મરણ મીંઢું થઈને બેઠું છે. એનું મીંઢાપણું હું ખોતરી નાખવા મથું છું. પણ એ નિષ્પલક દૃષ્ટિ એવી ને એવી રહે છે. આ મીંઢાપણું એના રોષની નિશાની છે અને મારી અટકળ સાચી પડે છે. એકાએક એના રોષના ફુત્કારથી બધું ગાજી ઊઠે છે. મહાનગરના રસ્તાઓ એના તાપથી બેવડ વળી જાય છે. બારીઓ બળતા કાગળની જેમ ઊડી જાય છે. દીવાલો ચપ્પટ વળી જાય છે. માનવીઓ લીરાની જેમ ફેંકાય છે. વૃક્ષોનાં મૂળ ઊખડી જઈને હવામાં વીંઝાય છે. મને આશા બંધાય છે કે હું પણ રાખ થઈને ઊડી જઈશ. પવન મારો હાથ ઝાલશે, નદીનાં શીતળ જળને ખોળે બેસીશ, શીતળતામાં ઓગળી જઈશ. છૂટી જઈશ. પણ આ બધાં વચ્ચે મરણની મારા પરની પકડ એટલી જ દૃઢ છે. એના દાબ નીચે ચંપાઈને મારા શ્વાસ દયામણે મોઢે ચાલે છે. આ હોવાની ચેતના જ ભારે વજન બનીને મને વિખેરાઈ જતાં અટકાવે છે. આ હોવાનો આકાર કોણે આટલી માયાથી ઘડ્યો હશે? મરણ હાથ ફેરવી ફેરવીને એ માયાને ભૂંસી નાખવા ઇચ્છે છે. એ ભૂંસાતી નથી, હું ભૂંસાતો નથી, મરણ જીદ છોડતું નથી. ધીમે ધીમે મરણ શાન્ત પડે છે. રસ્તાઓ પાછા એને સ્થાને ગોઠવાઈ જાય છે, બારીઓ ફરી જાણે કશું બન્યું જ ન હોય તેમ પોતપોતાનાં સ્થાન સંભાળી લે છે. દીવાલો ઉકેલાઈને ઊભી થઈ જાય છે. પણ એ રસ્તાઓ પર કોઈ ફરકતું નથી. એ બારીમાંથી કોઈ ઝૂકીને જોતું નથી. એ દીવાલ વચ્ચેનાં બારણાં ખૂલતાં નથી. બધું જાણે કોઈ મન્ત્રોચ્ચારની રાહ જુએ છે. બધું સજીવન થઈ ઊઠવાની અણી પર છે. હું નિ:સ્તબ્ધ બનીને જોયા કરું છું. ત્યાં ક્યાંક પાસેની જ બારીમાંથી કોઈ ઝૂકીને જુએ છે. હું પૂછી ઊઠું છું: ‘કોણ, મૃણાલ?’