૧૪

હું દાઝું છું. બાળપણમાં પીળા ચટાપટાવાળા વાઘને જોતો ત્યારે એમ થતું કે ચટાપટા દાઝ્યાના ડામ છે. તેથી બળ્યોઝળ્યો વાઘ દોડે છે. ઘણી વાર વનમાં લાગેલો દવ જોયો છે. આખી ડુંગરમાળમાં અગ્નિને દોડતો જોયો છે. એવી જ દોડતી અગ્નિશિખારૂપે વાઘને જોયો છે. આજે હું પણ જાણે એવા અગ્નિશિખાના ચટાપટાવાળા વાઘની જેમ ફાળ ભરીને દોડવા ઇચ્છું છું. મારા પગ છલાંગ ભરવાને તત્પર બને છે. મારી આંખ તો પહેલેથી જ છલાંગ ભરીને કૂદી જાય છે. પણ ખંધું મરણ પેંતરો ભરીને બેઠું છે. એની ચાલ મને સમજાતી નથી.મારી રૂંધાયેલી ગતિ મને ભરડો લઈને બેઠી છે. કોઈ ઊંચા પર્વતના શિખર જેવો હું સ્થિર છું. પવન મારી સ્થિરતા સાથે ઉઝરડાય છે. આંખનો પલકારો સરખો થતો નથી. નીચે વૃક્ષો વચ્ચે કોઈક ફરતું હોય એવું લાગે છે. સૂકાં પાંદડાંનો પગ નીચે કચડાવાનો અવાજ સંભળાય છે. એકાદ રાની બિલાડો કે સસલું આ અવાજથી ભડકીને નાસી જાય છે. પણ મને પેલો અગ્નિ એની લપેટમાં લેતો જાય છે. આ અગ્નિ દઝાડે છે, બાળીને રાખ કરતો નથી. હું શીતળતા ઝંખતો નથી. પૂરો બળી જવા ઇચ્છું છું. પણ એ તો બનતું નથી. હું આ અગ્નિને દૂર દૂર ફંગોળી દેવા ઇચ્છું છું. પણ હું પોતે જ જાણે મુશ્કેટાટ બંધાઈ ગયો છું. ઘડીભર બધું અગ્નિમય થઈ જતું લાગે છે. એ સોનેરી અગ્નિ વચ્ચે મરણની લાલ અંગારા જેવી આંખો તગતગે છે, મારું લોહી તપાવેલા લોખંડ જેવું ધોળું થઈ ગયું છે. ઘડીભર તો એમ લાગે છે કે સમય આ ઉષ્ણતાથી બાષ્પ બનીને ઊડી જશે. પણ સમયની એક એક ક્ષણને કોઈ મારામાં હથોડાથી ટીપે છે. આ ટીપાવાનો અવાજ સાંભળું છું. એ અવાજ સાથે કશુંક છેદવાનો અવાજ ભળી જાય છે. કોઈ મારાં આ બંધન છેદી રહ્યું છે. છેલ્લો પાશ છેદાઈ જતાં હું ઉપકાર માનવા પાછળ વળીને પૂછું છું: ‘કોણ મૃણાલ?’

License

મરણોત્તર Copyright © by સુરેશ હ. જોશી. All Rights Reserved.