નિવેદન

[પહેલી આવૃત્તિ] 

કાળાં પાણીની સજાઓથી લઈ ત્રણ મહિનાની જેલ-મહેમાની સુધીનું બહોળું મેદાન કારાવાસના સાહિત્યને મળતું રહ્યું છે; અને લખનારાઓ પણ બારીદ્ર ઘોષથી માંડી છેક જ સામાન્ય કક્ષા સુધીના એ સાહિત્યને સાંપડેલા છે. લખાવટના સૂર તો સિલોન, સાઈબિરિયા અને સાબરમતીની જેલોને વિષે લગભગ સરખા જ –  પંચમ સૂરો – જ બજાવવામાં આવે છે; ‘ઓતરાતી દીવાલો’ જેવા તો માત્ર અપવાદો છે.

    જેલ-વહીવટનો એકંદર વિરોધ કરવા ઊછનારી લડાયક વૃત્તિ પોતાના હથિયાર તરીકે જ્યારે કલમ ચલાવે છે ત્યારે આ ‘પંચમ સૂર’ બેશક અનિવાર્ય બની જાય છે. પ્રચારકાર્ય, ખાસ કરીને રાજદ્વારી પ્રચારકાર્ય, તો એક પ્રચંડ વંટોળ જેવી વસ્તુ છે. ધ્વંસની નોબતો જ્યારે ગગડે છે ત્યારે તેથી કોઈ એક બીનકારના કોમલ બીન-સંગીતમાં ભંગ પડી જાય તેની ખેવના ધ્વંસના દેવને નથી હોતી – ન જ હોઈ શકે. રાજદ્વારી લડતના મોરચાનો દારૂગોળો પૂરનાર જેલ-સાહિત્ય તો ‘અ’ વર્ગના એક જણને થયેલી ઉધરસનો મહિમા ‘ક’ વર્ગના ક્રિમિનલને લાગેલ ન્યુમોનિયા તાવ જેટલો મૂલવાવે, તે સાવ સ્વાભાવિક છે.

    પરંતુ નવું લખાતું જેલ સાહિત્ય આજે એ પ્રચારકાર્યની સીમા વટાવીને નવી ભૂમિકામાં દાખલ થયું છે. જેલ કેવળ પીડક અને પીડિત વચ્ચેનું ઈરાદાપૂર્વકનું વૈરસાધક યંત્ર ગણાવાને બદલે માનવ મનોવૃત્તિના એક સંગ્રહસ્થાનની ગણનામાં આવી ગયેલ છે. આજનો લેખક ત્યાંની દુનિયામાં જઈ માનવ સ્વભાવના ઊંડાં આંતરપ્રવાહો તપાસવા લાગ્યો છે. ગયા બે વખતની રાજદ્વારી લડતમાં જેલ બરદાસ્ત કરી આવેલો તરુણ સમાજ દેશના મુક્તિમાર્ગ ઉપર એક-બે ડગલાં આગળ વધી શક્યો છે કે નહિ તે એક જુદી વાત છે, જેલમાં જઈ એ આધ્યાત્મિક શુદ્ધીકરણ પામી શક્યો છે કે કેમ તે એક વિવાદાગ્રસ્ત પ્રશ્ન છે, આધ્યાત્મિક શુદ્ધીકરણને કે સાદા જીવનસુધારને માટે પણ જેલયાત્રાની કહેવાતી ઉપયોગિતા હવે લગભગ ગપ્પ જ પુરવાર થઈ કહેવાય છે. પણ એક વાત સાચી છે, કે યુવકસમુદાય જેલની અંદર માનસશાસ્ત્રનાં નવાં પ્રકરણો લખાવે તેવી એક નવી દુનિયાનું  ઠીકઠીક દર્શન કરી આવ્યો છે. મનુષ્યને એના તમામ વેશપોશાકથી મુક્ત થયેલો – વણઢંકાયો – તદ્દન નગ્ન નિહાળી લેવાનું સ્થાન જેલ છે એ ચોક્કસ વાત છે. શરીરનાં ભીતરી અંગો નિહાળવાનું ક્ષ-કિરણ વિજ્ઞાને સંપડાવ્યું; મનઃપ્રદેશનાં ઊંડાણ ઉઘાડાં પાડવાનું સાધન – કારાગૃહ – ગઈ લડતે પૂરું પાડયું. પારકાની તેમ જ પોતાની નબળી-સબળી સમગ્ર મનઃસૃષ્ટિની આ પિછાન, આ દંભમુક્ત નિજદર્શન, એને જો આપણે ‘આધ્યાત્મિક શુદ્ધીકરણ’માં ઘટાવતા હોઈએ તો પછી પેલો મતભેદ જરૂરનો નથી.

    વધુ નિહાલ તો તેઓ થયા, કે જેઓને જેલોમાં ક્રિમિનલ કેદીઓનો સમાગમ જડી ગયો. પાંઉ-માખણ અને ટમેટાં-તકલીઓની નિરાળી નાની દુનિયામાં વસનારો ઊંચલા વર્ગનો કેદી જેલજગતની માનવતાને ભાગ્યે જ પેખી શકે છે.

    વર્ગોની વહેંચણ કરવાનું કાર્ય તે વખતના માજિસ્ટ્રેટોના સ્વભાવમાં બની રહેલ અકસ્માતોને જ આધીન હોઈ, આ લેખક પણ અગિયાર મહિનાને માટે એ મહિમાવંત અસ્પૃશ્યો માંહેલો એકે જ હતો. છતાં એનું પ્રથમ સદ્ભાગ્ય એ હતું કે ફાંસીખાનું તથા ફાંસી-તુરંગ બેઉ એનાં પાડોશીઓ હતાં. બીજું સદ્ભાગ્ય, એને જેલરની ઓફિસમાં મળેલું કારકુનનું કામ હતું. જેલ-ઑફિસની બારી સાથે એને રોજિંદો સમાગત હતો. ‘બારી’ એ જે કંઈ બબડયા કર્યું તે એણે સંઘરી રાખ્યું હતું. આજ એને શબ્દોમાં મૂકી શકાય છે.

    પણ એક સ્ફોટ થવો રહે છેઃ આ ચોપડીમાં લખ્યા તે બધા જ પ્રસંગો કંઈ અમુક કેદખાનાની ‘બારી’ એ કહેલા કે અમુક દીવાલોમાં જ બનેલા પ્રસંગો નથી; પાત્રો બધાં કોઈ એક જ જેલનાં નથી. ‘બારી’ પર કેટલાક તો માત્ર ઓળા પડયા હતા. એની રેખાઓ ક્ષીણ હતી, એ અસ્પષ્ટ આકારોને ઘાટી રેખાઓએ ઘૂંટવાના રંગો તો જુદી જુદી જેલોમાંથી આવેલા કેટલાક સ્નેહીઓની વાતોમાંથી મેળવ્યા છે. અમુક વ્યક્તિગત ઘટનાઓને બાદ કરતાં બાકીના તમામ પ્રસંગોને સાર્વજનિક માનસ-ચિત્રો જ બનાવવામાં આવેલ છે.

એ બધા સારા પ્રતાપ છે ‘બારી’ના. ‘બારી’ વિના તો જેલના આંતર-જીવનનો આ છે તેટલો સંપર્ક સાધવો પણ અશક્ય બન્યો હોત. અને ‘બારી’ પણ કબૂલ કરશે કે એક ડાકણ અને મનુષ્ય વચ્ચેનો આ સંબંધ પણ કદાચ એની કારકિર્દીમાં આ પહેલવહેલો જ હતો.

આનાં થોડાંક પ્રકરણો પ્રથમ ‘ફૂલછાબ’માં પ્રસિદ્ધ થયાં હતાં.

    મુંબઈ: 15-3-’34

    ઝવેરચંદ મેઘાણી

    [બીજી આવૃતિ] 

    આ ચોપડીનું નામ બિલકુલ કવિતાહીન અને અલંકારમુક્ત છે એ પરથી આમાં કારાવાસી જીવનના રાજદ્વારી જુલમો વગેરેનું બયાન હશે એવી શંકા સહેજે જાય તેમ છે. આ પુસ્તક આલેખવામાં મારી દૃષ્ટિ રાજદ્વારી પ્રચારકાર્યની નહોતી, શુદ્ધ માનવાત્માનું સંવેદન આલેખવાની હતી. એક પક્ષ પીડક ને બીજો પક્ષ પીડિત – એવા બે વર્ગ પાડીને લખ્યું નથી.

    જેલના તાળાબંધ પ્રવેશદ્વાર પાસે વહીવટકર્તાઓની ઑફિસ હોય છે, અને એ ઑફિસની બારી એ જેલ બહારની ને જેલ અંદરની દુનિયાઓ વચ્ચેનો માર્મિક સંપર્કનું એક માત્ર માધ્યમ હોય છે. ખાસ કરીને ‘મુલાકાત’ નામના જે કરુણ સંપર્કની બરદાસ્ત આ ‘બારી’ પર થાય છે તેની બરોબરી તો જીવનનું કોઈ પણ બીજું અંગ કરી શકે તેમ નથી. કોઈપણ જેલ સાહિત્યમાં એનો ચિતાર મેં જોયો નથી.

    આવી એક બારી પર હું 1930-31 ના અગિયારેક મહિના સુધી બેઠો હતો. ત્યાં બેઠાં બેઠાં મને જોવા, વિચારવા, કલ્પના તેમ જ દિલમાં ઘોળવા મળ્યું હતું એનું કલાવિધાન થાય તે માટે મારે ત્રણેક વર્ષની વાટ જોવી પડી હતી.

    1934માં હું જ્યારે આ લખવા બેઠો ત્યારે મને જોવા મળેલા જેલ અંદરની ને જેલ બહારની સૃષ્ટિ વચ્ચેના સંપર્કના તાત્કાલિક પ્રત્યાઘાતો શમી ગયા હતા. કલાવિધાનને વિક્ષેપકર એવું કોઈ વાતાવરણ મને પર ધગધગતું નહોતું. એટલે જ પછી મેં જેલખ્ર્ઑફિસની એ પરિચિત બારીને મોંએથી એની આત્મકથા સેરવી લીધી.

    સંજોગોવસાત્ આ પુસ્તક દબાઈ ગયું અને વચમાં કેટલાંયે વર્ષો સુધી અમુદ્રિત રહ્યું. વાચકોની દુનિયામાં એની કેવી છાપ પડી તેની જાણ પણ ઘણી મોડી પડી. કલકત્તાના એક હિન્દી કલમનવેશ દ્વારા આ પુસ્તક હિન્દી ભાષામાં ઊતરી રહેલ છે. સંખ્યાબંધ અજાણ્યા વાચકોએ ‘જેલ-ઑફિસની બારી’ને માટે મારાં સર્જનોમાં એક વિશિષ્ટ ને મહત્તર સ્થાનનો દાવો આગળ કર્યો છે.

    આઠ વર્ષે પુનરાવૃત્તિ કરવા માટે આ પુસ્તકને વાંચી ઝીણવટથી તપાસી જતાં મને પણ આ મારા નાનકડા સર્જનની વિશિષ્ટતા સ્પર્શી ગઈ છે, ને પ્રત્યેક પુસ્તકના નવ-સંસ્કરણ વખતે પ્રુફ-વાચનને નિમિત્તે મારે ત્રણેક વારે એ-નું એ લખાણ જોવું પડતું હોઈ હું જે અનેક ખૂંચતી કઢંગાઈઓને મારી પ્રત્યેક કૃતિમાંથી ચૂંટી કાઢવાનો સતત યત્ન સેવતો હોઉં છું, તેવી બહુ જ ઓછી કઢંગાઈઓ કે કલાવિહીનતાઓ મને આમાં નડી છે. ઓછામાં ઓછી છેકભૂંસ પછી એ પુનઃવાચકો પાસે આવે છે. રાણપુર: 3-6-42

ઝવેરચંદ મેઘાણી

License

જેલ-ઑફિસની બારી Copyright © by ઝવેરચંદ મેઘાણી. All Rights Reserved.