પૅરિસની વિદાય અને લંડનપ્રવેશ

પૅરિસમાં છેલ્લી સવાર. અહીં બહુ સવારો વિતાવી છે, એવુંય કંઈ કહેવાય નહિ. પૅરિસ – જેવી વિશ્વસંસ્કૃતિના કેન્દ્ર જેવી મહાનગરીમાં આવવાનું બન્યું તે પણ મારે મન ઘણું છે. ‘પૅરિસ’ ઉચ્ચારની સાથે સંસ્કૃતિ, કલા, સાહિત્ય અને સૌન્દર્યનું એક જાણે આભામંડળ રચાઈ જાય છે.

હોટલ કુજામાં પાંચ વાગ્યે ઊઠીને તૈયાર થયાં, નીચે આવ્યાં. ટૅક્સીકેન્દ્રને ટેલિફોન કર્યો. સામેથી જવાબ આવ્યો ૧૦ મિનિટમાં ટૅક્સી આવી જશે. ગણતરીની મિનિટોમાં બે ટૅક્સીઓ આવી ગઈ. અમારે ગારે દ નોર્દથી બેસવાનું.

છ વાગ્યે તો સ્ટેશન પર. રસ્તે સેન નદી મળી. નોત્રદામ, આવજો – જાણે ફ્રેન્ચમાં ‘આ રવુઆ’ કહ્યું. બધાને વિદાય આપી. પૅરિસના માર્ગો અત્યારે ખાલી હતા, જે કાલે સાંજે તો છલકાતા હતા. આમેય શોખીનો માટે પૅરિસમાં દિવસની શરૂઆત સાંજ પછી થતી હોય છે એમ કહેવાય છે. અત્યારે આ મહાનગરની યોજનાબદ્ધતા અને એની સપ્રમાણતાનો ખ્યાલ આવે.

આકાશમાં – પૅરિસના આકાશમાં – પ્રભાતનો ચંદ્ર જોયો.

પૅરિસ નૉર્દથી કેલે બંદરે જઈએ છીએ. યુરેઇલ પાસ દ્વારા, પણ મુસાફરીની આ છેલ્લી ટ્રિપ હતી. ૬.૪૦ વાગ્યે ગાડી ઊપડી. ફ્રેન્ચ સાંભળવાનો આ કદાચ છેલ્લો અવસર હતો. વાદળ છવાયાં હતાં. પૅરિસનાં પરાં પસાર થયાં, પછી ગ્રામવિસ્તાર શરૂ થયો. ખેતરો, ફ્રૉસ્ટે વર્ણવેલાં જાણે એવાં વુડ્જ, લાલ નળિયાંનાં છાપરાં ધરાવતાં પસાર થતાં ગામ. વરસાદ પડી ગયો, પછી તડકો નીકળ્યો અને એકદમ દીપ્તિએ ધ્યાન દોર્યું તો વિરાટ ઇન્દ્રધનુ! ગાડીના ડબ્બામાંથી ઇન્દ્રધનુને નમીને વિદાય આપી. તડકો અમને મળવા છેક અંદરના ડબ્બામાં આવ્યો. અમે નાસ્તો કરવા બેઠાં. ભારતથી લાવેલી ભાખરી પણ એમાં હતી તેની સાથે બ્રેડ, દૂધ. ભાખરીઓ આજે પૂરી થઈ ગઈ.

Amiens સ્ટેશન – ઉચ્ચાર શો થતો હશે?

વળી પાછો વરસાદ શરૂ થયો. સાથે વાવા લાગ્યો ઠંડો પવન. ડોવર સ્ટેશને ઊતર્યાં. પાસપૉર્ટ-કસ્ટમ ચેકિંગ. પરંતુ અમે જે પૉર્ટ પર હતાં ત્યાંથી બીજા પોર્ટ પર શીપ-વહાણ (જેની ટિકિટ લંડનથી નીકળતાં જ લીધેલી – જે ભૂલ હતી) માટે જવાનું હતું અને તે પણ વરસતા વરસાદ અને ઠંડા પવન વચ્ચે અમારા સામાનની પેટીઓ સાથે. આખી સડક પર ચકલુંય દેખાય નહિ. દીપ્તિ, રૂપા, અનુપમા, અનિલાબહેન – અમે સૌ થાકી ગયાં હતાં, પણ અમારે વેગથી ચાલવાનું હતું. શીપનો ઊપડવાનો સમય થઈ ગયો હતો. છેવટે પહોંચ્યાં. ફરી પાસપૉર્ટ ચેકિંગ. પછી બસ, અને પછી બોટ. બોટ પરના અધિકારીએ અમારી પેટીઓ ખેંચી ઉપર લેવામાં સહાયતા કરી. અંદર અમે જેવાં પ્રવેશ્યાં કે લંગર ઉપાડી લીધાં! છેલ્લે જાણે કસોટી થઈ ગઈ.

બોટમાં ઓછા યાત્રિકો હતા. અહીંના શોરૂમોમાં ડ્યૂટી-ફ્રી વસ્તુઓ મળતી હતી. રૂપા, દીપ્તિ, નિરુપમા ખરીદી કરવા ઊપડી ગયાં. હવે અમે એક કલાક ઘડિયાળ પાછળ મૂક્યું, જે યુરોપમાં પ્રવેશતાં મહિના પહેલાં એક કલાક આગળ મૂક્યું હતું.

આજે સમુદ્ર ઊંચા તરંગો દ્વારા પોતાની હયાતી વિષે અમને સભાન કરતો હતો. વિક્ટૉરિયા ટર્મિનસ. એક પ્રવાસી મહિલા બેઠી બેઠી રડતી હતી. પ્રવાસે નીકળી એ જ દિવસે એનું પર્સ ચોરાઈ ગયું, તે એ જ દિવસે પાછી વળી હતી.

ફરી પ્રવેશવિધિ અને વિક્ટૉરિયાથી અમે ટૅક્સીઓ કરી લીધી. બે ટૅક્સીઓ – ક્રિઝન્ટ રાઇઝ સુધી એકનું ભાડુ ૧૭ પાઉન્ડ – એટલે કેટલા બધા રૂપિયા થયા (૧૭x૭૨) એમ મનમાં ગુણાકાર થઈ ગયો! પણ આ તો લંડનની ટૅક્સી છે. અનિલાબહેને તો ટૅક્સીવાળાને કહ્યું પણ ખરું કે, તમે અમને લાંબે રસ્તે લાવ્યા. ટૅક્સીવાળાને સમજ પડી કે કેમ પણ તે તો એમના બોલવા સામે માત્ર જોઈ રહ્યો, કંઈ બોલ્યો નહિ.

અમે લંડનમાં શાંતિભાઈના ઘરે પહોંચી ગયાં, – જાણે ઘેર પહોંચી ગયાં. થોડી વાર પછી મેં અમેરિકન એક્સપ્રેસ કંપનીમાં ટ્રાવેલર્સ ચૅક અંગે ફોન કર્યો, મારો બ્રસેલ્સથી અપાયેલો નંબર આપ્યો. સામેથી ફોન આવ્યો : ક્યાં ઊતર્યાં છો, કઈ બૅન્ક નજીક પડશે એ જાણવા. અમે અમારા નિવાસનું સરનામું આપ્યું એટલે તેમણે બીજે દિવસે અમુક બૅન્કમાંથી ચેક/કૅશ મેળવી લેવા કહ્યું. પછી, બાર્કલે બૅન્કમાં અનિલાબહેનને પોતાના બાર્સિલોનામાં ચોરાયેલા ટ્રાવેલર્સ ચેક અંગે પૅરિસમાં આપેલા રેફરન્સ નંબર સાથે ફોન કર્યો. ત્યાંથી પણ કાલે નવા ચેક મેળવી લેવા કહ્યું.

રાત્રે લંડન શહેર જોવા શાંતિભાઈએ એમની મોટરગાડીમાં અને બીજી સરલાબહેન સંઘવી જે ઈસ્ટર્ન શીપ કંપનીનાં ભાગીદાર હતાં અને શાંતિભાઈને ત્યાં ઊતર્યાં હતાં – એમની ગાડીમાં અમને ગોઠવી દીધાં. શાંતિભાઈ અમને લંડનની ‘પબ કલ્ચર’નો અનુભવ કરાવવા ઇચ્છતા હતા. કહે : ‘લંડન કે એ રીતે ઇંગ્લૅન્ડની પબનો અનુભવ લીધા વિના તમારી મુસાફરી અધૂરી ગણાય.’ એ વાત તો અમે જાણતાં હતાં કે, પૅરિસ, લંડન, વિયેના, બર્લિન જેવા નગરોમાં પબ એટલે જેમ શરાબીઓનું તેમ બૌદ્ધિકોનું પણ મિલનસ્થાન. કોઈ થાકેલાંહારેલાં એકાકી માનવી પણ ત્યાં સાંત્વના મેળવે, પ્રેમીઓ કલાકોની ઉષ્મા આછા નશામાં દ્વિગુણિત કરે અને કવિઓ-કલાકારો-રાજકારણીઓ એ બધા ચર્ચાઓ બિયરના ઘૂંટડા ભરતાં કરતા હોય. મદ્યનિષેધક રાજ્યમાંથી આવનાર માટે આ ‘સંસ્કૃતિ’નો અનુભવ ક્યાંથી? શાંતિભાઈએ બિયરના બે ડબલાં ખરીદ્યાં. એક એમણે લીધો, એક મને આપ્યો. મહિલાઓ માટે એમણે આગ્રહ ન કર્યો. મને કહે – જેટલો પિવાય એટલો – ધીમે ધીમે – ઘૂંટડો ઘૂંટડો – ચાલતાં ચાલતાં પીઓ. પણ પીવો તો પડે. લાંબો વખત ડબલું હાથમાં રાખવા છતાં માંડ થોડા ઘુંટ વચ્ચે વચ્ચે ભરતો હતો. મોટરગાડી સરતી રહી – ૧૦ ડ્રાઉનિંગ સ્ટ્રીટ, પિકાડેલી, પાર્લમેન્ટ હાઉસ, વેસ્ટ મિન્સ્ટર બ્રિજ. ટેમ્સ નદી.

સવારે પૅરિસની સેન નદીનાં દર્શન કર્યાં હતાં, તો, રાત્રે લંડનની ટેમ્સનાં.

License

યુરોપ-અનુભવ Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book