૧૦. કોયલ વ્રત

કોયલ વ્રત તો સુહાગણનું છે વૈશાખ માસનું વ્રત. કેમકે આંબાની ઘટા વૈશાખ માસમાં જ ઘાટી બને. કોયલના ય કલ્લોલ તે સમે જામી પડે.

આખો વૈશાખ મહિનો સ્ત્રી માથામાં તેલ ન નાખે, ધણીને પથારી ય ન કરી આપે, એકલી સાદડી નાખીને સૂવે, ટાઢે પાણીએ નહાય, પ્રભાતે નદીકાંઠે કોયલ બોલાવવા જાય. આંબાની ઘટા સામે આમ કહી બોલાવે :

બોલો કોયલ બોલો !
તમને આવે ઝોલો.
ઝોલે ઝોલે જાળી, કોયલની મા કાળી.
કાળા કાળા કમખા, કે રાતા અમારા ચૂડા,
કોયલ વેદ ભણે, કે ઘીના દીવા બળે.
કોયલ કૂ-કૂ-ઉ-કૂ, કોયલ કૂ-કૂ-કૂ-કૂ

કૂ-ઉ-ઉ-કૂ કરીને કોયલ પણ જો સામો જવાબ આપે તો જ જમાય, નહિ તો અપવાસ પડે.

કોયલને બોલતી કરવી હોય તો કોયલના જેવો જ ટહુકાર કાઢતાં આવડવું જોઈએ ને ?

એક જ ટાણું જમાય.
કાળું પહેરાય નહિ.
કાળું ઓઢાય નહિ.
કાળું ખવાય નહિ.

License

Icon for the Public Domain license

This work (કંકાવટી by ઝવેરચંદ મેઘાણી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.