કવિતાનો પ્રચાર?*

ત્રણેક વરસ પહેલાં કલકત્તાના યુવાન કવિઓએ ઇડન ગાર્ડનમાં જઈને ‘કવિતા વાંચો’ની ઝુંબેશ ઉઠાવેલી. પ્રથમ દૃષ્ટિએ ઘણાંને કદાચ આ હાસ્યાસ્પદ લાગશે. કવિતાનો તે વળી પ્રચાર હોઈ શકે? પણ વાસ્તવમાં એ ઝુંબેશ કદાચ એટલી હાસ્યાસ્પદ નથી. કવિતા, કળા-મનુષ્યની સર્જનાત્મક પ્રવૃત્તિ, જીવનને જોવાની ને માણવાની જે દૃષ્ટિ આપે છે તેનું જો મહત્ત્વ સ્વીકારીએ તો સાહિત્ય અને કળાના વધુ ને વધુ આસ્વાદને માટેના આગ્રહને આપણે હાસ્યાસ્પદ નહીં લેખીએ. પ્રજાજીવનમાં જે જડતા ને નિરુત્સાહ વધતાં જાય છે તેની સામે જો આપણે જીવનને આશ્ચર્ય, ઉલ્લાસ અને ગમ્ભીરતાથી જોવાની આ દૃષ્ટિને નહીં મૂકીએ તો ધીમે ધીમે પ્રજાનું સંસ્કારજીવન હીન બનતું જશે. જેમની પાસે સાહિત્ય તથા કળાને માણવાની દૃષ્ટિ છે તેમનો વધુ ને વધુ ઉપયોગ સમાજે કરવો જોઈએ. સાહિત્યના અનુશીલનથી આપણી રસવૃત્તિ, અનુભવને ગ્રહણ કરવાની શક્તિ કેળવાશે. એ કારણે માનવ માનવ વચ્ચેના સમ્બન્ધમાં આજે વરતાતી તંગદિલી ઓછી થશે, ઉદાસીનતાને સ્થાને ઉત્સાહ આવશે.

કવિતાની ઉપયોગિતા સમજાવીને એની વકીલાત કરવાના દિવસો આવ્યા એ ખરે જ એક કરુણ ઘટના છે. દેશપરદેશના સાહિત્યકારો ને ચિન્તકો કવિતાના ભાવી વિશે ચિન્તાતુર થવા લાગ્યા છે: Encounterમાં ત્રણચાર મહિના પહેલાં Herbert Readએ અંગ્રેજી કવિતાના અર્વાચીન તબક્કાને the age of twittering machines કહીને ઓળખાવ્યો છે; Erich Hellerએ એમની પુસ્તિકા Hazard of Modern Poetryમાં કવિતાની હાલની અવસ્થાનું સૂક્ષ્મ દૃષ્ટિએ નિદાન કર્યું છે. C. Day Lewisએ એના વાષિર્ક વ્યાખ્યાન The Poet’s taskની અંદર પણ કવિતાની વર્તમાન અવસ્થામાં કવિનું કર્તવ્ય શું હોઈ શકે તેની ચર્ચા કરી છે. આજની માનવજાતિ મૃત્યુની અડોઅડ બેસીને જીવી રહી છે એમ કહીએ તો ચાલે. આખી માનવજાતિનાં જીવનમરણનો પ્રશ્ન ઊભો થયો હોય ત્યારે કવિતાના ભાવીની ચિન્તા કરવી એ વૃથા વાગ્વિલાસ પણ કદાચ લાગે. છતાં આ વિશે ગમ્ભીરતાથી વિચાર તો કરવો જોઈએ એમ લાગે છે.

હમણાં આપણે ત્યાં કવિતાનો ઠીક ઠીક ફાલ ઊતરે છે. અનિયતકાલિક ‘કવિતા’ના સાતમા મણકામાં અને ‘સંસ્કૃતિ’ના 101મા વિશેષાંકમાં નવીન કવિઓની ઠીક સંખ્યામાં કૃતિઓ પ્રકટ થઈ છે. એ જોતાં નવી કવિતા કયો માર્ગ લેશે એ વિશે થોડા વિચારો આવે છે.

જે અર્થમાં એલિયટ કે Dylan Thomasની કવિતા દુર્બોધ છે તે અર્થમાં આપણી ગુજરાતી કવિતા દુર્બોધ નથી. કહેવાતી ‘વિચારપ્રધાન’ કવિતા પણ ચેતનાની કોઈ નવી જ છટા – new mode of consciousness પ્રકટ કરતી નથી. હજુ આપણા કવિને પોતાના કથયિતવ્યને માટે નવી જ બાનીનું અનિવાર્યતયા નિર્માણ કરવું પડે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ હોય એમ લાગતું નથી. અનુભૂતિના કોઈક અગોચર ક્ષેત્રમાં પ્રવેશવાનું સાહસ કરીને એ સાહસની રોમાંચક કથા આલેખવાનું હજુ આપણા કવિને પ્રાપ્ત થયું નથી. આથી moribund symbolsથી એનું કામ ચાલી જાય છે. એક રીતે જોઈએ તો કવિતા ભાષાની નવી નવી શક્યતાઓને શોધીને પ્રકટ કરવાની પ્રવૃત્તિ છે. સાચા અર્થમાં જે કવિ છે તેની પ્રથમ સાધના પોતાના માટે અભિવ્યક્તિનું આગવું માધ્યમ પરમ્પરાપ્રાપ્ત ભાષામાંથી ઉપજાવી લેવાને માટેની હોય છે. કેવળ આ દૃષ્ટિએ પણ જો આપણે આજની કવિતાને તપાસીશું તો લાગશે કે આવા કોઈ પ્રયત્નની જરૂર આપણા કવિઓમાં બહુ ઓછાને લાગે છે. આનું મુખ્ય કારણ તો એ જ છે કે આપણા કવિએ અજ્ઞાત અગોચરને તાગવાનું સાહસ ખેડ્યું નથી. કવિતા પણ આખરે તો એક સાહસ છે. એક કાવ્ય સર્જતી વેળાએ કવિની ચેતનાના contours બધા બદલાઈ જાય છે. દરેક સર્જનને અન્તે કવિ પોતાને નવા જ સ્વરૂપે પામે છે. આ જ અર્થમાં રિલ્કેના સમર્થ અનુવાદક J.B. Leishman રિલ્કેને The perpetual beginner કહે છે. આ પરિવર્તનની અસર ભાવકના પર પણ થાય છે. વિચારપ્રધાન કવિતા પણ સમર્થ નીવડે છે તે એના તર્કબદ્ધ અર્થને કારણે નહીં, meaningને કારણે નહીં, પણ આખા કાવ્યમાં વ્યાપીને રહેલા substance – હાર્દથી. ઉપર જે અજ્ઞાત અગોચરની વાત કહી તેથી ભડકવાની જરૂર નથી. જે કાંઈ માધ્યમ દ્વારા અભિવ્યક્ત થયું નથી તે બધું જ અગોચર છે. જેને વ્યક્ત કરવાને માટે શબ્દોમાં નવી ગુંજાયશ ઉત્પન્ન કરવી પડે તેવા અગોચરની આ વાત છે. અનુભૂતિનું કોઈ નવું પરિમાણ, કોઈ નવું ફલક આપણી નવી કવિતા આપી શકતી નથી. નવીનતાનાં લક્ષણ રૂપ ગણાઈ ચૂકેલી કેટલીક વીગતોના તરફ જ વધુ ધ્યાન અપાતું લાગે છે. આપણો કવિ પોતાની અંગત ને આગવી શૈલી ખોઈ બેઠો છે. એની ભાવના માત્ર didactic bias બની રહે છે. એ હતાશાની વાત કરતો હોય છે ત્યારે પણ જાણે એલિયટની ‘The Waste Land’ની છાયામાં આરામથી આળોટતો હોય એવું લાગે છે. આમ એક બાજુ facile despair ને બીજી બાજુ સોંઘોસસ્તો, માગી આણેલો, કશાકના પડઘારૂપ ભાવનાવાદ – આ બે અન્તિમોની વચ્ચે આપણો કવિ વિહરી રહ્યો છે. એ સભાનપણે superficial contemporaneity લાવવાનો પ્રયત્ન પણ ઘણી વાર કરતો હોય છે. ઘણા નવીન કવિઓ છન્દનો આત્મા સમજ્યા વિના છન્દોની બેહૂદી તોડજોડ કરે છે, અનૌચિત્યપૂર્ણ પ્રાસના અત્યાચારથી કવિતાને વરવી બનાવે છે. અનિયતકાલિક ‘કવિતા’ના મણકાઓમાં આના પૂરતાં દૃષ્ટાન્તો મળી રહેશે. એક કવિએ દિલને ‘નાની નરઘી’ કહ્યું, એને પરિણામે પ્રિયાને-અથવા ઉપાલમ્ભના આલમ્બન રૂપ બનેલી કાવ્યમાંની નાયિકાને ‘પોલાં ઈંડાં મૂકતી મરઘી’ થવું પડે છે, જેને સેવવા માટે કાવ્યનો નાયક કચ્છો મારવા તૈયાર નથી! કાંઈક ચોંકાવે એવું કહેવાથી જ કાવ્યત્વ ટપકી પડતું નથી. પ્રાસથી દોરાતી કવિતા આમ ઘણી વાર અનૌચિત્યના સીમાડા સુધી પહોંચી જાય છે. આનું નિદાન Wladimir Weildeyએ એના ‘The Dilemmas of Arts’માં સરસ રીતે કર્યું છે. As soon as the intensity of personal creation becomes enfeebled, art plunges into banality of arbitrariness – two extremes which are equally hostile to it.’ નવીન કવિઓ હજુ પોતાના કથયિતવ્યને માટેના અનુકૂળ છન્દની શોધમાં છે, કારણ કે એની શોધમાં રહેવું એ એક ફેશન ગણાઈ ચૂકી છે. હમણાં હમણાં પરમ્પરિત હરિગીત, ઝૂલણા અને ગુલબંકીનો પ્રયોગ વિશેષ થતો લાગે છે. આ છન્દોએ કોઈ સમર્થ કવિને હાથે એમની વિશિષ્ટ શક્યતાઓને પ્રકટ કરી નથી. એથી ઊલટું, ગદ્યાળુતા, અનુચિત વિસ્તાર, તર્કના બુટ્ટાઓ, શબ્દરમત, calligraphic tricks, કૌંસનો ઉપયોગ કરી નવીનતા લાવવાનો પ્રયત્ન – આ બધું વધતું જતું હોય એમ લાગે છે. Compressed metaphors કે સ્મૃતિમાં વજ્રલેપની જેમ જડાઈ જાય તેવી કોઈ ભાવચ્છબિ આપણને મળતી નથી.

Keatsએ કવિતા વિશે એ અત્યન્ત સાદું છતાં મહાન સત્ય ઉચ્ચાર્યું છે: ‘That which is creative must create itself. પ્રકૃતિ જે રીતે જલબિન્દુ સરજે છે, ફળ સરજે છે તે રીતે કાવ્ય સરજાવું જોઈએ; છૂટા છૂટા ભાગોને ગોઠવીને આખું યન્ત્ર તૈયાર કરવામાં આવે છે, પણ ઉછીના કે પરંપરાગત અનુભવની આજુબાજુ ચાતુરીનું નકશીકામ કરવાથી કવિતાનું નિર્માણ થઈ શકતું નથી. એ અનુભવ પોતે કવિના માનસજીવનની એક અભૂતપૂર્વ ઘટના રૂપે આવવો જોઈએ. Construction અને creation વચ્ચેનો ભેદ કવિના મનમાં હંમેશાં સ્પષ્ટ રહેવો જોઈએ. જે વ્યાપારમાં કવિની સમસ્ત ચેતના ક્રિયાશીલ નથી થઈ ગઈ હોતી તે ભાવકોને પણ એનાં સમસ્ત સહિત આકર્ષી શકે નહીં. આથી participation of the total man એ સર્જનની એક અનિવાર્ય શરત છે. એમાં દિલચોરી સહેજેય પાલવે નહીં.

ને દુર્બોધતા! અનિયતકાલિક ‘કવિતા’ના સાતમા મણકામાં એક દુર્બોધ કાવ્ય નજરે ચઢ્યું. ઓરડામાંથી સામાનનો ખડકલો દૂર કરો. પછી પૂછજો કે પડઘો કેમ પડતો નથી – એવો એનો સાદોસીધો વાચ્યાર્થ સમજાય છે. પણ એથી કવિ શાનું સૂચન કરે છે, એ વાર્તાલાપનો સન્દર્ભ શો છે એ વિશે કશો જ પ્રકાશ પડતો નથી. એ કાવ્યની દુર્બોધતા અને Rilkeની

Rose, oh pure
contradiction, delight
of being nobody’s sleep
under so many lids.

આ પંક્તિઓની ‘દુર્બોધતા’ વચ્ચે આસમાનજમીનનો ફેર છે. રિલ્કેની પંક્તિઓ passive attentionને પરિણામે જે હાર્દને વ્યક્ત કરે છે તેને શબ્દગત નહીં કરી શકીએ તોય હૃદ્ગત તો જરૂર કરી શકીએ. સાચું કહીએ તો આપણી કવિતામાં દુર્બોધતાનો પ્રશ્ન ઊઠતો જ નથી. ઊંચા પ્રકારની કવિતામાં સૂક્ષ્મ, સહેલાઈથી અવગત ન કરી શકાય એવા, ચિન્તનને કારણે તો કોઈક વાર જેનાથી ટેવાયા હોઈએ તેનાથી જુદા જ પ્રકારનાં પ્રતીકો યોજવાને કારણે અથવા તો શબ્દોના પ્રચલિત સંકેતને સ્થાને કશાક અસાધારણ સંકેતને સંક્રાન્ત કરવાને કારણે દુર્બોધતા આવે છે. આ ત્રણેય કારણે આવતી દુર્બોધતા સહૃદયના કાવ્યાસ્વાદમાં અન્તરાયરૂપ નીવડતી નથી, કવિને અનિવાર્યતયા એ ત્રણે રીતિઓનો આશ્રય લેવો પડ્યો હોય એની જો આપણને પ્રતીતિ થાય તો પછી એ દુર્બોધતા માટે કવિને ભાંડવાની જરૂર નથી. પણ કવિ કશુંક અસાધારણ આપવાનો ડોળ કરવા જતાં જાણી કરીને દુર્બોધતા લાવે તો તે અસહ્ય જ નીવડે. કાવ્યમાંનું ચિન્તન જો કાવ્યના સમસ્ત પુદ્ગલમાં એકરસ થઈ ન જતું હોય, એમાં માત્ર thinkingનો જ પરિશ્રમ વરતાતો હોય, sensation of thinkingનો અનુભવ ન થતો હોય તો એવા કાવ્યની ચિન્તનગ્રસ્તતા પણ કાવ્યના આસ્વાદમાં વિઘ્નરૂપ બને છે. ગદ્યને બદલે પદ્ય વાપરતાં પહેલાં કવિએ વિચારવું જોઈએ કે પોતાનું કથયિતવ્ય વ્યક્ત કરવાની ગુંજાયશ ખરેખર ગદ્યમાં નથી? આપણી કવિતામાં ચિત્તના રસોદ્રેકના સ્પર્શ વિનાની, રેઢિયાળ ભાવપ્રતીકોનો આશ્રય લેનારી પદ્યદેહી નિબન્ધિકાઓ ઘણી મળી આવશે. કવિતામાં સંગીત તત્ત્વને ટાળવાના મરણિયા પ્રયત્નને કારણે કાવ્યને સહજ એવી કુમાશ તો આપણે ખોઈ જ, ને platitudes સિવાય કશું ચિન્તનને નામે આપી શક્યા નહીં. વિવેચન જે ફેશનને પ્રચારમાં લાવે તેને કીતિર્વાંચ્છુ કવિ અનુસરે ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે. કવિ પોતાની વ્યક્તિતાની મુદ્રાથી અંકિત આગવી અભિવ્યક્તિની ભંગી સિદ્ધ કરવાને બદલે આખરે વળગણ રૂપ નીવડનાર mannerism ઉપજાવે છે, ને એવી કવિતા જ્યારે ગ્રન્થસ્થ થાય છે ત્યારે એની આ મર્યાદા આંખ આગળ વધુ સ્પષ્ટ થઈ ઊઠે છે.

હજુ આપણે શબ્દચાતુરીમાં રાચનાર જોડકણાંઓને કાવ્ય ગણીને પુરસ્કારીએ છીએ એ ખરે જ આશ્ચર્યકારક વસ્તુસ્થિતિ છે. આ તથા કવિતાની બીજી મર્યાદાઓ આપણને કોઠે પડતી જાય છે એનું કારણ આપણે સભાનતાથી એક પ્રકારની ખોટી આત્મતુષ્ટિની લાગણી કેળવી રહ્યા છીએ તે છે. કાવ્યવિવેચન હાલને તબક્કે એની નિમ્નતમ કક્ષાએ પહોંચ્યું છે. વિવેચનમાં રંગદર્શી ભાષાપ્રયોગોના વધતા જતા મોહને કારણે વસ્તુસ્થિતિ પ્રત્યે આંખ આડા કાન કરવાની કુનેહ કેળવાતી જાય છે. જેનું પ્રદાન ઉલ્લેખનીય ગણાય એવા એક પણ કવિની કૃતિની સન્તોષ આપે એવી મીમાંસા નજરે ચઢતી નથી. આગલી પેઢી જે અભિપ્રાયો ગોખાવતી ગઈ તે જ અભિપ્રાયોના પર રંગદર્શી શબ્દપ્રયોગોનો લપેડો કરીને આપણે આજે આપણાં મન્તવ્યો ઉચ્ચારીએ છીએ. આને પરિણામે બ.ક. ઠાકોર જેવાની કવિતાનું સાચું મૂલ્યાંકન કરવાના સમયને આપણે દૂર ને દૂર હડસેલતા જઈએ છીએ. કાવ્યવિવેચનમાં કાવ્યના કાવ્યત્વને બદલે બીજી આનુષંગિક ને ગૌણ વીગતો તરફ ધ્યાન ખેંચીને મૂળ વસ્તુને ટાળવામાં આવતી હોય એવું પણ ઘણી વાર લાગે છે. ઉમાશંકર જોશીએ ગયા મે મહિનાના ‘સંસ્કૃતિ’માં તન્ત્રીનોંધમાં ‘1930થી 1955 એ પચીશીની કવિતાની બલકે એ પચીસીના સમગ્ર સાહિત્યની સમાલોચના કરવાનું કેમ કોઈને મન થતું નહિ હોય?’ એવો પ્રશ્ન કર્યો છે. સામાન્ય જનતા તો કવિતાથી વિમુખ ને ઉદાસીન થતી જ જાય છે, પણ અધિકારી વિદ્વાનો પણ કાવ્યવિવેચનને ટાળતા આવ્યા છે એ દુ:ખદ હકીકતનો હવે સ્વીકાર કર્યે જ છૂટકો! હવે ગુજરાતને પોતાની બે વિદ્યાપીઠો છે. એ વિદ્યાપીઠો ધારે તો પોતાના ઉપક્રમે આવા તલાવગાહી અભ્યાસને ઉત્તેજી શકે. પણ આને અંગેની equipment હજુ આપણી પાસે નથી. અન્ય પ્રાન્તોની સમકાલીન કવિતા, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન કવિતાનાં મુખ્ય મુખ્ય વલણો ને પરિબળોનો તુલનાત્મક અભ્યાસ, વિશ્વની શ્રેષ્ઠ કવિતાના અનુશીલનને પરિણામે કાવ્યની વિભાવનાનો આવતો સાચો ખ્યાલ – આ બધું એને અંગે જરૂરી છે. અભ્યાસક્રમમાં અર્વાચીન કવિતા એક ખૂણે સોડિયું વાળીને ઊભી રહે છે. પરપ્રાન્ત કે પરદેશની કવિતાનાં પરિશીલન કે અનુશીલનની તો વાત જ શી! વિદ્યાપીઠોમાંના સાહિત્યશિક્ષણનો પ્રશ્ન પણ હાલને તબક્કે ગમ્ભીર વિચારણા માગી લે છે. જો સાહિત્યના આસ્વાદ અને મૂલ્યબોધના પર પૂરતો ભાર નહીં મૂકીશું તો કેવળ સંશોધકો અને વ્યુત્પન્ન વિદ્વાનો જ બધે ઊભરાઈ ઊઠશે. રવીન્દ્રનાથે એક સ્થળે કમલવનવાસી ને વેત્રવનવાસી એવા બે વર્ગની વાત કહી છે. આજે વેત્રવનવાસી કરતાં કમલવનવાસીની વધુ જરૂર લાગે છે.

રખે કોઈ એમ માને કે આ એકાદ વાંકદેખાએ કવિતાને ઉતારી પાડવાનો કરેલો પ્રયત્ન છે. જ્યાં જ્યાં કવિપ્રતિભા નવો ઉન્મેષ પ્રકટ કરે છે. ત્યાં ત્યાં એને આદરથી લળીલળીને વધાવનાર, કવિતાના આસ્વાદને ને નિર્માણને પ્રજાના સંસ્કારજીવનમાં અત્યન્ત મહત્ત્વનું સ્થાન છે એમ માનનાર કવિતારસિકના હૃદયની આ ધા છે. નવી ગુજરાતી કવિતામાં ક્યાંય કશું આશાજનક દેખાતું નથી એમ કહેવાનો આશય નથી. Vernon Watkinsએ યીટ્સના મુખમાં મૂકેલી વેલ્શના નવ કવિઓ વિશેની ઉક્તિ અહીં વિચારવા જેવી છે:

‘The Young poets’, he murmured,
‘Toil too much. They lay
Something on their table,
And dissect and wear it away
Till nothing but the grit is left;
But all song is gay.’

પણ એ સ્વયંભૂ કાવ્યસ્રોતનો કલનાદ કેમ સંભળાતો નથી? ત્યારે માયકોવ્સ્કીનો આ એકરાર યાદ આવે છે:

I mastered myself
and trod
on the throat
of my very own song.

કવિતા પ્રત્યેની સામાન્ય જનતાની ઉદાસીનતાને માટે ઘણાં કારણો આપવામાં આવે છે. માત્ર કવિતા જ શા માટે, ઉચ્ચ સ્તરની કોઈ પણ સાંસ્કારિક પ્રવૃત્તિથી સામાન્ય જનતા દૂર ને દૂર સરતી જાય છે. જનતાની રુચિને જાગૃત ને સજીવ રાખનાર બળની આજે ખોટ વરતાય છે. સર્જકને જનતાની કોટિએ નીચે ઊતરી આવવાને કહેવું એ એને આત્મદ્રોહનું પાતક વહોરવાનું કહેવા બરાબર છે. જનતા અને સર્જકને સાંધતી કડીરૂપ નવો વર્ગ – સહૃદયોનો, રસિકોનો વર્ગ, કાવ્યાસ્વાદ પરત્વે ઉત્સાહી બને તો આજની આ અનિષ્ટ પરિસ્થિતિનો અન્ત આવે. કેવળ રેડિયોનાં કવિસંમેલનોથી એ કાર્ય સિદ્ધ નથી થઈ શકવાનું.

પરંતુ કાવ્ય પ્રત્યેની આ ઉદાસીનતા એ કેવળ આપણી જ સમસ્યા નથી. શિક્ષણનો જ્યાં વધુ પ્રસાર છે, જનતા જ્યાં ઉત્સાહપૂર્વક સંસ્કારજીવનમાં રસ લેતી હોય છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે. એનું કારણ શું? આત્મલક્ષી કવિતાનું પ્રમાણ કેમ વધતું જાય છે? કવિ અવચેતનાના ધૂંધળા લોકમાં દૃષ્ટિ વાળીને ત્યાંથી કેવળ એને જ ગમ્ય એવાં પ્રતીકો શોધીને શા માટે કાવ્યમાં પ્રયોજે છે? ભાષાના સામાન્ય પદવિન્યાસના પર કવિને કેમ આટલો બધો જુલમ ગુજારવો પડે છે? એલિયટને પણ કહેવું પડ્યું:

So here I am, in the middle way,
having had twenty years ડ્ઢ
Twenty years largely wasted,.
the years of l’entre deux guerres-
Trying to learn to use words,
and every attempt
Is a wholly new start,
and a different kind of failure
Because one has only learnt to
get the better of words
For the thing one no longer has to say,
of the way in which
One is no longer disposed to say it.
And so each venture
Is a new beginning,
a raid on the inarticulate
With shabby equipment always
deteriorating
In the general mess of
imprecision of feeling
Undisciplined squads of emotion……..

(East Coker)

ને ઉમાશંકરે પણ ‘કવિનો અનુભવ’માં હમણાં જ કહ્યું છે:

માનવહૃદયના અતલ અતિ ઊંડાણમાં –
લેવા મથે જે તાગ,
તે છંદ ખાલી હાથ આવી બ્હાર ડોલે
મણિ વિનાના નાગ!

‘(સંસ્કૃતિ’ મે, 1945)

વિજ્ઞાનના વિકાસ સાથે જીવનને જોવાની દૃષ્ટિમાં પરિવર્તન થતું ગયું. Empirical knowledge જ વિશ્વસનીય લેખાયું,ર્ મલીબૌપૈાઅના પર ભાર મુકાયો. આથી બુદ્ધિથી કાર્યકારણની શૃંખલા રૂપે ઇન્દ્રિયગોચર જગતની ઘટનાઓને જાણવી તે સાચું જ્ઞાન ગણાયું. એથી જુદા પ્રકારના, ભાવથી, સંવેદનાથી આત્મસાત્ કરાતા, જ્ઞાનની પ્રતિષ્ઠા ન થઈ. મનુષ્યની ઊમિર્ઓ, સંવેદનાઓ, ભાવનાઓ આથી જાણે કે જ્ઞાનના પ્રદેશમાંથી બહિષ્કૃત થયાં. આ પરિસ્થિતિનું તાદૃશ આલેખન કરતાં Erich Heller કહે છે: ‘The human affections are the only instruments of recognizing and responding to values. By treating the affections as the rascals in the school of reason, and as the peace-breakers in the truthbound community, Reason – the rationalist’s reason – has set up a kind which leaves the human affections as idle as do, by general consent, the ‘objective’ methods that lead to its discovery. The workshops in which our truths are manufactured are surrounded by swarms of unemployed affections. Unemployment leads to riots, and riots there were and are.’ જીવન પ્રત્યેની આ દૃષ્ટિને કારણે આપણો મૂલ્યબોધ પણ વિક્ષુબ્ધ થયો. સર્વસ્વીકૃત મૂલ્યોની સમાન ભૂમિકા ઉપર ઊભા રહીને કવિ પોતાનું વક્તવ્ય સમ્બોધી શકે એવી સ્થિતિ રહી નહીં. કવિતા વસ્તુઓને એના યાથાર્થ્યમાં ((true stature of thingsમાં) જોઈને એની સાચી મહત્તાને ગાય છે એમ કહેવાનો કશો અર્થ રહ્યો નહીં, કારણ કે એમાંના દરેક શબ્દને આપણે શંકાની નજરે જોતાં થયાં. આથી કોઈ મૂલ્યો વિશે મતૈક્ય રહ્યું નહીં. મૂલ્યોની જેના પર પ્રતિષ્ઠા કરી શકાય એવો કશો દૃઢ આધાર જ રહ્યો નહીં. આથી કાવ્યસિસૃક્ષાએ અંદરનો રસ્તો લીધો, એ અવચેતનામાં સરી ગઈ ને ત્યાં વ્યક્તિત્વના નેપથ્યમાં નિભૃતે એણે ‘a little cosmos of inwardness salvaged from the devaluation of world’ – માં જઈને આશ્રય લીધો, આ ‘discovery and colonisation of inwardness’ અર્વાચીન કવિતાનું એક પ્રધાન લક્ષણ છે. જે કોઈ સાચા અર્થમાં કવિ છે તેને આવું શરણું શોધવાની દુ:ખદ અનિવાર્યતા વરતાઈ છે.

શેલીએ કહ્યું છે તેમ આ વિશ્વમાં અદૃશ્ય રીતે રહેલા, એક વસ્તુને બીજી વસ્તુ સાથે સાંકળનારા, સમ્બન્ધતન્તુઓને અનુભવગોચર કરાવવા એ કવિનો ધર્મ છે. એ સમ્બન્ધ જો વિજ્ઞાનના નિયમોથી અવગત થઈ શકે એવા પ્રકારનો જ હોય તો કવિએ એ કાર્ય વિજ્ઞાનીને જ સોંપી દેવું જોઈએ. પણ વસ્તુઓની યથાર્થતા તે શૂન્ય અવકાશમાં અથડાતાં ફરતાં અણુપરમાણુઓનો શંભુમેળો માત્ર નથી. વિજ્ઞાન વિશ્વને જાણવાની એક પદ્ધતિ આપણને આપે છે, તો કાવ્ય, કળા દ્વારા ભાવથી વિશ્વને જાણવાની એટલી જ અગત્યની બીજી પદ્ધતિ આપણને મળે છે. બન્નેને પરસ્પરવિરોધી નહીં લેખતાં એકબીજાની પૂરક જ લેખવી જોઈએ.

કવિતા પરના ગદ્યના આક્રમણની પ્રથમ ઝાંખી હેગલને થઈ ચૂકી, આથી એણે કહેલું: ‘Art is and will remain a thing of the past, because the mode of prose has absorbed all the concepts of the mind and impressed them with its prosaic stamp.’ અને આથી એણે ભવિષ્યની કવિતાને ચેતવણી પણ આપેલી: ‘Poetry will have to take on the business of so thorough a recasting and remodelling of reality that, faced with the unyielding mass of the prosaic, it will find itself involved everywhere in manifold difficulties.’

વાસ્તવિકતાની આ ધરમૂળથી કરવી જોઈતી પુનર્ઘટના કવિ શી રીતે કરે? એને માટે એણે પ્રતીકો યોજવાં પડે, ભાષામાં નવી ગુંજાયશ ઊભી કરવી પડે, નહીં તો એ conceptual thinkingમાંથી કવિતાને ઉગારી શકે નહીં. પણ આજે પ્રતીકનિર્માણની પ્રક્રિયાને તપાસીશું તો લાગશે કે એ પ્રતીકો છૂટા છૂટા ખણ્ડો રૂપે કાવ્યમાં રહી જાય છે; એ કાવ્યમાં એકરસ થઈ શકતા નથી. વળી એ ઘણી વાર conceptual thinkingનું રૂપ ધારણ કરતા હોય એવું લાગે છે. આને કારણે કવિના ભાવજગત અને ભાવકના ભાવજગત વચ્ચેનો જે આત્મીયતા સાધી આપતો સેતુ બંધાવો જોઈએ તે બંધાતો નથી. જેણે સેતુ બનવું જોઈએ તે સમસ્યા બની રહે છે. આનું કારણ આપતાં Wladimir Weildeએ કહ્યું છે: કThe cord which binds it to the whole being of him who speaks it disappears; it ceases to be anything but the automatic reflections of certain operations of the intellect. These operations could be creative but the sign itself now no longer shares in the creative work. The complete neutralisation of the word will be the death of literary art.’

પ્રતીકનિર્માણની પ્રક્રિયાને તપાસતાં એક બીજી વસ્તુ પણ ઉપરના વિધાનમાંથી ફલિત થાય છે. પ્રતીક અને જેને માટે પ્રતીક યોજાયું હોય છે તે વસ્તુ – એ બેની વચ્ચેની કડી અત્યન્ત અસ્પષ્ટ થતી ગઈ, આથી પ્રતીક અને પદાર્થ symbol અને reality –નાં વિશ્વો જ જાણે કે જુદાં થઈ ગયાં. વિજ્ઞાને realityના પરનો એકચક્રી અધિકાર પ્રાપ્ત કર્યો, ને જઅસર્મન કાવ્યજગતમાં એકચક્રી બન્યાં. આને પરિણામે કવિની બાનીમાં જે સન્દિગ્ધતા આવી તે આજે કાવ્યના મૂળમાં સ્થિર થઈને રહી છે, કવિતાનું એ અનિવાર્ય લક્ષણ લગભગ બની ગઈ છે. આના કારણરૂપ પરિસ્થિતિ ટળશે નહીં ત્યાં સુધી આ સન્દિગ્ધતાને પણ દૂર કરી શકાશે નહીં. Erich Heller આ પરિસ્થિતિને આમ વર્ણવે છે: ‘As reality became more real, so the symbol became more symbolic and art more artistic. The artist ceased to be a humble craftsman, supplying goods for the common trade between heaven and earth. He set himself up as a dealer in very special specialities, with a heaven all to himself and an earth to look down upon.’ અને આને પરિણામે ‘Ambiguity and paradox are the manner of speaking when reality and symbol, man’s mind and his soul, are at cross-purposes.’

એરિસ્ટોટલે કવિતાને – કળાને imitative અનુકરણાત્મક કહી છે. પણ કવિતા માત્ર અનુકરણશીલ નથી, એ imitative હંમેશાં હોય છે, ને તે પણ ઊંડા અર્થમાં. આપણી સંવેદના કેવળ બાહ્ય જગતની છાપ ઝીલતી નથી, એ જેની છાપ ઝીલે છે તેના અન્તર્ગત ગૂઢ યાથાર્થ્યને એ હંમેશાં પ્રકટ કરે છે, ને એ રીતે અનુભૂતિના એક અનન્ત શક્યતાવાળા વિશ્વ તરફ એ અંગુલિનિર્દેશ કરે છે. કવિ પ્રત્યેક પળે એ અદ્યાપિપર્યન્ત અગોચર વિશ્વની સીમાને ભેદવાનું સાહસ કરતો હોય છે. જ્યારે પૃથક્જન અનુભવો ગ્રહણ કરવાની જે ઘરેડ પડી ગઈ હોય છે તેમાં કશું સાહસ ખેડ્યા વિના પોતાની જાતને મૂકી દે છે. જમાને જમાને અનુભવોને ઝીલવાની આવી ઘરેડના ઘાટ બદલાતા રહે છે, ને એને બદલવામાં કવિનો ઘણો મોટો ફાળો હોય છે. સંસ્કૃતિને આવી ઘરેડનો આધાર લેવો જ પડે છે, કારણ કે એનું ચણતર એવી કશીક સ્થિર ભૂમિના પર જ થઈ શકે છે. આથી સંસ્કૃતિને રૂઢિની જરૂર પડે છે, પણ કવિતાના પ્રાણ અગોચરને માટેના સાહસની આબોહવામાં જ લીલા કરી શકે છે. કવિ ઘણી વાર નવી અનુભૂતિઓ સરજી આપતો નથી, પણ ‘naturalized’ અનુભવને એ નવું ઊંડાણ, નવી વિશાળતા અર્પે છે. સંસ્કૃતિને કોઠે પડી ગયેલાં સંવેદનો ઝીલવાના જડ ઘાટની દૃઢ રેખાઓ જ્યારે ધીમે ધીમે ફરી શિથિલ થતી જાય છે, ત્યારે કાવ્યકળાના વિકાસનો એ સુવર્ણયુગ બની રહે છે. ત્યારે સીમાઓ ફરી વિસ્તરે છે, સાહસને માટે નવાં ક્ષેત્રો ખુલ્લાં થાય છે, આથી રિલ્કેએ કવિના કર્તવ્યની વાત કરતાં અણજાણ ગન્તવ્ય સ્થાને જવા નીકળેલા નાવિકોની સાથે કવિની સરખામણી કરી છે. સંસ્કૃતિ કાંઠાની દૃઢ ભૂમિ પર પોતાનું ચણતર ચણે છે. પણ કવિ દૂર દૂરના અજ્ઞાત ગન્તવ્ય સ્થાને જવાને હંમેશાં લંગર ઉપાડે છે. એ દૂરતાના આક્રમણથી એ કચડાઈ ન જાય તે માટે એ ગાવા માંડે છે, એના ગીતમાં આ પ્રકારની અનિવાર્યતા રહેલી છે. દૂરની દીપ્તિથી એ એની નિકટનાંને અજવાળે છે; ને ત્યારે નિકટની વસ્તુને પણ જાણે એક નવું અને સાચું પરિમાણ લાધે છે. આ પરિમાણ પ્રાપ્ત કર્યા વિનાની વસ્તુને એનું યાથાર્થ્ય લાધ્યું જ નથી હોતું અને આ વિશ્વની દરેક વસ્તુ કવિ પ્રત્યે મીટ માંડીને આતુરતાથી એ નવા પરિમાણને પ્રાપ્ત કરવાની આશાએ આતુર બનીને જોઈ રહી હોય છે. કવિની વૈખરીમાં એ વસ્તુ જ્યારે એ નવા પરિમાણ દ્વારા પુન: મૂર્ત થઈ ઊઠે છે ત્યારે જ એ વસ્તુનું અસ્તિત્વ પણ સાર્થકતાનો રોમાંચ અનુભવે છે:

These things that live on departure
Understand when you praise them:
fleeting, they look for
Rescue through something in us,
the most fleeting of all.
Want us to change them entirely,
within our invisible hearts,
Into – oh, endlessly – into ourselves !
whosoever we are.

આજે કવિ પોતાના કર્તવ્ય વિશે બહુ સ્પષ્ટ નથી, એનો ભાવકવર્ગ પરસ્પરવિરોધી એવા અનેક છિન્ન ખણ્ડોનો બનેલો છે. શામળની જેમ એ આજે મનોરંજક વાર્તા કહેવા બેસે તો ચિત્રપટોની મનોરંજન કરવાની શક્તિ સાથે એને હરીફાઈમાં ઊતરવું પડે. આથી મુગ્ધ થઈને સાંભળતા unsophisticated શ્રોતાજનોનો સમ્પર્ક એણે ખોયો છે, ને એની સાથે કથા કહેવાના ઉત્સાહ અને અભિનિવેશને પણ ખોયો છે. ઉપદેશક કે પ્રજાની સંસ્કારયાત્રાના નેતા તરીકે બોધવાનો અધિકાર પણ એની પાસે રહ્યો નથી, કારણ કે લોકો આજીવિકાના સંઘર્ષમાં પડેલા હોવાથી એવા કશા ઉપદેશ પ્રત્યે ઉદાસીન છે. C. Day Lewis એ આજના માનવ વિશે કહ્યું છે: ‘He is certainly a bewildered man, living as he does in a world where too many ideas and too many facts are chasing too little belief.’

મહાન કવિતાકળાના પ્રાદુર્ભાવને માટે જે અનિવાર્યતયા આવશ્યક હોય છે તેવું કશુંક આપણી દુનિયામાંથી એકાએક અલોપ થઈ ગયું લાગે છે. વિનાશનો ઓળો માનવજાતિ પર ઝળુંબી રહ્યો છે. એ સ્થિતિમાં એ કશા ચિરન્તનનો ખ્યાલ કરી શકે એમ નથી; પોતાના ભાવી વિશે જ શંકાશીલ હોવાને કારણે એ હૃદયની શ્રદ્ધાની શક્તિ ખોઈ બેઠો છે. મનુષ્યે ભાષાની સંક્રમણશક્તિ વધુ ને વધુ સિદ્ધ કરી છે, પણ દુ:ખની વાત એ છે કે ભાષા જ્યારે કાવ્યને લાયક બની છે ત્યારે જ કવિને પોતાનું કથયિતવ્ય હાથમાંથી સરી જતું લાગે છે. એ દૃઢ સ્વરે એને ઉચ્ચારી શકે એવું એની પાછળનું પ્રતીતિનું બળ જાણે ભાંગી પડ્યું લાગે છે.

ને તેથી જ તરંગો, તર્કના બુટ્ટાઓ, શબ્દચાતુરી વગેરેમાં રાચતી ક્ષણજીવી પદ્યકૃતિઓ કાવ્યનું સ્થાન લેવાની ધૃષ્ટતા કરી રહી છે. ઉચ્ચ કવિતાનો મર્મગ્રાહી વર્ગ સાહિત્યના ક્ષેત્રમાં ધીમે ધીમે પ્રચારમાં આવતાં ખોટાં મૂલ્યો પ્રત્યે જો ઉદાસીનતા સેવતો રહેશે તો સાચી કવિતાને અવતરવાની આબોહવા પણ લુપ્ત થઈ જશે. આપણા આ વિશીર્ણ ને છિન્ન ભિન્ન ખણ્ડોથી ભરેલા યુગમાં કશુંક અખણ્ડ કે અવિકલ સર્જવાનો મહાપુરુષાર્થ કવિએ આચરવાનો છે. એને વિરલ પ્રતિભાશક્તિની અપેક્ષા રહે છે. એવી કવિતા ન અવતરે ત્યાં સુધી નિમ્ન સ્તરની પદ્યકૃતિઓથી આપણી રસવૃત્તિને સંતુષ્ટ ન થવા દઈએ. ઉચ્ચ કવિતાની આતુર બનીને પ્રતીક્ષા કરતા રહીએ.

જુલાઈ, 1955

* કિંચિત્’ની પહેલી આવૃત્તિમાં જનાન્તિકે શીર્ષક હેઠળ કેટલાક નિબન્ધો મૂકવામાં આવ્યા હતા. પાછળથી કેટલાક નિબન્ધો સુરેશ જોષીએ ‘જનાન્તિકે’માં સમાવી લીધા હતા. અહીં આગળ કેટલાક ન સમાવેલા નિબન્ધો મૂકવામાં આવ્યા છે. – શિ.પં.

License

કિંચિત્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.