પહાડની એક પળ વિશે – રમણીક અગ્રાવત

હર્ષદ ત્રિવેદી

પહાડની એક પળ

છાતી ઉપર હાથ મૂકીને કોઈ પડ્યું હો આડું સામે એમ પડ્યો છે પહાડ.

ક્યારેક કોઈ દૃશ્ય કે કશોક વિચાર મનનો એવો કબજો લઈ લે છે કે એ દૃશ્ય સિવાય બીજું કશું જ ન જોઈ શકીએ, એ વિચાર સિવાય અન્ય કશું જ મનમાં ન આવે. એવી થોડીક જાગતી પળો હરહંમેશા સાથે લઈને જ ફર્યા કરીએ. એવી પળો સુખદ હોય કે દુઃખદ પણ હોય. ક્યારેક એ પળોને હવાલે થઈ જઈએ, આપણામાં ફરી ફરી ઊગવા દઈએ, કોળવા દઈએ, એનામય થઈ જઈએ એમ બને. મૂળભૂત રીતે આપણે પ્રાકૃતિક છીએ એથી પ્રાકૃતિક તત્ત્વો એનાં કોઈ ને કોઈ રૂપે આપણને ગમ્યાં કરતાં હોય છે. એને ખોળે માથું મૂકીએ કે કશીક હાશમાં અનાયાસ ગરક થઈ જતા હોઈએ એવું થાય. જેણે કોઈ દિવસ સમુદ્ર નથી જોયો એની કલ્પનાનો સમુદ્ર તો હોય છે જ. ક્યારેક એ સાચા સમુદ્રનો મુકાબલો કરી બેસે ત્યારે કલ્પેલા અને વાસ્તવિક સમુદ્રનો તાળો મનોમન મેળવાતો હોય છે. એના કોઈક અંકોડા ચપોચપ બેસતા આવે, કોઈક ન પણ બેસે. ફેમિલી આલ્બમમાં નવું કશું હોતું નથી. એના એ આપણે ને એનાં એ જ આપણાં સૌ. છતાં ક્યારેક એ આલ્બમ ખોલીને બેસીએ ત્યારે કોણ જાણે ક્યાંથી કુતૂહલ સફાળું આવી ચડે છે. કવિ હર્ષદ ત્રિવેદી આવા કોઈ આલ્બમ સામે આપને બેસાડીને કોઈ ફોટો બતાવતા હોય તેમ આ કાવ્યને આપણી સામે ઉઘાડે છે.

પહાડની કોઈ તસવીર આપણી સામે રજૂ થતી હોય એમ એક સાદા વિધાનથી કાવ્ય સંબોધિત થવાં માંડે છે. પહાડને કોઈ જીવતાજાગતા માણસ સાથે સરખાવીને જાણે કહેવાય છેઃ છાતી ઉપર હાથ મૂકીને કોઈ પડ્યું હો આડું સામે એમ પડ્યો છે પહાડ. આપણે જરાક ચોંકી જઈએ છીએ. આ કોઈ વ્યક્તિની વાત નથી થતી. એક પર્વત સામે ખડો છે તેની વાત થઈ રહી છે. એ પર્વત પાછો જીવંત છે. હળવે રહીને શ્વાસ લઈયે ત્યાં ઊગી નીકળે એના દેહ ઉપર નાનાં-મોટાં ઝાડ. કવિતાની ચમત્કૃતિ આવી સાવ સહજ હોય છે. માત્ર બે જ પંક્તિની સફર ખેડીએ ત્યાં લાગે કે વચ્ચે કેટકેટલી વણલખી પંક્તિઓ આપણને ઉકલવા માંડે છે. પળેપળ કૂટ્યાં કરતી અવનવી વનરાજીનો વિસ્તાર એક પલકમાં જાણે ખડો થઈ જાય! આ પથ્થરમાં, આ પર્વતમાં, આ સમુદ્રમાં, આ નદીમાં, આ ફૂલમાં એવું કશુંક છે, જે પોતે સાવ નિઃશબ્દ રહે છે અને આપણને સાંભળતા કરી દે છે, આપણને વહેતા કરી દે છે, આપણામાં કશુંક ઉમેરી દે છે.

પાંદડેપાંદડાંમાંથી ખરતો મલકાટ હવાના પોતને ઘટ્ટ બનાવતો ઊડે છે. પછીથી ક્યાંક દૂર ખીણમાંથી એ જડે છે. આ પર્વતના ખોળામાં ઊભા છીએ ત્યાં કશું સાંકડું ન હોય, સંકડાશ ન હોય. ધુમ્મસની માયાએ ત્યાં વિસ્તાર રચી લીધો છે. દૂરદૂરથી સંભળાતા, થોડું સંભળાઈને, ઝાઝું અસ્પષ્ટ રહી જતા બોલશે એ માયાદર્પણમાં અવનવા આભાસો ઉમેરી દીધા છે. અશ્વોનો હણહણાટ અને ડાબલાના પડઘા ઘડીક છે, ઘડીક નથી! કાળી બુકાની બાંધીને આ કોણ ધડાધડધસી આવ્યું છે અચાનક? તેજની તલવારો સબોસબ ચમકાવતા આ ધાડપાડુઓ ક્યાંથી ચઢી આવ્યા છે? પહાડની વિશાળતાને, પહાડની મોકળાશને હજી સમજીએ ન સમજીએ ત્યાં તો ઘેરી લે છે આપણને ભય! પહાડ છાતી પર હાથ રાખીને નચિંત આડો પડ્યો છે. એના પરથી વહ્યા કરે કેટકેટલા સૂરજ, કેટકેટલા ચાંદા, એની નિશ્ચલતામાં કોઈ જ ફરક પડતો નથી! આ પહાડની વિશાળતામાં બધું જ સમાઈ ગયું હોય છે. સવારની નજાકત અને સાંજનું તરલ મૌન આ પહાડ પીધા કરે છે અને પુષ્ટ થતી રહે છે એની વજ્જર કાયા. એમ થાય કે આ પહાડ આળસ મરડવા તેના હાથ જરાક જ લાંબા કરશે ત્યાં આકાશમાંથી તારાઓ ટપોટપ ખરવા માંડશે! પારિજાતનાં ફૂલોની રમ્ય ઉપમાથી શોભતા તારાઓ સાચે જ રૂપકડા લાગે છે. હાથ મરડીને આળસ ખાતા પહાડની સુંદર અદા આપણાં સ્મરણમાં જડાઈ જાય તેવી છે.

આ પહાડની આંખ જરાક ઘેરાશે ત્યાં તો વાદળાંઓ અચૂક આવી ચઢશે અને પહાડને મખમલિયો ઓછાડ ઓઢાડી જશે એ નક્કી. આ પહાડ જો વાદળાઓને ફંગોળાઈ જતાં અટકાવી રાખવા પોતાની છાતીએ ચોંટાડી રાખતો હોય તો વાદળાંઓ આટલું તો કરે જ ને? રાતનાં અંધકારમાં આ પહાડ પર ઘણું બધું ચિત્ર-વિચિત્ર બનતું હોય છે. રાતની બાકી રહી ગયેલી ઊંઘ પૂરી કરવાં પહાડ દિવસે પણ છાતી પર હાથ રાખી ઘોર્યા કરે છે અને કોઈ રખડું કવિ પોતાની કલ્પનાનો કૅમેરા ક્લિક કરી લે તો એને કશો જ ફરક પડતો નથી. કારણ કે એ પહાડ છે!

નીવડેલા વાર્તાકાર, સંપાદક અને ગઝલકાર તરીકે ખ્યાત શ્રી હર્ષદ ત્રિવેદીએ આવી ઘણી સાફસૂથરી પળોને કવિતાની કુમાશમાં સાચવી જાણી છે. એ પળોના ફોટોગ્રાફ આલ્બમના પાનાંઓ ફરી ફરી ફેરવીને જોવા ગમે તેવા છે. આમેય આપણને ઘેરી લેવા ટાંપીને બેઠેલી એકરસતાને હંફવે તેવા ઉપાયોની શોધમાં આપણે હંમેશા હોઈએ જ છીએ. ‘પહાડની એક પળ’નો આ ફ્રીઝ શોટ વારે વારે જોયા કરવો ગમે તેવો છે. કશીક રવરવતી રમ્યતા તેના દરેક દર્શને આપણને સાંપડે છે.

(સંગત)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book