ગૃહપ્રવેશ

પોતાના ઘરથી વીસેક ડગલાં દૂર જઈને એ ઊભો રહ્યો. એણે ઘર તરફથી આંખોને વાળી લીધી હતી છતાં પેલી બે છાયાઓને એ હજુ જોઈ રહ્યો હતો. ઠંડી એના હાડ સુધી ઊંડે ઊતરી જઈને જાણે એનામાંથી કશુંક શોધી કાઢીને બહાર છતું કરી દેવા ઇચ્છતી હતી. એ દરમિયાન એના મનમાં એક વિચિત્ર તરંગ સ્ફુર્યો. એણે થોડા શબ્દો મનમાં ગોઠવ્યા. એને રમત રમવાનું મન થયું. એને બાગબગીચાનો ખૂબ શોખ હતો. એ અનેક જાતની કલમો કરતો. ફળના છોડ સાથે ફૂલના છોડની કલમ કરીને ફળમાં એ ફૂલની સુવાસ ભેળવવાના એણે અનેક પ્રયત્નો કર્યા હતા. મનમાં ગોઠવેલા થોડા શબ્દો સાથે એણે એવી જ રમત શરૂ કરી. પ્રેમ, ઈર્ષ્યા, ઘૃણા, દયા, ઝંખના, પ્રતીક્ષા, આતુરતા – એ શબ્દોને છોડના રૂપમાં જોતો ગયો, એ બધાનું વિચિત્ર મિશ્રણ કરી એનાં એથીય વધુ વિચિત્ર પરિણામોની કલ્પના કરવાની એને મજા પડી. આખી ભાષાનું કલેવર બદલી નાખવાની રમત રમવાનું એને મન થઈ આવ્યું. શબ્દોને બાઝેલા અધ્યાસપિણ્ડને ખંખેરી નાખી એને નવેસરથી નવી ધરતીમાં, નવા વાતાવરણમાં એ રોપવા મંડી ગયો. ને એને યાદ આવ્યું: આવતી કાલે સવારે પેલા ગુલાબના છોડ પર બેઠેલી કળી ખીલતાં કેવો રંગ પ્રકટ કરે છે તે જોવા એ કેટલો આતુર હતો! ને એની સાથે એને ફરી ઘર યાદ આવ્યું ને ઘર સાથે પેલી બે છાયાઓ…

અન્ધકાર અને ઠંડીનાં પડ વચ્ચે એને જડી દેવાને કોઈ ખીલા ઠોકતું હોય તેમ દસના ટકોરા ક્યાંક ઠોકાયા. એક ટકોરાથી તે બીજા ટકોરા સુધીના અન્તર વચ્ચે એ ખેંચાયો, રહેંસાયો, ઉતરડાયો. દસનો ટકોરો પડ્યા પછી જ્યારે એના રણકા શમ્યા ત્યારે જાણે એને કળ વળી. એણે ફરી જીવવું શરૂ કર્યું – પોતાની આખી જાતનો ભાર ઉપાડીને જીવવાનું એને કપરું લાગ્યું. એનાં અંગેઅંગ આજે એને મદદ કરવાને બદલે જાણે એના મનમાંના સહેજ સરખા ભારને વધારી મૂકવાનું કાવતરું કરી રહ્યાં હતાં. બે સંપીલી આંખોને છૂટી પાડીને દૂર ફેંકી દેવાનું એને મન થયું. બે પગને વિખૂટા પાડીને સ્થળના એક બિન્દુને હજારો ટુકડામાં છિન્નભિન્ન કરવાને એ મથ્યો. કસીને બાંધેલી ગાંઠ છોડી નાખીને બધું વેરવિખેર કરી નાંખવાની એને ઉત્કટ ઇચ્છા થઈ આવી. ને ત્યારે એને સમજાયું કે પેલા દર્દે જ એને સાંધીને એવું રેણ કરી દીધું હતું કે એ રેણને ઓગાળી નાખવા માટે એ દર્દથી અનેક ગણા ઉત્કટ દર્દનો તાપ જો એ પામી શકે તો જ એમાંથી છૂટી શકે એમ હતું. એ હતાશ થયો ને છતાં એ હતાશા એને સાવ નમાલી લાગી. એને પોતાની હતાશા કહેવા જેટલીય ઇચ્છા નહીં થઈ – એ હતાશાને એણે તિરસ્કારથી ફગાવી દીધી.

હતાશાના ફેંકાવા સાથે જાણે એ પણ ફેંકાયો. અત્યાર સુધી એ એક જગ્યાએ ઊભો જ રહી ગયો હતો. એને કોઈ અજાણી ગતિનો ધક્કો લાગ્યો ને એણે ચાલવા માંડ્યું, ચાલવાની સાથે જ જાણે એણે પેલી અજાણી શક્તિના રાજ્યમાં હાર કબૂલ કરીને પ્રવેશ કર્યો ને એણે જોયું તો કશું જ એ પાછળ મૂકી શક્યો નહોતો. પ્રેમ, ઈર્ષ્યા, ઝંખના, ઘૃણા – બધાં જ એની આંગળીએ વળગીને સાથે ચાલતાં હતાં, નવી આબોહવામાંથી નવું પોષણ મેળવીને એ બધાં હવે શો ભાગ ભજવશે તેની કલ્પનાથી એ ધ્રૂજી ઊઠ્યો ને એણે ફરી અટકી જઈને સ્થિર થવાનો પ્રયત્ન કર્યો…

‘કોણ?’

‘હું…’ બારણું ખૂલ્યું. ઉઘાડનાર સ્ત્રીની આંખમાં ભય હતો? કુતૂહલ હતું? કે નરી ઉદાસીનતા? એ સહેજ ઊભો રહી ગયો.

‘આવો ને, કેમ, કાંઈ ખાસ કામ હતું?’

‘હા…ના… એવું ખાસ તો કશું જ નહીં.’ એ શબ્દોને ઊંચકીને બહાર કાઢતાં થાકી ગયો. એનો છેલ્લો શબ્દ એને પોતાને જ સંભળાયો નહીં.

‘એ તો બે દિવસથી બહારગામ ગયા છે. કદાચ ગુરુવારે આવે…’

એને આશ્ચર્ય થયું. એણે જે શબ્દો સાંભળ્યા તેનો એ કશો અર્થ કરી શક્યો નહીં, કોઈએ જાણે એ શબ્દોના ચહેરાને ભૂંસી નાખ્યા હતા. માત્ર આકાર રહી ગયા હતા! ને એ જોઈ રહ્યો.

‘સારું થયું, તમે આવ્યા તો – કાલે બાજુમાં જ બે ગુંડાઓ ઘૂસી ગયા હતા.’

ફરી શબ્દોનો ભાર ઊંચકવાનો એણે પ્રયત્ન કર્યો. એ કશુંક બોલ્યો ખરો, શું તે એને જ સમજાયું નહીં. એના જવાબમાં પેલી સ્ત્રીએ પણ કશું કહ્યું ને એને લાગ્યું કે આખી પરિસ્થિતિથી એ બહુ છેટે રહી ગયો છે. હજુ એ ત્યાં પહોંચ્યો નથી તે પહેલાં પરિસ્થિતિ સરજાઈ ગઈ છે. ઘટનાનો વ્યુત્ક્રમ એ આશ્ચર્યથી જોઈ રહ્યો. પોતાની પાછળ રહી ગયેલી જાતને સહેજ ધક્કો મારીને વર્તમાન સુધી ખેંચી આણવાનો એણે પ્રયત્ન કરવા માંડ્યો…

‘મેક્સિકોમાં બર્નાર્ડોનું ખૂન… સિનોરા ગિયોવાનીનો પ્રેમ મેળવવાની સ્પર્ધા… બ્રહ્મપુત્રામાં આવેલાં પૂર… ટાંગાનિકાના જંગલમાં લાગેલી આગ… સિંહોની નાસભાગ… જાપાનમાં ફુંકાયેલો ઝંઝાવાત…’ એણે પોતાની જાતને જેટલી બની શકે તેટલી દૂર વીંઝી. એને ખૂબ ખૂબ દૂર નીકળી જવું હતું, શબ્દોની જટાજાળને તોડીફોડીને એ ભાગતો હતો. એકાએક પેલી સ્ત્રીના એક શબ્દે એને જાણે રોકીને ઊભો રાખ્યો:

‘પ્રફુલ્લભાઈ…’

‘પ્રફુલ્લ’ અને ‘હું’ વચ્ચે સમ્બન્ધના તાણાવાણા ગુંથાવા માંડ્યા, એના તન્તુ વચ્ચે એ ફસાતો ગયો.

… સહરાનું રણ … આંધી … પવનનો સુસવાટ … રેતીના કણ … સમુદ્રની છોળ … કાળમીંઢ ખડકો … પાણીનો અથડાવાનો અવાજ … નજીક ને નજીક આવતો જતો અવાજ … છેક જ નજીક … છાતી પાસે … છાતીનો ધબકાર …

ને એ બોલ્યો: ‘રમાબહેન, ગભરાશો નહીં, હું ગુરખાને સાવચેત રહેવાનું કહીને જાઉં છું.’

‘પણ પ્રફુલ્લભાઈ, મને બહુ બીક લાગે છે. તમે માયાને લઈને અહીં આવો ને.’

‘માયા’… ને એ ઊઠ્યો. ઊઠતાં ઊઠતાં નહીં ‘હા’ કે નહીં ‘ના’ જેવું કશુંક એ બોલ્યો. એની પાછળ બારણું બંધ થયું. વળી એ અન્ધકાર વચ્ચે આવીને ઊભો. એ અન્ધકાર એના શરીરમાં અનેક છિદ્ર પાડીને પેસવા લાગ્યો, અન્ધકાર અને ઠંડીએ મળીને એને જાણે જર્જરિત કરી નાંખ્યો. એ જર્જરિત કલેવરમાંથી પેલી બે છાયા જો સરી પડે તો…

એણે જોયું તો એ વળી એક જગ્યાએ સ્થિર થઈને ઊભો રહી ગયો હતો. એની સાથે એનો પડછાયો પણ સ્થિર થઈને ઊભો હતો. સ્થિર થતાંની સાથે જ એની અંદરનું બધું ફરી એક કેન્દ્ર શોધીને વ્યવસ્થિત થવાને મથતું હોય એવું એને લાગ્યું … ને એ ફરી ગભરાયો. એણે ચાલવા માંડ્યું. વળી એને લાગ્યું કે વર્તમાન એની આગળ નીકળી જાય છે, ને એ પાછળ રહી જાય છે. એ પહોંચે તે પહેલાં બીજી નવી ઘટના સરજાઈ ગઈ હશે એવી ભીતિથી એણે પોતાની જાતને ધક્કો માર્યો.

‘કોણ? પ્રફુલ્લ? અત્યારે ક્યાં નીકળ્યો છે?’

એણે પાછળ ફરીને જોયું તો સુહાસ એને બોલાવી રહ્યો હતો. એણે પોતાની જાતને સુહાસને સોંપી દીધી. એની સાથે એણે ચાલવા માંડ્યું. સુહાસનું ઘર આવ્યું. એ અંદર દાખલ થયો, એની સાથે જાણે એક નવી ઘટનામાં એ પણ દાખલ થયો. એ ઘટનાની કોઈ ત્રિજ્યા એને અડે નહીં તેની એણે સાવસેતી રાખી. વાતો શરૂ થઈ.

‘અમે તો જુલાઈમાં કાશ્મીર જવાનાં છીએ, તું આવશે ને?’

‘હું તો કાશ્મીર આગળ જ અટકવા માગતો નથી, ત્યાંથી આગળ જવા ઇચ્છું છું.’

‘એમ? તારો કાર્યક્રમ ઘડી પણ રાખ્યો છે?’

‘ના, કાર્યક્રમ મને ઘડે છે. ચીનની શાહજાદીનું નિમન્ત્રણ છે. ત્યાં જવું પડશે… ‘

સુહાસ હસ્યો,’ મૂરખ, ચીનમાં હવે શાહજાદી રહી નથી તે જાણતો નથી?’

‘શાહજાદીને હાથતાળી આપીને છટકી જવું પડશે, નહીં તો એના બાહુપાશમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે.’

વળી સુહાસ હસ્યો. ‘પછી મોંગોલિયાના ચંગિઝખાનનો જમાઈ થવા જઈશ, નહીં?’

‘ચંગિઝખાનને મળવાનો તો વખત નથી. કામરૂદેશની રાણીની આંખમાંથી મોતીની વર્ષા વરસે છે. એ ઝીલું નહીં ત્યાં સુધી એ વૃષ્ટિ અટકે એમ નથી.’

સુહાસ હસતાં હસતાં બેવડ વળી ગયો. અંદરના ઓરડામાંથી કાન્તાએ આવી પૂછ્યું: ‘તમને બંનેને થયું છે શું? મધરાતે આ શો ધંધો લઈને બેઠા છો?’

સુહાસ હસવું ખાળી શક્યો નહીં. માત્ર અણસારથી એણે પ્રફુલ્લને બતાવ્યો. ‘ત્યાંથી જરા ઉર્વશીનો પગ મચકોડાઈ ગયો છે તે સરખો કરવા જવાનું છે.’ કાન્તા પણ હસવા માંડી. તથ્યની સીમામાંથી એ ભાગ્યો, એને જાણે પાંખ આવી. હાસ્યનાં મોજાં ઉછાળતો એ ભાગ્યો.

ત્યાં કાન્તાએ પૂછ્યું: ‘કેમ, માયાને એકલી મૂકીને અત્યારે ક્યાંથી આવી ચઢ્યો?’

ને તે અટક્યો. પછડાયો. ‘માયા’… એને કશુંક ચારે બાજુથી વીંટળાઈ વળ્યું ને એ નીચે ને નીચે ઊતરતો ચાલ્યો. બ્રહ્મપુત્રાનાં પૂર … સહરાના રણની આંધી … જાપાનનો ઝંઝાવાત … એ ગરકતો ચાલ્યો.

વાતો ચાલતી રહી, એ બોલતો રહ્યો, સાંભળતો રહ્યો ને સાથે સાથે ગરકતો ગયો – બ્રહ્મપુત્રાના પેટાળમાં, આંધીના આવર્તમાં, ઝંઝાવાતના અત્યન્ત ગતિથી ઘૂમતા ચક્ર નીચે! ને છતાં એ અખણ્ડ છે. એના ચૂરેચૂરા થતા નથી? એનામાંનું બધું જ એકબીજાને બાઝીને, વળગીને રહ્યું છે, કશું છૂટું પડતું નથી, કશું એને ભીંસી રહ્યું છે.

ને એણે સુહાસ તરફ જોયું. એ દૃષ્ટિમાં વફાદાર કૂતરાની આંખમાં માલિકને અમુક જગ્યાએ લઈ જવાને માટેની જે નિ:શબ્દ વિનંતી હોય છે તે હતી, એ સુહાસ તરફ જોતો જ ઊભો થયો.

‘ચાલો, મોડું થયું. હું જાઉં.’ ને એ ચાલ્યો. જતાં જતાં વફાદાર કૂતરો જેમ માલિકને કપડું મોઢામાં ઘાલીને ખેંચે તેમ સુહાસને ખેંચતો ગયો. આખે રસ્તે બંને કશું બોલ્યા નહીં. કરાડની સાંકડી ધાર પર એકાએક આવી ચઢતાં જેમ નીચેની ઊંડી ગર્તાને જોતાં હેબતાઈ જવાય તેમ એ બંને હેબતાઈને મૂક થઈ ગયા હતા. દસ મિનિટનો એ રસ્તો પૂરો કરતાં જાણે ખગોળની પ્રદક્ષિણા ફરી વળ્યા હોય એવું એમને લાગ્યું.

પ્રફુલ્લ ઊભો રહી ગયો. માયાનું ઘરમાંથી આવતું મુક્ત હાસ્ય એના તરફ ધસી આવ્યું, એને ઘેરી વળ્યું. એણે એને વમળમાં ઘૂમરી ખવડાવી. બધું એને ફરતું લાગ્યું, આકાશના તારા નીચે આવીને વેરાઈ ગયા, સૂર્યચન્દ્ર ક્યાં ને ક્યાં ફેંકાઈ ગયા … બધું વિખૂટું પડીને વેરાવા લાગ્યું …

સુહાસ ઘરમાં દાખલ થયો. પેલું હાસ્ય થંભી ગયું. ઘરમાં બે પડછાયાને બદલે ત્રણ પડછાયા દેખાયા. એક પડછાયાએ બીજાને બોચીમાંથી ઝાલ્યો ને ભોંય પર પછાડ્યો. કોઈની ચીસ સંભળાઈ. એ ચીસ એને જાણે બહારથી અંદર તેડી ગઈ. એ અંદર ગયો ત્યારે એને લાગ્યું કે એ બહાર રહી ગયો હતો ને એનો પડછાયો જ અંદર પ્રવેશ્યો હતો.

મનીષા 1/1956

License

ગૃહપ્રવેશ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.