એને યાદ નથી, કેટલાય સંકેતનો એ પ્રત્યુત્તર વાળી શક્યો નથી; એ સંકેતો – કેટલાક ભીરુ તર્જનીના, કેટલાક નીચી ઢળેલી આંખોના, કેટલાક રસ્તાના વળાંકની ઓથે અણછતા રહેલા, કેટલાક હોઠ પરના વણપ્રકટ્યા ઉદ્ગારની નરી ઉષ્મારૂપ. ને છતાં કોઈક વાર આ બધા સંકેતોનું ટોળું ભેગું મળીને એને ઘેરી વળે છે. એ બધા સંકેતોનું ભેગું એક વ્યક્તિત્વ છે, એ કોઈને હવે એનું આગવું વ્યક્તિત્વ નથી. આથી એ સંકેત જે દિશામાં આંગળી ચીંધે છે તે દિશામાં રેખાઓ છે, રેખાઓના છેદ છે, ખૂણાઓ છે ને તેના પડછાયા છે, આથી જ્યારે કોઈ બોલે છે ‘પ્રેમ’ ત્યારે એ સંજ્ઞાનું આરોપણ કશાક નિશ્ચિત પર એ કરી શકતો નથી. આ અશક્તિ અનાસક્તિના છદ્મવેશે પ્રકટ થાય છે ત્યારે એ અકળાઈ ઊઠે છે. પણ એનું આ અકળાઈ ઊઠવું – એને જ પ્રેમના બર્બર આવિષ્કાર રૂપે વધાવી લેવાતું જોઈને એ બીજી ક્ષણે હસે છે. કોઈક વાર આ સંકેતોના ટુકડા એકઠા કરતાં એમાંથી એકાદ સળંગ છબિ, અક્ષર, દિશા ઊપસી આવે એવી આશા એને રહી રહી છંછેડે છે ત્યારે એ બે સંકેત વચ્ચેના શૂન્યમાં ઓગળી જવા જેટલી તરલતા પ્રાપ્ત કરવા મથે છે…

એક જંગી ઇમારત–દરિયાને તળિયે બેસી ગયેલી મોટી સ્ટીમર જેવી, બહારની દુનિયા સાથે કશા સમ્બન્ધ વિનાની. એની પાસેથી પસાર થતાં એકાએક એ થંભી જાય છે. એનો હાથ કોઈકે પાછળથી ખેંચ્યો હોય એવો એને ભાસ થાય છે. એ પાછળ જુએ છે – કોઈ અધીરી આંખ, કોઈ લંબાયેલો હાથ, કોઈ થંભી ગયેલાં ચરણ – એને કશું વરતાતું નથી. એક તોતિંગ ઘડિયાળ વિરાટ રાક્ષસની આંખના જેવું – એના આદેશને વશ વર્તીને બધાં કઠપૂતળીની જેમ આમથી તેમ ઘૂમે છે. ત્યાં એની નજર ઉપર ગઈ. કોઈ એના તરફ આંગળી ચીંધીને કશુંક કહી રહ્યું હોય એવો એને ભાસ થયો. એ તપાસ કરવા ઇમારતમાં પ્રવેશ્યો. અંદર દાખલ થઈને જોયું તો એક સાથે કેટલાય ચહેરાઓ ત્યાં દેખાયા – ભીંત પરના પોસ્ટરમાં હોય છે તેવા ચપટા. એ બારણું ખોલીને બીજા ઓરડામાં પ્રવેશ્યો. મોટા ઝુમ્મરની નીચે ચળકતી ફરસબંદી પર શેતરંજનાં પ્યાદાંની જેમ સ્ત્રીપુરુષો ગોઠવાઈ ગયાં હતાં. એ બધાંને વીંધીને એ આગળ વધ્યો. ત્યાં એનો હાથ કોઈએ ઝાલી લીધો. એણે જોયું – એક નારી, મુખ પર સ્મિત – વાનિર્સના જેવું, એ ઊભો રહી ગયો. એને કશો પ્રશ્ન પૂછવાનું મન થયું નહીં. બાળપણમાં લીટી દોરેલા કાગળના પાના પર લખવા જતાં શાહી છલકાઈ જતાં પડેલા મોટા ટપકાની જેમ ચળકાટ મારતી નારીને એ જોઈ રહ્યો. એ એને એક કાઉન્ટર પાસે લઈ ગઈ. પછી તરત કાઉન્ટરની બીજી બાજુ જઈને કાચની પાછળથી એને એ કશુંક પૂછવા લાગી. એણે એના જવાબ પણ આપ્યા હોય એવું એને લાગ્યું. એને પરિણામે જ કદાચ, એને આંગળી ચીંધીને આગળ વધવાનું સૂચન કરવામાં આવ્યું. એ આગળ વધ્યો. એની સામે જ એક લિફટની જાળી ઊઘડી ગઈ ને એક યુવતીએ એનું સસ્મિત અભિવાદન કર્યું. એ કશો વિચાર કર્યા વગર લિફટમાં દાખલ થયો. લિફટ ઊંચે જાય છે કે નીચે જાય તે જાણવાની એણે ચિન્તા કરી નહીં. લિફટની છતમાંના ચપટા ઊપસેલા ગોળાકાર દીવાના જેવી સ્થિર આંખે એ યુવતી એની સામે તાકી રહી. કદાચ એ કશોક પ્રશ્ન પૂછવામાં આવે એવી અપેક્ષા રાખતી હતી. પણ એક અક્ષર સરખો બોલવાથી એની પરપોટા જેવી આંખ ફૂટી જાય તો? એની ને પોતાની વચ્ચે ઘણા બધા મૌનના પરપોટા તરતા એને દેખાયા. લિફટ થંભી જતાં એ બહાર નીકળી ગયો ને પેલી યુવતી એને અનુસરે તે પહેલાં ત્વરાથી એક અંધારા ખૂણા તરફ વળી ગયો. એ તરફ જઈને જોયું તો પાંખી ચાંદનીની માયાવી સૃષ્ટિ વિસ્તરીને પડી હતી. વૃક્ષોની નીચેના પડછાયાની વસતિ વચ્ચે એ વિચાર કરવા લાગ્યો. ત્યાં એ પડછાયા પૈકીના એક પડછાયા સાથે એ અથડાઈ પડ્યો હોય એવું એને લાગ્યું.

‘તારી બારાખડીમાં પહેલો અક્ષર આઘાત છે?’

‘તારો ધ્રૂજતો હાથ પકડીને મેં જ એ બારાખડી તને ઘુંટાવી નથી?’

‘પણ ઘુંટાવનારનો હાથ તો ધ્રૂજતો નહોતો ને?’

‘આઘાત કરનારનો હાથ તો કહે છે કે સ્થિર રહેવો જોઈએ, ખરું ને?’

‘એ તો આઘાત કરવાનો જેને અનુભવ હોય તે જાણે.’

‘આમ બોલીને તું ફરી મને આઘાત કરવાને શા માટે ઉશ્કેરી રહી છે?’

‘આઘાત કરવાની વાસના જ તને આઘાતના લક્ષ્યની દિશામાં વાળે એવી આશાથી.’

‘આ આઘાત સિવાય મને તારી તરફ વાળે એવું બીજું કશું જ તને નથી જડ્યું?’

‘એ શોધના પરિણામનો તાળો મેળવી જોવાને બહાનેય કોઈક વાર આપણે ભેગાં થઈશું ખરાં?’

‘હા, સરોવરના કાંઠા પરનાં બે છેટાં વૃક્ષોની છાયા સરોવરનાં જળમાં શું ભેટતી નથી દેખાતી?’

દૂર તળાવડીનો અણસાર હતો. વૃક્ષોની ઘટાઓમાંથી અસ્પષ્ટ ધ્વનિ આવતો હતો. એ ધ્વનિનોય સંકેત તો હશે જ ને? હા, કદાચ એને આ પાંખી ચાંદનીના દોરમાં પરોવી લઈ શકાય: અંધારામાં પોતાની તરફ વળેલા મુખના હોઠ પરથી કરડી લઈને એણેય રહસ્યને એ નારી પાસેથી આંચકી લેવાનો પ્રયત્ન નહોતો કર્યો? પણ આંચકી લેવાના પરિશ્રમ સિવાય એના હાથમાં શું આવ્યું હતું?

‘શેનો હિસાબ માંડવા બેઠો છે?’

‘તું કેટલું ચોરી ગઈ છે તેનો સ્તો!’

‘કાંઈ વીગત મળી ખરી?’

‘હા, મારું મરણ તેં ચોરીને સંતાડી દીધું છે.’

‘દરેક સૌભાગ્યવતી પોતાના પ્રિયતમના મરણને સંતાડે છે.’

‘પણ મરણ જ મારું સૌભાગ્ય હોય તો?’

‘તો અસૌભાગ્યવતી બનીને પણ એને સંતાડી રાખું.’

‘કેમ?’

‘પરમ્પરાના સંસ્કાર.’

‘એ સંસ્કારને જાળવી રાખવા ખાતર મારો ભોગ?’

‘એટલો મને અધિકાર નહીં?’

‘અધિકાર ભરપટે વાપરીને મને નિ:શેષ કરી નાખ ને!’

‘નિ:શેષનો પણ શેષ વધે છે. તેં જ શું એવું નો’તું શીખવ્યું?’

‘હા, પ્રશ્નનો જવાબ મૌન, મૌનનો શેષ આંસુ, આંસુનો શેષ નિ:શ્વાસ, નિ:શ્વાસનો શેષ…’

‘બસ, બસ, તને આખો ભાગાકાર મોઢે છે તેની મને ખાતરી થઈ ગઈ છે.’

‘જેનો જવાબ શૂન્ય આવે એવી રકમ આપણે માંડીએ તો?’

‘કર્તાહર્તા તું છે.’

‘ને તું?’

‘તારું શૂન્ય.’

‘મારો સંહાર?’

‘હા, પવનની જેમ તને નિ:સંકોચ સર્વત્ર સ્પર્શી શકું, જળની જેમ ચારે બાજુથી તને ઘેરી વળીને મારામાં ડુબાડી દઉં, અગ્નિની જેમ આલિંગીને આત્મસાત્ કરું.’

એની પાસે, એના કાનની સાવ પાસે સરીને કોઈક કશુંક અસ્પષ્ટ બોલ્યું. એણે બોલનારને ઓળખવાનો યત્ન કર્યો. પણ ઓળખવા જેટલી સ્પષ્ટતા નો’તી એની આંખમાં કે નો’તી ચાંદનીમાં. આથી એણે કાંઈક આવેશપૂર્વક એ આકારનો હાથ ઝાલી લીધો. એ હાથને કદાચ એની જ અપેક્ષા હતી. એ દોરાઈને આગળ વધવા લાગ્યો. ચાંદનીનું માયાવી જગત પાછળ રહી ગયું. ઘડીમાં આંસુની ખારાશથી ભરેલી આબોહવા, ઘડીમાં પ્રવંચક દૃષ્ટિનાં તરવરતાં મૃગજળ, ઘડીમાં નિ:શ્વાસની આંધળી બાષ્પ – એ ચાલ્યે ગયો. એણે પોતાના હાથની પકડ સહેજેય ઢીલી કરી નહીં.

‘તું તો જાણે ધરપકડ કરતો હોય તેવી સખત રીતે હાથને પકડે છે.’

‘તારા ને મારા હાથની વચ્ચે કોઈનેય માટે અવકાશ રાખવા હું ઇચ્છતો નથી.’

‘કેમ એવો અવિશ્વાસ?’

‘તારો હાથ સ્વેચ્છાએ તો મારા હાથમાં આવતો નથી. એની એ દિશા જ નથી. ને જ્યારે મારી પકડ ઢીલી હોય છે ત્યારે એ મારા હાથમાં સહેજ તરફડે છે, પછી મરેલી માછલીની જેમ પડી રહે છે.’

‘એ તો એનું સ્વાર્પણ.’

‘એવા સ્વાર્પણનો બોજો ઉપાડવા મેં જન્મ નથી લીધો.’

‘જન્મ લેતી વખતે આવી બધી તને ખબર હતી ખરી?’

‘વિધિના મોંમાં આંગળાં નાખીને બોલાવતાં મને આવડે છે.’

‘ને એ રીતે બોલાવતાં વિધિ હંમેશાં સત્ય જ બોલે?’

‘તું સત્યને જાણે છે? તો કહે: હું નહિ હોઉં ત્યારે બોલતાં બોલતાં તારા બે શબ્દ વચ્ચે મારી છાયા જોઈને તું શું નહિ છળી મરે?’

‘ત્યારે તો છળી મરીશ કે નહિ તેની તો ખબર નથી, પણ અત્યારની તારી ભયંકર મુદ્રા જોઈને છળી મરું છું. છોડ મારો હાથ…’

ઝંઝાવાત–સ્વપ્ન ને જાગૃતિનાં પડોને અવળાંસવળાં કરી નાખતો ઝંઝાવાત, બાલશિશુની જેમ ડગમગતે પગલે ચાલતા સૂર્યનો પડછાયો ધરતીને બાઝી પડવા મથતો હતો: બધી વેદનાનું વસ્ત્રાહરણ કરતો ઝંઝાવાત – આંસુના કેન્દ્રમાં રહેલી તેજની કણીને લૂંટી લેવા મથતો ઝંઝાવાત. એને થયું: ખરી ગયેલા પાંદડાની જેમ અદૃશ્ય થવાનું આ મુહૂર્ત છે. દરિયાને તળિયે બેસી ગયેલી સ્ટીમરની કૅબિનની બંધ બારીના કાચને તોડીને ઉપર તરી નીકળવાની આ ક્ષણ છે. એણે જોયું: એની ચારે બાજુ ભૂરો ઘોડો ઉછાળા મારે છે, ફીણના સર્પગુચ્છ અમળાઈ અમળાઈને માથું પટકે છે; હવામાં હાહાકાર છે, ક્યાંક આંસુ ઝમી રહ્યાં છે, એનાં ફોરાં ઊડી ઊડીને એને સ્પર્શી જાય છે. એ ચમકીને શૂન્યમાં મીટ માંડી રહે છે.

‘મારા હાથ પર આ શું ટપક્યું? તારું આંસુ?’

‘આંસુથી એટલો બધો ભડકે છે કેમ?’

‘એ આંસુ પર મારો હક્ક નથી. જેણે આંસુનું એ પાતાળઝરણું તારા હૃદયમાંથી ફોડ્યું છે તે નિષ્ઠુરને જ તું આ આંસુનો અભિષેક કરી રહી છે તે જાણું છું. માટે જ તો એ આંસુ લૂછીને તારા અભિષેકની આડે હું આવતો નથી.’

‘તારા પરોપકારની કાંઈ હદ નથી.’

‘તું જ્યાં સુધી ‘પર’ છે ત્યાં સુધી પ્રેમને બદલે ઉપકાર –’

‘શબ્દે શબ્દે એમ પીંખી શા માટે નાખે છે – ઝંઝાવાત કળીને પીંખે તેમ?’

‘મને ઝંઝાવાત ગમે છે.’

‘હું તેથી જ તો તારાથી ડરું છું.’

‘એ હું જાણું છું. તને મારે માટે પ્રીતિ છે કે નહીં તેની તો મને ખબર નથી, પણ મારી તને ભીતિ છે એની તો મને પાકી ખાતરી છે. ને જે ધ્રુવ છે તેને હું શા માટે ત્યજું?’

‘ભીતિને પ્રીતિમાં ફેરવી નાખવાનો કીમિયો તારી પાસે નથી?’

‘એવો કીમિયો મારી પાસે હોત તો ઝંઝાવાત બનીને મેં તારાં બધાં આંસુ ક્યારનાંય ખેરવી પાડ્યાં હોત!’

‘તો હજીય ઝંઝાવાતની વ્યર્થતા તને મંજૂર નથી?’

‘ના, વૃક્ષની દૂર દૂરની બે શાખા જેવાં આપણે – ઝંઝાવાત જ આપણને આલિંગન કરાવી શકે. કદીક આલિંગનની ઉત્કટતામાંથી જ તણખા ઝરે, અગ્નિમાં આપણે એકરૂપ પણ થઈ જઈએ.’

‘તારો લોભ ઓછો નથી.’

‘સર્વનાશ નોતરવા જેટલો એ સાહસિક છે.’

એક ઇંગિતથી બીજા ઇંગિત સુધી, ત્યાંથી વળી ત્રીજા, ચોથા સુધી – એમ એ આગળ વધતો જ ગયો, ને દરેક પળે ઇંગિતોની આ જાળમાંથી છટકી જવાનો રસ્તો પણ એ શોધતો રહ્યો, પણ બોદ્લેરની પ્રિયતમાનાં ઝુલ્ફાંની જેમ સર્વનાશના અગાધ કાળા સમુદ્રને તળિયે કોઈ અન્ધ આકાશની જેમ એ ઓગળતો જ ગયો.

License

કથાચક્ર Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.