પરગજુ વ્રજભૂખણદાસ

વ્રજભૂખણદાસ અંધેરીથી ચર્ચગેટની ડબલ ફાસ્ટમાં મહામુશ્કેલીએ થર્ડ ક્લાસમાં ચઢી તો શક્યા. ચઢ્યા પછી એમણે પોતાના ભારે શરીરનો ભાર કોઈને અન્યાય ન થાય એવી રીતે સરખે હિસ્સે આજુબાજુના મુસાફરોમાં વહેંચી નાંખ્યો – થોડી વાર સુધી એ ભાર સહન કર્યા પછી આજુબાજુના મુસાફરોએ પોતાની સ્થિતિચુસ્તતા પરના નવા આક્રમણનો વિરોધ પ્રકટ કર્યો. અંધેરી સ્ટેશનને વટાવીને પારલા તરફનો વળાંક લેતાં ગાડીએ આંચકો આપ્યો; એ આંચકાને પરિણામે વ્રજભૂખણદાસનું શરીર આજુબાજુના શરીર સાથે એકાએક વધુ નિકટના સમ્બન્ધમાં આવ્યું ને પછીથી એને કાંઈક અંશે વધુ દૃઢ એવી નવી સ્થિતિ પ્રાપ્ત થઈ.

સ્થિરતાની ખાતરી થતાં એમણે આજુબાજુની પરિસ્થિતિનું વિહંગાવલોકન કરી લીધું. જમણી બાજુના બારણા આગળનો દાંડો પકડીને આ ગાડીમાં હંમેશાં મુસાફરી કરતી પેલી ક્રિશ્ચિયન યુવતી આજે દેખાઈ નહીં. આથી એઓ ભારે નિરાશ થયા. પ્રવાસનો ખેદ નિવારવાનું એમને માટે એ યુવતી એક રમ્ય સાધન હતું. કદીક અળવીતરા પવનને કારણે તો કદીક એકાએક વળાંક લેતી ગાડીના આંચકાને કારણે જે સ્પર્શસુખનો લાભ એમને મળતો, એમાં કલ્પનાનો અંશ પોતાના તરફથી ઉમેરીને એઓ જે સુખ માણતા તે આજે ઝૂંટવાઈ ગયું. સવારે ધનકોર શેઠાણીનું મોઢું ચઢ્યું ત્યારથી જ ખાતરી તો થઈ જ ચૂકી હતી કે આજનો દિવસ સારો ઊગ્યો નથી. હવે એ વિશે એમના મનમાં જરાય શંકા રહી નહીં.

પરસેવાની ફૂટતી સરવાણીઓએ પ્રવાહની દિશા હવે શોધી લીધી હતી. એને માર્ગમાં ઘણી નાની નાની શાખાઓ આવીને મળ્યે જતી હતી. અકળાટ વધતો જતો હતો. બાજુમાંના સહેજ કદમાં નીચા ગૃહસ્થની મૂછ કાન સાથે ઘસાઈને ગલગલિયાં કરતી હતી. એ જ માત્ર એક નાનું સરખું આશ્વાસન હતું. ક્યાંય કશું નાનું સરખું છમકલું, બોલચાલ (મારામારીને તો અવકાશ જ નહોતો કારણ કે અંગોનાં હલનચલનને આવશ્યક અવકાશ જ ક્યાં હતો!) થાય તો મન એમાં પરોવાય, હજુ તો ગાડીએ માંડ વાંદરાની ખાડી વટાવી હતી!

એટલામાં એક જણે વાત ઉપાડી: ‘આ હું હમણાં સગી આંખે જોઈને ચાલ્યો આવું છું. પેપરમાં તો હજી કાલે આવશે.’ એ કિસ્સો શાનો હશે તે વિશે વ્રજભૂખણદાસે અનેક અનુમાનો કર્યાં. શ્રોતાવર્ગમાં કુતૂહલનો સંચાર થયેલો જોઈને વાત કહેનારને સન્તોષ થયો. એણે વાત આગળ ચલાવી: ‘અમારી પાડોશમાં જ બનેલો બનાવ છે. એક મદ્રાસી કુટુમ્બ બાજુમાં રહે છે. પુરુષ ક્યાંક બહાર ગયેલો. સવારે દૂધવાળો ભૈયો આવીને બારણાં ઠોકે પણ અંદરથી જવાબ જ ન મળે.’ આટલું કહીને વળી શ્રોતાઓના મુખ પરનો ભાવ જોવા એ અટક્યો. એ દરમિયાન એક રસિક શ્રોતાએ અનુમાન રજૂ કર્યું: ‘એ તો કાંઈ હશે કાળુંધોળું. ભાઈ બહાર હોય ત્યારે બાઈ કોઈ જોડે આડો સમ્બન્ધ રાખતી હશે. એની આજકાલ ક્યાં નવાઈ છે!’ ત્યાં વળી બીજાએ ઉમેર્યું: ‘બાઈ ઘરેણાંપૈસા ઉચાપત કરીને કોઈ જોડે ભાગી ગઈ હોય એમેય બને.’ આમ ને આમ જો શ્રોતાઓ પોતાનાં અનુમાનો રજૂ કર્યે જાય તો પોતાની વાત આગળ ચાલી શકે જ નહીં એનો ખ્યાલ આવતાં સહેજ અધીર બનીને વારતા કહેનારે કહ્યું: ‘તમેય શું મારા સાહેબ, હું કહું છું તે તો સાંભળો. વાત જુદી છે. બાઈ તો ઘરમાં હતાં જ નહીં, પિયેર ગયેલાં ને તે દિવસે સવારે પાછાં આવનાર હતાં ને પેલા ગૃહસ્થ એમને સ્ટેશને તેડવા ગયેલા.’ આથી કાંઈ પેલા રસિક શ્રોતા નિરાશ થયા નહીં. તરત જ એ બોલી ઊઠ્યા: ‘સમજ્યા મારા ભાઈ, બાઈની ગેરહાજરી દરમ્યાન ભાઈ સખણા રહ્યા નહીં હોય, એકાદ બીજી રાખી હશે. તે કાંઈ ઊંધુંચતું કરી બેઠી હશે!’ હવે વાત કહેનારની અધીરાઈ વધી ગઈ: ‘અરે મહેરબાન, વાત એમ નથી. મારું તો સાંભળો. દૂધવાળો ભૈયો મને તેડવા આવ્યો. મને થયું કે આમાં આપણે ક્યાં વચ્ચે પડીએ! બહારથી તાળું નહીં, અંદરથી બારણાં બંધ ને કોઈ ખોલે નહીં, વાત તો વહેમ જાય એવી જ કહેવાય ને?’ એ પ્રશ્નનો જાણે જવાબ આપતા હોય તેમ એક ગૃહસ્થ બોલી ઊઠ્યા: ‘અરે હા રે, એવી વાતમાં આપણે સારા માણસે વચ્ચે પડવું નહીં. મારે એક વાર એવું જ બનેલું.’ એમ કહીને એમણે મૂળ કથામાં પોતાનું ઉપાખ્યાન જોડી દીધું. ઉપાખ્યાનનો સાર માત્ર એટલો કે બારણું ઉઘડાવીને અંદર જતા અંદરની સ્ત્રીએ હોહા કરીને એમની ઉપર પોતાની છેડતી કરવાનું આળ ચઢાવ્યું. ને એને પરિણામે એમના આત્માને જેટલું દુ:ખ થયું (કદાચ કલ્પનામાં પણ એવા સાહસને અનુભવીને એમને આનન્દ પણ થયો હોય!) તેના કરતાં એમના શરીરને ઇજા વધારે થઈ! પછી મૂળ વાત આગળ ચાલી: ‘આથી મેં તો ભૈયાને જ કહ્યું કે ભાઈ, તુમ હી જરા વેન્ટિલેટર ઊંચા કર કે દેખો ક્યા મામલા હૈ.’ ભૈયાએ જોયું ને એને તમ્મર આવી ગયાં, એ તો એક હરફ બોલવા રહ્યો નહીં. કળ વળી એટલે ઊભો થઈને ચાલવા જ માંડ્યો.’ અંદર શું હતું તેનો ઘટસ્ફોટ નહીં થવાથી, વળી શ્રોતાઓને અનુમાનો રજૂ કરવાની તક મળી:

‘આપઘાત?’

‘ખૂન?’

ગાડી એલ્ફિન્સ્ટન રોડ વટાવી રહી હતી. હજુ દશેક મિનિટ બાકી હતી. એટલા લાંબા ગાળા સુધી વાતને પાથરવાની અશક્યતા વાર્તા કહેનારને સ્પષ્ટ થઈ હશે તેથી કે કેમ પણ વાર્તાને વધુ કુતૂહલપૂર્ણ બનાવવાનો પ્રયત્ન એણે આખરે છોડી દીધો:’પોલિસને કોણ ક્યારે ખબર આપી આવ્યું કોણ જાણે! પણ પોલિસ આવી, બારણું તોડી પાડ્યું ને જોયું તો ઘરનો રસોયો ફાંસો ખાઈને લટકતો દેખાયો. એ લબડતા પગ, એ બહાર નીકળી પડેલા ડોળા, એ ફૂલી આવેલી નસો – મહેરબાન, હજુ આંખ આગળથી એ બધું ખસતું નથી.’

થોડી વાર શાન્તિ રહી. પણ શ્રોતાઓને આવા અન્તથી નિરાશા ઊપજી હોય એવું લાગ્યું. એક જણે તો કહ્યું પણ ખરું: ‘અરે મારા સાહેબ, આવા કિસ્સા તો મુંબઈમાં દિવસના કેટલાય બને છે એમાં તમે નવું શું કહ્યું! અમારા મનમાં એમ કે તમે કાંઈક ભારે અદ્ભુત કહી નાખવાના હશો!’ આના જવાબમાં વાર્તા કહેનાર ભાઈ કશુંક અસ્પષ્ટ ગણગણ્યા – પણ તે બધાને કાને પહોંચ્યું નહીં. નહીં તો એમાંથી નાનું સરખું વાગ્યુદ્ધ જરૂર ઊભું થઈ શક્યું હોત.

હવેનો સમય ભારે કસોટીનો હતો. લોઅર પરેલ વટાવ્યા પછી મહાલક્ષ્મી આગળ આવતાં ગાડીની ગતિ ધીમી પડી ગઈ. સેન્ટ્રલ આગળના વળાંકો ગાડીએ લીધા ત્યારે શરીરો વચ્ચેની નિકટતા વધુ ગાઢ બની. વ્રજભૂખણદાસની ને એમના હાથની વચ્ચે બીજું એક શરીર આવી ગયું. વચ્ચે પડેલા અન્તરને કારણે એ હાથ જાણે પોતાનો નહીં હોય, એને એનું સ્વતન્ત્ર અસ્તિત્વ હોય એવું એમને લાગ્યું. ને એવી જ એક ક્ષણમાં બાજુમાંના ગૃહસ્થના પહેરણના ખિસ્સામાંના પાકીટને વ્રજભૂખણદાસના હાથનો સ્પર્શ થયો. એ સ્પર્શથી એમની તન્દ્રા ઊડી ગઈ. મનમાં તો બબડ્યા: ‘આમ તે વળી પૈસાનું પાકીટ આવી ભીડમાં રખાતું હશે!’ પણ બીજી જ પળે એમનો હાથ નવા સાહસના ખ્યાલથી લોભાયો. એ પાકીટ જો સિફતથી હાથ કરવું હોય તો! હાથની સ્પર્શેન્દ્રિય સતેજ થઈ. એમની આંગળીનાં ટેરવાંએ પાકીટની રૂપરેખાનો ખ્યાલ મેળવી લીધો. એટલામાં બોમ્બે સેન્ટ્રલ છોડ્યા પછીનો ગ્રાન્ટ રોડનો વળાંક આવ્યો, એક આંચકા સાથે પાકીટવાળું ખિસ્સું વધારે પહોળું થઈને હાથની લગોલગ આવી ગયું. આ વસ્તુ વળાંકને કારણે આવેલા આંચકાથી આપોઆપ બની કે વ્રજભૂખણદાસના હાથની કોઈ ચાલાકીથી બની તે ખુદ વ્રજભૂખણદાસ પણ નક્કી કરી શક્યા નહીં. જૂના સંસ્કાર જાગ્યા. એમણે હાથને ખિસ્સાથી દૂર ખસેડવાનો પ્રયત્ન કર્યો. મરીન લાઇન્સ આવે તેની એઓ રાહ જોવા લાગ્યા. ત્યાં ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ વચ્ચેના ચોપાટી આગળના પુલ આગળનો વળાંક લેતાં ગાડીએ વળી આંચકો આપ્યો. આ વખતે વ્રજભૂખણદાસનો હાથ એમના કાબૂની બહાર જતો રહ્યો. એમની નજર આગળ એ હાથે ભારે સિફતથી પહોળા થયેલા ખિસ્સામાંથી પાકીટ સેરવી લીધું ને હજુ તો પોતે આ હકીકતને સમજે તે પહેલાં તો એમણે એ પાકીટને પોતાના ખિસ્સામાં પ્રવેશી ગયેલું અનુભવ્યું. એમના હાથે જાણે બળવો પોકારીને પોતાનું સ્વતન્ત્ર અસ્તિત્વ જાહેર કર્યું. બાળપણમાં એમણે મહામહેનતે એ હાથને આવાં અનેક કાર્યોમાંથી પાછો વાળીને કાબૂમાં આણેલો. પણ હવે કાળા બજારના વેપારના નફાના આંકડા એને લખવા દીધા ત્યારથી એને પોતાનો અસલ સ્વભાવ ફરી યાદ આવી ગયો હોય તો નવાઈ નહીં!

આખરે મરીન લાઇન્સ આવ્યું. પ્લૅટફોર્મ પર પગ મૂકીને સ્થિર થતાં એમને આખી પરિસ્થિતિનો બરાબર ખ્યાલ આવ્યો. એ દરમિયાન જેમનું ખિસ્સું હળવું થઈ

ગયું હતું તે ગૃહસ્થ તો ટિકિટચેકરનું ચકરડું વટાવી જવાની તૈયારીમાં હતા. હવે જે તે નિર્ણય લઈ લેવાનો હતો. એમણે જમણા ખિસ્સામાંથી ડાબા હાથે પાકીટ બહાર કાઢ્યું ને બૂમ પાડી: ‘એ રેશમી પહેરણવાળા ભાઈ, જરા થોભો, આ તમારું પાકીટ પડી ગયું છે તેનુંય તમને ભાન નથી?’ ઘણા રેશમી પહેરણવાળાઓના હાથ ખિસ્સા તરફ વળ્યા. આખરે પેલા ગૃહસ્થને પોતાની ખોટનું ભાન થયું. એઓ ઊભા રહ્યા. વ્રજભૂખણદાસે જ્યારે પાકીટ પાછું વાળ્યું ત્યારે અત્યન્ત કૃતજ્ઞતાપૂર્વક એમણે કહ્યું: ‘ઘણો આભાર તમારો, તમારા જેવા તો સતજુગમાં જ જોવા મળે. આજે પાકીટ જાત તો ભારે થઈ જાત. હું મારી દીકરીના કરિયાવરનો સામાન લેવા જ નીકળ્યો હતો.’ પરગજુ વ્રજભૂખણદાસ જમણા હાથ પરના ડાબા હાથના વિજયથી સન્તોષ પામીને આગળ વધ્યા.

License

ગૃહપ્રવેશ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.