યૌવનોત્સવ

રોદાંના સૌન્દર્યલોકમાંથી બહાર આવ્યાં.

પછી સેન નદીને કિનારે, નોત્રદામની સન્નિધિમાં પહોંચ્યાં. આ તરફ તો કોઈ મોટો કાર્યક્રમ હોય એવું લાગ્યું. સો-બસો નહિ, હજારો પૅરિસવાસીઓ, જેમાં યુવાન-યુવતીઓની સંખ્યા જ વધારે હશે. રાત્રિના ૧૦ વાગ્યા હશે, પણ અજવાળું ઘણું હતું. સેનનાં કંપતાં વારિ જોઈ શકાતાં હતાં. પણ આ માનવ-મહેરામણ? અમારી બાજુમાંથી એક કન્યા લલલગા ગાતી તાળી વગાડતી પસાર થઈ, સાથે બીજી અનેક. બધાંએ જાણે ફ્રાન્સની પ્રસિદ્ધ મદિરા શૅમ્પેઇનનો નશો કર્યો હોય તેમ મસ્તીમાં ચકચૂર હતાં.

નોત્રદામના ચૉકમાં એક ટેમ્પરરી સ્ટેજ કર્યો હતો. ત્યાં નૃત્યુસંગીતનો કાર્યક્રમ ચાલતો હતો. એક આઇટેમ પૂરી થાય કે તાળીઓના ગડગડાટ. અહીં કંઈ વ્યવસ્થિત રંગમંચ નહોતો. બધાં પ્રેક્ષકો ચારેબાજુ ઊભાં ઊભાં આનંદ લઈ રહ્યાં હતાં.

અમે તો સેનને વિદાય આપવા આવ્યા હતા, ત્યાં આ શું? આખા પૅરિસનું યૌવનધન રસ્તા પર હતું. આજે ૨૧મી જૂને કોઈ ઉત્સવ ઊજવાય છે. અત્યારે ઉત્સવના ખરા નામના અજ્ઞાનને કારણે એને ‘યુથફેસ્ટિવલ’ કહીશું?

જેમ જેમ રાત જામતી જાય છે, તેમ તરુણ – તરુણીઓની સંખ્યા વધતી જાય છે. કોઈ કોઈને ચૂમી રહ્યું છે. કોઈ કોઈને આલિંગીને હલબલાવે છે. કોઈએ પોતાની સખીને ઊંચકીને ખભે બેસાડી દીધી છે! નાના નાના વૃન્દમાં નૃત્ય ને ગાન ચાલે છે. એક વૃન્દની આજુબાજુ બસોત્રણસો માણસો ઊભા હોય અને આનંદમાં તાળીઓ પાડતા જાણે પેલા નૃત્યમાં સહભાગી થતા હોય. બીજી બાજુએ એવો જ બીજો કાર્યક્રમ થઈ રહ્યો હોય. એ ખરેખર વસંતોત્સવ હતો. પૅરિસની મસ્તી અહીંથી વિદાયને આગલે દિવસે જોઈ. વાહનો છલકાઈને આવતાં હતાં, યુનિવર્સિટી તરફથી. આજે રાત્રે ટ્રાફિકના જાણે નિયમો નહોતા. સડકો પર શબ્દશઃ તલપૂર જગ્યા નહિ. અમારે જવાના સેન્ટ મિશેલના આખા માર્ગમાં વાહન વહેવાર ઠપ્પ. છતાં સુંદર ચહેરાઓ આવતા જ જાય, આવતા જ જાય. હજારો સુંદર ચહેરા એકસાથે જોયા. પૅરિસનું માનવીય સૌન્દર્ય જોયું. લુવ્રમાં કે રોદાંના ગાર્ડનમાં જે જોયું તેનું જ જાણે આ જીવંત રૂપ!

License

યુરોપ-અનુભવ Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book