સાર્ત્ર – આજના સન્દર્ભમાં

ફ્રેન્ચ ભાષાના એક યુવાન અધ્યાપકમિત્ર વધુ અભ્યાસ માટે પૅરિસ જઈ રહ્યા હતા. ‘સાર્ત્ર વિશેના નવી પેઢીના પ્રતિભાવ પ્રકટ કરતું કશું નવું આલોચનાત્મક સાહિત્ય પ્રકટ થયું હોય તો એ વિશે મને લખજો,’ એવું મેં એમને કહ્યું ત્યારે એમણે કહ્યું, ‘નવી પેઢી પર સાર્ત્રનો કશો પ્રભાવ નથી. ત્યાં તો એઓ ક્યારનાય ભુલાઈ ગયા છે.’

સાર્ત્રે તો પોતે જ કહ્યું હતું કે મારા સમકાલીનોને માટે જ લખું છું. ભવિષ્યની પેઢીને માટે પણ મારે કશુંક કહેવાનું છે એવો મારો દાવો નથી. આ એમની ફિલસૂફી સાથે સુસંગત છે. ધ્રુવ એવાં સત્યો હોઈ નહીં શકે. બદલાતા માનવસન્દર્ભ અનુસાર નવી અભિજ્ઞતા ઘડાતી આવે, નવા પ્રશ્નો ઊભા થાય, નવો મૂલ્યબોધ વિકસતો આવે. આમ છતાં સંચિત અનુભવના બધા જ અંશો અપ્રસ્તુત બની જાય છે એવું નથી. એથી ઘણી રીતે, આજના માનવસન્દર્ભમાં પણ સાર્ત્રની ફિલસૂફી અપ્રસ્તુત લાગતી નથી. પણ સાહિત્યિક આબોહવા, આ દરમ્યાન, બદલાઈ ગઈ છે. મેર્લોપોંતિએ કહ્યું હતું કે આજે ફિલસૂફને પોતાની ફિલસૂફી વિશે કહેવું હશે તો વાર્તા કહેવી પડશે. અસ્તિત્વવાદી ફિલસૂફી નવલકથા અને નાટકો દ્વારા સારા પ્રમાણમાં વ્યક્ત થઈ છે તે સુવિદિત જ છે. જીવાતા જીવનથી નિલિર્પ્ત એવા દાર્શનિક વિતંડાથી સૂક્ષ્મ બૌદ્ધિક આનન્દ અમુક વર્ગને આવતો હશે, પણ અસ્તિત્વવાદીઓ એમાંના નહોતા. આથી જીવન્ત માનવસન્દર્ભ રજૂ કરીને, એની દ્વારા જ ફિલસૂફીને ઉત્ક્રાન્ત થતી પ્રત્યક્ષ કરવી એ જ એમને અભિપ્રેત હતું. માનવચરિત્ર પૂર્વનિર્ણીત નહીં હોઈ શકે, જો એવું હોય તો માનવવ્યવહારમાં સ્વતન્ત્રતાનો છેદ ઊડી જાય. આથી પૂર્વનિર્ણીતતા નહીં પણ સમ્ભવિતતાને જ અસ્તિત્વવાદી સાહિત્ય મહત્ત્વ આપે છે.

અત્યારની ફ્રાન્સની પેઢીનો મિજાજ જુદો છે. એને ફિલસૂફી ડહોળવાનું ઝાઝું પસંદ નથી – સાહિત્યમાં તો નહિ જ. સિદ્ધાન્તચર્ચા, વિતંડા અને ખોટી દલીલબાજીનો એને કંટાળો આવ્યો છે. બૌદ્ધિક અભિગમોની વ્યાપક પ્રતિક્રિયા જોવામાં આવે છે. એલેકઝાંડર દ્યુમાની નવલકથાની નવી આવૃત્તિ બહાર પડી ત્યારે નવી પેઢીના એક લેખકે રાહત અનુભવીને કહ્યું, ‘હાશ, આખરે ઊંડાણમાં ઢસડી નહીં જનારો લેખક મળ્યો ખરો!’ ત્રીસ-ચાળીસના ગાળામાં તો નવલકથાનાં પાત્રો પાણી સુધ્ધાં જીવન વિશે ગમ્ભીર વિધાનો કર્યા વિના પી શકતાં નહોતાં. વ્હીસ્કી કે વોડકા ઢીંચતાં ઢીંચતાં એઓ જીવનમરણ, માનવનિયતિ, સ્વતન્ત્રતા, જગત – આ બધાં વિશે નિશ્ચિત પ્રકારનાં મન્તવ્યો પ્રકટ કરતાં હતાં. ઈશ્વરના અસ્તિત્વને પડકારવું અને વાચકના મનમાં એક પ્રકારની આધ્યાત્મિક વિરતિની લાગણી જગાડવી એવું ઘણા નવલકથાકારો કરવા નીકળતા હતા. આવું નવલકથામાં સમાવિષ્ટ કરવાની એક યુવાન નવલકથાકારને સલાહ પણ આપવામાં આવેલી. આથી રોજર ઇકોર નામના એક લેખકે તો કહેલું, ‘આ તે કેવો જુલમ! નવલકથા કાંઈ શોધનિબન્ધ નથી!’

કરાંજી કરાંજીને જાણે આંતરડાંમાં રહ્યારહ્યા લડતા હોય તેમ કેટલાક યુયુત્સાવૃત્તિમાં રાચતા બુદ્ધિશીલો એવી પરિસ્થિતિ ઊભી કરતા કે જેમાં આ કે તેનો પક્ષ લેવાનું પણ અઘરું થઈ પડતું. આ બધાંને પરિણામે કહેવાતાં ‘પ્રતિબદ્ધ’ સાહિત્યની સામે અણગમો વધતો ગયો. ફરી નવી રૂપરચનાઓના પ્રયોગો કરતી ‘શુદ્ધ’ નવલકથાઓ લખવા તરફનો ઝોક વધ્યો; નવી રચનારીતિઓના પ્રગલ્ભ પ્રયોગો થવા લાગ્યા.

સાર્ત્રની પેઢીના નવલકથાકારો યાતનાગ્રસ્ત યુગના અનિવાર્ય એવા સાક્ષીનો પાઠ ભજવી રહ્યા હતા. એઓ અનુભવના એક વિશાળ ક્ષેત્રને સમ્પ્રજ્ઞાત એવા ચિન્તનના ક્ષેત્રમાં સમાવી દેવાને મથી રહ્યા હતા. આથી કરીને બુદ્ધિશીલની છાપ જ સાવ બદલાઈ ગઈ. તમે ‘ફલાણો બુદ્ધિશીલ છે’ એમ કહો તેની સાથે જ એક નિર્વીર્ય, કુણ્ઠિત, અરુચિર, બોથડ એવો માણસ આંખ સામે ખડો થઈ જતો. આ નવો જમાનો બુદ્ધિશીલો પ્રત્યક્ષ રીતે રાજકારણમાં સંડોવાઈને સક્રિય બને તેને ઇષ્ટ લેખતો નથી. એણે તો સાંસ્કૃતિક મૂલ્યો ઘડવાનાં છે, એનું રક્ષણ થાય એવું વાતાવરણ રચવાનું છે. પ્રખ્યાત ચિન્તક સિયોરાને તો આ બુદ્ધિશીલોને નર્યા અકાર્યક્ષમ સાંસ્કૃતિક નોંધણી કારકુનો, ક્લાન્ત અને હતાશ એવો લોકો કહ્યા છે જેઓ એક બાજુથી સહિષ્ણુતાથી અને બીજી બાજુથી યન્ત્રણાની ભ્રમણા વચ્ચે ફસાઈને દ્વિધાગ્રસ્ત બનીને, પોતાના જ વિનાશ પ્રત્યે રતિ કેળવીને જીવે છે.

આપણી આ આખી સંસ્કૃતિ બુદ્ધિપરાયણતાને કારણે કૌવત ખોઈ બેઠી છે એવું કેટલાક માનતા થઈ ગયા છે. એની આત્મસભાનતા અને એના વિશદતાના આગ્રહને કારણે એ જાણે પક્ષાઘાતગ્રસ્ત થઈ ગઈ હોય એવું લાગે છે. ધર્મની શ્રદ્ધાને સ્થાને રાજકારણના આ કે તે વાદની શ્રદ્વા આવી ગઈ છે. સંશયગ્રસ્તતાને કારણે જીવવાનાં જોમ અને હીર ચૂસાઈ ગયાં છે. નૈતિક આગ્રહો અસંગત લેખાયા લાગ્યા છે.

પહેલાં દેવમણ્ડળ કેન્દ્રસ્થાને હતું, પછી પરમ તત્ત્વે એનું સ્થાન લીધં. રાજા પ્રતિનિધિ તરીકે મહત્ત્વ પામ્યો, સામંતશાહી આવી અને ગઈ, અમુક સમૂહ કે વર્ગ પ્રાધાન્ય ભોગવતો થયો, પછી વ્યક્તિની મહત્તા સ્થપાઈ, વ્યક્તિ પણ અલોપ થઈ ગઈ. માલરોએ કહ્યું કે નિત્શેએ ઈશ્વરના મૃત્યુની ઘોષણા કરી હતી, હવે આપણે માનવીના અદૃશ્ય થઈ જવાના સમાચાર આપવાના રહ્યા! દોસ્તોએવ્સ્કીએ તો માનવીને દરમાં રહેનારા પ્રાણી તરીકે વર્ણવ્યો જ હતો, કાફકાએ પણ એની ‘મેટામોર્ફોસિસ’ની વાર્તામાં એને વંદો થઈ જતો બતાવ્યો. ‘ધ ફલાય્ઝ’ નાટકમાં સાર્ત્ર પણ માનવીને જન્તુની કક્ષાએ સરી પડેલો જુએ છે. પછી તો આલાં રોબ્બ-ગ્રિયેએ મનુષ્યને એક પદાર્થ તરીકે વર્ણવીને અનુભવના ‘thingification’ અને ‘thusness’ની વાત કરી છે તે જાણીતું છે. ઊંડાણની ગમ્ભીરતાથી થતી વાતોને એણે નરી કપોલકલ્પિત કહીને હસી કાઢી છે. કીડિયારાંની જેમ ઊભરાતાં માણસોએ પોતે જ પોતાનું અવમૂલ્યન કર્યું છે. પહેલાં માનવીની વ્યક્તિ તરીકેની આગવી મુદ્રા ઉપજાવવાનો પ્રશ્ન હતો, હવે ચહેરો ભૂંસી નાંખવાના મરણિયા પ્રયત્નો છે. સીધી લીટીએ ચાલતા વિકાસની ભ્રામક કલ્પના આજે તો ક્રૂર ઉપહાસ જેવી લાગે છે.

માલ્થસે તો વસતિવધારાના ભય તરફ આંગળી ચીંધેલી. પણ હવે તો નવી જ ભૂતાવળ ઊભી થઈ છે. આજે તો ટેકનોલોજીના વિકાસને કારણે બીજી, વધુ કપરી, સમસ્યાઓ ઊભી થઈ છે. એ જે ઝડપથી ‘પ્રગતિ’ કરી રહી છે તે જોતાં માનવી ધીમે ધીમે પાછળ પડતો જશે એવું લાગે છે. ઓગણીસમી સદીની શરૂઆત સુધી તો એવી ગતિ ઝડપથી દોડતા ઘોડાથી વિશેષ નહોતી. પછીની એકાદ સદીમાં રેલવે બરાબર સ્થપાઈ ચૂકી અને ખાસ્સી ઝડપથી દોડવા લાગી. વીસમી સદીમાં મોટર અને વિમાન આવ્યાં. હજી તો રાઇટ ભાઈઓ જાણે હમણાં જ થઈ ગયા હોય એવું લાગે છે, એટલામાં તો ચારસો મુસાફરોને લઈ જઈ શકનારાં જમ્બો જેટ આવી લાગ્યાં. એ જમ્બો જેટ ત્રીસ હજાર ફૂટની ઊંચાઈએ ઊડી શકે છે ને થોભ્યા વિના પાંચ હજાર માઈલ દૂર જઈ શકે છે. એને સમાન્તર સંદેશાવ્યવહાર, ઉત્પાદન અને સંહારની ટેકનોલોજીમાં પણ પ્રગતિ થઈ છે. આથી લોકોની અપેક્ષાઓ પણ તેજ બની ગઈ છે. હવે આખું જગત એક અર્થતન્ત્ર નીચે જીવે અને સંઘર્ષોને ટાળવા માટે યુદ્ધો લડવાની જૂની પદ્ધતિને છોડી દે એવી અપેક્ષા રહે છે.

ટેકનોલોજીની આ તેજ રફતાર અને એથી ઊભી થતી સમસ્યાઓ સાથે કદમ મિલાવીને ચિન્તકોને પણ આગળ વધવાનું રહે છે. આ સંકુલતાને કારણે ઊભી થતી સમસ્યાઓને ઉકેલવા માટે જે માહિતી સંપડાવવી જરૂરી હોય તે તો કોમ્પ્યુટરની મદદથી મેળવી લઈ શકાય છે; પણ વિચારપ્રક્રિયાનું પાસું એવું છે જેમાં કોમ્પ્યુટરની મદદ મળી શકતી નથી. એ વિચાર તો ચિન્તકોએ જ કરવાનો રહે છે. કેઇન્સ, વાઇનર અને સાર્ત્ર જેવા ચિન્તકોએ આ સંકુલતાને પહોંચી વળવાનો પ્રયત્ન કર્યો છે. ઇતિહાસ એમને મહાન ચિન્તકોના વર્ગમાં મૂકશે કે કેમ તે પ્રશ્ન છે. અત્યારે તો એમની વિચારણાનો પ્રભાવ જીવનમાં વર્તાય છે માટે આપણે એમને ચિન્તકો તરીકે માન આપીએ છીએ. કેઇન્સના કેટલાક વિચારો આજે જૂનવાણી લાગવા માંડ્યા છે. આમ છતાં આધુનિક અર્થશાસ્ત્રીની સંકુલતા પર એમનો પ્રભાવ ઊંડો છે, અને જેઓ એમની વિચારણાને જૂનવાણી ગણે છે તેઓ પણ, એમની વિચારણાના ચોકઠામાં રહીને જ, એવં કહી શકતા હોય છે. રિકાર્ડો અને એડમ સ્મિથ ઊંચો દરજ્જો ધરાવતા હતા. પણ કેઇન્સને જે સંકુલતા જોડે કામ પાડવાનું આવ્યું હતું તેવા કશાનો મુકાબલો એમને કરવાનો નહોતો આવ્યો. વાઇનર ‘સાયબર્નેટિક્સ’ના જનક ગણાય છે. આપણા જમાનાની જે થોડી મહાન વિભાવનાઓ છે તે પૈકીની એક તરીકે એની ગણના થાય છે. અત્યારે સાયબર્નેટિક્સમાં જેનો સમાવેશ થાય છે તે બધું જ કાંઈ વાઇનરનું અર્પણ નથી; પણ એ બધી શક્યતાઓનું ક્ષેત્ર તો એણે જ ખુલ્લું મૂક્યું. પછીથી એના સમર્થ અનુયાયીઓએ એ શક્યતાઓને સિદ્ધ કરી બતાવી. આમ સાયબર્નેટિક્સની વિભાવનાને મૂર્ત કરી આપીને એને સંગીન પાયા પર મૂકી આપવાનું કામ વાઇનરે જ કર્યું. સાર્ત્ર અસ્તિત્વવાદીઓ પૈકીના એક છે. એઓ સૌ પ્રથમ અસ્તિત્વવાદી છે એવું પણ નથી. એ માન તો કદાચ ક્યિર્કેગાર્દને ફાળે જાય, ગ્રેબિયલ માર્સેલ, હાઇડેગર જેવા સમકાલીન ચિન્તકોનો પણ સમકાલીન વિચારણા પર પ્રભાવ છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો સેઇન્ટ ઓગસ્ટિન, વિલિયમ જેઇમ્સ અને નિત્શેનાં નામ પણ અહીં ગણાવવાં જોઈએ. આમ છતાં સાર્ત્રે આ વિચારણાને આપણા સમયની સમસ્યાઓના કેન્દ્ર સાથે જોડી આપી અને એને લીધે જ આપણા જમાનામાં અસ્તિત્વવાદ આટલા પ્રભાક બળ તરીકે બહાર આવ્યો.

જગતભરમાં એકાએક ધર્મનું અને રાજકારણનું સ્થાન અર્થશાસ્ત્રે લઈ લીધું હોય એવું લાગે છે. આજે પ્રજાજીવન પર સહુથી વિશેષ પ્રભાવ એનો છે. એમનાં રોજગાર, જીવનધોરણ, અપેક્ષા-આકાંક્ષાઓનો આધાર એમના રાજકર્તાઓની અર્થતન્ત્ર પરત્વેની દક્ષતા પર રહે છે. આથિર્ક દૃષ્ટિએ પછાત દેશોને તો બાકીના દેશોની અર્થતન્ત્ર પરત્વેની કુશળતા પર આધાર રાખીને નભવાનું હોય છે. જો એ કુશળતાનો બીજા દેશો નર્યા સ્વાર્થને ખાતર ઉપયોગ કરશે તો ગરીબ દેશોની સ્થિતિ કપરી થશે. આપણા જમાનામાં સહુ સમર્થ ચિન્તકોએ અર્થતન્ત્રની સમસ્યાઓનો મુકાબલો કરવામાં પોતાની બુદ્ધિશક્તિને કસવાની રહેશે. આ સૌ પ્રથમ કેઇન્સે સમજી લીધું હતું.

વર્સેઇલના કરારથી ઊભાં થયેલાં આથિર્ક પરિમાણોથી માંડીને તે બીજા વિશ્વયુદ્ધ તરફ જગતને ધકેલનારાં આથિર્ક કારણો સુધીના વિશાળ ક્ષેત્રને કેઇન્સે પોતાનો અભ્યાસવિષય બનાવ્યો હતો. ‘ટ્રીટાઇઝ ઓન મની’માં એમણે ઘણી બધી નવી વિભાવનાઓ તથા વિભાવનાઓનાં માળખાં રજૂ કર્યાં. એનો વિકાસ એમની પછીની કૃતિઓમાં, અને ખાસ કરીને એમની મહત્ત્વની કૃતિ ‘ધ જનરલ થિયરી ઓવ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની’માં થયો છે. બેરોજગારી અને મંદી એમના જમાનાની એક આકરી વાસ્તવિકતા હતી. આથી એમની વિચારણા એ સમસ્યાઓમાં એમણે કેન્દ્રિત કરી. બચત અને મૂડીનું રોકાણ – આ બેની વચ્ચેની સમતુલા જાળવવા પર એમણે ભાર મૂક્યો. લોકોને રોજગારી આપવામાં આવે અને એઓ જો ઉપભોક્તા બની શકે તો ઉદ્યોગના ક્ષેત્રમાં મૂડીના રોકાણને ઉત્તેજન મળે અને એથી વળી રોજગારીની તક વધે. પણ સ્થગિત સ્વરૂપની સમતુલા એમને મન ઇષ્ટ નહોતી. એ અસન્તુલિત બનતી રહે એ એમની દૃષ્ટિએ જરૂરી હતું. સંકુલ ગતિશીલ પરિસ્થિતિઓની પ્રક્રિયાને સમજવામાં એઓ કુશળ હતા. જો મૂડીરોકાણ અને બચત વચ્ચેનો ગાળો વધતો જાય તો ઉછાળો આવે, પણ જો બચત અને મૂડીરોકાણ વચ્ચેનો ગાળો વધે તો મૂડીરોકાણ ક્રમશ: પાછળ પડતું જાય, તો મંદી આવે અને બેરોજગારી વધે.

વ્યાજના દરમાં જરૂરી વધઘટ કરતા રહેવાથી આ પરિસ્થિતિને પહોંચી વળાશે એવું કેઇન્સ માનતા નહોતા. એમને મતે ‘લિક્વિડ પ્રિફરન્સિસ’ને ખાસ ધ્યાનમાં લેવો જોઈએ. લોકોના મૂડીરોકાણમાં એ એમને મતે એક મહત્ત્વનું નિર્ણાયક તત્ત્વ છે. માનવીનાં મનનાં બંધારણ સાથે પણ એને સમ્બન્ધ છે. ભવિષ્યના અર્થશાસ્ત્રીઓએ એના પર વધુ ધ્યાન આપવાનું રહેશે.

કોઈ અર્થશાસ્ત્રી પાસે એવો જાદુ નથી હોતો જે દેશની તત્કાલીન બધી સમસ્યાઓનો ઉકેલ લાવી આપે. એ અમુક પ્રશ્નોનો ઉકેલ સૂચવે, આથિર્ક પરિસ્થિતિને નવી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે, એથી વિશેષ મહત્ત્વનું તો એ કે પરિસ્થિતિની સંકુલતાને પારખીને એને પહોંચી વળવાને પ્રવૃત્ત થાય એવું અનુકૂળ મનનું વલણ એ ઘડી આપે. સિદ્ધાન્તજડ અર્થશાસ્ત્રી કેવળ યાન્ત્રિક ઢબે સિદ્ધાન્તોનો વિનિયોગ, વર્તમાન પરિસ્થિતિ પરત્વે, કરે અને એ કારગત ન નીવડે ત્યારે સમાજ પર ધૂંધવાયા કરે.

ફિલસૂફીમાં પણ વાસ્તવિકતાને ખણ્ડખણ્ડમાં વહેંચી નાખીને, એનું પૃથક્કરણ કરીને, તપાસવાની પદ્ધતિ ગ્રીક ફિલસૂફોના સમયથી ચાલી આવતી હતી. આનો ગણિત સાથેનો સમ્બન્ધ સુસ્પષ્ટ છે. સંકુલતાની પાછળ સરલતા રહેલી છે એમ ચીંધી બતાવીને સંકુલતાને પતાવી દેવાનો રસ્તો આપણે લેતા રહ્યા છીએ. ન્યૂટન, મેક્સવેલ, આઇનસ્ટાઇન જેવાને પોતપોતાના ક્ષેત્રમાં સારી એવી સફળતા પણ મળી છે. બીજાં ક્ષેત્રોમાં સંકુલ પરિસ્થિતિનો જે અંશ ગાંઠે એવો હોય તેને જ લક્ષમાં રાખવો અને બીજા પર ધ્યાન જ નહીં આપવું એવું વલણ પણ દેખાય છે. મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં પણ આવું વલણ દેખાય છે. સમસ્યાને એની સમસ્ત સંકુલતા સહિત તપાસવાનું આપણું વલણ ઓછું રહ્યું છે.

સાર્ત્ર અને બીજા અસ્તિત્વવાદીઓમાં સંકુલ પરિસ્થિતિનો મુકાબલો કરવાની મગદૂરી દેખાય છે. જગત અર્થપૂર્ણ છે એમ સમજાવવા મથતું બુદ્ધિનિર્ભર પૃથક્કરણનું માળખું એમણે છોડી દીધું. એને બદલે તત્ક્ષણના અનુભવને, એની સમગ્ર પ્રાકૃતતા સહિત, એઓ ઓળખી લેવા ઇચ્છતા હતા. કોઈ બુદ્ધિવાદી વલણે ઉપજાવેલી અમૂર્ત વિભાવનાઓ કરતાં ક્ષણક્ષણની અનુભવની વાસ્તવિકતા વધુ મહત્ત્વની છે. વર્તનના નિર્ણયની ક્ષણે જ માનવી માનવ બનતો હોય છે. ત્યારે એ માન્યતાઓનાં ચોકઠાંની બહાર નીકળી જઈને વર્તમાનની એ ક્ષણને સમપરિમાણ બની જાય છે. ત્યારે ઇતિહાસનો બોજો એ વેઠતો નથી કે માન્યતાઓની જંજીરમાં જકડાતો નથી. વાસ્તવિકતાના ‘બાહ્ય’ સ્તરની નીચે રહેલા કોઈ ‘સત્ય’ની શોધની જફામાં એઓ પડતા નથી. એઓ ક્ષણક્ષણના સત્યને પારખી લેવાનો જ રસ ધરાવે છે. આ સત્ય વિશિષ્ટ વ્યક્તિના સન્દર્ભમાં જોવાનું રહે છે. આથી જ એ મૂર્ત અને વિશિષ્ટ હોય છે, સર્વસામાન્ય પ્રકારનું નહીં.

અસ્તિત્વવાદીઓએ સંકુલતાનો મુકાબલો કર્યો ત્યારે એને સમગ્રતાપૂર્વક સ્વીકારીને કર્યો, એને સરલ બનાવીને નહીં કે એની અર્થહીન અસંગતિમાં ગાંઠના અર્થનું આરોપણ કરીને નહીં. એક ક્ષણમાં રહેલી સંકુલતા જો અર્થહીન હોય તો પણ એની વાસ્તવિકતાને તો સ્વીકારવી જ. અર્થ કશાક તારણ રૂપે આવતો હોય છે, અને એ અમુક માળખાનો નિર્દેશ કરતો હોય છે. પણ અસ્તિત્વવાદી સામે આરોપ એ છે કે સંકુલતાનો મુકાબલો કરવાની મગદૂરી, છતાં એ કંઈક પ્રમાદી છે; એને જાતને પંપાળ્યા કરવાની આદત છે. એનામાં મગદૂરી તો છે, કારણ કે એ માનવી કશા અર્થના આધાર વિના જગતનો મુકાબલો કરે એવી એ અપેક્ષા રાખે છે. માનવી પોતે કરેલા નિર્ણયો વડે જ પોતાના માનવ્યને પ્રમાણિત કરી શકે એમ છે એવું એ માને છે. આમ છતાં જગતને સમજવાના પૂરા પ્રયત્નો કરવાનું એ છોડી દે છે અને ક્ષણની મનોદશાને એ પંપાળ્યા કરે છે એવો એના પર આક્ષેપ છે. અસ્તિત્વવાદનો ઝાઝો પ્રભાવ યુવાન પેઢી અને એ જે સાંસ્કૃતિક મૂલ્યો ઊભાં કરવા માગે છે તેના પર પડ્યો હતો એ તો સ્વીકારવું જ રહ્યું. યુવાનો આત્માભિવ્યક્તિ કરવા ઝંખતા હોય છે. એઓ વિદ્રોહની અનિવાર્યતાને સ્વીકારે છે. પોતાની જાતનું લાલન કરવું એ એમને મન તો એક પવિત્ર ફરજ છે, તત્કાલીન મનોદશાઓનું એ લોકો ગૌરવ કરે છે અને કોઈ પણ પ્રકારનાં પૂર્વનિયોજિત માળખાંનો એઓ અસ્વીકાર કરે છે. આવી ફિલસૂફી કે આવું માનસિક વલણ યુવાનોને અપીલ કરે એ સાચું, પણ તે બાકીના સમાજનું માળખું સુદૃઢ હોય અને એમની ભૌતિક સ્થિરતાને આધાર આપીને વિદ્રોહની દિશા ચીંધી શકતું હોય ત્યાં સુધી જ. આખા સમાજને માટેની ફિલસૂફી લેખે અસ્તિત્વવાદ ઝાઝો કારગત નીવડે એમ નથી એવી એક માન્યતા છે. અનુભવની વાસ્તવિકતાનો સાક્ષાત્કાર કરવામાં એ ઉપસકારક નીવડે છે, અને એટલે અંશે, પ્રવર્તમાન બીજી ફિલસૂફીઓ પર, એની અનુકૂળ અસર પડે છે. સંકુલતાનો સામનો કરવાના એક અભિગમ લેખે એવું સામર્થ્ય સ્વીકારવું જ રહ્યું. સંકુલતાનો સામનો કરવા માટે, આગળ જોઈ ગયા તેમ, કેઇન્સને સંકુલતાને સમજવાનો પ્રયત્ન કરવો પડ્યો હતો. સાર્ત્રે, એને સમજવાની જરૂર અનુભવ્યા વિના, એનો સીધો સામનો જ કર્યો.

એક રીતે જોઈએ તો વિચારના ક્ષેત્રમાં જેને યુક્લિડયુગ કહેવામાં આવે છે તે પૂરો થઈ ગયો છે. યુક્લિડે એમ સ્વીકારી લીધેલું કે આપણા વિચારનું વિશ્વ એક ત્રિકોણ કે લંબચોરસ જેવું સ્થિર અને અવિકારી છે. આ એના પ્રમેયો પાછળનું ગૃહીત હતું. પ્લેટો અને એરિસ્ટોટલનો ત્યારે ઝાઝો પ્રભાવ પડ્યો. એમના અનુયાયીઓએ પણ વિભાવનાઓને અવિકારી અને સ્થિર લેખીને જ તપાસી. એ લોકો એવા ભ્રમમાં હતા કે પોતે વાસ્તવિકતાને તપાસી રહ્યા છે. ખરું જોતાં એઓ ભાષાના વિભાવના લેખેના વિનિયોગને જ તપાસી રહ્યા હતા. એમાં ગણિતજ્ઞો અને વિજ્ઞાનીઓનો પણ સમાવેશ થતો હતો. એઓ પણ ભૌતિક વિજ્ઞાનના સુદૃઢ જગતને અને એમાંના નિર્ણીત કરી શકાય એવા સમ્બન્ધોને તપાસી રહ્યા હતા. હવે આપણે એવી સંકુલતાનો સામનો કરી રહ્યા છીએ કે તર્કના સુદૃઢ વિશ્વમાંથી બહાર આવ્યા વગર છૂટકો નથી. હવે વિભાવનાઓને, નિર્ણીત સમ્બન્ધોને, છોડીને એક જુદી જ આબોહવાવાળા વૈચારિક વિશ્વમાં પ્રવેશ કરવાનો રહેશે. હવે યુક્લિડનું વિશ્વ છોડીને માનવદેહની રચનાના વિશ્વમાં પ્રવેશવાનું રહેશે. માનવદેહ એ વિશ્વનું કદાચ સૌથી સંકુલ એવું વ્યવસ્થાતન્ત્ર છે. એમાં અનેક સ્તર છે.

નોર્બર્ટ વાઇનરે આ સંકુલતાભર્યા ‘ફિઝિયોલોજિકલ’ વિશ્વની સરહદો નક્કી કરી આપી. એનાં ઘટકો જુદાં છે: પોઝિટિવ અને નેગેટિવ ફીડબેક. સંવેદનામાં થતા ફેરફારની માત્રા, સ્વયંસ્થાપિત વિત્તવ્યવસ્થાઓ, સ્વયંશિક્ષણ પામતી પદ્ધતિઓ વગેરેનો એમાં સમાવેશ થાય, હવે બહાર રહીને આ બધાંને વ્યવસ્થિત કરનારી પદ્ધતિ ઉપજાવનાર કોઈ નથી. આ વ્યવસ્થા પોતે જ પોતાનું નિર્માણ કરી લેતી હોય છે, અને પોતે જ પોતાને સુદૃઢ કરી શકે છે. જે કાંઈ બને છે તે પરિવર્તનરૂપ જ હોય છે. આમ જુદી જુદી વાત અસ્તિત્વમાં આવ્યે જાય છે. વિભાવનાઓનું આખું સુવિસ્તૃત એવું ક્ષેત્ર ઉદ્ઘાટિત થવાની અપેક્ષામાં છે. એ ગણિતજ્ઞની દુનિયા નથી. એ વિભાવનાઓ રચનારની સૃષ્ટિ છે. વધતી જતી સંકુલતાને પહોંચી વળે એટલી ત્વરિતતાથી આપણી વિભાવનાઓ વિકાસ પામશે કે કેમ એ અત્યારે તો ચિન્તાનો વિષય છે. યુક્લિડના જ યુગની વિચારણાઓ અને એની પ્રતિક્રિયા રૂપ વિચારણાઓ આજ સુધી ધીમી ગતિએ વિકસતી રહી, હવે એ ધીમી ગતિથી આપણું કામ ચાલશે નહિ. જે વીસ સદીમાં થયું તે પા સદીમાં કરી લેવાનું રહેશે, અને એનું વિસ્તરણ પણ એટલી જ ત્વરિતતાથી કરવાનું રહેશે. કોપરનિકસ કરતાં વાઇનરે આણેલી ક્રાન્તિ વધુ મૂલગામી છે; પણ એ તરફ થોડા ગણિતજ્ઞો અને પદ્ધતિવિધાયકો સિવાય કોઈનું ઝાઝું ધ્યાન ગયું નથી.

વધારે ઊંડી અને અટપટી લાગતી વિભાવનાઓ તરફ વિદ્વાનો આકર્ષાય છે. એથી એમનો અહંકાર પોષાય છે. પણ કેટલીક વાર સરલ વિભાવનાઓથી કામ ચાલી જતું હોય છે. નવી વિભાવનાઓને જૂની વિભાવનાઓના સન્દર્ભમાં સમજાવવાનું પણ આપણે ચૂકી જતા હોઈએ છીએ. હજી બુદ્ધિશીલો યુક્લિડે રચેલા વિશ્વને એટલી સહેલાઈથી છોડશે એવું લાગતું નથી. હજી એમાં જ એમને મોભો અને પ્રમાણભૂતતા જળવાઈ રહેશે એવું લાગે છે. પણ વાઇનર આપણા જમાનાનો બીજો કોલંબસ છે. એણે નવો ખણ્ડ શોધ્યો છે એ હકીકતનો સ્વીકાર થવો ઘટે.

જ્ઞાનની જે કોઈ શાખામાં જે કોઈ પ્રવૃત્ત થતું હશે તેને વૈચારિક જગતનો આ સન્દર્ભ ધ્યાનમાં રાખવાનો રહેશે. સ્થિતસ્ય સમર્થનમ્નું જડ વલણ હવે નભી શકવાનું નથી. વિભાવનાઓની મદદથી જગતને આપણાથી બને તેટલું છેટું રાખવાનું વલણ પણ આત્મવિઘાતક જ નીવડશે. આપણે અવિકારી વિશ્વમાં જીવતા નથી. આથી કશાંક અવિકારી આત્યન્તિક તત્ત્વની કલ્પના કરીને એને દૃઢ માની આપણું જગત ગોઠવવા જઈશું તો આખો દાખલો ખોટો પાડવાનો પૂરો સમ્ભવ છે. માનવીએ જ જાતે રચેલી સંકુલતાને હવે માયા ગણીને મિથ્યા કહી દેવાની શાહમૃગીય વૃત્તિ જ માનવીનો વિનાશ નોંતરશે.

સાર્ત્ર જેવા, સમકાલીન માનવસન્દર્ભ વિશે ઊંડું ચિન્તન કરનાર, મનીષીના ગયા પછી મનમાં પ્રશ્ન થાય છે: હવે જગતને આવા મનીષીઓની જરૂર છે ખરી? આજનો ચિન્તક તો છાપાંનો અગ્રલેખ લખનાર છે. એ બધું તરત ઉતાવળે આટોપી લેતો હોય છે. ઘટના બને કે તરત ટીકાટિપ્પણ થવાં જ જોઈએ. ભવિષ્યના ચિન્તકો સમાજનો શી રીતે ઉપયોગી થઈ શકશે? જો મહાન ચિન્તકો આપણી પાસે રહ્યા જ નહિ હશે તો ચિન્તનની પ્રક્રિયા ચાલુ શી રીતે રહેશે? હવે નવી વિચારસરણીઓની, નવા ચિન્તનાત્મક અભિગમોની, જરૂર છે ખરી? કે પછી આજ સુધીમાં ચિન્તકોએ જે ઉપલબ્ધ કરાવી આપ્યં છે તેને જ વ્યવસ્થિત કરીને વાપરવાનું હવે હિતાવહ છે?

લોકો સમકાલીન જીવનમાં જે કાંઈ વેઠે છે, અનુભવે છે, તેમાંથી કશાક મૂલ્યબોધ સુધી પહોંચે એ પ્રક્રિયાને ચિન્તન ઉપકારક થઈ પડે. એથી ભવિષ્યના માનવવ્યવહારને દિશાસૂઝ પ્રાપ્ત થાય. ધર્મનું આજે વર્ચસ્ રહ્યું નથી એ સાચું. છતાં સંસ્કારગત નૈતિક ધોરણોનું નિયન્ત્રણ માનવવ્યવહાર પર અમુક અંશે રહ્યું જ છે. બીજા વિશ્વયુદ્ધ પછીના માનવસન્દર્ભને સમજીને એ નવા પરિપ્રેક્ષ્યમાં માનવનિયતિને સમજવા માટે જેમ અસ્તિત્વવાદની વિચારણા ઉદ્ભવી તેમ આજની પરિસ્થિતિનો મુકાબલો કરે એવી કોઈ વિચારણાનો પ્રાદુર્ભાવ થશે ખરો? જો નવી વિચારણા ઉદ્ભવવાની હશે તોય એના ઉદ્ભવની પ્રક્રિયા ધીમી ગતિએ જ ચાલતી હશે? એ ઉત્ક્રાન્તિનું જ એક પરિણામ હશે કે પછી એમાં અમુક ચિન્તકોનો પ્રભાવ રહ્યો હશે ખરો?

નવી વિચારસરણી ઘણુંખરું અમુક જૂની અને વર્તમાન સન્દર્ભમાં ક્રમશ: અપ્રસ્તુત થતી જતી વિચારસરણી સામેની પ્રતિક્રિયામાંથી જન્મે છે. ઇતિહાસ આનો પુરાવો આપે છે. મૂડીવાદની સામે સામ્યવાદની વિચારણા આવી. પણ સરમુખત્યારશાહી વલણોએ ફરીથી માથું ઊંચક્યું છે અને ફાસીવાદ નવે રૂપે જગતભરનાં ઘણાં રાષ્ટ્રોમાં દેખાઈ રહ્યો છે ત્યારે એની પ્રતિક્રિયા રૂપે આપણને કશી નવી વિચારણા પ્રાપ્ત થશે ખરી? લોકશાહીનો વિકલ્પ, એનો જે રીતે વ્યવહારમાં વિનિયોગ થયો છે તે જોતાં, ઝાઝો કારગત નીવડ્યો હોય એમ લાગતું નથી. હવે સર્વાશ્લેષી એવી વ્યાપક સ્વરૂપની વિચારસરણીનો જમાનો કદાચ રહ્યો નથી. તત્કાલીન નોખીનોખી સમસ્યાઓને ઉકેલવાને છૂટીછૂટી વિચારધારાઓનો જ આ જમાનો હોય એવું લાગે છે. હવે પરિસ્થિતિને પહોંચી વળવામાં તત્કાલ પૂરતી ખપમાં આવે એવી વિચારસરણી જ વધુ સ્વીકાર્ય બનશે એવું લાગે છે. બહુ લાંબા સમયના ગાળા સુધી સ્વીકાર્ય બને અને જેમાં માનવી શ્રદ્ધા રાખી શકે એવી વિચારસરણીનો યુગ પૂરો થયો હોય એવું ઘણાને લાગે છે.

એવું બને કે હવે કેટલીક વિચારસરણીઓ ફૅશનરૂપ બની રહે. આપણે ત્યાં અસ્તિત્વવાદ અને શૂન્યવાદ ફૅશનરૂપે જ વધુ દેખાયા. એક સાથે ઘણી વિચારસરણીઓ આવી રીતે ફૅશન રૂપે જ પ્રવર્તતી દેખાશે અને દરેક વ્યક્તિ એમાંથી, પોતાની આવશ્યકતા પ્રમાણે જુદે જુદે તબક્કે જુદી જુદી વિચારસરણીને સ્વીકારશે. આને પરિણામે વૈયક્તિક તરંગોને સંતોષતા કૃતક રહસ્યવાદો ફરીથી ફૅશન રૂપે પ્રવેશશે એવી શક્યતા પણ ઊભી થઈ છે. કોઈ તર્કથી નિયન્ત્રિત નહીં એવા, વેરણછેરણ, અનુભવોને હવે મુકાબલો કરવાનો રહેશે. વૈયક્તિક અભિવ્યક્તિના પર ભાર મૂકાવાને કારણે બુદ્ધિજન્ય તર્કપૂત વિચારણાનું સ્થાન એક પ્રકારનો લાગણીજન્ય સુખવાદ લેશે. આ કશી નવી દિશા ખોલી આપશે કે પછી અત્યાર સુધીના આપણા વૈચારિક વારસાની એ માત્ર વિકૃતિ બની રહેશે તે તો હવે પછી જ કહી શકાશે. દિશાસૂઝ વિકસાવે એવી વિચારસરણી નહીં હોય ત્યારે દિક્ભ્રાન્ત અવસ્થા જ આપણો આદર્શ બની રહે અને એને વાજબી ઠરાવવા માટે, એને અનુરૂપ એવું, ફિલસૂફીનું માળખું ઊભું કરી દેવાય એવું પણ બને. આથી સમયના સાતત્યને સ્થાને ક્ષણક્ષણનું જ મહત્ત્વ સ્થપાય.

આમ છતાં હજી યુવાનોમાં એક પ્રકારના આદર્શવાદને માટેનું આકર્ષણ છે તે સારી નિશાની છે. યુવાનો હજી અભ્યાસવર્તુળો, સેવા-સંસ્થાઓ, કાર્યશિબિરો યોજવાની ધગશ ધરાવે છે. પણ એમને માર્ગદર્શન આપવાને નિમિત્તે મોટેરાંઓ એમને પોતાના અંકુશ નીચે લાવી દે છે, અને પોતાના રાજકીય, ધામિર્ક કે સાંસારિક લાભ માટે યુવાનોનાં આવાં સંગઠનોનો ઉપયોગ કરે છે. આવી પ્રતિક્રિયા થાય છે અને તેથી બે પેઢી વચ્ચે ઉગ્ર વૈમનસ્ય ઉદ્ભવે છે. યુવાનો વિરોધ દર્શાવવાની ઉગ્રતાને વશ થાય છે અને વિરોધના વિધિઓ યોજવામાં રાચે છે. અકારણ હિંસાથી જ કોઈક વાર એમના આ આવેગોનું વિમોચન થાય છે. જો આચાર અંગેની નૈતિક સ્પષ્ટ સૂઝ ન હોય તો સમાજનું માળખું એવું હોવું જોઈએ જેમાં અમુક આચાર સ્થાન ન જ પામે. એક વાર ધામિર્ક શ્રદ્ધાનું નિયન્ત્રણ હતું. હવે એની અવેજીમાં આપણે કશું સ્થાપી શક્યા નથી. ઈશ્વરને સ્થાને, આગળ કહ્યું તેમ, રાજાને સ્થાપેલો. તેને ઉઠાડી મૂકીને હવે માથાં ગણીને બહુમતિ સ્થાપવાની પદ્ધતિ સુધી આપણે આવી પહોંચ્યા. માથાં ગણવાથી જ બધું સમુંસૂતરું થઈ જશે એવી શ્રદ્ધા અને ધર્મગત અન્ધશ્રદ્ધાને ઝાઝું છેટું નથી. આપણે ચૂંટ્યા માટે એ બધા કાર્યદક્ષ અને યોગ્ય આપોઆપ જ બની જાય છે એવું માનવું જ રહ્યું. વળી બીજી એવી માન્યતા પણ પ્રવર્તે છે કે દક્ષતા ગુમાવવાનું એમનેય ન પરવડે. જો એવું બને તો બીજી ચૂંટણી વેળાએ એમનું આસન ડગમગે. પણ હવે તો અનુભવથી આપણે જાણીએ છીએ કે આ દક્ષતાનો અભાવ એ નર્યા ઇચ્છાપૂર્વકના અશિષ્ટાચારથી કંઈક વધુ ખતરનાક વસ્તુ છે. અદક્ષ રાજકારણી કશી દુષ્ટતાને કારણે જાણીજોઈને અદક્ષ બન્યો હોય છે એવું નથી, એની દુષ્ટતા અદક્ષતાને ઢાંકવામાંથી ઉદ્ભવે છે. આપણા પૂર્વગ્રહોને ચલણી નાણું બનાવીને એનાથી રાજકારણીઓને ખરીદી લેવાને બદલે હવે આપણે પોતે પરિસ્થિતિ પરત્વે વિચારી લેવાનું રહેશે. વિચારણા માત્ર પરિસ્થિતિમાંથી નથી ઉદ્ભવતી. એ કેળવવી પડે એવી દક્ષતા છે, ને એને કેળવવાની વ્યવસ્થા આપણી શિક્ષણસંસ્થાઓમાં થવી જોઈએ.

હવે કદાચ રાજકારણ, રાજકીય પક્ષો, વિચારસરણીઓનું ધ્રુવીકરણ – આ બધાંનો જમાનો રહ્યો નથી, એનું સ્થાન દક્ષ એવા વ્યવસ્થાતન્ત્રે લેવાનું રહેશે. શ્રદ્ધા અને વાદને બદલે માનવવ્યવહારની સંકુલતા અને એણે યોજેલી આંટીઘૂંટીને સમજી લેવાની રહેશે. અર્થશાસ્ત્રની કાર્યપદ્ધતિ અને એના હેતુઓ પર વધુ ધ્યાન આપવાનું રહેશે. હવે સત્તાના વિસ્તારની પરિભાષા છોડીને સ્થિરતા અને દૃઢતાની પરિભાષા અપનાવવાની રહેશે. હવે પક્ષના પ્રતીકને બદલે કાર્યપદ્ધતિની દક્ષતા પ્રત્યે વફાદારી રાખવી પડશે.

License

ચિન્તયામિ મનસા Copyright © by સુરેશ હ. જોષી. All Rights Reserved.