મોં માર્ત્ર

(શહીદોની ટેકરી)

કવિ નિરંજન ભગત પૅરિસમાં ત્રણ માસ રહેલા તેની વાત કરે. તેમાં મુખ્ય વાત ચાલવાની હોય. એક એક માર્ગ અને એક એક જાણીતી રેસ્ટોરાં – જે કોઈ ને કોઈ સાહિત્યકાર ચિંતકના નામ સાથે જોડાયેલી હોય – ની મુલાકાત, ચાલીને.

ઉમાશંકર કહે કે, નગરને ‘પદગત’ કરીએ, તો જ એનો ખરો અનુભવ થાય.

અમે પણ એમ કહેવાની સ્થિતિમાં છીએ કે, ભલે થોડા દિવસ પણ અમે પૅરિસમાં ગતિશીલ જ રહ્યાં છીએ. મેટ્રોમાં લાંબા અંતરને બાદ કરતાં ઘણુંખરું પગે ચાલી ચાલીને. ચાલતાં ચાલતાં થોડું ખાઈ લઈએ. એક જગ્યાએ શાકભાજીની દુકાનમાં ટેટી જોઈ. અસલ ભારતીય ટેટીનું જ રૂપ. મોંઘી ઘણી પણ ખરીદી. હવે ખાવી ક્યાં?

એક મેટ્રો સ્ટેશને ઊતરવાનાં પગથિયાં પાસે બેસી ગયાં. ટેટી કાપી, એક એક ચીરી મોંમાં મૂકી – આવો ટેટીનો સ્વાદ ભારતમાં મીઠામાં મીઠી ટેટીનો પણ કદી ચાખ્યો નહોતો. પૅરિસની એ ટેટી, જ્યારે કોઈ પણ ટેટીની વાત થાય ત્યારે, યાદ આવે.

અમારે મોં માર્ત્રની મુલાકાત લઈ, પછી સાંજનું ભોજન રમેશભાઈને ત્યાં કરવાનું હતું. મોં માર્ત્ર એ પૅરિસની નગરચિત્રણામાં ઊંચામાં ઊંચી જગ્યાએ લગભગ ચારસો ફૂટની ઊંચી ટેકરી પર આવેલું છે. પૅરિસની નોત્રદામ પરથી લીધેલી તસવીરમાં દૂર દેખાતું મોં માર્ત્રનું ચર્ચ જ પહેલું આંખે પડે. એ રીતે એવા પૅરિસનું કદાચ એ સૌથી પ્રભાવક સ્થળ બની જાય છે. કિંવદન્તી પ્રમાણે તો અહીં પૅરિસના પ્રથમ બિશપ સેન્ટ ડેનિસનો ઈ.સ. ૨૫૦માં એમની સાથે બીજા બે પાદરીઓ સાથે શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. એટલે કદાચ શહીદોની ટેકરી.

ફ્રેન્ચનાં આધુનિકતાવાદી સાહિત્ય અને કલાજગતના પરિચયમાં જેમ જેમ આવ્યાં, તેમ આધુનિક કલા-આંદોલનોમાં જોડાયેલા કલાકારોનાં જીવનમાં મોં માર્ત્રનું કેટલું બધું મહત્ત્વ હતું તેનો ખ્યાલ આવ્યો. બોહેમિયન ચિત્રકારો, કવિઓ, કલાકારો માટે એ ‘મક્કા’ હતું, કલા અને સાહિત્યની નવી નવી પ્રવૃત્તિઓનું કેન્દ્ર.

આજે પણ અનેક અકિંચન, કિંચન, કલાકારો મોં માર્ત્રની આજુબાજુની ગલીઓમાં ‘મુક્ત જીવન’શૈલી અપનાવી રહે છે. કલા એ જ એમની ઉપાસના છે. અગાઉ પ્રયોજ્યું તે વિશેષણ ‘બોહેમિયન’ અનેક રીતે એમને બંધબેસતું આવે. છેલ્લી સદીથી તો વિશેષ રીતે. દુનિયાભરના કલાકારો અહીં આવે. વાન ગોઘ પણ અહીં આવી રહેલા. અમારે મોં માર્ત્રના કલાકારોની વસ્તીમાં ‘ભટકવું’ હતું. ટેકરી પરના ચર્ચમાં અમને એટલો રસ નહોતો.

ટ્યૂબ ગાડીમાં અમે મોં માર્ત્ર જવા નીકળ્યાં. પણ ભૂલથી, નજીકના સ્ટેશને ઊતરવું જોઈએ તેનાથી આગળના સ્ટેશને ઊતરી ગયાં. ચાલવાનો માર્ગ લાંબો ને લાંબો થતો ગયો લાગ્યો. ચાલવાનો આટલો થાક કદાચ સમગ્ર પ્રવાસમાં નહિ લાગ્યો હોય, પણ અમારે તો જોવી હતી બોહેમિયન કલાકારોની દુનિયા.

તેમાં વળી પગથિયાં પણ ચઢવાનાં આવે. છેલ્લાં પગથિયાં તો જરા આકરાં પડી ગયાં. અમે જઈને ઊભાં સેક્રાકાર ચર્ચના પ્રાંગણમાં. એ ચર્ચ સ્થાપત્યકલાનો ભલે એક નમૂનો હોય, પણ અમારી રહીસહી શક્તિ ચર્ચમાં ફરવા કરતાં પેલા કલાકારોની વસ્તીમાં ખર્ચવાની હતી.

અમે થોડી વાર ચર્ચનાં પગથિયાં પર બેસી વિશ્રામ કર્યો. પછી ઊભાં થઈ ચર્ચની આગળપાછળના ભાગોમાં ફર્યાં, ક્યાંક પાછલી ગલીઓમાં ગયાં, પણ અમને પેલા બોહેમિયન કલાકારોના માર્ગ પરના સ્ફડિયો કે નાની નાની રેસ્તોરાંઓ જોવા મળી નહીં.

અમને એટલી તો માહિતી હતી કે, મોં માર્ત્રની પહાડીની જરા નીચે ઊતરતાં જ ઢોળાવવાળો એક માર્ગ છે, જ્યાં પૅરિસના એક વખતના પ્રસિદ્ધ ચિત્રકારો થઈ ગયા. અહીં હતી એક રેસ્ટોરાં, જ્યાં બધા અકિંચન કવિઓ-કલાકારો બેસતા – અને પછી જેમણે નામના કાઢેલી. ખરી વસ્તુ એ પણ હતી કે, આજે પણ ત્યાં સાહિત્યિક ગોષ્ઠિઓ જામે છે.

જોકે અમને એ ગલી — માર્ગ નજરે ન પડ્યાં. થાક્યાં તો હતાં જ. નિરાશ થઈ અમે પગથિયાં ઊતરી, માર્ગે વળી, મેટ્રો લીધી અને પહોંચ્યાં રમેશભાઈને ત્યાં. તેમણે પહેલાં જ પૂછ્યું : ‘ત્યાં તમે ‘Place de Tertre’ ગયેલા. એ કલાકારો-કવિઓનું મિલનસ્થાન છે. અમે કહ્યું – ‘અમને એ સ્થળ ન મળ્યું.’ ‘એ તો મોં માર્ત્રનું મુખ્ય કેન્દ્ર છે. ત્યાં ટેકરીથી જરાક જ નીચે ઊતરવાનું હતું! ત્યાંનું રાત્રિજીવન જુદું જ હોય છે. આખી દુનિયાના પ્રવાસીઓ આવે છે, એમાં ચિત્રકારો- કલાકારો તો ખરા. એ તમારું ચિત્ર પણ તરત જ દોરી આપે.’

સરલાબહેનના ગરમાગરમ ગુજરાતી ભોજને અમારો થાક ઉતારી નાખ્યો. બીજા વિશ્વયુદ્ધના જર્મન ઑક્યુપેશન વખતે રમેશભાઈ પૅરિસમાં હતા. એ દિવસો એમણે સંભાર્યા. એમની એક દીકરી છે – ડૉક્ટર છે. અમેરિકામાં સ્થાયી થઈ છે. ક્વચિત્ મુંબઈ આવે છે. પછી વાતવાતમાં બોલ્યા :- ‘પાંતિયો’ તો જોયું જ હશે? ‘પાંતિયો?’ અમે એમની સામે જોઈ રહ્યાં. – કેમ ‘પાંતિયો’? – પછી અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે બોલ્યા : ‘પૅન્થિઓન’. અમે તો પૅરિસમાં શરૂઆતમાં જ એ ‘પાંતિયો’નાં દર્શન કરેલાં. પછી તો બધાં ખૂબ હસ્યાં : પૅન્થિઓનનો ખરો ઉચ્ચાર છે – ‘પાંતિયો’.

રમેશભાઈનો – સરલાબહેનનો આભાર માની અમે ટ્યૂબ પકડી લીધી. જેવા રેલવેના ડબ્બામાં બેઠા કે કોઈ બોલ્યું :- ‘પાંતિયો!’ બધાએ નાસિક્ય ધ્વનિથી જાણે પડઘો પાડ્યો – ‘પાંતિયો!’ અને ખડખડાટ હસ્યાં.

License

યુરોપ-અનુભવ Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book