ફ્રાન્કફર્ટ ભણી

ફ્રાન્કફર્ટ ભણી અમારી ટ્રેન જઈ રહી હતી. જેવી બેલ્જિયમની સીમા પૂરી થઈ કે ટ્રેનમાં જર્મન પોલીસ અમારા વિસા તપાસવા આવી ગઈ. એમના આવવાથી અમને પ્રતીતિ થઈ કે હવે અમે જર્મનીમાં છીએ. પાસપૉર્ટમાં જર્મન પ્રદેશની બે એન્ટ્રીના સિક્કા હતા, છતાં એ લોકોએ ઝીણવટભરી તપાસ કરી, પોતાની સાથેના રેકૉર્ડ સાથે ખાતરી કરી લીધી.

અમે તો હવે અમારી આનંદભરી મસ્તીમાં હતાં. ટ્રેન પ્રસિદ્ધ રાઇન નદીને કિનારે કિનારે જતી હતી. મારા મિત્રોએ તો રવિવારે રાઇનમાં નૌકાયાત્રા કરી હતી, પણ મારી ઇચ્છાપૂર્તિ માત્ર એનાં દર્શનથી જ થઈ. રાઇન પણ આપણા બ્રહ્મપુત્રની જેમ નદી નહિ, પણ નદ છે. જર્મનીની એ જીવનરેખા છે. રાઇનને સામે કિનારે ઊંચીનીચી પહાડીઓ છે અને એ પહાડીઓ પર ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં મરાઠાએ બાંધેલા કિલ્લાની જેમ અનેક કિલ્લાઓ – ‘બુર્ગ’ ત્યાંના શાસકોએ બાંધેલા છે. જર્મનીમાં પણ અંદરોઅંદર લડાઈઓ મધ્યયુગમાં થતી રહેતી, જેમાં ‘ત્રીસ વર્ષની લડાઈ’ (જ. ત્રાઈઝીગયારીસ કીંગ | થર્ટી યર્સ વૉર્સ’) અત્યંત પ્રસિદ્ધ છે.

૧૯૬૭-‘૬૮ના વર્ષોમાં મેં અને અનિલાબહેને તો જર્મન ભાષાનો રીતસરનો સઘન અભ્યાસ કરેલો. પછી મૅક્સમ્યુલર ભવન, પુણેમાં મેં બે મહિના જર્મનનો આગળ અભ્યાસ કરેલો. એ વખતે અનેક જર્મન ફિલ્મો જોયેલી અને જર્મન લોકગીતોનું શ્રવણ પણ. મેં જર્મન લોકગીતોને એક વધારાના પસંદગીના વિષય તરીકે રાખેલો. મને પોતાને ગાતાં આવડવાની કોઈ આશા નહોતી, પણ અમને લોકગીતો ગવડાવતા યુવાન શરમાળ જર્મન અધ્યાપક અને એક પ્રૌઢ અધ્યાપિકાને એ ગીતો ગાતાં સાંભળી મન તરબતર થઈ જતું.

પુણેના મૅક્સમ્યુલર ભવનમાં જર્મન સાહિત્ય સાથે તેના ગ્રંથાલયમાં બેસી જર્મન ઇતિહાસ, ભૂગોળનું થોડું થોડું જ્ઞાન પણ સંપાદિત કરેલું. એ બધી વાતોને તો લગભગ બે દાયકા થઈ ગયા હતા, પણ હજી એની આછી આછી સ્મૃતિઓ હતી તે આ ભૂમિમાં આવતાં જાગી ઊઠી.

એ વખતે જર્મનીની મુલાકાત લેવાની કેટલી ઇચ્છા કરેલી? એ હવે પૂરી થઈ રહી છે એનો આનંદ હતો.

રૂપા, દીપ્તિ, અનિલાબહેન, નિરુપમા — સૌ હવે પ્રસન્નચિત્ત છે. ટ્રેનની બારી બહાર સુંદર દૃશ્યાવલિ. ઘર હોય, આજુબાજુ ઝાડ. આખું દૃશ્ય એક મઝાનું ઝૂમખું.

સાંજના લગભગ આઠ વાગ્યે પણ આપણે ત્યાંના છ વાગ્યા હોય એટલો તડકો હતો. કૉલોન આવ્યું. કૉલોનનું કેથિડ્રલ અત્યંત પ્રસિદ્ધ છે. મારા સિવાયનાં આ બીજાં મિત્રો જોઈ આવ્યાં છે.

હવે રાઇન નદીને કિનારે કિનારે ટ્રેન જતી હતી. નદીને સામે કિનારે જૂના કિલ્લા આવતા હતા. તેમાં હવે પ્રવાસીઓને આકર્ષિત કરવા લાઇટો કરવામાં આવી છે. નદી પારથી ટ્રેનમાંથી જોતાં તો જાણે કોઈ માયાવી લોક!

સૂર્ય ઢળી ગયો. એ પછી પણ કાચની બારી પર આંખ પર બે હાથ રાખી ઝાંકી ઝાંકીને બહાર જોઈએ છીએ. રાઇન પર લાંબી લાંબી શીપબોટ જઈ રહી છે. વચ્ચે વચ્ચે સામે પાર આવતા જૂના કિલ્લાનાં અંદરથી અજવાળાવાળાં ખંડેર પાછાં આવતાં જાય. આ દૃશ્યાવલિની સમાંતર મારી ચેતનાની આંતરિક પ્રસન્નતા પણ ભળી જતી હતી. લગભગ સાત દિવસના આકરા વ્યગ્ર દિવસો પછીની આ અનુભૂતિ કંઈક જુદી જ હતી. વેગથી સરતી ગાડી ચેતનાને અદ્ભુત રીતે ઝણઝણાવતી હતી.

૧૧ વાગ્યે ફ્રાન્કફર્ટ પહોંચ્યાં. વિશાળ સ્ટેશન. મુંબઈ સેન્ટ્રલની જેમ અનેક ટ્રેનો ઊપડવા તત્પર હતી કે આવી રહી હતી. અમે સામાન એક જગ્યાએ મૂકી, એક બેન્ચ પર બેસી શાંતિથી વિચારણા કરી : રાત્રે કોઈ નજીકની જગ્યામાં વાસો કરવો કે સ્ટેશન પર જ રાત ગુજારવી? આમસ્ટરડામની જેમ સ્ટેશન વસાઈ જતું નહોતું. વળી, અમારે કાલે શરૂમાં ફ્રાયબર્ગ, તે પછી અમારી અનેક દિવસોની આકાંક્ષાનું સ્થળ તે હાઇડેલબર્ગ યુનિવર્સિટી અને સમય વધે તો બ્લૅક ફૉરેસ્ટ જવું એની વિચારણા કરી. ફ્રાયબર્ગ જવાની ગાડી ૪.૩૦ વાગ્યે સવારે ઊપડતી હતી અને અત્યારે રાત્રિના ૧૨.૦૦ થવામાં હતા.

અમે મુખ્ય સામાન લૉકર્સમાં મૂકી દીધો. ફ્રાન્કફર્ટ સ્ટેશનના આ વિશાળ પ્લૅટફૉર્મ પર લગેજ સુરક્ષિત મૂકવાની, વૉશરૂમની, પોસ્ટ ઑફિસની, આરામથી બેસવા બેન્ચોની સુવિધાઓ હતી અને એ વિષે સાઇનબોર્ડ દિશાસૂચન આપતાં હતાં.

એક મોટા બોર્ડ પર ટ્રેનોની અવરજવરની સમયપત્રક પ્રમાણે સૂચનાઓ આવતી-જતી હતી. કોઈને કશું પૂછવું પડે નહિ. અમે જ્યાં બેઠાં હતાં તેની બરાબર સામે રેસ્ટોરાં હતી અને તેના કાઉન્ટર પર કાં કોઈ પાકિસ્તાની કે બાંગ્લાદેશી વ્યવસ્થાપક હતો. એ જ માલિક હશે. અમે કડકડતી ઠંડીમાં બહાર બેન્ચ પર બેઠા છીએ તે તરફ તેની નજર પડી.

બાજુની બૅન્ચ પર એક પ્રૌઢદંપતી નશામાં ધૂત થઈને બેઠું હતું. કેટલાક વૃદ્ધ પણ બિયરનાં ડબલાં સાથે બેઠા હતા. કદાચ રાત વિતાવવા માટે એમને માટે આ સ્થળ જ હશે. એટલામાં પોલીસ આવી પહોંચી. પીધેલી હાલતમાં આ બધા ઊભા થઈ ડોલતી ગતિએ બહારની દિશા ભણી ચાલવા લાગ્યા. પોલીસે પોતાની સશક્ત મૂઠીમાં તેમનો હાથ પકડી ખેંચતા જઈ જલદીથી સ્થાન ખાલી કરાવ્યું. ખરેખર તો જેમની પાસે ટિકિટ હોય અને વહેલી ટ્રેન પકડવાની હોય તેઓ જ પ્લૅટફૉર્મ પર રાત ગાળી શકે.

થોડી વાર અવરજવર ઓછી થઈ. પણ ૨-૩૦ વાગતાં ટ્રેનોની શરૂઆત થતાં જ પ્લૅટફૉર્મ પર હલચલ શરૂ થઈ. રેસ્ટોરોમાં કેટલીક ખુરશીઓ ખાલી થઈ. રેસ્ટોરાંના પેલા માલિકે અમને ઇશારાથી અંદર આવીને બેસવા કહ્યું. એટલું જ નહિ, કૉફી ઑફર કરી. બાંગ્લાદેશી હતા. અહીં પાકિસ્તાની, ભારતીય અને બાંગ્લાદેશી એકબીજાને સ્નેહપૂર્વક અભિવાદન કરે છે એ પણ જોવા મળ્યું.

સ્ટેશનના પ્લૅટફૉર્મ પર પાછા આવેલા કેટલાક શરાબીઓ વચ્ચે મારામારી પણ થઈ ગઈ. આપણને નવાઈ લાગે, ભય પણ થોડો લાગે. ઘણું સાચવવું પડે. ઓછામાં પૂરું અમારી ટ્રેન ૨૦ મિનિટ મોડી ઊપડી.

૮.૩૦ વાગ્યે અમે ફ્રાયબર્ગ ઊતર્યાં. વરસાદ શરૂ થઈ ગયો હતો, સાથે ઠંડો પવન. જો વધારે ખુલ્લામાં ફરવા નીકળીએ તો માંદા પડી જવાય એવું હવામાન થઈ ગયું, તોપણ સ્ટેશનની બહાર નીકળી નગરના મુખ્ય રસ્તા પર આવ્યાં. પરંતુ દૂર સુધી જવાનો વિચાર માંડી વાળી સ્ટેશન પર પાછાં આવ્યાં.

એક તિબેટિયન વિદ્યાર્થિની મળી. તિબેટમાંથી નિર્વાસન પામ્યા પછી ભારતમાં રહેલી. ભારતવાસીઓને જોઈ તેણે હિન્દીમાં વાત શરૂ કરી અમને આશ્ચર્યમાં નાખી દીધાં. અહીં તે ભણવા આવી છે. જર્મન ભાષામાં સેક્રેટરી થવાનો કોર્સ લીધો છે. એણે કહ્યું : ‘અહીં અમને બધી ફેસિલિટી મળી છે, પણ ‘નો હાર્ટ’. અહીં આપણા લોકોને બહુ ‘મિસ’ કરે છે.’ એમ બોલી. બીજો એક ભારતીય યુવાન જર્મન છોકરી સાથે ‘અમને કંઈ પ્રૉબ્લેમ થયો છે?’ એમ પૂછવા આવ્યો. અમે ના કહી. તેણે શરમાતાં શરમાતાં પોતાની જર્મન ગર્લફ્રેન્ડનો પરિચય કરાવ્યો – હાથમાં હાથ નાખી. એને તો અહીં ગમે છે. ગમે જ ને?

હવે અમારી અભીપ્સિત વિદ્યાનગરી હાઇડેલબર્ગ.

License

યુરોપ-અનુભવ Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book