પુનઃ – પુનઃ – પુનઃ – પુનઃ કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

નિનુ મઝુમદાર

પુનઃ — પુનઃ — પુનઃ — પુનઃ —

ઠંડી રાતો ગઈ શિશિરની, કૈંક વીતી વસન્તો,

મનુષ્યનો જીવાત્માઃ બેવડા ચક્કરમાં પડ્યો છે એ. એક તો જન્મ અને મૃત્યુના ચક્કરમાં અને બીજા, સવારથી સાંજ અને સાંજથી સવાર સુધીની નીરસ, એકધારી ને બેસૂરી ઘટમાળના ચક્કરમાં. ધાણીના બેલની માફક માણસ આંખે પાટા બાંધીને ફર્યા કરતો હોય છે, ફર્યા જ કરતો હોય છે ગોળ ને ગોળ, ગોળ ને ગોળ, અને છતાં વધી શકતો હોતો નથી એક પણ ડગલું આગળ. સવાર જાય અખબારો વાંચીને અને રેડિયો સમાચારો સાંભળીને સારી દુનિયાની ફિકર કરવામાં, બપોર જાય પાશેરનું પેટ ભરવા માટે સૌને ભલું મનાવીને પોતાનું કામ કઢાવી લેવાની હોશિયારી બતાવવામાં, અને સાંજ જાય, ફરીથી અખબારોનું રસાવલોકન કરીને ચોર, ડાકુ, દાણચોર, જુગારી અને દારુડિયાઓની વાતો વાગોળવામાં. અઠવાડિયે એક રવિવાર મળે તો જાય સવારે મોડા ઊઠવામાં, બપોરે આડે પડખે થવામાં ને સાંજે કુટુંબમંડળ સાથે નાટકસિનેમા જોવામાં, કશેક ફરવા જવામાં કે કોઈને મળવા હળવામાં. અને આમ દિવસના દિવસ, અઠવાડિયાનાં અઠવાડિયાં, મહિનાના મહિના ને વર્ષનાં વર્ષ વીતી જતાં હોય છે, જીવ્યું ખરેખર જીવ્યું લાગે, મીઠું લાગે, જીત્યું લાગે એવું કશું પણ સાચું, સારું, સંગીન ને સત્ત્વશીલ સિદ્ધ કર્યા વિના. અન્તે આંખ મીંચાય છે ને આવે છે ફરી પાછાં જનનીના જઠરમાં શયન, પુનરપિ જનનમ્, પુનરપિ મરમણ્, ફરી પાછાં જન્મ ને મૃત્યુ, મૃત્યુ ને જન્મ, જન્મ ને મૃત્યુ. ચરખો ચાલ્યાં જ કરે છે. શું જન્મ અને મૃત્યુના ચક્કરમાં, કે શું જીવનની બંધાઈ ગયેલી ઘરેડમાં, ગતિ છે, પણ પ્રગતિ નથી, થાકીને થઈ જવાનું હોય છે લોથપોથ, પણ ડગલુંય આગળ વધવાનું હોતું નથી. આ કાવ્યમાં એ નીરસ ને નિષ્પ્રાણ એકવિધતાનું આલેખન કરવામાં આવ્યું છે.

ઋતુઓનું ચક્ર ચાલ્યાં કરે છે. શિશિર પછી વસન્ત ને વસન્ત પછી ગ્રીષ્મ, ગ્રીષ્મ પછી વર્ષા ને વર્ષા પછી શરદ, શરદ પછી હેમન્ત ને હેમન્ત પછી શિશિરઃ એક પછી એક ઋતુ આવતી જ જાય છે. કારતકથી આસો સુધીના બારે મહિના પણ એ જ રીતે એક પછી એક આવે છે ને જાય છે. ઋતુઓ અને માસોની આ ઘરેડની જેમ અટળ રીતે બંધાઈ ગઈ છે દિવસ દિવસની પણ ઘરેડ. એ જ સવાર ને એ જ સાંજ, એ જ એમનાં, લાલ, પીળો ને વાદળીનાં અટપટાં મિશ્રણોથી રંગાઈ જતાં પૂર્વાકાશ ને પરિશ્રમાકાશ, એ જ સૂર્યોદયો ને એ જ સૂર્યાસ્તો, એ જ તારગણો ને એ જ નક્ષત્રમાળા, એ જ આવનજાવનની ઘટમાળ. એક જાય ને તેને પગલે પગલે બીજું અચૂક આવતું જ હોય છે. ને એવી તો કેટલીય ઋતુઓ આવી ને ગઈ, કેટલાયે મહિના આવ્યા ને ગયા, કેટલાયે દિવસો ઊગ્યા ને આથમ્યા.

પ્રકૃતિની આ ઘરેડ અનાદિકાલથી ચાલતી આવે છેઃ તો એ ઘરેડની અંદર બંધાઈ ગઈ છે બીજી પણ એક ઘરેડ, મારા જીવનની. પ્રકૃતિની ઘરેડ છે અનાદિ અને અનન્ત, જીવનની ઘરેડ છે આદિ અને અન્તવાળી. ને એ સાદિ અને સાન્ત જીવનઘરેડમાં—જન્મ અને મૃત્યુની ઘરેડમાં—પણ બંધાઈ ગઈ છે એક બીજી ઘરેડ, દિન-દિનની પ્રવૃત્તિની. આમ, પ્રકૃતિની ઘરેડ, તેમાં જન્મ અને મૃત્યુની ઘરેડ. ને તેમાં સવારથી સાંજ અને સાંજથી સવાર સુધીની વસ્તુતઃ નિર્માલ્ય અને નિઃસાર પ્રવૃત્તિની ઘરેડ! ઘરેડમાં ઘરેડ ને તેમાં પાછી ઘરેડ! ચક્ર ચાલ્યાં કરે છે, ચાલ્યાં જ કરે છે. એમાં નથી કશું વૈવિધ્ય, નથી કશી અ-પૂર્વતા કે અનન્યતા, નથી કશો વિકાસ કે નથી કશી પ્રગતિ. એકની એક, એકની એક, એકની એક જ રીતે ઘટમાળ ફર્યા કરે છે, હેતુશૂન્ય, રસશૂન્ય, આનન્દશૂન્ય. કાળદેવતાએ જાણે ગ્રામાફોન પર બગડી ગયેલી રેકર્ડ મૂકી હોય ને તેમાંથી ફરી ફરીને એકનો એક જ શબ્દ સંભળાયા કરતો ન હોય!

જડ અને યાંત્રિક બની ગયેલા જીવનની નીરસ એકવિધતાની છબિ અહીં વિશ્વક્રમમાં પણ જોવામાં આવી છે; ને ઉપાન્ત્ય ત્રણ પંક્તિઓની પુનરુક્તિ અને અંતિમ પંક્તિમાંની મૌલિક ઉત્પ્રેક્ષા દ્વારા એ સુન્દર રીતે આલેખવામાં આવી છે.

આઠમી પંક્તિમાંનો પુનઃ ‘રટણ કરતી’ પ્રયોગ અન્વર્થ નથી.

કૃતિઃ નિરમાળ.

(આપણો કવિતા-વૈભવ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book