પાંત્રીસ

તાવની આંચથી દૃષ્ટિને એક પ્રકારની દાહક તીક્ષ્ણતા પ્રાપ્ત થાય છે. આનો એક લાભ છે. બીજાઓ જ્યારે નિદ્રાધૂસર દૃષ્ટિથી માંડમાંડ સૃષ્ટિને નવેસરથી ઓળખવા મથતા હોય છે, ત્યારે અનિદ્રાને કારણે પ્રાપ્ત થયેલી અક્લુષિત તીક્ષ્ણતાતી એકેએક પદાર્થને સ્પષ્ટ કોતરીને એનું રૂપ હું આસાનાથી જોઈ શકું છું. પદાર્થોનાં રૂપો કોતરવાની પ્રવૃત્તિ દરરોજ સવારે એકસરખા ઉત્સાહથી કરવી ગમે છે. આ સૃષ્ટિની નવી નવી ‘લીનો-કટ’ છબિ તૈયાર થતી જ રહે છે. આથી પદાર્થનું ને વ્યક્તિનું એક શુદ્ધ રૂપ જોવા મળે છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને આપણે જોતા હોઈએ છીએ ત્યારે એની આજુબાજુનો પરિવેશ, અન્ય વસ્તુઓ ને વ્યક્તિઓ, અવકાશ અને સમય સુદ્ધાં એની સાથે અગોચરરૂપે ભળી જઈને મૂળ રૂપને આવૃત્ત કરી દે છે. આ આવરણમાં થઈ ને જ પદાર્થો જોવાને આંખ ટેવાઈ જાયછે. પણ કોઈક વાર આ આવરણ આપણને અકળાવી મૂકે છે. સૃષ્ટિનું અનાવૃત્ત રૂપ જોવાને આંખ અધીરી બને છે. એ જ્યારે શક્ય બને છે ત્યારે જાણે ફરીથી એક નવા જ વિશ્વમાં આપણો જન્મ થતો હોય એવું લાગે છે.

License

જનાન્તિકે Copyright © 1965 by Usha Joshi. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.