રમણીય રૂપસૃષ્ટિમાં – ગુલાબદાસ બ્રોકર

અનુભૂતિ જ્યારે નવા નવા આકારો દ્વારા આવિષ્કાર પામે છે ત્યારે હંમેશાં આકર્ષક બની જાય છે. એક ને એક જ નહીં, તો એક ને એક જ ધાટીના આકારો જોવા ટેવાયેલી આંખોને તે કોઈ રમણીય વૈવિધ્ય પૂરું પાડે છે, અને એ વૈવિધ્યની રમણીયતા દ્વારા અનુભૂતિની આગવી ચોંટને પણ તે, ઘણીયે વાર, વધારે ધારદાર, વધારે વેધક અને વધારે સત્ત્વશીલ બનાવી મૂકે છે. ખાસ કરીને જ્યારે આકારોની એકવિધતા બંધિયારપણાની હદ સુધી પહોંચી ગઈ હોય ત્યારે તો, આ નવી રૂપસૃષ્ટિ સવિશેષ કાર્ય કરે છે. એના આગમન દ્વારા બંધિયાર પાણી વહેતાં થાય છે, અને નવી નવી ભૂમિ નીરખવાનો, નવાં નવાં ક્ષેત્રોને પલ્લવિત કરવાનો અને નવી નવી શક્યતાઓ તરફ પ્રસ્થાન કરવાનો બૃહત્ લાભ એ જલને મળે છે. અને એ રીતે ‘હવે આમાં તો કશુંયે જોવા જેવું રહ્યું નથી’ એવી માન્યતા પેદા કરી રહેલાં, અને એમ પોતાનું સાર્થક્ય ખોઈ બેસવા આવેલાં, એ જલ ફરી પાછાં લહેરાતાં જાય છે, અને નવાં નવાં સૌંદર્ય પ્રાપ્ત કરે છે.

શ્રી. સુરેશ જોષીના આ પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ની એકવીસ વાર્તાઓ ઉપર નજર નાખતાં વેંત તેમનાં રૂપરંગ, આકારની નવીનતા પ્રથમ જ ધ્યાન ખેંચી રહે છે; અને તેનું આકર્ષણ ઉપર લખ્યા તેવા વિચારો પ્રેરે છે. આપણે ત્યાં બીબાંઢાળ બની ગયેલા ઘાટોમાં લગભગ સરકી ગયેલી, અને એ રીતે પોતાનું વ્યક્તિત્વ લગભગ ગુમાવવા આવેલી, હમણાં હમણાં લખાતી મોટા ભાગની વાર્તાઓથી પોતાની નવીન શૈલી, નવીન આયોજનપદ્ધતિ, નવા જ આકાર અને નવીન ઉપમા અલંકાર પ્રતીકાદિથી સ્પષ્ટ રીતે જુદી પડી આવતી આ વાર્તાઓ ટૂંકી વાર્તાના સાહિત્યના રૂપરંગના રસિક અભ્યાસીને જોઈતું આકર્ષણ પૂરું પાડે તેમ છે; અને એ સાહિત્યના અંતરતત્ત્વના મર્મગામી વિવેચકને પણ નિરાશ કરે તેમ નથી. એટલું જ નહીં, પણ ટૂંકી વાર્તામાં જે અનંત શક્યતાઓ સમાયેલી છે તેમાંની થોડીક શક્યતાઓ તરફ એ આપણને બળપૂર્વક દોરી લઈ જાય છે, એ એનું વિશિષ્ટ અર્પણ છે.

નિદર્શનરૂપે આપણે વાર્તા જ જોઈએ. ‘ગૃહપ્રવેશ’ સંગ્રહને એનું નામ અર્પનારી વાર્તા છે. વસ્તુ સાદુંસીધું છે. પ્રફુલ્લ નામનો એક માણસ પોતાના ઘરમાં બે છાયાઓને જુએ છે. એક છાયા એની પત્નીની છે, બીજી…..બીજી…..? અસહ્ય યાતનાથી એ ખ્યાલે એ પીડાઈ મરે છે. કશા ધ્યેય કે કોઈ સ્પષ્ટ ખ્યાલ વિના એ પીડાના ભારે પીડાતો આમ તેમ આંટા મારે છે, એક મિત્રને ઘેર ડોકાય છે, બીજો મિત્ર મળે છે તેની સાથે તેને ઘેર ઊપડે છે, આડીઅવળી અસંબદ્ધ, અને આ સંદર્ભમાં અતિશય છીછરી અને બેહૂદી લાગે એવી વાતો કરે છે… પોતે પોતામાંથી દૂર ઘસડાઈ જવા જાણે ન માગતો હોય! અંતે એ મિત્ર સુહાસની જોડે પોતાના ઘર તરફ જાય છે. પત્ની માયાની, માયાવિની માયાની, છાયા હજી પેલી બીજી છાયા સાથે જ એ ઘરમાં પુરાયેલી છે. ઉમેરાયું છે માત્ર પોતાની તરફ ધસી આવતું માયાનું મુક્ત હાસ્ય. પ્રફુલ્લ હતબુદ્ધિ, હતપ્રભ બહાર ઊભો રહે છે. સુહાસ અંદર જાય છે, પેલી બીજી છાયાને બોચીએથી પક્ડી ભોંય પર પછાડે છે, ને પ્રફુલ્લ અંદર જાય છે: ‘ગૃહપ્રવેશ’ કરે છે: પણ એ અંદર નથી ગયો, એનો પડછાયો જ અંદર પ્રવેશ્યો છે તેમ તેને લાગે છે.

એટલે વાત તો સાદીસીધી જ છે: વ્યભિચારિણી પત્નીની વિલાસિતાના દ્રષ્ટા બનેલ કમભાગી પતિની યાતનાના નિદર્શનની; પણ જે રીતે એ આખી વાત કહેવાઈ છે તે એટલી બધી નવીન છે કે આપણા ગુજરાતી સાહિત્યમાં તો એ રીતે બીજી એક્કે વાત કદાચ કહેવાઈ નહીં હોય, તેમાં માંડીને વાત કહેવાતી નથી, આગળપાછળની ભૂમિકા અપાતી નથી, એ સ્ત્રી કોણ હશે, એનો પ્રેમી કોણ હશે, કેમ એ બધું થયું, પ્રફુલ્લે એ બધું શી રીતે જોયું, એ કશુંય એમાં આવતું નથી. માત્ર પ્રફુલ્લ એ બે છાયાઓને જોઈને શું શું અનુભવે છે એનું સબળ અને નવીનતાની તાજગી ભરી વાણીમાં કરેલું વર્ણન એમાં આવે છે. અને એ દ્વારા જ એ વાત પોતાનો આખોય મર્મ ખુલ્લો કરે છે. પોતાની જાતમાંથી મુક્ત થવાનો, સમજેલા શબ્દોને – ‘પ્રેમ, ઈર્ષ્યા, ઘૃણા, દયા આદિ શબ્દોને બાઝેલા અધ્યાસપિણ્ડને ખંખેરી’ નાખવાનો પ્રફુલ્લનો પ્રયત્ન એ સ્થિતિમાં મુકાયલા માણસની આખીયે યાતના, જે એને પોતાને પણ એક પડછાયા રૂપ જ બનાવી મૂકે એવી યાતના, એના સઘળાયે દર્દમય સંવેદન સહિત વાત વાંચતાં સાથે જ મૂર્ત થઈ જાય છે.

હાં, તો પરિસ્થિતિના આઘાત દ્વારા સર્જાતી માનસિક ભૂમિકા અને તેને અંગે સર્જાતી ભૌતિક-આચરણ, પ્રસંગ ઘટના વગેરેની લીલાનું દર્શન અને નિરૂપણ પોતાની જ આગવી અને અનોખી રીતે કરવાનું શ્રી. સુરેશ જોષીને ગમે છે. એ આ વાર્તા દ્વારા જ માત્ર નહીં, પણ આ સંગ્રહની બીજી વાર્તાઓ દ્વારાયે સ્પષ્ટ જોઈ શકાય છે. ‘નળદમયંતી’ની વાર્તા જોઈએ તો તેમાં પણ એ જ સ્ફુરણલીલા જોવા મળશે. પોતાની જાતને ઘડીભર માટે બીજાનું રમકડું બનવા દેવાની પરિસ્થિતિમાં મુકાયેલી સ્ત્રી એ પરિસ્થિતિના આઘાત નીચે કઈ માનસિક કક્ષાએ વિચરે, અને શી રીતે વર્તે, તેનું તેમાં અત્યંત આકર્ષક લાગે એવું વર્ણન નિરૂપણ છે. ‘કાલીયમર્દન’માં એ છે, ‘રાત્રિર્ગમિષ્યતિ’માંય એ છે. વાર્તાલેખક તરીકે શ્રી. સુરેશ જોષીનો આખોએ વાર્તાકાર જીવ પરિસ્થિતિના આઘાતથી સર્જાતી ભૂમિકા – ભૌતિક, માનસિક, અને અન્ય – સમજવામાં, અને એનું સર્જનાત્મક નિરૂપણ કરવામાં રાચે છે. અને એટલું જ થઈ શકે તો એમાં જ વાર્તાની ઇતિશ્રી અને વાર્તાકારની સફળતા આવી ગઈ છે એમ એ માનતા હોય તોયે નવાઈ નહીં, એટલું તો વાર્તાઓ વાંચતાં સ્પષ્ટ થઈ જ જાય છે.

એટલું જો થઈ શકતું હોય તો પછી બીજી વાતો એમને મન, કદાચ ગૌણ બની જતી હોય એમે બને. એ વિના આ વાર્તાઓમાં ડોકાઈ આવતી ઘટનાવિભાગની અસંગતિઓ શી રીતે સમજી કે સમજાવી શકાય? દાખલા તરીકે ‘ગૃહપ્રવેશ’ના નાયકની માનસિક ભૂમિકાનો એ વાર્તામાં અદ્ભુત ખ્યાલ આવ્યો છે. પણ પ્રશ્ન તો આપણને એ થાય કે એમાં એ માણસ જે રીતે વર્તે છે એ રીતે એના જેવાં શિક્ષણ અને સામાજિક દરજ્જો ધરાવતો માણસ વર્તે ખરો? એણે જે જોયું છે એ અસહ્ય છે. એનો આઘાત પણ એવો જ અસહ્ય હોવાનો – છે જ, એટલે તો એ પોતે પોતામાંથી છટકી જવા મથે છે, શબ્દોને બાઝેલો આખોયે અધ્યાસપિણ્ડ ખંખેરી નાખવા મથે છે, પણ તો એવા આઘાતથી ઘવાયેલો માણસ જે ગુહ્યાતિગુહ્ય છે એવી પોતાની અંગત વાતમાં ‘વફાદાર કૂતરો જેમ માલિકને કપડું મોઢામાં ઘાલીને ખેંચે’ તેમ સુહાસને પોતાના ઘર તરફ ખેંચે ખરો? અને સુહાસ પેલા માણસને બોચીએથી પકડી પછાડે પછી જ પોતે – પોતાનો પડછાયો, ભલે ને – એ ઘરમાં દાખલ થાય ખરો? માનસિક ભૂમિકા ગમે એવી સાચી હોય, ઘટનાઓની પરંપરા કંઈ બરોબર લાગતી નથી.

‘નળદમયંતી’માં પણ ઘટનાઓની પરંપરામાં કંઈક આવી જ અસંગતિ દેખાય છે. એક તો ભૌતિક અને આથિર્ક પરિસ્થિતિ લેખકે એવી નથી ઉપજાવી જેથી ચિત્રા જેવી સ્ત્રી જે માર્ગ અંગીકાર કરે છે તે કરવા લલચાય. લલચાયા પછી પણ તે જે રીતે વર્તે છે – થિયેટરમાં નહીં, ઘેર આવ્યા પછી પતિ સાથેની વાતચીતમાં, અને તે પછીના તે રાતના તેની સાથેના તેને ‘કોઈ અભૂતપૂર્વ ઉલ્લાસની ભરતીમાં ઝબકોળી દેતા’ આમોદપ્રમોદમાં – તે ગમે તેટલું સરસ રીતે લખાયેલું હોય છતાં પ્રતીતિકર તો નથી જ લાગતું. જોકે આ વાતમાં આલેખન એવું અદ્ભુત નવીન સુંદર રીતે થયું છે કે માનસિક ભૂમિકા પણ પ્રતીતિકર લાગી જાય, કદાચ; પણ લેખકે સર્જેલા એ સૌંદર્યની જાળ ભેદતાં એયે કદાચ એટલું પ્રતીતિકર ન લાગે તો નવાઈ નહીં.

‘રાત્રિર્ગમિષ્યતિ’માં પણ લીલાનો માનસિક પ્રત્યાઘાત ગમે તેટલો સાચો હોય છતાં પણ એના પરિણામરૂપ ઘટના જે રીતે આવિષ્કાર પામે છે એ વાત પણ કંઈ બંધ બેસતી લાગતી નથી.

દાખલાઓ તો હજીયે ઉમેરી શકાય, પણ આ બધા દ્વારા જે એક વાત પ્રતિપાદિત થાય છે તે આટલા દાખલાઓથી પણ એવી સ્પષ્ટ બની જાય છે કે એવા વિશેષ ઉમેરાની કશી જ જરૂર રહેતી નથી.

તે વાત તે આ.

કલામાત્ર સત્યને પ્રકાશિત કરવા મથે છે: વાણીની કલા તો ખાસ. પણ વાણીનું વાર્તારૂપી કલાનું વિશિષ્ટ સ્વરૂપ તથ્યના ઉપાદાન દ્વારા જ સત્યને પ્રકાશિત કરી શકે છે. એનો અર્થ એમ ન થયો કે સત્ય તથ્યનું, એટલે કે ‘તથા’નું, હકીકતોનું, આશ્રિત છે; સત્ય તો તથ્યથી પર, એને અતિક્રમીને, ઘણીયે વાર, પડેલું હોય છે, અને કુશળ કલાકાર વ્યંજના દ્વારા એને, એ તથ્યનું અવલંબન લઈને પ્રકાશિત કરી મૂકે છે: રાત્રિના ભીષણ અંધકારમાંયે વીજળીનો એક લિસોટો આકાશના સૌંદર્યને પ્રકાશિત કરી મૂકે તેમ. એટલે સત્ય એ તો સ્વયંજ્યોતિ છે, પણ છતાંયે, આ સ્વરૂપના સંદર્ભમાં તો એને તથ્યની ગોઠવણી દ્વારા જ પોતાનો પ્રકાશ ફેલાવવાનો રહે છે. એ ગોઠવણી ખામી ભરી હોય તો? સત્ય એટલું ઝંખવાય નહીં? એનાં વીજતેજ એટલાં ઝાખાં ન પડે? તથ્ય આલંબન ભલે હોય, ઉપાદાનમાત્ર ભલે હોય, પણ કલાના આવા નાનકડા અને મામિર્ક સ્વરૂપમાં એની અવગણના તો મુદ્દલે થઈ ન શકે.

શ્રી. સુરેશ જોષીની વાર્તાઓમાં એની અવગણના થતી વારંવાર દેખાઈ આવે છે એ તરફ જો અંગુલિનિર્દેશ ન કરવામાં આવે તો અનેક શક્યતાઓથી ભરેલા એ યુવાન લેખક પ્રત્યે અન્યાય કર્યો ગણાય.

એ તો સાચું જ છે કે તથ્યની પૂરેપૂરી કાળજીભરી ગોઠવણી, રસિક ગોઠવણી, જો સત્ય તરફ વાચકને દોરી ન જતી હોય તો, એ જે કાગળ ઉપર લખાયેલી હોય એટલી કિંમતની પણ નથી હોતી; પણ સાથોસાથ તથ્ય તરફની બેદરકારી પણ, પ્રકાશિત થવા મથતા સત્યના માર્ગમાં અંતરાય નાખતી હોઈ, આવકારયોગ્ય ન જ ગણાય. આ વાર્તાસંગ્રહનું બળવાન તત્ત્વ સત્યને પ્રકાશિત કરવાની લેખકની સહજ અભિરુચિ અને આવડત છે, પણ એની નબળી કડી પ્રતીતિકર તથ્ય પ્રત્યેની થોડી અવગણના કે ઉપેક્ષાવૃત્તિ છે. કદાચ, જે આવેગ લેખકને એના સર્જન જોમમાં ઢસડી જાય છે, પોતાને અભિપ્રેત કથનને ઉજાળવા, એ આવેગ જ એમને આ તૂટતી કડી વિશે જરા ઉપેક્ષામય બનાવી દેતો હોય તોયે નવાઈ નહીં.

જરા લંબાણથી આ વાર્તાઓ વિશે વાત કરી; પણ સંગ્રહની માત્ર આટલી જ ચર્ચાયોગ્ય વાર્તાઓ છે એવું નથી. ‘વૈશાખ સુદ અગિયારસ’ નામની વાર્તા, એ અગિયારસ આ ધરતીને ઉજાળી દે છે એવી જ સહૃદયના ચિત્તની ધરતીને ઉજાળી મૂકે એવી સુંદર વાર્તા છે. વાર્તા છે તો માત્ર સાડાપાંચ પાનાંની – સંગ્રહની ઘણી ખરી વાર્તાઓ આટલી જ નાની છે એ પણ આ લેખકની લેખનકલાની એક વિશિષ્ટતા છે: આડાઅવળા ફંટાયા વિના પોતાને અભિપ્રેત વાતને થોડામાં થોડા શબ્દોમાં, થોડાંમાં થોડાં પાત્રો દ્વારા, થોડામાં થોડા પ્રસંગોની મદદથી રજૂ કરવાની – પણ એમાંથી, વિધવા બન્યા પછી પોતાની જાતને કુટુંબના નાનામોટા સહુના કામમાં ડુબાડી દેવાની, અને કુટુંબની દરેકે દરેક વ્યક્તિને માટે વિશ્રંભ મૂકી શકાય જેના ઉપર એવું વિરામસ્થાન બની જવાની કેતકીની જે તમન્ના છે તે તો દેખાય જ છે; પણ એના હૃદયની જે અપાર અને અકથ્ય વેદના છે – જેને એ થોડી એક પળો પૂરતી જ અવકાશ આપવા લાચાર બની જાય છે – તે વેદનાનું એમાં જે સૂક્ષ્મ અને મર્મગામી આલેખન થયું છે તે કદાચ એ વાર્તાને આ સંગ્રહની જ નહીં પણ આપણા વાર્તાસાહિત્યની ઉત્તમ કૃતિઓમાંની એક તરીકે સ્થાન અપાવે તો, આ લેખકને તો આશ્ચર્ય નહીં જ થાય. અલ્પકથન, જો કલાના સામર્થ્યપૂર્વક થયું હોય તો, કેટલું સાર્થ નીવડે છે એ આ વાર્તા સિદ્ધ કરી જાય છે.

આ વાર્તાસંગ્રહ વાંચતાં જે એક છાપ સ્પષ્ટ રીતે વાચકોના ચિત્ત ઉપર છપાઈ જવાનો સંભવ છે તે તેના વિષયોની પસંદગી વિષે હશે. સ્ત્રીપુરુષોના જાતીય સંબંધો વિશે સંગ્રહમાં વાર્તાઓ છે; અને તેના વિવરણમાં લેખકે ડોળ દંભ કે ચોખલિયાપણાનો બિલકુલ આશ્રય લીધો નથી. એટલું જ નહીં, પણ ઘણી બધી વાર સુકુમાર રુચિતંત્રવાળા વાચકોની રસવૃત્તિ દુભાય એવી રીતે પણ જાતીય વૃત્તિના અનેકાનેક આવિષ્કારોનું તેમણે નિર્ભેળ અને નિર્ભય વિવરણ અને વર્ણન કર્યું છે. એ બધું કેટલે અંશે નિવાર્ય, કેટલે અંશે અનિવાર્ય, ને કેટલે અંશે નિર્વાહ્ય એ રસિક ચર્ચાનો વિષય થઈ પડે: સાહિત્યમાં શ્લીલ અને અશ્લીલ હંમેશાં રસિક ચર્ચાનો વિષય થઈ પડે છે જ ને? પરંતુ એ બધી ચર્ચા કરવાને બદલે સમભાવી વાચકે તો એક જ પ્રશ્ન પોતાની જાતને પૂછવો જોઈએ: આ બધું ગમે તે આવે તે જીવનના સત્ય તરફ અંગુલિનિર્દેશ કરે છે કે નહીં? જે કંઈ એ કરતું હોય એ બધું કલાની સૃષ્ટિમાં નિર્વાહ્ય ગણાય; જે કંઈ એ ન કરતું હોય તે, ધામિર્ક કે નૈતિક કે એવી સફલી સફલી અનેક વાતો કરતું હોવા છતાં કલાની મહોર કદીયે પામી શકે જ નહીં. એ દૃષ્ટિએ જોતાં ‘કાલીયમર્દન’ કે ‘નળદમયંતી’ જેવી વધારે પડતી ઉઘાડી લાગતી વાતમાં પણ સહૃદયને અશ્લીલતા કરતાં કલાપ્રિયતાનાં જ, સત્યને સમજવા મથતી અને તેને ઢાંકી રાખતું આવરણ ખસેડવા મથતી સર્જક કલાવૃત્તિનાં જ દર્શન થશે એમાં મને કશી શંકા નથી.

એ બધીયે વાતો પણ ક્યાં એવી જાતીય જીવનના કાદવની જ વાતો છે? ‘કાદવ અને કમળ’ કાદવની જોડે જોડે જ, કાદવની વચમાં જ ઊગેલા કમળની એક ભાવનામય વાત છે, તો ‘વાર્તા કહો ને’ તો એની દેખીતી અશ્લીલતા છતાં અત્યંત શ્લીલ અને સ્પૃહણીય ભાવની વાર્તા છે. નાની એવી એ વાત પણ સંગ્રહની ઉત્તમ વાતોમાં સહેજે પોતાનું સ્થાન પ્રાપ્ત કરી લે છે.

ને જાતીય ભાવને સ્પર્શ ન કરતી હોય એવી વાતોય સંગ્રહમાં ક્યાં નથી? ‘જન્મોત્સવ’ એના કુશળ સંચાલન દ્વારા બે પરિસ્થિતિને એક સાથે એવી સુંદર રીતે રજૂ કરી જાય છે કે એની કરુણતા આપોઆપ આપણા મનમાં સ્થપાઈ જાય છે; તો ‘પ્રિયતમા’ રોમાનોફની એક વાર્તાની મધુર યાદ આપતી હોવા છતાં, પોતાની સ્વતંત્ર રીતે જ, આત્મવંચના ઉઘાડી પડતાં થતાં નૈરાશ્યનું, થોડું ઘણું સહેલું અને થોડું કહેવાઈ ગયેલું છતાંયે મનોરમ નિદર્શન કરે છે. ‘ત્રણ લંગડાની વારતા’ એક રૂપક દ્વારા જીવનની નિરાધાર કરુણતાને જ ગુંજતી કરવા મથે છે. તો ‘વાતાયન’ ખરેખર લંગડાની મંથનમય મનોદશાને પોતાની આગવી રીતે સ્પષ્ટ કરે છે.

શરૂઆતમાં કહ્યું છે તેમ, આ વાર્તાઓ દ્વારા શ્રી. સુરેશ જોષી આપણી ટૂંકી વાર્તાના સાહિત્યમાં એક નવીન ભૂમિને સ્પર્શ કરે છે. આમાંની કોઈ પણ એક વાર્તા ઉઘાડતાં અને તેની શૈલી, ભાષા આયોજનરીતિ, પ્રતીકયોજના વગેરે જોતાં એ વાત સ્પષ્ટ થઈ જાય છે. લેખક સાહિત્યમાં પ્રતીકવાદના અત્યંત પુરસ્કર્તા છે અને તેમની આ વાર્તાઓમાં પણ પ્રતીકયોજનાનો આશ્રય તેમણે વારંવાર લીધો છે. તેમણે નવીન રીતિ સર્જી છે. ને નવીન રીતિને જેમ એનાં આગવાં આકર્ષણ હોય છે તેમ એની મુશ્કેલીઓ પણ હોય છે, જ્યાં જ્યાં લેખક સફળતા પામ્યા છે ત્યાં પરિણામ સુંદર આવ્યું છે, પણ જ્યાં એ નવીનતાના આકર્ષણમાં મૂળ વાતને પૂરો ન્યાય નથી આપી શક્યા ત્યાં પરિણામે કશુંક ધૂંધળાપણું, કશીક અસ્પષ્ટતા અને કશુંક ઉપરછલ્લાપણું દેખાયા વિના રહેતું નથી. ક્યાંક, એવે વખતે, વાર્તા માત્ર ચાતુરીની કરામત જેવી જ બની જાય છે – ‘પાંચમો દાવ’ વગેરે બની ગઈ છે તેમ; ક્યાંક ઉપરછલ્લાપણાનાં નિદર્શન જેવી – ‘ચુમ્બન’ વગેરે બની ગઈ છે તેમ. કેમ કે આ નવીન રીતિનો આગ્રહ એક વસ્તુ તો આ લેખકના પ્રસંગમાં કરે છે જ, તે – વાર્તાના પિણ્ડને પૂરો પુષ્ટ, પૂરો ઘન, ઘણી વાર, બનવા નથી દેતો. એ લેખકના મનમાં પોતાને કહેવી છે એ વાત એટલી સ્પષ્ટ છે, અને વ્યંજના શક્તિનો વધારે વધારે ઉપયોગ કરીને ઓછામાં ઓછા શબ્દો પાત્રો અને પ્રસંગો દ્વારા એ વાત કહેવાનો એમના મનમાં એવો જબરજસ્ત અભિનિવેશ છે કે એ પોતે કેટલીક વાર જ્યાં વાર્તાને સંપૂર્ણ બની ગઈ માને ત્યાં વાર્તા – ‘સાત પાતાળ’ની વાર્તા બની છે તેમ – એક ઘટનાવિશેષ માત્ર, કોઈક વાર્તાના એક ખંડ જેવી માત્ર બની જાય, ‘અભિસાર’ વગેરે બની છે તેમ, દર્દ અને વેદનાને વ્યક્ત કરવા મથતો એક પ્રયોગ માત્ર બની રહે છે. દર્દ અને વેદનાને વ્યક્ત કરવા માટે લેખકે બુદ્ધિપૂર્વક યોજેલ પ્રતીકોના પ્રયોગોનો આ સંગ્રહના રસિક વાચકોએ અભ્યાસ કરવા જેવો છે.

પરંતુ એ બધી વાતનો ઝાઝો અફસોસ કરવા જેવું નથી; કેમ કે ટૂંકી વાર્તાના આપણા ક્ષેત્રમાં આ વાર્તાઓ નવતર તેટલી જ સબળ પ્રયોગો રૂપ છે – જે પ્રયોગોમાં અનંત શક્યતાઓ ભરેલી છે તેવા, અને જેને ઘણીયે વાર સુંદર અને સુસ્પષ્ટ સિદ્ધિઓ મળી છે તેવા પ્રયોગો રૂપ. લેખકનું બહુશ્રુતત્વ, તેમની કવિત્વમય ભાષાશૈલી, ઊંડી નજરે જોવાની અને વસ્તુના ઊંડાણમાંથી તેનો તાગ મેળવવાની તેમની કુદરતી બક્ષિસ વગેરે સમર્થ ગુણો આ પ્રયોગોને માત્ર પ્રયોગો ન રહેવા દેતાં, તેમના સામર્થ્ય દ્વારા અનેક શક્યતાઓભર્યા નવા પ્રસ્થાનના પહેલા પગલા તરીકે તેમને અત્યંત આકર્ષક બનાવે છે. અને એમાં શ્રી. સુરેશ જોષીનું જ માત્ર નહીં, પણ આપણા ટૂંકી વાર્તાના સાહિત્યપ્રકારનું પણ શ્રેય જ સમાયેલું છે.

એટલે એ શ્રેયના દર્શને આનંદિત થઈને, અને આપણી બંધિયાર બની રહેવા આવેલી વાર્તા સૃષ્ટિને નવીન દિશા સુઝાડવામાં મદદરૂપ થનાર આ વાર્તાસંગ્રહને યોગ્ય માન આપીને, આપણે લેખકને એટલું જ કહીએ કે તમારો પ્રફુલ્લ ભલે પડછાયા રૂપે જ ‘ગૃહપ્રવેશ’ કરે પણ તમે તો ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં આદરપૂર્વક ગૃહપ્રવેશ પામો છો જ.

અને એ રીતે આપણે આ લેખકને અને આ સંગ્રહને સત્કારીએ.

– ગુલાબદાસ બ્રોકર
વિલેપાર્લે

License

ગૃહપ્રવેશ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.