પરબ માંડી બેઠેલ પિપાસુ – જગદીશ જોષી

અનામીને

હરિશ્ચન્દ્ર ભટ્ટ

આંસુ વર્ષ્યા પછી હૈયું પોચું ભીનું થતું જરી,

રિલ્કે, બોદલેર, નિત્શે, પૉલ વાલેરી, પુશ્કિન… આવાં અનેક યુરોપીય સર્જકોનાં નામનો મોં-પાઠ થતો આજે આપણે સાંભળીએ છીએ. આ નામોની સાચીખોટી બોલબાલા હમણાં આપણે ત્યાં થાય છે. પરંતુ સામા માણસને આંજી દેવા માટે નહીં, પણ નર્યા કાવ્યપ્રેમથી પ્રેરાઈને, તે તે સર્જકની ભાવના અને વિભાવનાને ગુજરાત સમક્ષ મૂકનાર સૌપ્રથમ કોઈ હોય તો તે સદ્ગત હરિશ્ચન્દ્ર ભટ્ટ. છેક ૧૯૪૧માં તેઓ ઉમાશંકર જોશી પાસેથી રિલ્કે માટેનો પોતાનો પ્રતિભાવ ‘ઉઘરાવે’ છે. ‘કેટલાં વરસ પહેલાં ગુજરાતીમાં રિલ્કે આપવા એ ઝંખે છે!’

સાચો ઋણસ્વીકાર કરવામાં વહોરવી પડતી ભીરુતા – જતી કરવી પડતી પ્રતિષ્ઠા!–નો દુર્ગુણ હજી ગુજરાતની પ્રજામાં ઘર કરી ગયો નથી! એમાંય, સંસ્કાર અને સાહિત્યનું ઘડતર કરનારા આપણા સાહિત્યકારો આવા ઋણસ્વીકારની વેદી પર માંડ માંડ ઝળકતા પોતાના નામની આહુતિ આપી દેવા સ્વૈચ્છિક ધોરણે તૈયાર નથી. જાણે કે પોતાના જ સંશોધનનો પરિપાક હોય એમ પશ્ચિમનાં નામોની આતશબાજી ઉડાવનારા આપણા અનેક સર્જકો માટે સ્વ. હરિશ્ચન્દ્ર ભટ્ટનું એક વાક્ય, આંતરિક નિરામયતાની દૃષ્ટિએ પણ ઠીક ઠીક ઉપયોગી થઈ પડશે: ‘કવિ કહેવાવાની મારી કોઈ મહત્ત્વાકાંક્ષા નથી. પૂરા માણસ થવામાં કેટલી મહેનત પડે છે!’

નવ પંક્તિનું આ નાનકડું કાવ્ય. સર્જનના રહસ્યને પ્રગટ કરતું નહીં, પણ એ રહસ્યની રહસ્યમયતાને જાળવતું આ કાવ્ય. ‘ટેક્નીક’ ખાતર પ્રયોગ કરવાની ‘મોડ’ રઝળપાટ વિના પણ આ કવિ પોતાની રીતે પ્રયોગ કરી લે છે. અહીં ત્રણ પંક્તિના શ્લોક – ‘ત્રિક’ – તેઓ પ્રયોજે છે. (‘પ્રાસ નહિ આવી શકે એવું નથી. પણ એવી તે શી જરૂર છે?’ આમ તેઓ છેક ૧૯૩૯માં લખે છે!) કોઈક પરમતત્વને, કોઈ અનામી તત્વને સંબોધી આ કાવ્ય રચાયું છે. કવિનો સંયમ માત્ર પંક્તિઓ પૂરતો જ નથી; કલાસર્જનમાં પણ સંયમ અત્યંત આવશ્યક છે એ વાત કવિ પ્રારંભમાં જ કહી દે છે. આંસુ વરસે ત્યારે નહીં (કેવળ ઇમોશન્સ નહીં) પણ આંસુ વરસી જાય પછી જ્યારે હૈયું ‘પોચું ભીનું’ થાય ત્યારે તું આવીને અંતરમાં બીજ રોપજે. આંસુ એ તો થયેલા અનુભવનું પરિણામ છે, પણ એને સાચું પરિમાણ તો બક્ષે છે કાળનો સંદર્ભ જ! આંસુ ક્યારેક ઉપરછલ્લાં હોય; પણ બીજ તો ત્યારે જ ઓરાય જ્યારે ચિત્તમાં ચાસના ચિરાડા ઊંડા ઊતર્યા હોય.

માત્ર પદ્ય ઉપરછલ્લું હોય, પણ કવિતાને સંબંધ છે ઊંડાણ સાથે. અશ્રુપોચા હૈયામાં ઊંડે ઊંડે બીજ રોપવા આવે ત્યારે પણ તું ‘એકલો’ આજે. આજના કવિઓએ એકલતાના અનુભવને અનેક વાર ગાયો છે. પણ એ પહેલાં રિલ્કેનો સાક્ષાત્કાર કરી બેઠેલા આ કવિએ ‘એકલો મેદની વચ્ચે’ કહીને ૧૯૪૧માં આ વ્યથાને ગાઈ છે. કવિએ એક અનુભવ-વ્રત પાળવાનું નથી; એકલતાનાં અનેક પાસાંઓને અનુભવીને કવિએ તો ઊગવાનું હોય છે – ધરતી જેમ બધી જ મોસમનો અનુભવ કરે છે તેમ. અને તેમાંય કવિની પૂર્વશરત કે કોઈ અપેક્ષાનો હઠાગ્રહ નથી. તારે જેવો પાક પામવો હોય તેવાં બીજ તું ઓરજે એમ કહીને ફલશ્રુતિનું સર્વ શ્રેય પેલા અનામી તત્ત્વને શિરે જ રહેવા દે છે.

સર્જકનું રહસ્ય કોણ જાણી શક્યું છે? જણાઈ જાય તો એ રહસ્ય શાનું? હા, કોઈ – કોઈક જ – ક્યારેક જ જાણી શકે તો (અને, તો જ) કદાચ ધરાની કૂખ અને નારી. પરમતત્ત્વની સાથે ગુફતેગો રચતા આ કવિ કહે છે કે ધરાની કૂખ અને નારી, એમ ‘આપણ બન્ને’ જ જાણીએ અને અન્ય કોઈ પણ આ રહસ્ય પામી ન જાય એવી રીતે તું આવીને બીજ રોપજે. ‘ત્રીજા’ કોઈની હાજરી નહીં. કોઈનું નામ નહીં: માત્ર તું અને હું, માત્ર આપણે બન્ને. તું અનામી અને તારે લીધે હું પણ અનામી.

અનામી કૃષિકાર! આવ, અહીં શ્યામ પૃથ્વી સમો
પડ્યો હું, અવ તું ઉગાડ નવમોલની રિદ્ધિ ત્યાં.

અન્યત્ર કહેનાર આ કવિ કવિતાને પણ જીવનનું માત્ર એકપાંખિયું દર્શન ગણે છે. અકાળે જીવનનો અંત ન આણ્યો હોય તો ઉમાશંકર જેવાના પણ ‘સાહિત્યિક અંતરાત્માના રખેવાળ’ બની ગયેલા આ કવિ નવમોલની રિદ્ધિ અને સિદ્ધિના આદર્શનું દર્શન કરાવી શક્યા હોત!

૧૧-૧-’૭૬

(એકાંતની સભા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book