સહુનો ‘સાલો’

લાગી પડી છેઃ અમારા કાળુડા કારકુન અને જમાલ કેદીની વચ્ચે ઠીક લડાલડી લાગી પડી છે આજ સાંજે. સારું થયું કે મારો દિવસ છેક ખાલી જતો નથી. ને ઑફિસમાં  જ્યારે કોઈ જ નથી હોતું ત્યારે મને એકલાં એકલાં બહુ બીક લાગે છે. હું ભલામણ ખૂની-ડાકુઓનાં આંસુ નિચોવનારી બુઢ્ઢી, પણ એકાન્તથી તો થરથરી ઊઠું છું. એટલે સારું થયું કે આજ સાંજવેળાની મારી આ સૂમસામ દશા તૂટી અને અમારા કાળા કારકુન તથા જમાલ કેદી વચ્ચે જામી પડી.

    જમાલ કેદી આવતી કાલે છૂટે છે. એટલે અત્યારે એ એનાં લૂગડાંલત્તા લેવા, એના અંગૂઠાની છાપો દેવા અને એના શરીર ઉપરનાં ચહેરા-નિશાન ઓળખાવવા આવ્યો છે. હવે આ જમાલ ડોસો અત્યારે કેટલું હડહડતું જૂઠું બોલીને અમારા કારકુનસાહેબનું માથું પકવી રહ્યો છે! પચીસ-ત્રીસ ખાનાંવાળું એક કબાટ ઉઘાડી, તેની અંદરના એક પાનામાંથી એક પરબીડિયું કાઢીને કારકુનસાહેબ ટેબલ પર ઠાલવે છે. તેમાંથી એક પાવલી અને એક  પૈસો નીકળે છે. ત્રીજી નીકળે છે એ રૂપાની હાંસડી. જમાલ ડોસાને એ કહે છે કે ‘લો યે તુમરા કૅશ-જ્વેલરીઃ સવાચાર આને, ઔર યે રૂપેકી હાંસડી.’

    જમાલ ડોસો કહે છે કે ‘નહિ સાબ, મેરે તો પાંચ રૂપૈયે ઓર સવાચાર આને થે, ખાલી સવા ચાર આને નહિ.’

    ‘એસા! સાલા, એસા!’ કારકુનસાહેબથી આ જૂઠાણું શે સહેવાય? ‘સાલા, હમ જૂઠા? હમારી દો નંબરકી ‘કેશ-જ્વેલરી’ કી કિતાબ ભી જૂઠી? ઔર સાલા-તુમ એક કેદી સચ્ચા?’

    ‘ગરીબ પરવર!’ જમાલ ડોસો પગે લાગી લાગીને કહે છેઃ ‘મેં જૂઠ નહિ કહેતા હૂં. મૈં બાજારમેં મઝદૂરી કરતા થા વહીં જ પકડા ગયા. મૈં ઘરસે પાંચ રૂપૈયાકી નોટ ઔર એક રૂપૈયા લે કર આયા થા. મેરી બચ્ચી ઉસ્કે ધની કે ઘર કો જાનેવાલી થી. તો ઉસ્કી છોટી લડકી કે વાસ્તે મૈંને યે રૂપાકાં ગંઠા લિયા પોને બાર આનેકા, ઔર કપડે લેને કે બાકી થે, ઈતને મેં મુઝકો પકડ લિયા, યે બારી પ ઉસ રોજ જબ મૈં સજા ખા કર આયા તભ મૈંને પાંચ રૂપેયેકી નોટ ઓર સવા આને જમા કરવાયે થે –’

    ‘તો ક્યા પાંચ રૂપૈયેકી નોટ હમ ખા ગયા? કૌન ખા ગયા? જૂઠ, સાલા? જૂઠ? હમારે સામને જૂઠ? હમારે પર ચોરી ડાલતા હૈ? એય સિપાહી! મુકાદમ! ઈસકુ સાલાકુ લે જાવ, પચાસ ફટકા લવાગ –’

    વગેરે વગેરે ઘણી જ વીરત્વની વાણી ઉચ્ચારીને અમારા કારકુનસાહેબે જમાલ ડોસાને એની સાઠ વરસની જઇફ ઉંમરે ખસિયાણો પાડી દીધો, ને એના અંગૂઠાની છાપબાપ જે કંઈ જરૂરી વિધિ કરવાનું એને ‘સાલા’ શબ્દનાં  સંબોધનો સાથે કહેવામાં આવ્યું તે તમામ ચૂપચૂપ કરી આપીને જમાલ ડોસો એ આખરી રાત કાઢવા માટે પાછો ધક્કા ખાઈને જેલમાં ચાલ્યો ગયો.

    જમાલ ડોસાને મન જેમ પાંચ રૂપિયાની નોટ અને સવા ચાર આના એ દોલત હતી, તેમ મારી દુનિયામાં હું ગાળાગાળી, મારપીટ તથા આંસુનાં ટીપાંને મારી સાચી મૂડી ગણું છું. તેથી કરીને જમાલ ડોસાને ‘સાલા’ શબ્દનું સંબોધન કરવામાં આવ્યું તે મેં મારી તે દિવસની કમાણી તરીકે ગણીગણીને ગળામાં પહેરી લીધું બરાબર પા કલાકમાં સાડત્રીસ વાર એ ‘સાલા’નો ઉચ્ચાર થયો હતો. મારે તો સરસ મજાની એક હીરાકંઠીનો વેંત થઈ ગયો. તમારી વૈષ્ણવ ધર્મની કંઠી અને શૈવોની રુદ્રાક્ષમાળા કરતાં અમારી આ જેલ-ઑફિસની ‘સાલા કંઠી’ શું કંઈ કમ છે?

    વધુ રહસ્યની અને મીઠાશની વાત તો આમાં એ છે કે દસ મહિનાની સજા આજ સાંજે જમાલ ડોસાએ પૂરી કરી નાખી એટલે એ પોતાના મનમાં મલકાતો હતો કે હવે હું ગુનેગાર કેદી મટીને પાછો એક નિર્દોષ, ઇજ્જતદાર ઇન્સાન તરીકે બહાર નીકળું છું. પણ એની એવી ખુમારી અમારા કારકુને પાંચ જ મિનિટમાં ઉતારી નાખી. જમાલ ડોસાને એણે બરાબર ભાન કરાવી દીધું કે સાલા! તું બોલે તે કદી સાચું હોય જ નહિ. તારે હવે સાચું બોલવાની કશી જરૂર જ નથી રહી. તારું કોઈ સાચું માનશે જ નહિ. ધાર કે મારી પહેલાંના બાંઠિયા કારકુને તે દિવસે તારી પાસની ‘કૅશ-જ્વેલરી’ સંભાળી લેતાં હળવેક રહીને પેલી નોટ ગજવામાં મૂકી દીધી હોય અને પરબીડિયા પર ફક્ત ‘0-4-3 તથા એક હાંસડી કિંમત પૈસા બેની’ એટલું ટપકાવ્યું હોય, તો તેથી પણ તને શો હક્ક મળે છે અત્યારે આ હુજ્જત કરવાનો કે – ‘ગરીબપરવર! મેરી પાંચ રૂપૈયેકી નોટ થી’ વગેરે વગેરે!

    દેખીતી જ વાત છે કે વીસ રૂપિયાનો પગાર ખાનાર સરકારી કારકુન જૂઠો અને પોતે સાચો, એવું આ શહેરની બજારમાં વૈતરું કરનાર જમાલ ડોસો માની જ કેમ શકે? પોતે પાંચ રૂપૈયાની નોટ આપી હતી એવી પોતાને સો ટકા ખાતરી હોય, તોપણ પોતે એટલું તો સમજવું જ જોઈએ ને કે પોતાની ખાતરી એ તો આખરે એક ગુનો કરનાર ગરીબ મજુરના મનની ખાતરી થઈ! એ ખાતરી શી રીતે ખરી હોઈ શકે?

    અમારો જેલર કેટલીક વાર આ કારકુનસાહેબોને અવળી વિદ્યા ભણાવે છેઃ એ કોઈ કોઈ વાર તેઓને કેદી  પ્રત્યે પેલી ગૌરવભરી અને વીરતાભરી ‘સાલા-વાણી’ વાપરતા સાંભળે છે ત્યારે કહે છે કે સજા પામીને આવનારા તમામ કેદીઓ સાચેસાચા ગુનો કરનારા જ છે એમ તમે શા માટે, માની લો છો? અથવા એક વાર ગુનો કરી આવેલ કેદીને માટે બસ હવે કદી પ્રમાણિક જીવન જીવવાનો હક્ક નથી, એના અંતઃકરણમાં ઈશ્વર નથી, એને કશી ઈજ્જતઆબરૂ નથી, એવું કેમ માની લઈને એનાં ગલીચ અપમાનો કરો છો?

    આવી અવળી વિદ્યા ભણાવાતી હશે કદી? તો તો પછી આ કારકુનોમાંથી કાબેલ જેલરો ઘડાશે શી રીતે? આપણા વહીવટની સાચી ફતેહ તો ત્યારે જ થઈ ગણાય, ઓ મારા જેલરસા’બ, કે જ્યારે હરેક કેદી – શુ જમનટીપવાળો કે શું ચાર મહિનાની સજાવાળો ખ્ર્જેલની બહાર પગ દેતાં જ, બસ, એમ જ વિચારતો રહે કે હું હવે જિંદગીમાંથી રદબાતલ થઈ ગયો, ઇન્સાન મટી ગયો, મારા કપાળમાં ‘કેદી’ શબ્દનો ડામ ચોડાઈ ગયો, મારી પછવાડે શંકાથી ભરેલી અનેક આંખોના ડોળા ભમે છે. હું જૂઠું જ બોલી શકું – સાચ મને કદી સૂઝે જ નહિ, હું જમાલ ડોસો હવે નથી રહ્યો – હું તો છું જેલના કારકુનસાહેબનો ‘સાલો’.

    જેલ-નોકરીનો આવો સાચો રંગ જ્યારે જ્યારે હું તમારા કલેજા પરથી કોઈ કોઈ વાર ઊપડી જતો જોઉં છું ને, જેલરસા’બ, ત્યારે મને તમારા પર ચીડ ચડે છે. મને થાય છે કે તમે તમારાં પંચાવન વર્ષો પાણીમાં નાખ્યાં!

License

જેલ-ઑફિસની બારી Copyright © by ઝવેરચંદ મેઘાણી. All Rights Reserved.