મધરો મધરો કાવ્ય વિશે – રમણીક અગ્રાવત

‘ચન્દ્ર’ પરમાર

મધરો મધરો

મધરો મધરો પાયો કલાલણ!

કોઈ ક્ષણ એવી આવે છે, ત્યારે લાગે કે આપણે આપણામાં નથી. રોજની ધરતી પર ચાલવાનું થતું હોય ત્યાંથી ઊંચકાઈને પગલાં આમ ક્યાંક અધ્ધર મંડાતા હોય. માથું આસમાન વીંધીને કોઈ અજાયબ મલકમાં ડોકું કાઢી આવતું હોય એવું લાગે. એ ક્ષણનો વિસ્ફોટ થયો હોય છે એનાં એ જ આપણાં નાનકડા શરીરમાં. કોઈ પેય પદાર્થનો નશો એ તો નિમિત્ત હોય છે. મધરો એટલે આનંદદાયક. દારૂ ગાળવા વેચવાનો જેને વ્યવસાય હોત તે કલાલ, એની કલાલણ એટલે એવો વ્યવસાય કરનારની સ્ત્રી કે આવો વ્યવસાય કરનારી સ્ત્રી. આ ચાવીથી ઉપાડની પંક્તિનું તાળું ખૂલ્યું કે વીત પતી-નહીં, વાત જામી. શરીરની સીમાઓની આસપાસ કોઈ અજાયબ ગોફમાં ગૂંથાતાં જઈએ આપણી જાણબહાર! અતિ આનંદ કે તીવ્ર વિષાદ પણ આવું પરિણામે લાવી શકે. એ સમયના આપણાં ઉદ્ગારો એવા હોય કે પછીથી સાંભળીએ તો ખુદને જ નવાઈ લાગે. ભલે આવું કશું જ બોલ્યા ન હોઈએ ને માત્ર એ કશીક આંતરિક અનુભવ પૂરતી જ વાત હોય તેમ પણ બને. પરંતુ એની મધરી મધરી-આનંદદાયક પળો આપણામાં જ વીતી હોય છે એ નક્કી. નહીં તો એમ અમથું કોઈ ઊછળી પડે!

શ્રી ‘ચન્દ્ર’ પરમારની આ કૃતિમાં એવા જ કોઈ આનંદજનિત ઉદ્ગાર ઊછળી પડ્યા છે. ઓ કલાલણ આ તેં શું પાઈ દીધું? દૂંટીના મૂળમાંથી પરપોટાની બડબડાટી બોલવા માડે ને આમ સડડડ…ડ કરતાં ત્રણ હજાર ત્રણસેં ને ત્રાણું લાખ રૂંવાડાં અવળાં ફરી જાય! હું કોણ? આ અધધધધ તાયફાનો અફલાતૂન ધણી! હું સમાઉ એવી દુનિયા જ ક્યાં છે? હું સમાઉ એવું આકાશ જ ક્યાં છે? દેન છે કોઈ આકાશની કે મને સંઘરી શકે? મૂછે બાઝેલાં ટીપાં અવલે હાથે આ…મ લૂછીને ઝાટકતાં યાદ આવી જાય ઓલ્યા કામણગારા નેણના કટોરા, જે એક હડસેલે આ આમ ક્યાંના ક્યાં ફંગોળી દે છે. ગજબ કર્યો તેં કલાલણ, કાંઈ નૈ ને આ આખું આભલું આંજી દીધું? મારી આંખ્યે? એના ખુમારમાં તો મારી હાલ્ય જ સમૂળી બદલાઈ ગઈ. આમ પગ ચંપાઈ રહેશે કે શું? આજ આ વ્રેમાંડ માથે અમને કોઈ રોકે એમ નથી, અમને કોઈ ટોકે એમ નથી. એક, બે ને ત્રણ પગલે તો પાતાળ, પૃથ્વી ને સ્વર્ગલોક વીંધીને બોલ હેં — બોલ, બોલ, કલાલણ હવે પગ ક્યાં મૂકું?

આ…મ કરતાંક હાથ વીંઝ્યો ત્યાં તો સીધો સૂરજને માથે જઈને અડ્યો! તારી ભલી થાય સૂરજમા’રાજ… સૂરજમાં હાથ બોળીને ઈ ઝળેળાટ તેજથી મોં ધોઈ લીધું! અને જ્યાં આમ નજર કરી તો સામે જ આકાશમાં લટકતો ચન્દ્રમા! ચાંદાના આયનામાં મોં જોતાં તો જોવાઈ ગયું. પણ બત્રીસે કોઠે દીવા ઝગી ગ્યા હોં. કેવાં રૂપ? રૂંવે રૂંવે લટકે એકેકું તારા. આ રગેરગમાં છલકતો રંગ છે ઈ તો મેઘાડંબર જ, બીજું કાંઈ નૈ. આ ગડગડાટી દેતાં મેઘમંડળની માંહ્ય ફડાકા દ્યે એક છપ્પનગજની ધજા! આ ધજાની જેમ વીંઝાતો હું આકાશ માથે હડિયું કાઢું છું, ઘડીમાં આમ, ઘડીમાં તેમ —

‘રાખ્ય, રાખ્ય.’

હું, આ-કોણ, કોણ?

‘કોણ તે વળી કોણ.’ અને એક મીઠા હાસ્યનો છણકો. સઘળા ઉત્પાતોને ઠારી દે એવો લીલીછમ છણકો. એની શીળો રણકાર બધા જ ઉદ્વેગોને શમાવી દે.

‘આવડું આકાશ ભલે તને પાછું પડે, તું મારી બાંધણીની ગાંઠે બંધાયો છે—’ આ રૂંવે રૂંવે ઊતરતાં બોલ ભેળો જ સોય ઝાટકીને ભૂમિ પર આવી જાઉં છું અને કોઈ નીંગઢ ગાંઠે જાણે સડપ દઈને બંધાઈ જાઉં છું. નશાના મદહોશ કરતાં પવનમાં તો ઊડી ઊડીને કેટલું ઊડી શકાય? અંતે તો નરવી અને નક્કર જમીન પર પગ ટેકવ્યા વિના આરોવારો નથી. બધાં જ પંખીઓ અંતે જમીન પર આવે છે. નિર્વ્યાજ સ્નેહની ભૂમિ હંમેશા આવકારવા માટે તૈયાર જ હોય છે, બસ એને ખોળે માથું મૂકવું પડે. ભલભલું તોફાન અંતે તો શમી જ રહે છે, તે પછી પવનમાં નમી ગયેલા છોડ, પાછાં ટટ્ટાર થઈ ઝૂમવા માંડે છે. એની હેઠળ થોડી ભીની, થોડી હૂંફાળી ભૂમિનો સધિયારો હાજર જ હોય છે. આકાશે જે ન સમાય એ બાંધણીના છેડે સમાય!

(સંગત)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book