કાવ્યનો અનુવાદ

કાવ્યનો અનુવાદ થઈ શકે ખરો? કાવ્યનું ભાષાન્તર થઈ શકે? કેટલાક આ પ્રશ્નોના ઉત્તરમાં ચોખ્ખી ના પાડે છે. ‘અનુવાદ’ શબ્દ લઈએ તો એકે પોતાની ભાષામાં રચેલા કાવ્યમાં જે કહ્યું તેને બીજો પોતાની ભાષામાં કહી શકે ખરો? ‘ભાષાન્તર’ શબ્દ વાપરીએ તોય પ્રશ્ન થાય કે એક ભાષામાં લખાયેલા કાવ્યને બીજી ભાષામાં, યથાતથ, ઉતારી શકાય? કાવ્ય એટલે શું એની ચર્ચામાં આપણે નહિ ઊતરીએ. આપણે એક વાર સ્વીકારી લઈએ, ને તે એ કે કાવ્યમાં ભાષાનો વિશિષ્ટ રીતે પ્રયોગ થાય છે. માલાર્મે ને વાલેરીએ તો એટલે સુધી કહ્યું છે કે કાવ્ય એટલે જ ભાષાની નવી શક્તિનો આવિષ્કાર. ભાષાની આ વિશિષ્ટતા કવિ અનેક રીતે સિદ્ધ કરે છે. એના કોઈ નિયમો નથી. દરેક સાચા કવિને અક્ષુણ્ણ માર્ગે જ પગલી પાડવાની હોય છે. કાવ્યરચનાની ભાષાની પરમ્પરાગત બધી સિદ્ધિઓ આત્મસાત્ કરીને એ આગળ વધે છે. આમ, ભાષાનો ફેર કાવ્યમાં એક જુદી જ વસ્તુ બની જાય છે. કવિ નવા શબ્દો પ્રયોજતો નથી, પણ પોતાની ભાવાવસ્થાના પરિવેશમાં શબ્દોને જાણે કે નવેસરથી જીવતા કરે છે; એને માટે નવા સન્દર્ભોનું નિર્માણ કરે છે. વ્યાવહારિક પ્રયોજનને સિદ્ધ કરવાને યોજાતી અસન્દિગ્ધ ને નિશ્ચિત સંકેતવાળી ભાષા જે કર્તા, કર્મ ને ક્રિયાપદના અન્વયના ચોકઠામાં ગોઠવાઈ જાય છે, તે અન્વયનું ચોકઠું ને વિન્યાસ, કવિને ખપમાં આવતા નથી. કાવ્યની પંક્તિમાંનો અન્વય તે વ્યાકરણશાસિત નથી. એ કવિના ભાવજગતના અકળ નિયમોથી સિદ્ધ થતો હોય છે. શબ્દોની સહોપસ્થિતિ જ ત્યાં પૂરતી નથી, એની વચ્ચેની ખૂટતી કડીઓ, વિભક્તિના પ્રત્યયથી નહીં, પણ હૃદયના પ્રત્યયથી દરેક ભાવકે પોતે, કલ્પનાશીલ સમસંવેદનના બળથી કવિની ભાવસ્થિતિમાં મૂકીને, સાંધી દેવાની હોય છે. આમ છતાં, કવિએ જે કાવ્યમાં વ્યક્ત કરવા ધાર્યું હોય તે જ, તે ને તે રૂપે, કદી ભાવકના ચિત્તમાં સંક્રાન્ત થઈ શકતું નથી. કાવ્યનો સ્વભાવ જ એવો છે કે કવિ અને ભાવક વચ્ચે ભાવનું આવું સમીકરણ સિદ્ધ થઈ શકતું નથી, ને એમાં જ કાવ્યની સમૃદ્ધિ રહેલી છે. જે કાવ્યનાં મોંમાથું સહેલાઈથી હાથમાં આવી ગયાં એમ લાગે તેને વિશે સાશંક રહેવું જ હિતાવહ છે. પેલી ‘અરેબિયન નાઇટ્સ’વાળી શીશીમાં પૂરેલા જીનની વાત યાદ આવે છે? તેના જેવું જ કાંઈક અહીં બને છે. શીશીમાં જીન પુરાયો હોય ત્યાં સુધી તો તેને હાથમાં લઈ શકાય છે, પણ શીશીનો દાટો ખોલતાંની સાથે એ જે રૂપ ધારણ કરે છે તે જોતાં એને શીશીમાં શી રીતે પૂર્યો હશે એવો પ્રશ્ન થાય છે. ભાષાન્તરનું પણ એવું છે. એક ભાષાની શીશીમાંના અકબંધ કાવ્યને તમે દાટો ખોલીને બીજી ભાષામાં મૂકવા જાઓ ત્યાં એનું આવું જ વિરાટ રૂપ પ્રગટ થાય ને આપણને આશ્ચર્યમાં મૂકી દે.

કાવ્યના અનુવાદો ને ભાષાન્તરો તો થતાં આવ્યાં છે ને હવે પછીય થશે, પણ એ ભારે કપરું કામ છે. જેમ પૃથ્વીની આજુબાજુ વાયુમણ્ડળ છે, તેમ દરેક ભાષાની આજુબાજુ એને વાપરનારી પ્રજાના ભાવોચ્છ્વાસનું વાતાવરણ હોય છે. એ વાતાવરણથી એ ભાષાને અળગી કરો કે તરત એના પ્રાણ કરમાઈ જાય. કાવ્યના અનુવાદક કે ભાષાન્તરકારે કવિના ચિત્તના નેપથ્યમાં જે નિર્માણની પ્રક્રિયા ચાલતી હોય છે તેનું પૂરું પગેરું તો કાઢવું જ જોઈએ; પણ સાથે સાથે પોતાની ભાષાના વાતાવરણમાંથી નીકળી ને કાવ્યની મૂળ ભાષાના વાતાવરણમાં પોતાની જાતને મૂકવી જોઈએ. આટલું સિદ્ધ થયા પછી વળી પોતાની ભાષામાં એને સમાન્તર ભાવસ્થિતિની શોધ કરી, એના પરિવેશમાં મૂળ કાવ્યને અવતારવું જોઈએ. આમ, જુદી જુદી બે ભાષાના અલગ અલગ મિજાજને પારખીને કામ લેવાનું સવ્યસાચીપણું કાવ્યના અનુવાદકમાં હોવું જોઈએ. પણ એટલું બસ નથી. અનુવાદકે પોતે તો વાહક કે માધ્યમ બનવાનું છે. પોતાના વ્યક્તિત્વની મર્યાદા કે વિશિષ્ટતાને કારણે મૂળ કાવ્યનું વક્રીભવન ન થાય તે વિશે એણે સજાગ રહેવું જોઈએ.

નવલરામના ‘મેઘદૂત’ના ભાષાન્તર વિશે ગોવર્ધર્નરામે જે કહ્યું છે તે અહીં સંભારીએ: ‘સંસ્કૃત કપડાં કાઢી ગુજરાતી પહેરાવ્યાથી ભાષાન્તર થતું નથી, પણ કાલિદાસ પોતે ગુજરાતી હોત અને એમણે પોતે જ ‘મેઘદૂત’ ગુજરાતીમાં લખ્યું હોય તો કેવું લખત એનો વિચાર કરી તેવું જ કોઈ સફળ લખે તો તે જ ભાષાન્તરમાં અસલ ગ્રન્થની યોગ્યતા આવે અને એનું જ નામ ભાષાન્તર. જુદી વાણીમાં, જુદા દેશોમાં, જુદા કાળમાં, જુદા વ્યવહારમાં અને જુદા રંગોમાં ને પ્રસંગોમાં પડેલું મૂળ બિમ્બનું પ્રતિબિમ્બ સ્વભાવે એ જ હોવું જોઈએ. મુક્તિફોજવાળી મડમો ભગવાં લૂગડાં પહેરવાથી હિંદવાણી નથી થતી.’

આ એક આદર્શ છે. એઝરા પાઉંડની જેમ કેટલાક મુક્ત સર્જનાત્મક અનુવાદમાં પણ માને છે. અલબત્ત, એને ઊંચા પ્રકારની સર્જકપ્રતિભાની અપેક્ષા છે. એ મુક્ત અનુવાદ કેટલે અંશે મુક્ત હોવો ઘટે? એનો નિર્ણય તો અનુવાદકની રસજ્ઞતાને જ સોંપવો ઘટે.

છેલ્લે કાવ્યના અનુવાદમાં રહેલા એક ભયસ્થાનનો ઉલ્લેખ કરી લઈએ. મૂળ કાવ્યના ભાવપ્રસારને અનુસરતો લય અનુવાદકે પોતાની ભાષામાં જ પ્રગટાવવો જોઈએ. એને માટે પોતાની ભાષાની બધી જ ગુંજાયશનો એણે તાગ કાઢી લેવો જોઈએ. રવીન્દ્રનાથની સાંગીતિક રચનાને ભોજા ભગતના ચાબખાના ઢાળમાં ઉતારીએ તો આપણી પ્રજાને એ વધુ પરિચિત લાગે એવી માન્યતા ધરમૂળથી ખોટી છે. બંનેનું ભાવજગત જુદું છે. ભોજા ભગતના ઢાળ સાથેનો આપણો અધ્યાસપિણ્ડ જ જુદો છે. રવીન્દ્રનાથની ગીતાંજલિનાં કેટલાંક ગીતોનો પ્રચલિત ભજનોના ઢાળમાં આપણે ત્યાં અનુવાદ થયો છે તે ક્લેશ કરાવે છે.

સમશ્લોકી અનુવાદોની પણ કેટલીક મર્યાદા સ્પષ્ટ છે. એમાં કદાચ મૂળને વફાદાર રહેવાના સિદ્ધાન્ત પર વધુ ભાર મૂકવામાં આવે છે. પરીક્ષક એ અનુવાદ તપાસે તો એને એ કેવો લાગે તે વિચારવા કરતાં, સંસ્કૃતથી અનભિજ્ઞ પણ સહૃદયી રસિક એ અનુવાદ વાંચે તો એને એ કેટલે અંશે માણી શકે તેનો જ વિચાર કરવો જોઈએ. મહત્ત્વ કાવ્યત્વનું છે, યાન્ત્રિક વફાદારીનું નહિ. આનો જ્યાં ખ્યાલ નથી રહેતો ત્યાં એક નવા જ પ્રકારની બેઢંગી વર્ણસંકર ભાષાના ઉપદ્રવને અવતારવા જેવું બને.

કાવ્યના અનુવાદ આપણી ભાષામાં પ્રમાણમાં અત્યન્ત ઓછા છે. દરેક કવિએ શ્રેષ્ઠ કવિઓની કૃતિના ભાષાન્તરને, પોતાની કાવ્યસાધનાનું એક મહત્ત્વનું અંગ ગણવું જોઈએ.

License

કિંચિત્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.