સૌન્દર્યલોક સ્વિટ્ઝર્લૅન્ડ

ફ્લૉરન્સથી રાતે જિનીવા જતી ગાડી લીધી. જિનીવાથી પછી સ્પિએઝ જઈશું. રિઝર્વેશન નહોતું છતાં અમને આખી કૅબિન મળી ગઈ. જોયું તો બાજુની કૅબિનમાં પણ જગ્યા હતી. સૂવાની સગવડ રહે એ ખ્યાલે હું તેમાં ગયો. પછી તો તેમાં બીજાં બે ઉતારુ આવ્યાં. તેમાં કાળાં કપડાં પહેરેલી એક યુવાન મહિલા વાંચવાની પુષ્કળ સામગ્રી સાથે બેઠી. થોડી વાર પછી ટિકિટચેકર આવ્યો. લાગ્યું : એની ટિકિટનો કંઈક પ્રશ્ન છે. ટિકિટચેકરે એની સાથે લાંબી ચર્ચા કરી, એ માત્ર માથું હલાવી હા-ના કરતી હતી. ચેકર વારંવાર એની ટિકિટમાં જોઈ કશું કહ્યા કરે. મને ભાષા સમજાય નહિ, હશે.

કૅબિનને છેડે બારી પાસે હું હતો. સીટ તો ખેંચીને લાંબી કરી હતી, પણ પેલી મહિલા અને પેલા બીજા સજ્જન એવો કોઈ ઉપક્રમ કરે તો હું સૂવા માટે લંબાવું ને! વાંચવાનું બંધ કરી એ મહિલા જાણે શૂન્યમાં તાકી રહી હતી. કાળાં કપડાંમાં એનું ગોરું મોઢું કશાક વિષાદથી આક્રાન્ત લાગતું હતું. એક સ્ટેશન આવતાં પેલા સજ્જન તો ઊતરી ગયા. હવે પહેલી બહેન શાની સૂએ? ભલે ત્યારે.

લાઇટો ચાલુ રહી. પાછળ ટેકો દઈ મેં જરા લંબાવ્યું. આખા દિવસનો થાક પણ કેટલો હતો! તેમ છતાં ઉઘાડી – અર્ધઉઘાડી આંખે હું બરફના પહાડનું સપનું જોવા લાગ્યો. અમે સ્વિટ્ઝર્લૅન્ડ જતાં હતાં, જ્યાં આલ્પ્સ યુગોથી પોતાનું ભવ્ય સૌન્દર્ય વેરી રહ્યો છે. ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર ન પડી અને આંખો ખૂલી અને બારીનો પડદો હટાવ્યો તો હું શું જોઉં છું! સવાર થઈ ગઈ છે અને ચારેબાજુ પહાડો છે એવા એક સ્ટેશને ગાડી ઊભી રહી છે. એ પહાડોનાં શિખરો પર સૂરજનો કાચો તડકો પડ્યો છે અને એ તડકામાં બરફ છવાયેલાં શિખરો તગતગે છે. આલ્પ્સની જ ગિરિમાળા તો! સાથી પ્રવાસીઓ બાજુની કૅબિનમાં જાગતા છતાં સૂતાં છે.

હવે સૂવાનું કેવું? ગાડી ઊપડે છે. સૌન્દર્યલોક ઊઘડતો જાય છે. બરફના પહાડનું સપનું સાચું પડી ગયું છે, પણ જાણે સપનું જ છે. ગંગોત્રીના હિમાલયની ગિરિમાળા જોઉં છું. એ ગિરિમાળાનાં શિખરો જરા વધારે ઊંચાં, અને ત્યાં પથરાળ શૈય્યા પરથી વહી જતી ભાગીરથી, ગંગા નહિ? અહીં બારી બહાર જોઉં છું.

હરિયાળા પહાડના ઢોળાવ પર વસેલાં નાનાં ગામ પસાર થાય છે. બીજી બાજુ આછા ધુમ્મસથી ઊભરાતી ખીણ છે. ગાડી એક ટનલમાં પ્રવેશ કરે છે. બધુંય અદૃશ્ય. કૅબિનમાં હું એકલો. પેલી કાળાં કપડાંવાળી યુવતી ક્યારે ઊતરી ગઈ તેની ખબર જ નહિ પડેલી.

હવે ઊંચાઈએ જતી ગાડીની સમાંતર એક બાજુ નીચે વહે છે નદી. આ બાજુ શિખરે શિખરે તડકો. પછી તો એક લાંબી ટનલ આવે છે. જ્યારે એમાંથી બહાર નીકળ્યાં ત્યારે જોયું કે શિખરો આછા ધુમ્મસમાં રહસ્યમય બનતાં જાય છે. ખીણમાંથી તડકાની ઉષ્મા મળતાં જાણે ધુમ્મસ — જે ટૂંટિયાં વાળી પડ્યું હતું તે – ઉપર ચઢતું જાય છે. સ્ટેશન આવ્યું. બ્રીગ. પ્લૅટફૉર્મ પર કોઈ કહેતાં કોઈ નથી. ગાડીએ હવે દિશા બદલી. એક પહાડી પર એક ગામ વસેલું દેખાય છે. એક ચિત્ર. ઓછામાં પૂરી નદી.

પેલા સપનાનો તો ભાગ નથી ને! ગાડી એક વળાંક લે છે અને ઊંચાં શિખર, ચોખ્ખો તડકો, ચોખ્ખો બરફ, શ્વેતસુંદર ગિરિમાળા. ગાડી પણ ઊંચાઈએ છે. બારી પાસેથી એરિયલ વ્યુ મળે છે. પેલું નીચેનું ગામ અને નહેરની જેમ પાદરથી વહી જતી નદી. જરા દૂર લીલા પર્વતો, ઉપર શ્વેત દીપ્તિ. પાછળ નજર કરી જોઉં છું, તો પેલું જતું જતું શિખર જાણે બોલાવે છે. રહે, રહે. કેમ કરી આવું? હું એને હાથ હલાવી વિદાય આપું છું. પહાડીની ધારે ધારે ગાડી જાય છે. પેલી નદી? લીલાશ પડતી આભાવાળાં સ્વચ્છ વારિ, કેદારનાથવાળી મંદાકિની તો નહિ? હવે લીલા પહાડો પર તડકા-છાયાની રમત શરૂ થઈ ગઈ છે. ત્યાં ટનલ, ઉઘાડ, વળી ટનલ…

અને આ ખીણ. આખી ધુમ્મસથી ઊભરાય છે. કંઈ દેખાતું નથી આરપાર. વળી ટનલ… બે પહાડ વચ્ચે ખીણ છે, વહી જતું ઝરણું છે. ‘સૌન્દર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે’ એમ કવિની પંક્તિ સ્મરું છું. બાજુની કૅબિનમાંથી દીપ્તિ આવીને બાજુમાં બેસે છે. રેલની બારી બહારના સૌન્દર્યલોકને વિસ્મયથી જોયાં કરીએ છીએ. તો આ સ્વિટ્ઝર્લૅન્ડ છે!

અમે એક કૅબિનમાં થઈ જઈએ છીએ. એક ટિકિટચેકર આવ્યા. એકદમ તરુણ. એમણે અમારી ટિકિટો જોઈ. અમે એમને પૂછ્યું :

‘જિનીવા ક્યારે આવશે?’

‘જિનીવા? આ ગાડી જિનીવા નહિ જાય.’

‘તો?’

‘આ ગાડી તો બર્ન જશે. જિનીવાની ગાડીમાંથી આ ડબ્બો બર્નની ગાડીને જોડાયો છે.’

હવે? બર્ન પહોંચી ત્યાંથી જિનીવા જઈ, ત્યાંથી પછી સ્પિએઝ જવું પડશે. અંતર બહુ નથી એની અમને ખબર હતી. અમારી મૂંઝવણ જોઈ ટિકિટચેકરે પૂછ્યું : ‘તમારે ખરેખર ક્યાં જવું છે?’

‘સ્પિએઝ.’

‘ઓહ, નેક્સ્ટ સ્ટેશન ઇઝ સ્પિએઝ, વિધિન ફાઇવ મિનિટ્સ!’ અંગ્રેજીમાં જ એ બોલ્યો.

સ્પિએઝ આવી ગયું! અમે તો નવાઈ પામતાં આનંદથી લગભગ નાચી ઊઠ્યાં. ઝટપટ સામાન સમેટ્યો, ન સમેટ્યો ત્યાં ગાડી ધીમી પડી. અમે જોયું બોર્ડ : સ્પિએઝ. ગાડી ઊભી રહેતાં અમે ફટાફટ સામાન બારણા તરફ લીધો. ટિકિટચેકર પણ અમારી બૅગો ત્યાંથી ફટાફટ પ્લૅટફૉર્મ પર ઉતારવા લાગી ગયા હતા! સામાન ઊતરી ગયો, અમે ઊતરી ગયાં. જાણે અમારે માટે જ ગાડી ઊભી ન રહી હોય! ભાગ્યે જ બીજા ઉતારુ ઊતર્યા. ગાડી ઊપડી.

સ્પિએઝ થુનર સરોવરને કાંઠે આવેલું રમણીય ટાઉન છે એવું વાંચેલું હતું. અમે અહીં બે દિવસ માટે શ્રીમતી એલિઝાબેથ બાખને ત્યાં રહેવાનાં હતાં. અમે એમને ફોન કરીએ એ પહેલાં અમારો વધારાનો સામાન લૉકર્સમાં મૂકી દેવાનો હતો અને પાઉન્ડમાંથી જરૂરી સ્વીસ ફ્રાન્ક કરાવવાના હતા. ઝટપટ બધું થઈ ગયું.

એલિઝાબેથને ફોન કર્યો. ફોન એમના પતિ પ્રો. હાન્સપીટર બાખે લીધો. એમણે કહ્યું કે, હું ૧૦ મિનિટમાં સ્ટેશને પહોંચું છું. અમે ત્યાં ઊભા રહી ચારેબાજુ નજર ફેરવવા લાગ્યા. ..

ચારેબાજુ ઊંચાનીચા પહાડો – આલ્પ્સની ગિરિમાળા જ. પશ્ચિમે તો એકબે વધારે ઊંચાં શિખર. અમે સ્ટેશન બહાર આવીને ઊભાં ત્યાં સામેથી સ્મિત વેરતા પ્રો. બાખ આવી રહ્યા હતા, અમને ભારતીયોને તો ઓળખી જ જાયને! અને અમને આમ સ્મિત આપતા હોય તે આ અજાણ્યા નગરમાં બીજું કોણ હોય? અનિલાબહેને સૌનો પરિચય કરાવ્યો. બધાં સાથે એમણે ઉષ્માથી હાથ મેળવ્યા.

એમની મોટરગાડીમાં અમે ગોઠવાઈ ગયાં. નગર ટેકરીઓના ઢોળાવ પર વસેલું લાગ્યું. ઊંચાનીચા માર્ગે થઈ મૉટર એક ગાઢ જંગલ પટ્ટામાંથી પસાર થતી ઢાળ ઊતરવા લાગી કે સામે લીલી પહાડીઓ વચ્ચે લાંબું સરોવર ઝલમલે. એ જ થુનર લેક. ‘રેગન વેગ’ (ઢળતો માર્ગ) પર વળાંક લેતી ગાડી ઘર આગળ આવીને ઊભી. શ્રીમતી એલિઝાબેથ બાખ દ્વાર પર ઊભાં હતાં. અમારું બધાંનું સ્વાગત કર્યું. અમે તો એ જોઈને જ હર્ષોન્મત્ત થઈ ગયાં કે એમનું ઘર થુનર સરોવરને અડકીને જ હતું. સરોવર દેખાયા કરે. આંગણામાંથી, ઘરમાંથી! જગતની રળિયામણી ગણાતી ભૂમિમાં પણ અતિ રમણીય એવા સરોવરને કિનારે અમને રહેવાનું મળશે એવી તો કદી કલ્પના પણ નહોતી.

ઘરમાં પ્રવેશતાં બેઝમેન્ટમાં અમને ત્રણ ઓરડા બતાવ્યા. એક તો રીતસરનો અતિથિખંડ હતો. એક હતો એમનો અભ્યાસખંડ અને એક બીજો મોટો ઓરડો હતો, જેમાં સંગીતનાં વાજિંત્રો તો હતાં, સુથારલુહારનાં બધાં ઓજારો પણ હતાં. મેં એમના અભ્યાસખંડમાં સ્થાન લીધું – બારી પરનો પડદો હટાવ્યો, તો થુનર લેક સ્વાગત કરે.

પંખીઓના કલરવથી વાતાવરણ ભર્યું ભર્યું હતું.

એમના ઘર આગળ નાનકડો બાગ હતો, એક મંડપ હતો. એના પર વેલ ચઢાવેલી હતી. નીચે બેચાર ફોલ્ડિંગ ખુરશીઓ હતી. એક લાકડાની નીકમાં સતત પાણી વહ્યા કરે એવો ફુવારો પ્રવેશદ્વાર આગળ ગોઠવ્યો હતો. ઘરમાં દરેક સ્થળે પુસ્તકો જ પુસ્તકો, વ્યવસ્થિત ગોઠવેલાં.

પ્રો. બાખ સાથે દાદર ચઢી ઉપર ગયાં. દાદર ચઢતાં જોયું કે, બાજુની દીવાલો પર બંદૂકો લટકે છે. (પછી ખબર પડી કે સ્વિટ્ઝર્લૅન્ડમાં લશ્કરી તાલીમ ફરજિયાત છે અને અમુક વય સુધી દરેક નાગરિકે લશ્કરી સેવા આપવી પડે છે.) ઉપર રસોડાની બાજુમાં ડાઇનિંગ ટેબલની આસપાસ ગોઠવાયાં. શ્રીમતી બાખે ચા તૈયાર કરી હતી. બ્રેડ, જાતજાતનાં ચીઝ, બટર. ચીઝ માટે તો સ્વિટ્ઝર્લૅન્ડ પ્રસિદ્ધ છે. રજાઓ હોવાથી એમનો પુત્ર એન્ડ્રિયાસ પણ ચા લેવામાં સાથે જોડાયો. પુત્રી ક્રિશ્ચિયાના બહાર ગઈ હતી. ડાઇનિંગ સાથેના વિશાળ બેઠકખંડમાં આદમકદ હાર્પ હતી. કિશ્ચિયાના હાર્પ શીખે છે. ઍન્ડ્રિયાસ વાંસળી શીખ્યો છે. શ્રીમતી બાખ ઑર્ગન વગાડે છે. બંદૂકો, વાંસળી અને હાર્પ!

ઉપરના બેઠકખંડની બારીઓના પડદા હટાવ્યા તો ઝલમલી રહેલું થુનર લેક! તેમાં જાતજાતની રૂપાળી અપ્સરા – નૌકાઓ, બન્ને બાજુની હરિયાળી ટેકરીઓ અને એમાં વસેલાં ઘર. પેલા બરફના પહાડના સપનાનું જ જાણે વિસ્તરણ! કોણે કરાવી દીધું હશે આવું સંયોજન? ઉપકારવશતાથી ગદ્ગદ થઈ જવાય છે!

License

યુરોપ-અનુભવ Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book