તૃતીય ખણ્ડ

ભૂમાનો કવિ

1

એક વાર કવિ સેઇન્ત જોન પેર્સે, ફ્રાન્સના અગ્રગણ્ય રાજપુરુષ, Briand, ને સાંજને વખતે લટાર મારતાં કહ્યું હતું: Un liver, c’est la mort d’un arbre (A book is the death of a tree). કવિનું આ અર્થગર્ભ વાક્ય એમની કાવ્યપ્રવૃત્તિને સમજવાનો એક દૃષ્ટિકોણ આપણને આપે છે. ‘ગ્રન્થ એટલે વૃક્ષનું મૃત્યુ’ – વાક્ય તો સાવ સાદું છે. કવિની કવિતાને આધારે આ વાક્યનો સંકેત સ્પષ્ટ બને છે. વૃક્ષમાં ધરતીની અંદરના અન્ધકારમાં, પોતાને ફેલાવીને છતાં દૃઢ રહીને, જીવનરસ શોધતાં એના મૂળથી માંડીને તે ફૂટવાની અણી પર આવેલી કૂંપળ સુધીનું આખું એક વિશ્વ સમાયેલું છે. એમાં જીવનમૃત્યુની ચક્રગતિ ચાલ્યા કરતી હોય છે, પંખીઓનો સંસાર એનો આશ્રય લે છે. મનુષ્યો પણ એની છાયામાં આશરો લે છે. સૂર્ય ચન્દ્ર અને નવલખ તારાની એની પર દૃષ્ટિ મંડાય છે. અનન્ત અવકાશનો સ્પર્શ લઈને આવતો પવન એની ડાળે ઝૂલતો જાય છે. આટલી બધી સંકુલતાભર્યું આખું વિશ્વ લઈને બેઠેલું વૃક્ષ અને એના લાકડાના માવામાંથી બનાવેલા કાગળ પર પાડેલા કાળા અક્ષરવાળો ગ્રન્થ – આ બે વચ્ચેની ભિન્નતા તરફ કદાચ કવિ આંગળી ચીંધે છે. આનું પ્રમાણ એમની કવિતામાં ઘણે સ્થળે મળી રહે છે. ‘Winds’ (મરુતો)માં આ વૃક્ષ તે ‘very great tree of language’ – ભાષાનું મહાન વૃક્ષ બની જાય છે. ભાષા વૃક્ષની જેમ આખું એક વિશ્વ ખડું કરી દે એવી ગુંજાયશ ધરાવતી હોવી જોઈએ.

કવિને અભિપ્રેત બીજો અર્થ પણ આ વાક્યમાં રહેલો છે: કવિ અનિવાર્યતયા હદપારી ભોગવે છે. એ જ્યાં છે ત્યાંનો જ થઈને રહે, સ્થિતિને ખૂંટે જ બંધાયેલો રહે તો ક્રાન્તદ્રષ્ટા ન બની શકે. આથી કવિ તો પોતાના નામમાં સુધ્ધાં વસતો નથી. એ નામ કે સંજ્ઞાને નહિ પણ વિશ્વને જ આવિષ્કૃત કરે છે. માલાર્મેના absence (શૂન્ય)ના સંકેતને પેર્સ પોતાની કવિતાથી નવો મહિમા અર્પે છે. એની કવિતા, એ રચાઈ તે પહેલાંના, વિશાળ શૂન્યનો પડઘો આપણા હૃદયમાં પાડે છે, ને એ શૂન્યના પ્રતિધ્વનિએ વિસ્તારેલા આન્દોલનમાંથી જ, જાણે કે આખું એક વિશ્વ એનાં બધાં પરિમાણો સહિત આપણી દૃષ્ટિ સમક્ષ વિસ્તરી રહે છે.–

 

2

            You, I question, o plentiude !
– And there is such a silence

પેર્સની કવિતામાં શબ્દ અવકાશની વિપુલતામાં વિસ્તરીને અન્તે મૌનસભર બને છે. આ અવકાશની વિપુલતામાં સમય લુપ્ત થઈ જાય છે. સમયના એક બિન્દુથી શરૂ કરીને બીજા બિન્દુ સુધી પહોંચવાનો ક્રમ જ જાણે અહીં નથી. કવિ પોતે કહે છે તેમ એની કવિતા pinnacle of instant – ક્ષણના શિખર પર જીવે છે. અહીં સ્મૃતિના સાંધણની જરૂર નથી કે ભવિષ્ય તરફ આશાના તન્તુને કાંત્યે જવાની પણ જરૂર નથી. કવિના શબ્દોચ્ચાર પાછળ રહેલો ઉચ્છ્વાસ એને વિપુલ અવકાશમાં વિસ્તારી દે છે ને એની આ વિસ્તરવાની ક્રિયા જ સમયના પરિમાણને ભૂંસી નાંખે છે. આ બૃહત્ ઉચ્છ્વાસ જ પેર્સની કવિતાને મહાકાવ્યની કક્ષાએ લઈ જાય છે. એની ભાષા, એનાં કલ્પનો ને પ્રતીકોને કે એના રહસ્યને અવગત કરીએ તે પહેલાં જ આ ઉચ્છ્વાસમાં રહેલો નીલિમાનો સ્પર્શ એના કાવ્યત્વની પ્રતીતિ કરાવી જાય છે. ક્ષણને એ વિપુલતાથી એવી તો સભર કરી દે છે કે એ ફાટી પડીને અનન્તમાં એકરૂપ બની જાય છે. પેર્સને અમરતાની પડી નથી, એ દરેક ક્ષણનો અનન્તમાં વિલય કરી જાણે છે. આપણે પાડેલા કાળના ત્રણ ભાગ આ બૃહત્ ઉચ્છ્વાસને બળે ફરી એની મૂળ અખણ્ડતા સિદ્ધ કરે છે, ને ત્યારે જાણે પહેલી જ વાર કાળ સાથે આપણી દૃષ્ટોદૃષ્ટ થતી હોય એવો આપણને અનુભવ થાય છે. નિત્શેના ઝરથુષ્ટ્રની ઉક્તિની યાદ આપે એવી રીતે પેર્સ કહે છે: ‘Truly, I inhabit the throat of a god.’

આ ઉચ્છ્વાસ તે વાગાડમ્બરમાં વિલાઈ જતો નિ:શ્વાસ નથી. એ સર્વત્ર વિસ્તરેલા અફાટ શૂન્યમાંથી – એ શૂન્ય જ સંકોચાઈને ઉચ્છ્વાસનું રૂપ ધારણ કરતું ન હોય જાણે – આપણી છાતીમાં અવતરે છે. આ capsule of nothingness – શૂન્યની ગુટિકા પોતાની સભરતાથી ફાટી જતાં એમાંથી શબ્દો બધે વેરાઈ જાય છે, ને ફરી વિપુલતામાં લય પામી જાય છે. પંક્તિની શરૂઆતમાં આવતા ઉદ્ગાર કે ઉદ્બોધન શૂન્યમાં વીંઝાય છે, ને એના વીંઝાવાની સાથે ધ્વનિનાં આન્દોલનો વિસ્તરવા માંડે છે. આનો વિશિષ્ટ લય પેર્સે પોતાના ગદ્યછન્દમાં પ્રકટાવ્યો છે. કવિનો આ છન્દ (measure, scansion) એમની કવિતાનું જીવાતુભૂત તત્ત્વ છે. આપણી દૃષ્ટિ સમક્ષ શૂન્યમાંથી આકાર ધારણ કરીને શૂન્યમાં લય પામતા બ્રહ્માણ્ડને આપણે જોઈએ છીએ. આમ સર્જન અને પ્રલયના systole અને diastole – એ બંનેનો પોતાનામાં સમાવેશ કરતો લય એ કવિની આગવી સિદ્ધિ છે. મરણ આ લયનાં આન્દોલનો પૈકીનું એક આન્દોલન બની રહે છે. અહીં ચરમ ઇતિનો પ્રશ્ન જ ઊભો થતો નથી, માટે જ મરણ કે અમરતાની વાત પણ અપ્રસ્તુત બની રહે છે. પરમ્પરાગત કશીય દાર્શનિક પીઠિકાનો આધાર લીધા વિના, કેવળ કાવ્યત્વને જ આધારે, કવિ ભૂમાનો અનુભવ આપણને કરાવે છે.

 

3

1910માં સેઇન્ત લેગર લેગરને નામે પેર્સે E’loges નામની કાવ્યકૃતિ પ્રસિદ્ધ કરી. એમાં વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓમાં આવેલા ગ્વાદાલૂપ ટાપુમાંના એના મોસાળમાં એણે ગાળેલાં બાળપણનાં વર્ષોની સ્મૃતિ છે.

આજુબાજુનો સમુદ્ર, અડાબીડ અરણ્યો, તેની ઉગ્ર વાસ, ગોગાંનાં ચિત્રોમાં હોય છે તેવા રંગવાળી આખી સૃષ્ટિ સજીવ થાય છે. પાણીમાંનાં નજીવાં જન્તુ, ભૂરી શિરાઓવાળા પથ્થરો, મધ્યાહ્નના સૂર્યનો પ્રખર પ્રકાશ, સમુદ્રમાં સઢ ફેલાવીને જતાં વેપારી વહાણો, વેપારની અનેકવિધ જણસો, તરેહતરેહના લોકો, પશુઓ, અરણ્યમર્મર, પ્રકાશછાયા – આ બધાંની એક અનોખી સૃષ્ટિ કવિએ ઊભી કરી છે. કવિને સમુદ્રનું ભારે આકર્ષણ છે. પવનમાં ફરફરતો શઢ જાણે કોઈનો ઓચિંતાનો બોલાયેલો શબ્દ ન હોય! એ શઢ પર સૂર્યના તેજમાં ચળકતાં ને ઊછળતાં સમુદ્રના જળનું ચંચળ પ્રતિબિમ્બ આલેખાતું જોતાં કવિ કહે છે: જળનું રહસ્યમય ગુપ્ત આન્તર-જીવન કોઈ સઢના વિસ્તીર્ણ પ્રદેશ પર સ્વપ્નોની પરિભાષામાં અંકિત કરી રહ્યું છે! પવનમાં ફરફરતા ભૂખરા રંગના શઢને જોઈને કવિને મસ્તિષ્કમાં રહેલું ભૂખરું ઘડીઓવાળું મગજ યાદ આવે છે. સદા અધીરા બનીને ફરફરતા શઢ એ તરવરાટભર્યા વ્યાકુળ આત્મા જેવા લાગે છે. તડકો ઝીલીને એણે એકઠી કરેલી હૂંફ એ આપણા પર વરસાવે છે ત્યારે જાણે આપણને કોઈના ઉષ્માભર્યા કપોલનો સ્પર્શ થતો હોય એવું લાગે છે. વિશાળ સમુદ્ર પરથી ફુંકાતા પવનના મુક્ત ઉદ્ગાર સાથે કવિની કાવ્યબાનીનો પ્રલમ્બ ઉદ્ગાર પણ ભળી જાય છે. સમુદ્રનું દરેક મોજું પોતાના ઉછાળા સાથે, અનેક મોજાંઓ વચ્ચે રહીને, પોતાનું આગવું રૂપ પ્રકટ કરે છે ને પોતાના તરંગમાં એક અનોખા જ સૂર્યને પ્રકટાવે છે. આમ પેર્સની પ્રત્યેક કાવ્યપંક્તિમાંનો ઉછાળો પોતાના વિશિષ્ટ આકારને પ્રકટ કરવા સાથે પોતાના અનોખા તેજને પણ પ્રકટ કરે છે. સમુદ્ર એ જાણે ઐશ્વર્ય અને શક્તિનું સ્તોત્ર જ ન હોય! ભૂમા સાથેના અનુસન્ધાનથી તુચ્છમાં તુચ્છ લાગતી વીગત પણ કાવ્યના સ્તરે પહોંચી જાય છે. વહાણના તૂતક પરથી નીચે ગબડાવી દેવામાં આવતાં ઢોરની પાણી-નીતરતી ચળકતી ચામડી સૂર્યના પ્રકાશમાં જે સોનેરી ઝાંયથી મણ્ડિત થાય છે તે જોતાં એ પશુઓ નહિ પણ સુવર્ણમાંથી કંડારેલી મૂતિર્ઓ ન હોય એવું લાગે છે. ધાતુનાં વાંકા વાળેલાં પતરાં વચ્ચે જે પાણી ઝિલાઈ રહેલું છે તેમાં ઉપરનું આકાશ થરથરતું કેદ થઈને પડેલું દેખાય છે. અહીંતહીં સોનેરી રંગવાળી ભમરીઓ ઊડે છે તે સૂર્યના પ્રકાશે સમુદ્રના અંગ પર દીધેલા દંશના જેવી લાગે છે. અરણ્યોની વચ્ચે એવી તો નિસ્તબ્ધતા વ્યાપી જાય છે કે મૂળમાંથી ઊંચે ચઢી નવી કૂંપળના છેડા સુધી પહોંચતા જીવનરસની ગતિનો અવાજ સુધ્ધાં સાંભળી શકાય છે. વનની વચ્ચે ઝંઝાવાતમાં તૂટી પડેલા મહાકાય વૃક્ષના થડની અંદર પડેલી બખોલના ગવાક્ષમાં હારબંધ ચાલી જતી લાલ કીડીઓ મધના ટીપાં જેવી લાગે છે. પૃથ્વીના પોતાના જ આનન્દોચ્છ્વાસની હરિત મુદ્રા લાંબા દિવસના, શતાબ્દી જેવા લાંબા પટ પર, મહાકાવ્યની પેઠે અંકાઈ ગયેલી દેખાય છે. આ બધું નાના બાળકને એટલું તો રમણીય ને આસ્વાદ્ય લાગે છે કે એ ઉત્સુકતાનો માર્યો હાથની છૂટી રહી ગયેલી આંગળીઓને પણ ભીડવાનું ભૂલી જાય છે!

આ ચિત્રોની સાથે જ બીજાં ચિત્રો પણ છે: માછલીનું કાપીને ફેંકી દીધેલું માથું દાંતિયા કરતું મરેલી બિલાડીના આંચળ વચ્ચે પડ્યું છે, એ બિલાડીનું શરીર ફૂલીને લીલો કે જાંબુડી રંગ પકડે છે, એની રૂવાંટીનો રંગ કાચબાની પીઠ જેવો છે ને એ ચીકણી બનીને ચોંટી ગઈ છે – કોઈ અધૂરા વિકસેલા શરીરવાળી, મોટી વયની છતાં નાની છોકરા જેવી લાગતી, નર્યાં હાડચામ જેવી ને કોઢવાળી, પોતાની આંગળી ચૂસતી બેઠેલી સ્ત્રીના વાળ ચીકણા બનીને ચોંટી ગયા હોય છે તેમ. પાણી પીને ફેંકી દીધેલું નારિયેળ ગરદન પરથી વધેરી નાખેલા માથાની જેમ શૂન્ય દૃષ્ટિથી તાકતું પડી રહ્યું છે. મૂત્ર અને ચીકાશવાળા કાદવથી ધાતુની ઝાંય ધારણ કરતું ગટરનું પાણી વહી રહ્યું છે ને એમાં સાબુનું પાણી કરોળિયાની જાળની ભાત પાડે છે. મચ્છીબજારમાં કઢાઈમાં તળાતી માછલીઓ જાણે ગાઈ રહી છે ને પીળાં સુતરાઉ કપડાં પહેરેલો વાળ વિનાનો એક માણસ બરાડી રહ્યો છે: ‘હું ભગવાન છું!’ ને એની પાછળ બીજા અવાજો સંભળાય છે: ‘એ પાગલ છે.’

આ બે જુદી જુદી સૃષ્ટિઓ કવિની દૃષ્ટિના વ્યાપમાં એક સૂત્રમાં પરોવાઈ જાય છે, બાળકની વિસ્મયભરી દૃષ્ટિ વસ્તુઓનાં પરિમાણને બદલી નાંખે છે, પુરુષો જાણે ત્યારે વધારે ઘેરો પડછાયો પાડતા ને અલસ, મન્થર ગતિએ ચાલતી સ્ત્રીઓનાં અંગ ત્યારે ખૂબ ખૂબ શમણાં જગાડતાં. જળનો નગ્ન વિસ્તાર સ્વપ્નોના માવા જેવો લાગતો. નખના ઢોળાવ પર આકાશની નીલિમા ગાઢી બનતી. દેવળની શાળામાંથી છૂટીને વાત્સલ્યભરી દીવાલ સાથે ઘસાઈને ઘરે પાછા ફરતા બાળકને ઘરો વચ્ચેથી નજરે પડતા સમુદ્રનું ઇજન મળતું. કાંઈ કેટલાં વન્ય ફૂલો અને ફળોના પડોશમાં બાળક ઊછરતું. બે દ્વીપોની વચ્ચેનાં ભૂરાં જળમાંથી શીતળ પવનની લહરી વહી આવતી ને વૃદ્ધોની છાતીના વાળને ફરફરાવી જતી, ને એની આંગળી ઝાલીને કોફીની વાસ ઘરનો દાદર ચઢી જતી. આયાઓના આર કરેલા ચણિયાનો કકરો અવાજ રહીરહીને સંભળાતો ને સ્ત્રીઓનાં શરીરના ખાટા પરસેવાની વાસ પણ આ પવન લઈ આવતો. આવી રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શની સૃષ્ટિને કવિ આ કૃતિમાં બિરદાવે છે. પોતાના નિર્જન દ્વીપમાં મનુષ્યોની સંસ્કૃતિ વચ્ચે પાછા ફરેલા ને નિર્વાસિતની દિશામાં વિષાદ ભોગવતા રોબિન્સન ક્રુઝોના મનોવિનોદ અર્થે કવિ કેટલાંક ચિત્રો દોરી આપે છે. એ ચિત્રો આ કૃતિનું એક ઉલ્લેખપાત્ર અંગ છે. ક્રુઝોના રૂવાંટીવાળા ડગલાને ચોંટીને આપેલું એક જાંબુડી બીજ એણે અહીં કૂંડામાં વાવ્યું છે, પણ તે ઊગ્યું નથી. એનો રૂવાંટીવાળો ડગલો વળીઓ નીચે, કાતરિયામાં, ત્રણ પગવાળા લંગડા ટેબલ નીચે, ધૂળ ખાતો પડ્યો રહ્યો છે. એની પાસે બિલાડીને સૂવા માટે ધૂળથી ભરેલું લાકડાનું ખોખું છે. સાંજને વખતે તાપણી આગળ બેસીને એ અગ્નિશિખાની અંગુલિઓથી અન્ધકારને વીણાની જેમ ઝંકૃત થતો સાંભળતો બેઠો હોય છે, ત્યારે ખીંટીએ ભેરવેલા ધનુષનો તડ દઈને તૂટી જવાનો અવાજ એ સાંભળે છે. એક તોતડા ખારવાએ એક ડોસીને વેચેલો, ને એ ડોસી પાસેથી એણે ખરીદેલો પોપટ ઉપરના જાળિયાની પાસે ધુમ્મસ ભેગા અન્ધકારમાં બેઠો છે. એની સૂજેલી પાંપણ નીચે સુકાઈ ગયેલા જીવનરસની કરચલી પડી છે ને એની પાંખો એની જ અઘારમાં રગદોળાય છે. એની સાથે આવેલો ફ્રાઇડે અહીં આવીને લાલચુ ને ચોટ્ટો બની ગયો છે. એ કોઈનાં ઊતરેલાં કપડાં પહેરે છે ને જાડી રસોયણના ચરબી અને તેલની વાસવાળા શરીરને ગલીપચી કરવા જાય છે. ક્રુઝોનાં સ્વપ્નોનાં વિસ્તરતા વર્તુળને શહેરની દીવાલ છેદે છે, પણ એના ચિત્તમાં સંચિત થયેલાં ચિત્રો આક્રન્દ કરી મૂકે છે. આ આક્રન્દ કરતાં ચિત્રો E’logesનું વિશિષ્ટ અંગ છે.

પેર્સની બીજી કૃતિ છહચમચજી 1924માં પ્રસિદ્ધ થઈ. પ્રખ્યાત અંગ્રેજ કવિ એલિયટે એનો અનુવાદ 1930માં પ્રસિદ્ધ કર્યો. આ કૃતિમાં પેર્સે ચીન અને ગોબીના રણ પાસે ગાળેલાં પાંચ વર્ષોની સ્મૃતિ છે. ચીનમાંના આ વસવાટ દરમિયાન પેર્સ ઘણી વાર ટટ્ટુ પર બેસીને રણના અફાટ વિસ્તારમાં ફરવા નીકળી પડતા. રણમાં સમુદ્રનું જ બીજું રૂપ જોવા મળે છે. ત્યાં પવનની પણ નવી જ અનુભૂતિ થાય છે. એમાં કવિ સિકંદર જેવા કોઈક વિજેતાની વિજયયાત્રા વર્ણવતા હોય એવું પ્રથમ દૃષ્ટિએ લાગે છે. પણ ખરું જોતાં તો કવિ પોતે જ અહીં વિજેતા તરીકે શબ્દોના બ્રહ્માણ્ડ પરના વિજયનું વર્ણન કરતા લાગે છે. અહીં વિજેતાને પોતાના પરાક્રમ ખાતર જ નિર્વાસિત થઈને, ક્યાંક સ્થિર થયા વિના, ડેરાતંબૂ નાંખ્યા ન નાંખ્યા ત્યાં ઉઠાવીને નવા નવા પ્રદેશો પર વિજય મેળવવા ભટકવું પડે છે – તેનું આલેખન કરીને exileની પૂર્વપીઠિકા રજૂ કરી દે છે. સ્થપાયેલાં નગરો અને સંસ્કૃતિઓને વિજેતા ધૂળભેગાં કરે છે, ને એના પર જય પ્રાપ્ત કર્યા પછી નવાં નગરો અને સંસ્કૃતિનો પાયો નંખાય તે પહેલાં તો આગેકૂચ કરી જાય છે. કવિનો સર્જનવ્યાપાર પણ કંઈક આવો છે. એ નિર્મમ બનીને જૂના, લપટા પડી ગયેલા સંકેતોવાળા શબ્દોએ રચેલા વિશ્વને તોડે છે ને નવા સંકેતના આવિર્ભાવની ભૂમિકા રચીને, નિસ્પૃહભાવે, નવા વિજય માટે પ્રસ્થાન કરી જાય છે. એના મોટા ફલક પર સંસ્કૃતિના ઉત્થાનપતનની લકીરો રણમાંની પવનની પગલીની જેમ અંકાય છે ને ભૂંસાય છે. કવિ અહીં શબ્દના આદિમ સામર્થ્યને એની સર્વસમૃદ્ધ સંકુલતા સહિત ફરી સજીવન કરવા મથે છે, ને બૃહદારણ્યકમાં જેમ બ્રહ્મના ઉચ્છ્વાસથી જગતને પ્રકટ થતું કહ્યું છે તેમ કવિના ઉચ્છ્વાસના સ્પર્શે શબ્દોનું બ્રહ્માણ્ડ સજીવ થઈ ઊઠતું અહીં જોવા મળે છે. એલિયટની પ્રખ્યાત કૃતિ ‘The Waste Land’થીય ઊંચું કાવ્યસ્તર સિદ્ધ કરનારી આ કૃતિ આપણા યુગનું એક અમર કાવ્ય છે. એલિયટે પોતે એનો અનુવાદ કરીને પેર્સનું બહુમાન કર્યું છે.

1940માં કવિ પોતે હદપાર થઈને પહેલાં કૅનેડામાં અને પછી વોશંગ્ટિનમાં વસ્યા. બીજું વિશ્વયુદ્ધ, નિર્મૂળ નિર્વાસિત થયેલી પ્રજાઓ અને કવિ પોતાની હદપારી – આ બધાંનું ચિત્ર ઈટૈનમાં છે. એ કાવ્ય, મૂળ ફ્રેંચમાં, શિકાગોથી પ્રસિદ્ધ થતા સામયિક ‘પોએટ્રી’માં 1942માં પ્રસિદ્ધ થયું. એ Anabaselના જ વસ્તુનો કવિએ કરેલો વિકાસ છે. કવિ અહીં, સૂક્ષ્મ રીતે, કોઈ પણ સર્જનને માટે અનિવાર્ય એવા વિસર્જન(absence)ની આપણને કાવ્યાત્મક પ્રતીતિ કરાવે છે. કોઈ પણ પદાર્થને વૈશ્વિક ફલક પર સ્થાપીને જુઓ તો એ એનાં સંકુચિત પરિમાણો છોડીને શૂન્યના મહિમાથી મણ્ડિત થઈ જાય. આપણા ભાવજગતનાં સંવેદનોને પણ વિરાટ શૂન્યના મહિમાથી કવિ આ રીતે મણ્ડિત કરે છે. કવિ, સ્વભાવે કરીને જ, નામહીન કેન્દ્રમાં જ વાસ કરી શકે. પણ એ કેન્દ્ર તો સર્વત્ર છે, ને માટે જ એનો વ્યાસ ક્યાંય નથી. આવું કેન્દ્ર કાવ્યનું ઉદ્ભવસ્થાન છે. ભૌતિક પદાર્થો એ કેન્દ્રમાંથી નવું તેજ પામીને, કેવળ તેજ રૂપે, તરવરી રહે છે. કવિની આ કાવ્યસર્જનની લીલા (જગતમાં આ લીલા રચવા જેવો બીજો પુરુષાર્થ કયો છે?) મૌનમાંથી જન્મેલા શબ્દ દ્વારા શૂન્યતા અને પૂર્ણતાનો સંગમ રચીને તીર્થવતી બને છે.

પેર્સની આ પછીની રચના Vents (Winds) 1946માં પ્રકટ થઈ. રવીન્દ્રનાથે પ્રયોજેલો શબ્દ ‘અવકાશરસ’ અહીં વાપરીને કહીએ તો આ મહાકાવ્યનો મુખ્ય રસ તે અવકાશરસ છે. એવા ઉભયાન્વયી વ્યાપમાં આખું વિશ્વ સમાઈ જાય છે. પવનના જેવી સર્વવ્યાપી કાળહીન ગતિએ આગળ વધતી એ કવિતા એની પાછળ જે પદચિહ્નો મૂકી જાય છે તેને જો ઉકેલવા બેસીએ તો માનવસંસ્કૃતિનાં ઘણાં દૃશ્યો, ઊથલપાથલો વરતાઈ આવશે. ચાર સર્ગમાં વહેંચાયેલું આ મહાકાવ્ય માનવના ઉત્થાનપતનના ચક્રાકાર ઇતિહાસને આલેખે છે. ઘણા એમાં કવિના આશાવાદને જુએ છે ને આખું કાવ્ય અમેરિકાને બિરદાવવા લખ્યું છે એમ પણ કેટલાક ઘટાવવા મથે છે. કવિના કાવ્યનો આવો રહસ્યસંકોચ કોઈ રીતે ઉચિત નથી.

એલિયટના પોકળ માનવીની જેમ પેર્સ તણખલાનો માનવ – straw man of the straw year – આપણી સમક્ષ રજૂ કરે છે. પહેલા સર્ગમાં મૃત અને શુષ્ક વસ્તુઓનાં વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે. જે મૃત અને શુષ્ક છે તે પવનની પાંખે ચઢીને અવકાશમાં ફેંકાઈ જાય છે. પવનની દાતરડા જેવી દૃષ્ટિ બધે વીંઝાઈને બધું લણી લે છે, ને પછી કવિ બધું નવેસરથી રચવાનો સંકલ્પ કરે છે. આ પવનોમાંથી ફરી એક માનવાકૃતિ ઊપસી આવતી દેખાય છે ને એનાં ચરણો નવા પ્રસ્થાન માટે ધરતી પર મંડાઈ ચૂક્યાં છે. કવિએ કરેલું પુસ્તકાલયનું વર્ણન (Cemetery of mummified ideas, untold sediment of books) અવિસ્મરણીય બની રહે છે. વિશ્વભરમાં વ્યાપી રહેલી પ્રચણ્ડ અરાજકતા આ મરુતોની અંગુલિથી જાણે ફરી નવું ઋત પ્રાપ્ત કરીને વિશ્વ રૂપે આવિર્ભૂત થાય છે. આ પહેલા સર્ગમાં મરુતો, આ અરાજકતા જોતા ઈશ્વરના ચિત્કારની જેમ, સૃષ્ટિ પરથી વહ્યા જાય છે. બીજા સર્ગમાં અમેરિકા વિશેના ગભિર્ત નિર્દેશો છે અને પૃથ્વી પર નમી આવેલી નવા યુગની સાંજનું વર્ણન છે. કવિ પોતે કહે છે તેમ આ કાવ્યમાં એમણે જાણે એક આથમતા યુગ સાથે સંકેતસ્થાને છૂપું મિલન ગોઠવ્યું છે. ત્રીજા સર્ગમાં વિજેતાઓ અને શાસકોની વાત આવે છે ને મનુષ્યને વિશે ઊભી થયેલી કટોકટીનો ખ્યાલ આપીને પેર્સ આવી પરિસ્થિતિમાં કવિનાં ગૌરવ અને જવાબદારીને પ્રકટ કરે છે. આ સમસ્યા વિશેનો આખરી નિર્ણય કવિની નિગાહ નીચે જ આવી શકે એમ અહીં પેર્સ કહે છે. ચોથા સર્ગમાં પ્રત્યાવર્તનની યાત્રાનું વર્ણન છે. પવન વસ્તુજગતને વિખેરી નાખી શકે છે તેમ એને દૃઢ કરીને સ્થાપી પણ શકે છે. આ પુન:પ્રતિષ્ઠા ચોથા સર્ગનો વિષય છે. આવા મહાકાવ્યનો સાર ન આપી શકાય. અપૂર્વ બળવાળાં, ઊમિર્નો ભેજ શોષી લીધેલાં ને વિદ્યુતના પ્રવાહથી રણઝણી ઊઠીને તણખાં વેરતાં હોય એવાં કલ્પનોની વચ્ચેનો અન્વય કવિ આપતા નથી. કવિની આ મધ્યમપદલોપી શૈલીને કારણે ગદ્યમાં સંક્રાન્ત થઈ શકે એવો અર્થ કાવ્યમાં શોધનારને આ કાવ્ય ભારોભાર દુર્બોધ લાગે તો નવાઈ નહીં. આવી દુર્બોધતા છતાં, પ્રચણ્ડ વ્યાપવાળા મરુતોનો સ્પર્શ તો આપણા ક્ષીણ મન્દપ્રાણ ભાવોચ્છ્વાસને આ કાવ્ય કરાવી જ જાય છે. કવિ અને આ મરુતો અહીં catalysisનું કામ કરે છે. આ મરુતોને કારણે મરણાસન્નનો મોક્ષ થાય છે ને સર્જનની નવી ભૂમિકા રચાય છે. પણ આ વ્યાપાર દરમિયાન મરુતો તો અવિકારી જ છે. સાચા કાવ્યનો કવિ પણ આમ જ અવિકારી રહે.

પેર્સની છેલ્લી કૃતિ Seamarksના થોડા ખણ્ડ Wallace Fowlieએ અંગ્રેજીમાં અનુવાદ કરીને પ્રકટ કર્યા છે. એમાં શબ્દને કવિ tide marks કહીને ઓળખાવે છે. કવિના શબ્દોમાં કહીએ તો આજ પહેલાં કદિ ન ગવાયેલું એવું આ સાગરગીત છે ને તે માનવમાં રહેલો સાગર જ ગાય છે. ઘણા લાંબા સમયથી આ ન રચાયેલા કાવ્યની સૌરભ કવિના શબ્દોમાંથી સ્ફુર્યા કરતી હતી. એનાથી જ વ્યાકુળ બનીને કવિએ આ કાવ્ય રચ્યું છે. સમુદ્રના ભરતીઓટના લય સાથે માનવની મૌનવૃત્તિના ભરતીઓટના લયને કવિએ નિરૂપ્યો છે. સમુદ્રના જેટલી જ પ્રચુરતાનો ગુણ ધરાવતું આ કાવ્ય કવિની પ્રતિભાના પ્રખર મધ્યાહ્નને જ પ્રકટ કરે છે. વિરાટ તત્ત્વો સાથેની વેદના, ઋષિઓની અન્તરંગ અપરોક્ષ નિકટતા, જાણે અહીં ફરી વાર, ત્યાર પછીના માનવ જાતિના વિવિધ સંકુલ અનુભવોથી શબલિત અને સમૃદ્ધ બની પ્રકટ થાય છે.

ક્ષિતિજ: ડિસેમ્બર, 1960

License

કાવ્યચર્ચા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.