ઊંઘનાં પણ અનેક પોત હોય છે. કેટલીક વાર એ કોઈ ખડકનાં જેવું કઠોર ને ખરબચડું હોય છે. સાગરની ભરતીના જુવાળની જેમ એની સાથે માથું પછાડયા કરીએ ત્યારે એકાદ કાંકરી ખરે, એટલી પ્રવેશવાની જગ્યા મળે. નહીં તો કશીક તો જાળ જેવી જલદ સ્મૃતિઓથી એને કોરી નાખીને આપણે એમાં સમાવાની જગ્યા કરી શકીએ. બીજે દિવસે જાગીને એમાંથી આપણી જાતને બહાર કાઢીએ ત્યારે ચારે બાજુ એના કઠોર ચિહ્ન રહી જાય. કોઈક વાર ઊંઘનું પોત પતંગિયાની પાંખમાં જેવું કુમાશભર્યું પણ ભંગુર હોય છે. કોઈ દ્રુત લયવાળી ઊર્મિ સહેજ ઉછાળો મારે કે કોઈ વિચાર જરા ભાર દઈને ચાલે તો એ તૂટી જાય. પણ એવું કશું ન બને તો બીજે દિવસે પતંગિયાની પાંખને અડતાં જે રંગના રજ ચોટે છે તેવી રજ આપણને ચોંટેલી રહે છે. કશીક નાજુક ભંગુરતાનું આસ્તરણ આપણને વળગેલું રહે છે. કેટલીક વાર ઊંઘમાં પારાના જેવી પ્રવાહી ઘનતા હોય છે જે આપણને ઊંડે ને ઊંડે લઈ જાય છે. એ ઊંડાણમાંથી ઉપર આવતાં ઉતારા નાખેલા બધા નકાબ ફરી શોધવા પડે છે, પહેરવા પડે છે. જો એમાંનો એકાદ ઊંધોચત્તો પહેરાયો તો પોતાપણું સ્થાપવામાં મુશ્કેલી પડવાની જ. તન્દ્રાનિદ્રાના તાણાવાણા જે ભાત ઉપસાવે છે, તેમાં કોઈક વાર સ્વપ્નોના વેલબુટ્ટા ગૂંથાઈ જાય છે, તો કોઈક વાર ઓથારના દાબથી એકાદ તન્તુ છેદાઈ જતાં ભાત બગડી જાય છે. ઉષ્ણતા ઘીને પોતાની આંચથી ચારે બાજુથી ઓગાળવા માંડે તેમ કેટલીક વાર નિદ્રા માફકસરની, ને તેથી જ, સુખદ ઉષ્ણતાથી આપણને ઓગાળવા માંડે છે, ધીમે ધીમે આપણે લઘુ લઘુતર લઘુતમ થતા જઈને નહિવત્ થતા જઈએ છીએ, ત્યાં જ અન્તે સો સૂરજ પણ એને ઓગાવી નહીં શકે, સાત સાગર જેને ડૂબાડી નહીં શકે, ઓગણ પચાસ મરુતો જેને ઉડાવી નહીં દઈ શકે એવું આપણું સ્વત્વ આવી પહોંચે છે ને એની આજુબાજુ ફરીથી બધી જટાજંજાળ વીંટવાતી જાય છે. નરી નગ્નતા આપણા નસીબમાં ક્યાં છે?
તન્દ્રાનિદ્રાના રાસાયણિક દ્રવ્યમાં કલવાઈને આપણું સ્વત્વ રૂપાન્તર પામ્યા કરે છે. એના પર તમે બહુ સાવધ બનીને નિગાહ રાખો તો ય એ રૂપાન્તર અકળ જ રહેવાનું, કારણ કે તમારી સાવધાન દૃષ્ટિ પોતે જ એ રૂપાન્તરમાંથી બચી શકાતી નથી. ગઈ કાલની લાગણીના છેડા આજે સાંધવા બેસીએ છીએ ત્યારે કોઈનો વળ ઉતરી ગયેલો દેખાય છે તો કોઈના ચહેરાનો નકશો જ બદલાઈ ગયો હોય છે. આમ છતાં આપણે ધ્રુવ ને શાશ્વતની વાત કરીએ છીએ. નિદ્રાની સાથે ગુપ્ત રહીને બીજું કોઈક પણ એનું કામ કર્યે જાય છે. કોઈક વાર એનાં પગલાં આંખની નીચેથી કાળાશમાં રહી જાય છે.
Feedback/Errata