આપણા નાનકડા હૈયામાંથી…

As the years pass
So increase in number the judges who condemn you,
As the years pass and you speak fewer voices,
You look with other eyes upon the sun.
You know that those who remained were cheating you;
Flesh’s delirium, the lovely dame –
That ends in nakedness.
As when, at night, turning into an empty highway
You suddenly see an animal’s shining eyes
which have already gone, so you feel your own eyes;
You stare at that sun, and then you are lost in the dark
– George Seferis

આપણા નાનકડા હૈયામાંથી જે છલકાઈ જાય તેને આપણે બીજા કોઈક અનુકૂળ હૈયામાં સંઘરી રાખવા ઇચ્છીએ. આ બે હૈયાં સિવાય ત્રીજું કોઈ એ વાત જાણે નહિ, માટે એ વાત છેક કર્ણમૂળ પાસે જઈને કહીએ, ને ત્યારે કર્ણમૂળ જે રતાશ પકડે તેનો રંગ પણ પેલી વાતમાં ભળે.

આ વાતની ખૂબી એ છે કે કોઈક ત્રીજાની ઉપસ્થિતિમાં એ કહેવાતી હોય છે. એ ત્રીજામાં આથી ઉદ્ભવતાં કુતૂહલ, ઇર્ષ્યા, રોષ – એનો પણ રસ એ વાતમાં ઉમેરાય છે. ઘણીવાર વાત તો નિમિત્તરૂપ હોય. એથી બીજાના કર્ણમૂળ સુધી પહોંચવાના આત્મીયતાના અધિકારને પ્રકટ કરવાનું જે સુખ થાય તે જ સાચી પ્રાપ્તિ.

આ જનસંકુલ જગતમાં જનવિરલ, પણ નિબિડ આત્મીયતાથી સભર, દ્વીપોની ખોટ નથી. એવી વાત કહેતી વખતે મન કાંઈ જુદો જ લહેકો વાપરતું હોય છે. બીજી કોઈ પરિસ્થિતિમાં એ નાટકી ગણાય. એમાં કોઈને વાયડાઈ પણ દેખાય. પણ અહીં તો એ સ્વાદની સામગ્રી બની રહે. કેટલાંક સત્યો આવાં જનાન્તિક ઉચ્ચારણને અન્તે જ પૂરું રૂપ પામતાં હોય છે. તર્ક અને તત્ત્વના બે પાટા પરની એની દોડ વ્યવસ્થિત અને ઝડપી બને ખરી, પણ અવ્યવસ્થિતતાના જ માધ્યમમાં જે પ્રકટે તે તો પ્રકટયા વગરનું જ રહી જાય!

ગદ્યનું આ જનાન્તિક સ્વરૂપ એને નર્યા તર્કસંગત તથ્યની બરડતામાંથી ઉગારવામાં કામ આવે છે. એમાં અંગત અભિગ્રહ પ્રતિગ્રહના કાકુઓ ઢાંકવામાં આવ્યા હોતા નથી. આ નિખલાસતાનો પણ એક અનેરો સ્વાદ હોય છે, ને સ્વસ્થ પ્રૌઢોનો ખોફ વહોરીને ય એ ચાખવો ગમે છે.

 

License

જનાન્તિકે Copyright © 1965 by Usha Joshi. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.