૧. સાવરકુંડલા (૧૯૪૦ – ૧૯૫૭)

નીરસ બાળપણ

૨૦૧૬માં હું આ લખું છું ત્યારે મારી ઑફિશિયલ ઉંમર ૭૬ની ગણાય. સાચી ઉંમર કેટલી એ તો રામ જાણે! મારો જન્મ ઘરે જ થયેલો. અમારા ગામમાં નહોતી કોઈ હૉસ્પિટલ કે ન કોઈ પ્રસૂતિગૃહ. ઘરે દાયણ આવે. અમે ભાઈ બહેનો બધાં આમ ઘરે જ જન્મેલાં. અમારા જન્મનો કોઈ ઑફિશિયલ રેકોર્ડ ન મળે. આજે પણ દેશમાં લગભગ ૫૯% જેટલા જન્મોનો કોઈ ઑફિશિયલ રેકોર્ડ નોંધાતો નથી.15 જો જન્મતારીખ નોંધેલી ન હોય તો ઉજવવાની વાત કેવી? મને યાદ નથી કે અમારા ઘરમાં મારી, કે બીજા કોઈની પણ જન્મતારીખ ક્યારેય ઉજવાઈ હોય.

ઘરમાં છોકરો હેરાન કરતો હોય ત્યારે બાપ એને સ્કૂલમાં દાખલ કરી દે. એ જે કહે તે એની ઉંમર. આમ એક દિવસ કાકા (પિતાશ્રીને અમે કાકા કહેતા) મને સ્કૂલમાં લઈ ગયા. પ્રિન્સિપાલને કહ્યું કે છોકરાને સ્કૂલમાં દાખલ કરવો છે. ઉંમર પૂછતાં એમણે કહ્યું કે છોકરાની જન્મ તારીખ લખો ઑક્ટોબરની ચોથી. કયું વરસ? તો કહે લખો ૧૯૪૦. આમ મારી જન્મતારીખ નક્કી થઈ. મેં જ્યારે ૧૯૫૭માં મુંબઈ જવા ગામ છોડ્યું ત્યારે મને ઑફિશિયલી સત્તર વર્ષ થયા હતાં. ત્યાં સુધીના બાળપણ અને કિશોરવયનાં બધાં જ વરસો મેં ગામમાં જ કાઢ્યાં. એ વર્ષો સુખનાં વર્ષો હતાં એમ હું ન કહી શકું.

પ્રસિદ્ધ રશિયન નવલકથાકાર વ્લાડીમીર નેબોકોવ એમની આત્મકથામાં બાળપણમાં અનુભવેલા સુખ અને લાડ, આશ્ચર્ય અને ઉલ્લાસની વાત નોસ્ટેલ્જિયાથી કરે છે.16 બાળપણની આ મધુર સ્મૃતિઓ એમને પુખ્ત વયમાં ખૂબ ઉપયોગી નીવડી હતી. રશિયન રેવોલ્યુશન અને ત્યાર પછીના દેશવટા દરમિયાન એમને જે ભયંકર અનુભવો થયા, જે આર્થિક અને અન્ય હાડમારીઓ ભોગવવી પડી ત્યારે આ અત્યંત સુખદ બાળપણની યાદો જાણે કે એમની ઢાલ બની ગઈ હતી.

મારું કંઈક ઊંધું છે. નાનપણથી જ મને એવું કેમ થતું કે આ કુટુંબ, આ ઘર, આ ગામ હું ક્યારે છોડું? અને એ બધું છોડ્યા પછી મને ક્યારેય એવું થયું નથી કે ચાલો, પાછા જઈએ. ભલે કોઈનો ઉછેર નેબોકોવની જેમ અમીરી કુટુંબના લાડમાં ન થયો હોય, પણ શિશુસહજ આનંદ અને ઉલ્લાસનો અધિકાર તો દરેકનો છે. એમાં કંઈ ગરીબ તવંગરના ભેદભાવ ન હોય. છતાં મારા કુટુંબમાં મેં ઉલ્લાસ અને ઉત્સાહનું વાતાવરણ જોયું નથી. માબાપ, દાદા દાદી કે ભાઈ બહેનોના પ્રેમ અને લાડ મને નહીં મળ્યા હોય એવું હું કહેતો નથી, પણ એવા કોઈ લાડ કે વ્હાલ આજે યાદ નથી. એ કેવું? એ પણ યાદ નથી કે મેં ભાઈ બહેનો સાથે સંતાકૂકડી કે બીજી કોઈ રમત રમી હોય, કે દાદા દાદી પાસેથી કોઈ પરીકથાઓ સાંભળી હોય. કે કાકા સાથે બેસીને પાંચ મિનિટ વાત કરી હોય. અરે, મારો જન્મદિવસ ક્યારેય ઉજવાયો હોય એવું પણ યાદ નથી!

આજની દૃષ્ટિએ મારું બચપણ બોરિંગ જ ગણાય. નિશાળેથી નીસરી જવું પાંસરું ઘેર એવું જ સમજો. અમારા ઘરમાં રમકડાં હોય કે બાળ સાહિત્યની ચોપડીઓ હોય એવું પણ સાંભરતું નથી. પત્તાં પણ નહોતાં તો પછી ચેસની તો શી વાત કરવી? હજી સુધી મને પત્તાંની કોઈ રમત આવડતી નથી, કે નથી આવડતી કેરમ, ચેસ કે ચોપાટ. એવું જ સંગીતનું. ઘરમાં કોઈ વાજિંત્ર, હાર્મોનિયમ, તબલા, પાવો, બંસરી જેવું કંઈ ન મળે તો પિયાનોની તો વાત શી કરવી? કાકા નાના હતા ત્યારે બંસરી વગાડતા એવું બાએ કહ્યું ત્યારે મને આશ્ચર્ય થયેલું. મેં એમની બંસરી કોઈ દિવસ જોઈ નથી કે સાંભળી નથી. ઘરમાં કે આડોશપાડોશમાં કોઈ વહેલી સવારે પ્રભાતિયાં ગાતું હોય કે સાંજે ભજન ગવાતાં હોય એવું પણ યાદ નથી. સ્કૂલમાં પણ ગીતસંગીતના કોઈ ક્લાસ નહોતા.

ગામમાં જ્યારે ઈલેક્ટ્રીસિટી આવી અને પછી મ્યુનિસીપાલિટીનો રેડિયો આવ્યો, ત્યારે પહેલી જ વાર મને ગીતસંગીતનો અનુભવ થયો, પણ તે મુખ્યત્વે ફિલ્મી મ્યુઝિકનો. ગુજરાતી સુગમ સંગીત અને રવિશંકર કે બિસ્મીલ્લાખાન વગેરેના શાસ્ત્રીય સંગીતનો ખરો પરિચય તો અમેરિકા આવ્યા પછી જ થયો. મુંબઈની મારી આર્થિક હાડમારીઓને કારણે શાસ્ત્રીય સંગીત કે નાટકોના કાર્યક્રમોમાં હું ક્યારેય નહોતો જઈ શક્યો. ભારતીય વિદ્યાભવનની બાજુના બે સૅનેટોરિયમમાં એક વાર છ મહિના રહી ચૂક્યો છું, પણ ત્યાં અંદર પગ મૂકવાની હિમ્મત એકેય વાર નહોતી કરી.

જાનપદી વાર્તાઓમાં કે નવલકથાઓમાં મેળાઓની કે નવરાત્રીના રાસ ગરબાઓની રમઝટની રસપ્રદ વાતો આવે છે તેવું મેં કશું અનુભવ્યું નથી. મેળામાં હું ક્યારેય ગયો નથી. મને યાદ પણ નથી કે અમારા ગામમાં ક્યારેય મેળો ભરાયો હોય. હું રાસ ગરબા રમ્યો નથી. છોકરાઓ ઘેઘુર વનમાં જાય, વાઘ કે સિંહની ત્રાડ સાંભળે, આંબાવાડીમાં જઈને કેરી પાડે કે વડલાની ડાળ ઉપર બેસીને હિંચકે ઝૂલે—આવું બધું મેં વાંચ્યું છે, પણ ક્યારેય જોયું નથી કે કર્યું નથી. ખરું પૂછો તો બાળપણ કે કિશોરવયને સહજ એવું ગાંડપણ મેં અનુભવ્યું નથી. ભરચોમાસામાં નદીમાં પૂર આવતાં, પણ એ પૂરમાં હું કદી તણાયો નથી. ઊંચા ઝાડની ડાળીએ ચડીને પડ્યો નથી. નિશાળમાં કે શેરીમાં ઝઘડા કરીને મારામારી કરી નથી. નાના છોકરાઓ હાથ પગ ભાંગે તેવું મેં કોઈ તોફાન કર્યું નથી. “આ છોકરો ભરાડી છે,” એવું મારે માટે કોઈએ કહ્યું હોય તેવું યાદ નથી. પાડોશમાં લુહારના છોકરાઓ ટેસથી બીડી પીતા તે હું જોતો, પણ મેં કોઈ દિવસ બીડી પીધી નથી. લોકો બચપણમાં મિત્રો બનાવે અને પછી જિંદગીભર એ મૈત્રી ટકાવી રાખે, એવું ઘણું સાંભળ્યું છે, પણ મારી બાબતમાં એવું બન્યું નથી. હા, ગામના પ્રેમાળ લોકો સાથે ઓળખાણ ઘણી છે, પણ એને મૈત્રી ન કહી શકાય.

મને એ પણ સમજાતું નથી કે ગામના નૈસર્ગિક વાતાવરણથી હું કેમ આટલો બધો અજ્ઞાત હતો. પશુ, પંખી, ઝાડ, પાન, ફૂલ, ફળ જાણે કે હોય જ નહીં તેમ મારો ઉછેર થયો છે. એ બધી બાબતમાં મારું અજ્ઞાન આજે મને આઘાતજનક લાગે છે. અમારે ઘરે કોઈ દિવસ ફૂલ આવ્યાં હોય તે યાદ નથી. બે મોટી બહેનોનાં લગ્ન માટે માંડવો નંખાયો હતો તે યાદ છે, પણ એ ફૂલોથી શણગારાયો હોય એવું યાદ નથી. દેશમાંથી આવતા મુલાકાતીઓ અમેરિકાના નૈસર્ગિક વૈવિધ્ય અને સમૃદ્ધિથી આભા બની ક્યારેક કોઈ વૃક્ષ કે ફૂલ માટે પૂછે છે ત્યારે એમને જવાબ આપવા માટે મારે ગલ્લાંતલ્લાં કરવા પડે છે. એક વાર એક મિત્રે અહીં પંખીઓનો કલરવ ન હોવાની નોંધ લીધી ત્યારે જ મને એનું ભાન થયું. દેશમાં મેં જો આ બધું ન સાંભળ્યું હોય તો અહીંયા એનો અભાવ કેમ વર્તાય?

બાપુજીનું ગાંડપણ

બાળપણની એક વાત યાદ રહી ગઈ છે, બાપુજીના ગાંડપણની. પિતાશ્રીના મોટા ભાઈને અમે બાપુજી કહેતા. એમને એકવાર મગજની અસ્થિરતા આવી ગઈ હતી. એમનો મોટો દીકરો મુંબઈ જઈને ખૂબ પૈસા કમાયો હતો. સાયનમાં મોટો ફ્લૅટ લીધો, ગાડી લીધી, ઘરે ઘાટી રસોયા રાખ્યા. બાપુજીનું આખું કુટુંબ મુંબઈ બોલાવી લીધું. દૂરના પરામાં એમને એક નાની ઓરડી અપાવી. ત્યાં એ સાતેક જણનું કુટુંબ સાંકડમાંકડ રહે. પોતાની જ ઑફિસમાં બાપુજીને નોકરી આપી. દેશની આરામશાહીના જીવનથી ટેવાયેલા બાપુજીને મુંબઈનું હાયવોય ભર્યું જીવન આકરું લાગ્યું. વહેલા ઊઠવાનું, ઊભડક ચા પીધી ન પીધી ને ટ્રેન પકડવાની, મુંબઈ ફોર્ટ એરિયામાં જવાનું, લંચમાં ટીફિનનું ખાવાનું. પોતાના જ દીકરાની ઑફિસમાં ગુમાસ્તા તરીકે નોકરી કરવાની. ઘાટીઓની સાથે દોડધામ કરવાની. મોટી ઉમ્મરે આ બધું એમને કઠયું. પણ સૌથી કઠ્યો દીકરાનો તુમાખી મિજાજ. આ બધું એકાદ વરસ તો બાપુજીએ મૂંગે મોઢે સહન કર્યું. પણ એક દિવસ દીકરાનું ગેરવર્તન એમનાથી ન સહેવાયું. એમનો પિત્તો ગયો. દીકરાને ઝૂડ્યો. ઑફિસમાં હોહા થઈ ગઈ. ઑફિસના માણસો તો આ બાપ-દીકરાની બાથમબાથી જોઈને હેબતાઈ ગયા. કેટલાકે વચ્ચે પડીને દીકરાને બચાવ્યો.

આ અણધાર્યા બનાવ પછી બાપુજીના મગજની અસ્થિરતા વધી. સગાંવ્હાલાંઓએ વચમાં પડીને બાપુજીને સહકુટુંબ દેશમાં મોકલ્યા. પણ એમના મગજની અસ્થિરતા વધતી ગઈ. ગાંડપણ સુધી પહોંચી. ડૉક્ટર વૈદ લોકોના ઈલાજ કોઈ કામે ન લાગ્યા. ગામના બુઢાઓએ કીધું કે આને માતાજી ચડે છે. એક જ ઉપાય છે. એને કનકેશ્વરી માતાના મંદિરે લઈ જાવ. મંદિર આવ્યું ગિરમાં. ગામની બસ કંપનીમાંથી એક નાની બસ ભાડે કરી આખું કુટુંબ ઊપડ્યું માતાજીને પગે લાગવા ગિરના જંગલમાં. આ સંઘમાં બા, કાકા અને વડીલો તો ખરા, પણ સાથે થોડાં બાળકો હતાં. બાળકો સાથે શા માટે લીધાં તે આજે પણ હું સમજી શકતો નથી. એમાં મારો નંબર લાગ્યો. બસની આ લાંબી મુસાફરીમાં બાપુજીનું ગાંડપણ વધવા માંડ્યું. એમણે જેમ તેમ બોલવાનું, ગાળો ભાંડવાનું શરૂ કર્યું. પણ જ્યારે એમણે ભાંગતોડ કરવા માંડી ત્યારે નાછૂટકે એમને બાંધવા પડ્યા. આ બધું ચાલતી બસે. વચમાં નદી આવી. આમ તો છીછરી, છતાંય બસ એમાં ફસાઈ. ડ્રાઈવર અને બીજા વડીલોએ ઘણી મહેનત કરી, પણ કાદવમાં ફસાયેલી બસ નીકળે જ નહીં. હવે શું કરવું?

અમે બધા નદીના પટમાં ઊતર્યા. કાકા અને બીજું કોઈક ચાલતા ચાલતા બાજુના ગામમાં મદદ લેવા ગયા. અમે બધાએ રેતીમાં રાત કાઢી. પણ ગિરની વચ્ચે વહેતી નદીમાં ન કોઈ વાઘ સિંહ જેવું જનાવર આવ્યું કે ન એમની ત્રાડ સંભળાઈ. મધરાતની એ શાંતિમાં જે ત્રાડ અમને સંભળાઈ તે બાપુજીની બેફામ ગાળોની. પહેલી જ વાર કોઈ પુખ્ત વયના પુરુષને આમ ગાળો બોલતો મેં સાંભળ્યો. બપોરના કાકા બાજુના ગામમાંથી મિકેનિકને લઈને આવ્યા. બસ બહાર નીકળી. અમે બધાએ કનકેશ્વરી માતાની જય બોલાવી! મંદિરે પહોંચી માતાજીના દર્શન અને પૂજાપાઠ કરીને અમે પાછા ફર્યા. એ પછી છએક મહિને બાપુજીને સારું થયું.

અમેરિકા આવ્યા પછીની દેશની એક મુલાકાતમાં હું આખા કુટુંબને કનકેશ્વરી લઈ ગયો હતો. બાની ઇચ્છા હતી કે મારા નવપરિણીત પુત્ર અને પુત્રવધૂ પાસે માતાની સેવા કરાવીએ. ગિર જવા એક વૅન ભાડે કર્યું. સહકુટુંબ અમે પહોંચ્યા માતાજીને મંદિરે. ત્યાં રાત પણ રહ્યા. જતા રસ્તામાં નદી આવી ત્યારે પચાસેક વરસ પહેલાંની મારી ગિરની મુલાકાત, બાપુજીનું ગાંડપણ, રેતીમાં કાઢેલી રાત એ બધું યાદ આવ્યું, ત્યાં એકાએક અમારું વેન અટક્યું. મને થયું કે આ શું? નદીમાં પાછા ફસાવાના છીએ કે શું? જોયું તો રસ્તામાં એક સિંહ કુટુંબ આડું થઈને પડ્યું હતું! બા કહે આ તો શુભ શુકન ગણાય. છોકરાઓ તો સિંહ જોઈને રાજી રાજી થઈ ગયા. એમણે એમની અમેરિકન ટેવ પ્રમાણે ફોટાઓ લીધા. વૅનના ડ્રાઈવરે મને કહ્યું કે હોર્ન મારશું તો એ ઊઠીને ચાલી જશે. પણ જવાની કોઈ ઉતાવળ ન હતી, ન સિંહને કે ન અમને. પંદરેક મિનિટ અમારું અને સિંહ કુટુંબનું આ stand-off ચાલ્યું. આખરે સિંહ ઊઠીને ધીમે ધીમે ચાલતો થયો. (કદાચ એ સિંહણ પણ હોય.) તેની પાછળ તેનું કુટુંબ પણ ગયું. અને અમે વૅન ચલાવ્યું.

અમારું ઘર

અમારા ઘરની ડેલી ફળિયામાં ઊઘડે. મારી બન્ને મોટી બહેનોના લગ્નના સમયે ત્યાં માંડવા નંખાયેલા. ફળિયાની જમણી બાજુ એક મેડી હતી. તે મારો આશરો હતો. દિવસ ને રાત ત્યાં મારો ધામો હોય. ત્યાં બેઠો બેઠો હું ગુજરાતી નવલકથાઓની દુનિયામાં ખોવાઈ જતો. બા બોલાવે ત્યારે ખાલી જમવા જ નીચે આવતો. ડાબી બાજુ નાનું રસોડું, જમવા માટે અમારે ટર્ન લેવા પડે. બાકી બીજા ચાર નાના ઓરડા. એક બા કાકાનો, બીજો મા અને બાપાનો ઓરડો. સામેના બે ઓરડામાં દૂરના મામા મામી, અને એક વિધવા મામી. ઓરડાઓ આગળ ઓસરી, એમાં છોકરાઓ સૂવે. બા કાકાના ઓરડામાં ચાલવાની પણ જગ્યા ન મળે. ત્યાં એક હીંચકો, એની પાછળ કબાટ અને પટારો, જેમાં શિયાળાનાં ગોદડાં, રજાઈ અને એની નીચે ચાંદીનાં વાસણ અને બાનાં થોડાં ઘરેણાં હશે એમ માનું છું કારણ કે મેં એમને કોઈ દિવસ ઘરેણાં પહેરેલાં જોયાં નથી.

ઘરની ભીંતો બધી મેલી અને અડવી. ન કોઈ કુટુંબીજનોના ફોટાઓ, ન કોઈ ભગવાન કે કુળદેવીની છબી. કાકા ગાંધીજીની અસર નીચે જેલ ભોગવી આવેલા, છતાં ગાંધીજીનો કોઈ ફોટો કે પિક્ચર ઘરમાં ક્યાંય ન મળે. હું ગામમાં હતો ત્યાં સુધી તો ક્યારેય ન’તો ભીંતોને ચૂનો લગાવાયો કે ન’તા ટોડલે મોર ચીતરાયા. અમારા ઘરના આંગણે રંગોળી દોરાઈ હોય એ પણ યાદ નથી. હા, બા-કાકાના ઓરડામાં પૂજાનો એક ગોખલો હતો. ત્યાં કોની મૂર્તિ હતી તે અત્યારે મને યાદ નથી, પણ તહેવાર પ્રસંગે બા ત્યાં દીવો કરતાં.

નળિયાં પણ દેશી, વિલાયતી નહીં. વરસાદ જો ધોધમાર પડ્યો તો બે ઓરડાઓમાં ડોલ મૂકવી પડતી. ઘરમાં બીજું કોઈ ફર્નિચર ન મળે. એક ખાટલો ખરો, પણ એ માંકડથી ખીચોખીચ ભરેલો એટલે અમે બધા સૂવાનું જમીન પર પથરાયેલાં ગાદલાંઓ ઉપર પસંદ કરતા. ન્હાવા (જો નદીએ ન ગયા હોય તો) કે જમવા માટે પાટલો હતો. ખાલી બાપા જ એ પાટલો વાપરતા. દીવાનખાના અને ડાઈનિંગ રૂમનું ફર્નિચર મેં બૉલીવુડની મૂવીઓમાં જોયેલું એ જ. મુંબઈ ગયા પછી પણ એવું ફર્નિચર હું વસાવી નહોતો શક્યો. મુંબઈમાં એક પૈસાદાર સગાને ત્યાં પહેલી જ વાર સોફા ઉપર હું જ્યારે બેઠો ત્યારે રોમાંચ થયો હતો.

જે શેરીમાં ઘર હતું તેનું ન મળે કોઈ નામ કે ન મળે ઘરનો કોઈ નંબર. શેરીઓને નામ કે ઘરને નંબર દેવાનો રિવાજ નહોતો, અને જરૂરિયાત પણ નહોતી. રડી ખડી કોઈ ટપાલ આવી હોય તો પાડોશમાં બધાને ખબર કે કોણ ક્યાં રહે છે. સત્તર વરસના મારા વસવાટ દરમિયાન ક્યારેય અમારા ઘરે ટપાલ આવી હોય એવું યાદ નથી. અમારી સાંકડી શેરીમાં ઘરની બરાબર સામે એક લુહારનું બહોળું કુટુંબ રહેતું. બાજુમાં એની દુકાન હતી. ત્યાં વજન કરવાના કાંટા બને. ગામનો કોઈ મોટામાં મોટો ધંધો ગણાતો હોય તે કાંટાનો. ગામ કાંટાઓ માટે જાણીતું હતું. લુહારની ધગધગતી ભઠ્ઠી સામે બેસીને અમે છોકરાઓ કાંટા કેમ બને છે તે જોતા. લુહારના બે છોકરાઓ ભઠ્ઠીમાંથી નીકળેલી ધગધગતી લોઢાની પાટને સામસામા ઘૂંટણ ઉપર અડધા ઊભા રહીને ટીપે. એમાંથી અંગારા ઊડે. એ ઊડતા અંગારાઓથી હું દાઝ્યો નહીં એ જ આશ્ચર્ય છે. લુહારના એક છોકરાએ તો આ અંગારાથી બન્ને આંખો ખોઈ હતી. છતાં હું તો દરરોજ સ્કૂલમાંથી આવીને ત્યાં ભઠ્ઠીની સામે બેસી જતો! લુહારો એમનું કામ કર્યે જાય. આજુબાજુ લોકોની આવજા થતી રહે. ત્યાં કાંઈ ઓશાના ઈન્સ્પેક્ટર્સ થોડા આવવાના હતા?17

ગામ

સાવરકુંડલા એ જમાનાના કાઠિયાવાડમાં હતું. પછીથી ગુજરાતમાં ભળ્યું. એ નાના ગામની વસ્તી ત્યારે લગભગ વીસેક હજારની હશે. આમ તો એ બે ગામો હતાં: સાવર અને કુંડલા. વચ્ચે નાવલી નદી. જ્યારે ધોધમાર વરસાદ વરસતો ત્યારે એમાં બંને કાંઠા છલકાઈ જાય એટલાં પૂર આવતાં. પૂર ઓસરે નહીં ત્યાં સુધી બન્ને ગામ વચ્ચેનો વ્યવહાર બંધ થઈ જાય. બન્ને ગામને જોડતો કોઈ બ્રીજ ત્યારે નહોતો. હવે તો નદી જેવું કાંઈ રહ્યું નથી.

અમારું ઘર દેવળાને ઝાંપે, કુંડલામાં. ઝાંપેથી આગળ વધીએ તો જે રસ્તો તમને ચોક લઈ જાય, તે ગાંધી ચોક તરીકે ઓળખાતો. એ રસ્તે હું દરરોજ અમારી દુકાને જતો. એ રસ્તા પર ડાબી બાજુએ એક બીડીવાળાની દુકાને કામ કરનારાઓ ફટફટ બીડીઓ વાળતા જાય અને આવતાં જતાં બૈરાંઓ ઉપર ગંદી કૉમેન્ટ કરતા જાય. પછી આવે પાનવાળાની દુકાન જ્યાં પાન ખાનારાઓનો અડ્ડો જામ્યો હોય. ત્યાં નવરા લોકો બીડી ફૂંકતા હોય, ઊભા ઊભા તમાકુવાળું પાન ખાતા હોય, અને ગામ આખાની ગૉસિપ કરતા કરતા પાનની પિચકારી મારતા જાય. એ પિચકારીઓથી બાજુની ભીંત આખી રાતી થઈ ગઈ હોય. આગળ વધો તો આવે હજામ, એ પણ ગામની ગૉસિપનું મોટું ધામ. થોડેક આગળ આવે ગાંધી ચોક. ત્યાં મોટા મોટા બોર્ડ મુકાયેલા હોય, જેમાં કૉંગ્રેસ અને સમાજવાદ એમ બન્ને પક્ષો ચાેકમાં હાથેથી લખેલા સંદેશાઓ મૂકે. આ બોર્ડ દ્વારા મ્યુનિસિપાલિટી (સુધરાઈ)ની ચૂંટણી લડાય. સમજો કે આ ચોક એ જ અમારું રોજનું છાપું. નવરા લોકો ઊભા ઊભા એ બોર્ડ વાંચે. ગામની એકની એક ટોકિઝમાં કઈ ફિલ્મ ચાલે છે તેનું પણ મોટું પોસ્ટર ત્યાં લગાડેલું હોય.

એ દરમિયાન સુધરાઈએ મરફીનો મોટો રેડિયો લીધો. વાયરનાં દોરડાંઓથી ગામના ખૂણે ખૂણે મૂકેલા લાઉડસ્પીકર્સ સાથે એને કનેક્ટ કર્યો. એક લાઉડસ્પીકર ચોકમાં ઉપર ટીંગાડેલું હતું જ્યાં તમને દરરોજ રાતે આઠ વાગે ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી ગુજરાતીમાં આવતા સમાચાર સંભળાય. હું ખાસ કરીને એ સમાચાર દરરોજ રાતે ચોકમાં ઊભા ઊભા સાંભળતો. દેશવિદેશના સમાચારો સાંભળતા એ દૂરની દુનિયામાં ખોવાઈ જતો. એક વાર રેડિયો ઉપર જાણીતા નવલકથાકાર રમણલાલ વસંતરાય દેસાઈના અવસાન સમાચાર સાંભળ્યા ત્યારે થયું કે કોઈકને જઈને કહું. પણ કોને? બીજે દિવસે સ્કૂલમાં જઈને ગુજરાતીના શિક્ષક મુકુંદભાઈને એ સમાચાર કહ્યા ત્યારે જ મને સંતોષ થયો. ગામમાં જેવી લાઈટ આવી કે ગણ્યાગાંઠ્યા ઘરે એ નંખાઈ. એ ઘરોમાં રેડિયો પણ વસાવાયો. કોક વાર એ ઘરોમાં રેડિયો પર આવતી ક્રિકેટની કોમેન્ટરી સાંભળવા હું જતો.

જમણી બાજુ લાઇબ્રેરી તરફ જતા રસ્તામાં ખૂણે એક ધોબીની દુકાન હતી. અમે છોકરાઓ ત્યાં ભેગા થતા. એ જમાનામાં ચોખલિયા ગાંધીવાદી ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર ફિલ્મી ગીતો રીલે કરવાની મનાઈ હતી. તેથી અમે દર બુધવારે રેડિયો સિલોન પર આવતી અમીન સયાનીની બિનાકા ગીતમાલા સાંભળતા. આ અઠવાડિયે કયું ગીત બિનાકા ગીતમાલામાં પહેલે નંબરે આવશે તેની ઉત્સુકતાથી ત્યાં બેટ લેવાતી. એ ધોબી ગામમાં આવતી એકેએક મૂવી જોતો. ફિલ્મફેર પણ મગાવતો. નવું મૂવી જોયા પછી બીજે દિવસે બધા એની દુકાને ભેગા થાય. મૂવીની, ખાસ કરીને એક્ટ્રેસની જે ચર્ચા થાય એ પોતે ચેરમેનની અદાથી મોડરેટ કરે. જો હીરો અને હિરોઈનનાં પાત્રોમાં એક્ટર એક્ટ્રેસનું મિસમેચ થયું હોય તો એ ડિરેક્ટરનું આવી બને! ઘણી વાર દેવદાસ જેવી મૂવી જોઈ હોય તો ધોબીની સાથે અમે બધા પણ દુઃખી દુઃખી થઈ જતાં. એ રસ્તે આગળ વધો તો લાઇબ્રેરી આવે એ તો મારું તીર્થધામ હતું; એની વિશે વિગતથી વાત આગળ ઊપર કરીશ. એની થોડેક આગળ આવે મૂવી થીએટર–ટોકીઝ. ગામના મનોરંજનનું એ મોટું સાધન હતું. મુંબઈથી અઠવાડિયે બે અઠવાડિયે બૉલીવુડની મૂવી આવે. ટિકીટ લેવા માટે પડાપડી થાય. કોઈ લાઈનમાં માને નહીં. ક્યારેક મારામારી પણ થાય. છતાં અમે મૂવીઓ જોતા.

ચોકથી ડાબી બાજુ જાઓ તો જકાતની દુકાન આવે. એ જ બાજુ અમારી દાણા અને દલાલીની દુકાન. અને સીધે સીધા જાવ તો નદી આવે. એ પહેલાં ડાબી બાજુ ગાંઠિયાની એક નાની દુકાન આવે. બાપા (દાદાને અમે બાપા કહેતા) માટે હું ત્યાંથી ઘણી વાર ગાંઠિયા અને મરચાં લઈ આવતો. એ એમનું એક માત્ર ઇન્ડલ્જન્સ હતું. એ દુકાનની બરાબર સામે વનમાળીદાસ પેંડાવાળાની દુકાન હતી. એના પેંડા બહુ વખણાતા અને આજુબાજુનાં ગામોમાં જતા. એમનો દીકરો અનંત વાર્તાઓ લખતો. કેટલીક તો વાર્તાઓના મૅગેઝિનમાં છપાતી પણ ખરી. એનો એક વાર્તાસંગ્રહ પ્રસિદ્ધ થયો હતો એ યાદ છે. એ જ રસ્તા પર એક વકીલની ઑફિસ હતી. એ વકીલ હંમેશ લાંબો કાળો ડગલો પહેરતા, અને ચીપી-ચીપીને બોલતા.

ત્યાંથી આગળ વધો તો કોર્ટ અને બીજા સરકારી બિલ્ડીંગો આવે. સુધરાઈની ચૂંટણી વખતે ત્યાં મતગણતરી થતી. કૉંગ્રેસીઓ અને સમાજવાદીઓ વચ્ચે આ ચૂંટણી બહુ જોશથી લડાતી. નદીના પટમાં સભાઓ ભરાય. એવી એક ચૂંટણીમાં સમાજવાદીઓ બધી જ સીટ જીત્યા. યુવાન સમાજવાદી નેતા નવીનચંદ્ર રવાણીને લોકોએ ખભે બેસાડીને સરઘસ કાઢેલું. આ ચૂંટણીનું પરિણામ એટલું તો અણધાર્યું હતું કે માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં, પણ આખા દેશમાં હો હા થઈ ગઈ. દિલ્હીથી નીકળતા પ્રખ્યાત શંકર્સ વિક્લીમાં એ બાબતનું કાર્ટૂન આવ્યું હતું. મુંબઈ અને બીજે ઠેકાણેથી સમાજવાદી નેતાઓ સમજવા આવ્યા હતા કે આ યુવાન સમાજવાદીઓએ કૉંગ્રેસના પીઢ નેતાઓને કેવી રીતે હરાવ્યા. ખંધા કૉંગ્રેસી નેતાઓ એમ સહેલાઈથી હાર સ્વીકારી લે એમ નહોતા. એકાદ વરસ પછી એ રાજ્ય સરકાર આગળ ગયા અને કહ્યું કે સમાજવાદીઓએ ગેરવ્યવહાર અને અણઆવડતને કારણે ગામને બહુ હાનિ પહોંચાડી છે. એમની સુધરાઈ રદ કરો, અને ગવર્નરનું રાજ્ય સ્થાપો. રાજ્ય સરકાર કૉંગ્રેસના હાથમાં હતી. એ કાંઈ થોડી ના પાડવાની છે? આમ મોટા ઉપાડે સમાજવાદીઓ ચૂંટણી જીત્યા તો ખરા, પણ આખરે તેમના હાથમાંથી સુધરાઈ ઝૂંટવી લેવાઈ. એમણે ઘણો વિરોધ નોંધાવ્યો, સભાઓ ભરી, પણ બધું નકામું નીવડ્યું.

કોર્ટની બાજુમાં ગુણવંત સ્ટુડીઓ હતો. ગામમાં આ એક જ ફોટોગ્રાફર. એ જમાનામાં ફોટા પડાવવાનો બહુ રિવાજ ન હતો. કોઈ પ્રસંગોપાત્ત લોકો ફોટા પડાવે. બાપુજીનો દીકરો જે મુંબઈ જઈને ખૂબ પૈસા કમાયેલો એને અમારા સંયુક્ત કુટુંબનો ફોટો જોઈતો હતો. એણે ફોટોગ્રાફરને ઘરે બોલાવેલો. એ ફોટો પડાયો ત્યારે મારી ઉંમર દસેક વરસની હશે એમ માનું છું. એ ફોટો જોતાં એ ઘર, એ ફળિયું, ફોટામાં ઊભેલા અને બેઠેલા લોકો આંખ સામે તરી આવે. જો કે આજે મોટા ભાગના એ બધા સિધાવી ગયા છે. વડીલોમાં કોઈ નથી. હવે તો હું વડીલમાં ખપું છું!

ગુણવંત સ્ટુડીઓ મૂકીને આગળ વધો તો આવે નદી. નદીની બીજી બાજુ સાવર ગામ. રેલવે સ્ટેશન જવાનું થાય ત્યારે જ અમે એ બાજુ જતા. નદીના પટમાં આજુબાજુનાં ગામડાંઓમાંથી ખેડૂતો ગાડાંઓ ભરીને ઘઉં, કપાસ, શીંગ, બાજરી જેવો માલ વેચવા આવતા. સવારના ગાડાંઓ લાઈનમાં લાગી જાય, હરરાજી થાય. હરિભાઈ દલાલ હરરાજી કરે. એમની બોલવાની છટા અનોખી હતી. એ જ્યારે ગાડા ઉપર ચડીને માલની હરરાજી કરે ત્યારે એમનો રુઆબ જોવા જેવો હોય! સાંજના વેચેલા માલના જે કંઈ પૈસા મળ્યા હોય તે ખેડૂતો લઈને પાછા જાય. કાકા વહેલી સવારે ચા પીને નીકળે નદીને પટ જવા. લીખાળા ગામના કોઈ ખેડૂત માલ વેચવા આવ્યા હોય તો એની દલાલી નક્કી કરવા.

હું સવારે વહેલો દુકાને જાઉં. સાફસૂફી કરું. કાકાએ ગોખલે દીવો, અગરબત્તી કરી દીધેલા હોય. બાપાની રાહ જોઉં. એ આવે પછી હું દુકાનેથી નીકળું. કાકાને જઈને મળું. નદીના પટમાં જ્યાં એક બાજુ શાકભાજી વેચાય ત્યાંથી કાકા જે શાક અપાવે તે લઈને બાને આપી આવું. દરરોજનું જે શાક મળે તેની રસોઈ થાય. એ જમાનામાં જો ઈલેક્ટ્રિસિટી જ ન હોય તો રેફ્રિજરેટરની વાત શી કરવી? કેરીની સિઝનમાં કાકા ક્યારેક કેરી અપાવે. ત્યારે બા કેરીનો રસ કાઢે અને એની જ્યાફત થાય.

વાહનવ્યવહારનાં સાધનો પણ ઓછાં. ગામમાં સમ ખાવા પૂરતી પણ એકે કાર નહોતી. આવવા જવા માટે બે પગ, પૈસાદાર હો તો ઘોડાગાડી અને તે પણ સ્ટેશને જવા માટે. બહારગામ માટે બસ અને મીટરગેજ ટ્રેન. ગામમાં એક ડૉક્ટર. કોઈ મરણપથારીએ પડેલા દર્દીને ઘરે તેમને ઘોડાગાડીમાં જતા અમે જોતા. સત્તર વરસના મારા વસવાટમાં એક જ દિવસે ડૉક્ટર મારે ઘરે આવ્યા હતા. મા (દાદી) એક વાર પડી ગયાં, એમનો પગ ભાંગી ગયો અને બાપાએ ન છૂટકે ડૉક્ટરને ઘરે બોલાવ્યા. બાકી તો જો કોઈને કાંઈ નાનીમોટી માંદગી થઈ હોય ત્યારે બાપાનો નિયમ એવો હતો કે થોડા દિવસ રાહ જુઓ તો એની મેળે જ સારું થઈ જશે!

જરાક કંઈક થયું ને ડૉક્ટર આગળ કે હૉસ્પિટલમાં દોડી જવાની અમેરિકન આદત શરૂ શરૂમાં મને નવાઈ પમાડતી. અહીં આવ્યા પછી હું પણ ડૉક્ટર પાસે જવા ટેવાઈ ગયો છું. હવે તો હું અમેરિકન થયો ને? હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ તો દર મહિને ભરું છું તે વસૂલ કરવાનું ખરું ને? જો કે હૉસ્પિટલમાં તો પંચોતેરમે વરસે મેં જ્યારે ઘૂંટણની રીપ્લેસ્મેન્ટ સર્જરી કરાવી ત્યારે જ જિંદગીમાં પહેલી વાર પગ મૂક્યો! જેવું ડૉક્ટરનું તેવું જ ડેન્ટીસ્ટનું. અમેરિકામાં જ પહેલી વાર ડેન્ટીસ્ટની આગળ ગયો. ત્યારે મારી ઉંમર ત્રીસની હશે. મારા દાંતની દશા જોઈને એ મને પૂછે : છેલ્લે ક્યારે ડેન્ટીસ્ટ પાસે ગયેલા?!

ઘરમાં પાણીના નળ હજી નહોતા આવ્યા. નાવાધોવા માટે અમે નદીએ જતાં. પીવાનું પાણી ભરવા માટે પણ નદીએ જવું પડતું. ગામમાં ઇલેક્ટ્રીસિટી હજી આવી નહોતી, પણ એ લાવવાના પ્રયત્નો જરૂર થતા હતા. લાઇટ આવી ત્યારે અમ છોકરાઓ માટે એ મોટી નવાઈની વાત હતી. બજારની દુકાનોમાં રંગીન ટ્યુબ લાઇટ્સ આવી તે જોવા જતા. બહુ જ ઓછાં ઘરોમાં લાઇટ આવેલી. બાપા નકામો ખરચ કરવા દે નહીં, એટલે અમારા ઘરમાં તો હું ૧૯૫૭માં દેશમાંથી નીકળી મુંબઈ ગયો ત્યાં સુધી તો લાઇટ નહોતી આવી. અમે કેરોસીન લેમ્પ–ફાનસથી વાંચતા-લખતા. બાપાને એ પણ ગમતું નહીં. કહેતા કે રાતે વાંચવાથી આંખ બગડે, અને ફાનસ ઓલવી નાખતા, કહેતા કે ધોળે દિવસે કેમ વાંચતા નથી? તેમને અમારી આંખો કરતાં કેરોસીન બળે છે તેની ચિંતા હતી.

એ સમયના કાઠિયાવાડનાં ગામડાંઓમાં બહારવટિયા અને ચોરલૂંટારાઓનો મોટો ત્રાસ. એ બધાથી બચવા બાપા સહકુટુંબ સાવરકુંડલા આવ્યા. મને આશ્ચર્ય થાય છે કે ગુજરાતી સાહિત્યમાં આ બહારવટિયાઓની બહાદુરી અને શૌર્ય બિરદાવતા દુહાઓ કેમ ગવાય છે? એમની ખાંભીઓ ઉપર જઈને લોકો એમનું સન્માન શા માટે કરે છે. આખરે તો આ ચોરલૂંટારાઓ જ હતા. લોકો પર ત્રાસ ગુજારતા. સાવરકુંડલા પ્રમાણમાં થોડું મોટું. બાપા મૂળ લીખાળા નામના ગામડાના. અનાજનો ધંધો કરતા. બાપાએ ત્યાં દુકાન માંડી. સાથે સાથે દલાલીનો ધંધો પણ શરૂ કર્યો. લીખાળાના ખેડૂતો જે માલ લઈને આવે તેને વેચવાની જવાબદારી અમારી. તેમાં જે કૈં દલાલી મળે તે અમે રાખીએ.

ઢેડ-ભંગીઓ ગામથી દૂર ઢેડવાડામાં રહે. એમના છોકરાઓ સ્કૂલમાં એક ખૂણે જુદા બેસે, તે અમને જરાય અજુગતું નહોતું લાગતું! એવી જ રીતે મુસલમાનોનો પણ જુદો વાડો હતો. ત્યાં એમની મસ્જિદ અને કબ્રસ્તાન હતા. મારા સત્તર વરસના વસવાટમાં ગામમાં ક્યારેય પણ હિંદુ મુસલમાનનાં હુલ્લડ થયાં હોય એવું યાદ નથી. તાજિયાના દિવસોમાં બજારમાં મોટું તાબૂત નીકળે. અમે જોવા જઈએ. એ તાજિયાની આગળ મુસલમાનો પોતાના ખુલ્લા વાંસા ઉપર લોઢાની સાંકળના ચાબખા મારતા આગળ વધે. પીઠ આખી લોહીલુહાણ થઈ જાય તો ય ચાબખા મારે જાય! ડામરના રસ્તાઓ હજી થયા નહોતા. શેરીઓમાં ધૂળના ગોટા ઊડે. ગમે તેટલી સાફસૂફી કરો તો ય ઘરમાં અને બહાર બધે ધૂળ ધૂળ હોય. ઉનાળાની સખત ગરમીમાં છોકરાઓ નાગા પૂગા રખડતા હોય. પુરુષો પણ અડધા ઉઘાડા આંટા મારતા હોય.

ગામના એ ચોખલિયા અને સંકુચિત વાતાવરણમાં જાણે કે જાતીય વૃત્તિનો સર્વથા અભાવ છે એવી રીતે જ વર્તવાનું. અમને કહેવાતું કે રસ્તામાં સામે કોઈ છોકરી મળે તો નીચું જોઈને પસાર થવું! નિશાળમાં ત્રણ ચાર છોકરીઓ ક્લાસમાં જરૂર હોય, પણ એ તો શિક્ષક સાથે ક્લાસમાં આવે અને જાય. એમની સામે જોવાની જ જો મના હોય તો વાત કરીને મૈત્રી બાંધવાની વાત તો ક્યાં કરવી? તો પછી છેડતી કરવાની વાત જ કેમ થાય?

આ રીપ્રેસ્ડ સેક્સ્યુઆલિટીમાંથી કંઈક રાહત મળે તે માટે હું લાઇબ્રેરીમાં જઈને જેમાં પ્રેમની વાતો હોય એવી ચોપડીઓ શોધતો. એવામાં આલ્બર્તો મોરાવિયાની નવલકથા The Woman of Rome નો જયા ઠાકોરે કરેલો અનુવાદ સ્ત્રી હાથે ચડી. એમાં રોમના વેશ્યાજીવનની રસપ્રદ વાતો હતી તે વારંવાર વાંચતો. પાછળથી એ બુક પર અશ્લીલતાનો કેસ મંડાયેલો એવું યાદ છે. ખાસ તો બૉલીવુડની મૂવીઓ હું ધ્યાનથી જોતો. હીરો હિરોઈન સાથે જે પ્રેમ કરતો તેનો વાઈકેરીયસ આનંદ અનુભવતો. નરગીસ, મધુબાલા કે મીનાકુમારી જેવી સુંદરીઓ સાથે મારે જે પ્રેમ કરવો હતો તે મારી બદલે રાજ કપૂર કે દિલીપકુમાર કરતાં! મૂવીમાં જો કોઈ પ્રાણ જેવો વીલન આવે તો હું એને ધિક્કારતો. એમાય દેવદાસ કે પ્યાસા જેવું મૂવી જોયું હોય તો હું તો દિવસો સુધી દુઃખી રહેતો, ઝીણો તાવ આવી જતો, જીવન નિરર્થક લાગતું! પ્યાસા નું ગીત “જાને વો કૈસે લોગ થે જિન કે પ્યાર કો પ્યાર મિલા” મારા મગજમાંથી મહિનાઓ સુધી ખસે જ નહીં. આવા પ્રેમ-વિરહનાં ગીતો મહિનાઓ સુધી હું ગણગણતો.

આ મૂવીઓમાં અમને મુંબઈ પણ જોવા મળતું. એના વિશાળ રસ્તાઓ, ગાડીઓ, ખાસ તો ફેશનેબલ કપડાંઓમાં બની ઠનીને આંટા મારતી સ્ત્રીઓ, સૂટબૂટમાં સજ્જ થયેલા પુરુષો જોવા મળતા. હૅન્ડસમ એક્ટર અને સુંદર એક્ટ્રેસ જોવા મળતી. મૂવીઓનું મુંબઈ જોઈને મને થતું કે હું ક્યારે મુંબઈ જાઉં અને એ બધું રૂબરૂ જોઉં. તે દિવસોમાં ગામમાંથી છટકવાનો મારે માટે મૂવીઓ સિવાય એક બીજો રસ્તો હતો લાઇબ્રેરીનો. દરરોજ લાઇબ્રેરી ઊઘડવાની હું રાહ જોતો ઊભો હોઉં. છાપાં, મેગેઝિનોમાં સમજ પડે કે ન પડે, પણ એના પાનાં ફેરવ્યા કરું અને દૂર દૂરના દેશોના ફોટા જોયા કરું. ખાસ કરીને દેશવિદેશનાં શહેરોની જાહોજલાલી મને ખૂબ આકર્ષતી. એમાંય યુરોપ, અમેરિકાનાં શહેરોની સ્વચ્છતા, સુંદરતા, સપ્રમાણતાના ફોટા હું વારંવાર જોયા કરતો. અને મારા ગરીબ ગામની એ શહેરો સાથે સરખામણી કર્યા કરતો અને તીવ્ર અસંતોષ અનુભવતો.

હવે જ્યારે જ્યારે ગામ જાઉં ત્યારે ત્યાં બધે જરૂર આંટા મારું–દેવળાને ઝાંપે, જ્યાં અમારું ઘર હતું ને જ્યાં મારો જન્મ થયેલો, હાઇસ્કૂલમાં, લાઇબ્રેરીમાં જ્યાં બેઠા બેઠા મેં મુંબઈનાં સપનાં જોયાં હતાં, ચોકમાં જ્યાં અમારી દુકાન હતી. આ બધી જગ્યાએ ફરી વળું. છેલ્લો ગયેલો ત્યારે જોયું તો અમારું ઘર અને દુકાન બન્ને તોડી નંખાયા છે. ગામ જોઈને નિરાશા ઉપજેલી. રસ્તાઓ હજી મોટે ભાગે એવા ને એવા જ છે. લોકોનાં ઘરો મોટાં થઈ ગયાં છે. ઘરે ઘરે ટીવી આવી ગયાં છે. ક્યાંક ક્યાંક કોકને ઘરે કમ્પ્યૂટર પણ આવી ગયાં છે. પણ ગામની ગંદકી એવી ને એવી જ છે. બલકે વધી છે. મારા જમાનામાં ભૂંડ ન હતાં તે હવે દેખાયાં! અને જે લાઇબ્રેરીમાં બેસીને દુનિયા જોવાનાં સપનાં જોયેલાં એના રંગઢંગ જોઈને દુઃખ થયું. ગામની વસતી વધી છે. જ્યાં મેટ્રિકની પરીક્ષા આપવાની સગવડ ન હતી અને જેને માટે અમારે દૂર મોટા શહેર ભાવનગર જવું પડતું ત્યાં હવે કૉલેજો થઈ ગઈ છે! પણ કૉલેજમાંથી ભણીને બહાર નીકળતા ગ્રેજ્યુએટો કામધંધાએ લાગે એવાં કારખાનાં કે ઉદ્યોગો પ્રમાણમાં થયા નથી. એ માટે તો ગામના યુવાનોએ હજી પણ મુંબઈ, અમદાવાદ, વડોદરા જેવાં મોટાં શહેરોમાં જવું પડે છે.

ગામની ગંદકી

ગામની ગંદકી, સંકુચિતતા મને ખૂબ ખૂંચતી. છોકરાઓ ગમે ત્યાં શેરીમાં હંગે મૂતરે, બાજુમાં ઊભેલ ગાય એ ગુ ખાય. એ ગાયના મૂતરની ધારમાં આંગળી મૂકીને આવતી જતી બૂઢી સ્ત્રીઓ એ ઊના મૂતરને માથે ચડાવે. ગૌમૂત્ર પવિત્ર ગણાય ને! એ બધું જોતાં મને કમકમાટી છૂટતી. અરે, આધેડ વયના પુરુષો પણ શેરીમાં ભીંતનો આધાર લઈને ખુલ્લે રસ્તે પેશાબ કરી લે! આવતી જતી સ્ત્રીઓ બિચારી લાજ કાઢીને દૂર ખસી જાય. ગામને એક ખૂણે ગુવાડો હતો ત્યાં બૈરાઓ હંગવા મૂતરવા જાય. એ ગુવાડાની અસહ્ય દુર્ગંધ આખાય પાડોશને ગંધવી મારે. ગામના ઢેડ ભંગીઓ એ ગુ ભેગું કરીને ગાડામાં ભરીને ગામની બહાર નાખી આવે. ગુ ભરેલું ગાડું નીકળે ત્યારે એ બદબૂ સહેવી મુશ્કેલ થઈ પડતી.

ગામ વિશેના મારા ત્યારના અને અત્યારના તીવ્ર અસંતોષમાં હું મારો કચકચિયો સ્વભાવ જ જોઉં છું. સાવરકુંડલાની સરખામણી હું મારા સપનાના પટોમ્પકિન જેવા કોઈ આદર્શ ગામ સાથે કરતો હતો.18 આવી સરખામણી સર્વથા અયોગ્ય હતી. ત્યારના આજુબાજુના મહુવા, અમરેલી, શિહોર જેવાં ગામો જેવું જ એ એક ગામ હતું. મારી સાવરકુંડલા વિશેની જે ફરિયાદો છે–ધૂળ, ગંદકી, રસ્તાઓ, સંકુચિતતા–તે બધી જ આ ગામો સામે પણ થઈ શકે. એટલું જ નહીં, પણ મુંબઈ જેવા મોટાં શહેરોમાં પણ આજે કેટલી ગંદકી છે!

એક પ્રજા તરીકે આપણને જાહેર ગંદકી અને ગેરવ્યવસ્થા જાણે કે સદી ગયાં છે! ભલે આપણે ઘર અને આંગણું ઝાડુ વાળી, પોતું મારીને બધું સાફ રાખીએ પણ ભેગો થયેલો કચરો તો બહાર શેરીમાં જ ફેંકીએ! નાનાં મોટાં શહેરોમાં ખૂણે ખૂણે જોવા મળતા કચરાના ટેકરાઓ દિવસો સુધી પડ્યા રહે. મુંબઈની મૂળજી જેઠા મારકેટના સંડાસ અને મૂતરડીઓની અસહ્ય ગંદકી અને બદબૂ તેના કરોડપતિ શેઠિયાઓને જાણે કે નડતી જ નથી. અરે, અહીં અમેરિકામાં પણ આપણા ઇન્ડિયન રેસ્ટોરાંના રેસ્ટ રૂમ્સ જુઓ તો ચીતરી ચડે.

તેવી જ રીતે કાશી કે મથુરા જેવાં આપણાં પવિત્ર યાત્રાધામોની ભયંકર ગંદકી પણ આપણને નડતી નથી. જે નદીને આપણે પવિત્રમાં પવિત્ર માનીએ છીએ, જેનું ગંગા માતા કહી સન્માન કરીએ છીએ તેમાં જ આપણે મડદાંઓ નાખતા કે કારખાનાંઓમાંથી નીકળતો કચરો, કેમિકલ વેસ્ટ ઠાલવતા સંકોચ અનુભવતા નથી. અત્યારે તો દુનિયાની ગંદામાં ગંદી નદીઓમાં ગંગાની ગણતરી થાય છે! આવી ગંદકીથી ઊભરાતી ગંગામાં ડૂબકી મારીને હૉસ્પિટલને બદલે સ્વર્ગમાં કેમ જવાય છે તે હું સમજી જ શકતો નથી. આપણી સદીઓથી ચાલી આવતી માન્યતાઓ કે વ્યક્તિગત શ્રદ્ધા સમજું છું પણ ગંગાની ગંદકી સમજી શકતો નથી.

આપણા નેતા અને સુધારકોમાં એક ગાંધીજીને જ આ વાત ખૂંચી હતી. જીવનભર એ સ્વચ્છતાના ઉગ્ર આગ્રહી રહેલા. આજથી લગભગ સો વરસ પહેલાંની કલકત્તાની કૉંગ્રેસના સમ્મેલનમાં એમને ગંદકી જરાય ગમી ન હતી. પોતે સામેથી માંગીને સંડાસ સાફ કરવાનું કામ માથે લીધું હતું! જાહેર ગંદકી જાણે કે આપણી રાષ્ટ્રીય લાક્ષણિકતા થઈ ગઈ છે. ગંદકીમાં આપણને કશું અજૂગતું પણ લાગતું નથી. બીજાં ગામોની જેમ સાવરકુંડલામાં પણ એ લાક્ષણિકતા છતી થતી હતી એટલું જ. બાકી તો એ આજુબાજુના ગામો કરતા તો એ સારું ગણાય છે.

ગામના પ્રેમાળ લોકો

અમેરિકામાં વસતા ગુજરાતીઓ દેશી છાપાં અને મૅગેઝિન્સમાં પોતાના ગામ માટે હોંશે હોંશે લખે છે. ખાસ કરીને પોતાનું બાળપણ કેવી મોજમજા અને આનંદથી વિતાવ્યું તેની વાતો વિગતથી કરે છે. મને આવી બધી વાતો કરવા અને એ વિશે લખવા માટે ઘણું કહેવામાં આવે છે. હું વિવેકથી ના પાડું છું. ગામ વિશે લખવાનો મને કોઈ ઉમળકો જ થતો નથી. પણ ગામમાં મેં જે કંઈ જોયું છે તેથી સ્પષ્ટ કહી શકું કે જો ગામ માટે મને કોઈ કૂણી લાગણી નથી, તો ગામના લોકો માટે પ્રેમ છે. એ લોકોને પણ મારા માટે ખુબ સદ્ભાવની લાગણી રહી છે. જ્યારે જ્યારે એમને ગામમાં, મુંબઈમાં કે બીજે ક્યાંય મળું છું ત્યારે એમનો મારા માટેનો સદ્ભાવ અને પ્રેમ સ્પષ્ટ જોઉં છું.

ખાસ કરીને કોઈ પ્રસંગે દેશમાં જવાનું થાય તો લોકો અડધા અડધા થઈ જાય. મારી બધી જ સગવડો જુએ અને કશી પણ ખામી ન આવે તેનો ખ્યાલ રાખે. અમેરિકામાં જઈને મેં વૉશિંગ્ટનનું નાણાંતંત્ર સંભાળ્યું અને તેને ફડચામાંથી ઉગાર્યું તેમાં “આ તો અમારા ગામનો સપૂત છે” એવું ગૌરવ લે. વિશ્વગુર્જરીનો એવોર્ડ મને જ્યારે મળેલો ત્યારે તે જોવા માટે ગામના કેટલાક લોકો ખાસ અમદાવાદ આવ્યા હતા. ગામ જ્યારે જાઉં ત્યારે જેને જેને મળવાનું બને એ બધાયનો ધ્રુવ મંત્ર એક જ હોય: “ઘરે તો આવવાનું જ છે હોં!” ૨૦૧૨માં ગામે મારું મોટું સન્માન કરેલું, ગામનો છોકરો પરદેશમાં અને ખાસ કરીને અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનમાં, આવું મોટું કામ કરીને દેશમાં અને દુનિયામાં ગામનું નામ ઉજાળે છે એ ન્યાયે મને જાણીતા કથાકાર શ્રી મોરારીબાપુને હાથે મોટો અવોર્ડ અને માનપત્ર અપાયેલા.

જ્યારે જ્યારે ગામ જવાનું થાય છે ત્યારે મુંબઈથી અમારો કાફલો પ્લેનમાં બેસે અને ભાવનગર પહોંચે. જાણીતા ઉદ્યોગપતિ અને સાહિત્યપ્રેમી હરેશ મહેતાની આગેવાની નીચે મુંબઈમાં વસતા પણ મૂળ સાવરકુંડલા નિવાસીઓ સાથે અમે પણ જોડાઈએ. ભાવનગરથી કુંડલા જવા અમે એક બસમાં ખડકાઈએ. હરેશભાઈ અને એમનાં પત્ની યશોધરાબહેન એક આદર્શ યજમાન દંપતી છે. એમણે અમારા માટે રસ્તામાં ગરમ ગરમ ફાફડા ગાંઠિયા, જલેબી અને મોળાં મરચાંના નાસ્તાની વ્યવસ્થા કરી જ હોય. એમને ખબર કે મને ગરમ ગરમ ફાફડા ગાંઠિયા બહુ ભાવે છે. સાવરકુંડલામાં પણ જેટલા દિવસ અમે હોઈએ તેટલા દિવસ સવારના મારે માટે ખાસ ગાંઠિયાનો ઘાણ પડાવે. ગરમ ગાંઠિયા લાવવા કોઈને મોટરસાઇકલ પર દોડાવે અને પછી ઉમળકાથી પીરસે. “જુઓ આ ગરમ ગરમ છે!” મને તીખી મસાલેદાર રસોઈ બહુ ભાવે, પણ મારાથી એ સહન ન થાય, તેથી મારે માટે જમણવાર વખતે બહુ તીખી નહીં, છતાં સ્વાદિષ્ટ એવી રસોઈ કરાવે! ગામના લોકો મારા માટે અડધા અડધા થઈ જાય. મારી બધી સગવડ સંભાળે. જેમના ઘરે અદ્યતન સુવિધાઓ હોય છે, તે એમને ઘરે મને મહેમાન થવાનો આગ્રહ રાખે.

સંગીત અને સાહિત્ય ક્ષેત્રે પોતાનું નામ કાઢનારા ઘણા લોકો નીકળ્યા છે જે ગામને ભૂલતા નથી. પંકજ ઉધાસ, પ્રફુલ્લ દવે, કમલેશ અવસ્થી, ભરત વિંઝુડા, સંજુ વાળા, રતિલાલ બોરીસાગર, લક્ષ્મીકાંત ભટ્ટ વગેરેએ ગુજરાત અને ગુજરાતની બહાર પણ ખ્યાતિ મેળવી છે. ઉદ્યોગપતિ હરેશ મહેતા, પ્રૉફેસર દિવ્યકાંત સૂચક અને જાણીતા ઈએનટી સર્જન ડો. માનસેતા જેવા સમાજસેવી સજ્જનો પણ સાવરકુંડલાના ઝળહળતા સપૂતો છે. આ સજ્જનોએ ગામની સેવા કરવામાં પોતાની જાત ઘસી નાખી છે. ગામનું સદ્ભાગ્ય એ છે કે ત્યાંથી નીકળેલા એના સપૂતો એને ભૂલતા નથી. અને ત્યાં કંઈ ને કંઈ ઉપયોગી પ્રવૃત્તિ કરતા જ રહે છે. કૉલેજો, હૉસ્પિટલ, સ્કૂલો વગરે બંધાવતા રહે છે. જે લોકોએ મુંબઈ કે બીજે જઈને પૈસા બનાવ્યા છે તે લોકો ગામમાં મોટું ઘર બંધાવે. અને વરસે એકાદ આંટો જરૂર મારે. ગામને લલ્લુભાઈ શેઠ જેવા નેતા અને કાર્યકર્તા મળ્યા હતા. એમને કારણે ગામ અનેક પ્રકારની સહકારી પ્રવૃત્તિઓથી ધમધમતું. એમણે કરેલી ઘણી પ્રવૃત્તિઓ અને સંસ્થાઓ હજી પણ ચાલે છે.

સાહિત્યનો શોખ લાગ્યો

ગામના કિશોરોને સારા સંસ્કાર અને શારીરિક વ્યાયામ મળે તે માટે સંસ્કાર મંદિર (ક્લબ) અને વ્યાયામ મંદિર (અખાડો) નામની બે સંસ્થાઓ ચાલતી. આ બન્ને સંસ્થાઓ સાંજે સ્કૂલ પત્યા પછી છોકરાઓને રમત ગમત અને બીજી પ્રવૃત્તિઓમાં લગાડતી. હું સંસ્કાર મંદિરમાં જોડાયો હતો, પણ ત્યાં રમતગમત કરતાં મારું ધ્યાન બીજે હતું. એક નાના કબાટમાં સમાય જાય તેટલાં પુસ્તકોની લાઇબ્રેરી હતી તે હું ચલાવતો. મેં એનો ઉપયોગ ઘણો કર્યો. ત્યાં મેં પહેલો કાવ્યસંગ્રહ જોયો–મણિશંકર ભટ્ટ કાન્તનો ક્રાઉન સાઈઝનો ‘પૂર્વાલાપ’! કાન્તના છંદપ્રભુત્વ અને એમનાં ખંડકાવ્યોના મહિમાની તો વરસો પછી ખબર પડી, પણ ત્યારે તો હાથમાં આવતા સમજ પડે કે નહીં છતાં એ વાંચી ગયો હતો. એ લાઇબ્રેરીનો હું જાણે કે માલિક બની ગયો હતો. યાદ નથી કે કોઈ એકે ય ચોપડી વાંચવા લઈ ગયું હોય. સંસ્કાર મંદિરનું એક હસ્તલિખિત મૅગેઝિન સંસ્કાર પણ હું ચલાવતો હતો. મારા અક્ષર સારા એટલે જ તો મને એ કામ સોંપાયું હશે. એનાં હસ્તલિખિત વીસેક પાનાં હું જ ભરતો અને પછી ગામની લાઇબ્રેરીમાં હું જ જઈને મૂકતો! જો કોઈ લાલો ભૂલેચુકેય એ ઉપાડે તે જોઈને હું રાજી થતો. મારા સાહિત્ય વાંચવા લખવાના પહેલા પાઠ મને આ સંસ્કાર મંદિરમાં મળ્યા.

પ્રાથમિક શિક્ષણ માટે એક ધૂળી નિશાળ હતી અને એક હાઇસ્કૂલ. શિક્ષકોમાં માત્ર એક મુકુંદભાઈથી જ હું પ્રભાવિત થયેલો. ગોરો વાન, સ્વચ્છ કફની, બંડી અને લેંઘો, પગમાં સ્ટાઇલીસ્ટ ચપ્પલ. અસ્ખલિત વાણી. ગુજરાતી ભાષા આવી સુંદર રીતે બોલાતી મેં પહેલી જ વાર સાંભળી. એમણે મને સાહિત્યનો શોખ લગાડ્યો. એ પોતે હાસ્યલેખો લખતા. એમના લેખોનો એક સંગ્રહ પણ પ્રગટ થયેલ એવું યાદ છે. મુકુન્દભાઈ અમને ગુજરાતી સાહિત્યકારોની, ખાસ કરીને કવિ ઉમાશંકર જોશી અને નવલકથાકાર કનૈયાલાલ મુનશીની રસપ્રદ વાતો કરતા. ગુજરાતી કવિતાનો મને ચસકો લગાડનાર પણ એ જ હતા. એ ગુજરાતીમાં એમ. એ. થયેલા. અમારી સ્કૂલમાં એમના જેટલું ભણેલા શિક્ષકો ઓછા. એ જ્યારે લળી લળીને ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારોની વાત કરે ત્યારે મને થતું કે હું પણ કૉલેજમાં જાઉં અને સાહિત્યકાર થાઉં.

એક વાર એમણે ઉમાશંકર જોશીની પ્રખ્યાત કવિતા ‘બળતાં પાણી’ વિસ્તારથી સમજાવી. એ કવિતામાં બળતા વનની વચ્ચે વહી જતી નદીની વાત છે. નદીની દ્વિધા એ છે કે એની આજુબાજુના ભડકે બળતા ડુંગરાઓ અને ઝાડોને ઠારવાને બદલે એને દૂર દરિયામાં બળતા વડવાગ્નિને ઓલવવા જવાનું છે. એ કાંઠા ઓળંગીને પોતાના સગાંવહાલાં જેવાં વૃક્ષોને ઠારી શકતી નથી. તો પછી એ ક્યારેય ડુંગરાઓ અને ઝાડવાઓ ઠારશે ખરી? સમુદ્રમાં ભળી, તેમાંથી વરાળ થઈને વાદળું બનીને કદાચ એ પાછી આવશે અને વરસશે ત્યારે. પણ ત્યારે પેલું વન તો બળીને ખાખ થઈ ગયું હશે, એનું શું?

આમ જે વન, ડુંગર અને વૃક્ષોએ નદીને પોષી અને પાણીથી સભર કરી તેમને અણીને સમયે મદદ કરવાને બદલે દૂરના અગ્નિને ઠારવા જવાની નદીની વ્યથામાં કવિ ઘરડા માબાપને છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયેલા યુવાનની મનોદશાને વ્યક્ત કરે છે, એ વાત મુકુન્દભાઈએ વિસ્તારથી સમજાવી ત્યારે થયેલું કે કેટલાં બધાં પાનાંની આ કવિતા હશે! પરંતુ જ્યારે ઉમાશંકર જોશીના કાવ્યસંગ્રહ ગંગોત્રી માં એ કવિતા જોઈ ત્યારે તો બહુ ટૂંકી લાગી. મુકુંદભાઈએ સમજાવ્યું કે એ સૉનેટ છે. એમાં માત્ર ચૌદ લીટી જ હોય. આટલી ઓછી લીટીઓમાં આટલું બધું કહી શકાય અને એમાં ઘણા અર્થ અને અનેક સંદર્ભો સમાવી શકાય એ જોઈ મને અચરજ થયું હતું. વર્ષો પછી ઉમાશંકર અમેરિકા આવેલા ત્યારે મેં એમને મુકુંદભાઈ અને ‘બળતાં પાણી’ની વાત કરી હતી. એમણે મને કહ્યું કે બરાબર જોશો તો ખબર પડશે કે એમાં ચૌદ નહીં પણ પંદર લીટીઓ છે! છતાં એ કવિતાનું કલેવર સૉનેટનું જ છે.

આ ‘બળતાં પાણી’એ અને મુકુન્દભાઈએ મને કવિતાનું ઘેલું લગાડ્યું. હું તો કવિ થવાનાં સપનાં સેવવા લાગ્યો. લાઇબ્રેરીમાં જઈને જેટલા કવિતાસંગ્રહો હાથમાં આવે તે જોવા માંડ્યો. સમજાય કે ન સમજાય તો પણ વાંચતો. કુમાર પ્રેસમાં સુંદર બાંધકામ સાથે ડેમી સાઈઝમાં છપાયેલ ઉમાશંકર જોશીનું ‘ગંગોત્રી’ જોયું ત્યારે થયું કે મારો પણ આવો કાવ્યસંગ્રહ થાય તો?! થયું કે લખવું તો સૉનેટ લખવું અને તે પણ છંદમાં જ! પચાસેક વર્ષો પછી જ્યારે મારો પ્રથમ કાવ્યસંગ્રહ અમેરિકા, અમેરિકા પ્રગટ થયો ત્યારે એનાં પચાસે પચાસ કાવ્યો સૉનેટ હતાં અને તે પણ પૃથ્વી છંદમાં! ૨૦૧૨માં સાવરકુંડલાના એક મંડળે ગામમાંથી નીકળેલ ખ્યાતિ પામેલ સપૂત તરીકે મારું સન્માન કરેલું ત્યારે મુકુંદભાઈનું પણ એક આદર્શ શિક્ષક તરીકે સન્માન થયું હતું. એ સમયે તેમને મળીને આનંદ થયેલો.

મુકુંદભાઈના વિરલ અપવાદ બાદ કરતાં બીજા કોઈ શિક્ષકની મારા પર અસર પડી નથી. ઊલટાનું મોટા ભાગના શિક્ષકો તો સાવ નકામા હતા. એમને ક્લાસમાં ભણાવવા કરતાં પ્રાઇવેટ ટ્યુશનો કરીને પૈસા કમાવામાં વધુ રસ હતો. સાયન્સના એક શિક્ષક કેમિસ્ટ્રીના ક્લાસમાં કોઈ પણ પ્રયોગ કરીને કહે કે આ તો બધી માયા છે! પરિણામે મને સાયન્સ, અને ખાસ કરીને કેમિસ્ટ્રીમાં જરાય રસ પડ્યો નહીં. ચિત્રકળાના શિક્ષક અમે છોકરાઓ જ્યારે ડ્રોઈંગ કરતા હોઈએ ત્યારે રીતસરનું ઝોકું ખાઈ લેતા! સ્કૂલના હેડમાસ્તર તો આછા લીલા રંગના ડગલા નીચે ખમીસ પણ ન પહેરે. વધુમાં એકનો એક ડગલો મહિનાઓ સુધી ધોયા વગર પહેરી રાખતા. પરિણામે એમની બગલમાંથી પરસેવાની તીવ્ર બદબૂ આવતી તે હજી મારા નાકમાં ચચરે છે. આ જમાનાના ખાધેલ બુઢા માસ્તરો દરરોજ દાઢી કરવામાં કે નહાવામાં સમજતા નહીં. જેવા ઊઠ્યા એવા આવી ગયા!

આવા બધાની સામે થોડા નવા કૉલેજ જઈ આવેલા જુવાન શિક્ષકો પણ હતા. એ બધા ધોબીએ ધોયેલાં ઈસ્ત્રીવાળાં કપડાં પહેરે, ચપ્પલ નહીં, શૂઝ પહેરે. મેં તો જ્યારે અમેરિકા આવવા પ્લેનમાં બેઠો ત્યારે પહેલી વાર દોરીવાળા શૂઝ પહેર્યા હતાં. આ શિક્ષકો ચીપી ચીપીને બોલે, એમની વાતચીતોમાં વારે વારે અંગ્રેજી શબ્દો અને વાક્યોની છાંટ આવે. આ બધું જોઈ સાંભળીને અમે છક્ક થઈ જતા. એમાંના એક હતા જયશ્રીકાન્ત વિરાણી, જે બહુ સારું ગાતા. એમને ઓલ ઇન્ડિયા રેડિયોના રાજકોટ સ્ટેશન પર એક ગીત ગાવાનું આમંત્રણ મળ્યું હતું. ગામમાં જે ગણ્યાગાંઠ્યા ઘરમાં રેડિયો હતો તેમાંના એક ઘરે અમે બધા વિરાણી સાહેબને રેડિયો પર સાંભળીને આભા થઈ ગયા હતા.

બીજા એક લક્ષ્મીકાન્ત ભટ્ટ. એ ટૂંકી વાર્તાઓ લખતા. એમની એક ટૂંકી વાર્તા ‘ટીપે, ટીપે’ ઉમાશંકર જોશીએ એમના પ્રખ્યાત માસિક સંસ્કૃતિ માં છાપીને એમને ગુજરાતના અગ્રગણ્ય વાર્તાકારોની હરોળમાં બેસાડી દીધા. મારા હસ્તાક્ષર બહુ સારા, એટલે ભટ્ટસાહેબ મને એમની વાર્તાઓ કોપી કરવા આપે અને પછી જુદાં જુદાં મૅગેઝિનોમાં મોકલે. વર્ષો પછી મુંબઈમાં હું એ જ મરોડદાર અક્ષરોમાં નોકરી માટે એપ્લીકેશન કરતો. એ જમાનામાં મારી પાસે ટાઈપરાઈટર ક્યાંથી હોય? જે શેઠે મને નોકરી આપેલી તેમણે મને કહ્યું હતું કે ઘણાએ એપ્લાય કરેલું, પણ એ બધામાં તારા અક્ષર બહુ સારા હતા એટલે તને નોકરી આપી!

લાઇબ્રેરીની લત લાગી

ભલે હું ગામમાં રહેતો હતો પણ મારું મન તો દિવસરાત ગામની બહાર જ ભમતું. ગામમાંથી છટકવા માટે મારી પાસે બે જ રસ્તા હતા. એક તો મુંબઈથી આવતી મૂવીઓ અને બીજો રસ્તો એ અમારી જૂની લાઇબ્રેરી. એના ભાંગ્યાતૂટ્યા બાંકડાઓમાંથી માંકડનું ધણ ઉભરાય. છતાં હું ત્યાં રોજ જઈને બેસતો. ત્યાં ચટકા ભરતા માંકડોને મારતા મારતા મુંબઈ, અમદાવાદ, અને દિલ્હીની દુનિયામાં ખોવાઈ જતો. મુંબઈ, અમદાવાદના છાપાઓ વાયા વિરમગામ થઈને ટ્રેનમાં ટહેલતા, ટહેલતા ચોવીસ કલાકે આવે. લાઇબ્રેરિયન મોઢામાં ભરેલ પાનનો ડૂચો ચાવતો ચાવતો છાપાનું એક એક પાનું છૂટું કરીને કાચના ઘોડામાં ગોઠવે જેથી લોકો બંને બાજુ ઊભા ઊભા વાંચી શકે.

જેટલી અધીરાઈથી હું છાપાંની રાહ જોતો તેટલી જ અધીરાઈથી એક પુખ્ત વયના દાઢીવાળા ભાઈ રાહ જોતા. હું જ્યારે જ્યારે લાઇબ્રેરીમાં જાઉં ત્યારે એ હાજર હોય જ. એમના ખાદીના મેલા કફની લેંઘા અને બંડીમાંથી વાસ આવે. એ વાત કરે ત્યારે મોઢામાંથી લાળ પડે. છાપું વાંચતા જાય અને દેશપરદેશના બનાવો પર રનીંગ કોમેન્ટરી આપતા જાય. નહેરુએ શું ભૂલ કરી, પાકિસ્તાનને કેમ હરાવવું, શિક્ષણનાં ધોરણ કેમ નીચાં ગયાં છે, દેશમાં લાંચરુશ્વત કેમ વધી ગઈ છે–આમ અનેક વિષયો ઉપર એમને કંઈક ને કંઈક કહેવાનું હોય જ. હું તો આભો બનીને એ જે કહે તે સાંભળ્યા કરું. મેં એક વાર લાઇબ્રેરિયનને કહ્યું આ ભાઈ કેવા હોશિયાર છે! એ મને કહે કંટોલો હોશિયાર? મૂરખ, છે મૂરખ. કામધંધો કાંઈ કરતો નથી. આખો દિવસ અહીં બેઠો રહે છે. સારું છે કે બૈરી બિચારી કામ કરે છે, નહીં તો ભૂખે મરત.

એવી જ રીતે દરરોજ લાઇબ્રેરી આવનારાઓમાં હતા એક સાધુ. સૌમ્ય ચહેરો, ભગવા કપડાં, કોઈ દિવસ એક શબ્દ પણ ન બોલે. આવે, બેસે, પોતાના ઝોળામાંથી એક લાંબો ચોપડો કાઢે, શાહીનો ખડિયો કાઢે, કલમ બોળે અને ઝીણા અક્ષરોમાં અંગ્રેજીમાં લખવાનું શરૂ કરે તે ઠેઠ ઊભા થાય ત્યાં સુધી. મેં એમને કોઈ છાપું કે મેગેઝિન વાંચતા કે કોઈની સાથે વાત કરતા જોયા નથી. એની સાથે તમારી આંખ મળી તો બસ મીઠું હસે. મને હંમેશ થતું કે માંકડથી ઉભરાતી બેંચ પર બેસીને આ સાધુ શાન્તિથી કેમ લખી શકતા હશે? શું લખતા હશે?

લાઇબ્રેરીમાં ઊભા ઊભા મેં દર અઠવાડિયે ગુજરાત સમાચાર માં ધારાવાહિક આવતી ઈશ્વર પેટલીકરની લોકપ્રિય નવલકથા તરણા ઓથે ડુંગર વાંચી હતી. જન્મભૂમિ પ્રવાસી ના તંત્રી મોહનલાલ મહેતા ‘સોપાન’નું અમેરિકાનું પ્રવાસવર્ણન પણ એવી જ રીતે વાંચ્યું હતું. એમાંની બે વાત હજી મને યાદ છે : એક તો એ કે ન્યૂ યૉર્ક ટાઈમ્સ ના રવિવારના એક જ દિવસના છાપામાં જેટલી ઇન્ક વપરાય છે તેટલી એમના જન્મભૂમિમાં આખા વરસમાં વપરાતી! અહીં અમેરિકામાં આવ્યા પછી ખબર પડી કે ન્યૂ યૉર્ક ટાઈમ્સ ની એ રવિવારની આવૃત્તિ ત્રણસો ચારસો પાનાંની હોય છે! લોકો તો આવડા દળદાર છાપામાંથી પોતાને ગમતા બે ત્રણ સેક્શન લઈ લે અને બાકીનું છાપું પડતું મૂકે! બીજી વાત એ કે જેમ આપણે ત્યાં માલદાર ખેડૂતોના ઘર બહાર એક બે ગાડાં પડ્યા હોય તેમ અમેરિકામાં સામાન્ય લોકોને ઘરે પણ એક બે કાર પડી હોય! થયું કે કેવો સમૃદ્ધ એ દેશ હશે, અમેરિકા! ત્યાં જવાનું મળે તો કેવું!

મુંબઈ, અમદાવાદ, વડોદરા વગેરેથી આવતા ગુજરાતી સાહિત્યનાં અનેક મેગેઝિનો મને ગુજરાતી સાહિત્યની દુનિયામાં લઈ જતા. અખંડ આનંદ, સંસ્કૃતિ, કુમાર, ઊર્મિ નવરચના, નવચેતન, બુદ્ધિપ્રકાશ, ક્ષિતિજ–આવાં મેગેઝિન સમજાય કે ન સમજાય તોય હું વાંચી જતો. ગુજરાતી નવલકથાઓ, નાટકો, વાર્તાસંગ્રહો, કાવ્યસંગ્રહો, વગેરે પણ હું વાંચવા માંડ્યો. હું લાઇબ્રેરીમાં દરરોજ જતો અને લાઇબ્રેરિયન પાસે પુસ્તકો માંગતો. બધાં પુસ્તકો એ કબાટોમાં તાળાકૂંચી નીચે રાખતો. એ લાઇબ્રેરિયન પણ એક નમૂનો હતો. એના ગંજી વગરના અડધાં બીડેલાં બટનવાળા શર્ટમાંથી છાતીના વાળ ડોકિયું કરે. ગળે સોનાનો છેડો લટકતો હોય. મોઢાના એક ગલોફામાં પાનનો ડૂચો ભર્યો હોય. લાઇબ્રેરી એના બાપની હોય એમ વર્તે. એ આળસુને મને પુસ્તક આપવા માટે કબાટ સુધી જવું પડે, ચાવી ગોતવી પડે, કબાટ ઉઘાડવું પડે. એ એને કેમ ગમે? એણે કાકાને ફરિયાદ કરી કે તમારો છોકરો લાઇબ્રેરીમાં બહુ આવે છે, એને શું ઘરમાં કંઈ કામકાજ નથી કે તમે એને લાઇબ્રેરીમાં રોજ ધકેલો છો? ત્યારે કાકા મને વઢેલા!

લાઇબ્રેરીમાંથી હું ગુજરાતી પુસ્તકો લઈ આવતો અને ભૂખ્યા ડાંસની જેમ વાંચતો. ખાસ કરીને નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ. કનૈયાલાલ મુનશી, રમણલાલ દેસાઈ, ધૂમકેતુ, ઈશ્વર પેટલીકર, પીતાંબર પટેલ વગેરે જે કંઈ હાથમાં આવ્યું તે હું આડેધડ વાંચી કાઢતો. મુનશીની આત્મકથાએ મને ઘેલો કરી નાખ્યો. જેવી રીતે અનેક સંઘર્ષોનો સામનો કરીને એ એક સમર્થ વકીલ થયા અને સાથે સાથે એવા જ મોટા નવલકથાકાર પણ થયા એ મારે માટે અજાયબીની વાત હતી. એમની સ્વપ્નદ્રષ્ટાએ મને દેશસેવાની ભારે ધૂન લગાવી. સ્વપ્નદ્રષ્ટામાં આક્રમક પરદેશીઓએ, ખાસ કરીને અંગ્રેજોએ દેશની જે અવદશા કરી અને ભારતીયોની જે સ્વમાનહાનિ કરી હતી તે મને બહુ કઠી હતી. થતું કે મોટો થઈશ ત્યારે એનું વેર વાળીશ. રમણલાલ દેસાઈની ગ્રામલક્ષ્મી અને પીતાંબર પટેલની ખેતરને ખોળે વાંચીને થયેલું કે ગામડાંઓમાં જઈને ગ્રામોદ્ધારની સેવા કરવી જોઈએ.

ગાંધીજીની આત્મકથા તો અદ્દભુત લાગી હતી. નાનપણથી જ સાચું બોલવાનો અને સાચું જ કરવાનો એમનો આગ્રહ, લંડનમાં ભણવા ગયેલા ત્યાંના એમના અનુભવો, દક્ષિણ આફ્રિકામાં રંગભેદને કારણે એમણે સહન કરેલાં અપમાનો, ત્યાંની જેલોમાં એમણે સહન કરેલો અત્યાચાર–આ બધું વારંવાર વાંચીને હું ખૂબ પ્રભાવિત થયો હતો. મનુભાઈ પંચોળી ‘દર્શક’ની શકવર્તી નવલકથા ઝેર તો પીધાં છે જાણી જાણી એ પણ મારા પર મોટી ભૂરકી છાંટી હતી. એનાં પાત્રો ખાસ કરીને સત્યકામ અને અચ્યુતે પરદેશમાં જઈને જે પરાક્રમો કરેલાં તે હું વારંવાર વાંચતો. એવી જ રીતે યશોધર મહેતાની નવલકથા સરી જતી રેતી એમાં આવતી લંડનની વાતોને કારણે મને બહુ ગમી ગઈ હતી. આ બધું વાંચીને થતું કે મને પરદેશ જવા ક્યારે મળશે?

અમારું કુટુંબ

અમારું સંયુક્ત કુટુંબ હતું. બાપા-મા, કાકા-બા, દૂરના મામા-મામી, બીજા એક વિધવા મામી, અમે સાત ભાઈ બહેનો, બધાં સાથે. અમારામાંથી કોઈને કુટુંબના ઇતિહાસની કે વંશવેલાની પડી નહોતી. મા-બાપાના કુટુંબની કોઈ માહિતી નહોતી. અરે, એમના માતા-પિતાનાં નામ સુધ્ધાં અમે જાણતા નહોતા. એવું જ બાના કુટુંબ વિશે. બહોળા કુટુંબમાં ઊછર્યા છતાં કુટુંબીજનો પ્રત્યે પ્રેમ કે મમત્વની કોઈ ઊંડી લાગણી મને દેખાતી નહોતી. જાણે કે અજાણ્યા માણસો અકસ્માતે એક ઠેકાણે ભેગા થઈ ગયા હોય એમ અમે બધાં સાથે રહેતા. પુખ્ત વયના લોકો ભાગ્યે જ કંઈ એક બીજા સાથે કોઈ કામ વગર બોલતા. લોકો જે રીતે ભાઈભાઈના અને ભાઈબહેનના ભીના પ્રેમની વાતો કરે, એવું મેં ક્યારેય અનુભવ્યું નથી. હું કુટુંબમાં સહુની સાથે ઊછર્યો હોઉં એમ મને લાગતું જ નથી. કુટુંબમાં સૌથી અળગો જ ઊછર્યો હોઉં એમ લાગે છે. સ્કૂલમાંથી આવ્યા પછી સાંજે સંસ્કાર મંદિરમાં જતો. જો કે ત્યાં આગળ જણાવ્યું તેમ ક્રિકેટ, વૉલીબોલ વગેરે રમતો રમવાને બદલે એની નાની લાઇબ્રેરી સંભાળતો હતો.

અમે ચાર ભાઈઓ અને ત્રણ બહેનો. ભાઈઓમાં હું મોટો, બે બહેનો મારાથી મોટી–એક નાની. અત્યારે બે ભાઈઓ દેશમાં છે, અને એક અમેરિકામાં. બે મોટી બહેનો તો હવે ગુજરી ગઈ છે, પણ જ્યારે જીવતી હતી ત્યારે એમની સાથે કોઈ ગાઢ સંબંધ નહોતો. ત્રીજી બહેન મુંબઈમાં રહે છે. એને અમે અમેરિકા બોલાવેલી હતી પણ એને અને બાને અમેરિકા ન ફાવ્યું અને પાછા ગયાં. મારો નાનો ભાઈ એની પત્ની, ઉપરાંત મારા બા, બહેન, સાળા અને એના કુટુંબને જે મેં અમેરિકા બોલાવ્યા હતા તે પણ મારી ફરજ છે તેમ માનીને જ, તેમાં પણ મોટો ફાળો મારી પત્ની નલિનીનો જ. “તમે આટલાં વરસથી અમેરિકામાં મોજ મજા કરો છો અને તમારાં સગાંસંબંધીઓ હજી દેશમાં સબડે છે,” એવું સાંભળવું ન પડે એ ન્યાયે જ અમે એમને બધાંને અમેરિકા બોલાવ્યાં હતાં. એમાં ક્યાંય મારો કુટુંબપ્રેમ ઊભરાતો નહોતો. સાળો અને તેનું કુટુંબ તથા ભાઈ અને તેની પત્નીએ બધાંએ પોતપોતાનો રસ્તો શોધી કાઢ્યો. મારા સંયુક્ત કુટુંબના અનુભવો બહુ સારા નથી. જો કે એમાં હું મુખ્યત્વે મારો જ વાંક જોઉં છું.

મારો વિચિત્ર સ્વભાવ

મારો સ્વભાવ જ કોઈ આત્મલક્ષી એકાકી માણસનો–લોનરનો–છે. ગામ કે બહારગામ, મિત્રો કે સગાંઓને હું મળવાનું ટાળું છું. બહારગામ જાઉં છું ત્યારે પણ કોઈ ઓળખીતાને ઘરે રહેવા કરતાં હોટેલમાં જ રહેવાનું હું પસંદ કરું છું. મારાં પોતાનાં સંતાનો વરસોથી અહીં બાજુમાં જ રહે છે, પણ મેં એમને ત્યાં એક રાત પણ કાઢી નથી. એમના છોકરાઓનું બેબી સીટીંગ કરવાનું હોય ત્યારે રાતે ગમે તેટલું મોડું થયું હોય તો પણ હું બેબીસીટીંગ પત્યે ઘરે આવી જાઉં. પાર્ટીઓમાં પણ મારી મથરાવટી મેલી છે. મોડું જવું અને વહેલા નીકળવું. લોકો કહે કે ગાંધી આવતાંની સાથે જ જવાની વાત કરે છે!

એવું ન કહી શકાય કે હું મોટી ઉંમરે આવો મિસએન્થ્રોપ—જેને લોકોની સાથે હળવું મળવું ગમતું નથી એવો–થયો. નાનો હતો ત્યારે પણ હું લાઇબ્રેરીમાંથી ચોપડી લઈને ઘરની મેડીએ ચડી જતો! ‘ચોપડીમાંથી મોઢું જ કાઢતો નથી,’ એવી ફરિયાદ મારે માટે નિયમિત થતી. બા જ્યારે જમવા માટે બોલાવે ત્યારે જ નીચે ઊતરું. બાકી તો મોટે ભાગે આખો દિવસ ઉપર મેડીએ જ રહેતો, રાતે ત્યાં જ સૂતો. જાણે કે બધાથી દૂર ભાગીને મેં મારી એક જુદી દુનિયા બનાવી હતી અને એ દુનિયામાં હું દિવસ રાત રહેતો. આજે જ્યારે મારા સાવરકુંડલાના એ દિવસોનો વિચાર કરું છું તો લાગે છે કે મારી દુનિયા તો માત્ર એ મેડીની અને લાઇબ્રેરીની હતી. ત્યાં બેઠા બેઠા દિવસરાત વિચારતો કે ક્યારે હું આ ગામમાંથી ભાગું!

આ ભાગવાની જે વાત છે તે મારા ગામ પૂરતી નથી, આ મારી રોજની કઠણાઈ છે. હું જ્યાં જ્યાં હોઉં છું, તે કરતાં બીજે ક્યાંક જવું, “ચાલો, કંઈક વધુ સારું ગોતો,” એવી મારી મનોદશા હંમેશ રહી છે. મારે કૂલે ભમરો ચોંટ્યો હોય તેમ હું જિંદગી આખી ભટકતો રહ્યો છું. સાવરકુંડલામાંથી નીકળીને મારે મુંબઈ જવું હતું, મુંબઈ છોડીને અમેરિકા જવું હતું, અને અમેરિકામાં આવ્યા પછી પણ એક જગ્યાએ હું બેસી નથી રહ્યો. અમેરિકામાં આવ્યો ઍટલાન્ટામાં, પણ ત્યાંથી નૉર્થ કૅરોલીના, પૅન્સિલ્વેનિયા, લૂઈઝિઆના, વળી પાછું પૅન્સિલ્વેનિયા, અને અત્યારે હવે વૉશિંગ્ટન એમ હું ફરતો ને ફરતો રહ્યો છું.

જેવું રહેવાનું તેવું જ નોકરીનું, તેવું જ યુનિવર્સિટીઓનું. હંમેશ એમ જ થયા કર્યું છે કે જે નોકરી છે તેની કરતાં વધુ સારી નોકરી હોય તો સારું. જે યુનિવર્સિટીમાં ભણું છું કે ભણાવું છું તેના કરતાં વધુ સારી યુનિવર્સિટીમાં હોઉં તો કેવું સારું! આમ અત્યારે જ્યાં છું અને જે મારી પાસે છે, એ નહીં પણ જે નથી તેની શોધમાં હું સતત રહું છું. આ મનોદશાના મૂળમાં છે મારો કોમ્પિટિટીવ સ્વભાવ—મારી સરખામણી કરવાની કુટેવ.

દરેકે દરેક બાબતમાં—બૅંક બૅલેન્સ, કુટુંબવ્યવસ્થા, છોકરાઓ, નાનું કે મોટું ઘર, ઘરની સજાવણી, કરિયર, નામના, આરોગ્ય, દેખાવ, બુદ્ધિ, કૌશલ્ય, કુનેહ–કંઈક ને કંઈક બહાને બીજાઓ સાથે સતત સરખામણી કરીને હું સતત દુઃખી થયા કરું છું. આજે મને કોઈ પૂછે કે તમારા જીવનમાં તમે સુખ, આનંદ અને ઉલ્લાસ ક્યાં અને કયારે માણ્યાં છે તો મારે વિચાર કરવો પડે! જે જોઈતું હોય તે મળે તેનો ક્ષણિક આનંદ હું માણીને તરત જે નથી મળ્યું તેની શોધમાં નીકળી પડું છું. સદાના આવા કચકચિયા અને અસંતોષી જીવનું શું કરવું? આવા અભાગિયા જીવને શાંતિ ક્યાંથી હોય?

આવી મનોદશાના મૂળમાં છે મારી તીવ્ર મહત્ત્વાકાંક્ષા. આજે જ્યારે જીવનના સંધ્યાકાળે મેં જે કર્યું છે તે નહીં, પણ મેં જે નથી કર્યું તેનો વિચાર કરીને હું મનને ખાટું કરું છું. જે નથી થયું તેનો અફસોસ કરું છું. અને જીવનમાં નિષ્ફળ નીવડ્યો છું તેવાં રોદણાં રોઉં છું. જે છે તેમાં સંતોષ માનવાને બદલે જે નથી તેના વિચારમાં રાચ્યા કરવાની આ રોગગ્રસ્ત મનોદશાનો શો ઉપાય છે તે મને ખબર નથી, પણ એ દશામાં આજે ઠેઠ જિંદગીના છેવટના દાયકાઓમાં પણ પીડાઉં છું તેમાં કોઈ શંકા નથી.

કાકા

લીખાળામાં ભણવાની કોઈ સગવડ ન હતી. બાપાએ કાકાને ભણવા માટે અમરેલી મોકલ્યા. ત્યાં એમણે ભણવાનું બાજુએ મૂકીને બીજી પ્રવૃત્તિઓમાં રસ દાખવ્યો. ખાસ કરીને બંસરી બજાવવાનું શીખ્યા અને એ એવી સરસ બજાવતા કે લોકો એમને મોહન બંસરીવાળા તરીકે ઓળખતા. સ્વાતંત્ર્ય સંગ્રામના જુવાળમાં અનેક જુવાનોની જેમ કાકા પણ જોડાયા. ગાંધીવાદી અસહકારી બન્યા. જેલમાં ગયા. બાપા તો હેરાન પરેશાન થઈ ગયા. આ શું? “મેં છોકરાને નિશાળમાં જવા મોકલ્યો અને એ તો જેલમાં જઈને બેઠો!” બાપા જેલમાં પહોંચ્યા! ત્યાં જઈ જે કાંઈ દંડ ભરવાનો હતો તે ભર્યો. “આ તો છોકરમત છે, એ હવે આવું કંઈ નહીં કરે, એને હું નિશાળમાંથી જ ઉઠાડી દઉં છું”, એવી જે કંઈ માફી માગવાની હતી તે માગી અને કાકાને ઘરે લઈ આવ્યા.

બાપાએ કાકાને દુકાને બેસાડી દીધા, અને એમની સગાઈની જોગવાઈ કરવા મંડ્યા. એમને ભય હતો કે કાકાનું ફટકે અને વળી પાછું જેલમાં જવાનું તૂત ઉભું કરે તે પહેલાં એમને પરણાવી દેવા. ઝટપટ સગાઈ કરી નાખી. તરત લગન લેવાયા. અને કાકા ડાહ્યાડમરા થઈને પરણી પણ ગયા! વાત વાતમાં સાત સાત સંતાનોના બાપ બની ગયા! જેલ કેવી ને વાત કેવી? કાકા તો હવે ઘરસંસારી અને વ્યવહારુ બની ગયા.

કાકાના ક્રાંતિકારી હોવાની અને એમના જેલમાં જવાની વાતની મને તો પાછળથી ખબર પડી. હું જે કાકાને ઓળખતો હતો તે કાકા સાવ જુદા હતા. મેં એમનામાં ક્યારેય કોઈ ક્રાંતિનો તણખો જોયો નહોતો. એટલું જ નહીં પણ એમણે ક્યારેય જીવન માટે કોઈ ઉત્સાહ બતાવ્યો હોય તેવું યાદ નથી. એમને મેં ભાગ્યે જ હસતા જોયા છે. તો શું એમનું જેલમાં જવું એ માત્ર એક અકસ્માત હતો? ગાંધીજીના મહાન પ્રભાવનું જ પરિણામ હતું? ગાંધીજીએ શરૂ કરેલ આઝાદીના જંગમાં જેવી રીતે લાખો નવયુવાનોએ યા હોમ કરીને ઝંપલાવ્યું હતું તેમ જ શું કાકાએ પણ જોશમાં આવીને ઝંપલાવેલું?

અમારા ઘરમાં મેં ભાગ્યે જ આનંદ ઉલ્લાસ કે ઉત્સવનું વાતાવરણ જોયું છે. ઘરમાં સાહિત્ય, સંગીત કે કલાની કોઈ નિશાની ન મળે. સમ ખાવા પૂરતી પણ એક ચોપડી ન મળે, સાહિત્યનું કોઈ પુસ્તક ન હોય તે તો કદાચ હજી પણ સમજી શકાય, પણ ધરમ ધ્યાનનું તો કોઈ થોથું ઘરમાં હોય કે નહીં? અરે, કાકા છાપું પણ નહોતા મંગાવતા! ઘણા લોકો, ખાસ કરીને લેખકો પોતાના બાળપણ અને ઉછેરની વાતો કરે ત્યારે દાદા દાદીઓને મોઢે સાંભળેલી પરીકથાઓની કે વહેલી સવારે સાંભળેલાં પ્રભાતિયાંઓની એમના પર પડેલ અસરની વાતો કરે. મેં એવી એક પણ પરીકથા કે વાર્તા સાંભળી નથી કે નથી મારે કાને પ્રભાતિયાં કે ભજન કે ગીત પડ્યાં.

સંગીતની બાબતમાં તો મ્યુનિસિપાલિટીના નવા રેડિયાએ રેડિયો સિલોન પર આવતા ફિલ્મનાં ગીતો સંભળાવ્યાં એ જ. સિલોનની બિનાકા ગીતમાલાનાં ફિલ્મી ગીતો સાંભળીને મને હાર્મોનિયમ શીખવાનું મન થયું. કાકાને કહ્યું કે મારે હાર્મોનિયમ શીખવું છે. એમનો જવાબ રોકડો હતો: તારે હાર્મોનિયમ શીખીને શું કામ છે? તું શું આંધળો છે? આ હતો તેમનો સંગીત વિશેનો ખ્યાલ! મને થયું કે આ જ કાકા જે એક જમાનામાં મોહન બંસરીવાળા તરીકે ઓળખાતા?

રેઢિયાળ ઉછેર

એ જમાનામાં કુટુંબો મોટાં હતાં. અગિયાર બાર સંતાનો હોય એવાં ઘણાં કુટુંબો મેં જોયાં છે. કહેવાતું કે ઘરે ઘરે ક્રિકેટની ટીમો હતી. સંતતિનિયમનની એ જમાનામાં લોકોને ઓછી સમજ હતી, અને એ બાબતના કોઈ સાધનસગવડ પણ ન હતાં. પરંતુ તમે જો આવા મોટા કુટુંબ માટે જવાબદાર છો તો એ સંતાનોનાં ભણતરગણતરની અને ભરણપોષણની સારસંભાળ તો કરવી જોઈએ ને? ઓછામાં ઓછું છોકરાઓ સ્કૂલમાં જાય છે કે નહીં, એમને બરાબર ભણતર મળે છે કે નહીં, એ તો જોવું જોઈએ કે નહીં? અમને ભાઈબહેનોને ભણાવવામાં કાકાએ જે બેદરકારી દાખવી છે તે સર્વથા અક્ષમ્ય છે. બધા ભાઈઓમાં મેં એકલાએ જ કૉલેજ પૂરી કરી છે. બે બહેનો અને એક ભાઈએ તો હાઇસ્કૂલ પણ પૂરી નથી કરી! હું કૉલેજમાં ગયો તે પણ એમની ઇચ્છા વિરુદ્ધ જ, એમણે તો મને મુંબઈ નોકરી જ કરવા મોકલ્યો હતો. એ તો ભલું થાજો મારા ફઈના દીકરા રતિભાઈનું કે એમણે મને કહ્યું કે તારે કૉલેજમાં જવું જોઈએ અને જેમણે મારી કૉલેજમાં જવાની વ્યવસ્થા કરી આપી

જેવું ભણવાનું તેવું જ નાનીમોટી જોવા જાણવા શીખવા જેવી બધી વાતનું. નાનપણમાં છોકરાને બાઇસિકલ તો શીખવાડવી જોઈએ કે નહીં? અમારી આજુબાજુ ઘણાને ત્યાં બાઇસિકલ હતી, પણ અમારે ત્યાં નહીં. આજ સુધી મને બાઇસિકલ ચલાવતા નથી આવડતું! એવું જ સ્વીમીંગનું. એ બધું મેં અમેરિકા આવીને શીખવા પ્રયત્ન કર્યો. નિશાળમાંથી એક વાર આદ્ય કવિ નરસિંહ મહેતાના જન્મસ્થાન જૂનાગઢ અને ત્યાંના વિખ્યાત પર્વત ગિરનાર પર્યટન જવાનું હતું. નિશાળમાંથી બધા જ મિત્રો જવાના હતા, પણ કાકા એવો ખોટો ખર્ચો ન કરે. મારું જૂનાગઢ જવાનું અને ગિરનાર ચડવાનું રહી ગયું તે રહી જ ગયું. તેવી જ રીતે એનસીસી–નેશનલ કોર્પ્સમાં જોડાવા માટે મેં વાત કરી તો કહે, તેમાં જવાની તારે શું જરૂર છે? તારે લશ્કરનાં ધીંગાણાં કરવા છે?

કાકાએ અમે ભાઈબહેનોના ઉછેરમાં કોઈ રસ જ બતાડ્યો નહોતો. જેવી રીતે શેરીના કૂતરા બિલાડા એમની મેળે ઊછરી જાય તેમ અમે ઊછરી ગયા! સત્તર વર્ષે હું ઘરની બહાર નીકળ્યો મુંબઈ જવા માટે. એ સત્તર વર્ષોમાં એક પણ વાર કાકાએ મને પાસે બેસાડીને પૂછયું નથી કે બેટા, તું શું ભણે છે. તારે કોઈ મુશ્કેલી પડે છે? છોકરાઓ શું ભણે છે, આખો દિવસ શું કરે છે, ક્યાં રમે છે, કોની સાથે હરે ફરે છે, એવી કોઈ બાબતમાં એમણે કોઈ રસ જ બતાડ્યો નહોતો. એનો અર્થ એ નહીં કે એમને અમારે પ્રત્યે માબાપને સંતાનો માટે જે સહજ વ્હાલ અને પ્રેમ હોય તે નહોતા, પણ એ જમાનો જ જુદો હતો.

કાકાએ જાણે કે કૌટુંબિક જવાબદારીમાંથી રાજીનામું આપી દીધું હતું. મારે જ્યારે મેટ્રિકની પરીક્ષા આપવા માટે ભાવનગર જવાનું હતું ત્યારે એમણે મને મારા એક દોસ્ત વિનુની જોડે ભળાવી દીધો. સ્કૂલમાં હરિભાઈ નામે એક શિક્ષક હતા તેમનો એ દીકરો. એમને ત્યાં હું ઘણી વાર જતો અને જોતો કે હરિભાઈ સાહેબ વિનુની કેટલી સંભાળ લે છે! શું ખાધું પીધું, દરરોજનું લેસન કર્યું કે નહીં, વળી પાછું એ લેસન તપાસે, દરરોજ એ વહેલા ઊઠે, વિનુને ઉઠાડે એને માટે બદામ પીસ્તાવાળું દૂધ બનાવે અને વ્હાલથી એને પીવરાવે! આ બધું જોઈને હું તો છક થઈ જતો. મનમાં થતું કે ક્યાં આ હરિભાઈ સાહેબ અને ક્યાં કાકા? અને વિનુને જો પરીક્ષા આપવા માટે ભાવનગર જવાનું છે તો હરિભાઈ સાથે આવે. હરિભાઈની જેમ પોતાના દીકરા સાથે ભાવનગર જવાની વાત તો બાજુએ મૂકો, કાકા હરિભાઈને વિનંતી પણ કરતા નથી કે મારા દીકરાને તમારી સાથે લઈ જશો? વિનુની સાથે હું પણ જાઉં એવી કાકાની ઇચ્છા ખરી પણ એ માટે હરિભાઈને કહેવાનું કામ એમણે મારે માથે નાખ્યું!

આજે સાઠ વરસે એ બધી બાબતનો વિચાર કરું છું ત્યારે એક વાત સાવ સ્પષ્ટ થાય છે કે હરિભાઈ સાહેબ પોતાનો દીકરો ભણે, પરીક્ષામાં ઊંચા માર્ક લાવે, સારી નોકરીમાં ઠરીઠામ થાય એ વાતમાં સક્રિય રસ લેતા હતા. કદાચ હરિભાઈ એ જમાનામાં અપવાદ હશે. પણ એક વાત ચોક્કસ કે કાકાને પોતાનો છોકરો ભણે કે ન ભણે એમાં જરાયે રસ ન હતો. એમને મન સ્કૂલ કે કૉલેજમાં જવું ને ભણવું એ બધું પૈસા કમાવા માટે નકામું હતું. એમાં ખોટો ખર્ચ તો થાય જ પણ વધુમાં છોકરો કમાતો મોડો થાય. એમની ઇચ્છા તો એવી હતી કે હું આ ભણવાનું તૂત છોડું અને જલદી જલદી કામે લાગી જાઉં, મોટા દીકરા તરીકે કુટુંબની જવાબદારી એમની ઉપરથી ઉપાડી લઉં અને તેમને એ બધી જંજાળમાંથી છૂટા કરું!

મને મેટ્રિક પછી તરત મુંબઈ મોકલી આપ્યો અને તે જવાબદારી પણ એમણે મુંબઈમાં રહેતી મારી બહેન ઉપર નાખી! એ બધી વાતો તો હું જ્યારે મારું મુંબઈનું કઠણ પ્રકરણ ખોલીશ ત્યારે કરીશ, અત્યારે તો એટલું જ કહીશ કે સાવરકુંડલાના સ્ટેશન ઉપર વળાવતા એટલું જ કીધું કે બહેનને ત્યાં ઊતરજે, અને એમણે હાથ ધોઈ નાખ્યા! મુંબઈની સખત હાડમારીનાં આઠ વરસો પછી મને જ્યારે અમેરિકા જઈને ભણવાની અદ્ભુત અને અનોખી તક મળી ત્યારે કહે કે ત્યાં જવાની શી જરૂર છે?! એમની દૃષ્ટિએ હું દેશ છોડું તો વળી પાછું એમને મારાં ભાઈબહેનોની જવાબદારીઓ વળગે. એમને તો એમ હતું કે હું મારા નાના ભાઈઓને ઠેકાણે પાડું, બહેનને પરણાવું. બે મોટી બહેનોને તો બાપાએ પહેલાં પરણાવી દીધી હતી, પણ હજી એક બહેન અને ત્રણ ભાઈઓ બાકી હતા. એ બધાંને કોણ ઠેકાણે પાડશે અને પરણાવશે? એ કામો તો હજી બાકી હતાં ને હું તો અમેરિકા ચાલ્યો! અને કોને ખબર પાછો આવીશ કે નહીં. વધુમાં હું મૂરખ પરણીને બેઠો હતો અને છતાં અમેરિકા જતો હતો. ઉપરથી મારી પત્ની નલિનીને દેશમાં પાછળ મૂકીને જતો હતો તો તેની જવાબદારીનું શું? એ પણ એમને માથે પડી કે શું? જો કે એવું જ થયું. હું અમેરિકા ગયો. કાકાને એ બધી જવાબદારી વળી પાછી સ્વીકારવી પડી. કોને માથે નાખે? જો કે એમણે કંઈ કર્યું નહીં. ઉપરવાળા ઉપર જ છોડ્યું!

પોતાનાં સંતાનોને ભવિષ્ય માટે તૈયાર કરવામાં કાકાએ જે ઉદાસીનતા બતાવી છે તે અત્યારે મને અક્ષમ્ય દેખાય છે. વધુમાં મુંબઈ જઈને પૈસા કમાવવામાં હું જે નિષ્ફળ ગયો અને પછી અમેરિકા ગયો એને કારણે મારાથી નાના ભાઈબહેનોનું ભવિષ્ય બગડી ગયું. એક ભાઈએ તો હાઈસ્કૂલ પણ પૂરી ન કરી, મારી પાસે મુંબઈ આવ્યો, પણ એને ઠેકાણે પાડવામાં હું કશું ન કરી શક્યો. એ હવે દેશમાં હું જે કૈં મદદ કરું છું તેનાથી પોતાનું ગાડું ચલાવે છે. નહોતો ભણ્યો કે નહોતો કમાતો, એટલે એને લાયક છોકરી ગોતવામાં પત્તો ન ખાધો. આખી જિંદગી એ કુંવારો રહ્યો. બીજા બે ભાઈઓએ મેટ્રિકની પરીક્ષા આપી એટલે એમને મારી જેમ મુંબઈ ધકેલી દીધાં. એમાં એક જણે કૉલેજ શરૂ કરી પણ, પૂરી નહીં કરી શક્યો, ત્યારે બીજાએ કૉલેજમાં જવાનું નામ જ ન લીધું.

સામાન્ય રીતે છોકરાઓના બાપ એમના વેવિશાળ, લગ્નમાં ખાસ રસ ધરાવે અને ધ્યાન આપે. છોકરાઓની તંગી એટલે છોકરીઓનાં માબાપ એમને ગોતતાં આવે. એવું ભાગ્યે જ બને કે છોકરાને લાયક કોઈને કોઈ કન્યા ન મળે. થોડો ઘણો પણ પ્રયત્ન કરો તો લાકડે માંકડું વળગાડી શકાય. આવા પ્રસંગોમાં વરના બાપ પહોળા થઈને બેસે. કાકા આ બાબતમાં આંગળી પણ ઉપાડવા તૈયાર નહીં. પરિણામે આગળ કહ્યું તેમ એક ભાઈ સાવ કુંવારો રહી ગયો, અમે બીજા ત્રણ જણાંએ પોતાની મેળે જે કાંઈ થઈ શકે તે કર્યું.

જો છોકરાના બાપને જરૂરી એવો સાધારણ પ્રયત્ન પણ કાકા કરવા તૈયાર ન હતા, તો પછી દીકરીના બાપ તરીકે જે અસાધારણ મહેનત કરવી પડે, તેની તો વાત જ શી કરવાની? મારા અપરિણીત ભાઈ બહેનને આ બાબતમાં જે સહન કરવું પડ્યું છે તેનો મને બહુ જ અફસોસ રહ્યો છે. આમાં હું જેટલો કાકાનો વાંક જોઉં છું તેટલો જ મારો. મારા અમેરિકા આવવાથી એ બાબતમાં હું કાંઈ ન કરી શક્યો એનો મને ડંખ સદાય રહ્યો છે. દેશમાં, ખાસ કરીને નાના ગામ અને ગામડાંઓમાં આ કામ વડીલોનું છે. જુવાન છોકરાઓનું હળવા મળવાનું, પશ્ચિમમાં જેને ‘ડેટિંગ’ કહે છે તે મોટાં શહેરોને બાદ કરતાં આપણે ત્યાં છે જ નહીં, તો પછી જુવાન છોકરા છોકરીઓ પોતાના જીવનસાથીને કેમ શોધે?

આ બધું હું કાકા માટે લખું છું તે સંકોચ સાથે. ભક્ત શ્રવણની દંતકથાથી આપણે ત્યાં ભણાવાય છે કે માબાપ તો દેવ સમાન છે. એમની પૂજા કરવી, એમની સેવા કરવી, એમની પ્રશંસા કરવી, એમના વિશે કશુંય ખરાબ ન વિચારવું કે ન બોલવું. એ ન્યાયે આજે હું કાકાની જે કઠોર ટીકા કરું છું તે તો પાપમાં પડવા જેવી વાત છે. દેશનું કોઈ આ વાંચશે તો કહેશે કે હું કેટલો કૃતઘ્ન છું! પોતાના બાપ વિશે આવું કંઈ લખાય? પણ મારે જો મારી આ કથની પ્રામાણિકતાથી લખવી હોય તો મારા મનમાં કાકા વિશે જે ઉબળખો ભર્યો છે તે કાઢવો જ જોઈએ. ખોટી ખોટી સુષ્ઠુ સુષ્ઠુ વાતો કરવાનો કોઈ અર્થ નથી.

એટલે જ તો દેશમાંથી માતાપિતા વિશે લખાતા લેખોનું સંપાદન થાય છે અને મને તેમાં લખવા કહેવામાં આવે છે, ત્યારે એવો કોઈ લેખ લખવાને બદલે કંઈ ને કઈ બહાનું કાઢીને છટકી જાઉં છું. આજે આ લખું છું તેમાં મારા રોષ કરતાં દુઃખ વધુ છે. હું સમજવા પ્રયત્ન કરું છું કે કાકા જે એક જમાનામાં બળવાખોર બનીને જેલમાં ગયા હતા તેમનું આવું પરિવર્તન કેમ થયું? અને જ્યારે એમને પોતાની બધી મહત્ત્વાકાંક્ષાઓ છોડીને ઘરસંસારની ધૂંસરીએ જોડાવું પડ્યું ત્યારે એ કેવા નિરાશ થયા હશે?

આજે જે આ બધું કડવું લખું છું તે સાચું. પણ અમને બાળકોને કાકાનું વર્તન એ જમાનામાં કઠતું નહોતું. એ બાબતનો કોઈ વિચાર, સારો કે નરસો કર્યો જ નહોતો. નાનાં બાળકોમાં એવી બુદ્ધિ ક્યાંથી હોય? એ જમાનામાં આવું બધું સામાન્ય અને સ્વાભાવિક જ હતું. વધુમાં એ પણ સમજવું ઘટે કે આપણે સૌ આખરે તો આપણા વર્તમાન સમયનાં વિચારવહેણો, ગ્રહોપૂર્વગ્રહો, માન્યતાઓ અને સમજથી ઘડાયેલા હોઈએ છીએ. કાકાએ એમના જમાનાની સમજ પ્રમાણે અમને બાળકોને ઉછેર્યાં, અમારું ભરણપોષણ કર્યું, અને જીવનનિર્વાહ કર્યો. આજે પંચોતેર વર્ષે અત્યારના ધોરણ મુજબ એનું પિષ્ટપેષણ કરવા બેસું તે યોગ્ય ખરું? ઊલટાનું એ સમયે તો કાકાને માટે મને ખૂબ માન હતું. દેશની આઝાદીની લડત માટે એ જેલમાં ગયા હતા તે વાતનું હું બહુમાન કરતો, અને બડાશથી તે બધાને કહેતો પણ ખરો.

કાકાની કઠણાઈ

બાળઉછેરની દૃષ્ટિએ હું જો કાકા માટે ઇઝી કેઈસ હતો તો મારો એક ભાઈ બહુ મુશ્કેલ પ્રશ્ન હતો. એ કાંઈ ભણે નહીં, અને કાકાને થયું કે એને મુંબઈ મોકલવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. હું મુંબઈ હતો જ. અને જેવી તેવી પણ નોકરી તો કરતો જ હતો. એ દરમિયાન મેં લગ્ન કર્યાં હતાં. વ્યવસ્થિત નોકરીધંધો અને રહેવાનું ઠેકાણું ન હોવા છતાં લગ્ન કરવાની મારી મૂર્ખામીની વાત તો આગળ ઉપર આવશે, પણ લગ્ન પછી અમારે હૂતો હુતીએ રહેવું કયાં, ઘરસંસાર કયાં શરૂ કરવો એની પણ મોટી ઉપાધિ હતી. ઓરડી તો હતી નહીં. પત્ની નલિનીને દેશમાં મૂકવા સિવાય કોઈ ઉપાય નહોતો. દેશમાં જઈને એને મૂકી તો આવ્યો, પણ નલિનીને તો મુંબઈમાં નવા પરણેલા ધણી સાથે નવવધૂની જેમ સ્વાભાવિક જ રહેવું હતું. રોજ દેશમાંથી કાગળો આવે: ક્યારે બોલાવો છો? ઓરડીની વ્યવસ્થા એટલી જલદીથી થાય એ શક્ય નહોતું. એ જમાનામાં મુંબઈમાં હવાફેર કરવા માટે ત્રણ મહિના માટે સૅનેટોરિયમો મળતી. કોઈકને નામે મેં એવી એક સૅનેટોરિયમ જગ્યા લીધી. અને દેશમાં નલિનીને લેવા ગયો.

નક્કી એવું કર્યું હતું કે કાકા નલિનીને લઈને અડધે રસ્તે વિરમગામ આવે અને હું મુંબઈથી વિરમગામ પહોંચું અને એને મુંબઈ લઈ આવું. એ જમાનામાં વિરમગામ રેલવેનું મોટું જંક્શન હતું. મુંબઈ આવવા જવા માટે ત્યાં ગાડી બદલવાની હોય. લગ્ન પછી અમે તરત જ છૂટા પડેલાં એટલે અમને વરઘોડિયાને સાથે રહેવાનું મળ્યું જ નહોતું. એટલે હવે સાથે રહેવાની તક મળશે, લગ્નજીવન માણવાની તક મળશે તેવી આશાએ હું તો હોંશે હોંશે વિરમગામ સ્ટેશને પહોંચી ગયો. કાકાને ત્યાં મળ્યો તો જોયું કે નલિની ઉપરાંત મારો એક નાનો ભાઈ પણ એમની સાથે હતો. મને એમ થયું કે એ અમસ્તો ગાડીમાં ફરવા આવ્યો હશે. કાકાનો વિચાર જુદો હતો. એમને તો એને મુંબઈ મોકલવો હતો. મેં એમને કહ્યું કે હજી મારું જ કાંઈ ઠેકાણું નથી, ત્યાં હું એને ક્યાં રાખું? સૅનેટોરિયમ તો માત્ર ત્રણ મહિના માટે છે. પછી મારે ક્યાં જવાનું છે તેની મને જ ખબર નથી ત્યાં હું એની જવાબદારી કેવી રીતે ઉપાડું?

મેં એને પાછો લઈ જવા કહ્યું. મને કહે કે તારું જે થશે એ એનું થશે પણ ભાઈસા’બ તું એને મહેરબાની કરીને મુંબઈ લઈ જા. એ નથી ભણતો કે નથી કાંઈ કામ કરતો. એનું મારે દેશમાં કરવું શું? અમારી આવી રકઝક વિરમગામના સ્ટેશન ઉપર ખુલ્લામાં ચાલતી હતી તેમાં કાકા એકાએક રડી પડ્યા! મેં જિંદગીમાં કાકાને પહેલી વાર રડતા જોયા. એમનું રડવાનું મારાથી જોવાયું નહીં. ભાઈ અને નલિનીને લઈ હું મુંબઈ આવ્યો. આજે વિચાર આવે છે કે એ સમયે કાકાની કેવી લાચારી હશે કે એ પોતાના બે જુવાનજોધ છોકરાઓ અને પુત્રવધૂ આગળ વિરમગામના પ્લૅટફૉર્મ ઉપર જાહેરમાં રોઈ પડ્યા! આ લખતાં મારી આંખો ભીની થાય છે. થાય છે કે અમે બધા ભાઈઓ તેમને માટે કેવા નકામા નીવડ્યા! એમને જ્યારે જરૂર પડી ત્યારે અમારામાંથી કોઈ પણ એમને કશી મદદ કરી ન શક્યા. એટલું જ નહિ પણ જે દૃષ્ટિએ દેશમાં લોકોની કિંમત થાય છે—કોણ કેટલા પૈસા બનાવે છે—તેમાં તો અમે બધા સાવ નિષ્ફળ નીવડ્યા. એટલે તો કાકાએ મોટી ઉંમરે મુંબઈ આવવું પડ્યું, અને નોકરી કરવી પડી.

હું અમેરિકા આવ્યો ત્યારે મારા શરૂઆતનાં વર્ષો વળી પાછા ભણવામાં ગયાં. પીએચ.ડી.નું લફરું શરૂ કરેલું એટલે અહીં પણ મારી આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. એમાં વળી નલિની દેશમાંથી આવી હતી અને અમારે ત્યાં પહેલો દીકરો જન્મ્યો હતો. અમેરિકામાં હજી ઠેકાણે પડું અને દેશમાં કંઈક આર્થિક મદદ કરી શકું એવી સ્થિતિ થઈ ત્યાં તો દેશમાંથી ખબર આવ્યા કે કાકા ગુજરી ગયા છે. દોડીને ગયો. એ જમાનામાં અમેરિકાના પ્લેન અડધી રાતે આવે. મારતી ટૅક્સીએ ઘરે ગયો. જઈને બાના ખોળામાં માથું મૂકીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો.

કાકાને હું ક્યારેય પણ કોઈ મદદ નથી કરી શક્યો તેનો મને જિંદગીભરનો વસવસો રહી ગયો છે. એમને અમેરિકા ન લાવી શક્યો કે ન કોઈ આર્થિક મદદ કરી શક્યો, એ બાબતનો મને ડંખ રહી ગયો છે. એ બિચારાએ આખી જિંદગી ઢસરડો જ કર્યો છે. મેં એમને ક્યારેય જિંદગી માણતા, હસતા, મજા કરતા જોયા જ નથી! આજે વિચારું છું કે એક વખતના એ આશાવાદી અને આશાસ્પદ યુવાનનું શું થયું? હજી બાકી રહી ગયું હોય તેમ કાકાની પરિસ્થિતિ વણસી. અમારું વાણિયા કુટુંબ, દલાલીનો ધંધો, અનાજની દુકાન, પણ ઘરનો ખર્ચ માંડ માંડ નીકળે. ગામના ધંધા પડી ભાંગ્યા હતા. છેવટે ધંધો બંધ કરી, ઘર સંકેલીને કાકાને મુંબઈ આવવું પડ્યું. મોટી ઉંમરે મુંબઈમાં આવી વળી પાછું એકડેએકથી બધું શરૂ કરવું પડ્યું. અમારા એક દૂરના સગાને ત્યાં એમણે ગુમાસ્તા તરીકેની નોકરી કરવા માંડી.

મોટી ઉંમરે મુંબઈનું કઠણાઈભર્યું જીવન શરૂ કરવું એ તો પાકા ઘડે કાંઠા ચડાવવાની વાત હતી. સવારના વહેલા ઊઠવાનું, જેવું તેવું લુસપુસ ખાઈને દોડીને દૂર બોરીવલીથી મુંબઈની ગાડી પકડવાની. બેસવાની જગ્યા ન મળે તો ઠેઠ મરીન લાઈન્સના સ્ટેશન સુધી એ ભીડમાં એકાદ કલાક ઊભા ઊભા જવાનું, ત્યાંથી વળી અડધો કલાક ચાલીને ભીંડીબજારમાં જવાનું. એ રાતના ઘરે પાછા આવે ત્યારે આઠેક વાગી ગયા હોય.

એ મુંબઈ આવ્યા ત્યારે એમની ઉંમર પાંસઠ હશે. એ ઉંમરે એમને મુંબઈના હડસેલા અને હડદોલા ખાતા ખાતા ગુમાસ્તાની નોકરી કરવી પડી ત્યારે એમની મનોદશા કેવી હશે? એમને તો એવી કલ્પના હતી કે હું મુંબઈમાં ધંધો કરતો હોઉં અને મારી ધીકતી કમાણી હોય તો મોટી ઉંમરે એમને રાહત રહે. એમની ઇચ્છા હતી કે હું જલદી જલદી પૈસા કમાવા માંડું અને ભાઈબહેનોની જવાબદારી ઉપાડી લઉં. પણ એ બાબતમાં હું સાવ નકામો નીવડ્યો, હું પોતે જ જો માંડ માંડ ગુમાસ્તાની નોકરી કરતો હોઉં ત્યાં હું એમને કેવી રીતે મદદ કરવાનો હતો? તેમને માટે લખેલાં બે સૉનેટ પિતૃઅંજલિ તરીકે મારા પ્રથમકાવ્યસંગ્રહમાં સમાવાયાં છે.19 તેમાં મારો આ વસવસો પ્રગટ થાય છે. મારું પ્રાયશ્ચિત્ત કરતા એક સૉનેટમાં. મેં કહ્યું છે કે તમને તો હું નકામો નીવડ્યો પણ એનો બદલો વાળવા હું તમારા પૌત્રનો સારો પિતા બનીશ. એ બાબતમાં પણ હું નિષ્ફળ નીવડ્યો તેની વાત તો આગળ ઉપર થશે.

આગળ જણાવ્યું એ મુજબ હાઈસ્કૂલની ફાઇનલ એક્ઝામ આપવા માટે મારે ભાવનગર જવું પડ્યું. પરીક્ષા આપીને જેવો પાછો આવ્યો કે તરત જ કાકાએ મને કહ્યું કે તારે મુંબઈ જવાનું છે. એ તો પરીક્ષાના પરિણામની રાહ જોવા તૈયાર ન હતા. પાસ કે નપાસ, મુંબઈ જઈને નોકરી કરવાની જ વાત હતી. બીજે જ અઠવાડિયે મને ટ્રેનમાં બેસાડ્યો વિરમગામ જંકશન જવા. સમજાવ્યું કે વિરમગામ જંક્શને ટ્રેન બદલવાની છે. ત્યાં મુંબઈ જવાની બ્રોડગેજની ટ્રેન પકડવાની. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને તને બનેવી લેવા આવશે. હું તો ગભરાતો ગભરાતો ટ્રેનમાં બેઠો. પહેલી જ વાર હું ટ્રેનમાં એકલો જતો હતો. મારી ઉંમર ત્યારે સત્તરની હશે.

માંડ માંડ વિરમગામ આવ્યું. કોકને પૂછ્યું કે મુંબઈ જવાની બ્રોડગેજની ટ્રેન ક્યાંથી પકડવાની? મને કહે મારી સાથે ચાલ. હું પણ મુંબઈ જાઉં છું. એ ભલા માણસે જોયું કે હું એકલો છું. મુંબઈની ગાડીમાં મને એની સાથે બેસાડ્યો. ચાનાસ્તો પણ કરાવ્યો. હું તો એટલો થાકેલો કે તરત સૂઈ ગયો. મુંબઈ આવ્યું ત્યાં સુધી સૂતેલો જ રહ્યો. એ માણસે મને જગાડ્યો. મને પૂછ્યું કે તને કોઈ લેવા આવવાનું છે? મેં હા પાડી. બનેવીને આ પહેલા એક જ વાર જોયા હતા. મને તો એમનો ચહેરો પણ યાદ ન હતો. પણ એમણે મને ગોતી કાઢ્યો. સ્ટેશનમાંથી બહાર નીકળી ટૅક્સી લીધી. બૉલીવુડની મૂવીઓમાં આ પીળી ટૅક્સીઓ જોયેલી ખરી, પણ હું હવે પહેલી વાર ટૅક્સીમાં બેઠો. અમે ઘરે આવ્યા.

License

એક અજાણ્યા ગાંધીની આત્મકથા Copyright © by નટવર ગાંધી. All Rights Reserved.