સુરેશ જોષીની નિબંધસૃષ્ટિ – ૧

ગુજરાતી ભાષામાં નિબન્ધનો આરમ્ભ નર્મદથી થયો એમ આપણે કહીએ છીએ પણ નર્મદની અને એના સમકાલીનોની કે પંડિતયુગના સાક્ષરોની એ પ્રકારની રચનાઓને નિબન્ધ કરતાં ચિન્તનાત્મક ગદ્યના નમૂના તરીકે ઓળખાવવી વધુ વાજબી કહેવાય. ગુજરાતી ગદ્યને વિકસાવવામાં માત્ર સર્જકોએ જ ભાગ ભજવ્યો એવી માન્યતા સાચી નથી. શૈલી અને સામગ્રીની દૃષ્ટિએ સુધારક યુગના કેળવણીકારો-સાહિત્યકારોનાં લખાણોમાં, પછી એ અનુવાદો હોય, પ્રવાસવૃત્ત હોય કે શિક્ષણવિષયક હોય, આ ગદ્યની વિવિધ છટાઓ પ્રગટી છે અને તેનો સઘળો લાભ તત્કાલીન ગદ્યલેખકોને તથા અનુકાલીન લલિત નિબન્ધકારોને મળ્યો છે. આમ છતાં જે અર્થમાં અંગ્રેજી સાહિત્યમાં નિબન્ધને ઓળખવામાં આવતો હતો એવા સ્વરૂપમાં લલિત નિબન્ધ ભાગ્યે જ ગુજરાતીમાં રૂઢ થયો છે.

અહીં આપણે એવું કહેવા માગતા નથી કે અંગ્રેજી નિબન્ધની પ્રતિકૃતિ જેવા જ નિબન્ધ આપણી ભાષાઓમાં રચાવા જોઈએ. જે તે સાહિત્યસ્વરૂપ ગમે ત્યાંથી આવ્યું હોય પરંતુ જે પ્રજા એને પોતાની ભાષામાં ઉતારવા જાય છે ત્યારે એ પોતાની પરમ્પરાઓના સન્દર્ભે એને વિકસાવે છે. આ વાત ધ્યાનમાં રાખીએ તો બિનજરૂરી પ્રશ્નો ઊભા ન થાય. ગુજરાતી ભાષાના નિબન્ધને ખીલવવામાં રવીન્દ્રનાથ ઠાકુરે બહુ મોટો ભાગ ભજવ્યો છે. અહીં એની વિગતોમાં જવાને અવકાશ નથી પરંતુ તેમણે જે કંઈ લખ્યું, નિબન્ધ, કાવ્ય કે પત્રલેખન, ક્યાંય પણ પ્રકૃતિ સાથેનો વિચ્છેદ  થયો નથી. વેદકાલીન સંસ્કૃતિથી માંડી છેક અત્યાર સુધીના સર્જકોની વાત કરીએ તો પ્રકૃતિએ સર્જકોના સંવેદનાસભર વ્યક્તિત્વને ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. કાકાસાહેબ કાલેલકર જ્યારે ગુજરાતી ભાષામાં લલિત નિબન્ધનો પ્રકાર લઈને આવે છે ત્યારે કહી શકાય કે પ્રકૃતિનો આ વારસો તેમણે ઝીલ્યો છે. આ રીતે ગુજરાતી નિબન્ધને ખિલવવામાં આ બધા જ સાક્ષરોએ, સર્જકોએ પ્રયત્ન કર્યો છે પરંતુ  આ સ્વરૂપને સાચા અર્થમાં તો પ્રતિષ્ઠા આપી કાકાસાહેબ કાલેલકરે. તેઓ શિશુસહજ વિસ્મયથી આસપાસના જગતને જોતા ગયા અને અલંકારો દ્વારા પોતાના કથયિતવ્યને મૂર્ત કરતા ગયા. કાકાસાહેબ કાલેલકરે આરંભેલા અને વિકસાવેલા આ સાહિત્યપ્રકારને ખિલવવાનો ખાસ પ્રયત્ન અનુગામીઓએ કર્યો હોય એમ જણાતું નથી. અલબત્ત, ‘શહેરની શેરી’માં જયંતિ દલાલે  અને ‘ગોષ્ઠી’માં ઉમાશંકર જોશીએ પૂર્વજોની પરમ્પરાથી સાવ જુદી રીતે નિબન્ધસ્વરૂપને ઘાટ આપ્યો પણ એમાંથી અનુગામીઓએ પરમ્પરા ઊભી કરી નહીં. સુરેશ જોષી જ્યારે 1955માં નિબન્ધ લખવાનો આરમ્ભ કરે છે ત્યારે કાકાસાહેબ કાલેલકરના નિબન્ધો સિવાય ગુજરાતી ભાષામાં એ પ્રકારની રચનાઓ ન હતી. પરંતુ તેમના  પર કાકાસાહેબ કાલેલકરનો નહીં પણ રવીન્દ્રનાથ ઠાકુરનો પ્રભાવ પડ્યો છે. તેમણે પોતે જ એક નિબન્ધમાં કહ્યું છે : ‘એકધારાપણું, એકસૂરીલાપણું ટાળવું હોય તો કોઈકે ગાળ ખાઈ લઈને, હડધૂત થઈને પણ ‘ટાગોરવેડા’ કરવાનું માથે લેવું જોઈએ.’ (જનાન્તિકે, 61) પણ આનો અર્થ એવો નથી કે રવીન્દ્રનાથના પ્રભાવે સુરેશ જોષીના નિબન્ધોને કુણ્ઠિત કરી નાખ્યા છે. કોઈ અભ્યાસી આ બંને સર્જકોના નિબન્ધોનું તુલનાત્મક અધ્યયન કરે તો આનો સારો ખ્યાલ આવી શકે. એવું કહી શકાય કે રવીન્દ્રનિબન્ધધારાને તેઓ ગુજરાતીમાં લઈ આવે છે.

‘એ જીવનદીપ તો નિર્વાણ પામ્યો, પણ એની પાછળ વિદ્વેષની ધૂમ્રરેખા રહી નથી. કટુતાનું કાજળ રહ્યું નથી  – રહી છે કેવળ સૌરભ. આછી, લગભગ અગ્રાહ્ય – અણજાણપણે અભ્યન્તરમાં પ્રસરીને સાત્ત્વિક પ્રસન્નતાથી સર્વ વ્યામોહ, ક્લેશ અને વિષાદને ટાળીને પ્રફુલ્લતા રેલાવનારી સૌરભ.’

ગુજરાતી ગદ્યની એક ઉત્તમ ઝલક ઉપરના નાના ખણ્ડમાં જોવા મળે છે. તત્સમ શબ્દોનું પ્રમાણ વધારે હોવા છતાં એનું ભારણ વરતાતું નથી. જીવનદીપ, કટુતાનું કાજળ, સાત્ત્વિક પ્રસન્નતા જેવા રૂઢ પ્રયોગો પણ સમગ્ર સન્દર્ભમાં નવું પરિમાણ પ્રાપ્ત કરે છે. ‘પણ એની પાછળ વિદ્વેષની ધૂમ્રરેખા રહી નથી’ કહ્યા પછી તરત જ એ આખી અન્વયયોજનાનું પુનરાવર્તન થાય છે. બે નકાર પછી આવતા હકારનું મહત્ત્વ સ્થાપવા માટે વ્યુત્ક્રમની યુક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાક્યાન્તે આવતા ભાવવાચક નામને આપણે ભારપૂર્વક બોલીએ છીએ. બીજા વાક્યાન્તે પણ સૌરભ શબ્દ જ આવે છે પણ આ બે વચ્ચે આખું વાક્ય – ક્રિયાપદ વિનાનું વાક્ય – સૌરભનું વિશેષણ બનીને આવે છે અને એ રીતે ફરી એક વાર સૌરભનું મહત્ત્વ સ્થપાય છે. વાક્યારમ્ભે આવતા જીવનદીપનો પ્રકાશ સુવાસમાં રૂપાન્તરિત થઈ જાય છે.

આ ખણ્ડ ફેબ્રુઆરી, 1948ના ‘વાણી’ સામયિકમાં ગાંધીજીના અવસાન પ્રસંગે સુરેશ જોષીએ ‘દીપનિર્વાણ’ નામે આપેલી અંજલિમાંથી લેવામાં આવ્યો છે.  ગુજરાતી ગદ્ય લખવાની શરૂઆત તો તેમણે છેક 1940થી કરી હતી પણ નિબન્ધનો આરમ્ભ 1955ની આસપાસ કર્યો. ‘મનીષા’ના અંકોમાં રાજહંસના નામે શરૂ કરેલો માનસવિહાર તેઓ જીવ્યા ત્યાં સુધી લગભગ ચાલ્યો. પાછળથી આ પ્રકારના લખાણો વર્તમાનપત્રના આશ્રયે લખાયાં હોવાને કારણે કેટલીક મર્યાદાઓ એમાં પ્રવેશી છે એની ના નહીં પણ નિબન્ધના સ્વરૂપને જે રીતે તેમણે જુદી દિશા આપી અને તેમને જે સિદ્ધિ પ્રાપ્ત થઈ તે વિરલ છે. આ બધા નિબન્ધોમાંથી બહુ જ નિર્મમતાપૂર્વક કેટલીક રચનાઓ કાઢી નાખવામાં આવે તો પણ સારી એવી રચનાઓ ચિરંજીવ રહેવાની એમાં કોઈ શંકા નથી.

‘જનાન્તિકે’ના પુરોગામી ગુજરાતી નિબન્ધોમાં ઘણાં બધાં તત્ત્વ ખૂટતાં હતાં. સૌથી મોટી ઊણપ સર્જકના સદાય જીવન્ત રહેતા અખિલ વ્યક્તિત્વની હતી. આના અનુસન્ધાનમાં જ કહી શકાય કે અગાઉના નિબન્ધોમાં આવો ઇન્દ્રિયવિહાર જોવા મળતો ન હતો. કાકાસાહેબ કાલેલકરના નિબન્ધોમાં આપણને ઉત્તમ દૃષ્ટિગોચર કલ્પનો જોવા મળશે પણ ગન્ધ, સ્પર્શનાં કલ્પનો ખાસ જોવા નહિ મળે. દૃષ્ટિ અને શ્રુતિની સરખામણીમાં ગન્ધ અને સ્પર્શની ઇન્દ્રિયોને ઊતરતી કક્ષાની ગણવાનું વલણ પણ આમાં જવાબદાર હોય એમ લાગે છે. જ્યારે સુરેશ જોષી આવા કોઈ પૂર્વગ્રહ વિના આપણને ઇન્દ્રિયગોચર વિશ્વમાં લઈ જાય છે. પરોક્ષતાના આ યુગમાં પ્રત્યક્ષતાથી જીવવાની અને એ રીતે નવેસરથી માનવ બનવાની ભાવકને ફરજ પડે છે. નિબન્ધના સ્વરૂપને તો સર્જકના સમ્પૂર્ણ વ્યક્તિત્વની અભિવ્યક્તિ તરીકે લેખવામાં આવ્યું છે. જેણે પોતાની પાંચેપાંચ ઇન્દ્રિયોને સાબૂત રાખી છે – બીજા શબ્દોમાં જે સોએ સો ટકા જીવતો છે તે જ માનવી પોતાની સંવેદનાને આવી અભિવ્યક્તિ આપી શકે. આવી વ્યક્તિ પોતાની આસપાસના જગતના નિકટવર્તી સમ્પર્કમાં મૂકાય અને પરિણામે વાસ્તવ જગતની સાથે સાથે બીજાં કેટલાંય જગત ઊઘડતાં આવે. તેની વ્યક્તિતા અને આ બધાં જગત વચ્ચે જે આદાનપ્રદાન થાય તે નિબન્ધ જેવા સ્વરૂપમાં તો મુખરિત બનીને પ્રગટી ઊઠે. પરંતુ ‘આપણને બધાંને તો જીવવાની ટેવના બખિયા મારીને કોઈએ સીવી દીધાં હોય’ તો કા ગતિ ? વળી, ગદ્યના માધ્યમમાં આલેખાતી ચિત્તની મુગ્ધ લીલા એટલે નિબન્ધ એવી વ્યાખ્યા જો આ પ્રકાર માટે આપી શકાતી હોય તો  આ રચનાઓને એ સહેલાઈથી લાગુ પડે. માટે જ આવી રચનાઓને શીર્ષકની મર્યાદામાં બાંધી શકાતી નથી. એક બીજી બાબતમાં પણ પુરોગામીઓથી સુરેશ જોષી અહીં જુદા પડે છે. અત્યાર સુધીના નિબન્ધોમાં – કાકાસાહેબ કાલેલકરની રચનાઓમાં પણ – એકી સાથે અનેક શૈલીઓ જોવા મળતી ન હતી, પણ સુરેશ જોષીના નિબન્ધોમાં આત્મકથનાત્મક, ચિન્તનાત્મક, કાવ્યાત્મક, કથનાત્મક અને વિવેચનાત્મક શૈલીઓનો સંવાદ જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમણે આત્મકથા, તત્ત્વજ્ઞાન, કવિતા, ટૂંકી વાર્તા, સાહિત્યવિવેચન – એમ ઘણાં બધાં સ્વરૂપોનો વિનિયોગ કરીને એક નવું નિબન્ધસ્વરૂપ ઉપજાવી કાઢ્યું. એને શું નામ આપીશું? – જનાન્તિક પ્રકાર?

‘આપણા નાનકડા હૈયામાંથી જે છલકાઈ જાય તેને આપણે બીજા કોઈક અનુકૂળ હૈયામાં સંઘરી રાખવા ઇચ્છીએ. આ બે હૈયાં સિવાય ત્રીજું કોઈ એ વાત જાણે નહીં, માટે આ વાત છેક કર્ણમૂળ પાસે જઈને કહીએ, ને ત્યારે કર્ણમૂળ જે રતાશ પકડે તેનો રંગ પણ પેલી વાતમાં ભળે.

આ વાતની ખૂબી એ છે કે કોઈક ત્રીજાની ઉપસ્થિતિમાં એ કહેવાતી હોય છે. એ ત્રીજામાં આથી ઉદ્ભવતાં કુતૂહલ, ઈર્ષ્યા, રોષ – એનો પણ રસ એ વાતમાં ઉમેરાય છે. ઘણી વાર વાત તો નિમિત્તરૂપ હોય. એથી બીજાના કર્ણમૂળ સુધી પહોંચવાના આત્મીયતાના અધિકારને પ્રકટ કરવાનું જે સુખ થાય તે જ સાચી પ્રાપ્તિ.

આ જનસંકુલ જગતમાં જનવિરલ, પણ નિબિડ આત્મીયતાથી સભર, દ્વીપોની ખોટ નથી. એવી વાત કહેતી વખતે મન કાંઈ જુદો જ લહેકો વાપરતું હોય છે. બીજી કોઈ પરિસ્થિતિમાં એ નાટકી ગણાય, એમાં કોઈને વાયડાઈ પણ દેખાય. પણ અહીં તો એ સ્વાદની સામગ્રી બની રહે. કેટલાંક સત્યો આવાં જનાન્તિક ઉચ્ચારણને અન્તે જ પૂરું રૂપ પામતાં હોય છે. તર્ક અને તત્ત્વના બે પાટા પરની એની દોડ વ્યવસ્થિત અને ઝડપી બને ખરી, પણ અવ્યવસ્થિતતાના જ માધ્યમમાં જે પ્રકટે તે તો પ્રકટ્યા વગરનું જ રહી જાય!

ગદ્યનું આ જનાન્તિક સ્વરૂપ એને નર્યા તર્કસંગત તથ્યની બરડતામાંથી ઉગારવામાં કામ આવે છે. એમાં અંગત અભિગ્રહ પ્રતિગ્રહના કાકુઓ ઢાંકવામાં આવ્યા હોતા નથી. આ નિખાલસતાનો પણ એક અનેરો સ્વાદ હોય છે, ને સ્વસ્થ પ્રૌઢોનો ખોફ વહોરીનેય એ ચાખવો ગમે છે.’

આમાંથી એક વાત સ્પષ્ટ તરી આવી કે નિબન્ધનું સ્વરૂપ સુરેશ જોષીને મન  વિશ્રમ્ભાલાપનું છે. એ રીતે ઉમાશંકર જોશી જેને ગોષ્ઠી તરીકે ઓળખાવે છે એ વાત અહીં સાચી ઠરે છે. ષટકર્ણ ભિદ્યતે મન્ત્ર હોવા છતાં આ વિશ્રમ્ભકથા ત્રાહિતની (કે સર્જકે ઊભો કરેલો એક માયાવી ત્રાહિત ?) ઉપસ્થિતિમાં કહેવાતી જાય અને એનાં રંગરૂપ પેલા કથયિત્વ્યમાં ઉમેરાતાં જાય, એ ઉપસ્થિતિ આ સામગ્રીનો એક જુદો જ સ્વાદ પ્રગટાવે છે.

‘જનાન્તિકે’ પછીના નિબન્ધોમાં ચિન્તનની માત્રા વધે છે એટલું જ, બાકી એનાં મૂળ તો ‘જનાન્તિકે’માં છે. વળી જેને આપણે શુષ્ક ચિન્તન કહીએ તેવું કશું અહીં નથી, સર્જક કલ્પનાનો સંસ્પર્શ પામ્યા વિનાનો કોઈ ખણ્ડ ભાગ્યે જ હશે. ચિન્તનાત્મક નિબન્ધોમાં તો શીર્ષકનો ચોકી પહેરો હોય, વિષયની વ્યવસ્થિત માંડણી હોય. સુરેશ જોષી આવા નિબન્ધોમાં પણ તર્ક કરતાં સંવેદનાને પ્રાધાન્ય આપે છે. ઉપમા, ઉત્પ્રેક્ષા વિના પોતાની વાત કહેતા નથી. વિષયે આંકેલી મર્યાદાઓને બહુ જ સ્વાભાવિકતાથી અતિક્રમી જાય છે. આ અતિક્રમણ પાછળ તેમના ચિત્તમાં સ્થાયી રૂપે રહેલો વિસ્મયનો ભાવ છે. માત્ર વિષયને કેન્દ્રમાં રાખ્યો હોય તો તે આપણા બૌદ્ધિક જગતને વધુ સ્પર્શી જાય, જ્યારે આ પ્રકારની રચનાઓ આપણા સંવેદનાજગતને અને ભાવજગતને  ગાઢ રીતે સ્પર્શી જાય છે. તેમની નિબન્ધ લખવાની રીત પક્ષી જેવી છે, જે એક ઝાડ પરથી બીજા ઝાડ પર, એક ડાળી પરથી બીજી ડાળી પર ઊડાઊડ કર્યા કરે છે, ટહુકાઓની લ્હાણ કરતાં કરતાં જ વચ્ચે ચણ પણ મેળવી લે છે. આત્મકથનાત્મક નિબન્ધોમાં અંગત જીવનની સ્થૂળ વિગતો ઝાઝી આવતી નથી, સુરેશ જોષી એવી વિગતો કહેવા માગતા પણ નથી(મારા ગામનું નામ તમને નહિ કહું), જોકે પાછલા  કેટલાક નિબન્ધોમાં એવી વિગતો પ્રવેશી છે. વિવેચનાત્મક નિબન્ધોમાં શાસ્ત્રીય વિચારણા તો ન-જેવી છે, અહીં પ્રભાવવાદી વલણો ભળેલાં છે, ક્યારેક તેમાં આક્રોશ, ઉત્તાપ, લિજ્જત ભળે છે; અને છતાં ‘કિંચિત્’ અને અનુગામી વિવેચનસંગ્રહોમાં જે વિચારતન્તુ જોવા મળે છે તેની સાથે આ વિવેચન સંકળાયેલું છે. જેમ રવીન્દ્રનાથ ઠાકુર માટે કહેવાયું તેમ સુરેશ જોષી માટે પણ કહી શકાય કે તેમની સમગ્ર વિવેચનપ્રવૃત્તિનો તાગ કાઢવા માટે ‘જનાન્તિકે’ અને અનુગામી નિબન્ધસંગ્રહો જોવા જ પડે. કારણ કે જ્યાં આપણે અપેક્ષા રાખીએ નહિ એવી જગાએ પણ સાહિત્યચિન્તન મળી આવે છે. વળી, તેમને ગમતી સાહિત્યકૃતિઓ વિષે જેટલું આ નિબન્ધોમાંથી પામી શકાય છે તેટલું તેમના વિવેચનસંગ્રહોમાંથી પામી શકાતું નથી. આ નિબન્ધોમાં જે કંઈ સામગ્રી છે – પછી તે પ્રકૃતિ હોય કે સાહિત્ય હોય — તે સર્જકની ચેતનામાં આત્મસાત્ થયેલી છે અને તેનું નિદર્શન આપણને તેમની શૈલીમાંથી મળી રહે છે; નમૂના માટે ‘એરિકાના પત્રો’ જેવો નિબન્ધ લઈએ. આ નિબન્ધ આમ તો આસ્વાદલક્ષી વિવેચનાનો નમૂનો છે. આવા નિબન્ધોમાં તો વિષય નિશ્ચિત છે તે છતાં મૂળ વાત પર આવતાં તેમને ખાસ્સી વાર લાગે છે, જાણીજોઈને બીજીત્રીજી વાતો કરે છે અને પછી મૂળ વાત પર આવે છે. આ બીજીત્રીજી વાતોને લીધે પેલી મૂળ વાતનો રંગ વધુ ખીલે છે. રિલ્કેને આત્મસાત્ કર્યા પછીની ભાષા જુઓ ‘પણ પ્રાપ્તિની ક્ષિતિજોને વિસ્તારીને, એના ચક્રપથને કોઈ બીજા જ વાયુમણ્ડલમાં જઈને દૂરથી જોઈએ તો એનું દ્યુતિમય રૂપ પ્રગટ થાય છે’… ‘કવિ એ કેન્દ્રે પહોંચીને સૃષ્ટિ જુએ ત્યારે કવિની અને સૃષ્ટિની સત્તા તીર્થવતી બને છે.’

તો ‘ધૂસરતાવૃત પૃથ્વી’ નિબન્ધ જુઓ. એને પ્રકૃતિવિષયક નિબન્ધ તરીકે ઓળખાવીશું કે ‘અભિજ્ઞાન શાકુન્તલ’ના મર્મસ્થાનની અભિજ્ઞા કરાવતો વિવેચનનિબન્ધ કહીશું ? ધૂસરતાવૃત પૃથ્વી જોઈને તરત જ સુરેશ જોષીને શકુન્તલા યાદ આવી. એટલે પછી આપણને કાલિદાસના કવિકર્મના સાક્ષી બનાવ્યા વિના તેમને ચેન ન પડ્યું. તો વળી ‘સવારનો તડકો અને મધુમાલતી’ નિબન્ધનો આરમ્ભ જુઓ. આપણી આગળ પ્રકૃતિનો સમગ્ર ઇન્દ્રિયવૈભવ ધર્યા પછી એમાંથી જ દર્શન અને શ્રદ્ધાની વાત કરે છે અને પ્રશ્નમુખર શૈલીનો આશ્રય લઈને પૂછે છે : ‘શ્રદ્ધા તે શેની શ્રદ્ધા ? અનુભવના પરિધના બધા જ અંશોને સ્પર્શવાની અશક્તિને તો આપણે આ શ્રદ્ધાને નામે ઢાંકતા નથી ?’ તેવી જ રીતે ‘અક્રમ જલ્પન’ નિબન્ધમાં ‘સ્પર્શ અને દૃષ્ટિ વચ્ચેના અબોલા આ ઋતુમાં જ થતા હશે.’ એમ કહ્યા પછી આપણને નવાઈ લાગે એ રીતે કહે છે : ‘અર્થનો ધાગો શબ્દમાંથી ખેંચી કાઢીએ તો શબ્દતન્તુઓ વચ્ચે જે અવકાશ ઊભો થાય છે તે કવિતાનું લીલાક્ષેત્ર છે,’ ‘નિત્યનૂતન દિવસ’માં પણ સ્મૃતિની વાત કરતાં કરતાં છેલ્લે કહી નાખે છે : ‘મારી દૃષ્ટિએ કવિનું કાર્ય અનુભૂતિનાં પડ પછી પડ ઉકેલી આપવાનું છે.’

આપણે એમ કહી શકીએ કે સુરેશ જોષીના ચિત્તમાં પ્રકૃતિ વિશે, માનવસન્દર્ભ વિશે, સાહિત્ય વિશે સતત વિચારલીલા ચાલ્યા જ કરે છે, એ લીલા આપણી પાસે પ્રગટ સ્વગતોક્તિ રૂપે આવે છે. વળી, તેમની સર્જનપ્રવૃત્તિને પૂરેપૂરી સમજવા માગનારે આ નિબન્ધોને પણ વાંચવા પડે. દા.ત. ‘વરપ્રાપ્તિ’, ‘રાક્ષસ’ અને ‘કપોલકલ્પિત’ વાર્તાઓને ‘જનાન્તિકે’ની નિબન્ધસૃષ્ટિને આધારે વધુ સારી રીતે પામી શકાય, આ તો જે કૃતિઓનો પ્રત્યક્ષ સમ્બન્ધ વરતાઈ આવે છે તેની વાત થઈ, પરોક્ષ રીતે તો આ બધા જ નિબન્ધો તેમની સમગ્ર કથાસૃષ્ટિ અને કાવ્યસૃષ્ટિ સાથે સંકળાયેલા છે. કોઈ સર્જકનું મૂલ્યાંકન કરતી વખતે તેણે ખેડેલાં સઘળાં સાહિત્યસ્વરૂપોનો એક સાથે વિચાર કરવો પડે એવા વિરલ સર્જકોમાં તેમની ગણના કર્યા વિના ન ચાલે.

આમાંના મોટા ભાગના નિબન્ધોમાં વિષય, વક્તવ્ય નિમિત્ત છે. કૃતિનો  આરમ્ભ કરવા માટે કોઈ સ્મૃતિ, અનુભૂતિ કે પ્રાકૃતિક દૃશ્ય પૂરતાં છે પણ એ નિબન્ધનું નિયામક બળ નથી, એ બળ તો છે સર્જકનું વ્યક્તિત્વ. આ બધા નિબન્ધોના કેન્દ્રસ્થાને અદ્ભુત અને ભયાનકથી પૂર્ણ એવી પ્રકૃતિ છે, જેમ જેમ નગરસંસ્કૃતિનું આક્રમણ વધતું જાય, વિજ્ઞાનટેકનોલોજીનો પ્રભાવ વધતો જાય તેમ તેમ માનવી પ્રકૃતિથી દૂર સરતો જાય, સામાન્ય માનવી તો શું પણ સુરેશ જોષી કહે છે તેમ આપણા કવિઓ પણ પ્રકૃતિથી દૂર સરી ગયા. આવા સંજોગોમાં રોમેન્ટિક સર્જકને પ્રકૃતિનું અદમ્ય આકર્ષણ થાય, પ્રકૃતિ રમ્ય નાયિકા બની જાય અને એને અનુનય કરતી ભાષા ભાવની ઉત્કટતાને કારણે મ્હોરી ઊઠે, વક્તવ્ય ગૌણ બની જાય, મૂળ વાત પર આવતાં પહેલાં કેટલાંય જગતની યાત્રા કરાવવામાં આવે એ સ્વાભાવિક છે.

પ્રકૃતિ સાથે આત્મીયતા જે જે સર્જકોએ કેળવી છે તે કોઈ રીતે નાસ્તિક નથી(અસ્તિત્વવાદીઓ નાસ્તિક નથી, પણ એમની આસ્તિકતાની ભૂમિકા જુદી છે). ઋગ્વેદનો ઋષિકવિ પ્રકૃતિપૂજક હતો અને પ્રકૃતિ પ્રત્યેનો નિબિડ રાગ તેને એ પ્રકૃતિમાં દિવ્ય ચેતનાનું રૂપ પ્રત્યક્ષ કરાવી આપે છે. એ જ પરમ્પરા સુરેશ જોષીના સૌથી નાનકડા નિબન્ધમાં જોવા મળશે :

‘ઊડતા પંખીની પાંખમાંથી ખરતું પીછું જોયું ને એણે હવામાં, ખરતાં ખરતાં, જે અદૃશ્ય રેખાઓ આંકી તે વડે જાણે નિરાકાર ઈશ્વરનું જ ચિત્ર અંકાઈ ગયું; બોલતાં બોલતાં, બોલવાના આવેગમાં જ બોલવાનું ભૂલી જઈને આંખોને વિસ્મયને વિસ્ફારિત કરીને જોઈ રહેલા શિશુને જોઈને ઈશ્વરના રૂપની ઝાંખી થઈ; ગુલાબની પાંખડીઓની ગોઠવણીમાં ઈશ્વરના અંગુલિસ્પર્શનો અનુભવ થયો. ના, આ સૃષ્ટિ મને નાસ્તિક થવા દે તેમ નથી.’

અન્યત્ર પણ તેમણે કહ્યું છે :

‘સુન્દર રંગોની ભાતવાળા કીટકને કે પતંગિયાને જોતાં, પોતાના ભંગુર દેહમાં સપ્ત રંગોને ધારણ કરનાર જલબિન્દુ, હમણાં જ માથું ઊંચું કરીને જગતને વિસ્મયથી જોતી કૂંપળ – આ બધું જોઈને આપોઆપ મારું મસ્તક ભક્તિભાવથી ઝૂકી જાય છે.’ (તડકાનું ઘરેણું, રમ્યાણિ વીક્ષ્ય)

અને એમ કરતાં કરતાં ઈશ્વરસમકક્ષ બનવાનો પડકાર પણ તેઓ ઝીલે છે :

‘આકાશના નીલ અવકાશને ભરી દેવાનું પ્રાચુર્ય હું ઝંખું છું. મારી કાયામાંથી અનેક સૂર્યો ફેંકાઈને અનેક સૌરમણ્ડળો રચે, નવી પૃથ્વી એના દસવીસ ખણ્ડો સાથે ચાક લેતી થઈ જાય, નવી નદીઓ સાત સાગર નહીં પણ ચૌદ સાગરમાં જઈને મળે, એનાં ભરતીઓટનાં સ્પન્દન હું અનુભવું.’ (રમ્યાણિ વીક્ષ્ય)

સ્પષ્ટ છે કે અહીં આસ્તિકતા-નાસ્તિકતાના સંકેતો પરમ્પરાથી સાવ જુદા છે.

આ નિબન્ધો 1955થી 1986 સુધીના ગાળામાં લખાયેલા છે. આ સમય દરમિયાન આપણા દેશની સિદ્ધિઓ વધી હતી અને એને કારણે એશિયાના એક મહાન વિકાસશીલ દેશ તરીકે આપણે બહાર આવ્યા, પણ સાથે સાથે આપણી સંવેદનાની ધાર બુઠ્ઠી થઈ, જાગતિક ઘટનાઓએ પણ માનવમૂલ્યોને પાણીપાતળા કરી નાખ્યાં, પ્રગતિને નામે પ્રકૃતિનો ધ્વંસ કરવામાં આવ્યો, આપણું જીવનધોરણ ઊંચું આવવાને કારણે સમાજમાં મધ્યમ વર્ગ પ્રભાવશાળી બન્યો, સાહિત્ય અને અન્ય કળાઓની કહેવાતી પ્રતિષ્ઠા સમાજમાં થઈ, આટલું ઓછું હોય તેમ આપણા દેશમાં એક બાજુએ ટેકનોલોજીનો વિકાસ અને બીજી બાજુએ દરિદ્રતા, એક બાજુએ લોકશાહીનો સ્વીકાર અને બીજી બાજુએ સામન્તશાહી માનસ, એક બાજુએ વૈજ્ઞાનિક અભિગમ અને બીજી બાજુએ અન્ધશ્રદ્ધા જેવા વિરોધાભાસનું પ્રમાણ વિસ્તરતું ગયું. આપણું સાંસ્કૃતિક અને સામાજિક માળખું વ્યવસ્થિત ઊભું થઈ ન શક્યું, કૃતકતા સ્વાભાવિકતાનો પર્યાય બની. આવા વાતાવરણ સામે આક્રોશનો સૂર વ્યક્ત થાય તો તેમાં કશું આશ્ચર્ય નથી. આ આક્રોશ કટાક્ષ, ઉપહાસ, વ્યંગ જેવાં અનેક રૂપ આ રચનાઓમાં પ્રગટાવે છે.

કાવ્ય અને નિબન્ધની સીમાઓ એકબીજામાં ભળી જતી હોય એવા કેટલાક નિબન્ધો અહીં છે. એમાં ‘પ્રથમ વર્ષા’, ‘ધૂસરતા’, ‘મધરાતે સૂર્ય !’, ‘જાગીને જોઉં તો’, ‘જળ : સૃષ્ટિનું પૂર્ણવિરામ’, ગુલાબ : ત્રણ પંક્તિનું હાઇકુ’, ‘સન્દિગ્ધતાનું અંજન’, ‘નિદ્રા ને વરસાદના તાણાવાણા’ કે ‘શુદ્ધ અવકાશી શબ્દ’ આવે. આ પ્રકારના નિબન્ધોમાં સર્જકકલ્પનાની લીલા સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. એ આપણી તર્કવ્યવસ્થાને પડકારે છે. નિબન્ધ જેવા સ્વરૂપને કેટલાક વિવેચક સાહિત્ય અને અસાહિત્યના સીમાપ્રદેશમાં મૂકતા હોય છે પણ તેમનેય આ રચનાઓને સાહિત્યના પ્રાન્તમાં મૂકવાની ફરજ પડે. આ વર્ગના નિબન્ધો આરમ્ભથી જ આપણને એક નવા વાતાવરણમાં રોપી દે છે. દા.ત. ‘પ્રથમ વર્ષા’ના આરમ્ભમાં એક વિગત આવે છે : ‘રાતે એકધારો વરસાદ ટપકે છેે.’ આટલી વાસ્તવિકતા આપણને કલ્પનાજગતમાં લઈ જવા માટે પૂરતી છે. પછી તરત જ આવે છે : ‘પૃથ્વી ટચૂકડી બાળા હતી ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે તેની ધારા જેવો.’ વાસ્તવિકતાને યથાતથ નહીં સ્વીકારવાની, એને કલ્પના દ્વારા રૂપાન્તરિત કરવાની કવિહઠ જ કાવ્યત્વ પ્રગટાવે છે. તેવી જ રીતે ‘ધૂસરતા’ નિબન્ધમાં પણ પહેલા જ વાક્યથી આપણે નવા ભાવજગતમાં મૂકાઈ જઈએ છીએ. ‘આ છેલ્લા થોડા દિવસોનું આકાશ જાણે કોઈ એકાદ ઢીંગલી બનાવવા મથી રહ્યું છે.’ હા, આવા કાવ્યાત્મક નિબન્ધોને કારણે એક ભ્રાન્તિ એ ઊભી થઈ કે જે નિબન્ધમાં આવી કાવ્યાત્મકતા જોવા ન મળે તે ઊતરતી કક્ષાનો. કવિતા સાહિત્યસ્વરૂપોમાં ઉચ્ચ સ્થાને મનાઈ એટલે નિબન્ધ, નવલકથા, ટૂંકી વાર્તા પણ જો કાવ્યાત્મક હોય તો આદરપાત્ર લેખાય. એ આદર પ્રાપ્ત કરવા માટે પછી તો કલ્પનોના ગુબ્બારા, કાવ્યાભાસી પંક્તિઓ, કૃત્રિમ સાદૃશ્યસમ્બન્ધોનો અતિરેક વરતાવા માંડે. પરંતુ જે નિતાન્ત કવિ હોય તે જ સાચા અર્થમાં કાવ્યાત્મક નિબન્ધો લખી શકે.

સુરેશ જોષીના નિબન્ધોમાં જોવા મળતું ચિન્તન તેમના વ્યક્તિત્વ સાથે સુસંગત છે. પાછળથી તેમાં ચિન્તનની માત્રા વધે છે પણ નર્યા ચિન્તનાત્મક નિબન્ધો લખવાનું તેમના સ્વભાવમાં નથી,  દા.ત. ‘વર્ષાવેદન’માં કહેવામાં આવ્યું છે : ‘આથી જ તો આ ઋતુની વેદનાને આપણાં ઐહિક સુખદુ:ખ સાથે સમ્બન્ધ નથી. અહીં કશું પામ્યા એની આ વેદના નથી. એ વેદનામાં ‘વેદન’ છે. એક નવી અભિજ્ઞતા છે જેનો અત્યાર સુધીમાં આપણે જે જાણ્યું તેની જોડે એકદમ સમ્બન્ધ બેસાડી શકાતો નથી.’ કેટલાક નિબન્ધો પર ફિનોમિનોલોજીનો કે અસ્તિત્વવાદનો પ્રભાવ છે. અનુભૂતિને પ્રત્યક્ષપણે કે અન્તરાય વિના ગ્રહણ કરનાર પર જ આવો કોઈ પ્રભાવ પડી શકે, નહીંતર અસ્તિત્વવાદને નામે કશું ઇદમ્ તૃતીયમ્ પ્રગટે. 1955-56માં લખાયેલા નિબન્ધો’(જનાન્તિકે’માં ગ્રન્થસ્થ)માં પણ અપરોક્ષ અનુભૂતિઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આના અનુસન્ધાનમાં જ ‘સત્ય’માં કહેવામાં આવ્યું છે : ‘સત્ય કાંઈ તર્કથી નથી નક્કી થતું. એની પ્રમાણભૂતતા તો વ્યક્તિના અપરોક્ષ અનુભવમાંથી જ પ્રાપ્ત થાય છે.’ એટલે જ તો આવા નિબન્ધોમાં ‘મોઢામાંથી નીકળેલા શબ્દ, આંખમાંથી નીકળેલી દૃષ્ટિ અને સ્પર્શ દ્વારા થતો આત્મવિસ્તાર’ની વાત કરવામાં આવી છે. એ રીતે ચિન્તન ઇન્દ્રિયબોધની સમાન્તરે ગતિ કરે છે ને એને આસ્વાદ્ય બનાવનાર તત્ત્વ છે શૈલી. ‘બૌદ્ધિક પ્રવૃત્તિ : નર્યો વ્યાયામ ?’માં કહેવાયું છે : ‘બુદ્ધિમાં કાર્યને જોમ આપવા જેટલી ઉષ્મા નથી, એ વન્ધ્ય છે એવું મનાવા લાગ્યું છે. અરાજકતા પોતે જ તુમુલ શક્તિની જનની છે. સત્ય પણ કદાચ અરાજકતાને ખોળે જ ઊછરે છે.’ ઉષ્મા, વન્ધ્ય, જનની, ખોળો જેવા પરસ્પર સંકળાયેલા શબ્દો શૈલીમાં સ્વાભાવિકતા પ્રગટાવે છે. ‘અપારદર્શક શબ્દ’ આમ તો કવિચિત્તમાં એકાએક ઊગી નીકળતા શબ્દ વિશે છે પણ એમાં વ્યક્ત થતાં મિજાજ, ભાષા એને જુદું જ વ્યક્તિત્વ અર્પે છે : ‘એને આ યુગનો સૂર્ય અજવાળી શકતો નથી. એની અંદર કોઈક અજાણ્યા સમયનું આકાશ કેદ થઈને રહ્યું હોય છે.’ આ શબ્દમાં પ્રકૃતિથી માંડીને સંસ્કૃતિ સુધીની, પવનથી માંડીને નારી સુધીની છબિઓની; હિંસા, વ્યભિચાર જેવી વાસ્તવિકતાથી માંડીને ‘શબ્દમાંથી અનિદ્રાનાં મોજાં સાંભળવા’ સુધીની કપોલકલ્પિતતાનો સમાસ કરવામાં આવ્યો છે.

અહીં જોઈ શકાશે કે સુરેશ જોષી જીવનના સર્વાંગી સ્વીકારમાં માને છે. ચેતનાની પરિધિમાં આવતી કોઈ પણ ઘટનાને, અનુભૂતિને તેઓ જતી કરવા તૈયાર નથી. જગતને ગ્રહણ કરતી કર્મેન્દ્રિયોને અને તેમના દ્વારા થતી અનુભૂતિને તેમણે મહત્ત્વ આપ્યું છે. એ રીતે તે પોતાની સંવેદનાને અખણ્ડ રાખીને જીવે છે. એટલે જ સ્પર્શબધિર કે ચક્ષુબધિર માણસો તેમને પસંદ નથી. આપણા નિત્ય પરિચિત પદાર્થોનાં જુદાં રૂપ હંમેશાં તેમના આકર્ષણનો વિષય રહ્યા છે. અન્ધકારનાં વિવિધ રૂપ એ રીતે આસ્વાદ્ય નીવડી આવ્યાં છે. ‘રાત્રિને જુદે જુદે પ્રહરે અન્ધકારનાં બદલાતાં જતાં રૂપ અને પોત જોયા કરું છું. બાળપણમાં કેવળ તાવની ઉષ્માથી લપેટાઈને નિર્જન ઓરડામાં સૂઈ રહેતા ત્યારે બંધ કરેલી આંખોની અંદર રૂંધાઈને જે અન્ધકાર ધૂંધવાતો હતો તેનું રૂપ કોઈ વાર આજે દેખાય છે; વાઘની ત્રાડના બખિયા ભરેલો અન્ધકાર પણ ક્યારેક ફરી નજરે ચઢે છે તો કોઈક વાર મોગરો, આંબાનો મોર અને લીમડાની મંજરીની સુવાસના ત્રણ તન્તુના ઝીણા શરબતી મલમલના વણાટવાળો અન્ધકાર પણ દેખાય છે.’’(અન્ધકાર’) એવી જ રીતે ‘સમયનાં રૂપ’ નામના નિબન્ધમાં  મૂર્ત અને અમૂર્ત – એમ બંને ભૂમિકાએ સાવ અપરિચિત જગત આપણી સામે આવીને ઊભું રહી જાય છે. દા.ત. ‘ઝાકળના ટીપામાં, ખીલતી કળીમાં જે સમય રહેલો છે તેને બાળપણમાં આપણે ઓળખતા હતા, કારણ કે ત્યારે ઓગળી જવું, ભળી જવું, એકાકાર થઈ જવું એને માટે સાધના કરવી પડતી નહોતી; ત્યારે એ આપણો સ્વભાવ હતો. ત્યારે આપણે શ્વાસને જાણતા હતા, નિ:શ્વાસને નહીં.’ આવી રીતે જીવનારમાં શિશુસહજ વિસ્મયનો ભાવ હોય જ. તે જ તેમને બોધ, માહિતી, મનોરંજન તરફ જતાં અટકાવે છે. જીવન અને જગતને જોવાનું તેમનું વલણ નિરુપયોગિતાવાદી છે એમ આપણે કહી શકીએ. બીજા શબ્દોમાં કોઈ પણ અનુભવમાંથી પ્રાપ્ત થતા પરિણામ તરફ દૃષ્ટિ રાખવાને બદલે એ અનુભવને ઓળખવાનું વલણ વિશેષ છે. એટલે જ તે ફણસોટાના છોડને દદ્રુનાશક તરીકે જોવાને બદલે રંગના જાદુગર તરીકે જોવાનું વધુ પસંદ કરે છે. આ બધાના મૂળમાં વિભાવનાઓના જગત પૂર્વેના જગત – પ્રત્યક્ષતાના જગત – માટેનું મમત્વ છે. તેમણે અવારનવાર અનેક સ્થળે પ્રત્યક્ષતાના અદમ્ય આકર્ષણની વાત કરી છે. તે પણ એટલી હદે કે પરોક્ષ રીતે જીવન જીવવાની પ્રક્રિયાને જ તે નિર્માનુષીકરણ તરીકે ઓળખાવે છે. એક બીજા પ્રકારનું અમાનવીકરણ પણ યન્ત્રયુગમાં વિકસ્યું છે. એમાં માનવી પોતાના ચહેરા પર ઢોળ ચઢાવીને જીવવાનું પસંદ કરે છે અને એટલે જ એવા ‘ક્રોમિયમ પ્લેટેડ સૌજન્ય’ સામે આ સર્જકને ભારોભાર તિરસ્કાર છે અને એ છતો થાય એ રીતે તેઓ આલેખવા જાય છે; શૈલી કટાક્ષસભર, ઉપાલમ્ભપ્રધાન બની જાય છે. આવા સૌજન્યધારીઓએ શિશુસહજ મુગ્ધતા ખોઈ નાખી છે, જે મુગ્ધતા સાચવી શકે છે તે કોઈનાય જગતમાં જઈ શકે છે. આપણે બે નિબન્ધો સરખાવીએ : ‘ઢીંગલીઓની દુનિયામાં’ અને ‘મધુમાલતીનું દુ:સ્વપ્ન’. પહેલી નજરે તો બંનેમાં શિશુસહજ વિસ્મય ભાવ છે. પહેલીમાં બાળવાર્તા, પરીકથાની સામગ્રી છે, ઢીંગલીઓની દુનિયામાં કઈ રીતે પહોંચાય એની જ વાત કરી છે. બીજા નિબન્ધમાં પરીકથાની હળવી શૈલી પાછળ રહેલો વિષાદ ખૂબ જ ભારે છે. એના વિશે તો પાછળથી સુરેશ જોષીએ એક મુલાકાતમાં સ્પષ્ટતા કરી આપી છે. બુદ્ધિ આપણને પરોક્ષ રીતે જીવવાની ફરજ પાડે છે એટલે હંમેશાં બુદ્ધિને શંકાની નજરે જોવામાં આવી છે. ‘બૌદ્ધિક પ્રવૃત્તિ : નર્યો વ્યાયામ?’માં સુરેશ જોષી કહે છે : ‘કેવળ વિભાવનાઓનાં ચોકઠાં ઘડવાથી માનવ્યની બધી સંકુલતાઓને આંબી લઈ શકાતી નથી. વિભાવનાઓ ઘડવાની સ્થિતિએ આપણું મન પહોંચે તે પહેલાંની ચેતનાની સ્થિતિ સંકુલ હોય છે તો સમૃદ્ધ પણ હોય છે.’ તેમના આવા વ્યક્તિત્વની સચ્ચાઈ શોધવા માગનારને અસંખ્ય પ્રમાણો મળી રહેશે. પ્રકૃતિ પ્રત્યેનું અદમ્ય આકર્ષણ, જગતને નિત્યનૂતન પરિપ્રેક્ષ્યમાં જોવાનું વલણ અને એમાંથી ઉદ્ભવેલી કલ્પનસૃષ્ટિ, ફિનોમિનોલોજી અને અસ્તિત્વવાદી વિચારણાનો પ્રભાવ તથા રોમેન્ટિક ઉદ્રેક – આની સાખ પૂરે છે. એ વાત સાચી કે ફિનોમિનોલોજિકલ અભિગમ નામ પાડ્યા વિના સર્જક સુરેશ જોષીમાં પહેલેથી હતો. આપણે એમ પણ કહી શકીએ કે જીવનની અપરોક્ષાનુભૂતિ તો સર્જક માત્રમાં જોવા મળે. પાછળથી તેમના વ્યક્તિત્વને ઘડવામાં અસ્તિત્વવાદી સર્જકોવિચારકોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આમ કહેતી વખતે આપણા મનમાં આલ્બેર કેમ્યૂ જેવાના અસ્તિત્વવાદી નિબન્ધો છે. સુરેશ જોષી જાણે એ પરમ્પરામાં રહીને કહી રહ્યા છે કે ‘રોજ-બ- રોજનાં નિત્યનૈમિત્તિક કાર્યોની એકધારી ઘટમાળ એ જ એમનો કાર્યક્રમ હોય છે.’ હવે આની પડછે ‘દ્વિરાગમન’ વાર્તા મૂકી જુઓ, ત્યાં પણ યાન્ત્રિક પુનરાવર્તનનું વસ્તુ કેન્દ્રસ્થાને છે. સુરેશ જોષી આવી યાન્ત્રિકતાની પડછે અથવા તેના વિરોધમાં આ જીવન્તતા વ્યક્તિત્વની અખણ્ડતામાંથી પ્રગટી છે અને આ અખણ્ડતા ધરાવવી એટલે પંચેન્દ્રિયોથી જગતને માણવું. આ માણવા માટેનાં નિમિત્ત અસામાન્ય, અસાધારણ જ હોય એ જરૂરી નથી. એટલે વરસાદ પડે તો પણ એનો અનેરો આનન્દ – એટલું જ નહિ, એવી ઘટનાની અનુભૂતિ એટલી ઉત્કટ હોય કે એ આસપાસના અસબાબનેય પલટી નાખે. દા.ત. વરસાદની અનુભૂતિ તેમની પાસે બોલાવે છે, ‘મારું લાકડાનું બારણું વનનો કોઈ વૃક્ષરાજ બનીને ઝૂમે છે. મારી પથારીની ચાદર નીચે કપાસનાં કાલાંનો હિલ્લોળ આન્દોલિત થઈ ઊઠે છે.’

જૂઈની કળી જોઈને કેવા કેવા જગતમાં પહોંચી જવાય છે તેનો નમૂનો ‘અપૂર્ણતાનો વૈભવ’ નામનો નિબન્ધ પૂરો પાડે છે. એ કંઈક વિલક્ષણ એવા ચિન્તનાત્મક જગતમાં અને સાથે સાથે રિલ્કેના જગતમાંય લઈ જાય છે. સ્વાભાવિક છે કે આ ચિન્તન સંવેદનાસિક્ત છે, એનો એક લાક્ષણિક નમૂનો જોવા જેવો છે :

‘મારા આયુષ્યને જ કોઈએ, મને જાણ કર્યા વગર ગિરવે મૂકી દીધું છે. હવે હું માત્ર કશાકની અવેજીમાં જ ટકી રહ્યો છું. સ્વપ્નોનાં ચીંથરાં સાંધીસૂંઘીને મારી નગ્નતાને ઢાંકવા મથી રહ્યો છું. કોઈ મારી આગળ સૂર્યના હસ્તાક્ષરવાળો સમુદ્રનો ખરીતો ધરી દે છે, પણ હું ઝટ દઈને એના પર મારા અંગૂઠાની છાપ મારી દેતો નથી. પવને રેતીમાં લખેલા આલેખ ઉકેલવાથી કશું રહસ્ય હાથમાં આવી જશે, ક્ષણિકતાનો મર્મ સમજાઈ જશે, એવી ભ્રમણા મને નથી. મેં આખના પલકારાનો સરવાળો કરીને નશ્વરતા સામે કશું આશ્વાસન ઊભું કરવાનોય પ્રયત્ન કર્યો નથી. બધાં નામ એક બારાખડીને વાપરે છે જાણીને મેં નામ નામ વચ્ચે ભેદ નથી કર્યો.’’(અનાહૂત અતિથિઓ’)

પણ પાછા આપણે અસ્તિત્વવાદની મૂળ વાત પર આવીએ. આપણા સમયની કોઈ પણ પ્રકારની સત્તા, શાસનને તેઓ તો વિષકન્યા તરીકે ઓળખાવે છે. માનવનાં હૃદય, સંવેદના એક અથવા બીજા કારણે જડ બને કે પછી સત્તાધારકો એને જડ બનાવી અમાનવીકરણનો સપાટી પર જોવા ન મળે એવો ખેલ કરે. પણ આ સત્તાધારકોની જાળમાંથી સર્જક, સાચો બુદ્ધિજીવી હંમેશાં છટકી જતો હોય છે. કારણ કે સુરેશ જોષીના શબ્દોમાં ‘મારું સત્ય એ મારું ચારિત્ર્ય, પણ એ સિદ્ધ કરવાની જવાબદારીમાંથી બુદ્ધિજીવીઓ પણ છટકી જતા હોય છે. એટલે પછી એવા લોકો હંમેશાં પોતાની ડોળઘાલુ છબિ જ ઉપસાવતા રહે છે.’

જીવનમાં સામાન્ય રીતે નગણ્ય લેખાતી ઘટનાઓને સુરેશ જોષીએ હંમેશાં પુરસ્કારી છે, સર્જનપ્રતિભા વડે એ નગણ્ય ઘટનાઓ નગણ્ય રહેતી નથી. ‘એક મહાન સ્વીકૃતિ’ નિબન્ધમાં આંગણામાં ગુલાબનો છોડ લાવીને રોપવાની સામાન્ય વાત આલેખાઈ છે. પૂર્વાર્ધમાં આલેખાયેલી વેદના એ છોડને કૂંપળ ફૂટી ન હતી એની હતી અને ઉત્તરાર્ધમાં આલેખાયેલો આનન્દ એને કૂંપળ ફૂટ્યાનો હતો. એને કૂંપળ ફૂટી એ હકીકતને પ્રકૃતિએ તેમને આત્મીય તરીકે સ્વીકાર્યા તેની વાચક ગણી, તેવી જ રીતે ‘સવારનો તડકો અને મધુમાલતી’માં વાત તો ઊખડી ગયેલા પ્લાસ્ટરવાળી ભીંતની છે પણ સવારનો તડકો અને મધુમાલતીની લતા ભેગા મળીને એ ભીંતને જે સુન્દરતા અર્પે છે તે તેમને તરત જ આકર્ષે છે. બીજા એક નિબન્ધમાં વરસાદથી ભરાયેલા ખાબોચિયામાં સેલારા મારતા જન્તુની લીલા પોતાને જે પ્રસન્નતા અર્પે છે તેની વાત કરે છે. એ જન્તુની જળલીલા પેલા ખાબોચિયાને કદર્યતામાંથી ઉગારી લે છે; તો વળી નાનકડી કૂંપળ પર વરસાદનું તોળાયેલું ટીપું જોઈને કહી નાખે છે : ‘કૂંણી કૂંપળ પર વરસાદનું ટીપું – ટચલી આંગળી પર ભગવાને ગોવર્ધન પર્વત તોળ્યો હશે કે કેમ તેની તો ખબર નથી પણ ટચૂકડી કૂંપળની અણી પેલા ટીપામાંના સમગ્ર આકાશને તોળે છે એ તો સાવ સાચું છે.’ સમાજની દૃષ્ટિએ આ બધી વાતોનો કશો અર્થ નથી. કોઈ માણસ ડાંગરનાં ધરુ, ધૂળિયા રતાશ પડતાં પાણી, ઝળુંબેલું આકાશ જોઈને જ બેસી રહે અને વાતો કર્યા કરે તો સમાજ એને નિરર્થક પ્રલાપ ગણી કાઢે, પણ આ બધા વડે જ આ નિબન્ધો જીવન્ત બની શક્યા છે.

સુરેશ જોષીએ જ્ઞાનને બદલે વિસ્મયનો મહિમા પહેલેથી જ સ્વીકાર્યો છે, એટલે જ સૂત્રાત્મક ભાષામાં ‘ચક્ષુપંખિણીની આંખે’માં કહે છે : ‘સૌથી મોટો મહિમા દર્શનનો, પણ સાચો વિહાર તે દૃષ્ટિવિહાર, આપણો સૌથી ઉત્તમ અલંકાર ઉત્પ્રેક્ષા, સૌથી સાચું મિલન તે તારામૈત્રક.’ આવી પરિસ્થિતિમાં અનુભૂતિ પહેલાં અને જ્ઞાન પછી. એટલે જ તે કહે છે : ‘નિશાળનું કાળું પાટિયું ઓળખ્યું તે પહેલાં સુખડના ફળની કાળવી મીઠાશને અમે ઓળખી ચૂક્યા હતા.’ આમ ઇન્દ્રિયદમનની વાત તો અહીં સર્વથા અપ્રસ્તુત છે. પોતાની જાતને આસપાસના જગતમાં કણકણ કરીને વિખેરી નાખે છે. આ પ્રસાર સર્જક માત્રનો ધર્મ છે. સુરેશ જોષી પણ પોતાના વ્યક્તિત્વના અંશોને વૃક્ષોમાં, ભિખારીએ લંબાવેલા હાથમાં જુએ છે. ક્યારેક આ ભૂમિકા ગૌરવાન્વિત સૂરમાં તેમની પાસે ‘ખણ્ડ અને અખણ્ડ’માં કહેવડાવે છે: ‘પ્રાચીન અયોધ્યા નગરીમાં જે વિજયોત્સવની પતાકા ફરકી હશે તે આજે મારા શ્વાસમાં ફરફરે છે; સરયુને કાંઠે સારેલું દશરથનું આંસુ મારી આંખમાં ઝમે છે.’

સર્જક માત્રમાં રહેલો વિસ્મયનો સ્થાયી ભાવ તેને ક્યારેય ત્યાગ અને વૈરાગ્યનો પુરસ્કર્તા બનવા ન દે, જીવનને મુગ્ધતાથી જ જોવાની ફરજ પાડે, ‘મુગ્ધતા વિદગ્ધોને હાથે હાંસીપાત્ર નીવડે છે’ એ જાણવા છતાં. એટલે જ અહીં સ્પર્શસુખની વાત કેટલી બધી આવે છે. ‘અક્રમ જલ્પન’ તો વૈરાગ્ય સામે માંડેલો મોરચો છે. નહીંતર, ‘ક્ષિતિજના અર્ધનિમીલિત ચક્ષુમાં કામવિહ્વળ કપોતીની આંખની રતાશ’ જોઈ ન હોત કે નિ:સંકોચ બનીને કહ્યું ન હોત – ‘કોઈનો દૃઢ બલિષ્ઠ વન્ય અસંયત પેશલ અનુરાગ જો પોતાના તરફ મને ખેંચે નહીં તો શીમળાના રૂની જેમ અહીં તો મારું બધું ઊડી જવા બેઠું છે.’ વધુ પ્રગલ્ભ બનીને તે કહી નાખે છે : ‘સ્પર્શના ચક્ષુ ખોલવાના આ દિવસો છે…ઊપસી આવેલી પુષ્ટતાની ધૃષ્ટતા શું દૃષ્ટિનો વિષય છે ?’

ગુલાબ જોઈને તરત કહે છે : ‘એક પાંખડીને અડીને રહેલી બીજી પાંખડી કશા વજનનો દાબ પામતી નથી, ગાલને અડીને ગાલ રહ્યો હોય એવા સ્પર્શસુખની કલ્પનાને ઉત્તેજિત કરે છે.’

સ્પર્શસુખ માટેની ઝંખના જ તેમની પાસે કટાક્ષમિશ્રિત સૂરમાં કહેવડાવે છે :

‘દિવસો સુધી ફૂલને સ્પર્શ્યાં ન હોય, કોઈની ગ્રીવાની સુંવાળી રુવાંટીને પંપાળી ન હોય, વૃક્ષની ઘટાના સ્પર્શના મખમલમાં દૃષ્ટિને આળોટવા દીધી ન હોય ને છતાં મનને એનું દુ:ખ ન થાય, કશું કઠે નહીં એવાય લોકો હોય છે.’ ‘(ક્યાં છે સોનું?’)

જેની પ્રકૃતિ આ પ્રકારની હોય તેને મન ઇન્દ્રિયપ્રત્યક્ષોનું જગત જ સર્વસ્વ હોય, એવો જીવ તો એમ જ કહે :

‘વૈરાગ્ય કેળવવાનું મને સદા અઘરું લાગ્યું છે. ભગવાને ઇન્દ્રિયોનો સ્વભાવ જ બહિર્ગામી કર્યો હોય તો એને પરાણે પાછી અંદર વાળનારા આપણે કોણ ?’

પરંતુ ઇન્દ્રિયજગતને માત્ર સાક્ષી બનીને જોઈ રહેવાની વાત નથી. જગત સાથે તન્મયીભવન ન થાય ત્યાં સુધી એ પદાર્થોનાં રૂપ પામી શકાતાં નથી. આ વાત તેમણે આમ મૂકી છે :

‘દરેક પતંગિયાની સાથે હું પાંખો ફફડાવીને ઊડું છું. ધૂળમાં નાહતી ચકલી જોડે હું પણ ધૂલિસ્નાન કરી લઉં છું. એક ડાળ પર કૂદતી ખિસકોલી સાથે હું પણ શાખામૃગ બનીને મહાલું છું. આંખ પણ સહેજ સરખી ફરકાવ્યા વિના સ્થિર નિસ્તબ્ધ કાચીંડાની સાથે હું પણ યોગીની જેમ ધ્યાનસ્થ બની જઉં છું.’

આ રીતે જોઈશું તો પ્રકૃતિથી પ્રભાવિત થવું એ એમની પ્રકૃતિ છે. ભારતીય સંસ્કૃતિમાં ઊછરેલા આ સર્જકના શ્વાસમાં અને લોહીમાં ભારતીય પ્રાણ ધબકે છે.

સુરેશ જોષીએ અવારનવાર પ્રકૃતિ પ્રત્યેનું આકર્ષણ વર્ણવ્યું છે. રહસ્યમયી પ્રકૃતિ નિત્ય નવાં નવાં રૂપ પ્રગટ કરતી તેમણે અનુભવી છે. આ પ્રકૃતિપ્રેમની ઉત્કટ પ્રતીતિ ‘અગોચર, દૃષ્ટિસીમાની જે બહાર છે, અમૂર્ત છે તેનું ઇંગિત મળતાં જ આપણે કદી ન અનુભવેલા એવા આનન્દથી વિહ્વળ નહોતા બની ઊઠ્યા ?’ જેવા આનન્દમિશ્રિત ઉદ્ગારમાં, નિબન્ધોની કલ્પનસૃષ્ટિમાં અને સર્જકે જોયેલા જગતમાં મળી રહે છે. પ્રકૃતિને તેમણે હંમેશાં શિશુના વિસ્ફારિત નેત્રે જોઈ છે, નહીંતર ‘લીમડાની નવી ખીલેલી, સહેજ તામ્રવર્ણી કૂંપળમાંથી ચળાઈને આવતો સૂર્યનો તડકો’, ‘સુકાઈ ગયેલા ઘાસમાં ઝાકળની ભીનાશ’, ‘ધૂમ્રસેરની કૂણા તડકામાં ઊંચે જતી સળગાવેલાં પાંદડાંની ભુરાશ’ કે ‘પથ્થરમાં ઈશ્વરનો ઉષ્માભર્યો સ્પર્શ’ તેઓ અનુભવી શક્યા ન હોત અથવા એમ ન કહેત કે ‘પવન સગી માએ નહિ ફેરવ્યો હોય એવો વ્હાલભર્યો હાથ મારે શરીરે ફેરવી જાય છે.’ શૂન્યની ગર્તામાં સરકી જવાના હોય એેવે વખતે પંખીનો પડછાયો તેમને કોઈના ઉષ્માભર્યા હાથની અનુભૂતિ કરાવે છે. ટૂંકમાં, આસપાસના જગતથી પર રહીને જીવવાનું તેમણે પસંદ કર્યું નથી. ‘જગત સાથે અનુસ્યૂત થઈને જીવી નહિ શકું તો જગન્નાથ કોણ છે તેની મને ખબર જ શી રીતે પડે?’ તેમણે વેદનાવિષાદથી મોં ફેરવ્યું નથી પણ એ વેદનાના મારણ તરીકે પ્રકૃતિને જ જોઈ છે. એટલે જ મોગરાની ગન્ધ વડે ‘જીવન અને મરણ વચ્ચેની નિસ્તબ્ધતા’ પણ દૂર થાય અથવા તો સાંજે ‘લીમડાની છાયામાં વિષાદનું ધણ’ હોય તો રાતે ગ્રહનક્ષત્ર જુઓ એટલે એ વિષાદ દૂર થઈ જાય એમ તે કહે છે.

જે જીવનના રસથી તરબતર રહેવા માગે તે અવારનવાર આપણા જીવનમાં વ્યાપી ગયેલી મન્દપ્રાણતાની ફરિયાદ કર્યા કરે. ‘નફાતોટાના ખાનામાં પુરાયેલી જિન્દગીમાં ઝંઝાવાતનો લય ક્યાંથી?’ ‘(શબપેટી : એક આશ્રયસ્થાન’). સર્વાશ્લેષી ચેતનાને કારણે જ સુરેશ જોષી તૃણથી માંડીને વિરાટનું ગૌરવ કરે છે, ચરાચરમાં પોતાની વ્યક્તિતા જુએ છે, વર્તમાન સમય અને સ્થળની સીમાઓને અતિક્રમીને પોતાની વ્યક્તિતાને જગતભરની અસ્તિતાઓથી સભર બનાવે છે. આવી વ્યક્તિની ચેતના પ્રાગૈતિહાસિક હોય એમાં નવાઈ નથી. એટલું જ નહીં, જીવનની સમગ્રતાના આગ્રહને કારણે ‘માનવીનું પગલું પણ પડ્યું નથી એવી કોઈ ગાઢ વનરાજિનો ઉચ્છ્વાસ’ અને બીજી બાજુએ ‘હિટલરની યાતનાછાવણીની ગેસચેમ્બરમાંથી ઊડતી માનવીની રાખ’ પણ તેમને સ્પર્શે છે. ચૈત્રની બળતી બપોર અથવા ચૈત્રની ચાંદની, આનન્દ અથવા આંસુ – આવા વિકલ્પ તે સ્વીકારતા નથી. સમય વિશેના નિબન્ધોમાં જીવન વિશેનો આ વ્યાપ જોવા મળે છે. આનો અર્થ એવો નથી કે તે સ્વત્વથી સભાન નથી. પોતાનાથી દૂર રહીને કે નિકટ રહીનેય તેઓ સ્વત્વને જાળવી રાખવા માગે છે. આ સ્વત્વને ઘૂંટી ઘૂંટીને એટલું બધું નક્કર બનાવ્યું છે કે એને ‘સો સૂરજ ઓગાળી ન શકે, ઓગણપચાસ મરુતો ઉડાવી ન શકે, સાત સાગર જેને ડૂબાડી ન શકે’ ‘(ઊંઘના પોત’). આ વડે જ પદાર્થનાં નવાં નવાં રૂપ તેઓ જોઈ શક્યા છે. ‘સૃષ્ટિનું અનાવૃત રૂપ’ જોવા સદા આતુર સુરેશ જોષીને થતી પ્રસન્નતા આપણે શૈલીમાં જોઈ શકીએ છીએ : ‘પરિચિત આકારોની ભૂમિતિથી ટેવાઈ ગયેલી આંખોને નવાં રૂપ જોવાની દીક્ષા આપવાનું પણ આ જ મુહૂર્ત છે.’

આગળ કહ્યું તેમ આમાંથી કોઈ પણ નિબન્ધ સાદ્યન્ત એક શૈલીમાં લખાયો નથી. લલિત નિબન્ધ નામે ઓળખાતું સ્વરૂપ એક શૈલીમાં લખી પણ ન શકાય. ભિન્ન ભિન્ન શૈલીઓમાં સુરેશ જોષી જે સરળતાથી અને સ્વાભાવિકતાથી આવજા કરી શકે છે એ સર્જકકર્મનો વિશેષ છે. આના ઉત્તમ નિદર્શન માટે ‘ગન્ધ : અભિજ્ઞાનની મુદ્રિકા’ નિબન્ધને ટાંકી શકાય. એના ઉત્તરાર્ધમાં શૈશવના વિસ્મયસભર જીવનની વાત કરતાં સુરેશ જોષી કહે  છે : ‘આમ જાણે કે’ની ચાવીથી નવાં નવાં જગત ખૂલતાં જ જાય.’ આટલું કહીને તરત શૈલી બદલી નાખે છે : ‘પછી આપણે મોટા થઈએ, ડાહ્યાડમરા થઈએ ત્યારે અર્થાન્તરન્યાસનાં પોટલાં બાંધતાં થઈ જઈએ.’ પહેલા વાક્યમાં વિસ્મયજન્ય સૃષ્ટિની વાત સાવ હળવી, પરીકથાની શૈલીમાં આવે છે જ્યારે બીજા વાક્યમાં શૈશવ ખોઈ નાખેલા જગતની – શાણપણવાળા જગતની – વાત આવે છે એટલે શૈલી કટાક્ષભર બને છે. આના પછી તરત વળી કથનાત્મક શૈલી આવે છે : ‘મારા ગામમાં રાજાનો કિલ્લો હતો, વન હતું. વનમાં વાઘ હતા, રીંછ હતા. એક નદી હતી. એનું નામ ઝાંખરી.’ નાનાં નાનાં પેટા વાક્યો, પુનરાવતિર્ત થતો અન્વય અને છેલ્લે આવતું ક્રિયાપદહીન વાક્ય કથનાત્મકતાને પૂરેપૂરી પુષ્ટ કરી આપે છે. સર્જકની સાથે ભાવક પણ બહુ સરળતાથી આ બધાં જગતમાં અવરજવર કરતો રહે છે.

નિબન્ધ તો આત્મનેપદી રચના. પહેલા શબ્દથી તે છેલ્લા શબ્દ સુધી સર્જક આપણી સામે જ છે એ રીતે સતત તેનો અવાજ આપણને સંભળાયા કરે છે. જેવી રીતે નિબન્ધ વાંચતી વખતે સર્જકનો અવાજ સંભળાયા કરે છે તેવી જ રીતે લખતી વખતે શ્રોતાને નજર સમક્ષ રાખવામાં આવે છે. ‘જનાન્તિકે’ની પ્રસ્તાવનામાં આ વાત કહેવાઈ છે એ આપણે આગળ જોઈ ગયા. શ્રોતા સાથે સર્જક જુદા જુદા સમ્બન્ધ રાખી શકે છે. એ કાં તો આત્મીય કાં તો તટસ્થ કાં તો વડીલશાહી હોઈ શકે. સુરેશ જોષી પોતાના શ્રોતા સાથે આત્મીય સમ્બન્ધ રાખે છે. એ ક્યારેય વડીલ બનીને શ્રોતાને ઉપદેશ આપવા બેસી જતા નથી, આદેશ આપતા નથી, માટે જ અહીં આજ્ઞાર્થના ઉપયોગ ઓછા છે. પોતાની જાતને વ્યાસપીઠ પર રાખી નથી એટલે ઉદ્બોધનાત્મક શૈલી નથી. વ્યાસપીઠ પર બેસી રહેનાર વચ્ચે વચ્ચે શ્રોતાઓનું જનમનરંજન કરવાનો પ્રયત્ન કરે, તેમની ખુશામત કરે, તેમના અભિમાનને બહેકાવે. આ નિબન્ધોમાં આવું કશું જોવા નહિ મળે. આત્મીયતાના હકદાવે જ શ્રોતાઓ માટે કટાક્ષનો ઉપયોગ થાય છે. કથનાત્મક શૈલીના ઉપયોગ વખતે પણ શ્રોતાઓને સંતોષવા બીજી કોઈ યુક્તિપ્રયુક્તિઓનો આશ્રય લેવામાં આવતો નથી. શ્રોતાની નિકટ જવા માટે નિબન્ધનું માધ્યમ ગોષ્ઠીરૂપે યોજાયું છે.

અહીં શૈશવનાં સંસ્મરણો અવારનવાર આલેખાયાં છે; જીવનમાં ગમે તેટલી મોટી વયે પણ પોતે ટકાવી રાખેલા શૈશવનો વિસ્મયભાવ આસપાસના જગતમાંથી, વાતાવરણમાંથી એ અદૃશ્ય થઈ ગયો છે, આને કારણે સુરેશ જોષી એક પ્રકારની હદપારી અનુભવે છે. આ હદપારીની સભાનતા હંમેશાં તેમને ભૂતકાળમાં ધકેલી દે છે. પોતાના  અને બીજાઓના વાતાવરણ વચ્ચે સંવાદ રચાતો નથી પરિણામે હંમેશાં પ્રત્યાખ્યાનનો શાપ વેઠીને જીવે છે; ‘પણ પોતાની નિકટ જે છે ત્યાં સુધી પોતાનો શબ્દ પહોંચે નહીં, પહોંચે તોય ઠાલો થઈને પાછો વળે ત્યારે એ પાછા વળેલા શબ્દોનો મોક્ષ શી રીતે કરવો ?’ કદાચ આ પ્રત્યાખ્યાને જ તેમને પ્રકૃતિ તરફ વાળ્યા છે. પ્રકૃતિએ જુદી રીતે આત્મવિસ્તાર માટેનું નિમિત્ત પૂરું પાડ્યું. પણ આ આત્મવિસ્તારની વાત એટલી બધી સરળ નથી. એટલે જ ‘પ્રાગૈતિહાસિક ચેતના’માં કહે છે : ‘આત્મવિસ્તાર કરવાની મજ્જાગત ઝંખના અને એને પરિણામે જ ઊભી થતી ગૂંચ – એવી સ્થિતિમાં માનવીની આંખમાં રોષનો તણખો દેખાય છે. જો માનવી રહેવું હોય તો એ તણખો કજળી જવો ન જોઈએ.’ એ કજળી જાય એટલે મરણનું આગમન. કારણ કે પછી આસપાસનું જગત આપણામાં અભિન્ન થઈને ભળી જતું નથી. આ જ વાત ‘નિત્યનૂતન દિવસ’માં જરા જુદી રીતે કહેવાઈ છે :

‘આમ ચેતનામાં આત્મસાત્ થઈને રહ્યું છે તે આંખમાં દૃષ્ટિ થઈને, શ્વાસ ભેગો શ્વાસ થઈને આપણામાં જીવતું થઈ જાય છે. આપણી વય ગમે તેટલી હોય, આ આત્મસાત્ કરવાની પ્રવૃત્તિ થમ્ભી જાય ત્યારે બધું ભારરૂપ લાવવા માંડે. એ મરણના આગમનની નિશાની !’

સુરેશ જોષી સનાતન કે શાશ્વતના મોહમાં વર્તમાનનું બલિદાન નહીં આપે. ‘હોવું-ન હોવું’માં તેઓ કહે છે : ‘પ્રશ્ન ક્ષણિકતાનો કે અમરતાનો નથી. કાળના ખોટા પ્રભાવથી અભિભૂત થઈને આપણે અમરતાનું ખોટું ગણિત માંડ્યા કર્યું છે અને ક્ષણને સજીવન થવા દીધી નથી.’

એટલે વર્તમાનની ક્ષણને અત્યન્ત ઉત્કટ બનાવી, એમાં ભૂતકાળને પણ એકરસ કરીને ભેળવી દીધો. આવી રીતે પુષ્ટ થયેલી વર્તમાનની ક્ષણે ક્યારેક એવો શબ્દ ઉચ્ચાર્યો તો ‘એ શબ્દ ઉચ્ચારતાંની સાથે એની આજુબાજુ એક નવો સાગર છલકાઈ ઊઠે છે.  એક આદિમ અરણ્યનો પર્ણમર્મર મારી ચારે બાજુ હિલ્લોલિત થઈ ઊઠે છે.’ ‘(શુદ્ધ અવકાશી શબ્દ’)તો ક્યારેક આવી ક્ષણે ‘પારિજાતનાં મૂળ ભીની માટી ખસેડીને ઊંડા ઊતરવા મથે છે તે પણ સાંભળું છું. ભીંત પરથી ગોકળગાય સરે છે તેનો અવાજ મને સંભળાય છે.’ ‘(સન્દિગ્ધતાનું રાજ’)

સુરેશ જોષીના સમગ્ર વ્યક્તિત્વની પ્રતીતિ તેમણે યોજેલાં કલ્પન દ્વારા થાય છે. એ કલ્પન વિજ્ઞાનપ્રધાન અથવા સંસ્કૃતિપ્રધાન વિશ્વમાંથી લેવાનું બને ત્યાં સુધી ટાળવામાં આવ્યું છે. આરમ્ભમાં જેમાં શિશુસહજ વિસ્મય છે એવાં કલ્પનો, સાદૃશ્યો જોઈએ. આ વિસ્મય ભાવકને અદ્ભુત અને ભયાનકમાં લઈ જાય છે. આપણા જગતની યાન્ત્રિકતા અને/અથવા રેઢિયાળ વાસ્તવિકતા પર વિજય મેળવવા આ વિસ્મય સિવાય બધું અધૂરું. પદાર્થને એના સન્દર્ભથી મુક્ત કરવાના વલણને કારણે જ સીતાફળને સીતાફળ તરીકે ન જોતાં એની પેશીને ડાકણના દાંત તરીકે વર્ણવી છે, તો વળી સૂર્યપ્રકાશમાં કાપીને મૂકેલા દાડમના પ્રત્યેક દાણામાં હસતી તેજપરીને જોઈ છે. ક્યારેક તેઓ આ ઉપમાવ્યાપારમાં શૈશવની ભિન્ન ભિન્ન ભાવાવસ્થાઓને પણ લઈ આવે છે ત્યારે સર્વથા મૌલિક ઉપમાઓ પ્રાપ્ત થાય છે. બહુઇન્દ્રિયસન્તર્પક ફૂલોની વાત કરતી વખતે સુરેશ જોષી કહે છે : ‘કશુંક આનન્દના દ્રુત લયથી એક્કી શ્વાસે બોલી નાખ્યા પછી બાળકનું મોઢું શ્વાસ લેવા ખુલ્લું રહી ગયું હોય તેવી એ ફૂલોની મુદ્રા છે.’ ‘(રૂપપ્રપંચ’) આવા ઉપમાવ્યાપાર સામેના ઉદાસીન વલણ વિશે તેમણે કહ્યું છે :

‘પૂનમની સાંજે બાવળના ઝાંખરાં વચ્ચેથી ચન્દ્ર પ્રગટ થતો જોઈને એમ કહી બેસીએ કે દાદીમાના કરચલીથી ભરેલા મુખમાંથી બાળકો આગળ પ્રકટ થવાને આતુર એવી પરીકથાના પ્રથમ ઉચ્ચારનો આ ઉચ્છ્વાસ છે તો મોઢું ફેરવીને બધા માંડ હસવું ખાળી રાખ્યાનો ડોળ કરવાના.’ ‘(ટાગોરવેડા’)

શૈશવ વટાવ્યા પછી એની ઉત્કટ સ્મૃતિ અનેક પ્રકારનાં સાદૃશ્યો રચે છે – ‘સમુદ્રની ફેનરેખાની શુભ્રતા ડાકણના અટ્ટહાસ્ય જેવી’, ‘વાઘની ત્રાડનો બખિયા ભરેલો અન્ધકાર.’ તાવ આવે ત્યારે એની વાત પણ આ જ રીતે કરવામાં આવે છે : ‘વનમાં દવ લાગે ત્યારે ભડકેલા ચિત્તા ધોળે દિવસે ત્રાડ નાખતાંકને બોડમાંથી છલાંગ મારીને બહાર નીકળે તેમ આ તાવની ઝાળથી શરીરની બધી બોડમાંથી કંઈ કેટલાય ચિત્તાઓ ત્રાડ નાખતાંકને છલાંગ ભરે છે.’ ક્યારેક વૃક્ષનાં પાનને બાળકની હથેળી સાથે તો ક્યારેક ચન્દનવૃક્ષની કૂંપળોને દેવશિશુની કાલી વાણી સાથે સરખાવ્યાં છે. વ્યવહારજગતની સામગ્રી પણ શિશુજગતની પડખે યોજાય છે એટલે ઘડિયાળ ‘ભુલાઈ ગયેલા આંક બોલતા બાળક જેવું’ અને ‘માટલાનું પાણી આળસ મરડીને જાગે છે ને જળપરીઓ બુદ્બુદ બનીને સંતાઈ જાય છે.’ પણ સાથે જ આ નિબન્ધોમાં અવારનવાર ખોવાઈ ગયેલા જગતને માટેની વેદના ક્યારેક મુખર સૂરે તો ક્યારેક સંયત સૂરે સંભળાય છે. દા.ત. ‘પાંખડી પર ઝિલાયેલા ઝાકળમાં સ્ફટિકનો નાનો શો મહેલ ત્યારે તો દેખાતો હતો.’ ‘(ગુલાબ : ત્રણ પંક્તિનું હાઇકુ’) અહીં ‘તો’ શબ્દમાં વેદનાનું અત્યન્ત સંયત આલેખન છે.

અહીં જોવા મળતાં ગન્ધ અને સ્પર્શનાં કલ્પનો પરથી સર્જકના વ્યક્તિત્વનો પરિચય મળી રહે. પહેલા જ નિબન્ધમાં ગન્ધને અભિજ્ઞાનની મુદ્રિકા કહી છે, એ ખોઈ નાખો એટલે પ્રત્યાખ્યાન થાય. એક તરફ આ વડે શકુન્તલા સૂચવાઈ અને બીજી તરફ આ જગતમાં ચેતના ખોઈ નાખો તો આપણું પ્રત્યાખ્યાન થાય એવી બીજી ભૂમિકા પણ સૂચવાઈ. ક્યારેક નિદ્રાને ‘હજાર પાંદડીવાળા પુષ્પ’ તરીકે જોઈ છે તો ક્યારેક પંખીની પાંખમાંથી આગલા દિવસની સાંજના આકાશની ગન્ધને પણ અનુભવી છે. એક નિબન્ધમાં સુરેશ જોષીએ ફરિયાદ કરી છે કે આપણે સ્પર્શેન્દ્રિયને લગભગ જૂઠી કરી નાખી છે. આપણું નીતિવાદી માનસ આની પાછળ જવાબદાર એમ કહી શકાય. ‘મોટા થઈએ તેમ તેમ શરીર મરતું જાય છે, ઠાઠડી પર ચઢાવીને ફૂંકી મારતાં પહેલાં તો ક્યારનુંય આપણે એને ફૂંકી માર્યું હોય છે. સ્પર્શ અને સ્વાદની વાત કરવા જઈએ તો તે પ્રાકૃતતામાં ખપી જાય છે…’ આ સર્જકનું માનસ એવું નથી, એ તો ગુલમોરનો રંગ જોઈને બોલી ઊઠે છે : ‘વર્ષામાં થનારા પૃથ્વી અને આકાશના ગાઢ પરિરમ્ભણની કુંકુમપત્રિકા ગુલમોરની લિપિમાં લખાઈ જશે.’ આવું માનસ જ ‘સવારની સુરખિમાં ચાર હોઠના દાબ વચ્ચેની ઉષ્મા’ જુએ કે અમ્લપર્યવસાયી કષાયતાની વાત કરતી વખતે એને ‘કોઈ અજ્ઞાતાના અજાણે સ્પર્શી જતા હાથ વડે થતા રોમાંચ’ સાથે સરખાવે.

દૃષ્ટિની ધાર કાઢીને જીવતો આ સર્જક જ્યારે પદાર્થના રંગરૂપ વર્ણવે છે ત્યારે ક્યારેક સમાસ વડે – તરુણ વાંસની કાન્તિ ‘હરિતપીત’, ક્યારેક વર્ણન વડે – સીતાફળની પેશી રાખોડી ધોળાશવાળી, ક્યારેક ઉપેક્ષિત પદાર્થોની દૃશ્યગોચરતા પણ વર્ણવે છે – ઊંડા કૂવાની અંદર ઈંટો વચ્ચે ફૂટેલી લીલી ધરોની કે વર્ષાની મેદુરતાની પડછે કેતકીના દંડ પરના મલિનશ્વેત પુષ્પગુચ્છની વાત કરે છે. ક્યારેક આ દૃષ્ટિની ધાર વડે જ ચાંદની રાતે ધુમ્મસમાંથી દેખાતાં વૃક્ષો ‘કટકની ચાંદીની કારીગરી જેવાં’ દેખાયાં છે. આવાં સાદૃશ્યો જ્યારે વ્યવહાર-જગતમાંથી શોધવામાં આવ્યાં છે ત્યારે ક્યારેક ચન્દ્ર આદિવાસી બાઈના ગળામાંના ચાંદીના સિક્કા જેવો, ક્યારેક આંબાનો મોર પણ દાનવીર રાજાના તામ્રપત્ર જેવો, ક્યારેક વાદળવાળા આકાશમાંથી દેખાતો તડકો કંજૂસના ખિસ્સામાંથી દેખાઈ જતી સોનામહોર જેવો દેખાયો છે; નગરની શાન્તિને ‘અનેક છિદ્રોવાળી કંથા ધારણ કરતી જર્જરિત ભિખારણ’ કહી છે.

‘ગુલાબ : ત્રણ પંક્તિનું હાઈકુ,’ ‘જળ : સૃષ્ટિનું પૂર્ણવિરામ, ‘મધરાતે સૂર્ય ?’, ‘ધૂસરતા’, ‘પવનનો પ્લવંગમ લય’ જેવા સાદૃશ્યસભર નિબન્ધો સ્વગતોક્તિ પ્રકારના અથવા લિરિકની કક્ષાના છે. અહીં પ્રકૃતિનું વિશિષ્ટ રૂપ દેખાડવા સિવાય કોઈ આશય નથી,  કટાક્ષ, વ્યંગ નથી. અનુભૂતિની ઉત્કટતા કલ્પનોને જન્મ આપે છે. ‘ગુલાબ : ત્રણ પંક્તિનું હાઈકુ’માં પ્રયોજાયેલી ઉપમાઓ જોવાથી એક જ પદાર્થને કેટકેટલી રીતે નિહાળવામાં આવ્યો છે તેનો ખ્યાલ આવશે. ગુલાબનો રંગ જોઈને ‘તૃષાની ઉત્કટતાએ જ જાણે રતાશ પકડી છે’, ‘મર્મસ્થાનનો અજાણ્યો ઘા મ્હોરી ઊઠ્યો છે’, ‘સૂર્યપ્રકાશમાં ગુલાબ અગ્નિશિખા જેવું લાગે છે.’ આ ગુલાબ જોઈને શિશુભાવ જાગ્રત થાય છે એટલે કહે છે : ‘ગુલાબી પાંખડીઓના મહેલમાંથી નાની નાની શિશુની જ આંખે ચઢે એવી પરીઓને ઊડી જતી જોઈ હતી. બીજી બાજુએ ‘શુદ્ધ અવકાશી શબ્દ’માં પ્રયોજાયેલાં કલ્પનો જુઓ – પતંગિયાના ફૂલ પર બેસવાથી ઝૂકતી પાંખડીનો અવાજ, ઝાકળના ઝરવાનો અવાજ, પર્વતના નિર્જન શિખરને આલિંગતી ઠાલી હવાનો અવાજ પણ નિબન્ધકારને કાને પડ્યા છે. પ્રકૃતિ સાથેની ઉત્કટ આત્મીયતા વિના આ અભિવ્યક્તિ શક્ય નથી. એટલે જ અનુગામી નિબન્ધોમાં આવી શૈલીનાં અનુકરણો તરત ઉઘાડાં પડી જાય છે. આ ઉત્કટતા અને સર્જકપ્રતિભા આપણા ચિરપરિચિત પદાર્થનાં રૂપને આમૂલ ફેરવી નાંખે છે–આનું એક જ ઉદાહરણ બસ થશે : ‘શહેરના ટાવર થંભી જઈને આકાશ ભણી સૂરજમુખી બનીને ઝૂકી રહે.’ ‘(મધરાતે સૂર્ય?’)

સામાન્ય રીતે નિબન્ધ જેવા સ્વરૂપની ચર્ચા કરતી વખતે આપણું ધ્યાન ભાષા ઉપર જતું નથી. ચિન્તનાત્મક, માહિતીપ્રધાન, ઉપદેશાત્મક રચનાઓમાં આમ બને તે સ્વાભાવિક છે. આમ છતાં અહીં ભાષાનો થોડોઘણો વિશિષ્ટ ઉપયોગ થતો જ હોય છે. પણ લલિત નિબન્ધમાં ભાષાનો વિશિષ્ટ ઉપયોગ થાય છે જ. જેમાં ચોક્કસ વિષયવસ્તુ ન હોય અને છતાં જે નિબન્ધ માણવા ગમતા હોય એની પાછળનું કારણ ભાષા છે. સુરેશ જોષીના નિબન્ધો વાંચતી વખતે આપણને પ્રતીતિ થાય છે કે એ કવિના છે. જેવી રીતે કાવ્યને એક કરતાં વધુ વખત માણીએ છીએ તેવી રીતે આને પણ વધારે વખત માણી શકાય છે.

સુરેશ જોષીના નિબન્ધોની ભાષા વધુ પડતી તત્સમપ્રધાન છે એવી ફરિયાદ થઈ છે, પણ સંસ્કૃતમય ભાષાનો જ્યારે ભાર લાગે ત્યારે જ તે દોષ ગણાય. અહીં અમ્લપર્યવસાયી કષાયતા, ઉચ્ચૈ:શ્રવા કીતિર્, વિચ્છુરિત, અવારિત, સમુદ્રોત્થિતા, પ્લવંગમ જેવા અલ્પપરિચિત સંસ્કૃત શબ્દો છે પણ તે ભાગ્યે જ બીજી વખત પ્રયોજાયા છે. ‘ગન્ધ : અભિજ્ઞાનની મુદ્રિકા’ના બેએક હજાર શબ્દોમાંથી  સામાન્ય બોલચાલની ભાષામાં ન વાપરીએ એવા શબ્દો આ પ્રમાણે મળ્યા : ‘સ્રોતસ્વિની, જરઠ, સ્થવિર, નિબિડ, મસૃણ, નગણ્યતા, ઝંકૃત, અભિજ્ઞાન, પ્રત્યાખ્યાન, ગર્ભસ્ફુરણ, નિ:સ્પૃહતા, અરણ્યાચ્છન્ન, સૂર્યદત્ત, પુંસકતા. જે નિબન્ધોમાં કલ્પનોનું પ્રમાણ વધારે છે તેમાં આવા શબ્દોનું પ્રમાણ એથી બમણું છે. અલબત્ત, આ પ્રકારની ટકાવારીને વધુ વ્યવસ્થિત બનાવવા માટે દસપંદર નિબન્ધોની શબ્દાવલિ વિગતે તપાસવી પડે. એમાંથી કયા શબ્દોની પુનરાવૃત્તિઓ થાય છે અને એને શૈલી સાથે કયો સમ્બન્ધ છે તે પણ તપાસવો પડે. આમાંથી કોઈ પણ નિબન્ધ પસંદ કરીને એની ભાષાકીય વિશિષ્ટતાઓ તપાસી શકાય. દા.ત. ‘ગન્ધ : અભિજ્ઞાનની મુદ્રિકા’ નિબન્ધનો પહેલો પરિચ્છેદ જુઓ :

‘દૈનિક ઘટમાળના ગુુરુત્વાકર્ષણની સીમાને વટાવીને કેટલીક ઘટનાઓ ચિત્તના ખગોળમાં ગ્રહરૂપ બનીને સદા ઘૂમ્યા કરે છે. એની પરિક્રમાના યાત્રાપથ પર આપણે અણજાણપણે કેટલીય વાર વિહરવા નીકળી પડીએ છીએ. ત્યાંથી જ આપણે સત્ય લાવીએ છીએ.’

ત્રણ વાક્યોના બનેલા આ પરિચ્છેદમાં ખગોળજગતમાંથી સાદૃશ્ય શોધવામાં આવ્યું છે. સર્જક દૈનન્દિનીય વાસ્તવિકતાની સીમાઓને જ્યાં સુધી વટાવી જતો નથી ત્યાં સુધી એ સર્જન કરી શકતો નથી. પૃથ્વીના ગુરુત્વાકર્ષણની સીમાઓને વટાવી ગયા પછી કોઈ પણ પદાર્થ અનન્ત અવકાશમાં ભ્રમણ કરી શકે છે પણ એ સીમા વટાવવા માટે ઘણી બધી ગતિ જોઈએ. આપણી વાસ્તવિકતા, આપણી રોજિંદી ઘરેડ પણ આવું ચુમ્બકીય બળ ધરાવે છે, એને ઉલ્લંઘવાથી સર્જન શક્ય બને. આપણી કેટલીક વિશિષ્ટ ઘટનાઓને ગ્રહ તરીકે અને ચિત્તને ખગોળ સાથે સરખાવ્યા. માનવચિત્ત અનન્ત અવકાશવાળું છે એ સૂચવાયું. આમ બનવું એ જ મોટો ચમત્કાર અને એનો આનન્દ બીજા વાક્યની પલટાયેલી ગતિમાં વ્યક્ત થાય છે. તે આનન્દ ‘યાત્રાપથ’ અને ‘અણજાણપણે કેટલીય વાર વિહરવા’ શબ્દો દ્વારા છતો થાય છે. પ્રમાણમાં દીર્ઘ એવાં પહેલાં બે વાક્યો ત્રીજા દીર્ઘ વાક્ય માટે આપણને તૈયાર કરે અને આપણી અપેક્ષા વિરુદ્ધ ત્રીજું વાક્ય સાવ સાદું આવી ચઢે છે. એ રીતે શૈલીની એકવિધતા પણ તૂટે છે.

આ જ નિબન્ધના બીજા પરિચ્છેદમાં સ્મરણનો મહિમા ગાવામાં આવ્યો છે. સ્મરણમાં જ તથ્યનું બીજ ખીલે છે એટલે એક સૂત્રાત્મક વાક્ય આપણી આગળ રજૂ થાય છે. ‘જેનું સ્મરણ ગયું તેનું સાતત્ય ગયું.’ આના પછી તરત જ આવતા વાક્યને આપણે આ રીતે ગોઠવીએ :

નદીને કાંઠે નગરો વસે છે,
સંસ્કૃતિ જન્મે છે,

(આપણું મનોરાજ્ય પણ) સ્મૃતિની સ્રોતસ્વિનીને કાંઠે વસે છે.

અહીં પહેલા વાક્યના બે ટુકડા છે, બીજા વાક્યમાં પહેલા વાક્યનો પદાન્વય થોડા ફેરફાર સાથે પુનરાવતિર્ત થાય છે. પહેલા વાક્યમાં કર્તા પાછળથી આવતો હતો, ત્યાં વાક્યના આરમ્ભે આવતા ‘નદીને કાંઠે’ પર ભાર હતો. બીજા વાક્યમાં આપણા વૈભવનું મહત્ત્વ સ્થાપવું છે એટલે વાક્યના આરમ્ભે આપણા મનોરાજ્યની વાત આવી. એ વૈભવને વધુ સમૃદ્ધિ આપવા નદી જેવા તત્સમ પણ વધુ પ્રચલિત શબ્દને બદલે સામાન્ય વ્યવહારમાં ન વપરાતો સ્રોતસ્વિની શબ્દ પ્રયોજાયો છે. નદીના બધા જ પર્યાયોમાંથી આ જ અહીં શોભે છે. એ શબ્દમાં અનેક સ્રોતની વિપુલતા, વૈભવના સંકેત છે.

બીજી એક રચના લઈએ : ‘રૂપપ્રપંચ’.  પહેલું વાક્ય સામાન્ય છે. ‘બારી પાસે બેસીને જોઉં છું.’ પણ પછી અસામાન્ય વાક્ય આવે છે. ‘ઝરમર ઝરમર તડકો વરસે છે.’ આ અનલંકૃતતા અને અલંકૃતતાનું આગળ પુનરાવર્તન થાય છે અને એ પુનરાવર્તન વડે ભાત રચાય છે. આ અને આવાં દૃષ્ટાન્તોને આધારે કહી શકાય કે આ ગદ્યમાં સતત એક જ ધાટીનાં વાક્યો નહીં આવે અને એને કારણે શૈલી એકવિધ બનતી નથી. ક્યારેક ગદ્યની લઢણને વિશિષ્ટ બનાવવા માટે બીજી યુક્તિ અજમાવી છે. આ જ રચનામાં ‘કહે છે કે’થી શરૂ થતો વાક્યખણ્ડ જુઓ. બે લાંબાં વાક્ય પછી આવતાં વાક્યો જુઓ :

1 – એને રૂપ મળ્યું.

2 – પછી તો માનવી આવ્યો.

3 – એણે તો શ્વાસને રમાડીને અનેક રૂપો સર્જ્યાં.

4 – પણ એ અદેહી પવન રણના વિસ્તાર પર વિરાટ પગલી પાડતો ચાલે છે, ત્યાં એને રૂપ આપનાર કોઈ નથી.

ધીરે ધીરે દીર્ઘ બનતાં જતાં વાક્યો પરાકાષ્ઠા જન્માવે છે.

ક્યારેક અન્વયના પુનરાવર્તન વડે સર્જકના વિશિષ્ટ વ્યક્તિત્વનો પરિચય થાય છે. દા.ત. આ જ રચનામાં જીવનની પ્રત્યેક ક્ષણને તે ભોગવવા માગે છે તેની પ્રતીતિ આ પુનરાવર્તનથી થાય છે : ‘ને ત્યારે શિયાળાની ઠંડી રાત પ્રાત:કાળ તરફ વળતાં એની નાડીમાં જે કવોષ્ણ કમ્પનો આછેરો સંચાર થાય છે તેમાં ભળી જવાનું મન થાય, અન્યમનસ્ક બનીને આંગળીને ટેરવે સાડીનો છેડો વીંટાળ્યા કરતી મુગ્ધાની દૃષ્ટિના દોરમાં ગુંથાઈ જવાનું મન થાય. સ્થિર પાણીમાંથી એકાએક ઊછળી આવતી માછલીની આર્દ્ર રૂપેરી કાયા પર સહેજને માટે સૂર્યકિરણ બનીને ચમકી ઊઠવાનું મન થાય, ઉનાળાની બપોરની ઉષ્ણ નિસ્તબ્ધતાને અર્ક રૂપે સારવી લઈને ઘૂઘવતા હોલાને કણ્ઠે ઘૂઘવી ઊઠવાનું મન થાય, શિશુના નાનકડા મુખમાં ન સમાતાં રેલાઈ જતી દૂધની ધાર બનવાનું મન થાય.’

ભાષાને વિશિષ્ટ સન્દર્ભમાં યોજીને જગતની વિશિષ્ટતા દેખાડવાનું સુરેશ જોષીને માટે સહજ છે. ઇન્દ્રિયવ્યત્યયો પણ એવી સહજતાથી પ્રગટે છે. દા. ત. ‘ગ્રીષ્મમાં શિરીષ અને મોગરાની અત્યુક્તિ હવામાં સંભળાયા કરે છે.’ (ગ્રીષ્મ) ક્યારેક પોતાના રોજિંદા અનુભવની વાત માંડી હશે તો પણ સહજતાથી કહી નાખશે. ‘કોઈક વાર દિવસ એવો તો છીછરો લાગે છે કે એમાં રાત્રિના બીજને ઉછેરવાનું ઊંડાણ જ હોતું નથી. એવી પાંગર્યા વિનાની રાત્રિ એળે જાય છે.’ આ સહજતા ક્યારેક આપણા સમયમાં ભુલાઈ ગયેલા શબ્દોને પણ પુનર્જીવન આપે છે; દા.ત. ‘તે દિવસથી હું ભૂતકાળની ભોગળને વાસીને આવ્યો છું.’

જડભરત કે સંવેદનશીલ લોકોના સન્દર્ભે સુરેશ જોષી જ્યારે ભાષા પ્રયોજે છે ત્યારે ‘ક્રોમિયમ પ્લેટેડ સૌજન્ય’, ‘અસ્ત્રીબંધ કકરી સુઘડતા’, ‘સ્મિતમાં ઇથરની શીતળતા’, ‘એક સરખી ટીકડીઓ જેવા શબ્દ’, ‘ગંધક જેવી સાત્ત્વિકતા’ – જેવાં સાદૃશ્યો વિજ્ઞાનજગતમાંથી લઈ આવે છે. એ રીતે પણ એ જગત પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ છતો થઈ જાય છે. ક્યારેક પોતાના વક્તવ્યનો સૂર પ્રગટ કરવા માટે વાક્યનાં અન્ત્ય સ્થાનોનો ખાસ ઉપયોગ કર્યો છે : દા.ત. ‘શબ્દોને લોલીપોપની જેમ ચૂસનારા ઘણા, ધારદાર શબ્દોનો મુકાબલો કરનારા થોડા. વૃક્ષની છાયા નીચે બેસીને જગતને શીતળતાનો સંદેશો આપનારા ઘણા, નિર્જન વેરાનમાં શાન્તિના બે શબ્દો જોડી શકનારા થોડા.’

અહીં થોડા અને ઘણાનો વિરોધ વાક્યાન્તે યોજાવાને કારણે વધુ તીવ્ર બન્યો છે. આવું જ એક બીજું દૃષ્ટાન્ત, ‘વર્ષાવેદન’માંથી મળી આવશે. ‘…પણ મિલનથી રાચીએ અને વિરહથી ભાગીએ તો આપણે શું પામી શકીએ ?’ આવા જ મિજાજમાં આપણી કરુણતા સ્પષ્ટ કરવા પ્રશ્નમુખર શૈલીનો ઉપયોગ કર્યો છે. દા.ત. ‘હોવું-ન હોવું’ જુઓ :

‘અસંખ્ય સૂર્યોને આ પથ્થરો સાથે પછાડીને આપણે વેડફી માર્યા છે, ઝાકળના બિન્દુનો સૂર્ય સાથે જેવો યોગ થાય છે તેવો ભંગુરતા અને પ્રખરતાનો યોગ આપણે સિદ્ધ કરી શક્યા છીએ ? પથ્થરના કારાગારમાં કેદ થયેલા પૂંજીભૂત સમયને આપણે મુક્ત કરી શક્યા છીએ ? પવનમાં વિસ્તરતા સમયને આપણા શ્વાસમાં સંભરી શક્યા છીએ ? જળની આંખોની ચમકને જોયા કરવાનો રોમાંચ અનુભવ્યો છે ?’

પ્રશ્નમુખર શૈલીની વિશિષ્ટતા ઉપરાંત ઝાકળના લઘુ પરિમાણ અને ક્ષણિક અસ્તિત્વ સામે સૂર્યના બૃહદ્ પરિમાણ અને સનાતન અસ્તિત્વની યોજના, ‘પથ્થરમાં કેદ થયેલા સમય’, ‘જળની આંખ’ જેવા પ્રયોગો નોંધપાત્ર છે. ક્યારેક એક જ શબ્દના પુનરાવર્તન વડે આખું વાતાવરણ રચાય છે. દા.ત. ‘વિદ્રોહ’ :

‘પણ રસ્તાઓ હજી વફાદારીથી દોડી રહ્યા છે. રસોડામાં ટપકતા નળને મોઢે વફાદારીનું રટણ છે. સૂર્યચન્દ્ર વફાદારીનો બિલ્લો લટકાવીને ફરે છે. પવન વફાદારીની છડી પોકારે છે. જળ વફાદારીનો જ રેલો છે. ભાષા શબ્દોની વફાદારીની જ કવાયત છે. દરેક મકાનમાં ભૂમિતિની વફાદારી બુલંદ બની છે.’

સુરેશ જોષીએ હંમેશાં ભાષાને તોળીજોખીને પ્રયોજી હોવા છતાં એનો ભાર ક્યાંય વરતાતો નથી. મરણની વાત કરતી વખતે સહેજ પણ પ્રસ્તાર કર્યો ન હોવાથી સર્જક ભાવુકતામાંથી ઊગરી જાય છે. તે જેટલી સહજ રીતે મરણની મોઢામોઢ કરી આપે છે તેટલી સહજ રીતે ભાગ્યે જ આપણા બીજા કોઈ સર્જકે કરાવ્યા હશે. ‘ધૂસરતા’નો આરમ્ભ જુઓ : ‘આ છેલ્લા દિવસોનું આકાશ – જાણે કોઈ ઢીંગલી બનાવવા મથી રહ્યું છે. સાગર એની ઝૂલ લાવ્યો છે, સૂરજ એનું પીળું ચીંથરું લાવ્યો છે, ભૂખરા રંગનાં વાદળોના ગાભા છે ને એમાં ભરવાનો લાકડાનો વ્હેર?’

આ આરમ્ભ આપણને પરીકથાની સૃષ્ટિમાં લઈ જાય. આપણે એમાં ખોવાઈ જઈએ અને તરત જ આવે – ‘વ્હેરણિયો વહેરી રહ્યો છે. કરવત ચાલી રહી છે…કેનેડી….આલ્ડસ હકસલી….’

ક્યારેક મનમાં રચાતી સૃષ્ટિનો કશો સ્થૂળ ઉપયોગ ન કરી શકાય એ કહેવા માટે પણ શૈલીની મદદ લેવામાં આવી છે. દા.ત. ‘જળ : સૃષ્ટિનું પૂર્ણવિરામ’.

‘મારું અળવીતરું મન જે પદાર્થો નથી તે રચે છે. એ પદાર્થો કશા ખપના નથી. એને સિક્કાની જેમ વટાવી ન શકાય. એને ફૂલની જેમ ચઢાવી ન શકાય. એના વડે કશું ભરી ન શકાય કે કશું ખાલી ન કરી શકાય. એનાથી કોઈ રાવણ મરે નહી. ને એનાથી કોઈ રામ લડે નહીં. એ દર નહીં જેમાં સાપ વસે. એ ઘર નહીં જેમાં માનવી વસે.’

વિકલ્પાત્મક ભૂમિકાઓની યોજના જુઓ, અન્વયની પુનરાવૃત્તિઓ જુઓ, એના વડે આપણા પર પ્રભાવ પડે છે. આવાં બીજા દૃષ્ટાન્તોનો વિગતે અભ્યાસ કર્યા પછી એની સમૃદ્ધિનો વધુ ખ્યાલ આવે.

સાહિત્યનાં અન્ય સ્વરૂપોની જેમ સુરેશ જોષીએ આ નિબન્ધો પણ પરમ્પરાગત નિબન્ધ સ્વરૂપના વિદ્રોહ તરીકે લખ્યા છે. અત્યાર સુધીની આપણી પરમ્પરાગત વ્યાખ્યાને ન ગાંઠે એવી રચનાઓ છેક 1955થી તે કરતા આવ્યા છે. ટૂંકી વાર્તા અને કવિતાના ક્ષેત્રે આરમ્ભની રચનાઓ અમુક અંશે પરમ્પરાગત ઢાંચાને મળતી આવે છે અને પાછળથી તે વિદ્રોહાત્મક સ્તરે જઈ પહોંચે છે, જ્યારે ‘જનાન્તિકે’ના નિબન્ધો પહેલેથી જ વિદ્રોહની ભૂમિકા પર રચાયેલા છે; એટલું જ નહીં, તેમની આ રચનાઓમાં અને ટૂંકી વાર્તાઓમાં જે કાવ્યત્વ છે તે પ્રકારનું કાવ્યત્વ તેમની કવિતાઓમાં પણ જોવા મળતું નથી.

નિબન્ધ જેવા સ્વરૂપમાં સર્જકના વ્યક્તિત્વની મુદ્રા મ્હોરી ઊઠતી હોવાને કારણે સુરેશ જોષી જાગતિક સન્દર્ભો વિશે જે પ્રતિભાવો ધરાવે છે તેની જાણ આ બધી રચનાઓ દ્વારા થાય છે. પણ આ પ્રતિભાવો પત્રકારની હેસિયતથી આલેખાયા ન હોવાને કારણે અને તેમાં સર્જકનો વ્યક્તિવિશેષ ભળ્યો હોવાને કારણે તે ઉત્તમ સાહિત્યરચનાઓ તરીકે સ્થાન પામી શકી છે. આ નિબન્ધોએ ઘણા બધા સર્જકોને લખતા કર્યા છે. એને કારણે સાહિત્યને લાભ અને હાનિ બંને થયા છેે. સાહિત્યના કે કળાના ઇતિહાસમાં હંમેશાં બને છે તેમ ગમે તેવા વિદ્રોહની પણ એક પરમ્પરા ઊભી થાય છે. આ પરમ્પરાનું અનુકરણ કરનારા તરત જ ફૂટી નીકળે છે. ગુજરાતી નિબન્ધક્ષેત્રે જે બધી કલમો જોવા મળે છે તેમાં અનુકરણ કરનારાઓની સંખ્યા ઓછી નથી. એટલું જ નહીં, આજે તો એક તબક્કો એવો આવ્યો છે કે સહેલામાં સહેલો સાહિત્યપ્રકાર એટલે નિબન્ધ. એટલે આ પળે સુરેશ જોષી પુરસ્કૃત શૈલીના અનુકરણમાંથી બહાર નહીં આવીએ તો નિબન્ધનો પ્રકાર વધુ ને વધુ નિ:સત્ત્વ બનતો જશે, તેમના નિબન્ધોમાંથી પોષણ ભલે મેળવીએ પણ એમના નિબન્ધોની પ્રદક્ષિણા કર્યા કરવાનો કશો અર્થ નથી.

License

સુરેશ જોષી : એક અસામાન્ય પ્રતિભા Copyright © by શિરીષ પંચાલ. All Rights Reserved.