તીવ્ર ઝંખનાની તાણ – હરીન્દ્ર દવે

અનિલ જોશી

આકાશનું ગીત

કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

કેવળ નિજમાં આ સમાપ્ત થતું અસ્તિત્વ કોઈને ય ગમતું નથી. પછી ભલે એ નિજતત્વનો વિસ્તાર આકાશ જેટલો હોય! નિજમાંથી કંઈ કશુંક વિસ્તરતું-પ્રગટતું નથી ત્યાં સુધી કેવળ વિસ્તારમાં જ રાખવાનું શક્ય નથી હોતું.

અહીં આકાશની લાગણીને વાચા અપાઈ છે. એને વસવસો જાગ્યો છે—મારો આટઆટલો વિસ્તાર છે, પણ મારામાંથી કશુંક પ્રગટતું હોય એવો પરિતોષ મને નથી. એકાદ ડાળખી પણ જો મને ફૂટે તો—

અત્યારે તો ગોફણથી છૂટેલા પથ્થર જેવી મારી સ્થિતિ છે. આકાશ ગુલમહોરની લીલી ડાળીના આકારની ઝંખનામાં જ પૃથ્વી પર ઝૂક્યું છે અને એ નિહાળે છે કલરવની નાજુક રમણીને પોતાના કંદના આસન પર બેસાડી પસાર થતી પોપટની પાલખીને.

ગુલમહોરની લીલી ડાળી અને પોપટની લીલી પાલખી સાથે વર્ણહીન આકાશને મૂકી દઈને કવિએ આકાશની વેદનાને કેટલી વધારી મૂકી છે!

આકાશને કશુંક જોઈએ છે—નક્કર અને જીવંત વગડાનું ઘાસ. આ બીડનો અસીમ વિસ્તાર આકાશને નથી જોઈતો, આકાશ સુધી પહોંચતી પર્વતની ધારની પણ એને આકાંક્ષા નથી.

આકાશ ઝંખે છે, જ્યાં ચકલી પોતાનો માળો બાંધી શકે એવી જગા. એકાદ નાનકડી ડાળી. અને જો એટલું મળી શકે તો આખોયે ઊડતો વિસ્તાર સોંપી દેવાની એની તૈયારી છે.

આકાશના હૃદયમાં જાગેલી ઝંખના એટલી હદે તીવ્ર છે કે વાયરે ચગતા પતંગમાં ગીત આલેખી દેવાનાં અરમાન એને જાગે છે. ગીત સ્ફુરવું એ લાગણીની તાણની પરાકાષ્ટા સમાન છે.

પોતાના સીમાતીત વિસ્તારનું સાટું એકાદ સર્જનાત્મક બિંદુ સાથે કરવાની આકાશની આ ઉત્કટ ઝંખના લયનાં સ્પંદનોમાં હૃદયસ્પર્શી રીતે ઝીલાઈ છે. એ ડાળખી ઝંખે છે—ડાળખી એ પોતે જ ચૈતન્યના અંશરૂપ સમી છે. એમાં પણ કવિ એવી ડાળખીની વાત કરે છે જેના પર ચકલી માળો બાંધી શકે. ચકલીના એ નાનકડા ઉતારાના સાટામાં ઊડતો વિસ્તાર આપવાની વાત ‘ચાંદ મુઝે દો પૂનમકા તુમ સારા નીલ ગગન લે જાઓ’ના કવિની મુગ્ધતાથી આગળ નીકળી જાય છે.

આવી જ અભિવ્યક્તિની મનોરમ ક્ષણ છે—કલરવની સુંદરીને લઈને પસાર થતી પોપટની પાલખીની.

કવિએ ગીતનો પ્રારંભ જ અપૂર્ણ પંક્તિથી કર્યો છે. એ પંક્તિની આગળનું કશુંક કહેવાનું બાકી રહી ગયું છે એમ સૂચવતી સંધાનરેખાથી કાવ્ય આરંભાય છે. એ સંધાનરેખા પહેલાનો અવકાશ આકાશની ઝંખનાથી ઉત્કટતાનો દ્યોતક છે.

તીવ્ર ઝંખનાની તાણ આખાયે ઊર્મિકાવ્યમાં કવિ ધબકતી કરી શક્યા છે.

(કવિ અને કવિતા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book