈસા કમાય તે હુશિયાર અને બાકી બધા ઠોઠ, એ વાત મને મારકેટમાં સ્પષ્ટ દેખાઈ. અહીં પૈસા બનાવવા માટે બહુ ભણતરની જરૂર ન હતી. મોટા ભાગના શેઠિયા, મહેતાજી કે ગુમાસ્તા જેમના પરિચયમાં હું આવ્યો તેમાંથી ભાગ્યે જ કોઈ કૉલેજમાં ગયું હતું. ઘણાએ તો હાઇસ્કૂલ પણ પૂરી નહોતી કરી. જેવું તેવું વાંચતાં લખતાં આવડ્યું કે મારકેટમાં કામે લાગી ગયા હતા. કેટલાકે તો દલાલી શરૂ કરી દીધી હતી. મૂળમાં પૈસા બનાવાના છે એટલી એમને ખબર હતી.

મારકેટમાં અભણ ગુમાસ્તામાંથી કરોડપતિ થયા હોય એવા જે દાખલાઓ મારી સામે હતા તેમાં મામાની તોલે કોઈ ન આવે. મામા મારા નહીં, મારકેટના. બધા એમને માનથી મામા કહેતા. કહેવાય છે કે દોરી લોટો લઈને મુંબઈ આવ્યા હતા. વરસો પહેલાં ઘાટીના કામથી શરૂઆત કરી હતી, આજે કરોડપતિ. એવા સાદા કે કોઈ એમને ગુમાસ્તા જ માને. બીજા શેઠિયાઓની જેમ ક્યારેય મેં એમને બણગા ફૂંકતા જોયા નથી. ઊંચા, સફેદ પણ મેલી કફની અને ધોતિયું. ચકળવકળ થતી તેમની આંખમાંથી કશુંય છટકે નહીં. એમની પેઢીમાં વીસેક માણસો કામ કરતા હશે, અને ગોડાઉનમાં બીજા વીસેક, પણ મામાને બરાબર ખબર કે કોણ શું કરે છે. પેઢીમાં બેઠા બેઠા એમને ખબર હોય કે કઈ મિલનો કયો માલ ગોડાઉનમાં ક્યાં પડ્યો છે અને ક્યાં મોકલવાનો છે. અંશેઅંશ મારકેટના એ જીવ. મારકેટમાં અત્યારે શું થઈ રહ્યું છે તે એમને ખબર હોય. મારકેટની એકેએક ગલીમાં કોની પેઢી ક્યાં આવેલી છે, કઈ મિલનો માલ કોણ વેચે છે, એ એમની જાણમાં હોય. બીજા શેઠ લોકો મારકેટમાં બપોરના બારેક વાગે આવે, ત્યારે મામા તો ક્યારનાય આવી ગયા હોય. બહારગામ જ્યાં એમનો માલ જતો હોય તે વેપારીઓ સાથે ટેલિફોન પર સોદા કરવાનું શરૂ કરી દે. બપોર સુધી એ ચાલે. પછી મારકેટના વેપારીઓ સાથે એમની લેવડદેવડ શરૂ થાય. એમને જોઈને હું વિચાર કરતો કે હું આજે ભલે ઘાટી રહ્યો, પણ એક દિવસ મામાની જેમ જ કરોડપતિ થઈશ!

આવી જ વાત હતી એક દલાલ બેલડીની–ચંદન અને કુંદનની. બન્ને કાંઈ ભણેલા નહીં, પણ ભારે ખાપરાકોડિયા. ભલે મારકેટમાં દલાલી કાપડની કરે, પણ એમના હાથ બધે પહોંચેલા. રીયલ એસ્ટેટની પણ દલાલી કરે. કોઈ વસ્તુની તંગી હોય, ન મળતી હોય તો એમને પૂછો. એ ગમે ત્યાંથી પણ લઈ આવે. એ જમાનામાં કાર, ટેલિફોન, ફ્લૅટ, ફૉરેન ઍક્સચેન્જ વગેરેની ડીમાંડ જબરી, તંગી પણ મોટી. પૈસા હોય તોય લાંબી રાહ જોવી પડે. લાગવગ જોઈએ. મારકેટમાં બધાને ખબર કે ચંદન કુંદનને કહો ને તમારું કામ તરત થઈ જાય. એ બેલડી જ્યારે પેઢીમાં આવે ત્યારે એમનાં ખિસ્સાં દાણચોરીના માલથી ભરેલા હોય. અમારા શેઠ અને મોટા મહેતાજી માટે ઘડિયાળ, સોનાનું બિસ્કીટ, એવું કંઈ કંઈ મૂકતા જાય. શેઠની ખુશામત કરવામાં પાકા. એ વરસોમાં વિલે પાર્લેમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું સમ્મેલન ભરાયું હતું. જેવો હોલમાં દાખલ થતો હતો ત્યાં જ એ બેલડીને મેં જોઈ. આશ્ચર્ય થયું. એમની સાથે વાત કરતાં ખબર પડી કે મારકેટના એક મોટા શેઠિયા સ્વાગત સમિતિ કે બીજી કોઈ રીતે એમાં જોડાયેલા હતા. ચંદન અને કુંદન કામ કરવા હાજર થઈ ગયેલા. શેઠને ખુશ કરવાની આ તક એ કાંઈ થોડી જવા દેવાના હતાં?

હું કૉલેજિયન થયો

મને થયું કે હું પણ આ ચંદન અને કુંદનની જેમ જલદી જલદી દલાલીનું કામ શરૂ કરી દઉં, અને પૈસા કમાવવાના શરૂ કરી દઉં. ત્યાં મારા ફઈના દીકરા રતિભાઈ મને મળવા આવ્યા. એમણે મારા જીવનમાં બહુ મોટો ભાગ ભજવ્યો. અગાઉ જણાવ્યા મુજબ અમારા કુટુંબમાંથી દેશ છોડી નસીબ અજમાવવા મુંબઈ આવેલા ઘણા લોકોમાં રતિભાઈ અને બાપુજી (કાકાના મોટા ભાઈ)ના મોટા દીકરા અમૃતલાલભાઈ બન્નેએ ધંધો કરી બહુ પૈસા બનાવ્યા, મુંબઈમાં મોટા ફ્લૅટ લીધા, ગાડીઓ વસાવી, અને અમારા જેવા પૈસા બનાવવા માટે મુંબઈ જનારા લોકો માટે એ બન્ને મૉડેલ હતા. બન્ને હાઇટમાં ઊંચા, વાને ગોરા, મને લાગે છે કે એમનામાં બાપાના જીન્સ આવ્યા હશે.

પોતે અનાથ હતા ત્યારે મામા મામીએ (એટલે કે બા કાકાએ) એમની સંભાળ લીધી હતી તે રતિભાઈ કદી ભૂલ્યા નહીં. એમની એવી ઇચ્છા કે મામામામી માટે કંઈક કરી છૂટે. એમને ખબર પડી કે હું નોકરી કરવા મુંબઈ આવ્યો છું એટલે તરત જ એમણે મને એમની પાંખમાં લીધો. મને એમને ઘરે એક બે અઠવાડિયાં રહેવા આવવા કહ્યું. આમેય તે હું બહેનના ઘરમાંથી છટકવા માંગતો જ હતો. મેં હા પાડી. રતિભાઈ મને કહે કે તારે મારકેટની નોકરી છોડીને કૉલેજમાં જઈને બી. કોમ થવું જોઈએ. મેં કહ્યું કેમ? તારે ભણવું જોઈએ. મેં કહ્યું ભણવાની શી જરૂર છે? મારકેટમાં હું કંઈ બહુ ભણેલા માણસો જોતો નથી, અને એ બધાય પૈસા કમાય છે. હું પણ થોડા સમયમાં પૈસા એમની જેમ જ કમાતો થઈ જઈશ!

એ હસીને કહે, મૂરખ, મારકેટમાં હજારો લોકો કામ કરે છે તેમાં પૈસાવાળા શેઠિયાઓ કેટલા અને મહેતાજીઓ, ગુમાસ્તાઓ ને ઘાટીઓ કેટલા? જરા ધ્યાનથી જો. પેઢીમાં શેઠ એક હોય, પણ મહેતાજીઓ, ગુમાસ્તાઓ અને ઘાટીઓ દસ પંદર હોય છે. અને કોઈ મહેતાજીને તેં ક્યારેય પૂછ્યું છે કે કેટલાં વરસથી એ મારકેટમાં નોકરી કરે છે? એ બધાયને તારી જેમ જ પૈસા બનાવવા હતા, તેમાંથી કેટલાએ પૈસા બનાવ્યા? કેટલા શેઠિયા થયા? મારું માન અને મારકેટમાં પૈસા બનાવાની અને શેઠ થવાની શેખચલ્લી જેવી વાતો મૂકીને ભણવાનું કર. બી. કોમ. જેવી કોઈ ડીગ્રી લઈને સારી નોકરી લઈ લે. પછી ધંધો કરવો હોય તો કરજે. એમાં તું પૈસા કમાઇશ એની કોઈ ખાતરી નથી, પણ કૉલેજની ડીગ્રી હશે તો સારી નોકરી જરૂર મળશે.

મેં કહ્યું, દેશમાં કાકા તો મારી કમાણીની રાહ જોઈને બેઠા છે. અહીં ધંધો કરીને કંઈ પૈસા બનાવું તો ઠેકાણે પડું અને દેશમાંથી બધાને બોલાવી શકું. જો કૉલેજમાં ભણવા બેસું તો બીજાં ચાર વરસ નીકળી જાય તેનું શું? કાકાને હું કૉલેજમાં ભણવા બેસું તે ગમવાનું નથી. વધુમાં કૉલેજમાં જવાના ફીના પૈસા હું ક્યાંથી કાઢવાનો છું? અને એ ચાર વરસ દરમિયાન હું રહીશ ક્યાં? રતિભાઈ કહે કે તારા કાકાને મુંબઈની કંઈ ખબર નથી. એ હા ના કરશે તો હું એમને સમજાવીશ, પણ એમને ન ગમે તો પણ તારે આગળ ભણવું જ જોઈએ. તારે તારું ભવિષ્ય જોવાનું છે. જો, હું મારા છોકરાઓને ટ્યુશન કરાવું છું તેને માટે જે માસ્તર આવે છે તેને પૈસા આપું જ છું. એ માસ્તરને બદલે તું છોકરાઓને ભણાવજે. એ પૈસા હું તને આપીશ અને તેમાંથી તારી ફી ભરજે. તારે રહેવા માટે આપણી કપોળ જ્ઞાતિની બોર્ડિંગ છે ત્યાં હું વ્યવસ્થા કરી આપીશ. પણ મેં કહ્યું કે હું તો હજી દેશમાંથી હમણાં જ આવ્યો છું મને મુંબઈની કશી ખબર નથી. કઈ કૉલેજમાં જવું, ત્યાં એડમિશન કેમ મેળવવું, બોર્ડિંગમાં કેમ દાખલ થવું, એ બધી બાબતની મને કોઈ ખબર નથી. એ કહે કે એ બધી વાત હું સંભાળીશ.

રતિભાઈની વાતોએ મારકેટમાં ધંધો કરવાનો અને અઢળક પૈસા બનાવવાનો જે રોમેન્ટિક ખ્યાલ હતો તે કાઢી નાખ્યો. જે પેઢીમાં હું થોડો વખત બેઠો હતો ત્યાં જ કામ કરતા મોટા ભાગના મહેતાજીઓ, ગુમાસ્તાઓ અને ઘાટીઓ વરસોથી કામ કરતા હતા. મોટી ઉંમરના મહેતાજી, જેનો પડતો બોલ અમે ઝીલતા અને જેને અમે સૌ, શેઠ સુધ્ધાં, મોટા મહેતાજી કહેતા, તે તો શેઠના બાપદાદાના જમાનાથી પેઢીમાં કામ કરતા હતા. અને હજી મહેતાજી જ હતા. મારી આંખ ઊઘડી. થયું કે રતિભાઈની સલાહ સાચી છે. કાકાને ગમે કે ન ગમે મારે કૉલેજમાં જવું જ જોઈએ.

નાનપણમાં કનૈયાલાલ મુનશીની સ્વપ્નદ્રષ્ટા અને ઈશ્વર પેટલીકરની તરણા ઓથે ડુંગર જેવી નવલકથાઓ વાંચીને મેં કૉલેજમાં જવાનાં સપનાં સેવ્યાં હતાં, પણ હાઇસ્કૂલ પછી તરત જ નોકરી કરવાના કાકાના આદેશથી અને મારકેટના થોડા જ અનુભવથી એ સપનાં રોળાઈ ગયાં હતાં. પણ રતિભાઈને મળ્યા પછી કૉલેજ જવાનાં એ સપનાં પાછા સજીવન થયાં. લાગ્યું કે આપણું ભાગ્યનું પાંદડું ફર્યું છે! એમ પણ થયું કે કૉલેજમાં જઈને ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરવો અને કવિ થવું, અને બને તો એમ.એ.ની ડીગ્રી લઈને પ્રૉફેસર થવું! એ વખતે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં કવિ મનસુખલાલ ઝવેરી ગુજરાતીના પ્રૉફેસર તરીકે પ્રસિદ્ધ હતા. વિદ્યાર્થીઓ એમના ક્લાસમાં દાખલ થવા આતુર હતા. મને પણ થયું કે કૉલેજમાં જવાની તક મળી છે તો મનસુખભાઈના હાથ નીચે જઈને ભણવું. દેશની લાઇબ્રેરીમાં મેં એમના કાવ્યસંગ્રહો પણ જોયા હતા.

મારી કૉલેજમાં જવાની વ્યવસ્થા રતિભાઈ કરતા હતા, ત્યારે મેં કાલા થઈને કહ્યું કે મારે તો સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં જવું છે. ત્યાં કવિ મનસુખલાલ ઝવેરીના હાથ નીચે સાહિત્યનો અભ્યાસ કરવો છે. એમ પણ કહ્યું કે મનસુખભાઈની ગુજરાતીના પ્રૉફેસર તરીકેની ખ્યાતિ સાંભળીને વિદ્યાર્થીઓ દૂર દૂરથી આકર્ષાઈને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં તેમના ક્લાસમાં બેસવા આવતા હતા. તેમની વિદ્વત્તા અને સ્વચ્છ અને સ્પષ્ટ ગુજરાતીમાં લાંબો સમય બોલવાની એમની સજ્જતા એવી હતી કે થાય કે આપણે એમને સાંભળ્યા જ કરીએ. કહેવાતું કે ‘શ’ અને ‘ષ’નો ઉચ્ચાર ભેદ સમજવો હોય તો મનસુખભાઈને સાંભળો! એ દિવસોમાં મુંબઈના ગુજરાતી સાહિત્યજગતમાં મનસુખભાઈનો સિતારો ચમકતો હતો, છતાં રતિભાઈને એ કોણ છે તેની ખબર પણ નહોતી! રતિભાઈએ પૈસાનું મહત્ત્વ સમજાવીને મને સ્પષ્ટ કહ્યું કે તારે લિટરેચરને રવાડે ચડવાનું નથી. કૉમર્સની ડીગ્રી લઈ કોઈ ધંધાની લાઈન પકડીને પહેલાં પૈસા બનાવ પછી જે કરવું હોય તે કરજે. મને પૂછ્યું પણ ખરું કે એ ઝવેરી છે તો ઝવેરાતનો ધંધો કેમ કરતા નથી? કવિતાના લફરે કેમ ચડ્યા છે?!

આમ રતિભાઈએ મારી કવિ થવાની અને સાહિત્યનો અભ્યાસ કરવાની વાત ઉપર ઠંડું પાણી રેડ્યું. એ કહે એવું લિટરેચરનું લફરું લગાડીશ તો તને નોકરી નહીં મળે. તારે તો કૉમર્સમાં જવાનું છે, બી. કોમ. થવાનું છે. બી. કોમ. થઈશ તો કોઈ સારી કંપનીમાં નોકરી મળશે. કોઈ ધંધાની લાઈન પકડાશે. કવિતા ફવિતા લખવાથી તારું કંઈ વળવાનું નથી. આખરે રતિભાઈ જ મારી કૉલેજની ફી ભરવાના હતા અને હવે પછી મુંબઈમાં મારી સંભાળ લેવાના હતા તો મારાથી તેમની અવગણના કેમ થાય? વધુમાં એમને કારણે જ હું મારકેટમાંથી છૂટવાનો હતો. આપણે તો નીચી મુંડીએ એમણે જે કહ્યું તે કરવા તૈયાર થઈ ગયા. એ મને મુંબઈની જાણીતી સીડનહામ કૉલેજમાં લઈ ગયા. મેટ્રિકની પરીક્ષામાં મારો ફર્સ્ટ ક્લાસ આવેલો તેથી એડમિશનમાં કોઈ વાંધો ન પડ્યો. આમ હું મારકેટની દુનિયામાંથી છૂટ્યો અને કૉલેજીયન થયો. અને બહેનને ઘરેથી નીકળીને નાતની બોર્ડિંગમાં દાખલ થયો.

બોર્ડિંગની દુનિયા

કૉલેજમાં જવાથી એક ફાયદો થયો: હું બહેનના ઘરેથી બહાર નીકળી શક્યો. રતિભાઈએ મને બોર્ડિંગમાં દાખલ કરાવ્યો. એ જમાનામાં સૌરાષ્ટ્રમાં એકાદ બે કૉલેજ હતી. સાવરકુંડલા, મહુવા, શિહોર, રાજુલા જેવાં નાનાં નાનાં ગામોમાંથી જો છોકરાઓને કૉલેજમાં જવું હોય તો એમને મુંબઈ આવવું પડે. પણ મુંબઈમાં રહેવું ક્યાં? આ છોકરાઓ મુંબઈ કૉલેજમાં જાય ત્યારે તેમના રહેવાની સગવડ થાય તે માટે કપોળ નાતિના આગેવાન શેઠિયાઓએ ઠેઠ ૧૮૯૬માં નાતિની એક બોર્ડિંગ શરૂ કરી હતી. એ શરૂ થઈ ત્યારે તો માત્ર દસેક જેટલા વિદ્યાર્થીઓ હતા. આજે સોએક જેટલા વિદ્યાર્થીઓ ત્યાં રહીને મુંબઈની વિધવિધ કૉલેજોમાં મેડીસીન, એન્જિનિયરીંગ, કૉમર્સ, આર્ટ્સ, લૉ, એવું જુદું જુદું ભણે છે. રતિભાઈ પોતે જ આ બોર્ડિંગમાં રહીને ભણ્યા હતા. બોર્ડિંગની બાજુમાં જ પોદ્દાર કૉમર્સ કૉલેજ હતી, પણ એમણે મને ઠેઠ ચર્ચગેટ સ્ટેશન પાસે આવેલી સીડનહામ કૉલેજમાં દાખલ કર્યો કારણ કે એ પોતે ત્યાં ગયા હતા. મુંબઈમાં સીડનહામનું નામ પણ મોટું.

માટુંગાના ફાઈવ ગાર્ડન્સના ત્યારના શાંત અને રળિયામણા એરિયામાં આવેલી આ બોર્ડિંગ મારા માટે આશીર્વાદ સમી હતી. હું પહેલી જ વાર ઘરનું વાતાવરણ છોડીને બહાર રહેવા ગયો. બોર્ડિંગમાં રહેનારા બધાં જ કૉલેજીયનો અને લગભગ સમવયસ્ક. રૂમની સાઈઝ મુજબ એક, બેથી માંડીને ચાર જેટલા પાર્ટનર હોય. વરસે વરસે તમારા પાર્ટનર બદલાય. આમ સાવ અજાણ્યા લોકો સાથે રહેવાનું મને મળ્યું. પહેલે જ વરસે અનિલ દોશી મારા રૂમ પાર્ટનર હતા. એ માટુંગાના જ હતા. એમની દ્વારા મને એમના ભાઈ કનુભાઈ દોશી સાથે ઓળખાણ થઈ જે જીવનભરની મૈત્રીમાં પરિણમી. હું જ્યારે અમેરિકા આવવા તૈયાર થયો ત્યારે પાસપોર્ટ મેળવવા જે ગેરેન્ટીની જરૂર પડે તે મારા કોઈ સગા આપવા તૈયાર ન હતા. પણ અનિલભાઈએ ખુશીથી ગેરેન્ટી લખી આપી. પછી તો બન્ને દોશી ભાઈઓના અમેરિકા આવવામાં હું નિમિત્ત બન્યો.

આ બોર્ડર્સમાં કેટલાક તો મુંબઈ કે આજુબાજુના પરાના હતાં. ઘણા કોન્વેન્ટ સ્કૂલ્સમાં ભણેલા. ફટ ફટ ઇંગ્લીશમાં વાતો કરે, ઇસ્ત્રીવાળાં કપડાં પહેરે, ટેનિસ અને બેડમિંગ્ટન રમે. કો’ક ભાગ્યશાળીને તો વળી ગર્લફ્રેન્ડ હોય! એ બધા રવિવારે રેસ્ટોરાંમાં જાય અને પછી અરોરા કે બીજા કોઈ થિયેટરમાં જઈને હોલીવુડની ફિલ્મ જુએ. બીજે દિવસે ડાઈનિંગ ટેબલ પર એ ફિલ્મની ઇંગ્લીશમાં વાત કરે. હું આ બધું આભો બનીને જોઈ રહું. ડાઈનિંગ ટેબલ પર વાત કરવાની હજી મારામાં હિંમત આવી નહોતી. ઈંગ્લીશમાં બોલવાની તો વાત જ ક્યાં કરવી?

બોર્ડિંગની પાછળ અને આજુબાજુ લગોલગ બીજાં બિલ્ડિંગ્સ. બારી ઉઘાડો તો સામેના ફ્લૅટમાં શું થઈ રહ્યું છે તે બધું દેખાય, શું બોલાય છે તે બધું સંભળાય. ત્યાં વસતા લોકો માટે અમારા જેવા બોર્ડર્સનો મોટો ત્રાસ હોવો જોઈએ. લીબીડોથી ઊભરાતા અમે સોએક નવજુવાનો. દિવસે અને ખાસ તો રાતે આજુબાજુના ફ્લૅટ્સમાં શું થઈ રહ્યું એ જોવા જાણવા અમે આતુર. ચકળવકળ આંખે મીટ માંડીએ. આ જાસૂસી કરતા ક્યારેક અમે પકડાઈએ પણ ખરા. ફરિયાદ આવે. થોડી વાર એ બધું બંધ થાય, પણ વળી પાછું શરૂ થાય. મારી બારી સામે એક કચ્છી કુટુંબ હતું. ત્યાં એક નમણી છોકરી એના કોન્વેન્ટ સ્કૂલના યુનિફોર્મમાં બાલ્કનીમાં ઘણી વાર ઊભી હોય તેને હું જોતો. વરસો પછી અમેરિકામાં એક પાર્ટીમાં એણે મને પકડી પાડ્યો. કહે કે તું બોર્ડિંગમાં રહેતો હતો અને તારી બારી મારી બાલ્કનીની સામે જ પડતી હતી! મીટ માંડવામાં માત્ર અમે છોકરાઓ જ નહોતા!

હું હજી ઈસ્ત્રી વગરના લેંઘો કફની અને ચપ્પલ પહેરતો હતો. મુંબઈના પ્લેબોય બોર્ડર્સ સામે હું સાવ ગામડિયો જ દેખાયો હોઈશ. પેન્ટ શર્ટ અને શુઝ લેવાના મારી પાસે પૈસા ન હતા. કાકા આગળથી પૈસા માગવાની તો વાત જ નહોતી. એમને તો હું બહેનનું ઘર છોડીને કૉલેજ જવા માટે બોર્ડિંગમાં રહેવા ગયો તે જ નહોતું ગમ્યું. રતિભાઈ આગળ પૈસા માગવાનો સંકોચ થતો હતો. એ મારી કૉલેજની ફી, ટ્રેનમાં આવવાજવાનો પાસ, અને બોર્ડિંગમાં બે ટંક ખાવાના પૈસા આપતા. મને થયું કે બોર્ડિંગમાં ખાવાનું એક ટંકનું કરી નાખું તો થોડા પૈસા બચે. રતિભાઈનાં સંતાનોને સવારના ટ્યુશન આપતો હતો. પણ સાંજના એક વધારાનું ટ્યુશન આપી શકાય તો સારું એમ માનીને એ શોધ આદરી. મારો એક બીજો રૂમપાર્ટનર પણ માટુંગાનો જ હતો. એ કહે મારા ભાઈને માટે અમે ટ્યુટર ગોતીએ છીએ. તારે કરવું છે? આમ મારું સાંજનું ટ્યુશન શરૂ થયું. પૈસાની થોડી રાહત થઈ. બે ટંકનું ખાવાનું શરૂ કર્યું.

પહેલું વેકેશન પડ્યું કે દેશમાંથી આવેલા છોકરાઓ તો ઘરે ગયાં. મેં જોયું કે એ બધાને ઘરેથી કાગળો આવે. ખાવાના, ખાસ કરીને મીઠાઈના પાર્સલ આવે. ભાઈબહેન કે માબાપ દેશમાંથી ખાસ મળવા આવે. મુંબઈના છોકરાઓ માટે તો પરીક્ષાના દિવસોમાં એમનાં સગાંઓ ચાનાસ્તો લઈને હાજર હોય. એક પેપર પૂરું થાય કે સગાંઓ ઘેરી વળે, થર્મોસમાંથી ગરમ ગરમ ચા કાઢે, નાસ્તો ખવરાવે, પેપર સહેલું હતું કે અઘરું એવી પૂછપરછ કરે. આ બધું હું દૂર ઊભો ઊભો જોઈ રહું. મનોમન સમસમી રહું. બા કાકાને ખબર પણ નહીં હોય કે હું શું ભણું છું, કે અત્યારે પરીક્ષા ચાલે છે. મારા ચાર વરસના વસવાટમાં દેશમાંથી સમ ખાવા પૂરતો કાકાનો એક કાગળ પણ આવ્યો નહોતો, તો એમની મળવા આવવાની તો વાત ક્યાં કરવી? એ દિવસોમાં મને બહુ ઓછું આવતું. કાકા ઉપર મને એટલો તો ગુસ્સો આવતો હતો કે ચાર વરસમાં એકે વાર હું દેશમાં ઘરે ગયો નહોતો. જો કે દેશમાંથી પણ કોઈએ મને કહ્યું નહોતું કે વેકેશન પડ્યું છે તો એક વાર ઘરે આવી જા. કમસે કમ અમને તારું મોઢું બતાડી જા!

બોર્ડિંગમાં ધીમે ધીમે હું સેટલ થઈ ગયો. રૂટીનમાં સવારે ટ્યુશન કરવા જવાનું. આવીને કૉલેજમાં જવા માટે દાદર સ્ટેશન સુધી ચાલીને ચર્ચગેટની ટ્રેન પકડવાની. બપોરના ભૂખ લાગે. ગારમેન્ટ ક્લીનીન્ગના સ્ટાર્ચ વાળા કડક પેન્ટ શર્ટ પહેરેલા અને ઇંગ્લીશમાં વાત કરતા મુંબઈના છોકરાછોકરીઓથી ભરેલી કેન્ટીનમાં જવાની હિંમત નહોતી. પૈસા પણ નહોતા. કૉલેજમાં સદ્ભાગ્યે થયેલા મિત્ર નવીન જારેચાને પકડતો. એમની બહેનને ત્યાંથી એમનું ટિફિન આવતું તેમાં હું ક્યારેક ભાગ પડાવતો, કહો કે એમના કરતાં વધુ ખાતો! નવી લખેલી કવિતા એમને વંચાવાના બહાને. કૉલેજના ક્લાસીસમાં મને ભાગ્યે જ રસ પડતો. બધું ઇંગ્લીશમાં. આપણે વાયા વિરમગામથી આવેલા. પ્રૉફેસર તો ઇંગ્લીશમાં એનું લેક્ચર ગગડાવીને ચાલતા થાય. હું બાઘો થઈને સાંભળું પણ સમજુ કાંઈ નહીં. ક્લાસ ક્યારે પતે એની રાહ જોઉં. ટ્રેન પકડીને પાછો બોર્ડિંગમાં. આવીને ટ્યુશન કરવા જાઉં. આ મારી રોજની રૂટીન.

બોર્ડિંગમાં એક નાની લાઇબ્રેરી હતી. તે સંભાળવાનું કામ મેં લીધું. એનું જે કાંઈ થોડું બજેટ હતું તેમાંથી થોડાં માસિકો જે હું દેશમાં હું વાંચતો–સંસ્કૃતિ, વિશ્વમાનવ, વગેરેનું લવાજમ ભર્યું. મોટા ભાગના બોર્ડર્સને લાઇબ્રેરીમાં કે આ માસિકોમાં કોઈ રસ ન હતો. કૉલજનાં પાઠ્યપુસ્તકો વાંચવાને બદલે આ માસિકો આવે એટલે તરત વાંચી જતો. વધુમાં બોર્ડિંગમાં એક સ્ટડી સર્કલ શરૂ કર્યું. જેમાં બહારથી કોઈ જાણીતા સાહિત્યકારને લેક્ચર આપવા અમે બોલાવતા. સીડનહામ કૉલેજમાંથી ઈંગ્લીશના પ્રૉફેસર મહિષી અને ગુજરાતીના પ્રૉફેસર મુરલી ઠાકુર, અને મીઠીબાઈ કૉલેજમાંથી ઇતિહાસ અને રાજકારણના પ્રૉફેસર નગીનદાસ સંઘવીને હું આ સ્ટડી સર્કલમાં લઈ આવ્યો હતો.

એક વાર હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયને બોલાવેલા. એ નાટ્યકાર, કવિ, સંગીતકાર, અને પાર્લામેન્ટના મેમ્બર! જો કે ત્યારે એ હજી બાવરચી ફેમના મોટા ફિલ્મ સ્ટાર નહોતા થયા. છતાં મારે માટે એ બહુ મોટા માણસ હતા. ક્રાંતિકારી વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના એ ભાઈ. પણ ખાસ તો કૉંગ્રેસના પહેલા ભારતીય મહિલા પ્રમુખ અને ગાંધીજી સાથે દાંડીકૂચમાં જોડાયેલ સરોજીની નાયડુના એ નાના ભાઈ. હરીન્દ્રનાથ આવવા તૈયાર થયા, પણ એક શરતે. “તું મને આવીને ટૅક્સીમાં લઈ મૂકી જા.” આમાં તો ગાંઠનું ગોપીચંદન કરવાની વાત હતી. પણ આ તો બીગ કેચ હતો. મેં હા પાડી. દિવસ નક્કી કર્યો. હું તો નિયત દિવસે એમને ઘરે પહોંચી ગયો. ફ્લૅટની ઘંટડી મારી. જવાબ નહીં મળ્યો. બારણાને જરાક ધક્કો માર્યો તો ઊઘડી ગયું. અંદર ગયો. દીવાનખાનામાં કોઈ ન મળે. હિમ્મત કરીને અંદર આગળ વધ્યો અને જોયું તો બેડરૂમમાં કોઈ જુવાન છોકરીને એ ચુંબન ભરતા હતા! હું તો હેબતાઈ ગયો. ત્યારે હજી હું ગાંધીવાદી ચોખલિયો હતો. મને જોઈને તેઓ ગુસ્સે થઈ ગયા. મેં એમને કહ્યું કે હું એમને લેવા આવ્યો છું. મને બહાર બેસવાનું કહ્યું. તૈયાર થઈને અંદરથી બહાર નીકળ્યા. ટૅક્સી લીધી. કશું જ ન બન્યું હોય એમ ટૅક્સીમાં અલકમલકની વાતો કરતા અમે બોર્ડિંગમાં પહોંચ્યા. આજે પચાસ જેટલા વરસે એ શું બોલ્યા હતા તે યાદ નથી, પણ એ કોઈ જુવાન છોકરીને ચુંબન કરતા હતા તે બરાબર યાદ છે!

એ દિવસોમાં હું ગાંધીવાદી હતો. દેશદાઝ ઘણી હતી. પેન્ટ શર્ટ પહેરવાનું શરૂ કર્યું એ પહેલાં જે કફની લેંઘો પહેરતો એ ખાદીના પહેરતો. મારાં એક ફઈનો દીકરો જયંતિ આ બધી બાબતમાં મારો ગાઈડ હતો. લગભગ મારી જ ઉમ્મરનો, સગા કરતા મિત્ર વધુ. એક દિવસ મને કહે, દેશમાં ગરીબ લોકો ભૂખે મરે છે, અને આપણે કેટલું બધું ખાઈએ છીએ. જમવામાં માત્ર બે રોટલી અને કાં તો શાક અથવા દાળ, અને ફરસાણ અને મીઠાઈ તો નહીં જ નહીં. બોર્ડિંગમાં રવિવારે એક જ વાર જમવાનું હોય, પણ બપોરના મોટી જ્યાફત થાય. એ બહુ વખણાય. બહારના માણસો પણ ગેસ્ટ તરીકે આવે. હવે જયંતિએ આપેલા નિયમો મુજબ જ્યાફતની મીઠાઈ અને ફરસાણ મારાથી ખવાય જ નહીં. બોર્ડિંગના મહારાજ મારાં આ નવાં નવાં ધતિંગ જોયા કરે. એમનાથી રહેવાયું નહીં. એક વાર મને બાજુમાં લઈને પૂછે, તને મારી રસોઈ ભાવતી નથી કે શું? શું કંઈ વધુ ઓછું લાગે છે? મેં જ્યારે મારું કારણ સમજાવ્યું ત્યારે માથું ધુણાવીને ખસી ગયા!

રતિભાઈ

હું રતિભાઈનો વિચાર કરું છું ત્યારે થાય છે કે બાળપણના અનાથ જીવનની અનેક હાડમારી, ખાસ કરીને ગરીબી સહન કરીને એમનો જીવન પ્રત્યેનો અભિગમ, અપ્રોચ (approach), “પૈસો મારો પરમેશ્વર” એવો એકસુરી, યુનીડીમેન્શલ (unidimensional) થઈ ગયો હતો. જે પૈસા બનાવે તે હોશિયાર, બાકી બધા ઠોઠ એવું એમનું સ્પષ્ટ માનવું. એ જ્યારે માટુંગાની ચાલીમાં રહેતા હતા ત્યાં એમની બાજુમાં જ ગુજરાતના જાણીતા નવલકથાકાર ગુણવંતરાય આચાર્ય રહેતા હતા. એમની દરિયા વિષયક નવલકથાઓ હું વાંચી ચૂક્યો હતો, અને મારે મન તો આવા લેખકના પાડોશી થવાનું મળે એ જ સદ્ભાગ્ય હતું. રતિભાઈને એનો એક પાડોશી કંઈક લેખક છે એવો આછો ખ્યાલ હતો. મેં જ્યારે એમને કહ્યું કે આ તો આપણા મોટા લેખક છે, ત્યારે કહે, એમ? એમની ચોપડીઓ બહુ ખપતી નહીં હોય, નહીં તો ચાલીમાં શા માટે રહે? જિંદગીમાં પૈસા સિવાય બીજી કોઈ વસ્તુનું એમને મહત્ત્વ દેખાતું જ નહી!

રતિભાઈનું આ પૈસાનું વળગણ હું સમજી શકું છું. આપણા દંભી સમાજમાં ધર્મ, નીતિ, સંસ્કાર વગેરે મૂલ્યોની મોટી મોટી વાતો જરૂર થાય, ગીતા પાઠ થાય, વારંવાર થતી રામકથાઓમાં હજારોની સંખ્યામાં લોકો હાજરી આપે, છતાં આપણી બોટમ લાઈન તો પૈસાની જ છે. મૂળજી જેઠા મારકેટમાં મેં એવા પણ શેઠિયાઓ જોયા છે, જે નિયમિત પૂજાપાઠ કરે, અને ધર્મધ્યાનમાં પૂરા પાવરધા રહે, પણ મહેતાજીને બસોનો પગાર આપીને ત્રણસોના પગારની સહી લેવામાં એ કંઈ અજૂગતું જોતા નહીં. રોજ બરોજના જીવનમાં ધર્માચરણ થવું જોઈએ, એવો ભ્રમ મનમાં રાખે જ નહીં.

આપણા સમાજમાં, ખાસ કરીને અમારી નાતમાં અને કુટુંબમાં પૈસા અને પૈસાદારોનો હજી પણ છડેચોકે જયજયકાર થાય છે. સભા સમારંભોમાં, નાતના મેળાવડાઓમાં, અરે, સાહિત્યમિલનોમાં પણ પૈસાવાળાઓ પહોળા થઈને બેસે. ગરીબગુરબાઓની આપણા સમાજમાં જે અવગણના થાય છે, એમને જે મેણાંટોણાં અને અપમાન સહન કરવા પડે છે તે રતિભાઈએ બહુ સહન કર્યાં હતાં. એમને બીક હતી કે એમને માથે જે વીતી હતી તે એમનાં સંતાનોને માથે પણ કદાચ વીતશે, એટલા માટે એમનું બધું ધ્યાન પૈસા બનાવવામાં જ ચોંટ્યું હતું.

મેં રતિભાઈને ક્યારેય કોઈ ગુજરાતી કે ઈંગ્લીશ, ચોપડી કે મૅગેઝિન વાંચતા જોયા નથી. એમને ઘરે છોકરાઓનું ટ્યુશન કરવા હું દરરોજ જતો, પણ એ ઘરમાં મેં કોઈ પુસ્તક કે મૅગેઝિન જોયું હોય એવું યાદ નથી. હા, છાપાં જરૂર આવતા, પણ તે શેરબજાર અને ધંધાને લગતા સમાચારો જોવા માટે જ. કૌટુંબિક સંબંધો કે મૈત્રી પણ એવી બાંધવી કે જે આપણને ઉપયોગી થઈ પડે. માટુંગાના પાંચ બગીચા એરિયામાં દરરોજ સવારે ફરવા જતા ધનિકોનું એક ગ્રુપ હતું. તેમાં તે હોંશે હોંશે જોડાયેલા. એમનું સવારનું ફરવા જવાનું પણ આમ એમણે પૈસાદારોના ગ્રુપ સાથે રાખ્યું, જેથી એમાં જે કોઈ કોન્ટેક થાય તે ધંધામાં કામ લાગે!

જીવનની એકેએક પ્રવૃત્તિના હેતુમાં પૈસો મુખ્ય હોવો જોઈએ એવી એમની સાદી પણ સ્પષ્ટ માન્યતા. યેન કેન પ્રકારેણ પણ પૈસા બનાવવા એ એમનો જીવનમંત્ર હતો. આ કારણે શિષ્ટ સાહિત્યની વાત તો બાજુમાં મુકો, પણ એમને ફિલ્મ, ગીત સંગીત, ધર્મ, કે સામાજિક પ્રવૃત્તિઓ વગેરેમાં કોઈ રસ નહીં. એમની સાથે વાતો કરતા એવું ક્યારેય સાંભળ્યું નહોતું કે એ કોઈ મૂવી જોવા ગયા હોય, કે સંગીતના કાર્યક્રમમાં ગયા હોય. એમની સોશિયલ લાઈફમાં માત્ર લગ્ન પ્રસંગે જવાનું કે કોઈની સાદડીમાં જઈને બેસવાનું. રતિભાઈનું આવું સાહિત્ય, સંગીત અને કલાવિહીન જીવન ત્યારે મને જરાયે વિચિત્ર નહોતું દેખાયું. હું પણ એવા જ અરસિક ઘરમાં ઉછરેલો. મારા બધાં જ સગાંસંબધીઓ આવું જ જીવન જીવતા. એમને માટે તો એ ભલા અને એમના નોકરી-ધંધા ભલા.

રતિભાઈને જ્યારે ખબર પડી કે હું સાવ સામાન્ય ઘરની કૉલેજમાં પણ નહીં ગયેલી છોકરીને પરણવાનો છું ત્યારે નિરાશ થયા હતા. એમને એમ હતું કે એ કોઈ પૈસાવાળા કુટુંબની છોકરી સાથે મારી સગાઈ કરી આપી મારું ભવિષ્ય સુધારશે. એમણે એમ જ કર્યું હતું. જે ચાલીમાં રહેતા હતા તેના જ માલિકની દીકરી સાથે લગ્ન કર્યાં હતાં. દીકરીની સાથે સાથે સસરાએ બે રૂમનું ફ્લૅટ જેવું સરસ રહેવાનું કરી આપ્યું.

રતિભાઈ લાંબું જીવ્યા. દરરોજ સવારના લગભગ એકાદ કલાક ફરવા જવાને કારણે એમનું શરીર કસાયેલું હતું. વૃદ્ધાવસ્થામાં થોડું કથળેલા, એ સિવાય એ લગભગ રોગમુક્ત હતા. ગોરો વાન, હાઈટની કોઈ હડતાલ નહીં. જે પરિસ્થિતિ હોય તેમાં કોઈ કચ કચ કર્યા વગર જીવવામાં માને. એમની એક દીકરી મેન્ટલી રીટારડેડ હતી. રતિભાઈ અને ભાભીએ એ છોકરીને ઘરમાં રાખીને ઉછેરી અને એ મરી ત્યાં સુધી એને સાચવી. એમણે બન્ને છોકરાઓને મુંબઈમાં મોટા મોટા ફ્લૅટની વ્યવસ્થા કરી આપી, ધીકતો ધંધો આપ્યો, પણ ઘરડા ઘડપણે પોતે તો છોકરાઓથી જુદા દૂરના પરામાં ભાભી સાથે રહેતા હતા. રતિભાઈએ જીવનમાં જે અનેક વિષમતાઓને આવી પડે તે સહન કરીને કેમ જીવવું તેનો એક ઉત્તમ દાખલો મને આપ્યો હતો.

જો રતિભાઈના મોઢેથી ફરિયાદનો કોઈ શબ્દ મેં ક્યારેય સાંભળ્યો નથી, તો ભાભી ભારે કચકચિયા. દિવસ ને રાત એકે એક બાબતમાં કંઈ ને કંઈ કચ કચ કર્યા કરે. મેં એમને છોકરાઓને પ્રોત્સાહન આપતાં કે એમનાં વખાણ કરતાં ક્યારેય જોયાં નથી. મોટા પૈસાવાળાની દીકરી અને ગરીબને ઘરે આવવું પડ્યું એટલે એમને પણ પૈસાનું ભારે ઓબ્સેશન. પાઈએ પાઈનો હિસાબ કરે, અને કરકસરથી ઘર ચલાવે. એમના પાછળનાં વરસો બહુ ખરાબ ગયા. ભાઈ ગયા પછી ભાભી કરુણ દશામાં પથારીવશ એકલા જીવ્યા. છોકરાઓ આવ-જા કરે એટલું જ. બાકી ઘાટી અને બાઈ એમની સંભાળ રાખે. જ્યારે જ્યારે હું મુંબઈ જાઉં ત્યારે તેમને ત્યાં અચૂક આંટો મારું. એમની અર્ધ બેભાન દશામાં પણ એ મને ઓળખી કાઢે! ભાભીની આવી કરુણ દશા જોઈને મનાય જ નહીં કે એક જમાનામાં એ રુઆબથી ઘર ચલાવતાં હતા, ઘરમાં એકહથ્થું રાજ કરતાં હતાં, અને રતિભાઈને પણ ખખડાવી નાખતાં!

હું જ્યારે અમેરિકા આવવા તૈયાર થયો ત્યારે પાસપોર્ટ લેવા માટે ગેરેન્ટીની જરૂર પડે તે આપવાની રતિભાઈએ મને સ્પષ્ટ ના પાડી! કહે કે ત્યાં શા માટે જાય છે? પૈસા બનાવવા માટે અમેરિકા જવાની કોઈ જરૂર છે જ નહીં, પોતાનો અને બીજા અનેકના દાખલા આપી કહ્યું કે જો, અમે બધા અમેરિકા ક્યાં ગયા છીએ, છતાં ફ્લૅટ ગાડી વગેરે વસ્તુઓ અમે વસાવી છે. વધુમાં એમ પણ કહ્યું કે જુવાન છોકરાઓ અમેરિકા જઈને બદલાઈ જાય છે. ત્યાંની વ્યભિચારી સંસ્કૃતિ અને શિથિલ કુટુંબપ્રથાથી ભોળવાઈને દેશ, માબાપને, સગાંસંબંધીઓને ભૂલી જાય છે.

એમનું કહેવું હતું કે સ્વછંદી અને સ્વાર્થી અમેરિકન છોકરીઓ આપણા છોકરાઓને લલચાવે છે. આવી છોકરીઓથી ભરમાઈને જે બૈરીએ પોતાનાં ઘરેણાં વેચીને ધણીને અમેરિકા મોકલ્યો હોય છે તેને જ છોડીને અમેરિકન છોકરીને પરણે છે. મારા અમેરિકા ગયેલા એક મિત્રે એવું કરેલું તેનો દાખલો આપીને કહ્યું કે તું એવું નહીં કરે એની ખાતરી શું? મુંબઈની સખત હાડમારી અનુભવીને હું એવો તો હારી ગયો હતો કે અમેરિકા જવાની જે અણધારી તક મને મળી તે તરત ઝડપી લીધી. અને રતિભાઈના વિરોધ છતાં હું તો અમેરિકા ગયો જ.

પૈસાવાળા સંબધીઓ એમને માટે શું ધારે છે, એ લોકો એમને એમના એલીટ (elite) સર્કલમાં પોતાને સમાવે છે કે નહીં એની એમને સતત ચિંતા રહેતી. જ્યારે એમના પૈસાવાળા સગાઓ અને મિત્રો છોકરાઓને અમેરિકા ભણવા મોકલવા મંડ્યા ત્યારે રતિભાઈ ને થયું કે એમનો દીકરો પણ અમેરિકા જાય તો સારું. મિત્રોની જેમ એમને પણ અમેરિકા જતા છોકરા માટે વિદાય સમારંભ યોજવો હતો, છાપામાં છોકરાના ઍરપોર્ટના હારતોરાવાળો ફોટો જોવો હતો. છોકરો અમેરિકા જઈ એમ.બી.એ.ની ડીગ્રી લઈ આવે તો મેરેજ મારકેટમાં એના ભાવ વધી જાય. મોટા પૈસાપાત્ર કુટુંબની છોકરી મળે. એના મોટા દીકરાની કૉલેજ પૂરી થઈ ત્યારે આ બધી ગણતરીથી એને અમેરિકા મોકલવાનું નક્કી કર્યું. મને લખ્યું કે આ બાબતમાં હું કંઈ મદદ કરી શકું કે? મેં તરત જ એને માટે એડમીશન, રહેવાની, વગેરેની વ્યવસ્થા કરી આપી. એ દીકરો જ્યારે એમ.બી.એ.ની ડીગ્રી લઈને દેશમાં ફરવા આવ્યો, ત્યારે એને પાછો અમેરિકા નહીં આવવા દીધો! એનું ગ્રીન કાર્ડ જ ફાડી નાખ્યું! એક મોટા કુટુંબની છોકરી શોધીને પરણાવી દીધો. એમની દૃષ્ટિએ દીકરાને અમેરિકા મોકલવાનો એમનો જે હેતુ હતો તે સર્યો. પછી એને ત્યાં પાછું જવાની શી જરૂર છે?

પણ મારા માટે અમેરિકા આશીર્વાદરૂપ હતું. જો મારી પાસે કૉલેજની ડીગ્રી ન હોત તો મારું અમેરિકા આવવાનું શક્ય જ ન બનત. રતિભાઈની મદદ અને સલાહ સૂચનાથી જ હું મારકેટ છોડી શક્યો અને કૉલેજ જઈ શક્યો. એમણે જ મારી કૉલેજ જવાની સગવડ કરી આપી હતી. આમ મારા જીવનમાં, ખાસ કરીને મારી પ્રગતિમાં રતિભાઈએ બહુ મોટો ભાગ ભજવ્યો છે. એમની જો મદદ ન હોત તો હું હજી મારકેટમાં ગુમાસ્તો જ રહ્યો હોત, કદાચ મહેતાજી બનવા સુધી પહોંચ્યો હોત. પણ ધંધો કરવાની જે કુનેહ અને સહજ વૃતિ જોઈએ એ મારામાં હતી જ નહીં. વધુમાં હું મારકેટમાં કે બીજે ક્યાંય દલાલી તો ન જ કરી શક્યો હોત. દલાલી કરવા માટે જે ખુશામત કરવી પડે, શેઠિયાઓની જે પગચંપી કરવી પડે તે મારાથી ન જ થઈ શકત. રતિભાઈએ મને મારકેટની દુનિયામાંથી છોડાવ્યો. આમ હું રતિભાઈનો જીવનભર ઋણી રહ્યો છું. જ્યારે જ્યારે હું દેશમાં ગયો હોઉં છું ત્યારે તેમને જરૂર મળતો, અને એમની સાથે રહેતો. મારી અમેરિકાની સફળતા જોઈને એ પોતે ગર્વ અનુભવતા. એમને જ્યારે અમેરિકા આવવાનું થયું ત્યારે એમને અમેરિકા ફેરવવાનો મને સંતોષ થયો હતો.

સીડનહામ કૉલેજ

કૉલેજમાં દાખલ તો થયો, પણ કૉલેજિયન થવું અઘરું હતું. કૉલેજમાં જવા વિશેના મારા જે રોમેન્ટિક ખ્યાલો હતા તે બધા એક પછી એક એમ ધીમે ધીમે ઓસરવા માંડ્યાં. પહેલી મોટી મુશ્કેલી તો એ પડી કે ક્લાસમાં પ્રૉફેસર શું બોલે છે તેની કંઈ ખબર જ ન પડે! હું તો વાયા વિરમગામથી આવેલો. ગુજરાતી મીડિયમમાં ભણેલો. અંગ્રેજીનો કક્કો બારાખડી આવડે એટલું જ, પણ લખવા, વાંચવા અને ખાસ તો બોલવાના ફાંફા! મુંબઈની કૉલેજોમાં મીડિયમ ઈંગ્લીશ, બધું જ કામ અંગ્રેજીમાં થાય. કંઈ ખબર ન પડે. પહેલે જ અઠવાડિયે “હું બહુ હોશિયાર છું” એ ફાંકો ઊતરી ગયો.

વધુમાં બોર્ડ ઉપર પ્રૉફેસરે જે કાંઈ લખ્યું હોય તે વંચાય નહીં. ક્લાસમાં સંખ્યા મોટી, ક્લાસ રૂમ મોટા. આગળ છોકરીઓ બેઠી હોય. હું તો દૂર છેલ્લી પાટલીએ બેસનારો. મેં બાજુવાળાને બોર્ડમાં જે લખાતું હતું તેની કોપી કરતો જોયો તો પૂછ્યું: તને આ બધું વંચાય છે? એ મને કહે: હાસ્તો, તું આંધળો છે? જા, ચશ્માં લઈ આવ. ત્યારે મને ખબર પડી કે મને ચશ્માંની જરૂર છે! બીજે દિવસે પૂછપરછ કરી કાલબાદેવી ગયો. ત્યાં ચશ્માંવાળાઓની દુકાનો ઘણી. એકમાં ગયો. એણે થોડાક ચશ્માં મારી આંખ પર લગાડીને પૂછ્યું કેમાં સારું દેખાય છે? આમ દસ મિનિટમાં જ હું ચશ્માધારી બની ગયો!

કૉલેજમાં પહેલે જ દિવસથી મેં જોયું તો મુંબઈની કોન્વેન્ટ સ્કૂલોમાં ભણેલા છોકરાઓ, ખાસ કરીને પારસી અને ક્રિશ્ચિયન છોકરાછોકરીઓ અંગ્રેજીમાં સહજ જ વાતો કરે, ક્લાસમાં પ્રૉફેસરોને પ્રશ્નો પૂછે, અને આપણી ફાટે. થાય કે ક્યાં આવી ગયા? કૉલેજનાં પાઠ્યપુસ્તકો પણ અંગ્રેજીમાં જ હોય. ત્રણસો ચારસો પાનાંના આખા ને આખા અંગ્રેજીમાં લખાયેલાં પુસ્તકો મેં પહેલી વાર જ જોયાં. ઈંગ્લીશ લખવા, વાંચવા અને બોલવાની સહજતા તો ઠેઠ અમેરિકા આવ્યા પછી જ આવી. કૉલેજનાં એ ચાર વર્ષોમાં ક્લાસમાં એક વાર પણ ઊભા થઈને પ્રૉફેસરને સમ ખાવા પૂરતો પણ કોઈ પ્રશ્ન પૂછવાની હિંમત મેં કરી નહોતી!

કૉલેજમાં જવાનું બીજું આકર્ષણ એ હતું કે ત્યાં ભણતી મુંબઈની આધુનિક છોકરીઓ સાથે મારી મૈત્રી થશે. આવી કોઈ મૈત્રી પ્રેમમાં પણ કદાચ પરિણમે! આવું બધું ઘર ઉપરની મેડીએ નવલકથાઓ વાંચતાં વાંચતાં કલ્પેલું. ગામમાં તો છોકરી સામે જોવું હોય તો પણ છાનામાના જ જોવાનું. આગળ જણાવ્યું તેમ નિશાળમાં બે ત્રણ છોકરીઓ ક્લાસમાં હોય. પણ એ તો ક્લાસમાં આગળ બેસે. શિક્ષક સાથે આવે અને જાય. એમની સાથે વાત તો ક્યાંથી થાય? વાત કરવાની હિંમત પણ ક્યાં હતી. અરે, રસ્તામાં સામે જો કોઈ છોકરી મળી ગઈ હોય તો નીચે જોઈને ચાલવામાં આપણી ખાનદાની છે એવું અમારા મગજમાં ઠસાવાતું.

મુંબઈની છોકરીઓ અને સ્ત્રીઓ તો છૂટથી હરેફરે, ઑફિસોમાં કામ કરે, ટ્રેઈનમાં આવે જાય અને પરપુરુષો સાથે છૂટથી વાતો કરે. આ બધું જોઈને આપણે તો ખુશ થઈ ગયા. થયું કે આમાં ક્યાંક તો આપણો નંબર લાગશે. થયું કે કૉલેજમાં કોઈ છોકરી સાથે અલકમલકની વાતો કરીશું. એને પ્રણયકાવ્યોનો રસાસ્વાદ કરાવીને એના પ્રેમમાં પડીશું! વાસ્તવિકતા કંઈક જુદી જ નીકળી. કૉલેજમાં છોકરીઓ જરૂર હતી, અને એ છોકરાઓ સાથે હળતી મળતીય ખરી. પણ એ છોકરાઓ કોણ અને કેવા? ટાયનોલમાં ધોવાયેલ એક્સ્ટ્રા સ્ટાર્ચવાળા પેન્ટ શર્ટમાં આંટા મારનારા, કેટલાકના મોઢામાંથી સિગરેટના ધુમાડાના ગોટા નીકળે, અને તાજેતરમાં જોયેલી હોલીવુડની મૂવીઓની અંગ્રેજીમાં વાતો કરતા હોય. કેટલાક તો પોતાની ગાડીમાં કૉલેજમાં આવે. કેટલાકને ડ્રાઈવર લઈ મૂકી જાય.

એ નબીરાઓની સામે આપણો નંબર ક્યાંથી લાગવાનો? હજી હું કફની લેંઘા અને ચપલમાં જ આંટા મારતો હતો. અંગ્રેજી બોલવાના ફાંફા તો પહેલેથી જ હતા. છોકરીઓની બાબતમાં આપણી દશા તો જેવી દેશમાં હતી તેવી જ અહીં રહી. કૉલેજનાં ચાર વર્ષોમાં એક વાર પણ કોઈ છોકરી સાથે વાત કરવાની હિંમત કરી નહોતી, તો પછી પ્રેમ કરવાની વાત તો ક્યાં કરવી? માત્ર દૂરથી આ છોકરીઓને જોયા કરવાથી વધુ હું કશું ન કરી શક્યો. મને ગુજરાતી કવિતા વાંચવા લખવાનો શોખ છે, એની વાત અહીં આ કૉમર્સ ભણતી છોકરીઓને કેમ કરવી?

આમ કૉલેજમાં જવાનો મારો ઉત્સાહ ઓસરવા મંડ્યો. થયું કે આ તો મોટી ભૂલ થઈ ગઈ. ક્લાસમાં જો પ્રૉફેસર બોલે તે કશું સમજાય જ નહીં તો હું એક્ઝામ પેપર્સ કેમ લખીશ? અને જો ફેઈલ થયા તો રતિભાઈને શું મોઢું બતાડીશ? અને કાકાને થશે કે મોટે ઉપાડે કૉલેજમાં જઈને મેં શું ઉકાળ્યું? થયું કે દેશમાં પાછા જવું? મારકેટમાં પાછા જવું? ત્યાં તો “હું હવે કૉલેજમાં જવાનો છું,” એમ બણગા ફૂંક્યા હતા. કયા મોઢે હું પાછો જાઉં? મારું તો સાપે છછુંદર ગળ્યા જેવી વાત થઈ. આવી હતાશ મનોદશામાં હતો ત્યાં એક દિવસે કૉલેજમાં ભાઈ નવીન જારેચાની ઓળખાણ થઈ.

નવીન જારેચા

કૉલેજમાં એ જમાનામાં જુદી જુદી ભાષામાં વોલપેપર ચલાવાતા–ગુજરાતી, મરાઠી, હિન્દી, વગેરે. વિદ્યાર્થી રચિત કવિતા, વાર્તા, લેખ વગેરે તેમાં સારા અક્ષરે લખાઈને ભીંતે લગાડેલા કાચના બોક્સમાં મુકાય. દર મહિને એ બદલાય. હું આ પ્રવૃત્તિ ઉત્સુક્તાથી જોતો. થતું કે મારે પણ એમાં કવિતા મૂકવી જોઈએ. પણ આપવી કોને? એક દિવસે નવીનભાઈ ગુજરાતી વૉલપેપર પૂર્ણિમા બદલતા હતા. મેં જઈને પૂછ્યું કે મારે અહીં કવિતા કેવી રીતે મૂકવી? એ કહે મને આપો, હું આનો તંત્રી છું. આપણે તો તૈયાર હતા! મેં એમને તરત જ મારી તાજેતરમાં લખાયેલ કવિતા આપી. એ પૃથ્વી છંદમાં લખાયેલ સૉનેટ હતું. એ એમણે પૂર્ણિમા માં મૂક્યું.

કૉલેજના ગુજરાતીના પ્રૉફેસર હતા મુરલીભાઈ ઠાકુર, એમણે આ સૉનેટ જોયું ને પૂછ્યું કે “આ નટવર ગાંધી કોણ છે?” કોઈ નવોસવો છોકરો છંદોબદ્ધ કવિતા લખે અને તે પણ પૃથ્વી છંદમાં અને સૉનેટમાં? મને મળવા બોલાવ્યો, ગયો. આમ મુરલીભાઈની ઓળખાણ થઈ. મને કહે, તમે લખતા રહો. પાછળથી ખબર પડી કે એક જમાનામાં મુરલીભાઈ પણ પોતે કવિતા લખતા. હરિશ્ચંદ્ર ભટ્ટ સાથે સફરનું સખ્ય એ નામે એમનો એક જોડિયો કવિતાસંગ્રહ પણ છપાયો હતો. મારી કવિતા આમ પૂર્ણિમા માં આવ્યાને કારણે સ્વર્ગસ્થ કવિ હરિશ્ચન્દ્ર ભટ્ટના સુપુત્ર મેઘનાદ ભટ્ટ જે બી.કોમ.ના જુનિયર વરસમાં હતા તેમની સાથે પણ મારી ઓળખાણ થઈ. એ કવિપુત્ર પણ કવિતા લખતા હતા.

જારેચા, મેઘનાદ અને હું લગભગ દરરોજ મળીએ, જે કંઈ લખ્યું હોય તે એકબીજાને બતાડીએ. હું મુંબઈમાં નવોસવો. એ બંને મારાથી બે વરસ સિનિયર, પણ કવિતાની બાબતમાં હું એ બંનેથી આગળ હતો. એ બંનેને હજી જ્યારે છંદનું કોઈ ઝાઝું ભાન ન હતું ત્યારે મને તો છંદોની હથોટી બેસી ગઈ હતી. હું છંદોમાં જ કવિતા લખતો! એ ઉપરાંત મારું ગુજરાતી સાહિત્યનું, ખાસ કરીને કવિતાનું જ્ઞાન ખાસ્સું હતું. કોઈ પણ કવિનું નામ પડતાં એ કવિની કઈ કવિતા પ્રસિદ્ધ છે અને એના ક્યા ક્યા કવિતાસંગ્રહો પ્રગટ થયા છે તે હું તરત જ કહેતો. ગામની લાઇબ્રેરીમાં જે થોથાં ઉથલાવ્યાં હતાં તે અહીં કામે લાગ્યાં!

આમ હું કૉલેજમાં જ્યારે હારીને બેઠેલો ત્યારે કહો તો કવિતાએ મને બચાવ્યો. જ્યાં મને કોઈ ઓળખતું ન હતું ત્યાં એકાએક જ મારા ભાવ વધી ગયા. ગુજરાતીના પ્રૉફેસરને જાણવું હતું કે આ નટવર ગાંધી કોણ છે! કવિતા દ્વારા જ મારી અને જારેચાની અને ભટ્ટની મૈત્રી થઈ. એ મૈત્રી કૉલેજ પછી પણ ચાલુ રહી. બી.કોમ. થયા પછી ભટ્ટને તો લાગવગથી મફતલાલ મિલની મુંબઈની ઑફિસમાં નોકરી મળી ગઈ. એમના એક મિત્ર જે મફતલાલ છોડીને થોમસન ઍન્ડ ટેલર નામના ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં નોકરી કરવા ગયા હતા ત્યાં મને તેમની ભલામણથી નોકરી મળી. આમ ભટ્ટની મદદથી મને જો મારી પહેલી નોકરી મળી તો જારેચાની મદદથી હું અમેરિકા આવી શક્યો.

મારા જીવનમાં, ખાસ તો મારી પ્રગતિમાં જે મહત્ત્વનું સ્થાન રતિભાઈ ધરાવે છે, તેટલું જ અગત્યનું સ્થાન જારેચાનું છે. જારેચાની મદદથી હું કેવી રીતે અમેરિકા આવ્યો અને અમેરિકામાં એમણે મારી જે સંભાળ કરી એ વાત આગળ ઉપર આવશે. અત્યારે તો કૉલેજનાં વર્ષોની વાત કરવાની છે. મેં જોયું તો જારેચા હજી પણ કફની લેંઘા અને ચપલમાં જ પણ નિસંકોચ ફરતા હતા. જ્યારે હું સંકોચ અનુભવું ત્યારે એ કૉલેજમાં બધે છૂટથી હરે ફરે. હું તો કૉલેજની કેન્ટીનમાં જતા ગભરાઉં. ત્યાં કાઉન્ટર પર જઈ ઓર્ડર કરવાની પણ હિંમત ન ચાલે. જારેચાને એ કોઈ સંકોચ નહીં. એ તો મુરલીભાઈની કેબીનમાં પણ સહેજ જ પહોંચી જાય.

હું એમની આંગળીએ આંગળીએ બધે જવા માંડ્યો. એક વાર અમે બંને પ્રખ્યાત કવિ રાજેન્દ્ર શાહના પ્રિન્ટીંગ પ્રેસ લિપિનીમાં રવિવારની સવારે પહોંચી ગયા. ત્યાં રાજેન્દ્રભાઈ ઊગતા કવિઓ માટે વર્કશોપ ચલાવતા. નવા કવિઓ હોંશે હોંશે પોતાની કવિતા વાંચે. રાજેન્દ્રભાઈ મઠારે. વચમાં વચમાં પ્રેસના કારીગરોનું કામ જોતા તપાસતા જાય અને સૂચનો કરતા જાય. કાવ્યવાચન પછી નાસ્તો આવે. એક વાર નાસ્તો જલદી આવી ગયો. અમારા બધાનું ધ્યાન નાસ્તામાં! રાજેન્દ્રભાઈ કહે કવિતા બાજુએ મૂકો. પહેલાં નાસ્તો કરી લઈએ. “પહેલાં ભોજન, પછી ભજન!”

એક વાર મેં પણ રાજેન્દ્રભાઈને મારી છંદોબદ્ધ કવિતા દેખાડી. કૉલેજના વાર્ષિક મૅગેઝિનમાં છપાયેલી હતી. એટલે મુરલીભાઈના હાથ નીચે પસાર થઈ હતી. મને એમ કે જેમ મુરલીભાઈએ એને વખાણી હતી તેમ રાજેન્દ્રભાઈ પણ એનાં વખાણ કરશે. વાંચીને કહે, તમારા છંદ કાચા છે. મને ગમ્યું નહીં. નાની ઉંમરમાં છંદોબદ્ધ કવિતા લખવાની મારી આવડતનાં અત્યાર સુધી વખાણ જ સાંભળ્યા હતા. ત્યાં જાણીતા ગીત કવિ અને ચિત્રકાર પ્રદ્યુમ્ન તન્ના આવ્યા. એની તરફ નજર કરીને કહે, જુઓ, આ પ્રદ્યુમ્નના બાવડાં જોયા? કેવા જોરદાર છે! એ જોરદાર કેવી રીતે થયા? એ દરરોજ અખાડામાં જઈને કસરત કરે છે. તમારે એવો નિયમિત છંદોવ્યાયામ કરવાની જરૂર છે. વર્ષો પછી જ્યારે મારો પ્રથમ કવિતાસંગ્રહ, અમેરિકા અમેરિકાનું વિમોચન થયું ત્યારે રાજેન્દ્રભાઈ આવ્યા હતા. એ મને ગમેલું, પણ મનમાં હું વિચાર કરતો હતો કે હવેના મારા છંદો વિશે એ શું માનશે?

જારેચા સાથે મુંબઈમાં મેં બહુ આંટા માર્યા છે. જારેચાને કૉલેજમાં સહજતાથી અંગ્રેજીમાં વાતો કરતા, હરતાફરતા જોઈ મને થોડી ધરપત થઈ. થયું કે હું પણ વરસે બે વરસે આમ અંગ્રેજી બોલતો થઈ જઈશ. હું જ્યારે કૉલેજના જુનિયર વરસમાં આવ્યો ત્યારે એ તો બી.કોમ થઈ ગયા હતા. જ્યારે મોટા ભાગના ગ્રેજુએટ્સ નોકરી ગોતતા હતા ત્યારે એ અમેરિકા જવાનો વિચાર કરતા હતા! મને થયું, “આ માણસ ગજબ છે! છે સામાન્ય સ્થિતિના, માંડ માંડ મધ્યમ વર્ગના કહી શકાય એવા કુટુંબમાંથી આવે છે, અને છતાં અમેરિકા જવાની વાત કરે છે!”

જારેચા અમેરિકા ઉપડ્યા!

એ જમાનામાં લોકોને અમેરિકા જવાનો મોટો મોહ હતો. આંગળીના વેઢે ગણાય એટલા જ અમેરિકા જઈ આવેલા લોકોને હું ઓળખતો. તે વખતે અમને અમેરિકા માત્ર હોલીવુડની મૂવીઓ અને લાઈફ ટાઈમ મૅગેઝિનમાં જોવા મળતું એ જ. જો કે અમેરિકા વિશે જાણવાની ઉત્સુકતા ઘણી. એ વખતે મુંબઈમાં હજી ટીવી પણ આવ્યું નહોતું, તો પછી સીએનએન વગેરે ટીવી શૉની વાત ક્યાં કરવી? આજે એ બધા શૉને કારણે લોકોને અમેરિકાની નવાઈ નથી રહી. કહો કે એનું આકર્ષણ ઘટ્યું છે. વધુમાં અમેરિકાની અવરજવર પણ વધી ગઈ છે. દેશમાં ભાગ્યે જ કોઈ ઉચ્ચ મધ્યમ વર્ગનું કે પૈસાદાર ઘર એવું હશે કે જેમાંથી કોઈક ને કોઈક–દીકરો, દીકરી, ભાઈ, બહેન, જમાઈ, કે સાઢું અમેરિકામાં નહીં હોય. તે લોકો આવતા જતા હોય. વળી આવા સાધનસંપન્ન લોકો હવે તો અમેરિકામાં નિયમિત વેકેશન માણવા જાય છે!

દરરોજ છાપાંમાં કોઈ ને કોઈના અમેરિકાગમનના ફોટાઓ સાથે સમાચાર આવે જ: “ફલાણાના દીકરા આજે મોડી રાતે એર ઇન્ડિયાના પ્લેનમાં અમેરિકાની અમુક યુનિવર્સિટીમાં એમ.બી.એ.ના ઉચ્ચ અભ્યાસ કરવા માટે જવાના છે!” એમનું અમેરિકાનું પ્લેન તો ઊડવાનું હોય ત્યારે ઊડે, પણ ભાઈ તો દિવસોથી ઊડતા દેખાય. જેવી ખબર પડે કે કોઈ અમેરિકા જવાનું છે તો તુરત એના ભાવ ચડી જાય. લોકો ઘરે જમવા બોલાવે. ઍરપોર્ટ ઉપર એમને વળાવવા માટે સગાંવ્હાલાં અને મિત્રોનું ધાડું પહોંચી જાય. મારા જેવા હરખપદુડા લોકો પણ ઍરપોર્ટ પહોંચે. એ બધા વચ્ચે હારતોરા સાથે ભાઈના ફોટા પડે. બીજે દિવસે ઘરના બધાં છાપું ઉત્સુક થઈને જુએ કે શું આવ્યું છે.

અમેરિકા જવા માટેની ઘણી વસ્તુઓની જરૂર પડે: એડમિશન, વિસા, પાસપોર્ટ, ફૉરેન એક્ષ્ચેન્જ–તે બધું મેળવતા નાકે દમ આવી જાય. એ બાબતમાં મદદ કરવા કેટલાક હોશિયાર માણસો કન્સલ્ટીંગનો ધંધો કરતા. એક કન્સલટન્ટની આ બાબતની ધીકતી પ્રેક્ટિસ ચાલતી હતી. તેને મળવા જારેચા જવાના હતા. મને કહે ચાલો, મારી સાથે! હું પણ ગયો. કન્સલટન્ટને મળ્યા ત્યારે ખબર પડી કે અમેરિકા જવું એટલે બેગમાં કપડા ભરીને ઍરપોર્ટ ઉપર જઈને હારતોરા લઈને પ્લેનમાં બેસવાની માત્ર વાત નથી. મોટી વાત તો અઢળક પૈસા જોઈએ એની હતી. અમેરિકા ભણવા જવા માટે જે લાખો રૂપિયાની જરૂર પડે તે ક્યાંથી કાઢવા? એ એકડો જો પહેલાં લખાઈ જાય તે પછી જ બીજાં મીંડાંઓનું મહત્ત્વ હતું.

જારેચાના પિતાશ્રી એમની નાતના અગ્રણી સેવક હતા. એમની ઇચ્છા એવી કે નાતમાંથી પહેલું અમેરિકા જનાર તો તેમનો દીકરો હોવો જોઈએ! આમ તો એ માસ્તર હતા, પણ નાતનું બહુ કામ કરતા. નાતમાં એમની આબરૂ મોટી. નાતના ખમતીધર લોકોને કહ્યું કે આપણે હવે સંકુચિતતા છોડીને નવી પેઢીને આગળ અભ્યાસ માટે પરદેશમાં મોકલવી જોઈએ. જુઓ, મારો નવીન બી.કોમ. થયો છે. મારે એને અમેરિકા મોકલવો છે. એ ત્યાં જશે તો નાતનું નામ ઉજાળશે. ઠરીઠામ થઈને નાતના બીજા છોકરાઓને પણ બોલાવશે. આ વાત એમણે નાતના શેઠિયાઓને ગળે ઉતારી. નાતના લોકોએ ભેગા થઈને જારેચાના અમેરિકા જવા માટેનો ફંડફાળો ભેગો કર્યો! આ મોટું કામ પત્યા પછી પાસપોર્ટ, વિસા, બોટની ટિકિટ અને ફૉરેન એક્ષ્ચેન્જની પણ વ્યવસ્થા થઈ ગઈ. પેલા કન્સલટન્ટની મદદથી એમને ઍટલાન્ટા યુનિવર્સિટીમાં એડમીશન મળ્યું. જારેચાનું અમેરિકા જવાનું આમ નક્કી થયું. ચોપાટીના મોટા રેસ્ટોરાંમાં નાતનો મોટો સમારંભ થયો. તેમના મિત્રને નાતે હું પણ ગયેલો. નાતના શેઠ લોકોએ ભાષણો કર્યાં. હારતોરા થયા. બીજે દિવસે બોટ પર એમને વળાવવા ગયો. બોટ ઊપડી ત્યાં સુધી હું પીઅર ઉપર ઉભો રહ્યો.

પાછા વળતા આખે રસ્તે હું વિચાર કરતો હતો કે આમ મારું કયારેય અમેરિકા જવાનું થશે ખરું કે? જારેચા અમેરિકા જાય તો હું કેમ ન જાઉં? પણ હું અમેરિકા જઉં એ પહેલાં તો મારે બી.કોમ. થવાનું છે. એનાં હજી બે વરસ બાકી છે. જારેચા જેવા બી.કોમ. થયા કે તેમના બાપાએ દીકરાને અમેરિકા મોકલવા માટે ખાસ દેશમાંથી મુંબઈ આવીને નાતના અગ્રગણ્ય શેઠિયાઓને મળીને પૈસા ઊભા કર્યા અને છોકરાને અમેરિકા મોકલ્યો. મારે તો કાકાના કાગળો રોજ આવતા હતા. એમાં હરી ફરીને એક જ વાત હોય. કૉલેજ પૂરી થવાની કેટલી વાર છે? એમની ઇચ્છા હતી કે જલદી જલદી હું ભણવાનું પૂરું કરું, નોકરી કરવા માંડું અને દેશમાંથી ભાઈબહેનોને મુંબઈ બોલાવું અને ઠેકાણે પાડું. ટૂંકમાં બી. કોમ. થઈને મારે તો નોકરી કરવાની હતી, મુંબઈમાં સેટલ થવાનું હતું, અને દેશમાંથી બધાને બોલાવાના હતા. જારેચા સાથે મારી સરખામણી ન થાય.

હું બી. કોમ. થયો

જારેચા અને ભટ્ટના ગયા પછી કૉલેજમાં મને સૂનું સૂનું લાગવા માંડ્યું. બી.કોમ.નું ભણવામાં મને કોઈ રસ નહોતો. એ જમાનામાં સીડનહામ કૉલેજ બહુ વખણાતી. મુંબઈની ઉત્તમ કૉમર્સ કૉલેજ ગણાતી. એના પ્રૉફેસરોની ખ્યાતિ બહુ હતી. પ્રિન્સિપલ કે. ટી. મર્ચન્ટ મોટા ઈકોનોમિસ્ટ તરીકે પ્રખ્યાત હતા, અને પ્લાનિંગ કમિશન સાથે સંકળાયેલા હતા. તે ઉપરાંત મરાઠીના જાણીતા સાહિત્યકાર ગંગાધર ગાડગીલ અમને ઇકોનોમિક્સ ભણાવતા, અને કવિ પી.એસ. રેગે સિવીક્સ. આમાંથી કોઈને ભણાવવામાં કે વિદ્યાર્થીઓમાં રસ નહોતો. ક્લાસમાં આવે, ભાષણ કરીને ચાલતા થાય. એક પ્રૉફેસર તો લેક્ચર કરતા કરતા રોજ રીતસરનાં બગાસાં ખાય. ઈંગ્લીશના એક પ્રૉફેસરે જ્યોર્જ બર્નાર્ડ શોના પીગ્મેલીયન નાટકને બોરિંગ કરી નાખ્યું! એ નાટક શું છે એ તો માય ફેર લેડી ફિલ્મ જોઈ ત્યારે ખબર પડી.

બધાની જેમ ગાઈડો વાંચી ગોખીને હું એકઝામમાં પાસ તો થયો, પણ પછી શું? મારી સાથેના બી.કોમ. થયેલાઓમાં જે પૈસાપાત્ર હતા તે તો અમેરિકા જવાની તૈયારી કરવા મંડ્યા, બાકીના જે સગવડવાળા હતા તે ચાર્ટર્ડ ઍકાઉન્ટિંગનું કરવામાં લાગી ગયા. જેમને બાપધંધો હતો તે તેમાં લાગી ગયા. જેમને સારી લાગવગ હતી તે બૅંક કે કોઈ મોટી ફૉરેન કંપનીમાં લાગી ગયા. અને હું બેકાર થયો! અને સાથે સાથે રહેવાનું ઠેકાણું પણ ખોયું. કૉલેજ પૂરી થઈ એટલે મારે નાતની બોર્ડિંગમાંથી નીકળવું પડ્યું. આમ મારે માત્ર નોકરી જ નહોતી શોધવાની, સાથે સાથે રહેવા માટેનું કોઈ ઠેકાણું પણ શોધવાનું હતું. બોર્ડિંગમાં નાના ગામમાંથી આવેલા બીજા વિદ્યાર્થીઓ પણ મારી જેવી જ મુશ્કેલીમાં હતા. કૉલેજની ડીગ્રી લઈ લીધા પછી અમારે બધાએ બોર્ડિંગ છોડવાની હતી. મારા જેવા ઘરબાર વગરના ચાર છોકરાઓ ભેગા થઈને અમારામાંથી એકના સગાનો ફ્લૅટ ખાલી પડ્યો હતો ત્યાં રહેવા ગયા. જોકે એ ફ્લૅટ ચાર મહિના માટે જ મળ્યો હતો, પણ હાલ પૂરતી તો વ્યવસ્થા થઈ. પછી જેવા પડશે એવા દેવાશે એ હિસાબે રહેવા ગયા. અને મેં નોકરીની શોધ શરૂ કરવા માંડી.

મારી પાસે બાપદાદાનો કોઈ મોટો ધંધો મુંબઈમાં હતો નહીં, પૈસા તો હતા જ નહીં, કોઈ ઓળખાણ કે લાગવગ ન મળે, તો પછી મુંબઈમાં નોકરી કેવી રીતે મળે? ટાઈમ્સ વાંચવાનું ચાલુ હતું. એમાં વોન્ટ એડ જોવાનું શરૂ કર્યું. દરરોજ ઓછામાં ઓછી એક એપ્લીકેશન તો કરવી જ એવું નક્કી કર્યું. સારા કાગળ લઈ આવ્યો. ક્યાંય પણ કૉમર્સનું ભણેલાની જરૂર હોય એવું લાગે કે તુરત જ ‘રીસપેક્ટેડ સર’ થી શરૂ કરીને સારા અક્ષરે એપ્લીકેશનનો કાગળ લખતો અને સાથે બણગાં ફૂકતું રેજુમે તૈયાર હતું તે મૂકતો. એ જમાનામાં ટાઈપ રાઇટર હતા, પણ એ લેવાના પૈસા ન હોતા, અને ટાઈપ રાઇટર હોય તો પણ ટાઈપ કરતા આવડવું જોઈએ ને? એપ્લીકેશન હાથે લખ્યા સિવાય કોઈ છૂટકો ન હતો. પછી ચાલતો ચાલતો ટાઈમ્સના ફોર્ટમાં આવેલા મોટા બિલ્ડિંગની બહાર ચકચકતા પીળા બોક્સમાં એપ્લીકેશન નાખી આવતો.

ભાગ્યે જ કોઈ જવાબ આવે. અને જો આવે તો સમજવું કે કોઈ મોટી બૅંક કે ઇન્સ્યૂરન્સ કંપની અથવા તો કોઈ ફૉરેન કંપનીનો હોય. જો કે જવાબમાં મોટે ભાગે ‘ના’ જ હોય, અને તે પણ ફોર્મ લેટર હોય. ક્યારેક ઇન્ટર્વ્યૂમાં જવાનું થાય તો ખુશ થાઉં. મનમાં અને મનમાં અનેક સવાલજવાબ તૈયાર કરું. ઇન્ટરવ્યૂના દિવસે સવારના વહેલાં ઊઠી કપડાંને ઈસ્ત્રી કરાવરાવું. ટ્રેનને બદલે બસમાં જાઉં. ટ્રેનની ગિરદીમાં કપડા ચોળાવાનો ભય. કંઈક કેટલીય એપ્લીકેશન કરી કેટલાય ઇન્ટર્વ્યૂ આપ્યા, પણ નોકરીનો કોઈ પત્તો ખાધો નહીં. નોકરીની શોધમાં આખું મુંબઈ ફરી વળ્યો.

ટાઈમ્સમાં ડ્રાઈવર માટે બહુ વોન્ટ એડ આવતી, પણ આપણને ડ્રાઇવિંગ કરતા આવડવું જોઈએને! બાઈસીકલ જ જો નથી આવડતી તો કાર ચલાવાની વાત ક્યાં કરું? એક વાર એમ પણ થયેલું કે ચલો, ડ્રાઈવિંગના ક્લાસ ભરું. ગલ્ફના દેશોમાં ભણેલા માણસોની જરૂર હતી તો થયું કે ચાલો, પાસપોર્ટ કઢાવીએ અને નોકરી જ જો મળી જતી હોય તો ગલ્ફ ઉપડીએ. એ જમાનામાં હજી કમ્પ્યૂટર આવ્યા નો’તા. ટાઈપ રાઈટર અને ટાઇપિસ્ટોની બોલબાલા હતી. દરેક નાની મોટી ઑફિસમાં કોરસ્પોંડસ અને ઇન્વોઇસ તૈયાર કરવા માટે ટાઇપિસ્ટની બહુ જરૂર હોય. એટલે ટાઇપિસ્ટોની મોટી માંગ હતી. પણ આપણને ટાઈપીંગ ક્યાં આવડતું હતું? આખરે ટાઈપીંગ ક્લાસ પણ શરૂ કર્યા. મને એમ થયા કરતુ હતું કે જે સ્કીલ્સની નોકરીના બજારમાં ખાસ જરૂર છે તેમાંનું મને કંઈ આવડતું નથી, અને જે કંઈ આવડે છે તેની કોઈ ડિમાંડ નથી. મને વારંવાર થતું કે મેં બી. કોમ થઈને શું કાંદો કાઢ્યો? આ કરતાં જો મારકેટમાં જ ચોંટી રહ્યો હોત તો કોઈ લાઈન હાથ લાગી હોત. આ ચાર વરસો કૉલેજમાં બગાડ્યાં તેને બદલે કદાચ કોઈ ધંધો શીખ્યો હોત. પણ હવે મારકેટમાં થોડું જવાય છે? બી.કોમ થયા પછી ગુમાસ્તા કેમ થવાય?

આખરે નોકરી મળી

ઘણી વાર મેઘનાદ ભટ્ટને મફતલાલ મિલની એમની ઑફિસમાં મળવા જાઉં. તપાસ કરું કે એમને ત્યાં કોઈ નોકરીની શક્યતા ખરી કે? એક વાર કહે કે અહીં મફતલાલમાં નોકરી મળવી મુશ્કેલ, પણ મારા એક મિત્ર મહેતા અહીંથી હમણાં નોકરી છોડીને થોમસન ઍન્ડ ટેલર નામના નવા ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ચીફ એકાઉન્ટટન્ટ તરીકે જોડાયા છે. તમારી ઇચ્છા હોય તો તેમને વાત કરું, જો ત્યાં કોઈ જગ્યા હોય તો. મેં કહ્યું, ભાઈસાહેબ, કંઈક કરો ને! એમને કહો કે મહેરબાની કરીને મને રાખી લે. કોઈ પણ પગાર ચાલશે. એમણે મહેતાને વાત કરી. હું એ મહેતા સાહેબને મળવા ગયો. એ કહે આવતી કાલથી આવી જજો. પગાર મળશે મહિનાનો દોઢસોનો. હું તો રાજીના રેડ થઈ ગયો. આમ મને નોકરી મળી પણ આખરે ઓળખાણથી જ. ખંતથી સારા અક્ષરથી જે એપ્લીકેશન કરી હતી તે બધી નકામી જ નીવડી.

અમદાવાદના એક શ્રીમંત કુટુંબનો દીકરો અમેરિકા જઈને રીટેલ સેલ્સ મૅનેજમૅન્ટનું ભણીને એમ.બી.એ.ની ડીગ્રી લઈ આવ્યો હતો. બાપાને થયું કે આ દીકરો અમેરિકાનું ભણીને આવ્યો પણ એને ઠેકાણે કેમ પાડવો? એ રાજકુંવર કહે મારે મુંબઈમાં એક મૉડર્ન ડિપાર્ટમેન્ટ સ્ટોર કરવો છે. એ સમયે મુંબઈમાં એક જ ડિપાર્ટમેન્ટ સ્ટોર હતો, અકબરઅલી ઇબ્રાહીમજી નામે. અમેરિકન દૃષ્ટિએ એ મૉર્ડન ન ગણાય. “એ તો કોઈ દાણા બજારની દુકાન જેવો છે.” એનું માનવું એવું હતું કે એ જો મુંબઈમાં કોઈ અદ્યતન, અમેરિકન સ્ટાઈલનો ડિપાર્ટમેન્ટ સ્ટોર શરૂ કરે તો અકબરઅલી પડી ભાંગશે, અને એનો નવો સ્ટોર જામશે!

આ વાત એણે પોતાના શ્રીમંત બાપને ગળે ઉતારી. બાપને થયું કે કદાચ આ રીતે છોકરો ઠેકાણે પડશે. બાપા હતા ખમતીધર. જે કાંઈ પૈસાની જરૂર હતી, તે કાઢી આપ્યા. અને કાલાઘોડા ઉપર થોમસન ઍન્ડ ટેલર નામે મોટે ઉપાડે ધામધૂમથી ડિપાર્ટમેન્ટ સ્ટોર શરૂ થયો. મૂળમાં તો એ દવાની પ્રખ્યાત મોટી દુકાન હતી તે લઈ તેને વધારીને તેનો સ્ટોર કર્યો. અમેરિકન સ્ટાઈલ મુજબ વસ્તુઓના જુદા જુદા કાઉન્ટર બનાવાયા–દાસના રસગુલ્લા, શૂઝ, પરફ્યુમ, રેડીમેડ શર્ટસ, વગેરે, અને જુદા જુદા સેલ્સમેન રખાયા. પર્ફ્યુંમના કાઉન્ટર ઉપર રૂપાળી અને મીઠાશથી અંગ્રેજી બોલતી પારસી અને ક્રિશ્ચિયન છોકરીઓ મૂકી.

આ ઉપરાંત દવાની દુકાન તો ચાલુ જ હતી. ફાર્મસીમાં વરસોથી કામ કરીને રીઢા થઈ ગયેલા કર્મચારીઓ તો આ છોકરાઓની રમત હોય એમ જોઈ રહ્યા હતા. એમને થયું કે જો પોતે કોઈ હા ના કરશે તો જોબ જાશે. એ જમાનામાં આવો જોબ એમને બીજે ક્યાં મળવાનો છે? નક્કી પગાર તો ખરો જ, પણ સાથે સાથે ડ્રગ કંપનીઓ એમને જેટલો માલ વેચાય તેનું કમીશન સાઈડમાં આપે. તે ઉપરાંત એ બધા મળી ગયેલા. દરરોજ સાંજે ઘરે જાય ત્યારે કોઈ મોંઘી દવા ખીસામાં મૂકી દે. ડોરકીપર પણ આમાં ભળેલો. એ એમને જવા દે. કમિશન અને દવાની રોજની તફડંચીની ઉપર કેબીનમાં બેઠેલા નાદાન જુવાનિયા મેનેજરોને કાંઈ ભાન નહીં. ઘણી વાર એમને હું ફાર્મસીમાં નીચે મળવા જતો ત્યારે એ મને સાનમાં સમજાવતા. “ગાંધી, તમે બીજી નોકરી શોધવાનું ચાલુ રાખજો. આ અમેરિકન ધતિંગ ઇન્ડિયામાં લાંબું નહીં ચાલે! જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી તમાશો જુઓ અને મજા કરો.” એમની વાત સાવ સાચી પડી. થોડાંક વરસોમાં થોમસન ઍન્ડ ટેલર સ્ટોર ઊઠી ગયો અને અકબરઅલી હજી પણ ધીકતો ધંધો કરે છે. આમ અમેરિકામાં એમ.બી.એ. થયેલા લખપતિના હીરાએ ખરેખર જ લાખના બાર હજાર કર્યા. પણ એ શ્રીમંત બાપ આગળ બીજા કંઈક લાખો રૂપિયા પડ્યા હતા. કાનખજૂરાનો એકાદ પગ ઓછો થયો તો શું થઈ ગયું?

પણ મને તો આ સ્ટોરમાં નોકરી મળી એ જ મોટી વાત હતી. કામ જમાઉધારની જર્નલ એન્ટ્રીઓ પાડવાનું હતું, એમાં કોઈ બી.કોમ.ની ડીગ્રીની જરૂરિયાત નહોતી. પણ મારી પાસે આ કૉમર્સની ડિગ્રી હતી તો જોબ મળ્યો. રતિભાઈની વાત સાવ સાચી હતી. મારી પાસે જો આર્ટસ કૉલેજની ગુજરાતી સાહિત્યમાં બી.એ.ની ડિગ્રી હોત તો હું હજી રખડતો હોત. મૂળ તો એ જમાનામાં જોબ જ હતા નહીં. અને જે કોઈ થોડાં ઘણાં હતાં તેને માટે લાગવગની જરૂર પડતી.

ડિગ્રી હોવા છતાં આ જેવી તેવી પણ નોકરી મેળવતાં નાકે જે દમ આવી ગયો એટલાથી ખબર પડી કે દુનિયામાં કેટલે વીસે સો થાય છે. વધુમાં એક કડવી વાત એ સમજાણી કે હું ભલે મુંબઈની સભાઓમાં આંટા મારું ને મોટા મોટા સાહિત્યકારોને મળું કે કૃષ્ણ મેનન કે આચાર્ય કૃપલાની સાથે દેશના ભવિષ્યની ચર્ચા કરું, પણ એ બધી વાતોથી ઘરે છોકરા ઘૂઘરે રમે નહીં. ક્યાં આ દોઢસો રૂપરડીની નોકરી અને ક્યાં બધી કૉલેજનાં વરસોમાં સેવેલી મહત્ત્વાકાંક્ષાઓ? મને થયું કે આવી બે બદામની નોકરી શોધતાં મારે નાકે જો દમ આવી જાય છે તો હું શું દેશસેવા કરવાનો હતો? મુનશી, મેનન, કૃપલાની, રાધાકૃષ્ણ, નહેરુ, અશોક મહેતા વગેરેની બધી મોટી મોટી વાતો છોડી દો, ભાઈ!

એ બધી વાતો તો શેખચલ્લીના ચાળા અને રમત છે

કૉલેજનાં વરસોમાં સેવેલી મહત્ત્વાકાંક્ષાઓએ મારા મગજમાં મારી વિશિષ્ટતાનું જે ભૂસું ભરેલું તે બધું આ ન કરવા જેવી નોકરીએ કાઢી નાખ્યું. ફાર્મસી વાળાઓની વાત મને ગળે ઊતરી ગયેલી. વધુમાં હું તો અકાઉન્ટન્ટ ને? સ્ટોરની આવક જાવક જોતો અને થતું કે આ ગાડું લાંબું ચાલે નહીં. આપણે આપણો વિચાર કરવાનો છે. સારી નોકરી ગોતવાનો પ્રયત્ન ચાલુ રાખવાનો છે. ટાઈમ્સ જોતા રહેવાનું છે અને મિત્રોને પણ કહેતા રહેવાનું કે ભાઈ આપણું કંઈ થાય તો જોજો.

હું જર્નાલીસ્ટ થયો, એક અઠવાડિયા માટે!

એક મિત્ર જન્મભૂમિ જૂથના ધંધાને લગતા સાપ્તાહિક વ્યાપારમાં પત્રકાર તરીકે કામ કરતા હતા. તેમને એક વાર મળવા ગયો. પૂછ્યું, તમારે ત્યાં કોઈ મેળ મળે એમ છે? એ કહે, હમણાં અહીંયા કંઈ નથી, પણ મેં એમ સાંભળ્યું છે કે જન્મભૂમિના તંત્રી મોહનલાલ મહેતા ‘સોપાન’ યુવાન પત્રકારોની શોધમાં છે. તેમને મળો. અહીંયા જ ઉપરના માળે એમની ઑફિસ છે. તપાસ કરો. હું તો પહોંચી ગયો ‘સોપાન’ની કેબીનમાં. પ્યૂન સાથે ચિઠ્ઠી મોકલાવી. ‘સોપાને’ મને અંદર બોલાવ્યો.

મેં કહ્યું કે મારે તમારા હાથ નીચે નોકરી કરવી છે. તમારી પાસેથી પત્રકારત્વ શીખવું છે. કહ્યું કે મેં એમના અમેરિકા પ્રવાસનું રસિક વર્ણન જન્મભૂમિમાં કટકે કટકે વાંચ્યું હતું અને મને ખૂબ ગમ્યું હતું. આ ખુશામત એમને ગમી. એ કહે, અત્યારે અહીં જન્મભૂમિમાં કોઈ ઓપનીંગ નથી, પણ જો તમને મૅગેઝિનમાં કામ કરવાનો અને લખવાનો રસ હોય તો હું તમને હમણાં ને હમણાં જ જોબ આપી શકું છું. મારે ઘરેથી હું થોડાં મૅગેઝિન ચલાવું છું. મને ખબર હતી કે ‘સોપાન’ વર્ષોથી અખંડ આનંદના તંત્રી હતા. તે ઉપરાંત એમનાં પત્ની લાભુબહેન અને પુત્રીઓ સાથે સાથે જીવન માધુરી, બાળ માધુરી એવા મૅગેઝિન ચલાવતા હતા. મને એ પણ ખબર હતી એમનું ઘર મુંબઈમાં ક્યાં હતું: ગુલબહાર, બેરેક રોડ, મેટ્રો સિનેમા પાછળ! ‘સોપાન’ પર મારી પહેલી છાપ સારી પડી હશે. મને કહે કાલથી આવી શકશો? મેં કહ્યું જરૂર! અને બીજે જ દિવસે થોમસન ઍન્ડ ટેલરમાં કશું જણાવ્યા વગર હું તો ‘સોપાન’ને ઘરે પહોંચી ગયો. આમ હું જર્નાલીસ્ટ થયો!

‘સોપાન’ના મોટા ફ્લૅટમાં એક બાજુના રૂમોમાં એમનું કુટુંબ—પોતે, લાભુબેન, અને એમની બે દીકરીઓ—રહેતું. અને બીજી બાજુના રૂમોમાં મૅગેઝિનોમાં કામ કરતા સ્ટાફના બે લોકો બેસે. જેવો હું દાખલ થયો તેવું જ એ કર્મચારીઓએ મારી સામે ઘૂરકીને જોયું. ‘સોપાન’ આવ્યા. મારી ઓળખાણ કરાવી. કહ્યું કે ગાંધી તમારી સાથે આજથી કામ કરશે. એમણે તેમની કામ કરવાની પ્રથા સમજાવી. કહ્યું કે મારે તમારું કામ પડશે ત્યારે બોલાવીશ અને ત્યારે જ તમારે ફેમીલી કવાર્ટર્સમાં આવવું. ત્યાં મારી જુદી ઑફિસ છે. જ્યારે જ્યારે અમારામાંથી કોઈની જરૂર પડે ત્યારે એ બેલ વગાડે. અમને ખબર કે એક વાર બેલ વાગે તો કોને જવાનું, બે વાર બેલ વાગે તો કોને જવાનું. હવે એમાં હું ત્રીજો ઉમેરાયો. ઉપરાઉપરી ત્રણ બેલ વાગે ત્યારે “ગાંધી, તમારે આવવું.”

એક બેલ વાગે એટલે અમે ત્રણે રાહ જોઈએ કે હવે ફરી વાર બેલ વાગશે કે નહીં. પહેલી વાગે એટલે એક ભાઈ ‘સોપાન’ની ઑફિસમાં અંદર જવા તૈયાર થાય. બાકીના અમે બે રાહ જોઈએ હવે કોઈ બેલ વાગવાની છે કે નહીં. બીજી વાગ્યા પછી પહેલા ભાઈને રાહત થાય: હાશ, બચ્યા. બાકીના અમે બે ત્રીજી બેલની રાહ જોઈએ. ત્રીજી વાગે એટલે એ બીજા ભાઈને નિરાંત થાય. હું અંદર જાઉં. જેવો પાછો આવું કે પેલા બે પૂછે, સાહેબ શું કહે છે? અમારી બાબતમાં કાંઈ પૂછતા હતા કે? સ્ટાફના માણસોએ શરૂઆતમાં જ ઑફિસનો ઉમરો બતાવીને મને સમજાવેલું કે “આ લક્ષ્મણ રેખા છે. તમારે નોકરી ગુમાવવી હોય તો જ એ ઓળંગવી!”

નોકરી કરવા માટે કોઈને ઘરે જવું એ મને જરા વિચિત્ર લાગ્યું. થોમસન ઍન્ડ ટેલરમાં કામ કરવા જતો ત્યારે ઑફિસમાં જતો હોઉં એમ લાગે, ફોર્ટમાં જવાનું, આજુબાજુ બૅંકો, બીજી ઑફિસો, દુકાનો, રેસ્ટોરાં હોય. સ્ટોરનો મોટો સ્ટાફ પણ ખરો. એ ઉપરાંત સાંજે છૂટો ત્યારે ફોર્ટના વિસ્તારમાં કંઈક પ્રવૃત્તિઓ ચાલતી હોય. આમાંનું અહીં કંઈ ન મળે. કામ કરવાવાળા મને ગણીને ટોટલ ત્રણ–ઇન, મીન ને તીન. ભાગ્યે જ કોઈ કોઈની સાથે વાત કરે. બાકીના બે જણ વારે વારે મારી સામે ઘૂરકીને જોયા કરે. એમને એમ કે ‘સોપાને’ આ નવા માણસને એમના ઉપર જાસૂસી કરવા મૂક્યો છે.

‘સોપાને’ મને પહેલું કામ આપ્યું એક અંગ્રેજી લેખનો અનુવાદ કરવાનું. “ગાંધી, તમે કૉલેજમાં ભણેલા છો એટલે તમે આ અનુવાદ કરી શકશો.” રીડર્સ ડાયજેસ્ટ કે એવા કોઈક મૅગેઝિનમાં આવેલો એ લેખ હતો, ‘No man is a hero to his valet.’ મેં એનો અનુવાદ કર્યો. એમને ગમ્યો. હું જો ભૂલતો ન હોઉં તો એ મારા નામઠામ વગર અખંડ આનંદમાં છપાયો. મારું આ પહેલું જ લખાણ આમ મારા નામ વગર છપાયું!

હું બી.કોમ. હતો એટલે ‘સોપાન’ મને કહે કે તમારે આપણું હિસાબ કિતાબનું કામ પણ સંભાળવાનું છે. પછી એમની એક દીકરીનો પરિચય આપતા કહે કે એ તમને સમજાવશે કે એકાઉન્ટ્સ બૂક્સ કેમ રાખવી. એની ઉંમર નાની છે પણ લાભુબહેને એને એવી ટ્રેનિંગ આપી છે કે એ ઇન્કમટેક્ષમાં પાસ થાય એવી બૂક્સ રાખી શકે છે. પછી તો એ દીકરી મને એક પછી ઓર્ડર્સ આપવા માંડી કે મારે શું શું કરવું. મને એ કઠ્યું. થયું કે હું તો સીડનહામમાંથી બી.કોમ. થયેલો છું, આ છોકરી મને શું ઍકાઉન્ટિંગ શીખવાડવાની હતી? એમ પણ થયું કે જો મારે અહીં આવીને ઍકાઉન્ટિંગનું જ કામ કરવાનું હોય તો થોમસન ઍન્ડ ટેલર શું ખોટું હતું? મારે તો લેખક થવું હતું.

ત્રીજે દિવસે જ્યારે ફેમીલી કવાટર્સમાં કોઈ ન હતું ત્યારે એક કર્મચારી ભાઈ જે વરસોથી અહીં નોકરી કરતા હતા તે મારી પાસે આવી, હળવેથી કહે, “ગાંધી, એવું મેં સાંભળ્યું કે તમે બી.કોમ. થયા છો, એ વાત સાચી?” મેં કહ્યું, “હા, હજી હમણાં જ ડીગ્રી લીધી,” અને છાપ મારવા ઉમેર્યું, “અને તે પણ સીડનહામ કૉલેજમાંથી!” એ કહે, “ભલા માણસ, તમે મૂરખ છો? બી.કોમ.ની ડીગ્રી છે અને તે પણ સીડનહામમાંથી અને તમે અહીં નોકરી કરો છો? તમારું શું ફરી ગયું છે? ભાગો અહીંથી. આ લોકો તો તમારો દમ કાઢી નાખશે. આવી નોકરી તો જે લોકો અમારી જેમ ભણ્યા નથી એવા માટે છે. તમારી જેવી ડીગ્રી હોત તો હું તો કો’ક મોટી બૅન્ક કે ઇન્સ્યૂરન્સ કંપનીમાં ક્યારનોય લાગી ગયો હોત!” ‘સોપાન’ને મળવા ગયો હતો ત્યારે જે વાત મને કહી હતી તે એકાએક જ યાદ આવી: “હું તમારું શોષણ નહીં કરું!” હું ચેત્યો. ‘સોપાન’ના ઘરે એક જ અઠવાડિયામાં મને ખબર પડી ગઈ કે આમાં આપણું ઝાઝું વળે તમે નથી.

બીજે જ અઠવાડિયે થોમસન ઍન્ડ ટેલરમાં નીચી મૂંડીએ પહોંચી ગયો. ત્યાં મહેતા સાહેબ મને પૂછે, “ક્યાં હતા ગાંધી તમે આખું અઠવાડિયું? અમને તો ચિંતા થઈ. તમારી તબિયત બગડી ગઈ’તી કે શું?” મેં કહ્યું કે “હા, સાહેબ, એકાએક જ, અને ઘરે ટેલિફોન ન મળે, એટલે તમને જણાવી નહી શક્યો.” એ ભલા માણસે મારી વાત માની! અને વળી પાછું મારું જમા ઉધાર કરવાનું કામ શરુ થઈ ગયું. આમ મારી જર્નાલીસ્ટ તરીકેની કારકિર્દી એક જ અઠવાડિયામાં પૂરી થઈ ગઈ.

અને એક અઠવાડિયા માટે વીમા એજન્ટ પણ થયો!

હું થોમસન ઍન્ડ ટેલરમાં વળી પાછો જાણે કશું જ ન બન્યું હોય તેમ કામે લાગી ગયો. પણ એ સાવ સામાન્ય, બુક કીપીન્ગનો જોબ મને રાત દિવસ સતાવતો હતો. સારી નોકરી માટેની મારી શોધ ચાલુ જ હતી. દેશમાં એક વાર કાકાને મોઢે સાંભળ્યું હતું કે એમના એક નાનપણના ગોઠિયા મિત્ર વી. એચ. વોરા લંડન જઈને એક્ચ્યુઅરી થઈ આવેલા. અત્યારે તે મુંબઈમાં લાઈફ ઇન્સ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલ.આઈ.સી.) માં મોટો હોદ્દો ધરાવતા હતા. મેં કાકાને લખ્યું કે એ મુંબઈ આવે અને મને વોરા સાહેબ પાસે લઈ જાય. એમની લાગવગથી એલ.આઈ.સી.માં જોબ અપાવી દે કારણ કે લાગવગ સિવાય સારી નોકરી મળવી શક્ય જ નથી.

કાકા મુંબઈ થોડા આવવાના હતા? પણ એક ચિઠ્ઠી લખી મોકલાવી. લખ્યું કે એને ઘરે જઈને આ ચિઠ્ઠી આપજે. તને એલ.આઈ.સી.માં નોકરી મળી જશે. મેં ગોતી કાઢ્યું કે વોરા સાહેબ મુંબઈમાં ક્યાં રહેતા હતા. મુંબઈના મલબાર હિલના પોશ એરિયામાં એમના ઘરે એક સવારે વહેલો પહોંચી ગયો. પણ હું પહોંચું તે પહેલાં વરસાદ ત્યાં પહોંચી ગયો. મુંબઈના એ ધોધમાર વરસાદમાં બિચારી છત્રીનું શું ગજું? એ તો કાગડો થઈ ઊડી ગઈ. વોરા સાહેબના ઘરે પહોંચ્યો ત્યારે કપડાં વરસાદના પાણીથી લદબદ હતા. બેલ મારી. ઘાટીએ દરવાજો ઉઘાડ્યો. મેં એને કાકાની ભીંજાયેલી ચિઠ્ઠી આપીને કહ્યું કે સાહેબને મળવું છે. એણે મારા દીદાર જોયા. કહે, ઇધર ખડા રહો. એ ચિઠ્ઠી લઈ અંદર ગયો. થોડી વારમાં બહાર આવીને કહે, સાહેબકો મિલને કે લિયે, કલ અગ્યારે બજે ફોર્ટકી ઑફિસમેં આના. આમ વોરા સાહેબના દર્શન કે નોકરી વગર હું એમના ઘરેથી નીકળ્યો.

થોડું ઓછું આવ્યું. મને એમ કે એ વ્હાલથી બેસાડશે, કાકાના ખુશખબર પૂછશે. ચા પાણી નાસ્તો કરાવશે. મુંબઈમાં મને એમની મદદની જરૂર પડે તો તેમને મળવા કહેશે. જ્યાં સુધી મુંબઈમાં કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમને ત્યાં આવીને રહેવા આવવાનું કદ્દાચ કહેશે! આમાંનું કંઈ ન થયું એનું આશ્ચર્ય તો થયું જ, રંજ પણ થયો. જો કે બીજે દિવસે ઑફિસમાં આવવાનું કહ્યું એથી સાવ હામ ન હારી. ઓછામાં ઓછું જે કામ માટે ગયો હતો તે થાય, અને મને એલ.આઈ.સી.માં સારી નોકરી મળી જાય તો આપણે ગંગા ન્હાયા. એમને ઘર ગયાનું સાર્થક થાય.

બીજે દિવસે એમની ફોર્ટની ઑફિસમાં પહોંચી ગયો. થોડો વહેલો ગયેલો. મારા એક મિત્ર શરદ પંચમિયા ત્યાં એલ.આઈ.સી.માં જ કામ કરતા હતા. એને પહેલો મળ્યો. કહ્યું કે હું તો વી. એચ. વોરાને મળવા આવ્યો છું. વોરા સાહેબ મને એલ.આઈ.સી.માં નોકરી અપાવાના છે. પંચમિયા તો આભા બની ગયા! મને કહે કે તમારી મીટિંગ પતે અહીં પાછા આવજો. આપણે સાથે ચા પીશું. એ જ બિલ્ડિંગના ટોપ ફ્લોર ઉપર વોરા સાહેબની ઑફિસ હતી. હું તો કૂદતો કૂદતો બબ્બે પગથિયાં ચડતો ત્યાં પહોંચી ગયો.

સેક્રેટરીએ મને વેઈટિંગ રૂમમાં બેસાડ્યો. બેઠો બેઠો હું મનમાં ગોઠવણી કરતો હતો કે હું એમને શું કહીશ. એમની ઉપર કેમ સારી છાપ પાડીશ. કેવી નોકરી, ક્યાં, કેટલા પગારની માંગીશ, વગેરે, વગેરે. દસ મિનિટ, વીસ મિનિટ, અડધો કલાક, પોણો કલાક, કલાક, હું રાહ જોતો બેઠો રહ્યો. એક પછી એક એમ સૂટ, બૂટ, ટાઈ પહેરેલા ઑફિસરો આવતા જાય, પણ આપણો કોઈ ભાવ જ ન પૂછે. ગભરાતા, ગભરાતા સેક્રેટરીને પૂછ્યું: મારો નંબર ક્યારે લાગશે? એણે મારી સામે જોયા વગર જ કહ્યું કે હજી બેસવું પડશે. બેઠો. દોઢ કલાકે મને અંદર બોલાવ્યો. ગયો. જોયું તો વોરા સાહેબ બહુ બીઝી લાગ્યા. મને કહે, તમને આ એક નામ આપું છું એ ભાઈને મળો એ તમને કામે લગાડી દેશે. સેક્રેટરી તમને એનું એડ્રેસ આપશે. બે મિનિટમાં જ મીટિંગ પતી ગઈ!

હું તો રાજીના રેડ થઈ ગયો. નીચે પંચમિયા સાથે ચા પીવા ગયો. સેક્રેટરીએ જે માહિતી આપી હતી તે મેં એમને બતાડી. તે જોઈ એ તો હસવા મંડ્યા. કહે, આવી નોકરી તો હુંય તમને અપાવી શકું! મને સમજાવ્યું કે આ તો વીમા એજન્ટ થવાની વાત છે. આમાં તો તમારે ઘરે ઘરે જઈને લાઈફ ઇન્સ્યૂરન્સ વેચવાનો છે. હવે મારે આભા થવાનો વારો આવ્યો. છતાં વોરા સાહેબે કહ્યું હતું, એટલે ઓછામાં ઓછું જેમનું નામ આપ્યું હતું તેને મળવા ગયો. એ ભાઈ મોટા વીમા ઑફિસર હતા. એમનું કામ વીમા વેચનાર એજન્ટોને ટ્રેઈન કરવાનું. એ તો નવા નવા ઇન્સ્યૂરન્સ એજન્ટ ગોતતા જ હતા. એમણે મને સમજાવ્યું કે વીમો કેમ વેચવો. કહે કે પહેલાં તમે તમારા સગાંવહાલાં અને મિત્રોને વહેંચો. એ બધા તમને ઓળખે, તમે એમને ઓળખો. વીમો લેવાની વાત તમે કહેશો તે માનશે.

એમની સલાહ મુજબ મુંબઈમાં રહેતા મારા ઓળખીતા લોકોનું લીસ્ટ બનાવ્યું. નક્કી કર્યું કે એમને એક પછી એક મળવા જવું અને વીમો લેવાનું કહેવું. બીજે જ દિવસે સવારે રવિવારે હું દૂરના એક માસાને મળવા ગયો. રજાના દિવસે સવારનો વહેલો ગયો એટલે તેમને આશ્ચર્ય થયું. મને કહે, દેશમાં બધા બરાબર છે? કોઈ મર્યું તો નથી ને? મેં એમને મારા આવવાનો હેતુ સમજાવ્યો. પેલા વીમા એજન્ટે મને જે ગોખાવ્યું હતું તે બોલવાનું શરૂ કર્યું: જુઓ મુંબઈની પરાની ટ્રેનમાં લોકો જાન જોખમમાં મુકીને દરરોજ આવ જા કરે છે. તમે પણ દરરોજ ટ્રેનમાં આવ જા કરો છો. ક્યારે શું થાય એ કહેવાય નહીં, એવું એવું બધું.

માસાએ આ બધું સાંભળ્યા પછી, મોટેથી બૂમ પાડી માસીને રસોડામાંથી બોલાવ્યા. જો, આ નટુ આવ્યો છે. અને પછી પૂછ્યું, હું છેલ્લાં ત્રીસ વરસથી મુંબઈ ટ્રેનમાં રોજ આવજા કરું છું, ક્યારેય ઘરે પાછો ન આવ્યો હોઉં એવું બન્યું છે? માસી શું બોલે? પછી મને ચા પીવરાવી ને કહે, તું આ વીમાના રવાડે ક્યાં ચડ્યો? વીમાના એજન્ટો તો કંઈક રખડે છે. એમાં તારું કંઈ વળવાનું નથી. કોઈ ધંધાની લાઈન હાથમાં પકડ તો બે પૈસા કમાઈશ. હું ચેત્યો. મારામાં વીમો કે બીજું કૈં પણ વેચવાની આવડત છે જ નહીં.

પંચમિયા આગળ પાછો ગયો. એમને પૂછ્યું, હવે મારે શું કરવું? એ કહે, વોરા સાહેબ જઈને કહો કે તમારે તો એલ.આઈ.સી.ની ઑફિસમાં જોબ જોઈએ છે. હું પાછો વોરા સાહેબને મળવા ગયો. કીધું કે ઑફિસની નોકરીનું કાંઇક કરી આપો. ફરી વાર મળવા ગયો એ એમને નહીં ગમ્યું. કહે, કે એ માટે તમારે અરજી કરવી પડે, એક્ઝામ આપવી પડે, એવા જોબ માટે હજારો લોકોની લાઈન લાગેલી છે. હું સમજી ગયો કે એ કંઈ મને એમ ને એમ એલ.આઈ.સી.ની નોકરી અપાવી દેવાના નથી. જો કે પંચમિયાએ કહ્યું તેમ વોરાનો એક ઈશારો થાય તો મને એલ.આઈ.સી.નો જોબ ફટ કરતા મળી જાય. આપણે તો પાછા હતા ત્યાં ને ત્યાં! સદ્ભાગ્યે આ વખતે મેં મારો થોમસન ઍન્ડ ટેલરનો જોબ ચાલુ રાખ્યો હતો.

હવે શું કરવું?

મારી સાથે જે મિત્રો કૉલેજમાં હતા તેમાંથી મોટે ભાગે બધા લાગવગ ઓળખાણને કારણે સારી સારી નોકરીએ લાગી ગયા. કેટલાક બાપદાદાના ધંધામાં બેસી ગયા. ભાગ્યશાળી નબીરાઓ અમેરિકા પહોંચી ગયા. કેટલાકે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થવા માટે જરૂરી આર્ટિકલ ભરવા મંડ્યા. આ બધા નસીબદાર લોકોની મને ખૂબ ઇર્ષા આવતી. મારે સાવ સામાન્ય ક્લર્ક તરીકે નોકરી કરવી પડે છે એની શરમ પણ થતી હતી. મને થતું કે હું કોને શું મોઢું બતાડું? મેં મિત્રો અને સગાંવહાલાંઓને મળવાનું જ બંધ કરી દીધું. મળવાનું થાય તો અચૂક પૂછપરછ થાય, “હમણાં ક્યાં નોકરી કરો છો? ક્યાં રહો છો? ધંધાની કોઈ લાઈન હાથમાં આવી કે?” આમાંથી એકેય પ્રશ્નના મારી પાસે સંતોષ કારક જવાબ નહોતા. કોઈ જાણીતું મને મળવા આવવાનું કહે તો હું એ ટાળું. એક વાર થોમસન ઍન્ડ ટેલરના મેઝેનીન ફલોરમાં જ્યાં હું બેસતો ત્યાંથી નીચે સ્ટોરમાં મેં બે મિત્રોને આવતા આવતા જોયા. હું દોડીને બાથરૂમમાં જઈ સંતાઈ ગયો! કંઈ કામે ગાંધી બ્હાર ગયા હશે, એમ માનીને થોડી વાર મારી રાહ જોઈને મિત્રો પાછા ગયા.

જો કોઈ લાગવગ નથી તો અરજી તો કરીએ, ક્યાંક કદાચ એ તુક્કો લાગી જાય, એ ન્યાયે, વળી પાછું મેં દરરોજ ટાઈમ્સ જોવાનું અને એપ્લીકેશન કરવાનું શરૂ કર્યું. દરરોજ સવારે સારા અક્ષરે એક એપ્લીકેશન લખતો. કાલબાદેવીની નાતની વીસીમાં ખાવાનું, પછી ત્યાંથી ચાલતા ચાલતા ફોર્ટમાં ટાઇમ્સના બિલ્ડિંગમાં મોટા ચકચકતા પીળા બોક્સમાં એપ્લીકેશન નાખવાની. ત્યાંથી ચાલતા થોમસન ઍન્ડ ટેલરમાં જઈને જમાઉધારની જર્નલ એન્ટ્રીઓ પાડવાની. આ મારી રોજની રૂટીન.

મનમાં ઊંડે ઊંડે હતું કે મારી ડેસ્ટીની કંઈક જુદી જ હોવી જોઈએ. હારવું નથી એવો મક્કમ નિર્ણય કરીને કંઈ ને કંઈ પ્રેરણાત્મક સાહિત્ય વાંચતો. વિવેકાનંદનો ‘Arise, Awake’ વાળો પૅરેગ્રાફ મેં મોટા અક્ષરે લખી મારા ડેસ્ક પર કાચની નીચે રાખ્યો હતો તે વારંવાર વાંચતો. સ્ટોરના મોટા શેઠ જેના પૈસાથી અમારો ખોટનો ધંધો ચાલતો હતો તે એક વાર અમદાવાદથી સ્ટોરની વિઝિટે આવ્યા. સ્ટોરમાં ફરતા ફરતા અમારા અકાઉન્ટીંગ ડિપાર્ટમેન્ટ આવ્યા. એમણે એ વિવેકાનંદનો ફકરો જોયો. મને પૂછ્યું કે તમે કોણ છો, શું અભ્યાસ કર્યો છે, હજુ આગળ અભ્યાસ કરવાનો છો, શું વાંચો છો, મને તમારી પ્રગતિના સમાચાર મોકલતા રહેજો, વગેરે વગેરે. આપણે તો રાજીના રેડ થઈ ગયા. થયું કે આપણું પ્રમોશનનું નક્કી!

મેં તો એમની સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો! એમની આગળ અભ્યાસ કરવાની ટકોર યાદ હતી. એમની ઉપર છાપ પાડવા મેં તરત પાર્ટ ટાઈમ એલ.એલ.બી.નું લફરું શરૂ કર્યું. સવારના વહેલા ઊઠીને ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં જતો, પછી વીશીમાં અને પછી સ્ટોરમાં. જો કે આ બાબતમાં મેં દેશમાં કાકાને કહ્યું જ નહિ, એમને થાય કે વળી પાછું કૉલેજમાં જવાની શી જરૂર? એક ડિગ્રી ઓછી છે?

મૂળજી જેઠા મારકેટમાં, ફરી એક વાર!

સ્ટોરમાં પ્રમોશન મળે કે ન મળે, પણ મારું દરરોજનું એક એપ્લીકેશન કરવાનું તો ચાલુ જ હતું. એક વાર સ્ટોરમાં એક અજાણ્યા માણસ મને મળવા આવ્યા. નામ ભાનુભાઈ. મને કહે કે તમારી સાથે કોફી પીવી છે અને વાત કરવી છે. થોડું આશ્ચર્ય થયું, પણ મફતની કોફી પીવામાં શી હાનિ એમ માનીને એમની સાથે બહાર ગયો. મને કહે કે તમે મદ્રાસની એક ટેક્ષટાઈલ મિલની મુંબઈની ઑફિસમાં નોકરી માટે જે અરજી કરી છે એ લોકો તમને જોબ આપવા તૈયાર છે. તમે કયારથી શરૂ કરી શકો? હું તો ભૂલી પણ ગયેલો કે મેં આવી કોઈ નોકરીની એપ્લીકેશન કરેલી. દરરોજ જો હું એક એપ્લીકેશન કરતો હોઉં તો મહિને બે મહિને કેમ યાદ રહે કે ક્યાં એપ્લાય કરેલું? પણ પગાર વધુ હતો એટલે મારી ઉત્સુકતા વધી.

મેં ભાનુભાઈને પુછ્યુ કે તમે ત્યાં કામ કરો છો? ના, એમણે કહ્યું, પણ વાત વિગતથી સમજાવી કે એ શા માટે આવ્યા હતા. દક્ષિણની બે પ્રખ્યાત ટેક્ષટાઈલ મિલના કાપડનું મુંબઈમાં વેચાણ કરવાનો ઈજારો આ કંપનીના હાથમાં હતો. એ કંપનીના બે ભાગીદારો. એક ગુજરાતી અને બીજા મદ્રાસી. ધંધો ધીકતો ચાલે. કાપડનો માલ ઉમદા, ડીમાંડ બહુ, ગ્રાહકો બંધાયેલા. ઝાઝી મહેનત વગર જ ધંધો ચાલે. મદ્રાસી પાર્ટનર મિલોનું કામ સંભાળે, ગુજરાતી પાર્ટનર ચોપડા અને બૅંકનું. ભાગીદારીમાં મદ્રાસી સિનિયર, નફામાં એનો ભાગ વધુ, આખરે તો એના સંપર્કો અને સંબંધોને કારણે જ આવી બબ્બે જબ્બર મિલની એજન્સીઓ મળી હતી. ગુજરાતી પાર્ટનરનું કામ રૂટીન હતું. કોઈ મહેતાજી પણ એ કામ સંભાળી શકે. મુદ્દાની વાત એજન્સી સાચવી રાખવાની હતી, બાકી બધું એની મેળે થાય. અને એ કામ મદ્રાસીના હાથમાં.

જેમ જેમ નફો વધતો ગયો તેમ તેમ ગુજરાતી પાર્ટનરની દાનત બગડી. એને થયું કે એને અડધો અડધ ભાગ મળવો જોઈએ. આ કચકચ ચાલતી હતી. પણ એનો કોઈ ઉકેલ આવતો નહીં. ગુજરાતી ભાઈ સમજતા હતા કે જો એ ઝઘડો કરશે તો ધંધામાંથી સાવ જશે. મદ્રાસી ભાઈને એવી શંકા પેઠી કે ગુજરાતી પાર્ટનર ચોપડાઓમાં ગોટાળા કરે છે. કંપની કેટલો નફો બનાવે છે તે બતાડે જ નહીં અને પૈસા ઉપાડ્યા કરે. નફો કેટલો થાય છે એની મદ્રાસીને ખબર જ ન પડે એ માટે એણે ચોપડા લખવાનું સાવ બંધ કર્યું! જ્યારે મદ્રાસી પાર્ટનર પૂછપરછ કરે ત્યારે જેમ તમે ગલ્લાંતલ્લાં કરીને વાત ટાળી દે.

મદ્રાસી પાર્ટનર કોઈ અકાઉન્ટન્ટ રાખવાની વાત કરે તો ગુજરાતી પાર્ટનર કહે કે એવી શું જરૂર છે, હું બેઠો છું ને? આખરે મદ્રાસી પાર્ટનર આ ગલ્લાંતલ્લાંથી થાકી ગયા. નક્કી કર્યું કે અકાઉન્ટન્ટ તો રાખવો જ પડશે જેથી વ્યવસ્થિત હિસાબકિતાબ થાય, રેગ્યુલર ઑડિટ થાય, અને નફા નુકસાનની વરસને અંતે ખબર પડે. એને એવો અકાઉન્ટન્ટ રાખવો હતો કે જે ઈંગ્લીશ પણ જાણતો હોય. એમને કોઈ મારકેટનો મહેતાજી નહોતો જોઈતો. આવો અકાઉન્ટન્ટને ગોતવાનું કામ એમણે એમના જૂના પાડોશી મિત્ર ભાનુભાઈને સોંપ્યું, એમણે ટાઈમ્સમાં એડ આપી, મેં અપ્લાય કર્યું હશે. કાગનું બેસવું અને ડાળનું પડવું. આમ મને આ નોકરી મળી.

પણ આ નોકરી કરવા મારે પાછું મૂળજી જેઠા મારકેટમાં જવાનું થયું! પણ ભાનુભાઈ પાસે કેટલીક ચોખવટ કરી. “ટોપી નહીં પહેરું, ચા લેવા નહીં જાઉં, શેઠના ગુલામની જેમ ઑફિસ સિવાયના આડાઅવળાં કામ નહીં કરું–શેઠના દીકરા માટે મેટ્રોમાં ટિકિટ લેવા નહીં જાઉં, બૅંક અવર્સ મુજબ સવારે આવીશ અને સાંજે નિયત સમયે ઘરે જઈશ, શનિવારે પણ બૅંક અવર્સ રાખીશ, વગેરે.” પહેલી વાર મારકેટમાં નોકરી શરૂ કરી ત્યારે પહેલે જ દિવસે મોટા મહેતાજીએ કહેલું કે તારે ટોપી પહેરવાની છે. અને પછી કહે ચા લઈ આવ. દરરોજ બધાં આવે એ પહેલાં પેઢીએ પહોંચવાનું તો ખરું જ, પણ ગમે તેટલું મોડું થાય તો પણ શેઠ મહેતાજીઓ બધા ઘરે જાય પછી જ ઘરે જવાનું. શનિવારે તો બહુ મોડે સુધી પેઢી ઉઘાડી હોય. કહે કે ઘરે જવાની શું ઉતાવળ છે? કાલે તો રવિવાર છે! એમને મારી એટલી તો ગરજ હતી કે ભાનુભાઈએ કહ્યું કે કાંઈ વાંધો નહીં. આવી જાઓ. આ બાબતમાં કોઈ મુશ્કેલી પડે તો મને જણાવજો.

પહેલે દિવસે જઈને જોયું તો મારે ગાદી ઉપર નીચે નહોતું બેસવાનું. બેસવા માટે ખુરસી ડેસ્ક હતાં. ચપ્પલ પણ કાઢવાની જરૂર ન હતી. મારકેટની હાયરારકી(ઉચ્ચાવચતા)માં હવે મારું સ્થાન પહેલાં કરતાં ઊંચું થયું. હવે હું ઘાટીને કહી શકું કે “ચા લઈ આવ!” મારકેટની ભૂગોળથી પણ હું પરિચિત હતો. મુંબઈમાં આવ્યે હવે મને પાંચ વરસ થઈ ગયાં હતાં, એટલે શહેરની પણ ગતાગમ હતી. ઉપરાંત મારકેટના કોક અભણ શેઠિયાની પેઢીમાં નહીં, પણ મિલની એજન્સીની ઑફિસમાં કામ કરવાનું હતું. મદ્રાસી પાર્ટનર સાથે ઈંગ્લીશ હિન્દીમાં વાતચીત થતી. એને મળવા આવતા લોકોમાં સાઉથના ઘણા અગત્યના ઊંચા ઑફિસરો, ધંધાદારી લોકો હોય. ઑફિસની જગ્યા મોટી, સાથે નાનો એવો બાથરૂમ. મારકેટની નજીક પણ મારકેટની બહાર. મોટો ફાયદો એ કે હું ત્યાં રાત્રે સૂઈ શકું. બોર્ડિંગના મિત્રો સાથે જે ફ્લૅટમાં રહેતો હતો તે તો કામચલાઉ હતો, એ ખાલી કરવાનો હતો. રોજના જમણ માટે નાતની વીશીમાં જતો, પણ રહેવું ક્યાં એ પ્રશ્ન તો હજી માથે હતો. મુંબઈમાં એ જમાનામાં જગ્યાની ભયંકર તંગી. દૂરનાં પરાંઓમાં પણ એક નાનકડી ઘોલકી લેવી હોય તો પણ હજારો રૂપિયાની પાઘડી આપવી પડે. મહિને મહિને ભાડું પગારમાંથી નીકળે, પણ એક સાથે પાઘડીની હજારો રૂપિયાની રકમ ક્યાંથી કાઢવી? ઓરડીની પાઘડીના પૈસા તો હતા જ નહીં. રહેવાનો પ્રશ્ન તો ઊભો જ હતો. મેં વિનંતી કરી કે મારે સૂવા બેસવા માટે ટેમ્પરરી જગ્યાની જરૂર છે તો રાતે હું ઑફિસમાં સૂઈ શકું?

મને રજા મળી. પરંતુ શેઠ મને કહે, અહીં તમારો સામાન રાખવાની જગ્યા નથી. એની વ્યવસ્થા કંઈક બીજે ઠેકાણે કરવાની. મારી પાસે ત્યારે કોઈ સામાન કે સાધનસામગ્રી હતા જ નહીં. પહેર્યાં કપડાં એ જ! ઑફિસમાં એક ઘાટી અને ભૈયાજી પણ રાતે સૂતા હતા. મારકેટમાં કામ કરતા મોટા ભાગના ઘાટીઓ અને ભૈયાઓ પોતાના કુટુંબકબીલાને દેશમાં મૂકીને મુંબઈમાં નોકરી કરતા. વરસે બે વરસે દેશમાં આંટો મારીને કુટુંબીજનોને મળી આવે. મુંબઈની નોકરીની જે કમાણી થાય તેમાંથી દેશમાં બૈરીછોકરાંઓનું ભરણપોષણ થાય. હું ભલે ને બી.કોમ. થયો, પણ ઓરડીની બાબતમાં મારી દશા આ ઘાટીઓ અને ભૈયાઓ જેવી જ હતી. હું એમની સાથે રાતે સૂવામાં જોડાયો. એમને બહુ ગમ્યું નહીં, પણ મેં એમને સમજાવ્યું કે હું તો ઓરડીની શોધમાં જ છું. આ તો ટેમ્પરરી વ્યવસ્થા છે. જેવી મને ઓરડી મળી કે હું ચાલ્યો. જો કે મનમાં ઘણું સમજતો હતો કે હું એમ ક્યાંથી ચાલવાનો હતો? પગારમાંથી માંડ માંડ ચાલતું હતું ત્યાં ક્યાંથી પાઘડીના પૈસા હું કાઢવાનો હતો?

અઠવાડિયે બે અઠવાડિયે ભૈયાજી મને કહે, હમ મજા કરને કે લિયે ચલતે હૈ, આપ ભી ચલિયે. શરૂઆતમાં તો હું કૈં સમજ્યો નહી, પણ ઘાટીએ મને સમજાવ્યું કે ભૈયાજી તો ફોકલેન્ડ રોડ પર વેશ્યાવાડે જતા હતા! હું ગભરુ માણસ અત્યાર સુધી તો નિશાળેથી નીસરી જવું પાંસરું ઘેરના ન્યાયે જિંદગી જીવ્યો હતો, તે હવે ફોકલેન્ડ રોડ ઉપર મજા કરવા જવાનો હતો? ઉપરથી જો શેઠને ખબર પડી ગઈ તો નોકરી જાય એ કેમ પોસાય? લોકો મારે માટે શું ધારે?

તેમાં હું લગ્ન કરીને બેઠો!

મુંબઈમાં મારી એકલતા ટાળવા હું ઘણી વાર શનિ-રવિએ મારા મામા-મામીને ત્યાં વિલે પાર્લામાં જતો. એમનું ઘર નાનું, બે જ ઓરડીનું, પણ મારે માટે હંમેશ ઉઘાડું. બન્ને અત્યન્ત પ્રેમાળ અને ઉદાર દિલના. એમનો મારે માટે પ્રેમ ઘણો. શનિવારે જાઉં, રાત રોકાઉ, રવિવારે સાંજના પાછો પેઢીમાં. મામાની બાજુમાં એક વોરા કુટુંબ રહેતું હતું–ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો. મોટા ભાઈ પરણેલા, એટલે ભાભી અને એમનાં ત્રણ સંતાનો, એમ બધા બે ઓરડીમાં રહેતા. બે બહેન પરણીને સાસરે હતી. એક હજી કુંવારી, એનું નામ નલિની. એને મામીની સાથે બહુ બનતું. એ મોટા ભાગે મામીને ઘરે જ પડી પાથરી રહેતી. મુંબઈની ચાલીઓમાં બારીબારણાં તો રાતે જ બંધ થાય, આખો દિવસ ઉઘાડાં હોય. પાડોશીઓની એકબીજાના ઘરમાં આખોય દિવસ અવરજવર થયા કરે. જ્યારે હું મામા-મામીને ત્યાં જતો ત્યારે વોરા કુટુંબની અને ખાસ તો નલિનીની ઓળખાણ થઈ. મને એ ગમી ગઈ.

કૉલેજનાં વરસો દરમિયાન કોઈ છોકરી સાથે મૈત્રી બાંધવાની કે પ્રેમ કરવાની વાત તો બાજુમાં રહી, હું એવી કોઈની ઓળખાણ પણ ન કરી શક્યો. ત્યારે મારી ઉંમર વીસેક વરસની હતી. મારા જુવાનજોધ શરીરની નસેનસમાં વીર્ય ઉછળતું હતું. અને મારી જાતીય ઝંખના દિવસે દિવસે તીવ્ર થતી જતી હતી. જિંદગીમાં હજી સુધી તો કોઈ યુવતીનો સ્પર્શ પણ નહોતો કર્યો. મારી પ્રેમપ્રવૃત્તિ માત્ર કવિતા પૂરતી જ હતી. મોટા ભાગના ગુજરાતી કવિઓની જેમ મારી છંદોબદ્ધ કવિતામાં જે પ્રેમિકા આવતી હતી તે માત્ર કલ્પનામૂર્તિ જ હતી. મેટ્રો કે ઇરોસ જેવા થિયેટરમાં હોલીવુડની ફિલ્મોમાં ગમે તેમ છૂટછાટ લેતી રૂપાળી અભિનેત્રીઓ જોઈને હું આભો બની જતો. મેટ્રોમાં લગભગ દર રવિવારની મેટિનીમાં જાઉં. જે કોઈ મૂવી હોય તેમાં બેસી જાઉં. એ દોઢ બે કલાક તો કોઈ નવી જ દુનિયામાં પહોંચી જાઉં. પણ થિયેટરમાંથી બહાર નીકળતાં જ મને મુંબઈની મારી કપરી પ્રેમવિહોણી વાસ્તવિકતાનું ભાન થાય, અને હું ભયંકર હતાશા અનુભવું.

ધીમે ધીમે મને સમજાતું ગયું કે મારા ભાગ્યમાં કોઈ રૂપાળી, પૈસાપાત્ર કુટુંબની કે ભણેલ ગણેલ મુંબઈની છોકરી નથી લખી. એવી છોકરીને મુંબઈ છોડીને ક્યાંય બીજે નથી જવું ગમતું. એટલું જ નહીં મુંબઈમાં રહેવા માટે એને ફ્લૅટ જોઈએ. તે પણ દૂરનાં પરાંઓમાં નહીં. પ્રોપર મુંબઈમાં હોય તો જ એ વિચાર કરે. મારી પાસે ફ્લૅટ શું, સમ ખાવા પૂરતી એક નાનકડી ઓરડી પણ નહોતી. નોકરી પણ મૂળજી જેઠા મારકેટની! આવા મારા હાલ હવાલ જોઈને, કોણ મને છોકરી આપવાનું છે? વધુમાં ભણેલ છોકરી તો હૂતો હુતી બંને એકલા રહી શકે એવું નાનું કુટુંબ પસંદ કરે. છોકરાની સાથે ભાઈબહેનોનું મોટું ધાડું હોય તે તેને પોસાય નહીં. વરની સાથે ઘરડાં માબાપ કે જેઠજેઠાણી જેવા વડીલો આવતાં હોય તો તેમની સેવા કરવી પડે. એ પણ ન ચાલે! આવી બધી શરતો સામે હું કાયર હતો. કાકા-બા, ત્રણ ભાઈઓ અને એક બહેન દેશમાં રાહ જોઈને બેઠા હતા કે ભાઈ ક્યારે મુંબઈમાં ઓરડી લે અને અમને બોલાવે!

જાતીય ઉત્સુકતાને કારણે નલિની પ્રત્યેનું મારું આકર્ષણ વધવા મંડ્યું. એ ઝાઝું ભણી નહોતી. કૉલેજ સુધી પણ પહોંચી નહોતી. જો કે મુંબઈની ચાલીમાં રહેલી એટલે મુંબઈમાં ઓછા પગારમાં ઘર કેમ ચલાવવું તેની એને ખબર. બહોળા કુટુંબમાં અને ગરીબાઈમાં ઊછરી હતી, એટલે કરકસર કરી જાણતી. હા, એ કંઈ મીનાકુમારી કે વૈજયંતીમાલા જેવી રૂપસુંદરી નહોતી, પણ ચહેરો જોવો ગમે તેવો હતો. અત્યાર સુધી એ એક જ એવી છોકરી મળી કે જેની સાથે હું સહેલાઈથી વાતોચીતો કરી શકતો. અને જે મારી સાથે વાતો કરતી. મને થયું કે એની સાથે મારી સગાઈ થાય તો કેવું?

નલિનીના ભાઈઓ તો ક્યારનાય એની સગાઈ કરવા માથાકૂટ કરતા જ હતા. મામા મામીને ત્યાં મને આવતો જતો રોજ જોતા, એમને થયું હશે કે આ છોકરા સાથે બહેનનું નક્કી થઈ જાય તો એમને માથેથી આ એક ઉપાધિ ઓછી થાય. એમણે આ વાત મામીને કરી, અને મામીએ મને કરી. પણ મેં કહ્યું કે મને નલિનીમાં રસ છે, પણ હાલ તુરત મારી પાસે કોઈ રહેવાની વ્યવસ્થા નથી, હું તો પેઢીમાં સૂઉં છું અને નાતની વીશીમાં જમું છું. એ લોકો કહે એમને એ બાબતનો કોઈ વાંધો નથી, ચાલો, સગાઈ તો કરી નાખીએ.

મેં દેશમાં બા-કાકાને જણાવ્યું. કાકાને થયું કે જો લગ્ન કરશે તો વહેલો મોડો મુંબઈમાં ઓરડી લેશે, અને ભાઈઓને મુંબઈ બોલાવશે. વધુમાં મારી એક બહેન હજી કુંવારી હતી. તેની પણ સગાઈ કરવાની હતી. એને માટે દેશમાં છોકરો મળવો મુશ્કેલ હતો. એને પણ મુંબઈ મોકલાય અને પોતાની માથેથી એ બધો ભાર ઓછો થાય. છોકરી કોણ છે, કુટુંબ કેવું છે, પોતાના દીકરા માટે બીજે કોઈ સારે ઠેકાણે તપાસ કરવી જોઈએ, છોકરો હજી નાનો છે, સારી નોકરી પણ નથી કે ધંધાની કોઈ લાઈન પણ હાથમાં આવી નથી, અરે, હજી ઓરડી પણ નથી તો રહેશે ક્યાં, એવી કોઈ બાબતનો વિચાર કર્યા વગર કાકાએ તો હા પાડી દીધી.

એ જમાનામાં મારા જેવો ભણેલો છોકરો મળવો મુશ્કેલ. ઘણા પૈસાદાર લોકો આવા લાયક છોકરા સાથે પોતાની છોકરીને પરણાવવા માટે મુંબઈના સારા વિસ્તારમાં ફ્લૅટ અપાવી દે, સારી નોકરી અપાવે કે પોતાના ધંધામાં બેસાડી દે. અમારા જ એક સગાએ આ રીતે પોતાના છોકરાને પરણાવ્યો. સસરાએ એને મુંબઈની જુહુ કૉલોનીમાં ફ્લૅટ અપાવી દીધો. પણ એવી છોકરી મારે માટે ગોતવા કાકાએ મુંબઈ આવવું જોઈએ, આજુબાજુ પૂછપરછ કરવી જોઈએ. એમને એવી કોઈ માથાકૂટ કરવી નહોતી, એમને તો મારા ત્રણ ભાઈઓ અને બહેન ક્યારે મુંબઈ જાય જેથી એમને માથેથી ભાર ઓછો થાય એ ખ્યાલ હતો. હું પણ મૂરખ કે મેં પણ કંઈ ઝાઝો વિચાર ન કર્યો, અને સગાઈ કરી બેઠો!

જેવી સગાઈ થઈ કે તુરત નલિનીના મોટા ભાઈએ લગ્ન કરવા કહ્યું. કહે કે “અત્યારના જમાનામાં સગાઈ લાંબો સમય રહે તે જોખમી છે. ધારો કે તમારું ફટક્યું અને સગાઈ તોડી નાખી તો પછી અમારી બહેનનું શું થાય?” આવી બધી દલીલો કરી તરત લગ્ન કરવા દબાણ કર્યું. મેં કહ્યું મારી પાસે રહેવા માટે ઓરડી જ ક્યાં છે? લગ્ન તો કરીએ, પણ રહેવું ક્યાં? એ કહે, લગ્ન પછી નલિની વરસ બે વરસ દેશમાં રહેશે. ત્યાં સુધીમાં તો તમે ઓરડી લઈ શકશો. પણ લગ્ન તો હમણાં કરી જ નાખો. આમ કોઈ સારી નોકરીનો બંદોબસ્ત નથી, રહેવાનાં કોઈ ઠેકાણાં નથી, તોય હું લગ્ન કરીને બેઠો!

મૂર્ખતાની કોઈ હદ હોય કે નહીં? નલિનીના ભાઈઓ તો એમનો સ્વાર્થ જોતા હતા, પણ મેં લાંબો વિચાર કેમ ન કર્યો? જીવનનો આ અત્યંત અગત્યનો નિર્ણય ઝાઝો વિચાર કર્યા વગર હું લેતો હતો ત્યારે મારા કોઈ વડીલોએ હું શું કરી રહ્યો છું તે બાબતમાં ચેતવણી પણ નહીં આપી. સત્તરેક વરસની ઉંમર પછીના જીવનના બધા જ નિર્ણયો આમ મેં મારી મેળે જ લીધા હતા. આ દૃષ્ટિએ જીવનમાં મેં જે ચડતીપડતી કે તડકી છાંયડી જોઈ છે, તે બાબતમાં હું મારી જાત ને જ જવાબદાર માનું છું. એમાં મારાથી કોઈનો વાંક કાઢી ન શકાય. પણ મારી નાદાનિયતામાં લીધેલ નિર્ણયોને કારણે મારે કેવી કેવી મુશ્કેલીઓ સહન કરવી પડશે તેનો ખ્યાલ તો પછી આવ્યો.

હું ઘોડે નહીં, ખટારે ચડ્યો!

જે બસમાં હું થોડાં સગાંઓને લઈને પરણવા ગયેલો એ જાણે કે જૂનો કોઈ ખટારો જ જોઈ લો. બા કાકા અને બીજા સગાંઓ તો દેશમાં હતાં. મારા બહેન બનેવી વગેરે જે બીજા કોઈ થોડાં મુંબઈમાં હતાં તેમણે કોઈએ મારા લગ્નમાં ઝાઝો રસ ન બતાવ્યો. લગ્નની બધી તૈયારી પણ મારે જ જાતે કરવાની હતી. હું ત્યારે ગાંધીવાદી સાદાઈમાં માનતો હતો. ખાવાપીવામાં, કપડાં પહેરવામાં, બધી જ રીતે સાદાઈથી રહેતો. આગળ જણાવ્યું તેમ નાતની બોર્ડિંગમાં પણ દર રવિવારે ફરસાણ અને મિષ્ટાન હોય તે હું ન ખાઉં! માત્ર બે રોટલી અને થોડું શાક એમાં મારું ખાવાનું પતી ગયું. વચમાં તો એક ટાણું જ ખાતો. દેશમાં આવી ગરીબી હોય અને લોકો ભૂખે મરતા હોય ત્યારે મારાથી મિષ્ટાન કેમ ખવાય કે ત્રણ ટંક કેમ ખવાય? જો આવી મારી માન્યતા હોય તો પછી હું લગ્નનો જમણવાર થોડો કરવાનો હતો?

બને તેટલી સાદાઈથી જ મારે લગ્ન કરવાં હતાં. લગ્નની ધામધૂમમાં કશો ખર્ચો કરવો નહોતો. જો કે ખર્ચો કરવાના પૈસા પણ હતા નહીં. સાદાઈથી જ બધું પતાવવું હોય તો સિવિલ મેરેજ કરવા પડે. થોડાં સગાંઓને લઈને મારે વિલે પાર્લે નલિનીના ઘરે જવાનું હતું. સહી સિક્કા કરવા કોર્ટનો ઑફિસર ત્યાં આવવાનો હતો. આ સિવિલ મેરેજ કરાવવા કોઈ બ્રાહ્મણ નહીં, પણ કોર્ટમાંથી ઑફિસર આવે. પાંચ દસ મિનિટમાં સહી સિક્કા કરાવી દે, અને બિન્ગો, તમારા લગ્ન થઈ જાય! કોઈ જાન ન નીકળે, જો માંડવો જ ન નંખાય તો બૈરાંઓ મોંઘાં પટોળાં કે સાડી સેલાં ને ઘરેણાં પહેરીને ક્યાં બેસે અને લગ્નનાં ગીતો ક્યાં ગાય? સાજનમાજન સજ્જ થઈને ક્યાં બેસે? કોઈ કંકોત્રી નહીં, રિસેપ્શન નહીં, મેળાવડો નહીં, જમણવાર નહીં.

લગ્નનો કોઈ ખર્ચો નથી થવાનો એ વાત કાકાને ગમી. એમણે કોઈ વિરોધ નહીં નોંધાવ્યો. એમણે તો ખાલી હાજરી જ આપવાની હતી. પણ એ જ્યારે મુંબઈ આવ્યા ત્યારે એકલા જ આવ્યા. મારા બા નહીં આવ્યાં. એમને થયું હશે કે ઘરે મોટા દીકરાના લગ્ન થાય અને લોકો ગળ્યું મોઢું ન કરે? જાન ન નીકળે? લગ્નનાં ગીતો ન ગવાય? મેંદીવાળા હાથ ન થાય? આ લગ્ન છે કે છોકરાઓની ઘરઘરની રમત છે? જો કે એમને મોઢે ફરિયાદનો એક શબ્દ પણ મેં ક્યારેય સાંભળ્યો નથી, પણ એમણે એમનો વિરોધ એમની ગેરહાજરીથી નોંધાવ્યો! એમના પહેલા દીકરાના લગ્ન થતાં હતાં અને બા પોતે જ હાજર નહીં! બા ન જ આવ્યાં! આજે હું સમજી શકું છું કે મેં બાને કેટલું દુઃખ આપ્યું હશે! આજે આ લખતાં મારી આંખ ભીની થાય છે.

થોડાં સગાં એક ઠેકાણે ભેગાં થાય અને ત્યાંથી અમે બસમાં સાથે વિલે પાર્લે જઈએ એમ નક્કી થયું. બધાં ભેગા તો થયા, પણ બસ ન મળે! સરનામાની કંઈ ગરબડ થઈ હશે તેથી ડ્રાઇવર ભૂલો પડ્યો. બસનું નક્કી તો મેં જ કરેલું. જાનૈયાઓને મૂકીને વરરાજા બસ શોધવા નીકળ્યા! સારું થયું કે મારી સાદાઈની ધૂનમાં મેં વરરાજાને શોભે એવા ભભકાદાર કપડાં નહીં પણ રોજબરોજના લેંઘો કફની જ પહેરેલાં, નહીં તો મુંબઈના એ ટ્રાફિકમાં રઘવાયા થઈને પગપાળા બસ શોધતા વરરાજાને જોઈને લોકોને હસવું આવત. આખરે બસ મળી, જોતાં જ થયું કે આ બસ છે કે ખટારો? અમે બધા જેમ તેમ એમાં ગોઠવાયાં, સીટ ઓછી પડી, થોડા લોકો સાથે વરરાજા ઊભા રહ્યા. આમ મારી જાન નીકળી!

મુંબઈના ટ્રાફિકમાં અમારી બસ પા પા પગલી ભરતી હતી. એનું હોર્ન પોં પોં કરીને માથું દુઃખવતું હતું. માનો કે એ જ મારી શરણાઈ અને નગારાં! ધાર્યા કરતાં અમને મોડું થયું એટલે નલિનીના ભાઈઓને ચિંતા થઈ. એ જમાનો મોબાઈલનો નહોતો, અને લેન્ડલાઈન પણ પૈસાવાળાઓને ત્યાં જ હોય. એ લોકો અમને શોધવા નીકળ્યા, એમને થયું કે એક્સીડન્ટ થયો કે બસવાળો રસ્તો ભૂલ્યો? કોર્ટ ઑફિસર ઊંચોનીચો થવા માંડ્યો. એને બીજી અપોઇન્ટમેન્ટ હતી. આખરે અમે પહોંચ્યા ખરા, પણ કલાકેક મોડા! જાણે કે મારા ભવિષ્યના લગ્નજીવનમાં જે મુશ્કેલીઓ પડવાની હતી એની આ બધી એંધાણી હતી.

જેવા અમે પહોંચ્યા કે કોર્ટ ઑફિસરે અમને ઝટપટ સહી સિક્કા કરાવી, ‘કોન્ગ્રેચ્યુલેશન’ કહી ચાલતી પકડી. આમ ફેરા ફર્યા વગર કે સપ્તપદીનાં પગલાં ભર્યા વગર અમે પ્રભુતામાં પગલાં માંડ્યા! અમે પરણ્યા તો ખરા, પણ અમારે લગ્નની સુહાગ રાત ક્યાં કાઢવી એ પ્રશ્ન મોટો હતો. ઘર તો હતું નહીં. આનો ઉપાય મેં શોધી કાઢ્યો હતો : જેવા લગ્ન થાય કે તે જ દિવસે માથેરાન જવું, હનીમૂન માટે. અને જે દિવસે માથેરાનથી પાછા આવીએ તે જ દિવસે નલિનીએ દેશમાં જવું, એટલે મુંબઈમાં રાત કાઢવાનો સવાલ જ ઊભો ન થાય.

માથેરાનમાં હનીમૂન

લગ્નના સહીસિક્કા થયા. વડીલોને પગે લાગી અમે સીધા ગયા બોરીબંદર સ્ટેશને. માથેરાનની ગાડી પકડી. રાતે હોટેલમાં પહોંચ્યા. જીવનમાં પહેલી જ વાર હોટેલમાં રહેવાનું થયું. અને તેમાંય કોઈ સ્ત્રી સાથે! મારે મન મોટી વાત હતી. વેવિશાળ પછી અમને બહાર ફરવા જવાની છૂટ હતી. નલિનીને લઈને હોલીવુડની ફિલ્મો જોવા જતો. એમાં હીરો અને હિરોઈનના છૂટથી ચુંબન કરવાના દૃશ્યો આવતાં. એ જોવા માટે અમે હોલીવુડની મૂવીઓ જોવા જતા. એ જમાનામાં બૉલીવુડની હિન્દી ફિલ્મોમાં ચુંબનનાં દૃશ્યો સેન્સર બોર્ડ કાપી નાખતું હતું. માથેરાનની હોટેલમાં તો અમે એકલા જ હતા. અહીં તો બધું કરવાની અમને છૂટ હતી. મારી જે જાતીય ભૂખ હતી તે હવે હું કશાય સંકોચ વગર સંતોષી શકું તેમ હતું. છતાં અમે સંયમ જાળવ્યો. જ્યાં સુધી મુંબઈમાં રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમારે કુટુંબ શરૂ નહોતું કરવું.

રહેવાનું કોઈ ઠેકાણું નથી, સારી નોકરી નથી, પૈસા નથી, એવા અનેક મૂંઝવણભર્યા પ્રશ્નોને ભૂલીને હું માથેરાનમાં અમારું હનીમૂન માણવા મંડ્યો. આપણે તો પાછા રોમેન્ટિક ખરા ને! પ્રસિદ્ધ કવિ અને સૉનેટ સ્વામી બલવંતરાય ઠાકોરની જાણીતી સોનેટમાળા પ્રેમનો દિવસ મારી સાથે લઈ ગયો હતો! થયું કે અમે બંને સાથે પ્રેમ કરતા કરતા એ વાંચીશું અને માણીશું! બાકી રહ્યું હોય એમ અમે માથેરાનમાં ઘોડેસવારી કરી અને મિત્રોને બતાડવા એના ફોટાઓ પણ પાડ્યા!

જેવું હનીમૂન પત્યું કે અમારા પ્રશ્નો પુરબહારમાં શરૂ થયા. જે દિવસે મુંબઈ આવ્યા કે તે જ દિવસે નલિની અને હું દેશમાં જવા રવાના થયા. એ સમયે મુંબઈથી સાવરકુંડલા જવા વિરમગામ સ્ટેશને ગાડી બદલવી પડે અને લગભગ ચોવીસેક કલાક થઈ જાય. ગાડીની એ લાંબી મુસાફરી અમે ઊંચા જીવે પૂરી કરી ગામ પહોંચ્યા. મનમાં ફફડાટ હતો કે બા કાકા શું કહેશે? હું એમનો ભાર હળવા કરવાને બદલે એમને માથે વધુ બોજો નાખતો હતો. વધુમાં બાની ઇચ્છા વિરુદ્ધ જ મેં ઊભડક લગ્ન કર્યાં હતાં. જે વહુને હું ઘરમાં લાવતો હતો તેને એમણે જોઈ પણ ન હતી!

હું નલિનીનો પણ વિચાર કરતો હતો. ભલે નલિની દેશમાં રહેવા તૈયાર થઈ, પણ એને થયું તો હશે ને કે આ લગ્ન તો કેવું કે જેમાં પરણેતર સાથે રહેવાનું નહીં. જેવા પરણ્યા તેવા જ ધણીથી પાંચસો ગાઉ દૂર જઈને રહેવાનું? અને તે પણ સાસરે જ્યાં સાસુ, ત્રણ દિયર, નણંદ વગેરે ને ઓળખવાની વાત તો બાજુ રહી, જોયા પણ નથી. અને એ પણ મુંબઈ જેવું મોટું શહેર છોડીને ગામડા જેવા નાના ગામમાં?

આવી બધી ચિંતા સાથે ઘરે પહોંચ્યો. બા કાકા અને બીજા વડીલોને પગે લાગ્યો. જાણે પોતાની ઇચ્છા વિરુદ્ધ કશું થયું જ ન હોય તેમ બાએ અમ વરઘોડિયાને વધાવી લીધા. એમણે તો ગોર પણ બોલાવી રાખ્યો હતો. ન્હાઈ ધોઈને અમે જેવા તૈયાર થયાં કે તરત પૂજામાં બેસાર્યા. આડોશપાડોશમાંથી લોકો આવ્યા. બાએ બધાને કંસાર ખવરાવ્યો, જે વિધિ મેં મુંબઈમાં કરવાની ના પાડી હતી તે બધી જ બાએ દેશમાં મારી આગળ કરાવી. મેં એમનું એવું તો મનદુઃખ કરેલું કે હવે એમને ના ક્હેવાની મારી હિંમત જ ન ચાલી. અને મેં જો ના પાડી હોત તો પણ મારું ત્યાં થોડું ચાલવાનું હતું? આ કાંઈ મુંબઈ થોડું હતું?

બા

નલિની સાથે દેશમાં હું માત્ર એક જ અઠવાડિયું રહ્યો. પણ એમાં મને મારા બાની કુશળતા અને કોઠાસૂઝની પહેલી જ વાર ખબર પડી. એમણે નલિનીની બધી જ જવાબદારી માથે લઈ લીધી. સમજો કે એમણે એનો કબજો લઈ લીધો. આ એક જ અઠવાડિયામાં મેં જોઈ લીધું કે બાએ સાત સાત સંતાનોને કેવી રીતે ઉછેર્યાં હશે. અમારા બહોળા સંયુક્ત કુટુંબમાં કેટલાં બધાં માણસો રહેતાં હતાં! સંતાનો ઉપરાંત, સાસુ સસરા, જેઠ જેઠાણી અને દૂરના બીજાં બે ત્રણ સગાંઓ, અને આવતા જતા અનેક મહેમાનો–બાએ આ બધાંની વચ્ચે રહેવાનું અને બધાનું સાચવવાનું. આમાં નલિનીનો વધારો થયો. જો કે નલિનીએ એમનો મોભો વધાર્યો. અત્યાર સુધી બા નાની વહુ ગણાતા. હવે એ સાસુ બન્યા, જાણે કે એમને પ્રમોશન મળ્યું!

આમ તો બા નિરક્ષર હતાં. એ ભણેલાં નહોતાં એનો અર્થ એવો નહીં કે એ ગણેલા નહોતાં! અમારા સંયુક્ત કુટુંબમાં રહેવું સહેલું ન હતું. જેઠાણીએ મા બાપાને રાખવાની ના પાડી અને જુદા રહેવા ગયાં. ઘરડા સાસુસસરાની સારવાર કરવાનું બાને માથે આવ્યું. એમાં માજીનો પગ ભાંગ્યો એટલે બાને માથે વળી એક કામ વધ્યું. માજી ને નવરાવવા ધોવરાવવાનું અને એમની બીજી બધી સફાઈ પણ બાએ જ કરવાની હતી. બીજું કોણ કરે? જેઠાણીની કોઈ મદદ હતી નહીં અને અમારી આર્થિક પરિસ્થિતિ એવી નહોતી કે કાકા કોઈ બાઈને માની સંભાળ માટે રાખે.

આવું બધું ઘરનું કામ ઓછું હોય તેમ કાકા એમાં વધારો કરે. ઘણી વાર વગર કહ્યે જ જે ખેડૂતો માલ વેચવા આવ્યા હોય તેમને જમવા માટે ઘરે લઈ આવે. બાએ ઊભાઊભા એમની રસોઈ બનાવવાની. એ ખડતલ લોકોનો ખોરાક પણ જબરો! ઘણી વાર બાપાને ફરસાણ ખાવાનું મન થાય. કહે, “વહુ, આજે થોડા ભજિયાં બનાવજો,” અથવા ગળ્યું ખાવાનું મન થાય તો કહે, “વહુ, આજે થોડો શીરો હલાવજો!” આ ઉપરાંત આવડા મોટા કુટુંબની સવાર સાંજની રસોઈ તો ખરી જ. એ જમાનામાં બહાર રેસ્ટોરાંમાં જવાની તો વાત હતી જ નહીં. અને કેટરિંગનું નામ કેવું અને વાત કેવી?

આ ઘરકામના બોજા ઉપરાંત અમ સાત ભાઈબહેનની સંભાળ લેવાની એ જુદી. કાકા તો સવારથી દુકાને જવા નીકળી પડે. બાની દરરોજની રૂટીન એની એ જ. એમાં કોઈ ફેરફાર નહીં. બાએ કોઈ દિવસ વેકેશન લીધું હોય કે ક્યાંય બહારગામ ગયા હોય એવું મને યાદ નથી. સિનેમા નાટકની વાત બાજુએ મૂકો, મેં એમને નવરાત્રિમાં રાસગરબા લેતા પણ જોયા નથી. એમની સમગ્ર દુનિયા અમારા ઘરની ચાર દીવાલોમાં સમાઈ ગઈ હતી. એમની જિંદગીમાં ઘરકામના ઘસરડા સિવાય મેં બીજું કંઈ જોયું નથી. મેં ક્યારેય બા-કાકાને સાથે બેસીને વાત કરતા કે હસતા જોયા નથી. ક્યારેય કાકા બા માટે કોઈ સાડી, ઘરેણું એવું કાંઈ લાવ્યા હોય તે પણ મને યાદ નથી.

અને છતાં બા પાસેથી મેં ક્યારેય ફરિયાદનો કોઈ શબ્દનો સાંભળ્યો નથી. ઊલટાનું કાકાનાં વખાણ કરતા બાની જીભ ન સુકાય. અમે એમના પુત્રોએ એમને કોઈ સુખ કે શાંતિ આપ્યાં નથી, ઊલટાનું એમનું દુઃખ વધાર્યું છે. પુત્રવધૂઓએ એમનો એક સાસુ તરીકે કોઈ મહિમા કર્યો નથી, ઊલટાનું એમની સાથે ઝઘડાઓ કર્યા છે. એમની વૃદ્ધાવસ્થામાં જ્યારે એમને જરૂર પડી છે ત્યારે અમે કોઈ હાજર નથી રહ્યાં.

૧૯૯૭માં મને વિશ્વગુર્જરીનો એવોર્ડ મળેલો ત્યારે બાને આખાયે કુટુંબ સાથે હું અમદાવાદ લઈ ગયો હતો. એમના મોટા દીકરાનું આવું જાહેરમાં ગવર્નરના હાથે સન્માન થાય એ એમના જીવનનો એક બહુ મોટો પ્રસંગ હતો. ત્યાર પછી તો હું એમને અમેરિકા લઈ આવ્યો, પણ એમને અમેરિકા ન ફાવ્યું. એ પાછા દેશમાં ગયાં. બા પાસેથી મોટામાં મોટી હું વસ્તુ શીખ્યો હોઉં તો એ કે જિંદગી જીવતાં જે અનેક મુશ્કેલીઓ, હાડમારીઓ આપણને અનિવાર્ય રીતે નડે છે તે સહેવી. એ બાબતની ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી. સહનશીલતા અને સહિષ્ણુતા એ એમના મોટા સદ્ગુણો. મેં એમને ક્યારેય કોઈની સાથે ઝઘડો કરતા કે મોટે અવાજે બોલતા સાંભળ્યા નથી. એક વાર એમની એક માથેભારી વહુ એમને ખખડાવતી હતી ત્યારે બાને મેં મૂંગે મોઢે સાંભળતા જોયાં છે. ગમ ખાવાની વાત જાણે કે એમને સહજ હતી. ‘કજિયાનું મોં કાળુ’ એ કહેવત મેં એમની પાસેથી વારંવાર સાંભળી છે.

બધાને સમજીને બધા સાથે સંપીને રહેવું એ બાની ખાસિયત. આ વાત ક્યારેય બાએ મને પાસે બેસાડીને સમજાવી નથી, પણ જીવી બતાવી હતી. બાના જીવનનો આ અમૂલ્ય પાઠ મને ધીમે ધીમે અને બહુ મોડેથી સમજાયો. અને તે પણ સાવરકુંડલા છોડીને મુંબઈ આવ્યો ત્યારે જ. મેટ્રિકનું ભણવાનું પૂરું કરી હું નોકરીધંધા માટે ગામ છોડીને મુંબઈ આવ્યો, ત્યારે ઘરબાર કે પૈસાટકા વગર આવનાર નવા માણસને મુંબઈમાં જે હાડમારીઓ ભોગવવી પડે છે તે બધી મને નડી હતી. જ્યારે જ્યારે એ બધું અસહ્ય બની જતું ત્યારે હું બાને, અને ખાસ તો એમની સહનશીલતાને યાદ કરીને મારું ગાડું આગળ ચલાવતો.

અમેરિકા આવ્યા પછી પણ બાની સહનશીલતા અને સહિષ્ણુતા મને વારંવાર યાદ આવ્યા કરી છે. મોટા સંયુક્ત કુટુંબમાં અનેક ચિત્રવિચિત્ર માણસો સાથે રહીને એ બધાને નભાવવાની બાની કુનેહ, એમની કુશળતા મારે માટે અમેરિકામાં પણ માર્ગદર્શક નીવડી છે. અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનના ચીફ ફાઇન્સિલ ઑફિસર થવાના નાતે મારે અનેક સારાનરસા માણસો સાથે વર્ષો સુધી નાછૂટકે કામ કરવું પડ્યું છે, કહો કે મારે એ બધાને નભાવવા પડ્યા છે. એ અગત્યના હોદ્દા ઉપર હું ચૌદ વરસ સુધી ટકી રહ્યો એ બાની સહનશીલતા અને સહિષ્ણુતાના ગુણ જે થોડાઘણા પણ મારામાં ઊતર્યા છે તે કારણે જ. બાની મારા ઉપર જાણેઅજાણે જે અસર પડી છે તે અનેક રીતે મારા વર્તન અને વ્યક્તિત્વમાં આજે તરી આવે છે.

અત્યારની ભણેલી સ્ત્રીઓની સરખામણીમાં બા એક મા તરીકે કદાચ નપાસ થાય. પોતાની નિરક્ષરતાને કારણે એમણે પોતાનાં બાળકો સાથે બેસીને ક્યારેય કોઈ ચોપડી વાંચી નથી, કે નથી કરી કોઈ દેશદુનિયાના વર્તમાન પ્રવાહોની ચર્ચા. પણ પોતાની જિંદગી જે સહનશીલતા અને સહિષ્ણુતાથી બાએ જીવી બતાડી છે તે મારે માટે આજે પણ મોટી દીવાદાંડી સમાન છે.

પાછો મુંબઈમાં

નલિનીને બા કાકા આગળ દેશમાં મૂકીને મારે તો મુંબઈ પાછું જવાનું હતું. જવાની આગલી રાતે મને ઊંઘ જ ન આવી. હું મારા ભવિષ્યના વિચારે ચડ્યો. મોટે ઉપાડે મેં લગ્ન તો કર્યું, પણ હવે શું? ભવિષ્ય એકદમ નિરાશાજનક દેખાયું. થયું કે હું શું કરી બેઠો? મુંબઈ જઈને મૂળજી જેઠા મારકેટની ન કરવા જેવી નોકરી કરવાની છે, એ જ પેઢીમાં ભૈયાઓ અને ઘાટીઓ સાથે સૂવાનું છે, નાતની વીશીમાં ખાવાનું છે, બા કાકાને મદદ કરવાની વાત તો બાજુમાં રહી, હું એમને માથે નલિનીનો ભાર મૂકીને જાઉં છું.

ટ્રેનની લાંબી મુસાફરી કરતાં મારા વિચારોની ટ્રેનની મુસાફરી વધુ લાંબી નીકળી! હું ક્યાં સુધી નલિનીને દેશમાં રાખી શકીશ? આગલી રાતે એનો ધ્રુવ મંત્ર એક જ હતો: “મને ક્યારે મુંબઈ બોલાવીશ?” પણ એ માટે તો મારે ઓરડી લેવી પડે, ઓરડી માટે પાઘડીના પૈસા જોઈએ એ ક્યાંથી કાઢવા? ઓછા પગારની નોકરીમાંથી મારું જ જો માંડ માંડ ચાલતું હતું, તો હું કેવી રીતે પાઘડીના પૈસા ઊભા કરીશ?

હવે મને સમજાયું કે મેં છોકરમતમાં વિચાર કર્યા વગર લગ્ન કર્યા એ કેવડી મોટી ભૂલ હતી. એ ભૂલ મારે દાયકાઓ સુધી ભોગવવી પડશે, કે એમાં મારું આખું જીવન રોળાઈ જશે તે વાત તો મને મોડી સમજાણી. હાલ તરત તો મારે યેન કેન પ્રકારેણ નલિનીને મુંબઈ લાવવાની હતી. સારા પગારની નોકરી ગોતવી પડશે, અથવા કોઈ ધંધાની લાઈન શોધવી પડશે. પણ એ કેમ કરવું? મુંબઈ આવીને હું પેઢીની રૂટીનમાં ધીમે ધીમે પાછો ગોઠવાઈ ગયો. પણ હવે હું નફિકરો ન હતો. મિત્રો અને પેઢીના લોકો જોઈ શકતા હતા કે મારે માથે મોટો ભાર હોય એમ સચિંત ફરતો હતો. લગ્ન કરીને જાણે કે મેં ગુનો કર્યો હોય એમ મને સતત થયા કરતું હતું. મિત્રોને મળવાનું તેમ જ મામામામીને ઘરે જવાનું પણ ઓછું કરી નાખ્યું.

નલિનીને દેશમાં ગયે લગભગ એક વરસ થઈ ગયું. દેશમાંથી તેના કાગળો નિયમિત આવતા જ હતા. એમાં એક જ વાત હોય, દેશમાં ગમતું નથી, ક્યારે મુંબઈ બોલાવે છે? હું તેને હજી રાહ જોવાનું લખતો હતો. કહેતો કે ઓરડી લેવાની પાઘડીના પૈસા નથી. હમણાં તો આ નોકરીમાં કોઈ બચત થતી નથી. નવી નોકરીની શોધમાં જ છું, કંઈક ધંધો કરવા માટે પણ પ્રયત્ન કરું છું. પણ એ હોશિયાર હતી. એણે ત્યાં દેશમાં બેઠા બેઠા પાઘડી વગર ઓરડી લેવાનો રસ્તો બતાવ્યો! એણે લખ્યું કે મુંબઈમાં ઘણા લોકો સૅનેટોરિયમમાં ટેમ્પરરી રહે છે તેમ રહીએ, પછી જોઈ લઈશું. એના એક સગા આ રીતે સૅનેટોરિયમમાં રહેતા હતા.

મુંબઈની ગીચ ગલીઓ અને અંધારા વિસ્તારોમાં રહેતા લોકોને ઘણા રોગો થતા. ડૉક્ટરો ભલામણ કરતા કે હવાફેર કરવા ક્યાંક બીજે જાવ, જ્યાં પુષ્કળ હવા ઉજાસ હોય એવી જગ્યાએ ચાર છ મહિના રહેવા જાઓ. આવા દર્દીઓ માટે નાતના દાનેશરીઓએ ચોપાટીના દરિયા કાંઠે અને દૂરના પરાંઓમાં સૅનેટોરિયમો બંધાવેલાં. દર્દીઓને થોડાક મહિના રહેવા મળે. શરત એ કે તમારી પાસે ડૉક્ટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને મુંબઈમાં રહેવાનું ઘર હોવું જોઈએ, જેથી ઓરડી વગરના અમારા જેવા સાજા નરવા માણસો સૅનેટોરિયમની વ્યવસ્થાનો ગેરલાભ ન લે. જો કે લોકો ગમે તેમ કરીને ગેરલાભ લેતા જ હતા.

નલિનીનું કહેવું હતું કે આપણે શા માટે આવી સૅનેટોરિયમમાં જગ્યા ન શોધીએ? કોઈ સગાની લાગવગથી ડૉક્ટરનું સર્ટિફિકેટ તો મળી જ રહે. એના મોટા બહેન તારા બહેન જેને મુંબઈમાં ઓરડી હતી તેને નામે સૅનેટોરિયમની અરજી કરવી. જો તુક્કો લાગે તો ઓછામાં ઓછું ત્રણ મહિના તો સાથે મુંબઈમાં રહેવા મળશે, પછીની વાત પછી! ત્રણ મહિના પછી જો બીજી કોઈ વ્યવસ્થા ન થઈ તો એ પાછી દેશમાં જશે! એનો એ તુક્કો લાગ્યો અને અમને વિલે પાર્લેમાં ત્રણ મહિના માટે નાતની એક સૅનેટોરિયમમાં બે રૂમની જગ્યા મળી. અને નલિનીનું મુંબઈમાં આવવાનું નક્કી થયું.

નલિની મુંબઈ આવી

આગળ જણાવ્યું તેમ એ જમાનામાં સાવરકુંડલાથી મુંબઈ જવા માટે વચમાં વિરમગામ સ્ટેશને ગાડી બદલવાની. ત્યાં મીટરગેજની ટ્રેન પૂરી થાય અને બ્રોડગેજની ટ્રેન શરૂ થાય. નક્કી એવું થયું કે નલિની સાવરકુંડલાથી વિરમગામ આવે અને હું મુંબઈથી ત્યાં અડધે રસ્તે લેવા જાઉં. આ સૅનેટોરિયમની વ્યવસ્થા માત્ર ત્રણ મહિનાની જ છે, પછી નલિનીને ક્યાં રાખવી, ત્યારે અમારું શું થશે, એ બધી ચિંતા મૂકી હું વિરમગામ જવા તૈયાર થયો. નલિનીને એક વરસ પછી મળવાનું હતું. એની સાથે હનીમૂનમાં ભલે ને એક અઠવાડિયા માટે પણ જે જાતીય આનંદ ભોગવ્યો હતો, જે મજા કરી હતી તે મનમાં હું હંમેશ વાગોળતો. થયું કે વળી પાછી એ મજા કરવાની મળશે.

હું તો હરખપદુડો થઈને નક્કી કરેલ દિવસે વિરમગામ સ્ટેશને પહોંચી ગયો. મુસાફરોના ટોળાં વચ્ચે નલિનીને ગોતવા માંડ્યો. આખરે એને જોઈ, પણ મારો બધો જ ઉત્સાહ ઓસરી ગયો. જોયું તો એની સાથે મારો એક ભાઈ અને કાકા પણ ઊભા હતાં. મને ધ્રાસકો પડ્યો, શું આ ભાઈ પણ મુંબઈ આવવાનો છે? મેં કલ્પના એવી કરેલ કે કાકા નલિની મને ભળાવીને પાછા સાવરકુંડલા જશે અને હું નલિનીને લઈને મુંબઈ આવીશ. મારો એની સાથે રહીને મજા કરવાનો જે વિચાર હતો તે ભાઈને જોઈને પડી ભાંગ્યો. ‘કાકાની કઠણાઈ’ નામના પ્રકરણમાં આગળ જણાવ્યું છે તે મુજબ મારે આ ભાઈને મુંબઈ લાવવો પડ્યો. મુંબઈમાં હું મારું જ માંડ માંડ પૂરું કરતો હતો તેમાં હવે નલિનીની સાથે ભાઈ પણ આવીને માથે પડ્યો. એણે હાઈસ્કૂલ પણ પૂરી નહોતી કરી. એને નોકરીએ કોણ રાખવાનું છે? ગુમાસ્તા થવાની પણ લાયકાત એનામાં નથી. ઘાટીની નોકરી મળે તો ય એ ભાગ્યશાળી. વધુમાં એ મુંબઈમાં પણ સાવ નવો સવો. શરૂઆતના થોડા મહિના તો એ સાવ ઘરે બેઠો.

હું તો સવારના ઊઠીને નોકરીએ જાઉં, પણ નલિનીએ ભાઈની સંભાળ લેવાની. એને માટે સવાર-બપોર સાંજ એમ ત્રણ ટંક રસોઈ કરવાની. ઘરમાં ગોંધાઈ રહેવાનું એને ન ગમે એટલે એને થોડું ઘણું મુંબઈ બતાડવાનું. એનો સ્વભાવ તીતાલી. ઘડી ઘડીમાં ગુસ્સે થઈ જાય. ઝીણી ઝીણી વાતમાં એનો કક્કો ખરો કરે. કાકા એનાથી કેમ થાકી ગયા હશે તે હું સમજી શક્યો. થોડા જ વખતમાં નલિની પણ એનાથી થાકી ગઈ. દરરોજ રાતે અમારા બે વચ્ચે ભાઈપુરાણ થાય, અને મારી નલિની સાથે સૂવાની મજા બગડે. એ મને કહે તમે આ પાપને ઘરમાંથી બહાર કાઢો. પણ હું એને ક્યાં કાઢું? એને કોણ રાખે?

આખરે એક મિત્રની લાગવગથી ભાઈને એક રેડીમેડ ગારમેન્ટના સ્ટોરમાં ઘાટી તરીકે નોકરી અપાવી. સ્ટોરનો માલિક કહે, હું એને પગાર નહીં આપું, મેં કહ્યું કાંઈ વાંધો નહીં. થયું કે ઓછામાં ઓછું દિવસ આખો તો ઘરની બહાર રહેશે. નલિનીનો દિવસ પૂરતો તો છુટકારો થશે. પણ એને આવી પગાર વગરની નોકરી નહોતી કરવી. એને ઘાટી તો નહોતું જ થવું. એને તો ગલ્લે બેસવું હતું! મેં કહ્યું જે છે તે આ છે. તું કંઈ ભણ્યો નથી, તારામાં કોઈ આવડત નથી. એ પણ કહ્યું કે મેં પણ આવી જ રીતે પહેલી નોકરી ઘાટી તરીકે અને પગાર વગર જ કરેલી. આ સિવાય તને બીજું કાંઈ મળશે નહીં. લેવી હોય તો લે નહીં તો દેશમાં પાછો જા! મને કમને એણે નોકરી લીધી. અને નલિનીને થોડીક રાહત થઈ. પણ અમારો રહેવાનો મૂળ પ્રશ્ન તો હજી ઊભો જ હતો.

સૅનેટોરિયમોમાં રઝળપાટ

સૅનેટોરિયમમાં અમે અમારો ગૃહસ્થાશ્રમ શરૂ કર્યો. ભલે ને કામચલાઉ પણ પહેલી જ વાર અમારું ઘર મંડાયું. મુંબઈના અસંખ્ય ગૃહસ્થ નોકરિયાતોની જેમ હું પણ સવારનો ચા-નાસ્તો કરીને ટ્રેન પકડીને મુંબઈ જતો થયો. હવે વીશીમાં લંચ લેવાને બદલે ઘરેથી ટિફિન આવે તે ખાતો. સાંજે પેઢીનું કામ પતાવી બધાંની જેમ હું પણ ટ્રેન પકડીને ઘરે આવતો થયો. આમ હું મુંબઈના સ્થાયી વસવાટ કે રહેઠાણ વગર મુંબઈવાસી થયો.

સૅનેટોરિયમના પાડોશીઓમાં નાદુરસ્ત તબિયતને કારણે હવાફેર માટે આવ્યા હોય એવા લોકો તો બહુ ઓછા. મોટા ભાગના લોકો મારા જેવા શરીરે નરવા પણ પૈસેટકે બીમાર હતાં. અમારી કફોડી દશા એવી હતી કે નોકરી કરવી મુંબઈમાં પણ રહેવાના ફાંફા. આવા સમદુઃખિયા અમે એકબીજા સાથે નોટ્સ સરખાવતા. ત્રણ મહિના પત્યે ક્યાં રહેવા જશું? પાડોશીને ઓળખો અને કાંઈક સંબંધ બાંધો ત્યાં તો એ બીજે ઠેકાણે જવાની તૈયારી કરતા હોય. ઘણા લોકો તો રાતે ને રાતે જ ગાયબ થઈ જાય! આપણને ખબર પણ ન પડે! આમ લોકો આવતા જતા. કોઈ ભાગ્યશાળી માણસ પાઘડીના પૈસા ઊભા કરે. કાયમી નિવાસ સ્થાનની ઓરડી કે ફ્લૅટ લે. અમે બાકીના ફૂટેલા નસીબવાળા આભા થઈ છૂપી છૂપી એમની ઇર્ષા કરતાં. મનોમન વિચાર પણ કરતા કે ક્યારેક તો આપણા નસીબનું પાંદડું ફરશે અને આપણે પણ ઓરડી કે ફ્લૅટ લેશું.

પણ મારું નસીબનું પાંદડું ફરે એ પહેલાં અમારા ત્રણ મહિના પૂરા થવાની તૈયારીમાં હતા. મારી ચિંતા દિવસે દિવસે વધવા માંડી. હવે હું શું કરીશ? હું તો પાછો પેઢીમાં સૂવા જઈ શકું, અને વીશીમાં ખાઈ શકું. પણ નલિનીને થોડું કહેવાય કે તું પણ પેઢીમાં સૂવા ચાલ? અને ભાઈનું શું કરવું? જેવા ત્રણ મહિના પૂરા થયા કે હું સૅનેટોરિયમના ટ્રસ્ટીઓના પગે પડ્યો. મારી પરિસ્થિતિ સમજાવી અને વિનંતી કરી કે અમને બીજા ત્રણ મહિના મહેરબાની કરીને રહેવા દો. એ લોકોને દયા આવી. અમને બીજા ત્રણ મહિનાનું એક્ષ્ટેન્શન આપ્યું. હું તો રાજી રાજી. ઓછામાં ઓછામાં આવતા ત્રણ મહિના આપણે સહીસલામત છીએ. જો કે મને ખબર હતી કે બીજા ત્રણ મહિના તો અબઘડી પૂરા થશે, અને વળી પાછો એનો એ જ પ્રશ્ન ઊભો થવાનો છે.

જ્યાં સુધી હું ઓરડી લઈશ નહીં ત્યાં સુધી આ પ્રશ્ન ઉકલવાનો નથી જ. ખબર હતી કે આ નોકરીમાં પણ મારું કશું વળવાનું નથી. લોકો કહે, ધંધો કર, દલાલી કર, પણ હું શેનો ધંધો કરું કે શેની દલાલી કરું? બી. કોમ.ની ડીગ્રીએ મને જમાઉધારના હવાલા નાખવા સિવાય શું શીખવાડ્યું હતું? કોઈ મોટી બૅંકમાં મને નોકરી મળે તો મારો ઉદ્ધાર થઈ જાય. આવી બૅંક ઓરડી કે ફ્લૅટ લેવા માટે એના કર્મચારીઓને લોન આપતી હોય છે. બી.કોમ. થયો છું, તો બૅંક ક્લાર્ક જરૂર થઈ શકું, પણ એવી નોકરી મેળવવા માટે લાગવગ જોઈએ એ ક્યાંથી કાઢવી?

સારી નોકરી માટેની શોધ તો ચાલુ જ હતી, પણ સાથે સાથે બીજા સૅનેટોરિયમની શોધ પણ હવે શરૂ થઈ. ખબર પડી કે મુંબઈના ચોપાટી વિસ્તારમાં બાજુ બાજુમાં બે સૅનેટોરિયમો હતાં. બન્નેમાં અરજી કરી. લાગવગ લગાડી, ટ્રસ્ટીઓ અને સૅનેટોરિયમ સંભાળતા મહેતાજીઓને મળીને કંઈક કાલાવાલા કર્યાં. નસીબ જોર કરતું હશે કે કેમ પણ બન્ને જગ્યાએ મારો નંબર લાગ્યો! ત્રણ મહિના એક જગ્યાએ અને પછીના ત્રણ મહિના બાજુમાં. આમ અમને ચોપાટી વિસ્તારમાં છ મહિના રહેવાનું મળ્યું!

અને તે પણ ભારતીય વિદ્યાભવનની આજુબાજુ. કનૈયાલાલ મુનશીએ સ્થાપેલી એ ભવ્ય સંસ્થા હતી. ત્યાં ઘણા સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થતા. જે મફત હોય. તેમાં હું જરૂર જતો. મુનશી પોતે પ્રસિદ્ધ નવલકથાકાર, જાણીતા ધારાશાસ્ત્રી અને એક વખતના ઉત્તર પ્રદેશના ગવર્નર. એમની નવલકથાઓ મેં વાંચી હતી. ખાસ તો સ્વપ્નદ્રષ્ટા, તેના નાયકની જેમ મારે પણ દેશ સેવા કરવી હતી. હું મુનશીની આત્મકથાઓ વાંચીને એમના જેવા થવાની મહત્ત્વાકાંક્ષા સેવતો. પણ આ દર ત્રણ ત્રણ મહિને સૅનેટોરિયમોમાં કરવા પડતા રઝળપાટ પછી એ સપનાં શેખચલ્લીની નિરર્થક ઘેલછાઓ જેવાં જ મને લાગ્યાં.

દર ત્રણ મહિને હવે ક્યાં જવાનું છે તેની ઠેઠ સુધી ખબર ન હોય. જ્યારે નક્કી થાય ત્યારે બધા લબાચા ઉપાડવાના, લારીમાં ભરીને નવે ઠેકાણે ડેરા તંબૂ તાણવાના. દેશના ભાગલા પછી નિરાશ્રિતો જે રીતે ગામે ગામે રખડતા એવી અમારી દશા થઈ. મને યાદ છે કે સાવરકુંડલામાં કેટલાંક હબસી કુટુંબો આવી રીતે ગામને છેવાડે ઝૂંપડી બાંધીને રહેતા તે હું જો’તો. એ જિપ્સી લોકો એકાએક જ રાતના પોતાનો માલ સામાન ઉપાડીને ક્યારે ગાયબ થઈ જાય તેની ખબર જ ન પડે. અમારી પરિસ્થિતિ આ જિપ્સીઓ જેવી જ થઈ ગઈ હતી.

દરેક જગ્યાએ જ્યાં અમને રહેવાનું મળે ત્યાં અમારી આઇડેન્ટિટી બદલાય. નવા નામે રહેવાનું. મુંબઈમાં રહેતા અમારા જુદાં જુદાં સગાંઓનાં નામે અમે અરજી કરતા. અમારે બરાબર યાદ રાખવું પડે કે અત્યારે જ્યાં રહીએ છીએ તે કયા નામે રહીએ છીએ અને કયા નામે આપણે અહીં ઓળખાઈએ છીએ. એક સૅનેટોરિયમમાં છોકરાઓ મને હરિશ્ચન્દ્ર કહીને મારી ઠેકડી ઉડાડતા, કારણ કે ત્યાં અમે નલિનીના બહેન તારાબહેનના નામે સૅનેટોરિયમ લીધું હતું. નલિની તારામતિ થયેલી. પાડોશના છોકરાઓએ હરિશ્ચન્દ્ર-તારામતિવાળી દંતકથાને આધારે મને હરિશ્ચન્દ્ર બનાવી દીધો! જ્યારે હું ઘર બહાર નીકળું ત્યારે હરિશ્ચન્દ્ર કહીને મારો હુરિયો બોલાવતા. બહુ મોડેથી ખબર પડી કે શા માટે છોકરાઓ મને હરિશ્ચન્દ્ર કહેતા.

મુંબઈ છોડવાનું નક્કી કર્યું

મુંબઈમાં અમારી નાતનાં બધાં જ સૅનેટોરિયમોમાં હવે અમે રહી ચૂક્યા હતા. એક ઠેકાણે તો એક્ષ્ટેન્શન પણ લીધું હતું. કેટલીક જગ્યાએ ટ્રસ્ટીઓ અને મહેતાજીઓ અમને ઓળખી ગયા હતા. હવે ફરી વાર ત્યાં જવું મુશ્કેલ હતું. એ મળે તોયે ત્રણ મહિના પછી તો એનો એ જ પ્રશ્ન ઊભો રહેવાનો છે. વધુમાં આ સૅનેટોરિયમમાં દર ત્રણ મહિને થતી રઝળપાટથી હું થાક્યો પણ હતો. જો સૅનેટોરિયમ મળ્યું તો મુંબઈમાં ક્યાં અથવા કયા પરામાં અને કેવું મળશે તે બાબતમાં અમારો કોઈ ચોઈસ થોડો હતો? ભારતીય વિદ્યાભવનની બાજુમાં જે એક જગ્યા મળી હતી, તે એવી તો ખખડધજ હતી કે ક્યારે પડી ભાંગશે તેનો કોઈ ભરોસો ન હતો. રૂમની વચમાં જ ટેકા માટે મોટા થાંભલાઓ મૂકાયેલા હતા!

હવે મારે શું કરવું? મારી દશા વળી પાછી સાપે છછુંદર ગળ્યા જેવી થઈ! નોકરી મુંબઈમાં છે, પણ રહેવા માટે ઓરડી નથી. દૂરના પરામાં પણ સામાન્ય ઓરડી લેવા જેટલાય પૈસા નથી અને એ પૈસા ભેગા થવાની હું કોઈ શક્યતા જોતો નહોતો. હવે નલિનીને પણ દેશમાં પાછી મોકલવી મુશ્કેલ. આ મુસીબતનો એક જ ઉપાય મને દેખાતો હતો. તે હતો મુંબઈ છોડવાનો! મુંબઈમાં જ્યાં આખા દેશમાંથી લોકો પોતાનું નસીબ અજમાવવા આવતા હતા, ત્યાં મારો જ પત્તો ન લાગે એમ? મારે મુંબઈ છોડવું પડશે એમ? અનેક સગાંઓ, મિત્રો અને ઓળખીતાઓ એમ બધા જ જો મુંબઈમાં પોતાનો રસ્તો શોધી લેતા હોય તો હું એક જ એવો નમાલો નીકળ્યો કે સામાન્ય ઓરડી પણ ગોતી શકતો નથી? બધા જ પોતપોતાની રીતે મુંબઈમાં ગોઠવાઈ જતા હોય છે તો હું જ એવો અક્કલ વગરનો કે હજી ઓરડી વગરની રખડપાટ કરું છું? મેં તો એવો શું ગુનો કર્યો છે?

જે જે વસ્તુઓ વિશે મનમાં હું ખાંડ ખાતો હતો, જેને માટે મગજમાં રાઈ ભરીને બેઠો હતો—બી. કોમ. ડીગ્રી, મારી સાહિત્યપ્રીતિ, ખાસ કરીને પૃથ્વી છંદ ઉપરનું મારું પ્રભુત્વ, દેશના રાજકીય પ્રવાહો વિશેની મારી સમજ, દેશોદ્ધાર કરવાની મારી ધગશ, કશુંક કરી છૂટવાની મારી મહત્ત્વાકાંક્ષા—આમાંનું કશું કરતાં કશું જ મને કામમાં નહોતું આવતું. થયું કે એ બધામાં ધૂળ પડો. થયું કે આ કરતા હું કૉલેજમાં ન જ ગયો હોત તો સારું. કાકાની વાત સાવ સાચી હતી. મારાં કેટલાં બધાં સગાંઓ જેમણે કૉલેજનો દરવાજો પણ જોયો નથી તે આજે મારકેટમાં દલાલી કરે છે, અથવા નાનીમોટી કોઈ ધંધાની લાઈન પકડી લઈને પૈસા બનાવે છે. કેટલાક તો ગાડીઓ ફેરવે છે. અને હું બી. કોમ. ભણેલો ઓરડી વગરનો રખડું છું.

પેઢીમાં બહારગામની મિલોમાંથી જે માલ આવતો તે છોડાવવાનું કામ મારે માથે હતું. તે માટે હૂંડીઓ ભરવાની હોય. એક બૅંકમાંથી લાખો રૂપિયા ઉપાડી બીજીમાં ભરવાના અને હૂંડી છૂટે. ઘણી વાર તો આખી સવાર એમાં જ જાય. એ જમાનો કસ્ટમર સર્વિસ કે ટેક્નોલોજીનો નહોતો. એક બૅંકમાંથી પૈસા ઉપાડું, ટૅક્સીમાં બેસી બીજી બૅંકમાં જઉં. મારી પાસે બેગમાં લાખો રૂપિયા હોય. અડધોએક કલાકની ટૅક્સી રાઇડમાં હું લખપતિ બની જતો. આવી રીતે લાખો રૂપિયા લઈને જવું આવવું એ કેટલું જોખમી હતું એવો વિચાર પણ આવ્યો નહોતો, કે એવું પણ વિચાર્યું નહોતું કે આમાંથી પાંચેક હજારની ગાપચી મારી લઉં તો મારો ઓરડીનો સવાલ ઊકલી જાય. કોને ખબર પડવાની છે? જો કે એવું કાંઈ કરવાની હિંમત પણ નહોતી.

મારી મુંબઈની ભયંકર નિષ્ફળતા મને બહુ કઠતી હતી. મારા હાથ હેઠા પડ્યા હતા. આપણે મુંબઈ છોડવું પડશે એ વાત નલિનીને સમજાવતા હું એકાએક જ રડી પડ્યો! બાળપણમાં હું જરૂર રડ્યો હોઈશ, પણ પુખ્ત વયમાં આ પહેલી જ વાર રડ્યો. એ મને રડતો જોઈ હેબતાઈ ગઈ. નલિની પણ દર ત્રણ મહિને સૅનેટોરિયમોમાં લબાચા ફેરવી ફેરવીને થાકી હતી. એણે હા પાડી. અને મેં મુંબઈ બહાર કોઈ મોટા શહેરમાં નોકરી શોધવાનું શરૂ કર્યું. તુરત જ ભોપાલના એક મોટા કેમિકલ પ્લાન્ટમાં એકાઉટન્ટ તરીકે સારી નોકરી મળી. પગાર પણ સારો હતો. અને ત્યાં મુંબઈ જેવો કોઈ રહેવાનો પ્રશ્ન હતો જ નહીં. જે પગાર મળવાનો હતો તેમાંથી હું કોઈ સારું મકાન ભાડે લઈ શકું. મેં હા પાડી. જવાની તારીખ નક્કી થઈ. આજે પચાસેક વર્ષ પછી એ યુનિયન કાર્બાઈડનો પ્લાન્ટ હતો કે બીજો કોઈ એ યાદ નથી, પણ દાયકાઓ પછી ભોપાલના યુનિયન કાર્બાઈડના પ્લાન્ટમાં ભયંકર હોનારત થઈ હતી જેમાં હજારેક માણસો મરી ગયા હતાં. અમેરિકામાં બેઠા બેઠા એ સમાચાર વાંચ્યા ત્યારે મારી નોકરી માટે ભોપાલ જવાની વાત યાદ આવી હતી.

બા કાકાને જણાવી દીધું. કાકાને મારી મુંબઈ છોડવાની વાત જ નહીં ગમી. અમારા સગાંઓ કે ઓળખીતાઓમાં કોઈ મુંબઈ સિવાય બીજે ક્યાંય ગયું હોય એમ સાંભળ્યું નહોતું. હું એમની બાજી બગાડી નાખતો હતો. એમને તો દેશમાં બાકી રહેલા મારા બીજા બે ભાઈઓ અને એક બહેનને બને એટલી જલદીથી મુંબઈ મોકલવા હતા. હું જો મુંબઈમાં હોઉં જ નહીં તો કેવી રીતે મોકલે? મેં તો નક્કી કરી નાખ્યું હતું કે મુંબઈ બીજા બધા માટે ભલે સારું હોય, પણ મારે માટે તો સાવ નકામું નીવડ્યું હતું.

દેશમાં હતો ત્યારે હું મુંબઈ આવવાનાં અને રહેવાનાં સપનાં સેવતો હતો. નાનપણથી નાસ્તિક છતાં, ગમે તેમ પણ મારું મુંબઈ જવાનું થાય એવી હું ઈશ્વર પાસે દિવસરાત પ્રાર્થના કરતો. એ જ મુંબઈને હું હવે ધિક્કારતો થઈ ગયો. ત્યાંથી ભાગવા તૈયાર હતો. છતાં મુંબઈમાં જે મારી હાર થઈ હતી તે હું સ્વીકારવા તૈયાર ન હતો. મનમાં ને મનમાં નક્કી કરતો હતો કે ભોપાલ કે બીજે જ્યાં ક્યાંય હું સ્થાયી થઈશ ત્યાં ખૂબ પૈસા બનાવીશ, આગળ આવીશ અને આ મુંબઈવાળાઓને બતાડી દઈશ! વધુમાં મારી જાતને મનાવતો હતો કે મુંબઈની બહાર લાખો લોકો વસે જ છે ને? એ બધાનું જે થાય છે તે મારું થશે.

આખરે ઓરડી લીધી!

હજી મેં કોઈને વાત નહોતી કરી કે અમે તો ભોપાલ જવાની તૈયારી કરી રહ્યા છીએ. થયું કે ઓછામાં ઓછું મારે મારી બહેન, મામા-મામી અને રતિભાઈને તો જણાવવું જોઈએ કે હું મુંબઈ છોડું છું. દેશમાંથી આવીને પહેલો વહેલો બહેનને ત્યાં જ ઊતર્યો હતો. મામા-મામીએ અઢળક પ્રેમથી મુંબઈમાં મારી સંભાળ લીધી હતી. અને રતિભાઈએ તો મને કૉલેજમાં ભણાવ્યો હતો. પહેલા રતિભાઈને મળવા ગયો. વાત કરી. રતિભાઈ કહે, આ તેં શું આદર્યું? મુંબઈ કઈ છોડાય? અને તે પણ ભોપાલ માટે? ત્યાં તારું ભવિષ્ય શું? મેં કહ્યું કે મુંબઈમાં મને મારું ભવિષ્ય બહુ કાંઈ દેખાતું નથી, અને ધારો કે અહીં મારું ભવિષ્ય હોય તો પણ આ ઓરડી વગર અમારે રહેવું ક્યાં? હવે મને સૅનેટોરિયમ મળે એમ લાગતું નથી. અને મળે તો ય એ રઝળપાટથી હું થાક્યો છું. એ મારી મૂંઝવણ સમજ્યા. કહે, જા તું ઓરડીનું નક્કી કરી આવ, પાઘડીના પૈસા હું આપીશ! હું એમની ઉદારતા જોઈને આભો બની ગયો. મેં કહ્યું કે એ પૈસા હું ક્યારે પાછા આપી શકીશ તેની મને ખબર નથી. એ કહે, એ બાબતમાં મુંઝાવાની જરૂર નથી. જ્યારે તારી પાસે સગવડ થાય ત્યારે આપજે, અત્યારે તો ઓરડી લઈ લે.

હું તો રાજીના રેડ થઈ ગયો. તરત ઓરડીની શોધ આદરી. દૂરના પરા કાંદિવલીમાં એક મારવાડી શેઠે પોતાના બંગલા પાછળ નોકરોને રહેવા માટે થોડી ઓરડીઓ ઉતારી હતી, તેમાંથી જે એક વધી હતી તે મળતી હતી. પાઘડીના અઢી હજાર કહ્યા. ગયો રતિભાઈ આગળ. કહ્યું કે અઢી હજાર રૂપિયામાં કાંદીવલીમાં ઓરડી મળે છે. એ કહે, હું તને બે હજાર આપીશ. બાકીના પાંચસોની વ્યવસ્થા તું કરી લેજે. એ પાંચસો ઊભા થાય એટલે મારી પાસે આવજે, હું તને બે હજાર આપીશ.

હવે મારે પાંચસો રૂપિયા ક્યાંથી કાઢવા? પેઢીમાં તો બન્ને ભાગીદાર વચ્ચે ઝઘડો ચાલતો હતો, ત્યાં કાંઈ વળે એમ લાગ્યું નહીં. આખરે એક દૂરના માસા જેની પેઢીમાં દેશમાંથી આવીને વગર પગારે કામે લાગ્યો હતો, તેમને મળ્યો, અને પાઘડી માટે ખૂટતા પાંચસો રૂપિયાની વાત કરી. એમણે તરત હા પાડી. દોડીને રતિભાઈ પાસે ગયો. એમણે કહ્યું આવતી કાલે આવજે, અને પૈસા લઈ જજે. આમ પાઘડીના અઢી હાજર રૂપિયા ઊભા થયા. અમે ઓરડી લીધી! અને અમારું ભોપાલ જવાનું બંધ રહ્યું.

એક ઓરડીનો અમારો ગૃહસ્થાશ્રમ

પાઘડીના પૈસા હાથમાં આવ્યા કે તુરત જ સૅનેટોરિયમની દુનિયાને રામરામ કરીને અમે ઓરડીમાં રહેવા ગયા, અને ઘર માંડ્યું. એ એક રૂમમાં અમારું કિચન, લીવિંગ રૂમ, ડાઇનિંગ રૂમ, ફેમીલી રૂમ, લાઇબ્રેરી, બાથરૂમ, જે ગણો તે બધું જ આવી ગયું! ભાઈ રાતે બહાર ચાલીમાં સૂવે અને અમે ઓરડીમાં. સંડાસ માટે બહાર એક કામચલાઉ જગ્યા હતી ત્યાં પાણીનું ડબલું લઈને જવાનું. બારણું પકડીને બેસવાનું, નહીં તો ઊઘડી જાય. સંડાસ એક જ, અમે વાપરનારા વીસ. સવારના લાઈન લાગી હોય. વરસાદ વખતે છત્રી લઈ સંડાસ જવાનું!

પૈસા તો હતા નહીં, એટલે ઉધારું કરીને ઘરવખરીનો સામાન લઈ આવ્યા. થોડો સામાન સગાંઓએ આપ્યો. આમ અમારો મુંબઈનો ઘરસંસાર શરૂ થયો. મારા અઢીસોના પગારમાં છોકરાને ઘૂઘરા રમાડવાની વાત તો બાજુમાં રહી, હુતો-હુતી એમ બેનું અમારું ઘર પણ ચલાવવાનું મુશ્કેલ હતું. તેથી મેં પ્રાઇવેટ ટ્યુશન કરવાના શરૂ કર્યા. જો હવે સૅનેટોરિયમ ગોતવાનું બંધ થયું તો ટ્યુશનની શોધ શરૂ થઈ. સાથે સાથે સારી નોકરી માટેની તપાસ તો ચાલુ જ હતી. ટાઈમ્સ તો નિયમિત જોતો જ હતો. એક વાર જોયું તો એક શ્રીમંત કુટુંબના એક નબીરાને ઈંગ્લીશ શીખવવા માટે શિક્ષકની જરૂર હતી. મેં તરત જ અરજી કરી. મને મળવા બોલાવ્યો.

શ્રીમંત શેઠ કહે, એમનો દીકરો સખ્ત માંદગીમાં સપડાયો એટલે એને સ્કૂલમાંથી ઉઠાડી લેવો પડ્યો હતો. દીકરો ઝાઝું ભણ્યો નથી, અને હવે ઉંમર વધી હોવાથી સ્કૂલમાં જવાની ના પડે છે. હવે એને કોઈ કૉલેજની ડિગ્રી નથી મળવાની, પણ જો પાંચમાં બેઠો હોય તો કાંઈ બાફે નહીં એવું કાંઈક કરી આપો. ઓછામાં ઓછું મારે એનું ઈંગ્લીશ સુધારવું છે અને એનું જનરલ નોલેજ વધારવું છે. વળી હસતાં હસતાં કહે, ચોપાટી ઉપર જે દાઢીવાળાનું પૂતળું છે તે ટાગોરનું છે એમ માને છે! (એ પૂતળું મુંબઈના એક વખતના મેયર વિઠ્ઠલભાઈ પટેલનું છે!) તમારે એની સાથે એક કલાક બેસવું, ટાઈમ્સ વાંચવું જેથી એનું ઈંગ્લીશ સુધરે, સાથે સાથે એનું જનરલ નોલેજ વધે અને કરંટ અફેર્સની પણ કંઈક ખબર પડે. અને છોકરો એમ ના માને કે બધા દાઢીવાળા પૂતળાં ટાગોરનાં છે! મને થયું કે આ તો અદ્ભુત તક છે. મેં તુરત હા પાડી. થયું કે હું દરરરોજ સવારના પહેલું કામ ટાઇમ્સ વાંચવાનું કરું જ છું, તો હવે આ રાજકુંવર સાથે એ કરીશ. ઉપરથી મને મહિને દોઢસો રૂપિયા મળશે!

આમ મને આવું સારું ટ્યુશન મળ્યું એથી હું તો ખુશ થઈ ગયો. થયું કે આ તો સેલીબ્રેટ કરવું જોઈએ. એમની ટેમરીન્ડ લેન પર આવેલી ઑફિસની નીચે જ ‘છાયા’ અને ‘ન્યૂ વેલકમ’ નામના બે રેસ્ટોરાં હતા. ‘છાયા’માં જઈને બેઠો અને પૂરી ભાજીનો મોટો ઓર્ડર આપ્યો, આરામથી એ ખાઈને કૉફી પીતો હતો, ત્યાં મારા જૂના મિત્ર કનુભાઈ દોશીને રેસ્ટોરાંમાં દાખલ થતા જોયા. મેં એમને બોલાવ્યા, અને પૂછ્યું : તમે અહીં ક્યાંથી? એ કહે, એક ઇંંગ્લીશ ભણાવાના ટ્યુશનના ઇન્ટરવ્યૂ માટે આવ્યો હતો, પણ એમણે મને કહ્યું કે હમણાં જ એ ટ્યુશન અપાઈ ગયું. મેં કહ્યું કે બેસો, જેને એ ટ્યુશન મળ્યું છે તેની સાથે કૉફી પીવો!

પોતાના જૂજ પગારને સપ્લીમેન્ટ કરવા મુંબઈમાં મારા જેવા ભણેલા લોકો પ્રાઇવેટ ટ્યુશન કરતાં. મારામાં જો ધંધા કરવાની કંઈક પણ સૂઝ હોત તો એનો મોટો ધંધો કરત. કારણ કે આજે ટ્યુશન ક્લાસ ચલાવવાનો ધંધો કરનારા લોકો કરોડપતિ થઈ ગયા છે. સ્કૂલો અને કૉલેજોમાં છોકરા છોકરીઓ કશું ભણતા જ નથી, અને જે ભણાવાય છે તે એક્ઝામમાં પાસ થવામાં બહુ ઉપયોગી નીવડતું નથી. જો સારા માર્ક્સ મેળવવા હોય તો પ્રાઇવેટ ટ્યુશનના ક્લાસ ભરવા જ પડે. જાણે કે એક પેરેલલ એજ્યુકેશન સિસ્ટમ ઊભી થઈ ગઈ છે. મારી જેમ બીજા મિત્રો પણ આ રીતે પ્રાઇવેટ ટ્યુશન કરીને પોતાની ઇન્કમ સપ્લીમેન્ટ કરતા.

હવે મારું દરરોજનું રૂટીન બદલાઈ ગયું. ટ્યુશન કરવા મારે મલબાર હિલ પર સવારના આઠે પહોંચવાનું. મારું રહેવાનું ઠેઠ કાંદિવલીમાં. સવારના પાંચે ઊઠું. નહાઈ ધોઈ તૈયાર થઈ, થોડો ચા નાસ્તો કરીને ઘરેથી નીકળું. છની ગાડી પકડું. મુંબઈના ગ્રાન્ટરોડ સ્ટેશને ઊતરું, ત્યાંથી મલબાર હિલની બસ લઉં, અને બસ જ્યાં હેન્ગીંગ ગાર્ડન જવા જમણી બાજુ વળે ત્યાં હું ઊતરી પડું અને હાર્કનેસ રોડ દસેક મિનિટ ચાલીને દરિયાકાંઠે આવેલા શેઠના ઘરે પહોંચું. ટ્યુશન પતાવીને પાછો બસ પકડીને ઑફિસ પહોંચું ત્યાં સાડા દસ અગિયાર થઈ જાય.

મુંબઈમાં પૈસાવાળા લોકો કેમ રહે છે તેનો મને હવે ખ્યાલ આવ્યો. મકાનમાં દાખલ થાઉં તો ચોકીદાર ગુરખો મને સલામ કરે! ભલે ને ત્રણચાર માળનું મકાન હોય તોય લીફ્ટ હોય. લીફ્ટવાળો ગુરખો પણ તમને સલામ ભરે. ઘરે ઘાટી તો ખરા જ, પણ ઉપરાંત બીજા બે-ત્રણ નોકરો, રસોયા મહારાજ, શોફર હોય. બબ્બે ગાડીઓ હોય, સવારે જતાં હું જોતો કે દરરોજ એ ગાડીઓ ધોવાતી. ચાર-પાંચ રૂમનો મોટો ફ્લૅટ. દરેકને પોતાના જુદા જુદા રૂમ, દરેક રૂમમાં બાથરૂમ. એ ઉપરાંત દીવાનખાનું, ડાઈનિંગ રૂમ, આ બધું જોઈને હું તો છક્ક થઈ ગયો. ક્યાં મારી કાંદિવલીની એક ઓરડી જેમાં મારો આખો સંસાર આવી ગયો અને ક્યાં આલિશાન ફ્લૅટ?!

સવારના જેવો પહોંચું કે તરત મારે માટે એસ્પ્રસો કૉફી આવે. મને પાછળથી ખબર પડી કે જે કુટુંબના નબીરાને હું ભણાવવા જતો હતો તે તો બહુ ખ્યાતનામ કુટુંબ હતું. લોકો વિનયી અને સંસ્કારી પણ ખરા. મારી સાથે વાત કરે તો કોઈ દિવસ તું-તા ન કરે, હંમેશ તમે કહીને જ વાત કરે. જે છોકરાને હું ભણાવતો હતો તે હતો ઉછાંછળો, પણ મારી સાથે વિનયથી વાત કરે. ઘણી વાર તો હું ટ્યુશન કરીને નીકળતો હોઉં ત્યારે શેઠ જો નીકળતા હોય તો મને બસસ્ટોપ સુધી રાઇડ આપે.

આખરે મારકેટ છોડી

એક દિવસ હું ટ્યુશન પતાવી જતો હતો ત્યાં શેઠે મને હાથના ઈશારે બોલાવ્યો અને બેસવા કહ્યું. હું તો ગભરાયો, આ ટ્યુશન ગયું કે શું? કોઈક કારણે તે દિવસે એમને બોલવાની ડૉક્ટરે મના કરી હતી, તેથી એક કાગળ ઉપર લખ્યું, ગાંધી, તમે કોઈ વિશ્વાસપાત્ર માણસને ઓળખો છો? મારી ઑફિસમાં મારે મેનેજરની જરૂર છે. મેં હા પાડી. મને હાથના ઈશારે પૂછે, કોણ? મેં કહ્યું, હું! વળી પાછું કાગળ ઉપર લખીને પૂછ્યું કે તમે અત્યારે જે નોકરી કરો છો તે શા માટે છોડો છો? મેં કહ્યું કે હું અત્યારે મૂળજી જેઠા મારકેટમાં કામ કરું છું, નોકરી ઠીક છે, પણ સારી નોકરી બીજે ક્યાંય મળતી હોય તો હું બદલવા તૈયાર છું. મને લખીને જણાવ્યું કે આવતીકાલે ઑફિસે આવજો, આપણે જોબ ઓપનિંગની વાત કરીશું.

બીજે દિવસે હું તો એમની ઑફિસે પહોંચી ગયો. મેનેજરના જોબની ઓપનિંગ હતી. ઑફિસમાં મેનેજરનો રોલ શું છે તે વિગતવાર સમજાવ્યો. બીજા થોડા માણસો હતા—ગુજરાતી સેલ્સમેન, સાઉથ ઇન્ડિયન ટાઇપિસ્ટ, એક ક્લાર્ક, બે ઘાટી, અને એક પાર્ટ ટાઈમ મહેતાજી. મેનેજર તરીકે હું આ બધાનો ઉપરી થઈશ. મને પૂછે, તમે આ કામ સંભાળી શકશો? જિંદગી આખી મેં કોઈને કોઈના હાથ નીચે નીચી મૂંડીએ કામ કર્યું હતું. આ પહેલી જ તક મળતી હતી કે જેમાં મારી નીચે લોકો કામ કરવાના હતા. હું આ તક જવા થોડો જવા દેવાનો હતો? વધુમાં ઑફિસ ફ્લોરા ફાઉન્ટન આગળ ફોર્ટ એરિયામાં. થયું કે કાલબાદેવીથી છૂટીશ. વધુમાં પગારમાં સો રૂપિયા વધારે! હું શા માટે ના પાડું?

મને પૂછે કે તમે ક્યારથી શરૂ કરશો? મેં કહ્યું કે આવતીકાલથી! મને કહે એમ ના ચાલે, જ્યાં છો ત્યાં તમારે ઓછામાં ઓછી એકાદ અઠવાડિયાની નોટીસ આપવી જોઈએ. અમે નક્કી કર્યું કે મારે બીજે અઠવાડિયે શરૂ કરવું. જેવો હું જવાની રજા લેતો હતો ત્યાં મને કહે, ગાંધી, તમે અમારી ઑફિસના મેનેજર થવાના છો. હવે તમારાથી ટ્રેનમાં સેકન્ડ ક્લાસમાં ન અવાય જવાય! ફર્સ્ટ ક્લાસમાં જ આવવા જવાનું છે, ફર્સ્ટ ક્લાસનો પાસ કઢાવી લેજો, તે માટેના પૈસા ઑફિસમાંથી લઈ લેજો! ફર્સ્ટ ક્લાસમાં તમને ઊંચા ઑફિસરોની, ધંધાદારીઓની ઓળખાણ થાય, એ આપણને કામ લાગે! (જો કે જે સેકન્ડ કલાસમાં હું આવતો જતો તે ખરેખર તો થર્ડ કલાસ જ હતો, પણ વેસ્ટર્ન રેલવેએ ચાલાકીથી એને સેકન્ડ કલાસ બનાવી દીધો અને થર્ડ કલાસને રદ કર્યો!)

નવી નોકરી ભલે આવતે અઠવાડિયે શરૂ થવાની હોય, મેં તો દોડીને ફર્સ્ટ ક્લાસનો પાસ હમણાં ને હમણાં જ કઢાવી લીધો! પેઢીમાં જઈને કહી દીધું કે મેં નવી નોકરી લીધી છે અને આવતે અઠવાડિયે હું એ શરૂ કરવાનો છું. મારકેટમાંથી છૂટવાની આવી તક હું થોડો જવા દેવાનો હતો? ભલા મદ્રાસી શેઠે મને ઘણું કહ્યું કે ન જાવ, તમારો પગાર વધારીએ, પણ અમારી નોકરી ન છોડો. ગુજરાતી ભાગીદાર જેના હાથ નીચે મારે રોજબરોજ કામ કરવું પડતું તે તો મનમાં ને મનમાં રાજી થયો હશે કે હાશ, આ બલા છૂટી. વળી પાછું હિસાબકિતાબનું કામ એના હાથમાં આવી જશે. અને જે કાંઈ કરવું હશે તે કરી શકશે.

ભલે દૂરના પરામાં પણ ઓરડી મળી, સારું ટ્યુશન મળ્યું, નવી વધુ પગારની મેનેજર થવાની નોકરી, અને હું ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસમાં ફરતો થઈ ગયો—થયું કે મારા નસીબનું પાંદડું ફરતું લાગે છે. જો કે મારા શંકાશીલ સ્વભાવને થયું કે એક પછી એક આ બધું સવળું પડે છે, તો કાંક તો અવળું પડશે જ! અને થયું પણ એવું જ! શેઠના જે દીકરાને હું દરરોજ ભણાવતો હતો, તે ઑફિસમાં આવતો અને ત્યાં તો એ શેઠ થઈને બેસતો! ઑફિસની હાયરારકી(ઉચ્ચાવત્તા)માં એ ઊંચો અને હું નીચો. વધુમાં ઑફિસમાં બીજા લોકોને ખબર પડે કે એ મારી આગળ ઇંંગ્લીશના પાઠ ભણે છે એમાં એને નીચે જોવાપણું લાગતું હતું. એ કહે કે હું હવે ગાંધી પાસે ટ્યુશન નહીં લઉં!

આ ટ્યુશન બંધ થાય તો મારું આવી બને. મારી આવકમાં મોટું ગાબડું પડે. મેં મારી મૂંઝવણ શેઠને સમજાવી. એ ભલા માણસ કહે, ગાંધી તમારે હવે ટ્યુશન કરવાની જરૂર નથી, હું ટ્યુશન જેટલો તમારો પગારવધારો કરી આપું છું. આમ હજી નોકરી શરૂ કરું ત્યાં જ મારો પગારવધારો થયો અને સાથે સાથે ટ્યુશન કરવાની માથાકૂટ પણ મટી. સવારના પાંચ વાગે ઊઠીને છ વાગ્યાની ટ્રેન હવે પકડવાની જરૂર ન રહી. હવે મારું રૂટીન મુંબઈના નોકરિયાતો જેવું નોર્મલ થયું. બધાની જેમ હું પણ દસેક વાગ્યાની ટ્રેન પકડી ચર્ચગેટ સ્ટેશને પહોંચું. ત્યાં ઊતરતા મને થાય કે હાશ, કાલબાદેવીની, મારકેટની દુનિયામાંથી, એ ગંદકી, એ દલાલો, એ ગુમાસ્તાઓ, મહેતાજીઓ, પાનની પિચકારી ઉડાડતા પાંચ ચોપડી ભણેલા શેઠિયાઓની જાળમાંથી હું છૂટ્યો.

ટ્રેનમાંથી ચર્ચગેટ ઊતરો અને સામે ઈરોસ થિયેટર દેખાય, ત્યાં હોલીવૂડની જે કોઈ નવી મૂવી આવી હોય તેનાં મોટાં પોસ્ટરો દેખાય, સરિયામ મોટા રસ્તાઓ, ફૂટપાથ ઉપર ટાઈ લગાડીને ઝડપથી ઑફિસે જતા અને ફટફટ ઈંગ્લીશમાં વાત કરતા મુંબઈગરાઓ, ઊંચી એડીના બૂટ પહેરીને વેસ્ટર્ન લેબાસમાં આવતી જતી પારસી કે ક્રિશ્ચિયન છોકરીઓ, મુંબઈ યુનિવર્સિટીનો રાજાબાઈ ટાવર, ફ્લોરા ફાઉન્ટન, એની બાજુમાં ફિરોજશાહ મહેતાનું ભવ્ય પૂતળું, અનેક રેસ્ટોરાં, કૉફી હાઉસો, જહાંગીર આર્ટ ગેલેરી, ડેવિડ સાસૂન લાઇબ્રેરી, આ બધું જોતાં મને થયું કે હું જાણે સીવીલાઈજેશનમાં પાછો આવ્યો! ફોર્ટ એરિયામાં દરરોજ સાંજે કંઈ ને કંઈ પબ્લિક મીટિંગ હોય જ. ઑફિસેથી નીકળીને ત્યાં હું આંટો મારું. અને પછી ત્યાં જે કોઈ મિત્ર મળ્યું હોય તેની સાથે કૉફી પીને ઘરે જવાની ટ્રેન પકડું.

વળી પાછી નિરાશા

ઓરડી અને નોકરી મળ્યા પછી મને એમ થવા માંડ્યું કે હવે હું મુંબઈમાં સ્થિર થતો જાઉં છું. ઓરડી લીધાની જેવી કાકાને ખબર પડી કે તરત જ નાની બહેનને મુંબઈ મોકલવા કહ્યું. એમનો વિચાર તો બીજા બે ભાઈઓને પણ મોકલવાનો હતો. મેં ઘસીને ના પાડી. કહ્યું કે મુંબઈ આવે એ પહેલાં એમનું ભણવાનું પૂરું થવું જોઈએ. વધુમાં એક ભાઈ તો આવીને માથે પડ્યો જ હતો. જો કે બહેન તો આવી જ. પ્રશ્ન એ થયો કે એને ક્યાં સૂવરાવવી? ભાઈ તો ચાલીમાં સૂતો, પણ બહેનને ચાલીમાં થોડી સૂવડાવાય? નલિનીએ એનો પણ ઉપાય ગોત્યો. આવી નાની ઓરડી હતી છતાં વચમાં લાકડાનું પાર્ટીશન નખાવી એના બે ભાગ કર્યા. એક ઓરડીની અમે બે ઓરડી કરી! રાત પડે એટલે પાર્ટીશનની એક બાજુ અમે બે અને બીજી બાજુ બહેન, ભાઈ ચાલીમાં, આમ અમારું ગાડું ચાલ્યું!

નોકરીમાં ઠરીઠામ થતો જતો હતો પણ મહત્ત્વાકાંક્ષાનો કીડો વળી પાછો મનમાં ખદબદ કર્યા કરતો હતો. હા, મેનેજરની નોકરી હતી, પણ આખરે એમાં મળી મળીને મને કેટલો પગાર મળશે? એમાંથી ફ્લૅટ થોડો લેવાય? આ એક નાની ઓરડીમાં હું ક્યાં સુધી રહીશ? દેશમાંથી મુંબઈ આવવા બે ભાઈઓ થનગની રહ્યા હતા. મને ખાતરી હતી કે વહેલા મોડા કાકા એમને મુંબઈ મોકલશે જ. વધુમાં એમના કાગળોમાં એ એમ પણ લખતા હતા કે દેશના ધંધા પડી ભાંગ્યા હોવાથી એ પોતે પણ મુંબઈ આવવાનો વિચાર કરતા હતા. ધારો કે દેશમાંથી આખુંય કુટુંબ મુંબઈ આવ્યું તો હું એ બધાંને ક્યાં રાખીશ. વધુમાં અમારે ત્યાં પ્રથમ સંતાનનો જન્મ થવાનો હતો.

આ બધો વિચાર કરતાં એમ થયું કે મારે મારી આવક વધારવી જ જોઈએ, પણ કેવી રીતે? ખરેખર જ જો પૈસા બનાવવા હોય તો કશોક ધંધો કરવો જોઈએ, ધંધામાં જ પૈસા છે, નોકરીમાં નહીં. પણ ધંધો કરવો કેમ? એને માટે મૂડી જોઈએ તે ક્યાંથી કાઢવી? અને શેનો ધંધો કરવો? ધંધાની કોઈ લાઈન શીખ્યો નથી. થયું કે ચાલો, ચાર્ટર્ડ એકાઉન્ટિંગનું ભણું, એ પ્રેક્ટીસમાં બહુ સારા પૈસા બને છે. પણ એ ભણવા માટે કોઈ ફર્મમાં જોડાવું જોઈએ, અને ત્યાં એપ્રેન્ટિસના નહિવત્ પગારે ચાર વરસ કામ કરવાનું, આર્ટિકલ ભરવાના, અને સાથે સાથે એની બહુ અઘરી પરીક્ષાઓ પાસ કરવાની. પરીક્ષાઓની વાત તો પછી, પણ એપ્રેન્ટિસના નહિવત પગારે ચાર વરસ ઘર કેમ ચલાવવું? વધુમાં હું તો પરણીને બેઠો હતો, અને ઘરે હવે બાળક આવવાનું હતું, દેશમાંથી ભાઈબહેનો આવવાના હતા, આ બધી જવાબદારી રોજબરોજની વ્યવસ્થિત આવક વગર કેમ અદા કરવી? આમ ચાર્ટર્ડ એકાઉન્ટિંગનો વિચાર નેવે મૂક્યો.

અને લૉયર થવાનો વિચાર કર્યો. મારું લૉ કૉલેજમાં પાર્ટટાઈમ જવાનું જે શરૂ કર્યું હતું, તે વચમાં બંધ કર્યું હતું તે વળી પાછું શરૂ કર્યું. મુંબઈના મોટા વકીલો ધામધૂમ કમાય છે, એ હું જોતો. એમાંય જો ઇન્કમટેક્ષની પ્રેક્ટીસ કરીએ તો તરી જઈએ. વધુમાં કનૈયાલાલ મુન્શીનો દાખલો તો હાજરાહજૂર હતો, પોતે મોટા લૉયર, પણ સાથે સાથે મોટા લેખક, નવલકથાકાર. એમની નવલકથાઓ, આત્મકથાઓ વાંચીને તો હું મોટો થયો. લૉયર થવાનું ભણવા માટે લૉ કૉલેજમાં બે વરસ જવાનું અને પછી બાર એક્ઝામમાં પાસ થાવ, અને જો સારી લૉ ફર્મમાં જોડાઈ શકો તો પછી તમે ન્યાલ થઈ જાવ.

લૉ કૉલેજની એક મોટી સગવડ એ હતી કે ત્યાં તમે સવાર કે સાંજના ક્લાસ ભરી શકો. સાથે સાથે નોકરી કામધંધો પણ ચાલુ રાખી શકો. આ વ્યવસ્થા મને ગમી. ચર્ચગેટ ઉપર આવેલ ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં વળી પાછા ક્લાસ ભરવાના શરૂ કર્યા. સવારના ઘરેથી વહેલા નીકળવાની વાત મારે માટે કોઈ નવાઈની નહોતી. ટ્યુશન કરવામાં માટે સવારના જતો તે હવે લૉ કૉલેજમાં જઈશ. આમ વળી પાછી મારું નવું રૂટીન શરૂ થયું. સવારના વહેલા નીકળી પહેલા લૉ કૉલેજમાં જાઉં. અને પછી અગિયારેક વાગે ઑફિસે જાઉં. સદ્ભાગ્યે ચર્ચગેટ સ્ટેશન, લૉ કૉલેજ, ઑફિસ વગેરે બધું પાસે એટલે કૉલેજમાં જવાની બહુ અગવડ નહીં પડી.

મેં જોયું તો લૉ કૉલેજમાં મારા જેવા આશા-આકાંક્ષાભર્યા, પણ નાણાંકીય સગવડ વગરના કંઈક જુવાનિયાઓ લૉ ડિગ્રી લઈ પોતાની કેરિયર આગળ વધારવા મથતા હતાં. બે વરસ લૉનું ભણ્યો, ગાઈડો વાંચીને પરીક્ષા આપી, પાસ થયો, એલ.એલ.બી.ની ડીગ્રી મળી, પણ એનો અર્થ એ થોડો હતો કે મને વકીલાત કરતા આવડશે કે કોર્ટમાં કેસ લડતા આવડશે? અરે, લૉ કૉલેજનાં એ બે વરસમાં કોઈ લૉ ઑફિસમાં પગ પણ મૂક્યો ન હતો, કે કોર્ટમાં કોઈ કેસ લડાતો જોયો ન હતો. જેવું ભણતર બી.કોમ.નું એવું જ એલ.એલ.બી.નું, પોથીમાંના રીંગણા જેવું. તમારા નામ પાછળ એક પૂંછડુ વધે, અને એક વધુ લટકણું રેજ્યુમેમાં લગાડો, એટલું જ, બાકી એનો કોઈ પ્રેક્ટીકલ ઉપયોગ નહીં. હીરો ઘોઘે જઈ પાછો આવ્યો એમ લૉ કૉલેજમાં ગયા પછી પણ આપણ રામ તો હતા તેવા ને તેવા જ, ધોયેલા મૂળા જેવા! હવે શું કરવું?

નલિનીની સમસ્યા

આ દરમિયાન અમારે ઘેર પુત્રજન્મ થયો. પણ એ જન્મતાં જ, હજી નલિની એને લઈને ઘરે આવે એ પહેલાં પ્રસૂતિગૃહમાં જ ગુજરી ગયો. નલિની ભારેપગી હતી ત્યારે જે પ્રકારની ખાવાપીવાની માવજત લેવી પડે તે અમે ન લઈ શક્યા, એટલે બાળક જન્મ્યું ત્યારે ખૂબ જ નબળું હતું, અને જન્મતાં જ એનું મૃત્યુ થયું. અમે હૉસ્પિટલમાંથી ખાલી હાથે ઘરે આવ્યા. આ અમારા બહુ ખરાબ દિવસો હતા. મને થયું કે આ શું? સંતાનપ્રાપ્તિનું સુખ જે રાજા રંક કે ગરીબ તવંગર બધાને મળે તેમાંથી પણ અમે બાકાત? અને બીજા સંતાનની પણ આવી દશા નહીં થાય એની ખાતરી શી? થયું કે વિધાતા મારી પાછળ આદુ ખાઈને પડ્યો છે. હું વળી પાછો ભગવાનને ગાળ આપતો થઈ ગયો.

પ્રથમ પુત્ર જન્મતા જ ગુમાવ્યો એનો શોક અમને, ખાસ કરીને નલિનીને ઘેરી વળ્યો. એનો સ્વભાવ એકદમ ચીડિયો થઈ ગયો. નવ પરિણીત હૂતોહૂતી તરીકે એકલા રહીને અમારે જે મજા કરવી હતી તે અમે ક્યારેય નથી કરી. લગ્ન પછી તરત જ નલિનીને દેશમાં એક વરસ રહેવું પડ્યું. પછી એ જ્યારે મુંબઈ આવી ત્યારે પહેલા ભાઈ અને પછી બહેન અમારી સાથે રહેવા આવ્યા એટલે એ મજાને બદલે કચ કચ શરૂ થઈ. હું સાંજે ઘરે આવું ત્યારે રોજની ભાઈબહેનની કંઈ ને કંઈ કચ કચ હોય જ.

ભાઈ એનો પરચો દેખાડતો હતો. વહેલો મોડો આવે, આવીને ગરમ ગરમ રસોઈ માગે, એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી રસોડું બંધ ન થાય અને અમારું સૂવાનું પણ મોડું થાય. એની ડીમાન્ડ વધતી જતી હતી. કાકા એનાથી કેમ કંટાળી ગયા હશે તે હું હવે સમજી શકતો હતો. ઉપરથી એ નોકરી છોડવાની વાત કરતો હતો, કહે, મારે આવી વગર પગારની ઘાટીના જેવી નોકરી નથી કરવી. એને તો જલદી જલદી શેઠ થઈને ગલ્લે બેસવું હતું!

એક બાજુ મને નલિનીની સહનશક્તિ માટે માન થતું હતું. એવી કેટલી સ્ત્રીઓ છે કે જે લગ્ન કરીને તરત પતિથી વિખૂટી પડી દૂર દેશમાં અને તે પણ મુંબઈ છોડીને અજાણ્યા નાના ગામે રહેવા જાય અને ત્યાં એક વરસ કાઢે? કોણ આવી રીતે દર ત્રણ મહિને લબાચા ઉપાડી સૅનેટોરિયમમાં રખડે? કોણ આવી રીતે નાની ઓરડીમાં ઘર માંડે? અને મારા ઓછા પગારમાં ઘર ચલાવે? કોણ એની જેમ ઘર માંડતા જ દિયર, નણંદને સાથે રાખે? આ બધા નલિનીના ગુણો જોઈ મને થતું હતું કે મારા જેવી આર્થિક અને કૌટુંબિક પરિસ્થિતિવાળા માણસ માટે એ જ યોગ્ય જીવનસંગિની હતી.

ડેડ એન્ડ નોકરી

મારા તત્કાલના જીવનનિર્વાહના અને કૌટુંબિક પ્રશ્નોનો નિકાલ કરવા માટે મેં મારું બધું ધ્યાન મારી કારકિર્દી પર દોર્યું. જો કે ત્યાં પણ નિરાશાજનક ભવિષ્ય સિવાય બીજું કશું દેખાતું નહોતું. બબ્બે ડીગ્રીઓ પછી પણ મને કોઈ બહુ સારા પગારની અને કોઈ સારા ઠેકાણે નોકરી નહોતી મળતી, અને એવી નોકરી મળશે એવી આશા પણ મેં છોડી દીધી હતી. રોજ ટાઈમ્સ જોઈને એપ્લીકેશન કરતો તે બંધ કર્યું, થયું કે એનો અર્થ શું? કોઈ મોટી બૅંક કે ઇન્શ્યુરન્સ કંપની અથવા ફૉરેન કંપનીમાં લાગવગ સિવાય આપણો નંબર લાગવાનો નથી એ વાત સ્પષ્ટ હતી. ધંધો કરવા માટે જે મૂડીની શરૂઆતમાં જરૂર પડે તે તો નથી જ, અને એ મૂડી હોય તોય ધંધો કરવા માટે જે આવડત જોઈએ તે ક્યાં હતી?

ધીમે ધીમે મને એમ થતું જતું હતું કે આપણે ભાગે જે પત્ની, જે નોકરી અને જે ઓરડી લખાઈ હતી તે છે અને તેમાં જ સંતોષ માનીને જીવન જીવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. દિવસ ને રાત મારી જાતને કહેતો કે, ભાઈ, તું વળી કઈ વાડીનો મૂળો છે કે તારી ગણતરી જુદી થાય? તું કંઈ નવી નવાઈનો થોડો છે? તું જોતો નથી કે મુંબઈમાં લાખો લોકો જીવે છે અને ઘણા તો તારા કરતાં પણ વધુ ખરાબ દશામાં જીવે છે, સબડે છે, એ કેમ જોતો નથી? તારી પાસે ઓરડી તો છે, જ્યારે લાખો લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે, તેમનું શું? ગમે તેવી પણ તારી પાસે નોકરી તો છે, દર મહિને પગાર આવે છે, જ્યારે લાખો લોકો નોકરી વગરના રખડે છે, તેમનું શું? એ બધાનો વિચાર કરી, તારે સમજવું જોઈએ કે તું તો ભાગ્યશાળી છે, અને ભગવાનને ગાળ આપવાને બદલે એનો પાડ માનવો જોઈએ!

સવાર ને સાંજે ટ્રેનમાં જતા આવતા મોટા ભાગના લોકો જ્યારે ગાડીમાં ઊંઘતા હોય, અથવા પત્તાં રમતા હોય કે ભજન કરતા હોય, ત્યારે હું ઊંડા વિચારમાં ઊતરી જતો. મને થતું કે આ બધા લોકો કેવા વાસ્તવિકતા સ્વીકારીને જીવે છે, અને જે છે એમાં મોજમજા કરે છે તેમ હું કેમ નથી કરી શકતો? મારી જાતને બહુ સમજાવું કે આ જ વાસ્તવિકતા છે, તે સ્વીકારીને જ મારે જીવવાનું છે. રાતે પાછો ચાલીમાં આવું ત્યારે થતું કે આવી જ ચાલીમાં શું મારે જિંદગી કાઢવાની છે. ટ્યુશન કરવા જ્યાં જતો તેવો ફ્લૅટ, રાચરચીલું, ગાડીઓ વગેરે મને એક વાર મળશે એવા ખ્યાલ જે મનમાં રાખીને બેઠો હતો તે મૂર્ખાઈ હતી તે હવે મને સ્પષ્ટ સમજાયું.

અત્યાર સુધી હું હાડમારીના દિવસોમાં એમ માનતો કે આ બધું તો ટેમ્પરરી છે, આ તો વિધાતા મારી કસોટી કરે છે, પણ મારે હારવાનું નથી, બલ્કે એમાંથી નીકળીને હું જ્વલંત સફળતા પામવાનો જ છું, ખૂબ પૈસા બનાવવાનો જ છું, આગળ આવવાનો જ છું, અને દુનિયાને બતાવી દેવાનો છું કે હું કોણ છું! ઉમાશંકર જોશીની સૉનેટમાળા, ‘આત્માના ખંડેર’ના એક સૉનેટની આ પંક્તિ હું વારંવાર ગણગણતો, ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા.’ પણ એ આખીય વાત હવે મને શેખચલ્લીનાં સ્વપ્નાં જેવી લાગી, અને થયું કે એવા બણગા ફૂંકવા છોડી જે વાસ્તવિકતા છે તેને સ્વીકારી નીચી મૂંડીએ જીવ્યે જવું. દુનિયા જે છે તે છે અને તારા માટે કંઈ બદલાવાની નથી. મારી આ નિરાશાનાં વરસોમાં બે જણને હું વારંવાર મળવા જતો. ‘યથાર્થ જ સુપથ્ય’ની ફિલોસોફીથી જીવન જીવતી આ બે વ્યક્તિઓએ મારે માટે મોટા આશ્ચર્યની વાત હતી. એમણે જીવનમાં કંઈક મુશ્કેલીઓ વેઠી હતી, છતાં એ કેવી રીતે શાંતિથી જીવન જીવતાં હતાં!

હું જો મારી ડેડ ઍન્ડ નોકરીથી પેટ ચોળીને રોજ દુઃખ ઊભું કરતો હતો, તો મારા એક પરમ મિત્ર શરદ પંચમિયા એવી જ એક ડેડ એન્ડ નોકરી કરતા હતા, છતાં ખુશીથી જીવતા હતા. દૂર મલાડમાં સંયુક્ત કુટુંબમાં બહેન, ભાઈઓ અને માબાપ બધા સાથે રહે. ઘણી વાર હું એમને ત્યાં જતો ત્યારે મને હંમેશ થતું કે એ કુટુંબ કેવા સંતોષ અને સંપથી રહે છે. પંચમિયા લાઈફ ઇન્સ્યૂરન્સ કંપની ઓફ ઇન્ડિયા (એલ.આઈ.સી.)માં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. સંતોષી જીવ. આગળ વધવાની એમને કોઈ ઝંખના નહોતી એવું નહીં, પણ એ બાબતનો મારા જેવો કોઈ વલવલાટ નહોતો. પાર્ટ ટાઈમ કૉલેજમાં જરૂર જતા હતા, પણ એ પ્રમોશન મેળવવા કરતા મઝા કરવા જતા હોય એમ લાગતું. દરરોજ ટાઈમ્સ વાંચે. પબ્લિક અફેર્સમાં, પોલીટીક્સમાં પૂરેપૂરો રસ લે. પણ પોતે પ્રધાન નથી, કે થવાના નથી, તેનો એમને વસવસો નહોતો.

એમને મળવા જાઓ એટલે આપણી કૉફી તો સાચી જ. વધુમાં એ બટેટાવડાનો પણ આગ્રહ કરે. સુકલકડી કાયા, શર્ટ પેન્ટ, જાડા કાચનાં ચશ્માં, જિંદગીમાં બધું જ મળી ગયું હોય એવી શાંતિ. કોઈ હાયહોય નહીં. બધાની સાથે હળીમળીને રહેવાની એમની વૃત્તિ. એમને પત્ની પણ એવા જ શાંત સ્વભાવનાં મળ્યાં. જાણે કે એ બંને એક બીજા માટે સર્જાયા હોય એમ લાગે. એવી જ એમની પરીઓ જેવી બે પુત્રીઓ. એમાંની એક તો સંસ્કૃતમાં પત્રો લખી શકે એવી પારંગત હતી. બન્ને વળી આજ્ઞાંકિત તો એવી કે પંચમિયાનો પડતો બોલ ઝીલે. આખી જિંદગી એમણે એલ.આઈ.સી.માં ક્લાર્ક તરીકે કાઢી. એમના મિત્રો કે સગાંઓ પૈસાવાળા થયા, કે અમેરિકા ગયા, કે ઑફિસમાં બીજાઓને પ્રમોશન મળ્યું અને એમને નહીં મળ્યું, એ બાબતની ફરિયાદ કરતા મેં એમને ક્યારેય સાંભળ્યા નથી. ઇર્ષા તો માનવ સહજ છે, છતાં બહુ ઓછી વ્યક્તિઓમાં એમના જેટલો ઇર્ષાનો અભાવ જોયો છે.

મારી પ્રગતિમાં એમણે જીવંત રસ લીધો છે. મેં કંઈ લખ્યું હોય અથવા મારા વિશે દેશના છાપાંમાં જે કાંઈ આવ્યું હોય તે સાચવી રાખે. એ બધા ક્લિપીન્ગ્સનું એમણે એક આલ્બમ બનાવેલું! અમેરિકા આવ્યા પછી દેશમાં મને કંઈક એવોર્ડ મળતા અને મારું સન્માન થતું. આવા પ્રસંગે હું તેમને સહકુટુંબ લઈ જાઉં. મારી પ્રગતિમાં ખુશી મનાવે. એમની મૈત્રી નિર્વ્યાજ હતી. હું જ્યારે અમેરિકા આવતો હતો ત્યારે મને વળાવવા ઍરપોર્ટ આવેલા મિત્રોમાં પંચમિયા જ એક એવા હતા કે જેમણે મને એમની અમેરિકા આવવાની વ્યવસ્થા કરવા નહોતું કહ્યું. મારા અમેરિકાના લાંબા વસવાટમાં દેશમાંથી અનેક પત્રો આવે છે. તેમાં ઘણાયનો ધ્રુવ મંત્ર એક જ હોય : “અમારું ત્યાં આવવાનું થાય એવું કંઈક કરો.” પંચમિયાએ એ બાબતનો કોઈ દિવસ ઈશારો પણ કર્યો નથી, ન પોતાના માટે, કે ન પોતાની દીકરીઓ માટે.

પોતે જે કોઈ પરિસ્થિતિમાં હોય એમાં જ સંતોષથી રહેવું એ જાણે કે પંચમિયાને સહજ હતું. મોટી ઉંમરે એમની આંખો ગઈ એ હકીકત એમણે જે સહજતાથી સ્વીકારી તે મારે માટે એક મોટી અજાયબી હતી. હું મુંબઈ જાઉં ત્યારે જરૂર એમને મળવા જાઉં. છેલ્લે ગયેલો ત્યારે એમના નાના બે રૂમના ફ્લૅટમાં એ આંટા મારતા હતા. કહે કે “આંખ ગયા પછી ઘર બહાર તો નીકળાય નહીં, એટલે ઘરમાં જ વોક કરી લઉં છું.”

બીજી એક એવી વ્યક્તિ હતી મારા માસા. મુંબઈમાં એ સૂકા મેવાની દુકાન ચલાવતા. મૂળ કરાંચીના. દેશના ભાગલા પછી કરાંચીથી પહેર્યે લૂગડે ભાગીને મુંબઈ આવ્યા. થોડી ઘણી બચત હતી તેમાંથી સૂકા મેવાનો સ્ટોર કર્યો. દિવસ આખો સ્ટોર ચલાવે. રાત્રે બંધ કરીને સ્ટોરના જ પાટિયા ઉપર સૂઈ જાય. ઘરબાર તો હતા નહીં. પોતાની માલ-મિલકતમાં જે કંઈ રોકડું હતું તે ઓશીકે રાખી સૂએ. એક રાતે કોઈ ઓશીકું સરકાવી ગયું. આખા દિવસની કેડતોડ મજૂરીથી થાકેલા માસાને એવી તો ઊંઘ ચડેલી કે ખબર પણ ન પડી. હવે શું કરવું?

કોઈ પૈસાદારને ભાગીદાર બનાવી સ્ટોર ચાલુ રાખ્યો. વરસે બે વરસે એ પૈસાદારની દાનત બગડી. પૈસાના જોરે માસાને કહે, તમને હવે ભાગીદાર તરીકે અમે નહીં રાખીએ. નોકર તરીકે રહેવું હોય તો રહો અને સ્ટોર ચલાવો, નહીં તો ચાલતી પકડો. માસા બિચારા મોટી ઉંમરે ક્યાં જાય? જે સ્ટોર એમણે જાતમહેનતથી જમાવ્યો હતો ત્યાં જ નોકરી સ્વીકારી! ભાગીદાર પણ લોહી ચૂસનારો નીકળ્યો. માસા વહેલી સવારે બાજુમાં જ જ્યાં એક રૂમમાં એમણે ઘર માંડ્યું હતું ત્યાંથી આવે. દસેક મિનિટ દૂર ઘર હોવા છતાં ઘરે લંચ માટે જવાની રજા નહીં. ટિફિન આવે તે ખાવાનું. બપોરે ખાધા પછી દસ પંદર મિનિટ સ્ટોરમાં જ આડા પડી ઊભા થઈ જાય. મોડી રાત સુધી સ્ટોરનું કામ કરે. રવિવારે ચોપડા લખે. મેં એમને ક્યારેય મૂવીમાં જતા જોયા નથી. કોઈ લગ્નપ્રસંગ જો રવિવારે હોય તો જ જાય. બાકી તો એ ભલા ને સ્ટોર ભલો. જિંદગીમાં આટઆટલી હાડમારી ભોગવ્યા છતાં મેં એમને ક્યારેય ફરિયાદ કરતા જોયા નથી.

હું આ બે વ્યક્તિઓનો મળતો ત્યારે જરૂર વિચારે ચડી જતો. મારામાં એમના જેવી સહનશીલતા કે ધીરજ ક્યારે આવશે? મુંબઈની હાડમારી વેઠવામાં હું એકલો થોડો છું? આ શહેરમાં અસંખ્ય લોકો જીવે છે. કેટલાને ફ્લૅટ છે? કેટલાને કાર છે? છતાં બધાય જીવે જ છે ને? અને મારે જો જીવવું જ હોય તો રોતા કકળતા શા માટે જીવવું? આ બધું સમજતો છતાં ય હું જાણે નવી નવાઈનો હોઉં તેમ મારી હાડમારીઓને પંપાળ્યા કરતો હતો. દિવસ રાત ફરિયાદ કરતો. જાતને કહેતો રહેતો કે હું સ્પેશિયલ છું, આ હાડમારીને લાયક નથી, મારી આવડત, બુદ્ધિ, વિચારસૃષ્ટિ, આકાંક્ષાઓ જોતાં મને ઘણું ઘણું મળવું જોઈએ, ઉપરવાળો કંઈક ભૂલ કરે છે. જે મહાન લોકો મારે માટે પ્રેરણાપુરુષો હતા એમનાં જીવનચરિત્રો હું ઉથલાવી જતો અને જોતો કે એમણે શું શું વેઠ્યું છે, અને એમાંથી એ કેવી રીતે બહાર આવ્યા. વળી, એ પણ જોતો હતો કે એ બધા મારી ઉંમરે શું કરતા હતા, ક્યાં સુધી આવી ચૂક્યા હતા અને હું હજી આ બે બદામની નોકરીમાંથી આગળ વધ્યો નથી, તેનું મારે શું કરવું. મારી આ અવદશામાંથી મારે કેમ છટકવું?

હવે જ્યારે જ્યારે મુંબઈ જાઉં છું ત્યારે મેં જ્યાં જ્યાં નોકરીઓ કરી હતી, કામ કર્યું હતું, રહ્યો હતો, હર્યો-ફર્યો હતો, ત્યાં એકાદ આંટો જરૂર મારું. ટ્રામ તો હવે નથી, પણ ટ્રેન, બસ, ટૅક્સીમાં જરૂર થોડી મુસાફરી કરી લઉં. જે જે રેસ્ટોરાંમાં મેં ખાધું હતું, તે હજી ચાલતાં હોય તો ત્યાં બેસીને કશુંક ખાઈ લઉં. આ બધી જગ્યાએ જઈને પ્રભુનો અને નવીન જારેચાનો પાડ માનું કે એમણે મારી અમેરિકા આવવાની વ્યવસ્થા કરી, અને આ બધામાંથી મને ઉગાર્યો. પચાસેક વરસના અમેરિકાના સુંવાળા વસવાટ પછી થાય કે હું મુંબઈમાં કેમ જીવ્યો?! અને છતાં એ પણ જોઉં કે મુંબઈમાં મેં જે હાડમારી ભોગવી હતી તેનાથી પણ વધુ હાડમારી ભોગવતા લાખો લોકો મુંબઈમાં હજી જીવે જ છે ને! એ બધાને હું રોદણાં રોતાં જોતો નથી. મુંબઈની આ બધી મુશ્કેલીઓ વચ્ચે લોકો કેવા સિફતથી પોતાનો રસ્તો શોધી કાઢે છે! કોઈ પણ સંજોગોમાં રહેવાની મુંબઈના લોકોની સૂઝસમજ અને ચતુરાઈ મને સમજાય છે. મુંબઈની આ સહનશીલ અને હિકમતી પ્રજાને હજાર હજાર સલામ ભરું છું.

જીવવા માટે અમેરિકન સુખસગવડો અનિવાર્ય નથી. આખરે દુનિયાના કેટલા લોકોને એ સુખસગવડો ભોગવવા મળે છે? અને છતાં લાખો અને કરોડો લોકો જીવે જ છેને! જેમ હું મુંબઈમાં બધે આંટો મારી આવું છું તેમ દેશમાં મારે ગામ પણ જઈ આવું છું. અને ત્યાં જતા એમ થાય છે કે ગામના લોકોને મુંબઈનાં સાધનસગવડો નથી, છતાં એ બધાં જીવે જ છે ને? એ બધાં દુઃખી છે એમ કેમ કહેવાય? આખરે પોતાના સંજોગોને અનુકૂળ થઈને રહેવાની કુશળતા મનુષ્ય સહજ છે, નહીં તો દેશનાં ગામડાંઓની ભયંકર ગરીબીમાં લોકો કેમ કરીને જીવે જાય છે? મને થાય છે કે મારું અમેરિકા આવવાનું ન થયું હોત તો મેં પણ શું એ બધાની જેમ મારો રસ્તો ન ખોળી કાઢ્યો હોત? ખુદા જાને!

અને છતાં મુંબઈની હાડમારીઓમાંથી પસાર થતાં મારું જે દુઃખ હતું તેને હું કેમ નકારી શકું? ટ્યુશન કરવા જતો ત્યારે ત્યાં વિશાળ ફ્લૅટ અને તેની અનેક આધુનિક સાધન સગવડો જોતાં મને જરૂર થતું કે આ બધું મને કેમ ન મળે? દરરોજ છાપાંમાં અમેરિકા જતા પૈસાદાર નબીરાઓના ફોટા જોતો ત્યારે થતું કે મને અમેરિકા જવા કેમ ન મળે? આમાં મારી લાયકાતનો પ્રશ્ન તો હતો જ નહીં. મને થતું કે એ બધા કરતાં શું મારી લાયકાત ઓછી હતી? મને મારી ગરીબીનું તીવ્ર ભાન પળે પળે થતું. હું જો પૈસાવાળો હોત, લાગવગવાળો હોત, તો હું પણ અમેરિકા જઈ શકું, ફ્લૅટમાં રહી શકું, મોજમજા કરી શકું. આ બધી ફ્લૅટ અને અમેરિકાની વાત મૂકો પડતી, પણ જે સમાજ અને દેશમાં સારી નોકરી કે સારી ઓરડી મેળવવા માટે પણ જો આકાશપાતાળ એક કરવા પડતાં હોય, તો એવા સમાજમાં રહેવાનો અર્થ શો? આવી દુઃખી મનોદશામાં મને મુંબઈ માટે, સમાજ માટે, દેશ માટે ઘૃણા થાય તેમાં નવાઈ શી?

આ કપરા સમયે મને દેશમાં, એની લોકશાહીમાં અને એની સામાજિક વ્યવસ્થામાંથી શ્રદ્ધા સાવ ઊઠી ગઈ. મારા જેવા ભણેલા માણસને પણ એક સામાન્ય નોકરી, કે રહેવાની ઓરડી મેળવવા આટલી મુશ્કેલી પડતી હોય એવી લોકશાહીનો અર્થ શો? પછી તો હું પૈસાવાળાઓને ધિક્કારતો થઈ ગયો. એમની પાસે ફ્લૅટ, ગાડી, વગેરે જીવનની બધી સગવડ હોય, એમના છોકરાઓને અમેરિકા જવાનું મળે, અને હું મુંબઈમાં હડદોલા ખાઉં તે મારાથી સહેવાતું નહોતું. મેં જોયું કે એક પછી સરકાર આવીને જતી. એક પંચવર્ષીય યોજના પૂરી થાય ને બીજી તૈયાર આવી ને ઊભી જ હોય. પણ લોકોની દશામાં શું ફેરફાર થતો? ઊલટાનું એમની દશા વણસતી જતી હતી. મુંબઈમાં ઝૂંપડપટ્ટીઓ તો વધતી જતી હતી. થતું કે મારે આ ભૂખડીબારસ દેશમાંથી ભાગવું જ જોઈએ. પણ કેવી રીતે?

અમેરિકાનાં સપનાં

ભલે મેં છાપાંમાં વૉન્ટ-ઍડ જોવાનું છોડ્યું પણ છાપાં વાંચવાનું નહોતું છોડ્યું. એ તો હું પહેલું કરું. ઑફિસ જવા જેવો હું ટ્રેનમાં બેસું કે તુરત છાપું ઉઘાડું, જ્યારે આજુબાજુ લોકો પત્તાં રમવામાં પડ્યા હોય, કે ભજન કરતા હોય, કે ઊંઘતા હોય ત્યારે હું છાપામાં તલ્લીન હોઉં. દેશવિદેશમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની તાલાવેલી ઘણી. આ છાપાંના પાનાં ઉથલાવતાં મારી નજર ‘વિદેશગમન’ના સમાચાર ઉપર જરૂર પડે. બાપના પૈસાના જોરે વધુ અભ્યાસ માટે અમેરિકા ઉપડતા મારી જ ઉંમરના જુવાનિયાઓના ફોટા છાપાંમાં જોઈને હું જલીને ખાખ થઈ જતો. થતું કે આ બધા ભોટાઓ કરતા અમેરિકા જવાની લાયકાત તો મારી વધુ છે.

એ લોકોને અમેરિકાની શું ખબર? અમેરિકા જતા એક નબીરાને મેં જ્હોન ગુન્થરના જાણીતા પુસ્તક ઇનસાઇડ અમેરિકાની વાત કરી હતી. એને ગુન્થરના નામની પણ ખબર ન હતી. પ્રખ્યાત અમેરિકન કોલમનીસ્ટ વોલ્ટર લીપમેનની ઇન્ડિયન એક્ષ્પ્રેસમાં આવતી કૉલમ હું નિયમિત વાંચતો, ત્યારે હારતોરા પહેરીને અમેરિકા પધારતાં આ રાજકુંવરોને લીપમેન કોણ છે તેની ખબર પણ નહીં હોય. એમની એક જ લાયકાત હતી. તે એ કે એમના બાપા પાસે મોટો દલ્લો હતો, અને છોકરાને અમેરિકા મોકલવા માટે ધૂમ ખર્ચો કરવા તૈયાર હતા, જ્યારે કાકા મારી પાસે આશા રાખીને બેઠા હતા કે હું ક્યારે પૈસા કમાઉ અને કુટુંબને મુંબઈમાં સેટલ કરું. મને થતું કે આ ક્યાંનો ન્યાય છે?

એ જમાનામાં ચર્ચગેટ આગળ અમેરિકન લાઇબ્રેરી હતી. ત્યાં હું નિયમિત જતો. અમેરિકન મૅગેઝિન અને પુસ્તકો વાંચતો. એ જ વખતે અમેરિકામાં ૧૯૬૪ની ચૂંટણી ચાલતી હતી. લીન્ડન જોહ્ન્સન અને બેરી ગોલ્ડવોટર વચ્ચે પ્રમુખપદા માટે જે હરીફાઈ થતી હતી તે વિશે હું બહુ જ રસથી વાંચતો. કાલા ઘોડા પાસે આવેલ ડેવિડ સાસૂન લાઇબ્રેરીમાં પણ હું જતો અને ત્યાં આવતા દેશવિદેશનાં અનેક છાપાં મૅગેઝિન ઉથલાવતો એ વાત તો મેં આગળ ઉપર કરી છે. મને બહુ થતું કે પરદેશ જવા માટે બૌદ્ધિક રીતે હું પૂરેપૂરો તૈયાર છું, પણ આર્થિક રીતે સર્વથા નબળો હતો. આ મુખ્ય મુદ્દાના કારણે મારે માટે અમેરિકા જવું એ માત્ર એક સપનું જ હતું.

એ વરસો દરમિયાન અમેરિકાથી સર્કેરામા યુ.એસ.એ. નામનું એક પ્રદર્શન આવ્યું. ફોર્ટ એરિયાના એક મેદાનમાં એનો મોટો તંબૂ તણાયો. તેમાં બધી બાજુ પડદાઓ. ત્યાં તમારી આંખ સામે આખું અમેરિકા પ્રોજેક્ટ થાય. તમારે ખાલી તંબૂની વચ્ચે કલાકેક ઊભા રહેવાનું, પણ તમે અમેરિકામાં જ ઊભા છો એમ લાગે. જાણે કે તમને અમેરિકાનો પ્રવાસ કરાવે, બધે લઈ જાય. બધું બતાડે—ન્યૂ યૉર્કના સ્કાય સ્ક્રેપર્સ, ટોળાંઓથી ઊભરાતા સાઈડ વોક્સ, ટૅક્સીઓથી ભરેલી સ્ટ્રીટ્સ, શિકાગો જેવાં મહાકાય શહેરો, દરિયા જેવી વિશાળ નદીઓ, રળિયામણા બાગબગીચાઓ, ગ્રાન્ડ કેન્યન, નાયગરા ફોલ્સ જેવાં ભવ્ય ભૌગોલિક સ્થાનો, મહાન યુનિવર્સિટીઓ, એની પચરંગી પ્રજા વગેરે રૂબરૂ જુઓ. આ જોઈને હું તો ગાંડો બની ગયો. થયું કે આવા અમેરિકામાં ક્યારે જવા મળે?

બે વરસ પહેલાં અમેરિકા ગયેલા મિત્ર નવીન જારેચા મને કયારેક ક્યારેક પત્રો લખતા અને અમેરિકાની વાતો લખી મને અજાયબી પમાડતા હતા. એમના પત્રોની હું બહુ રાહ જોતો. ગરુડની સ્ટેમ્પવાળો એમનો ઇનલેન્ડ લેટર જોઈને જ મારા રૂવાંડાં ખડા થઈ જતાં! એકનો એક કાગળ દસ વાર વાંચી જતો! તરત વળતો જવાબ લખું, અને આજીજી કરું કે ભાઈ, આપણું કંઈક કરો! એ પોતે ઍટલાન્ટા યુનિવર્સિટીમાં ટ્રેજરરની ઑફિસમાં ક્લર્ક હતા. આવી સામાન્ય નોકરી હોવા છતાં એમની પાસે નવી કાર હતી અને સરસ મજાનો ફ્લૅટ હતો. એમની અમેરિકન લાઈફ સ્ટાઈલની વાતો વાંચી હું અંજાઈ જતો, અને વળી પાછો શેખચલ્લીના વિચારે ચડી જતો, જાણે કે હું પણ ત્યાં જ છું અને એ બધી મજા કરી રહ્યો છું!

સપનાં કે વલખાં?

એમાં એક દિવસ જારેચાનો તાર આવ્યો. કહે કે તમારા એડમિશનની વ્યવસ્થા થઈ ગઈ છે, આવવાની તૈયારી કરો! આ તાર વાંચીને હું તો આસમાને પહોંચી ગયો! થયું કે આપણું ભાગ્યનું પાંદડું ખરેખર જ ફર્યું લાગે છે. આખા ગામમાં જાહેરાત કરી દીધી કે ભાઈ, હું તો આ અમેરિકા ઊપડ્યો! પણ એડમિશનનો લેટર આવ્યા પછી અમેરિકા જવાના ખરા પ્રશ્નો શરૂ થયા. પહેલાં તો પાસપોર્ટ લેવો પડશે, એને માટે કોઈ ઝાઝું બૅંક બૅલેન્સવાળા ખમતીધર માણસે સરકારને ગેરેન્ટી આપવી પડશે કે આ ભાઈને અમેરિકામાં કાંક થયું અને સરકારને ખર્ચ થયો તો તેની બધી જવાબદારી એ લેશે. એવી ગેરેન્ટી મારે માટે કોણ આપવાનું છે? વધુમાં ત્યાં જવાની એરલાઈન્સની ટિકિટના પૈસા કોણ આપશે? ત્યાંની કૉલેજની ફી કેમ ભરવી? ત્યાં રહેવાના ખર્ચનું શું? તે ઉપરાંત ફૉરેન એક્ષ્ચેન્જનો મોટો પ્રશ્ન તો ઊભો જ હતો.

ધારો કે આ બધા પૈસા હું ઊભા કરું તોય મને મોંઘું ફૉરેન એક્ષ્ચેન્જ કોણ આપવાનું છે?

૧૯૬૨માં ચાઇનીઝ ઇન્વેજન થયું. તે પછી ફૉરેન એક્ષ્ચેન્જની ભયંકર તંગી હતી. બહુ મોટી લાગવગ હોય તો જ મળે. પરદેશ જવાની જેમને પરમીશન મળી હોય તેમને પણ માંડ માંડ સાત ડોલર મળે! પરદેશ જનારા લોકો મોટે ભાગે કાળા બજારમાં મોંઘે ભાવે ડોલર ખરીદે. વધુમાં હું તો અહીં પરણીને બેઠો છું, ઘર માંડ્યું છે, એ બધાંનું શું? હું અમેરિકા જઈને વરસ બે વરસ ભણીશ, પણ એ દરમિયાન મુંબઈના ઘરનો, નલિનીનો, ભાઈ બહેન વગેરે જે મારી સાથે રહે છે તેનો ખર્ચ કોણ ઉપાડશે?

જેમ જેમ આ બધા પ્રશ્નોનો હું વિચાર કરતો ગયો તેમ તેમ મારો અમેરિકા જવાનો વિચાર કેટલો ઈમ્પ્રેકટીકલ છે તે સમજાયું. મેં આ બધા પ્રશ્નો જારેચાને વિગતવાર સમજાવતો કાગળ લખ્યો. મારી બોટમ લાઈન તો એવી હતી કે જો કોઈ પરોપકારી ધનવાન માણસ હું જ્યાં સુધી અમેરિકામાં ભણું ત્યાં સુધી ત્યાંનો અને મુંબઈનો મારો બધો ખર્ચ ઉપાડે અને ઉપરથી ત્યાં જવાની મારી ટિકિટ પણ કઢાવી આપે તો જ હું અમેરિકા આવી શકું! જારેચાએ સ્વાભાવિક જ એમ ધારી લીધું હતું કે એ બધા પૈસાની વ્યવસ્થા તો હું પોતે જ કરીશ. જે રીતે એ અમેરિકા આવેલ તે રીતે. એ ભલા માણસને શું ખબર કે એમના પિતાશ્રીએ જે રીતે એમને માટે અમેરિકા જવાના પૈસા ઊભા કર્યા તેવું કાકા મારે માટે થોડું કરવાના હતા? એટલું જ નહીં, અમેરિકા જવાની વાતનો કાકા તો સખત વિરોધ કરશે જ એની મને ખાતરી હતી.

જારેચા તરફથી કોઈ જવાબ નહીં આવ્યો. જારેચા હજી તો બે જ વરસ પહેલાં અમેરિકા ગયા હતા અને માંડ માંડ પોતે સેટલ થતા હતા તેમાં એ મારો આ બધો ખરચ કેમ ઉપાડે? હું દરરોજ ઓળખીતા ટપાલીની સામે આતુર ચહેરે જોઉં અને એ ભલો માણસ મારી સામે માથું ધુણાવે અને હું સમજું કે મારે માટે અમેરિકાનો કોઈ કાગળ નથી. કૉલેજ એડમિશનનો કાગળ આવીને પડ્યો હતો તે હું જાનને જોખમે સાચવતો હતો, પણ ચારેક મહિના પછી મને સમજાણું કે આપણી અમેરિકાની ગાડી કંઈ આગળ વધે એમ લાગતું નથી. જે સેમેસ્ટરથી મને એડમિશન મળ્યું હતું તે પણ શરૂ થઈ ગયું, અને આપણે રામ તો હજી મુંબઈમાં જ રખડતા હતા!

વધુમાં મૂર્ખામી એવી કરેલી કે જેવો એડમિશન લેટર આવ્યો કે તરત જ હરખપદુડા થઈને ગામ આખામાં ઢંઢેરો પીટાવ્યો હતો કે હું તો અમેરિકા જવાનો છું! સ્વાભાવિક રીતે જ ઓળખીતા પાળખીતા લોકો મળે ત્યારે પૂછે કે અમેરિકા ક્યારે ઊપડો છો? કેટલાક મિત્રો કહે, તમારે માટે અમારે વિદાય સમારંભ કરવો છે, કયો દિવસ તમને ફાવશે? મારું તો વળી પાછું સાપે છછુંદર ગળ્યા જેવું થયું. મારે શો જવાબ આપવો? “અરે, હું તો અમરેલી જવાની વાત કરતો હતો,” એમ કહીને વાત ઉડાડી નાખતો, પણ અંદરથી થતું કે ધરતી જો માર્ગ આપે તો સમાઈ જાઉં. મનમાં ને મનમાં હું મારી જાતને તમાચા મારતો. કહેતો કે મારી અમેરિકા જવાની હેસિયત શું?

પણ મારું અમેરિકા જવાનું જે સપનું છે તેનું શું કરવું? ધીમે ધીમે હું મને સમજાવતો ગયો કે મારી જેમ જ અમેરિકા જવાનાં સપનાં સેવતા હજારો શું, લાખો જુવાનિયાઓ મુંબઈમાં રખડે છે. એ બધા અહીં રખડે અને હું અમેરિકા જાઉં એમ? હું એવો તો ક્યો નવી નવાઈનો છું? મારી આજુબાજુ લોકો મારી જેમ જ જીવે જ છે ને? કેટલા અમેરિકા જાય છે? કેટલાને ઘરે ગાડી છે? કેટલા મરીન ડ્રાઈવ કે જુહુના ફ્લૅટમાં રહે છે? કેટલાને ઘરે સાહિત્ય, સંગીત અને કલા, આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ છે? મારી જે જીવનની જે કલ્પના હતી તે તો માત્ર રોમેન્ટિક નવલકથાઓમાં જ હોય! એ બધી વાતો છોડીને જે વર્તમાન પરિસ્થિતિ છે, તે સ્વીકાર્યા વગર છૂટકો નથી.

મને જીવનમાં પહેલી જ વાર થયું કે હવે જે પરિસ્થિતિમાં હું ફસાયો છું, તેમાંથી છટકવું શક્ય નથી. મારી વણસતી દશાની નિશાનીઓ બધે દેખાતી હતી. દેશમાંથી કાકાની સહકુટુંબ મુંબઈ આવવાની વાત વળી પાછી શરૂ થઈ. દેશના ધંધા સાવ પડી ભાંગ્યા હતા, દેશમાં બાકી રહેલા બીજા બે ભાઈઓને ઠેકાણે પાડવાના હતા. એક ભાઈ મુંબઈ આવીને મારી માથે ક્યારનોય પડ્યો હતો, એને પણ વ્યવસ્થિત સેટલ કરવાનો હતો. બહેનને પરણાવવાની હતી. પહેલા સંતાનનું અકાલ નિધન થયું. નલિની હવે ક્યાં સુધી બીજા સંતાન માટે રાહ જુએ? પોતાનો ધંધો કરવાની વાત તો બાજુએ મૂકો, નવી સારી નોકરીની પણ કોઈ શક્યતા દેખાતી નહોતી.

મારી નિરાશા હવે હતાશામાં ફેરવાઈ. થયું કે આપણે ભાગ્યે આ જ બધું લખાયું છે : આ ન કરવા જેવી નોકરી, કપરી કૌટુંબિક પરિસ્થિતિ, દાખલ થતાં જ ઓકાવી દે એવી આ ચાલી અને એમાં અમારી આ દસ બાય બારની ઓરડી, આ મુશ્કેલીઓથી ભર્યું ભર્યું મુંબઈ, આ દંભી સમાજ, આ અક્કરમી દેશ–આ બધામાં હું કેવી રીતે આગળ આવવાનો હતો? ક્યાં અને કેવી રીતે મોટાં કામ કરીને ભવિષ્યને ઉજાળવાનો હતો? મને ‘હું કંઈક સ્પેશ્યલ છું,’ એવો જે ભ્રમ હતો તે ઓગળી ગયો. ઊલટાનું મને એમ થવા મંડ્યું કે મારી આજુબાજુ જે હજારો ને લાખો લોકો જીવે છે તેમ જ મારે પણ જીવવાનું છે. એ બધાની જેમ હું પણ સાવ સામાન્ય માનવી છું. મારે મારી પામરતા સ્વીકારવી જ રહી.

જે કુટુંબ, સમાજ, અને દેશમાં હું જીવું છું તેમાં કાંઈ ફેરફાર થવાનો નથી. જે છે તે છે, લવ ઈટ ઓર લીવ ઈટ! એ બધામાં સંતોષ માની આગળ વધો. પણ આગળ ક્યાં વધુ? આવી હતાશામાં હું સાવ દિશાશૂન્ય અને હેતુવિહીન જીવન જીવતો હતો ત્યાં જારેચાનો ફરી એક ટેલિગ્રામ આવ્યો: તારા અમેરિકાના બધા ખર્ચની વ્યવસ્થા થઈ ગઈ છે! એડમિશનનું પણ થઈ ગયું છે, એ બાબતનો લેટર મોકલી દીધો છે. સેમેસ્ટર પણ શરૂ થઈ ગયું છે. જલદી જણાવ કે કઈ તારીખે તું નીકળે છે.

ત્રણેક વરસ પહેલાં જારેચાનો અમેરિકા આવવાનો પહેલો તાર આવેલો ત્યારે મેં હરખપદુડા થઈને ગામ આખામાં ઢંઢેરો પીટાવેલો કે હું તો અમેરિકા જાઉં છું! પછી જ્યારે એ આખી વાતનો જબરો ફિયાસ્કો થયો ત્યારે નીચી મૂંડીએ,” હું તો અમરેલી જવાનું કહેતો હતો,” એમ કહીને વાત ઉડાડી મૂકેલી. દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે તે ન્યાયે આ વખતે કોઈને અમેરિકા જવાની વાતની ગંધ સરખી પણ આવવા ન દીધી, અને મૂંગા મૂંગા અમેરિકા જવાની તૈયારી શરૂ કરી દીધી.

હું અમેરિકા ઊપડ્યો, ખરેખર!

૧૯૬૨માં હું પહેલી વાર અમેરિકા ન આવી શક્યો તેનો જારેચાને રંજ રહી ગયો હતો. ત્યારથી જ એ ભલા માણસ મારા ખર્ચની જોગવાઈ કરવા મથતા હતા. પોતે યુનિવર્સિટીમાં જ કામ કરતા હતા, તેથી મારા એડમિશનની વ્યવસ્થા ત્યાં એ સહેલાઈથી કરી શક્યા, પણ ફી અને રહેવાનું શું? અને મારે તો અહીંનો જે ખર્ચ તો ઊભો હતો તેનો પણ વિચાર કરવાનો હતો. એમણે ઉપાય બતાવ્યો. “તું અહીં આવીને મારી ઑફિસમાં પાર્ટટાઈમ કામ કરજે, એમાંથી તારો ત્યાંનો ને અહીંનો એમ બંને ખરચા નીકળી જશે. શરૂઆતમાં મારી સાથે રહેજે અને મારી સાથે જ આવજે, જજે.”

હવે રહી એરલાઈનની ટિકિટ. એ મોટો ખરચ હતો. એ માટે એમણે ઍટલાન્ટાના એક ફાઉન્ડેશનને અરજી કરી અને કહ્યું કે મારા એક મિત્ર માટે અહીંની યુનિવર્સિટીમાં એડમિશન, ફી અને રહેવાની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. પણ આ મહત્ત્વાકાંક્ષી નવયુવાનને અમેરિકા આવીને પોતાનું ભવિષ્ય ઉજ્જ્વળ બનાવવાની જે અમૂલ્ય તક મળી છે તે એરલાઈનની ટિકિટના પૈસા ન હોવાને કારણે જવા દેવી પડશે. એ બાબતમાં ફાઉન્ડેશન કોઈ મદદ કરી શકે?

મારા કોઈ મોટા સદ્ભાગ્યે ફાઉન્ડેશને હા પાડી અને ટિકિટના પૈસા આપ્યા. જારેચાએ તરત એર ઇન્ડિયાની ટિકિટ કઢાવીને મોકલી આપી. મુંબઈનો એર ઇન્ડિયાનો માણસ મને ઑફિસમાં મળવા આવ્યો. હું ગભરાયો કે ઑફિસમાં બધાને ખબર પડશે કે ભાઈસાહેબ વળી પાછા અમેરિકા જવાના ધતિંગ કરવા લાગ્યા કે શું? હું એને તરત બહાર લઈ ગયો અને કહ્યું કે મહેરબાની કરીને તારે ઑફિસમાં ન આવવું. એ બિચારો તો એનું કામ કરતો હતો, એને ખબર ન પડી કે હું શા માટે એને ઑફિસમાં આવવાની ના પાડું છું. મને હજી ખાતરી નહોતી થતી કે હું ખરેખર જ અમેરિકા જવાનો છું. હજી તો મારે પાસપોર્ટ કઢાવવાનો હતો, વિઝા મેળવવાના હતા, ઘરે બધાને સમજાવવાના હતા. જીવનમાં મેં એટલી બધી પછડાટ ખાધી છે, એટલી બધી હાર સહન કરી છે, કે હું એવું માનતો થઈ ગયો હતો કે આપણે જે ધાર્યું છે તેથી ઊલટું જ થવાનું છે.

પણ એક વાર ટિકિટ આવી ગઈ એટલે મને થોડી ધરપત થઈ. એક ઓળખીતા ટ્રાવેલ એજન્ટને પકડ્યો. કહ્યું કે મારું અમેરિકા જવાનું નક્કી થયું છે. ત્યાં સેમેસ્ટર શરૂ થઈ ગયું છે. મારે જલદી પહોંચવાનું છે. મદદની જરૂર છે. મને કહે, પહેલું કામ પાસપોર્ટ ક્ઢાવાનું. તારા ફોટા આપ. મારી પાસે તો તૈયાર ફોટા પણ નહોતા! એ મને તુરત ને તુરત જ્યાં જલદીથી ફોટા મળી શકે એવા ફોટોગ્રાફરને ત્યાં લઈ ગયો. ફોટા પડાવ્યા. ટ્રાવેલ એજન્ટે મને કહ્યું કે પાસપોર્ટ માટે કોઈ ખમતીધર માણસની ગેરેન્ટીની જરૂર પડશે. કોણ તને એ આપશે? આગળ ઉપર જણાવ્યું તે મુજબ રતિભાઈએ તો મને સ્પષ્ટ ના પાડી. હવે શું કરવું? મારા મિત્ર કનુભાઈ દોશી જે મારી અમેરિકા જવાની યોજનામાં તીવ્ર રસ બતાવતા હતા તે વહારે ધાયા. એમણે એમના ભાઈ અનિલને વાત કરી. અનિલભાઈ અને હું એક જમાનામાં નાતની બોર્ડિંગમાં રૂમમેટ હતા, તેમણે તરત હા પાડી. આપણી ગાડી આગળ વધી.

ટ્રાવેલ એજન્ટની મદદથી પાસપોર્ટ મળ્યો. મારા નામનો પાસપોર્ટ હોય એ જ મોટી વાત હતી. મેં ક્યારેય કલ્પના કરી નહોતી કે મારી પાસે પાસપોર્ટ હોય! વિઝા લેવા માટે અમેરિકન કોન્સ્યુલેટમાં ગયો. ત્યાં કહે કે ડૉક્ટર પાસેથી મેડિકલ સર્ટિફિકેટ લઈ આવો. એ માટે અમારા ડૉક્ટર પાસે તમારે જવું પડશે. ગભરાતો ગભરાતો એ ડૉક્ટર આગળ ગયો. ન કરે નારાયણ ને એ મારા માંદલા શરીરમાં કોઈ રોગ ગોતી કાઢે તો? અમેરિકાના ડબલ ચીઝ પીઝા ખાઈને અત્યારે તો મારું વજન ૧૬૦ સુધી પહોંચ્યું છે, પણ ત્યારે તો માત્ર ૧૩૦ પાઉન્ડ જેટલું હતું! સદ્ભાગ્યે વાંધો ન આવ્યો.

વીઝા ઑફિસર સાથે મારો ઇન્ટરવ્યૂ નક્કી થયો. હું ત્યાં પણ ગભરાતો જ ગયો. જિંદગીમાં પહેલી જ વાર કોઈ અમેરિકન સાથે વાત કરવાની હતી. આગલી આખી રાત ઊંઘ નહીં આવી. એ શું શું પૂછશે? અને એ જે પૂછશે તે મને સમજાશે? હોલીવૂડની મૂવીઓ જોવાથી અમેરિકન ઉચ્ચારોથી થોડો ઘણો પરિચિત હતો, પણ મૂવીના ડાયલોગ ઘણી વાર સમજાતા નહીં. જોકે ટ્રાવેલ એજન્ટે મને સમજાવ્યું હતું કે ત્યાં કેવા સવાલો પુછાય છે અને એના કેવા જવાબ આપવા. ગયો. બહુ વાંધો નહી આવ્યો. વિઝા મળી ગયા. હવે રિઝર્વ બૅંકમાંથી ‘પી’ ફોર્મ અને ફૉરેન એક્સચેન્જ મેળવવાના હતા. જો કે ફૉરેન એક્સચેન્જમાં તો માત્ર સાત ડોલર જ મળવાના હતા. વધુ તો સરકાર આપતી નહીં અને આપતી હોય તોય એ લેવાના પૈસા ક્યાં હતા? ટ્રાવેલ એજન્ટ દ્વારા ટિકિટ લેવાઈ ગઈ. જવાની તારીખ નક્કી થઈ ગઈ. ટિકિટ હાથમાં આવ્યા પછી જ મને ધરપત થઈ કે હવે જવાનું નક્કી જ છે. જારેચાને મેં તાર કહીને જણાવી દીધું કે આવું છું!

થયું કે હવે ઘરે, ઑફિસમાં અને બીજે બધે ઠેકાણે કહેવામાં વાંધો નથી. બધે જ આશ્ચર્ય છવાઈ ગયું. લોકોને થયું કે આ માણસ સાવ સામાન્ય નોકરી કરે છે અને અમેરિકા જવાનું ક્યાંથી ગોઠવી આવ્યો? પહેલાં તો નલિનીએ રોવાનું શરૂ કર્યું! કહે કે મારું શું થશે? એણે પણ સાંભળ્યું હતું કે પરણેલા લોકો અમેરિકા જઈને પોતાની પત્નીને ભૂલી જાય છે. અમેરિકન છોકરીઓ એમને ફસાવે છે. એમની સાથે આડકતરા સંબંધો બાંધી પત્નીને બોલાવતા નથી. અમારી નાતમાં જ એવો એક કેસ બન્યો હતો જેની વાત કરીને રતિભાઈએ મને પાસપોર્ટ માટે ગેરેન્ટી આપવાની ના પાડી હતી તે જ વાત નલિનીએ મને કરી. હું પણ એવું નહીં કરું એની ખાતરી શી?

મેં એને સમજાવ્યું કે હું પણ એવું કરીશ તેવું કેમ મનાય? ઉપરાંત દેશમાં આપણું ભવિષ્ય કાંઈ સારું દેખાતું નથી. અમારા સૅનેટોરિયમના રઝળપાટ, સારી નોકરી શોધવાના મારા રોજના ફાંફા, ટૂંકા પગારમાં ઘર નહોતું ચાલતું તેથી ટ્યુશન કરવાની પળોજણ, દેશમાંથી આવેલા લોકોનો ધસારો—આ બધાની નલિની સાક્ષી હતી એટલું જ નહીં, પણ મારા આ જીવનસંગ્રામમાં એ પણ મારી સાથે રહીને ઝઝૂમી હતી. એણે પણ મારી સાથે એ બધું વેઠ્યું હતું. વધુમાં મેં એને અમેરિકા આવવાની લાલચ આપી. કહ્યું કે એક વરસ તો ક્યાંય નીકળી જશે અને તું અમેરિકા આવી જઈશ!

નલિની તો માની ગઈ પણ કાકાને સમજાવવા વધુ મુશ્કેલ હતું. દેશનો ધંધો સંકેલી એ બાકીના કુટુંબને લઈને મુંબઈ આવી ગયા હતા. બાજુના પરા બોરીવલીમાં ઓરડી લઈ એમણે પાકટ વયે મુંબઈની હાડમારીવાળી જિંદગી શરૂ કરી હતી. પોતાના એક જૂના મિત્રની દાઢીમાં હાથ ઘાલીને એના ધંધામાં મહેતાજી તરીકે નોકરી શરૂ કરી હતી. એ મારી પર મદાર રાખીને બેઠા હતા. ક્યારે હું ધીકતી કમાણી કરું, ભાઈ-બહેનોની સંભાળ લઉં અને એમને મુંબઈની કઠણાઈમાંથી છોડાવું. એમને મદદરૂપ થવાને બદલે હું તો અમેરિકા ચાલ્યો! વધુમાં એમની ઉપર નલિનીનો ભાર નાખીને જતો હતો.

રતિભાઈની જેમ એમને પણ શંકા હતી કે કદાચ હું અમેરિકા જ રહી જાઉં, દેશમાં પાછો આવું જ નહીં અને નલિનીને છોડી દઉં તો? જેમ નલિની તેમ જ કાકાને અમેરિકા લઈ જવાની લાલચ આપી. મેં એમ પણ કહ્યું કે એકાદ વરસમાં હું ત્યાં સેટલ થઈ જઈશ અને નલિની તથા ભાઈબહેનોને બોલાવી લઈશ. એ માન્યા નહીં. આ બધી ગડમથલ ચાલતી હતી, તેવામાં મારા બા ગંદકીથી લપસણી થયેલી ચાલીમાં પડ્યા. એમનો પગ ભાંગ્યો. એમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. મારા અમેરિકા જવાની વાત વિશે એ પણ નારાજ હતાં. પણ એમના સ્વભાવ મુજબ એમણે મને કાંઈ કહ્યું નહીં, પણ એમનો મારા પ્રત્યેનો અસંતોષ અને દુઃખ હું જોઈ શકતો હતો. મુંબઈમાં ધીકતી કમાણીનો ધંધો કે નોકરી કરવામાં તો હું સાવ નિષ્ફળ નીવડ્યો હતો. અમેરિકા જવાની આવી અમુલ્ય તક મળી છે તે હું કાંઈ જવા દેવાનો ન હતો. બા કાકાને મનદુઃખ થયું હોવા છતાં મારી અમેરિકા જવાની તૈયારી ચાલુ રહી.

જેમ જેમ અમેરિકા જવાનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ મને શ્રદ્ધા બેસતી ગઈ કે હું ખરેખર જ મુંબઈ અને તેની બધી ઝંઝટમાંથી બસ હવે થોડા જ દિવસમાં છૂટવાનો છું, ત્યાં જ ઇન્ડિયા-પાકિસ્તાનની ૧૯૬૫ની લડાઈ શરૂ થઈ. મુંબઈમાં બ્લેક આઉટ શરૂ થયો. મુંબઈ ઍરપોર્ટ બંધ કરવાની વાત ચાલુ થઈ. અકરમીનો પડિયો કાણો! મને થયું કે આ મારું દુર્ભાગ્ય કેવું છે કે મારું અમેરિકા જવાનું નક્કી થયું ત્યારે જ લડાઈ શરૂ થઈ. કદાચ ઍરપોર્ટ બંધ થશે. સદ્ભાગ્યે સીજ ફાયર ડીકલેર થયો અને એર ઇન્ડિયાવાળાઓએ કહ્યું કે હા, તમારું પ્લેન જરૂર ઊપડશે.

પૈસાદારોના છોકરાઓ વિદેશગમન કરે ત્યારે જે મેળાવડાઓ થાય અને જે ફોટા પડે એવું કંઈ મારા માટે થવાનું નહોતું. એક તો કાકા અને રતિભાઈ બન્નેએ મારા અમેરિકા જવા વિશે પોતાનો અણગમો નોંધાવ્યો હતો. તેથી “અમારા સુપુત્ર ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવા આજે એર ઇન્ડિયાની રાતની ફ્લાઈટમાં ઉપડે છે,” એવી હેડલાઈન સાથે છાપામાં ફોટો આવવાનો નહોતો. પણ મને આવી બાબતની કોઈ પડી નહોતી. હવે તો હું અમેરિકા જાઉં છું એ જ મારે મન મોટી વાત હતી.

એક મિત્રે મારા માટે ચર્ચગેટ ઉપર આવેલા એક નાના રેસ્ટોરામાં મેળાવડો યોજ્યો. એ ભાઈએ સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી, મને એટલું જ કહ્યું હતું કે અમે બે સાંજે કૉફી પીવા મળીશું અને પછી છૂટા પડીશું. હું ગયો અને જોયું તો મારા કૉલેજના કેટલાક અને બીજા મિત્રો હાજર હતા. કેટલાક બીજા દરવાજે આવીને રિસાઈને ઊભા રહ્યા. કહે કે, ગાંધી પોતે દરવાજે આવીને અમને આમંત્રણ આપે તો જ અમે અંદર આવીએ! જે ભાઈએ ભલમનસાઈથી આ મેળાવડાની વ્યવસ્થા કરી હતી તેમણે નિમંત્રણ આપવામાં કંઈક ભૂલ કરી હશે, કોને ખબર? હું દરવાજે ગયો, એમને આગ્રહ કરીને અંદર લઈ આવ્યો. એમને બધાને ઍરપોર્ટ મને વિદાય આપવા આવવા કહ્યું.

મેળાવડો પતાવી રાતે મોડો ઘરે પહોંચ્યો અને નલિનીને ખબર પડી કે મારે કેમ મોડું થયું, તો વળી ઘરે એ બાબતમાં ઝઘડો થયો. એને પણ વિદાય સમારંભમાં આવવું હતું અને મારી સાથે બેસીને માનપાન માણવાં હતાં. મેં એને ઘણી સમજાવી કે આ મેળાવડાની મને પોતાને જ ખબર ન હતી. જે ભાઈએ મારા પ્રત્યેની એમની કૂણી લાગણીથી આ બધું ગોઠવ્યું હતું તે નલિનીને જ કહેવાનું ભૂલી ગયા! અમેરિકા જવાના આગલા દિવસે જ આ બધા મનદુઃખને કારણે મારો અમેરિકા જવાનો ઉત્સાહ જ ઓસરી ગયો. મને થયું કે આમાંથી ક્યારે ભાગું?

એ ભાગવાનો દિવસ આવી ગયો! ઍરપોર્ટ ઉપર થોડા લોકો આવેલા. મારા હારતોરા પણ થયા! અને મેં આખરે એર ઇન્ડિયાનું પ્લેન પકડ્યું. જિંદગીમાં હું પહેલી જ વાર પ્લેનમાં બેઠો. એ જમાનામાં મુંબઈનું સાંતાક્રુઝ ઍરપોર્ટ જોવા જવાનું સ્થાન હતું. દેશમાંથી જે લોકો ફરવા આવે તે મુંબઈનું ઍરપોર્ટ જોવાનું ન ચૂકે. હું પણ એવી રીતે વર્ષો પહેલાં જોવા આવેલો, અને પછી ઘણા લોકોને ત્યાં બતાડવા પણ લઈ ગયેલો. જેટલી વખત ત્યાં ગયો છું તેટલી વાર મને થયેલું કે મને ક્યારે પ્લેનમાં બેસવાનું મળશે? હું જોવા બતાડવા નહીં, પણ ખુદ પોતે જ વિદેશ જવા માટે ઍરપોર્ટ પર ક્યારે આવીશ? આજે હું ખરેખર વિદેશ જવા માટે, અને તે પણ અમેરિકા જવા માટે, ઍરપોર્ટ આવ્યો છું તે હું માની શકતો ન હતો. એનાઉન્સ્મેન્ટ થયું કે પ્લેનમાં બેસો. તમારું પ્લેન ઊપડવાની તૈયારીમાં છે. પ્લેનમાં જવાની સીડીનાં પગથિયાં ચડતા હું ખલીલ જિબ્રાનની પંક્તિઓ ગણગણતો હતો: Then we left that sea to seek the Greater Sea!

License

એક અજાણ્યા ગાંધીની આત્મકથા Copyright © by નટવર ગાંધી. All Rights Reserved.