‘ભજન કરે તે જીતે’ – જગદીશ જોષી

મન નો ડગે

ગંગાસતી

મેરુ રે ડગે જેનાં મન નો ડગે

ભજનસાહિત્યે આપણા સાહિત્યમાં પ્રાણવાયુ પૂર્યો છે એ તો છે જ, પરંતુ મહદ્ અંશે અભણ એવી આપણી પ્રજાનાં ખમીર અને ચેતનામાં શ્રદ્ધાનું – કહો કે જીવવાના કીમિયાનું – ભારોભાર સિંચન કર્યું છે. ભજનોમાં ભાવભીની ભક્તિને કારણે કોઠાસૂઝથી લય પ્રવેશે છે અને લયને કારણે કામણગારું વહન પ્રવેશે છે. છતાં જે ભજન તત્ત્વજ્ઞાનથી અનુપ્રાણિત હોય એ એની સઘનતાને લીધે ચિરંજીવ આકર્ષી રહે છે. આવાં ભજનો આપણે ત્યાં પૂરતા પ્રમાણમાં મળી આવે.

ભજન એ તો ભક્તિનું મુખરિત સ્વરૂપ છે. ભક્તિનો ભાવ મનમાં દૃઢ થાય એવી મનની સ્થિતિ હોવી જોઈએ. આમ તો, મન એ જ ખરો માણસ છે ને! માણસની કૃતિ-વિકૃતિનો ખરો આધાર તો મન જ. આપણા તાત્ત્વિકોએ મનને ‘માંકડું’ કહ્યું છે કારણ કે માણસનું મન ભીરુ પણ છે ને ભેરુ પણ છે, દુશ્મન પણ છે અને રક્ષક પણ છે, ચંચળ પણ છે અને અવિચળ પણ છે. એટલે જ તો ઉપનિષદ કહે છે:

मन: एव मनुष्याणां कारणं बंधमोक्षयोः।

ભક્તિનો વ્યાપાર અને વ્યવહાર જ એવો છે કે એ કૂટસ્થ મન જ એમાં પ્રવેશી શકે; અને એક વાર પ્રવેશ્યા પછી એ જ શક્તિ મનને કૂટસ્થ રાખવામાં મદદરૂપ થાય. ‘પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જો ને’ એવી જેની તૈયારી હોય એ જ માર્ગે આ આગળ વધી શકે. મકરન્દ દવેના શબ્દોમાં તો

વજન કરે તે હારે મનવા
             ભજન કરે તે જીતે!

પ્રસ્તુત ભજનમાં સાચો વૈષ્ણવજન કોણ તેનું પ્રમાણ અપાયું છે. નરસિંહ મહેતાના આવા જ એક ભજનમાં એક અદ્ભુત પંક્તિ છે: ‘સકળ તીરથ જેના તનમાં રે.’ તન તીર્થધામ ત્યારે જ થાય જ્યારે મન અવિચળ બને. એ રાગદ્વેષથી પર બને. આ ભજનમાં પણ આ સ્ત્રી-ભક્ત-કવિ પોતાની આગવી હૈયાસૂઝથી કેવું સુંદર ઉદાહરણ આપે છે? – ‘હરખ ને શોકની ના’વે જેને હેડકી.’

હેડકી ઝીણી ને ક્ષણજીવી; પણ બેચેન કેવાં કરી મૂકે! હરિનાં જનને તો જય-પરાજયમાં કે હરખ-શોકમાં ઝીણી હેડકી સરખી પણ ન આવે. હરખ-શોકની હેડકીની વાત સ્પર્શી જાય એ રીતે અહીં મુકાઈ છે.

મેરુ પર્વત ડગે તોય મન ‘નો’ ડગે. (આ ‘નો’ અને બીજી પંક્તિમાં ‘મર’ (ભલેના અર્થમાં–સૌરાષ્ટ્રની લોકબોલીને કેવી છતી કરી દે છે!) જે સુખમાં ફૂલીને ફાળકો ન થાય એ જ તો વિપદમાં વણસી ન જાય. જે ‘અંતરનાં માન’, અહમ્‌ને ત્યજી શકે એ મન જ સત્‌ગુરુવચનોમાં શ્રદ્ધા મૂકી શકે. જગત પોતે આપણા અસત્‌ગુરુનો ભાગ ભજવે છે. તેમાંથી આપણે એકાદો વિરલ સતગુરુ શોધી લેવાનો છે. ગંગાસતી બીજા એક ભજનમાં કહે છે તેમ ‘સગરા હોય તે ભરભર પીએ, નગરા રહે પિયાસા જી.’ આમ, ઓસરે નહીં એવો ‘આઠેય પો’રનો આનંદ’ તો તેને જ મળે જે ગુરુચરનકી પાસ બેસી શકે. જેણે પોતાનું ચેતન મન કોઈ વિરલ સતગુરુને સોંપ્યું છે એને સંકલ્પ-વિકલ્પની દ્વિધા પીડતી નથી. અને જેવી આ દ્વિધા ટળી કે ‘માયા કેરો ફંદ’ એને શું કરવાનો? ‘ભક્તિ કરો અને વચનોમાં વિશ્વાસ રાખજો’ એવી શીખ આપીને ભજન પૂરું થાય છે.

ગંગાસતી પોતે અભણ. ગામડામાં એમનું જીવન. ભીતરી સાક્ષાત્કારથી સમૃદ્ધ એવી એમની ચેતના – કોઠાસૂઝથી આવાં – નાનકડી ગીતા જેવાં – ભજનો આપણને આપે છે. પોતાની પુત્રવધૂને સંબોધીને રચાયેલાં આ ભજનો આ કવયિત્રીની ઉદાત્ત ચેતનાની તો સાખ પૂરે જ છે; પરંતુ આ પૂત્રવધૂ ‘પાનબાઈ’ કેવી બડભાગી કે જેને પોતાની સાસુ તરફથી સમભાવશીલ સમૃદ્ધ વારસો મળ્યો!

૧૧-૭-’૭૬

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book