થાનકનું કથાનક – જગદીશ જોષી

એક કથાનક

સિતાંશુ યશશ્ચંદ્ર

સૂનકાર સેરીઓમાં છલકાય.

સૂનકારના ભેંકાર અનુભવમાંથી સાવ ઊગરી ગયું હોય એવું કોઈ સદ્ભાગી હશે ખરું? સૂનકારને અનુભવ્યો તો લગભગ બધાએ હશે. પણ એને ‘જોઈ’ શકવાની દૃષ્ટિ તો કવિની જ! સૂનકારના થાનકનું અને એના કથાનકનું આલેખન તો કવિની કલમ જ કરી શકે.

પથ્થરની જેમ ગળામાં ફસાઈને ગૂંગળામણનો પહાડ થઈ બેઠેલા સૂનકારને અહીં કવિ પ્રવાહી રૂપ આપે છે. સૂનકાર શેરીમાં ‘છલકાય’. મનના ખાલીપણાને ખંખેરી નાખવા મનુષ્ય પોતાની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓને અનેક શેરીઓમાં વાળે છે. છતાં આ સૂનકાર આવે છે ત્યારે છલકાતો આવે છે, ઊભરાતો આવે છે. ટોળે મળીને લાખ વાતો કરે છે પણ આ બધી ઇધરઉધરની વાતો Empty talks without communication છે. આ બધી વાતોમાં મનુષ્યનો ચહેરો નથી. માત્ર ઓઢેલું મહોરું છે. વિષમતા ને વિચિત્રતા તો એ છે કે ચૌટે મળવાને બદલે ચૌટેથી તો સૂનકાર અનેકતા ધારણ કરીને વીખરાય છે. વળી મહોલ્લા વચ્ચે જઈને, જ્યાં વસ્તી છે ત્યાં પોતે વસી જાય છે. માલિક બનીને ઘર વસાવી લે છે. દુઃખનું પંખી માથેથી ઊડી જવાને બદલે જામે માથામાં જ માળો બાંધી બેસે છે.

પહેલા અંતરામાં કવિ ફોડ પાડીને કહે છે કે વનના એકાંતમાં ‘શાંતિ’ના સરોવરમાં નીખરેલા સ્વરૂપે હંસ બનીને જે તરે છે તે આ સૂનકારનું સ્વરૂપ નથી. ખરેખર એ સૂનકાર જ નથી; કદાચ એ તો સભરતા છે, શાંતિ છે, એકાંત છે; એકલતા નથી. કદાચ, શબ્દોમાં ન સમાઈ શકે એવો એ સાક્ષાત્કાર છે. એ સ્થિતિ સૂનકાર નથી. કદાચ, શબ્દોમાં ન સમાઈ શકે એવો એ સાક્ષાત્કાર છે. એ સ્થિતિ સૂનકાર નથી માટે જ એ ડૂબી જવાને બદલે ‘તરે’ છે હંસ બની. પરમહંસ બની. પણ આ સૂનકાર તો કુત્તો થઈને આવે છે. બધું જ લૂંટી-ઝૂંટીને ઢસડી જવા માટે. એને તગડી મૂકવા માટે ઢેફું ફેંકો તો શું થાય? જીવનની મધ્યમ અવસ્થા જેવી બપોર જે અહીં ઘરડીખખ થઈ ગઈ છે, એ પણ ચિત્કારી ઊઠે છે. આ ચિત્તાર તો પેલા સૂનકારને વધુ ઘેરો બનાવે છે. હંસ અને શ્વાન, સૂનકાર અને ચિત્કારને સામસામે મૂકીને કવિ પરિસ્થિતિને ઉપસાવે છે.

હાથમાંના અરીસામાં કદાચ ભવિષ્ય દેખાતું હશે પણ આ સૂનકાર જોઈ નથી શકાતો. સીધા સરળ કથનના રૂપે જ કવિ કહે છે કે જે બેહદ થાકી જાય છે એ લોકો આ સૂનકારને અને જીવનને એકમેકના પર્યાય રૂપે માની બેસે છે. આ બેહદનો થાક એ સૂનકારનું પરિણામ છે કે સૂનકારનું કારણ છે? આ ‘બેહદ’ થાકની વાત છે, અનહદની નહીં, અનહદથી કોઈ થાકતું નથી. એ તો હંસ બનીને શાંતિમાં તરે છે.

એકેય ગામ કે ગલી એવાં નહીં હોય જ્યાં આ સૂનકાર અંકાયો નહીં હોય, પંકાયો નહીં હોય. પ્રસરે પણ છે એ આપણા જ પગમાંથી અને જો આપણાં કદમ મજબૂત હોય તો તાત્કાલિક તો એને ઢાંકી શકાય. પણ આ સૂનકાર કદાચ ઢંકાય, શાહમૃગની આંખની જેમ, પણ ભૂંસાય તો નહીં જ.

આજના કવિએ જે જે ઘટના કે દુર્ઘટનાનો સામનો કરવો પડે છે – ભીતરથી કે બહારથી – એ માટે તો એમ જ કહેવાય सूतकारवास्यं इदं सर्वम्. આ યુગ જ ૐકારનો નહીં પણ સૂનકારનો છે: અને આ યુગના અનેકાંકીનો નાયક છે ‘સૂનકાર’.

ગીતના સ્વરૂપમાં વપરાઈવપરાઈને લપસણા થઈ ગયેલા શબ્દો પાસેથી જે રીતે કામ કઢાવીને અર્થની ધાર કાઢવામાં અહીં સફળતા મળી છે એ નોંધપાત્ર છે.

૨૩-૩-’૭૫

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book