૯. ગોર-ગોરાણીનાં ટીખળ

નાની કન્યાઓ નાહીને વળતી ગોર અને શુક્લ માથે એને દાઝ પણ ચડતી. ટીખળ કરવું ય એમને ગમતું. ઉછાળા મારતી મારતી એ વિનોદનાં જોડકણાં બોલતી :

જમના નીરે મોહી રિયાં રે
હાં રે નીર ભરિયાં
હાં રે ગાગર ભરિયાં
જમના નીરે મોહી રિયાં રે.
હાં રે મગ મોળા
હાં રે લાપસી લોચો
હાં રે પાપડ પોચો
હાં રે કૂર કાચો
હાં રે ખીર ખાટી
હાં રે શુક્લ શુક્લાણીને આવડો શો પડકો !
હાં રે એને ઘાઘરે છે નવ ગજનો ઝડકો [1]
મારું ચલાણું
હાં રે મારું ચલાણું
હાં રે શુક્લ-શુક્લાણીને આવડો શો આંટો
એને નાકે છે નવસેંનો કાંટો [2]
હાં રે મારું ચલાણું.
 

મૂર્તિને ગંદી રાખનાર પૂજારી પર બહુલ દાઝ ચડે ત્યારે ગોર માની પણ મશ્કરી કરે કે –

ગોર મા ગણગણતાં
સૂંડલો માખીએ બણબણતાં
એક માખી ઓછી
શુક્લની બાયડી બોખી.

  1. ઝડકો : ઝરકડો = કાપડમાં ચીરો.
  2. કાંટો નામનું નાકનું ઘરેણું.

License

Icon for the Public Domain license

This work (કંકાવટી by ઝવેરચંદ મેઘાણી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.