વળાવી બા આવી

રજાઓ દીવાળી તણી થઈ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની.
વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં
જવાનાં કાલે તો, જનકજનની ને ઘર તણાં
સદાનાં ગંગાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં.

સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચનમંદસ્મિતવતી,
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ:,
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.

– ઉશનસ્ (પ્રસૂન)

આપણામાંના ઘણાના જીવનમાં અસાધારણ પ્રસંગો તો બહુ થોડા આવે છે. આપણું જીવન અનેક નાનાં સુખદુ:ખોનું બનેલું છે. એના તાણાવાણાથી જ આપણા જીવનનું પોત વણાય છે. એવો જ એક સાવ સાધારણ ને પરિચિત કુટુમ્બીઓના જુદા પડવાનો પ્રસંગ અહીં નિરાડમ્બરી રીતે રજૂ થયો છે. આ નિરાડમ્બરને કારણે જ એની વેદના વધુ વેધક બને છે તે આ કાવ્યની ખૂબી છે.

આજીવિકા રળવા દૂર દૂર વેરાઈ ગયેલા દીકરાઓ અને એમની વહુવારુઓ દિવાળી જેવા સપરમા દિવસોમાં ઘરે આવ્યાં છે; શિશુના કલ્લોલથી સૂનું સૂનું ઘર ગાજી ઊઠે છે. ઓરડાની દીવાલો સાથે અથડાઈને પાછી વળતી હવાના નિ:શ્વાસ સિવાય જે ઘરમાં બીજો શબ્દ સંભળાતો નહોતો તે ઘરમાં બંગડીનો રણકાર, ઝાંઝરનો ઝણકાર, બાળકોનો કલશોર, મોટેરાંઓની વાતના તડાકા – આ બધું ઘરને ખચી દે છે; સ્નેહ અને વાત્સલ્યની હૂંફ વાતાવરણમાં વ્યાપી જાય છે. જીવનના તાણાવાણા વણાતા જાય છે ને સુખી સંસારની સુંદર ભાત ઊપસી આવવાની તૈયારીમાં જ છે, ત્યાં વિયોગ ચોરપગલે આવીને વચ્ચોવચ પોતાનું આસન પાથરીને બેસી જાય છે.

વિયોગનો વેધ લાગતાંની સાથે જ એની શ્યામ છાયા બોલાતા શબ્દો ને કલશોર ઉપર જાણે છવાઈ જાય છે. વિયોગની અકળ વેદનાના ભારથી શબ્દો જાણે મૌનને તળિયે જઈને બેસે છે, ને એ રીતે, આ ઘરમાં મિલન પહેલાંની જે શૂન્યતા હતી, તે ફરી વિસ્તરતી અનુભવાય છે. બોલાતા બે શબ્દોની વચ્ચે, સંધાતી બે દૃષ્ટિની વચ્ચે એ શૂન્યતાનો જુવાળ ઘૂઘવી ઊઠે છે. આથી શબ્દ બોલવાની હિંમત ચાલતી નથી, દૃષ્ટિ ઉઠાવવાની હામ નથી રહેતી. કવિ વિયોગની આગલી રાતનું સુરેખ મર્મસ્પર્શી ચિત્ર આંકે છે:

‘લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા…’

છેલ્લી વાર બધાં ભેગાં બેઠાં છે – પિતામાતા, ગંગાસ્વરૂપ ફોઈ (જેને કદાચ વૈધવ્ય પછીથી આ ઘરનો જ આશ્રય લેવાનો રહ્યો છે!), દીકરાઓ ને તેમનું કુટુમ્બ – પણ એ બધાંની ભેગો વિરહ પોતે પણ ગોઠવાઈ ગયો છે! પણ વૃદ્ધોએ આ પહેલાં આવા ઘણા વિરહો વેઠ્યા છે, એટલે એને ઉવેખવાની હામ એઓ જ ભીડે છે; ને નિરર્થક, કશા મહત્ત્વ વિનાની, કાંઈ ને કાંઈ વાતો ચાલુ રાખીને, ધસ્યા આવતા નિસ્તબ્ધતાના જુવાળને ખાળવા મથી રહે છે:

‘ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં.’
નિષ્ફળ જવા નિર્માયેલા પ્રયત્નમાં જ કેવી કરુણતા રહેલી છે?

આમ આખરે સવાર થયું. પંખીઓનો ટહુકાર બહાર તો થયો પણ ઘરમાં બાળકોનો ટહુકો થયો નહીં. મોટાભાઈ ને ભાભી પોતાનાં બાળકોને લઈને મોંસૂઝણું થાય તે પહેલાં ચાલ્યાં ગયાં! આમ સૂરજ ઊગતાં તો ઘર અર્ધું ખાલી થઈ ગયું. પછી તો વિરહના ચક્રવર્તીપણાની આણ વિસ્તરવા જ લાગી. બાને એક જ કામ રહ્યું – બાકીનાં બધાંને વદાય કરવાનું. તરતના પરણેલા બે ભાઈઓની નવી વહુઓનું કવિ, એક સરસ સમાસ યોજીને, આપણાં મનશ્ચક્ષુ સમક્ષ તરવર્યા કરે એવું ચિત્ર આંકી દે છે: ‘પ્રિયવચનમંદસ્મિતવતી.’ મલાજાને કારણે પ્રિય સાથે ધીમે અવાજે વાત કરતી, મર્યાદાને કારણે ખડખડાટ હસતી નહીં, પણ સ્મિત ધારણ કરતી એ બે વહુઓ પણ આખરે ગઈ. એમને વદાય કરીને જ્યારે સૂના ઘરમાં બા આવી, ત્યારે જાણે વિજય પામેલા વિરહને ચરણે એ ફસડાઈ પડી.

છેલ્લી પંક્તિમાં વિરહની વ્યાપકતાને કવિએ લાઘવપૂર્વક પણ મૂર્ત રૂપે આલેખી છે; ને આપણે પણ છેલ્લી પંક્તિને પગથિયે રૂંધાયેલે હૈયે ફસડાઈ પડીએ છીએ.

License

ગુજરાતી કવિતાનો આસ્વાદ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.