ઈશ્વરના પર્યાયે વાણી… – રાધેશ્યામ શર્મા

ચિનુ મોદી

પર્વતને નામે પથ્થર

પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી

આદિલ, મનહર મોદી, રાજદ્ર શુક્લ જેવા ‘ગઝલકિંગ’ ચિનુ મોદી પણ સાચા અને ન–કાચા! તેઓ પરમ્પરા અને પ્રયોગ એ બંને વિસ્તારોમાં અંગદની જેમ ‘ઇર્શાદ’–રૂપે પગદંડો જમાવી સ્થિર ખડા છે. ‘ઇર્શાદ’ પ્રત્યે ઈર્ષા–ઈંડાનું સેવન કરનારા જ એમને વિવિધ ચન્દ્રકોથી અળગા અલગ રાખવાનું પસંદ કરતા હશે? એ જે હોય તે, કવિની સર્જનાત્મકતા બરકરાર છે… ‘પર્વતને નામે પથ્થર’ કૃતિ એનો તરોતાજા, હાથવગો નમૂનો છે.

આ કૃતિનું શીર્ષક જ મતલાની પ્રારંભ–પંક્તિ છે: ‘પર્વતને નામે પથ્થર’. રામાયણની સંસ્કારધારી ભાવકને તરત યાદ આવે ‘રામને નામે પથ્થર.’ એવા મિથિકલ પથ્થર ક્યાં તર્યા’તા તે યુગમાં? દરિયામાં. તો સહ–અધ્યાસી કડી સાંપડી અહીં, ‘દરિયાને નામે પાણી’…

કોઈના નામે કશુંક ચઢાવી દેવાની વૃત્તિ નિજી ‘અહમ્‌નું દેવાળું ફૂંકી અન્ય નામને યશનો મુકુટ પહેરાવવાની પેરવી મનાય.’ પોતાની પ્રતીતિનો સિક્કો પણ ખરો. સર્જક યા નાયક પર્વતના નામે પથ્થર અને દરિયાના નામે પાણી જાહેર કરતા હોય એ તો બરાબર પણ અનુવર્તી પંક્તિ સૂચક છે એટલી જ મહિમામંડિત છે:

“ ‘ઇર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.”

આ તો કર્તાનો ‘હુકમ’ જ નહીં, હુકમનો એક્કો છે. મહિમામંડિત પંક્તિ એટલા માટે કહી કે કૃતિની પૂર્ણાહુતિ પણ આવા જ ભાવસંકેત સમેત થઈ છે.

એક કવિ માટે ઈશ્વરનો પર્યાય વાણી જ હોઈ શકે. ન અન્ય, ન અન્યથા. ‘ઇર્શાદ’ પછી ‘આપણે તો’નો પ્રયોગ ખુદનો છે, ખુદાના નામે અને કદાચ ખુદાથી અધિકો વાક્‌કળાનો મહિમા છે.

પ્રત્યેક શેઅ્રનું સ્વતંત્ર મહત્ત્વ પ્રમાણી શકાય. બીજો તો આ લખનારે બોટી લીધો માનજો.

આંસુ ઉપર કોના નખની થઈ નિશાની?
ઇચ્છાને હાથ પગ છે, વાત આજે જાણી.

‘ગીત ગોવિન્દ’ના શૃંગારસિક્ત સર્જક જયદેવે નાયિકાઓના અંગોપાંગો ઉપર દંતક્ષત નખક્ષત વર્ણવ્યા પણ અશ્રુ ઉપર નખક્ષત તો મોદીની જ મિરાત! પણ થોભો, અહીં તો સંદેહપ્રશ્ન છે ભારે – આ કોના નખની નિશાની? સાથે કલ્પનાપૂર્ણ સ્ટેટમેન્ટ સૂચવે છે કે ઇચ્છાને કેવળ હાથ છે, પગ છે એટલું જ નહીં એને નખ પણ છે અને છતાં હીચકોકિયન સસ્પેન્સ, ‘આ કોના નખની થઈ નિશાની?’

‘સાહેબ બીબી ગુલાબ’ યાદ આવે ત્રીજો શેઅર વાંચતાં – વગર લેવાદેવા. નાયક ઘણાબધા શ્વાસ–વિશ્વાસ ચૂકી ગયો, પરાજિત નીવડ્યો છતાં પૂર્ણ કામના પ્રેર્યો જાણે ગાઈ રહ્યો છે, મારા ઘરે પધારો, ઓ ગંજીપાની રાણી. સાચુકલી મનની મહારાણી તો કદાચ – શ્વાસની રમતમાં નાખી–નાસી નીકળી હશે તો ‘તું નહીં તો ઓર સહી,’ તું નહીં તો તારું પ્રતિરૂપ – ગંજીપાની રાણી, ભલે ‘પધારો’!

‘ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે’ અહીં ‘કાચ’ સામે ‘સાચ’નો પ્રાસમેળ મળ્યો છે – એટલું માની લેવું મુનાસિબ નથી. પદચાતુર્ય નથી માત્ર. વ્યાપક પ્રવર્તક વિષમ વાસ્તવ છે નર્યું. કાચ–દર્પણ સામે તલવાર તાણી થાકવાનું તથ્યમાત્ર નથી પણ ક્યારેક ‘સાચ’ સામે, જે તથાકથિતમથિત છે એવા સત્ કે સત્યની સત્તા સામે સર્વધા થાકી જવાની પરિસ્થિતિ ખડી થયેલી છે.

‘કૃતિનો સ્ટશ્ચરલ મોડ’ ચોથા શેઅ્રની અંતિમ પંક્તિને મક્તાના પ્રારંભ સાથે પ્રયોજવામાં વિશિષ્ટ માલૂમ પડ્યો. ‘થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી’નું પુનરાવર્તન કેવું કેવું સંકેતે?

કાચ સામે, સાચ સામે કાયમ તલવાર તાણી તાણી થાકી જવાની હતાશ દશા કેવળ કાચ–સાચ સામે જ નહીં, ઈશ્વર સામે પણ ઉપસ્થિત છે.

માટે તો નિઝિંસ્કી, નિત્શે બા–પોકાર કરી ઊઠેલા: ‘ગૉડ ઇઝ ડેડ. વ્હેઅર ઇઝ હી? જો આવું જ છે તો પછી ચિનુભાઈ જેવા સર્જક ખુદ્દારીપૂર્વક ગઝલગાન વિહાવી શકે:

“ ‘ઇર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.”

ના જોઈએ ઈશ્વર. ના જોઈએ ઈશ્વરની વાણી. નો કમાન્ડમેન્ટ્સ. નો કૉમેન્ટ્સ. નામજોગા, નામ પૂરતા ઈશ્વરને નામે વાણી જ ખપે ‘ઇર્શાદ’ને તો…

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book