અવનિનું અમૃત – હરીન્દ્ર દવે

ઉમાશંકર જોશી

ગયાં વર્ષો —, રહ્યાં વર્ષો તેમાં

ગયાં વર્ષો તે તો ખબર રહી કેમ ગયાં!

વ્યાકરણમાં આપણે ત્રણ કાળ શીખીએ છીએઃ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. કહેવાય છે કે આપણે જીવીએ છીએ એ વર્તમાનકાળ છે, પણ વર્તમાનમાં કોણ જીવી શકે છે? ક્ષણના બિંદુ પર ચરણને સ્થિર રાખવાનો પ્રયત્ન કરો ત્યાં તો એ ક્ષણ સરી જાય છે. માણસ કૈંક જીવે છે ભૂતકાળમાં, કૈંક ભવિષ્યકાળમાં.

અહીં કવિ સાંપ્રતના બિંદુ પર ઊભા છે. પણ મનન કરે છે જે ગયાં એ વરસોનું; અને રહ્યાં એ વરસો પર મીટ માંડે છે. માત્ર ગયાં વરસોની વાત હોત તો એને સ્વપ્નસેવીની તરંગલીલા પણ લેખી શકાત, પરંતુ બંને સમયગાળાને આવરે છે એટલે જ આ કવિ સાંપ્રતની ક્ષણ પરથી વાત કરી શક્યા છે.

કવિતા આ જાદુ કરી શકે છે. પાર્થિવ જીવનમાં ક્ષણ પર હજી પગ સ્થિર થાય, ન થાય ત્યાં તો એ સરી જાય છે. જીવન સતત ભવિષ્યમાંથી ભૂતકાળ તરફ ગતિ કરે છે, વર્તમાનના બિંદુ પર અટક્યા વિના. પરંતુ કવિતા વર્તમાનની ક્ષણને શાશ્વતિમાં મૂકી દે છે.

શાશ્વતિમાં મુકાયેલી વર્તમાનની ક્ષણ પરથી આ ઉદ્ગાર પ્રકટ્યો છેઃ આ ક્ષણ પર ઊભા રહી જે વહી ગયું છે એની વાત કવિ કહે છે. વિગત પર દૃષ્ટિ કરીએ છીએ ત્યારે ઘણી વાર આપણને આશ્ચર્ય થાય છે — આ બધું આપણી આસપાસ બની ગયું? હજી થોડાં વરસો પહેલાં જે નાનકડો શિશુ હતો, એ જ આ બધી ઘટમાળમાંથી પસાર થઈ ગયો? જાણે નિદ્રામાં ચાલ્યા હોઈએ એવું એ લાગે છે.

સૌ પ્રથમ યાદ આવે છે સંચિત સુખની ક્ષણો. સમય જખમોને રુધાવે છે, રસને ઉત્કટ બનાવે છે. જગતની મધુરપોમાંથી રસ ચૂસી આપણે સકળ સૌહાર્દનો એક મધપૂડો તો રચીએ જ છીએ. આ ક્ષણે જ તમને યાદ આવેછે એ ક્ષણો — જ્યારે તમને અણધાર્યો જ કોઈકનો સમભાવ મળ્યો હોય, હૃદય ભાંગી પડે એવી અવસ્થામાં કોઈકના વાત્સલ્યે તમને ઉગારી લીધા હોય, અથવા ચરણ લપસી પડે ત્યારે કોઈએ ખભા પર નાજુક હાથ મૂકી તમને સંભાળી લીધા હોય? આવી ક્ષણો આપણને સૌને મળે છે. એ ક્ષણોનો મધુપુટ આપણે રચ્યો હોય છે.

મધપૂડાની વાત કરો અને એના ડંખથી બચવા માગો એ કેમ ચાલે? અહીં આ જગતમાં પણ સુખ મેળવવું હોય તો દુઃખનાં પગથિયાં પર પગ મૂકવા જ પડે છે. કેટકેટલાં વિષ જીરવવાં પડે છે, કેટકેટલી વિષમતાઓ વચ્ચે માર્ગ કરવો પડે છે!

ગયાં વરસોના ડંખ અને મધુરસ સાથે આપણે રહ્યાં વરસોની યાત્રા આરંભીએ છીએ. અંતિમ પૃથક્કરણમાં સુખ અને દુઃખ બંને માયા છે. તમે કઈ માયા પસંદ કરશો? આ ‘દુષ્ટ’ દુનિયા છે એમ કહીને ચાલો, એટલે થયું. કશુંયે શુભ નહિ દેખાય, પણ દુનિયા દુષ્ટ શા માટે લાગે છે? આપણે માત્ર આપણી જાતને ઠીકઠાક કરવાની હોય છે, પરંતુ એ ભૂલીને આપણે તો આખી દુનિયાને ગોઠવવા નીકળી પડીએ છીએ. દુનિયા શા માટે આપણે ઇચ્છીએ એમ ગોઠવાય? અને એટલે જ દુનિયા દુષ્ટ લાગે છે. ‘હું’ પદનો હિમાલય મસ્તક પર હોય ત્યારે તો તમે ભગવાનને પણ નમી નથી શકતા. તમે ‘હું’ કાઢી નાખો તો હળવાફૂલ જેવા થઈ શકો. એ ક્ષણે તમારી સિવાય પણ બીજું કંઈક છે. જે તમારા જીવનને ઇચ્છો તો સભર બનાવવા તત્પર છે એનો ખ્યાલ આવે છે. મૃદુલ તડકો, દક્ષિણ હવાથી માંડીને સંસ્કૃતિના ઉદય અને અસ્તમાં ચાલતી પરમ ઋતુની લીલા સુધીના બધા જ સ્તરો પરથી આપણે આવકાર પામીએ છીએ.

અહીં કવિ અમૃતને આકંઠ પીવા ઇચ્છે છે, પણ આ કયું અમૃત? અવનીનું અમૃત એ કહે છે, પણ આગળ કશું કહેતા નથીઃ કારણ કે અમૃત એ પ્રત્યેક માટે સાપેક્ષ વસ્તુ છે. છતાં આખરે અમૃત એટલે માત્ર અમૃત જ. એનું અક્ષયપાત્ર આપણા સૌ પાસે છે અને કવિ આ અમૃત આકંઠ પીને આપણા સૌ વતી જ કહે છે કે હું અવનીનું અમૃત લઈને આવ્યો છું.

(કવિ અને કવિતા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book