"

શૂન્ય કરતાં તો… વિશે – ચંદ્રકાન્ત શેઠ

અમૃત `ઘાયલ’

શૂન્ય કરતાં તો…

કેમ ભૂલી ગયા? દટાયો છું.

ગુજરાતી ગઝલના વિકાસમાં એક મહત્ત્વનું નામ છે અમૃત `ઘાયલ’નું. ગુજરાતી કવિતા ગઝલિયતનો કેવો મિજાજ દાખલી શકે છે તેનું એક સુંદર ઉદાહરણ અમૃત `ઘાયલ’માંથી સાંપડે છે. સ્નેહ અને અધ્યાત્મના ઊંડા અનુભવો સાથે, સાંપ્રત દેશકાળ સાથેની નિસબત પણ એમની ગઝલ સ-રસ રીતે દાખવે છે. એમની ગઝલમાં પરંપરાનું અનુસંધાન અને તે સાથે જ પ્રયોગલક્ષિતા પણ જોવા મળે છે. પ્રસ્તુત કૃતિ તેમની ઘણી જાણીતી ગઝલોમાંની એક છે. આ ટૂંકી બહરની ગઝલમાં તેઓ પોતાના ઊંડા અસલી મૂળ-ફૂલની વાત એક સાચા કવિની હેસિયતથી કરે છે. એમાં તત્ત્વજ્ઞાન જરૂર છે, પણ તે કવિતામાં ઓગળીને પ્રગટ થયું છે અને તેથી જ તેની મર્મસ્પર્શિતા બરોબર અનુભવી શકાય છે.

ગઝલનો આરંભ થાય છે પ્રશ્નથી : `કેમ ભૂલી ગયા?’ જે ભવ્ય-રમ્ય ઇમારત નજર સામે આવે છે તેની સ્થિરતા, સંગીનતા ને સલામતી તો તેનો પાયો છે. માણસને ઇમારત નજરે ચડે છે, પણ જેના આધારે ઇમારત છે તે પાયો નજરે ચડતો નથી! ખરેકર તો પહેલાં પાયો નજરે ચડવો જોઈએ. મનુષ્ય બહારથી ભલે આકર્ષક અને અદ્ભુત દેખાતો હોય, પણ એની બાહ્ય રોનકના મૂળમાં છે એની અસલિયત એનું આત્મતત્ત્વ-ચેતનતત્ત્વ એ જ એનું રહસ્ય છે. એના ઓળખ્યે જ બધું ઓળખાય; એના પામ્યે જ બધું પમાય.

મનુષ્ય એની જ્ઞાન-વિજ્ઞાનની અવિરત યાત્રામાં આઝલગીમાં ઘણું ઘણું પામ્યો છે; આજ લગીમાં એણે એની બૌદ્ધિકતાનો-સંપ્રજ્ઞતાનો ઘણો વિકાસ સાધ્યો છે અને તેમ છતાં આજની ઘડીએ પણ તે પોતાને પૂરેપૂરો ઓળખી શક્યાનો કે પામી ગયાનો દાવો કરી શકે તેમ નથી. આજેય એ પોતાને પોતા વિશેનું પૂર્ણ જ્ઞાન મળ્યાનું કહી શકે એવી સ્થિતિમાં નથી. એનું પોતાનું પોતા વિશેનું સત્ય જ્ઞાન તો આટલું જ છે : `હું હજુ અર્ધોપર્ધો જ મને મને ઓળખાયો છું.’ આમ હોઈને મનુષ્યે પોતે પોતાને પામવાનો પુરુષાર્થ સતત આગળ ચલાવવાનો રહેછે. પંડને પૂરેપૂરું નહીં પમાય તો બ્રહ્માંડને કેમ પૂરેપૂરું પામી શકાશે? આ બ્રહ્માંડના સરજનહારને તો પૂરણયતા પામવાનો પ્રશ્ન છે જ!

હાડે જે કવિ હોય – શાયર હોય એ તેના સ્વયંસ્ફૂર્તજ્ઞાનથી – એની પોતાની કોઠાસૂઝથી એટલું તો પામી જ જાય છે કે જે તત્ત્વ પોતામાં છે તે જ રીતેની આસપાસ સર્વત્ર છે. પોતે ઇચ્છા કરે કે ન કરે; સર્વત્ર પોતાનો જ છાયો સહજતયા તે અનુભવે છે. એ મૂળભૂત રીતે જ સર્વમાં છે. જે સર્વમાં છે તે પોતામાં છે ને તે પોતામાં છે તે સર્વત્ર છે. `आत्मवत् सर्वभूतेषु’ની સાહજિક પ્રતીતિ તેને છે. ખરેખર તો તે જ તેનો મર્મભેદક-ખરેખરો-સાચુકલો અનુભવ છે. તત્ત્વજ્ઞ કવિનું ખરું `ઘાયલપણું’ એવા અનુભવમાં જ નિહિત છે. એ અનુભવે કરીને જ પોતાને અને સર્વને તે `आश्चर्यवत्’ જોઈ અનુભવી શકે છે.

એવો અનુભવ `एकोऽहम् बहुस्याम’નો સાક્ષાત્કાર કરાવનારો નીવડે છે. જે બિંદુમાં છે તે સિંધુમાં હોવાનું સમજાય છે; જે ગાગરમાં છે તે જ સાગરમાં હોવાનું જણાય છે; અને તેના કારણે હું સર્વ સાથે મૂળભૂતરીતે સંકલિત હોવાનું, હું અને સર્વમાં મૂળભૂત રીતે એક જ પરમ ચેતનાનો સંચાર-સ્પંદ ને ઉછાળ હોવાનું લહાય છે. આવી અંતરતમ ઉપલબ્ધિમાં જ આત્મસાક્ષાત્કારનું મૂળ અને એનો મર્મ રહેલાં છે. પરમાત્મ સાક્ષાત્કારનો પાયો પણ આવી એકાકારતાની ઊંડી વ્યાપક અનુભૂતિમાં રહેલો છે. કવિ અમૃત `ઘાયલ’ આ મર્મ કેવી સરળતાથી અહીં ઉદ્ઘાતિટ કરી આપે છે! એમની અભિવ્યક્તિની સરળતા ગહનતાના ભાવમર્મે ઘણી વેધકતા-સચોટતા દાખવે છે.

કવિની રગોમાં જે તત્ત્વ છે તે તો અનાદિ-અનંત રહે-ટકે એવું છે. યાવચ્ચંદ્રદિવાકરૌ એ તો રહેવાનું છે. સૂર્યની સંતપ્તતા ને ચંદ્રની શીતળતા, સૂર્યની જીવનદાયી શક્તિમત્તા ને ચંદ્રની અમૃતમયતા – આ સર્વનો સાતત્યપૂર્ણ અનુભવ કરતાં જીવનનો પ્રવાહ અનવરત ચાલવાનો છે. એમાં અનુકૂળ-પ્રતિકૂળ ભાવસંવેદનોના ગાળાયે આવવાના. જીવનમાં બ્રાહ્મણના જનોઈવઢ ઘાથી આકરા ને ગુપ્ત ઘા પણ વેઠવા મળવાના. ક્યારેક પોતે જ પોતાને નડતરરૂપ કે બંધનરૂપ થતા હોવાનું વેદનાકર ભાન પણ થવાનું. પોતાના જ અહંકારનો સર્પ પોતાની ફરતે ભરડો લઈને પીડે એવું બનવાનું ને ત્યારે મનને સારી નાખે એવા પાયાના પ્રશ્નો પણ ઊઠવાના? જેમ શંકરાચાર્યે પૂછેલું, `का ते कान्ता? कस्ते पुत्रः?’ તે મનુષ્યને પણ જાતને પ્રશ્નો કરવાના થવાના. અહીં કોણ કોનું છે? હુંય ખરેખર મારો નથી તો કોનો છું? અને એવા પ્રશ્નોના ઉત્તર ખોજવા જતાં જ પ્રતીતિ થવાની કે `હું’ ને `મમત્વ’ના ખ્યાલોય પાયા વિનાના છે! જેને `મારું’ ગણીએ છીએ એ મારું નથી. એક તબક્કે તો મનુષ્યને એમ પણ લાગશે કે એ પોતે પોતાનો નથી, પરાયો છે! અહીં જે કંઈ છે તેના અધિષ્ઠાતા આપણે નથી, આપણી અંદર અને આપણીયે બહાર-પાર જે છે તે છે. એ જ્ઞાન થતાં, જ્ઞાનનો એ દીવો પંડમાં પ્રજ્વલિત થતાં જ પોતાની અસલિયતનું જ્ઞાન મનુષ્યને થશે; પોતાની ભૂલો ને ભ્રમણાઓનો, પોતાની અટવામણો ને ભટકામણોનો ખરો ખ્યાલ મનુષ્યને આવશે ને ત્યારે તે પસ્તાવાની કે પ્રાયશ્ચિત્તની, એકરાર ને સ્વીકારની ભૂમિકામાં પણ મુકાશે. ત્યારે એ કબૂલશે કે `સત્યના પંથે ખોટી વાતોથી દોરવાયો છું!’ સત્યના માર્ગે હોવા છતાં, ખોટી વાતોથી આમ આડા ફંટાવાનું થાય એમાં હાનિ તો પોતાની જ ને? જ્યાં પોતે અજ્ઞાન-ભ્રમે ભારે થઈને રહે ત્યારે તેને કોણ બચાવે, કોણ ઊગારે અને ઉદ્ધારે? છેવટે તો જીવનમાં અથડાતાં-કુટાતાં મનુષ્યે પોતે જ પોતાના પુરુષાર્થની પોતાના ઉદ્ધારક થવાનું રહે છે. એકવાર ખોટું કર્યાનું ભાન થાય, રસ્તો ભૂલ્યાનું જ્ઞાન થાય તો પછી તેનાથી છૂટીને સાચી રીતે આગળ વધવાનો-વિકસવાનો અધ્યાત્મમાર્ગ ખુલ્લો-સ્પષ્ટ થઈ જાય છે અને દિશામાં અસ્ખલિત રીતે આગળ વધવાનાં પ્રેરણા-બળ પણ પોતાનામાંથી જ સાંપડી રહે છે. પોતાનો અહમ્ ગળી-ગળી જતાં, આ સમસ્ત વિશ્વમંડળમાં પોતે તો એક શૂન્યના બિંદુથી વધારે કશું નથી એનું વાસ્તવિક ભાન થતાં જ પોતાની હસ્તીની, હેસિયતનો ખરેખરો અંદાજ આવતાં જ, મનુષ્યના પોતાને ઓળખવાનો સાચી દિશાનો ઉપક્રમ બરોબર ચાલતો થાય છે અને ત્યારે જ પોતે શૂન્ય છતાં સભર હોવાની, પોતે નગણ્ય છતાં, જેમ પિતાથી પુત્ર સવાયો હોય તેમ પોતેય પરમ ચેતનાના કૃપાબળે સવાયો હોવાનો સત્ત્વોલ્લાસ અનુભવે છે. આવા અનુભવમાં આત્મગૌરવનો પ્રસાદ હોય છે, પરમાત્મભાવની પ્રસન્નતાનો પ્રકાશ હોય છે.

આમ, આ ગઝલમાં અમૃત `ઘાયલે’ પોતાની `અ-મૃત’મયતાનું અને પોતાની રામબાણે જે `ઘાયલ’તા સિદ્ધ થઈ છે તેનું એકાત્મભાવે જે બયાન આપ્યું છે તે મનોવેધક છે. તેમાં ખમીર ને ખુમારી બંનેયનો અનુભવ થાય છે. શાયરના મિજાજમાંથી આત્મશ્રદ્ધાનો રણકો પણ સંભળાતો રહે છે. શૂન્ય થવાની પ્રક્રિયામાં મુકાતાં જ સભર થવાની પ્રક્રિયાએ ચાલતી થાય છે અને તેના જુવાળ-જોમે `હું-છું’નું જે આધ્યાત્મિક ઉન્નયન સધાય છે તે અહીં પરમ આસ્વાદ્ય બને છે.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)