રોમ રોમમાં રોમાં

રાતના પોણાઅગિયાર વાગ્યે એ જ દિવસે અમે રોમથી મિલાન (મિલાનો) જતી ગાડી પકડી. ઇટલીનો કલાપ્રેમી યાત્રી કંઈ નહિ તો માત્ર લિયોનાર્ડો દ વિન્ચીની મહાન કલાકૃતિ ‘ધ લાસ્ટ સપર’– (છેલ્લું ભોજન) જોવા મિલાનને પોતાની ઇટિનરરિમાં સ્થાન આપે. યુરોપના રેનેસાં યુગની આ કલાકૃતિ વિન્ચીની જ નહિ, રેનેસાં – પુનરુત્થાન યુગની એક ચરમ ઉપલબ્ધિ ગણાય છે. – ‘Grand in size, grand in style and grand in conception.’ આ ચિત્રકૃતિની અનેક તસવીરો જોયેલી છે અને એની મીમાંસા પણ વાંચી છે. વેટિકન મ્યુઝિયમમાં ટેપેસ્ટ્રી ઉપર એની પ્રતિકૃતિ જોઈને પણ પ્રભાવિત થઈ જવાયેલું. કલાકારે કેવી અદ્ભુત ક્ષણ પસંદ કરી છે, ચિત્રપ્રસંગ માટે?

પકડાયાની સાંજે પોતાના બાર શિષ્યો સાથે જમવાની પંગતમાં બેઠેલા ઈશુએ કહ્યું : ‘તમારામાંથી એક જણ મને છેહ દેવાનો છે.’ (Verily, Verily, I say unto you that one of you shall betray me.) આ કથનથી આશ્ચર્ય પામેલા શિષ્યોનાં મોં પર જે વિવિધ ભાવો ઉભરાયા છે તેનું ચિત્રાંકન છે, આ ‘છેલ્લું ભોજન’ – ભીંતચિત્ર.

મિલાન સુધી જઈએ તો આ ચિત્રને જોવું જ જોઈએ. પણ મિલાન જવાની અમારી ગણતરી જુદી હતી. અમારે જવું હતું તો સંસ્કૃતિધામ ફ્લૉરેન્સ. પણ રાતની ગાડીમાં ફ્લૉરેન્સ રાતના પાછલા પહોરમાં આવે. એટલે થોડે આગળ મિલાન સુધી જઈ, વળતી બીજી ગાડી લઈ ફ્લૉરેન્સ આવીએ એમ ગોઠવેલું. મિલાન પણ એ રીતે અમ ‘હીરાઓ’ માટે ‘ઘોઘાનો’ જ પર્યાય છે.

રોમથી ગાડી ઊપડી અને હાશ કરીને બેઠાં. આજે વહેલી સવારે રોમથી શરૂ કરી નેપોલી પૉમ્પી સોરેન્ટો કૅપ્રીની આખા દિવસની વેગવંત ઉત્તેજનાસભર યાત્રા પછી નિરાંતવાં બેઠાં. છેલ્લા કેટલાક કલાકો સ્મરણમાં આવી રહ્યા, જેમ મિલાનના ‘છેલ્લા ભોજન’ની વાત.

મારિયોએ સોરેન્ટોમાં બોટની ટિકિટો આપીને કહેલું કે, હવે કૅપ્રી જશો. તે જોઈ, ફરી કૅપ્રીથી બોટમાં નેપોલી જશો. જેટીથી દશેક મિનિટ ચાલશો, એટલે સ્ટેશન આવી જશે, પણ બોટમાંથી ઊતર્યા પછી સ્ટેશન પર પહોંચતાં કલાકથી પણ વધારે સમય લાગી ગયો. હા, એથી દક્ષિણ ઇટલીના એક મહાનગરની ચહલપહલનો અનુભવ થયો.

નેપોલી – નેપલ્સ ભૂમધ્ય સાગરને તટે વિસ્તરેલું એક અતિઆધુનિક યુરોપીય નગર છે. ઇટલીનું ચોથા નંબરનું શહેર. બીજા નંબરે આવે છે મિલાન. ૪૦ લાખની વસ્તી ધરાવતું રોમ પહેલું. નેપોલીની વસ્તી ૨૫ લાખની છે. મારિયોની વાત માની કોઈ વાહન કરવાને બદલે બોટમાંથી ઊતરી અમે ચાલતાં ચાલ્યાં. કૅપ્રીની પહાડીની એક ગુફામાંથી પેલી સૌન્દર્યસ્થલી ન જોયાનો વસવસો તો હતો, ત્યાં નેપોલીના આ ભીડભર્યા રાજમાર્ગ પર ચાલવાની વિલંબિત ક્રિયા. દિવાળીના દિવસોમાં અમદાવાદમાં ત્રણ દરવાજાથી માણેકચૉક જતાં જેવો અનુભવ થાય, તેનાથી લગીર જ ઊતરે, આ અનુભવ. ખબર નહિ, પગારનો દિવસ હશે, કેટલા નગરવાસીઓ, (પ્રવાસીઓ પણ હશે), ખરીદવા નીકળી પડેલા. સાંજ હતી એટલે કામના સ્થળેથી ઘેર પણ જતા હશે. વાહનોની ભીડ એટલી કે એક આડરસ્તો પાર કરવા અમે ક્યાંય સુધી ઊભાં રહ્યાં, આખરે ટ્રાફિક પોલીસના એક માણસે સામેથી આવતો ટ્રાફિક બંધ કરાવી અમારી સાથે ચાલી રસ્તો ઓળંગાવ્યો!

સમય હોત તો અમે પણ વિન્ડો શોપિંગ કરત. તેમ છતાં અમે સજાવટભરી એ દુકાનોમાં ડોકિયું અવશ્ય કરતાં. અમે કોઈ કરિયાણાની દુકાનની શોધમાં હતાં, જ્યાંથી બ્રેડ, જ્યૂસ, દૂધ મળી જાય. અમારા ક્ષુત્ક્ષામ કંઠમાં શોષ વધતો જતો હતો. પણ આટલી બધી દુકાનોમાં એવી કોઈ દુકાન આવે જ નહિ. મોટાભાગની દુકાનો તૈયાર કપડાંની અને પગરખાંની. કપડાં પહેરેલી પૂતળીઓ આપણું ધ્યાન ખેંચે. રેસ્ટોરાં અને બાર આવે, પણ રેસ્ટોરાંમાં દૂધ ક્યાંથી મળે?

અત્યારે ગાડીમાં બેઠા પછી પણ અમે નેપોલીના એ રસ્તાને એક ખૂણે ઊભેલા ફળવાળા પાસેથી જે પીચ લીધાં હતાં એની વાત કરતાં હતાં. જરા કડક પીચ લેવાં કે ઢીલાં એવો અમારામાં મતભેદ; છતાં, ખાસ તો મારી ઇચ્છા વિરુદ્ધ, ઢીલાં પીચ એટલા માટે પસંદ થયાં કે ત્યાં ને ત્યાં ઊભાં ઊભાં ખાઈ શકાય, નહિ કે કડક પીચથી એ સસ્તાં હતાં તેથી. હજીય મેં તો મારી વાત પકડી રાખી.

નેપોલીથી ગાડીમાં બેઠાં. સાંજના સવા સાત થવા છતાં તડકો હતો. હવે ઘડિયાળમાં જોયું ત્યારે ૭.૫૦ થયા હતા, છતાં સૂરજ આથમી ગયો નહોતો. ગાડી વેગથી ઉત્તર તરફ દોડી રહી હતી. પારદર્શી વાદળ પાછળથી સૂરજ પણ ક્ષીણ તડકો પાથરતો દોડી રહ્યો હતો. એક ખેતરમાં સ્વયંચાલિત ફુવારાથી સિંચાઈ થઈ રહી હતી. જલશીકરો એ રીતે છંટાતાં જતાં હતાં કે મારા આ અધ્વગશ્રાન્ત દેહ પર ઝીલવાનું મન થઈ ગયું. સૂરજ હવે એક ડુંગરમાળ પરથી છેલ્લી નજર કરી ડૂબી જવામાં હતો. દ્રાક્ષની વાડીઓ શરૂ થઈ હતી.

એક સ્તબ્ધ સાંજની ક્ષણો.

સાંજ એટલે ગૃહાગમનનો સમય. એકદમ મન ઘેર અમદાવાદ પ્રોફેસર્સ કૉલોનીમાં ૩૨ નંબરના મકાનમાં પહોંચી ગયું. પછી દિવસો ગણું છું. કેટલા દિવસ થયા ઘેરથી નીકળે? ધીરે ધીરે સ્તબ્ધતાથી અંધકાર ઊતરતો ગયો.

ત્યાં તો એ જ દિશામાં ઊંચે આકાશમાં ચંદ્ર દેખાયો. ચોથ કે પાંચમનો? તિથિઓ આપણને ક્યાં યાદ રહે છે! ચંદ્રને જોઈને તિથિ જરૂર યાદ કરીએ. વેગથી દોડી જતી ગાડીની બારીમાંથી ચંદ્રને પણ સાથે દોડતો જોઉં છું. ચિરપરિચિત મિત્ર. પૂછી લીધું – કેમ છો મિત્ર, અહીં આ ઇટલીમાં?

રોમ પહોંચ્યા ત્યારે મોડું તો થયું ગણાય. પેન્સિઓનમાંથી સામાન લેવાનો હતો. એ એટલું નજીક હતું કે થોડી વારમાં જ સામાન લઈ મિલાન જતી ગાડીમાં બેસી ગયાં. સવારે રોમની દક્ષિણ તરફ જતાં હતાં, તો, અત્યારે રોમની ઉત્તરે જઈ રહ્યાં છીએ.

અલવિદા રોમ-રોમા.

પણ ના, આ રોમાની મુલાકાત હજુ મન ભરીને થઈ નથી. ફરી એક વાર આવવું જ પડશે. ફરી એક વાર મહાન કલાસ્વામીઓની કલાકૃતિઓ જોશું, ફરી એક વાર સંત પીટરની વંદના કરીશું, ફરી એક વાર ટાઈબરને કાંઠે છાયાઘન વૃક્ષવીથિકામાં ચાલીશું, કીટ્સના ઓરડામાં ડોકિયું કરીશું, કૅપિટોલની ટેકરીએ માઇકેલ ઍન્જેલોએ રચેલ પગથિયાં ચઢી તારકાકૃતિ પ્રાંગણ પરથી થઈ નીચે રોમના પ્રસિદ્ધ ફૉરમનાં ખંડેરોનું સૌન્દર્ય જોઈશું, એ ફૉરમોમાં ભમીશું.

એકાએક ભીડમાં કોઈ સુંદર ચહેરો દેખાઈ જાય, એને બરાબર આંખમાં ભરી લઈએ એ પહેલાં ભીડમાં ખોવાઈ જાય અને આપણે આકુલ બની જઈએ એવું અત્યારે આ રોમા(રોમ)ના દર્શનથી થયું છે. શબ્દાનુપ્રાસની લીલા કરીને કહું તો અત્યારે રોમ રોમમાં રોમા (રોમ) છે, તો મનની સાચી અવસ્થાની વાત થશે.

કદાચ અમારા સૌનાં મનની એવી અવસ્થા હશે. આ વખતની યાત્રામાં અમારું પ્રિય ઍથેન્સ સમાવાઈ શક્યું નથી. ઍથેન્સ જોવા આવવું પડશે ત્યારે રોમ ફરી આવશું એમ ડૉ. દલાલ બોલતાં હતાં. ફાઉન્ટન ઑફ ત્રેવીમાં સિક્કો તો નાખ્યો છે. જોઈએ, ફરી આવવાનું બને છે કે નહિ? મને થયું : આવે સ્થળે વારંવાર અવાય છે? આપણને પોષાય?

ગાડી તો અમને રોમથી દૂર લઈ જતી હતી. આવે વખતે કાલિદાસની પેલી ઉક્તિ અચૂક યાદ આવે : શરીર તો આગળ દોડે છે, પાછળ મન માંડ ઘસડાતું જાય છે. અલવિદા, અત્યારે તો અલવિદા રોમા. ગુડ નાઇટ.

હવે મિલાનોન્મુખ, ભલે મંઝિલ હોય ફ્લૉરેન્સ.

વેનિસ, રોમ અને ફ્લૉરેન્સ ઇટલીનાં આ ત્રણ નગર જુઓ એટલે ઇટલી – પ્રાચીન મધ્યકાલીન અર્વાચીન ઇટલી-નું મુખ જોઈ લીધું ગણાય. સાગરકાંઠે ઊભેલી જલપરી જેવી વેનિસનગરીનું સૌન્દર્ય અનુપમ છે. સાગરમાંથી ઉદ્ભવેલી વિનસની જેમ તે ઊભી છે, પોતાના જ સૌન્દર્યના ભારથી સ્તોકનમ્રા…

અને રોમા? શબ્દના સંસ્કૃત અધ્યાસને કારણે ક્યારેક આ નામ પાર્વતીનો પર્યાય લાગ્યું છે. કાલિદાસે પાર્વતીનું વર્ણન કરતાં ‘રરાજ તન્વી નવરોમરાજિ:’ કહી એના પેટ પર ઊગેલી રોમાવલિના સૌન્દર્યનો નિર્દેશ કર્યો છે. આ રોમ-રોમા પરથી રોમાન્ટિક શબ્દ પણ આવ્યો જણાય છે. ઠીક, એ બધી વાતો, પણ રોમાની મોહિની પણ એવી. આખી રોમન અને યુરોપીય સંસ્કૃતિની એ નાભિ.

અને ફ્લૉરેન્સ? વ્યુત્પત્તિગત અર્થે પુષ્પોની નગરી – ફિરેંજે. પુનરુત્થાન કાળની યુરોપીય સંસ્કૃતિનું સહસ્રદલકમલ એટલે ફ્લૉરેન્સ. ફ્લૉરેન્સ એટલે વિશ્વના શ્રેષ્ઠ કવિ ડાન્ટની નગરી, વિન્ચી, રફાયલ અને માઇકેલ ઍન્જેલો જેવા કલાકારોની નગરી, ગૅલેલિયો જેવા વિજ્ઞાનીઓની નગરી. કવિ કોલરિજના શબ્દોમાં : તારામંડિત ઇટલીમાં સૌથી દીપ્તિમંત તારિકા એટલે ફ્લૉરેન્સ : The brightest star of starbright Italy.

હજી તો ભરભાંખળું હતું. ગાડી એક સ્ટેશને ઊભી હતી. બારી ખોલી બહાર જોયું બોલોન્યા. મને મારા ઇટાલિયન મિત્ર ચેઝારે રિઝિ યાદ આવ્યા. બે દિવસ પહેલાં જ અમારી આ સ્ટેશને એમણે રાહ જોઈ હશે. અમે એ સમય સાચવી શક્યાં નહિ. અમારા સમયપત્રક પ્રમાણે વેનિસથી રોમ જતાં પહેલાં બોલોન્યા રોકાવાનું હતું, પણ અમે સીધાં રોમ જવા વિવશ હતાં.

અત્યારે અમે અહીં જ ઊતરી ગયાં હોત તો? રિઝિને ‘હેલો’ કરી તરત ફ્લૉરેન્સ જતાં રહેવાત. પણ, મારા સાથીઓ હજી ઊંઘમાં હતાં. પછી તો છેક મિલાન જઈને જ ગાડી બદલવી રહી.

મિલાનથી તરત સામેના પ્લૅટફૉર્મ પર ઊભેલી મિલાન રોમ જતી ગાડીમાં બેસી જ ગયાં. વિન્ચીના ‘લાસ્ટ સપર’ને અદૃષ્ટ નમસ્કાર કરી લીધા. ગાડીમાં પ્રથમ વર્ગ પણ આજે ભરેલો હતો. અમે સૌ જુદા જુદા ડબ્બામાં બેસી ગયાં. ગાડીની બારીમાંથી જોઉં છું તો સુંદર લૅન્ડસ્કેપ! પહાડી ભૂમિ છે. પછી ખેતરો શરૂ થયાં છે. એક લાંબા ટનલમાંથી ગાડી પસાર થાય છે. ડબ્બામાં જુદાં જુદાં રાષ્ટ્રના લોકો લાગે છે. જાપાનીઓ તો હોય જ. થોડાં પુસ્તકો સાથે પાંત્રીસેક વર્ષનો એક ઊંચો યુવક પણ છે. બહુ પ્રભાવક ચહેરો.

બાજુની કૅબિનમાંથી સતત હસવાનાં મોજાં આવ્યા કરે છે. પ્રવાસીઓનું દળ છે. સુંદર પહાડો બન્ને બાજુએ આંખોને આકૃષ્ટ કરે છે. દિવસ ખુલ્લો છે. સવારે તો ચિંતા હતી. અત્યારે થોડાં શ્વેત વાદળ છે, એ ભૂરા આકાશની પ્રાકૃતિકતામાં વૃદ્ધિ કરે છે.

ફ્લૉરેન્સ આવવામાં છે.

License

યુરોપ-અનુભવ Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book