અર્થઘટન?

સૌથી પહેલો પ્રશ્ન તો આ જ: ‘અર્થઘટન’ સંજ્ઞા યોગ્ય છે? ઘણી વાર અમુક સંજ્ઞાઓ ચલણી થઈ જાય છે, પણ એના સંકેતને સ્થિર થતાં વાર લાગે છે. હજી અર્થઘટનના સંકેત વિશે કશી એકવાક્યતા નથી, એટલું જ નહિ, એ શું છે તેની હજી પૂરી જાણકારી નથી. સુઝાન સોન્ટેગ એનો જોરશોરથી વિરોધ કરે છે તો હર્શ એની હિમાયત કરે છે. આપણી પરિભાષામાં વાત કરીએ તો અર્થ એટલે meaning નહીં, પણ રસ. આ રીતે જોઈએ તો અર્થઘટન એટલે રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ, રસાસ્વાદમાં જે વિઘ્નો આવતાં હોય તેની આલોચના. આ આલોચના કરતી વેળાએ આપણે ખરેખર શું કરતા હોઈએ છીએ? અર્થઘટન પહેલાં અર્થબોધ થવો જરૂરી છે કે નહિ? કવિકર્મને સમજવામાં કવિના ભાષાકાર્યને તપાસવું કેટલું મહત્ત્વનું? આ અને એવા બીજા કેટલાક પ્રશ્નોને, આ સમ્બન્ધમાં એને વિશે જે વિચારાતું આવ્યું છે તેના અનુલક્ષમાં, ચર્ચવાનો અહીં ઉપક્રમ છે.

જોહ્ન એલિસની દૃષ્ટિએ અર્થઘટન એટલે સાહિત્યિક રચનાનાં ઘટકોના સમ્બન્ધમાંથી તારવેલા સંરચનાના સર્વસામાન્ય સિદ્ધાન્ત વિશેની hypothesis, બીજી રીતે કહીએ તો સાહિત્યિક કૃતિમાંનાં ઘટકો જે રીતે પારસ્પરિક સમ્બન્ધોથી જોડાતા હોય છે એમની વચ્ચે જે વ્યવસ્થા સ્થાપવામાં આવી હોય છે તેને વિશેની તપાસ તે અર્થઘટનની પ્રક્રિયા. સંક્ષેપમાં કહીએ તો અર્થઘટન એટલે કૃતિની સંરચનાની તપાસ. આ પ્રકારનું અર્થઘટન એ કૃતિના વસ્તુવિન્યાસ વિશે અને તેથી એના અર્થ વિશે પણ વિધાનો કરે.

આથી કેટલાકને મતે તો અર્થઘટન તે અમુક કૃતિમાં અમુક સૂચિતાર્થ રહ્યો છે તે ચીંધી બતાવવાની પ્રવૃત્તિમાત્ર બની રહે છે. પણ આ કરવા માટેય કૃતિમાંના બીજરૂપ અંગને, વિભિન્ન પ્રકારનાં કલ્પનોને, પાત્રોને અને ઘટનાઓને એવી રીતે ગોઠવી આપીને સમજાવવાનાં રહે જેથી કૃતિનાં સર્વ ઘટકો વચ્ચેનો પારસ્પરિક સમ્બન્ધ સાભિપ્રાય લાગે. આથી ‘આ કૃતિ દ્વારા આ લેખકને આ કહેવું છે’ તે તો અર્થઘટનની સમગ્ર તપાસનો એક અંશ માત્ર જ હોય. અર્થઘટનની સમસ્ત સંકુલ પ્રક્રિયાને એવા એકાદ વિધાનમાં તારવી આપી નહીં શકાય. અહીં પણ કૃતિનાં ઘટકો વચ્ચેના પારસ્પરિક સમ્બન્ધની વ્યવસ્થા અને એ વ્યવસ્થાની પાછળ રહેલી એ વિશેની વિભાવના – આ બે વચ્ચે વિવેક કરવાનો રહેશે. કૃતિનાં લક્ષણો વિશેની સ્પષ્ટતા માત્ર અર્થઘટન નથી. બહુ જ શિથિલ વ્યાખ્યા તો એવી બની રહે છે કે વિવેચક કૃતિ વિશે જે કાંઈ કહે તે અર્થઘટન. પણ અર્થઘટન તે લક્ષણોનું કે ઘટકો વચ્ચેના સમ્બન્ધોનું વર્ણન માત્ર છે કે એથી કશું વિશેષ છે? આવાં વર્ણન અને અર્થઘટન વચ્ચે ભેદ શો છે? અર્થઘટનની પાછળ કશીક તર્કપૂત પદ્ધતિ હોય તો તે કેવી હોઈ શકે? કૃતિનાં ઘટકો શૈલી, કલ્પનો, પ્રતીકો ઇત્યાદિ – aesthetic function સિદ્ધ કરી શકે છે? આ પ્રશ્નો વિશે પણ વિચારવાનું રહે.

એક વિવેચકે કહ્યું છે, ‘We get the text, but we don’t dig it.’ ઘણુંખરું આપણે કૃતિના વાચ્યાર્થ આગળ અટકી જઈએ છીએ. ઘણી વાર વાચ્યાર્થ પણ આસ્વાદ્ય હોય એમ બને. આમ છતાં વ્યંગ્યાર્થ સુધી જવાનો પ્રયત્ન કૃતિના રસાસ્વાદ માટે આવશ્યક છે તે તો સ્વીકારવું જ રહ્યું. એને માટે આ પ્રકારનું ‘digging’ કરવું પડે. કેટલાકને મતે આ ‘digging’ તે જ અર્થઘટન.

આપણો રોજ-બ-રોજનો વ્યવહાર પણ કેવળ વાચ્યાર્થના પર અવલમ્બીને રહેતો નથી. એમાંય આપણે લક્ષણાનો કેટલો બધો ઉપયોગ કરતા હોઈએ છીએ! વળી ભાષાનો સન્દર્ભ આખું જગત છે એટલે ભાષાના વિનિયોગની અનન્તવિધ શક્યતાઓ છે. શબ્દો જુદા જુદા સમ્બન્ધમાં આવીને અનેક અર્થચ્છાયાઓ પ્રકટ કરે છે. કાવ્યની એક પંક્તિમાં કર્તા, ક્રિયાપદ અને કર્મનાં કે વાક્યનાં બીજાં ઘટકો વચ્ચેના સમ્બન્ધો સ્પષ્ટ થાય તેમ છતાં પંક્તિનો મર્મ આપણે પામી નથી શકતા એવુંય ક્યાં નથી બનતું? શબ્દના અર્થ, વ્યાકરણ – આ બધું વિશદ હોય તે છતાં સન્દિગ્ધતા તો રહેવાની જ. આપણે કહીએ છીએ એ શબ્દો વચ્ચેનો કે બે પદો વચ્ચેનો સમ્બન્ધ, પણ અહીં ‘વચ્ચે’ એટલે વાસ્તવમાં તો બોલનાર કે લખનારના ચિત્તનો અવકાશ. આ અવકાશ કાંઈ એકદમ અવગત થઈ જતો નથી. આ સમજાવવાને તો આખું અલંકારશાસ્ત્ર રચાયું છે. એમાં એકને સ્થાને બીજું, એકના પર બીજાનું આરોપણ વગેરે અનેક સમ્ભવિત સમ્બન્ધોની યોજનાનો આલેખ આપવામાં આવે છે. આ separation અને transferની અટપટી શંખલાઓ તર્કને કે મનોવિજ્ઞાનને ઝટ ગાંઠે એવી નથી હોતી. સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે આપણે જે કહેવા માગીએ છીએ તે અને એને માટેનું આપણું ભાષાકીય ઉચ્ચારણ – આ બે વચ્ચેની કડી સાદીસીધી છે. પણ આપણો ભાષાવ્યવહાર જ બતાવી આપે છે કે આ વાત એટલી સરલ નથી. દ્વિઅર્થી કે બહુઅર્થી શબ્દો રોજિંદા વ્યવહારમાં વાપરવાની ખાસિયત ધરાવનારા ઘણા લોકોનો આપણને અનુભવ છે. આ જ તો આપણા કુતૂહલનો વિષય છે; શબ્દોના નિશ્ચિત અર્થો દર્શાવતા શબ્દકોશો અને શાસ્ત્રીય પદ્ધતિએ રચાયેલાં વપરાતી ભાષાનાં વ્યાકરણો છતાં આપણી અર્થબોધની પ્રવૃત્તિને ઘણી વાર અભેદ્યતાનો અને અનિશ્ચિતતાનો અનુભવ થતો રહે છે! જ્યોર્જ સ્ટાઇનરે, એમના હમણાં જ પ્રકટ થયેલા પુસ્તક ‘ઓન ડિફિકલ્ટી’માં આ મુદ્દો વિશદ રીતે ચર્ચ્યો છે.

અર્થઘટન કે રસાસ્વાદનો મુદ્દો understanding(મુખ્યાર્થબોધ) સાથે સંકળાયેલો એમ બિયર્ડસ્લી કહે છે તે સ્વીકારવાનું રહે છે. કોઈ કાવ્યપંક્તિ આપણને દુર્બોધ લાગે છે એમ કહીએ છીએ ત્યારે વાસ્તવમાં આપણે શું કહેતા હોઈએ છીએ? અર્થની નિ:સન્દિગ્ધતા તો કાવ્યમાં અપેક્ષિત નથી જ હોતી. સર્જનાત્મક કૃતિઓના અમુક સ્તરે તો આવો નિ:સન્દિગ્ધ અર્થબોધ અપ્રસ્તુત જ બની રહે છે; એટલું જ નહિ, એ એક પ્રકારની દખલગીરી જ બની રહે છે. અર્થબોધની પંચાતમાં પડ્યા વિના એના toneને, વાતાવરણને – ભાવની આબોહવાને, ચિત્તમાં વ્યાપી જવા દેવા સિવાય બીજું કશું કરવાનું રહેતું નથી.

આમ અર્થબોધ, બિયર્ડસ્લી કહે છે તેમ, અર્થઘટનની પહેલાંની ભૂમિકા છે. બોટાદકર જેવો કોઈ કવિ અપ્રચલિત શબ્દ વાપરે તો તે શબ્દકોશમાં જોઈને આપણે આપણું કામ ચલાવી લઈએ. તેમ છતાં એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે: ‘ભૂમિતિનું આ પ્રમેય અઘરું છે.’ અથવા તો ‘કાન્ટની આ વિભાવના અઘરી છે’ એમ કહીએ છીએ ત્યારે એ કેવળ શબ્દપ્રયોગ નહીં સમજવાની મુશ્કેલી હોતી નથી; ત્યાં વિભાવનાના સ્પષ્ટીકરણ માટે એની પાછળની તાકિર્ક પીઠિકા પણ સમજવાની રહે છે. કવિતાની બાબતમાં તો કવિએ કોઈ વાર આર્ષ પ્રયોગ કર્યો હોય અથવા અમુક પ્રાદેશિક બોલીનો, અપભાષા(slang)નો કે ગુહ્ય, સાંકેતિક કે પારિભાષિક શબ્દનો પ્રયોગ કર્યો હોય ત્યારે મુશ્કેલી પડે તે તો એ વિશેની જાણકારી પ્રાપ્ત કરીને દૂર કરી શકાય.

આપણને અહીં માત્ર આવી જ મુશ્કેલી અભિપ્રેત નથી. કવિ વાસ્તવમાં તો એક કીમિયાગર છે, એ જુદા જુદા શબ્દોનું રેણ કરીને, ઝારણ કરીને, નવા પ્રયોગો કરતો હોય છે. એ કેટલાય મૃત:પ્રાય શબ્દપ્રયોગોને નવેસરથી અદ્ભુત રીતે સજીવન કરે છે. શબ્દના સંકેતપરિવર્તન અને સંકેતવિસ્તારના દીર્ઘ ઇતિહાસના જુદા જુદા તબક્કાઓને કામમાં લેતો હોય છે. શિષ્ટમાન્ય ભાષાના સ્તરની નીચેની અને સામાન્ય શિષ્ટ વ્યવહારમાં નિષિદ્ધ લેખાતી ભાષાનો પણ એણે ઉપયોગ કરવો પડતો હોય છે. કારણ કે સમકાલીન વિધિનિષેધોની મર્યાદામાં રહીને ભાષાકર્મ સિદ્ધ કરવાનું એને માટે ઘણી વાર પૂરતું કાર્યસાધક ન પણ નીવડે. આ ઉપરાંત આજકાલના નગરજીવનને કારણે પરિચિત નહીં રહેલી એવી વનસ્પતિસૃષ્ટિ તથા પશુપંખીની સૃષ્ટિ પણ એના રચેલા કાવ્યજગતમાં પ્રવેશતી હોય છે. વળી શબ્દો, કોલરિજ કહે છે, તેમ ‘hooked atoms’ જેવા છે. એઓ એકબીજા સાથે અનેક રીતે ભળી જતા હોય છે, જુદા જુદા અનેક પ્રકારના સમ્બન્ધમાં આવતા હોય છે. શબ્દોના ભૂતકાળના વિવિધ પ્રયોગોમાંથી ઉપયોગી અંશોનો ફરીથી ઉદ્ધાર કરીને એ નવાં નવાં સંમિશ્રણો કરતો રહે છે. ઘણી વાર કવિ ભાષાનાં ખવાઈ ગયેલાં ખોખાંને તોડીને તેની અંદર રહેલા અર્થગર્ભને અભિવ્યક્તિના પ્રકાશમાં લાવે છે. વ્યુત્પત્તિશાસ્ત્રમાંથી પણ એ ઘણી મદદ મેળવતો હોય છે. જ્યોર્જ સ્ટાઇનર ઉચિત રીતે જ શબ્દોની આ ગતિને ‘ક્લાઉડ ચેમ્બર’માંથી પસાર થતા પરમાણુની ગતિ જોડે સરખાવે છે. એ આખું ક્ષેત્ર અનેક સંસ્કારો અને અધ્યાસોથી સમૃદ્ધ હોય છે. ઘણા પર્યાયો, વિરુદ્ધાર્થો, સમાન ઉચ્ચારણ છતાં વિભિન્ન અર્થવાળા શબ્દો – આ બધામાં થઈને પસાર થતાં એ નવા નવા સંસ્કારો પામતો રહે છે. આ બધું કેવળ શબ્દકોશ કે વ્યાકરણની મદદથી નહીં સમજાય. શબ્દની આ ઉત્ક્રાન્તિના સાક્ષી બનીએ તો જ કાવ્યમાં એની ગતિને આપણે સમજી શકીએ. શબ્દો કાનથી સાંભળવાના હોય છે. એટલું જ નહીં, એમનામાં ચાક્ષુષ અને સ્પર્શગત ગુણો પણ હોય છે. સામાન્ય વ્યવહારના વાચ્યાર્થના સ્તર પરથી ભાષાને ઊંચે લઈ જવા દેવા માટે કવિ જે કાંઈ કરતો હોય છે તેને આપણે લક્ષમાં લેવાનું રહે છે.

એરિસ્ટોટલે કહ્યું હતું, ‘Metaphor is the argument of the poet.’ કવિને ગમે એટલી સૂક્ષ્મ કે કઠિન વાત કરવાની હોય તોયે એને એ પૂરેપૂરી મૂર્ત કરીને જ કહેતો હોય છે; એને એની આગવી વિશિષ્ટતા એ અર્પતો જ હોય છે. પુરાણકથાઓનો આખો સન્દર્ભ એ લઈ આવે છે, એક જગતને બીજા જગત જોડે જોડતો રહે છે. વાસ્તવિકતાનાં પરિમાણો એ વિસ્તારતો રહે છે. આથી જ તો કાવ્યનો સન્દર્ભ ગતિશીલતા ધરાવતો હોય છે. એમાં એના વ્યંગ્યાર્થને આધાર આપતી, પ્રતિધ્વનિત કરતી, સમથિર્ત કરતી અને વિશિષ્ટ બનાવતી સામગ્રીનો વિનિયોગ થતો હોય છે. પહેલાં કાવ્ય રૂપે સિદ્ધ થઈ ચૂક્યા પછી ફરી વાચ્યાર્થની સ્થિતિને પામી ગયું હતું તેને ફરીથી કાવ્યના સ્તરે લઈ જવાને કવિ સદા પ્રયત્નશીલ રહેતો હોય છે. આથી જ તો કવિ પોતાની ભાષાના કાવ્યસાહિત્યને આત્મસાત્ કરીને જ કાવ્યપ્રવૃત્તિ કરી શકતો હોય છે. જો આમ નથી બનતું તો કાવ્યના મર્મને પુષ્ટ કરનારું વાતાવરણ ઊભું કરી શકાતું નથી. એક બાજુથી સ્વર્ગ, નરક અને ચૌદ લોકનો વિસ્તાર તો બીજી બાજુથી ધીમે અવાજે કાનમાં કહેવાયેલી વાતો કે કિંવદન્તિ – આ બધાંનો જ એ વિનિયોગ કરતો હોય છે.

આથી પૂરતી સજ્જતા પામ્યા વિના કોઈ કાવ્યનો આસ્વાદ લઈ શકે નહિ. વીસમી સદીમાં તો કવિતાની કાચી ધાતુમાં ઘણો ઉમેરો થતો રહ્યો છે. ચેકોસ્લોવાકિયાના કવિ હોલુબની મોટા ભાગની કાવ્યરચના વિજ્ઞાનની સામગ્રીને ખપમાં લે છે. વિદગ્ધતાનું પ્રમાણ કાવ્યક્ષેત્રમાં વધતું જાય છે. સીધીસાદી લાગણીને તરત સ્પર્શી જનારી કવિતાના જમાનાથી આપણે ઘણા દૂર નીકળી ગયાં છીએ. ઊંચા સ્તરની કવિતા સમસ્ત સાંસ્કૃતિક સન્દર્ભની પટભૂમિ પર આલેખાતી હોય છે. વળી આજની સંવેદનાને વિલક્ષણ ઘાટ આપનારાં બળો, એનાં અનેક વૈચિત્ર્યો એની બધી સન્દિગ્ધતાઓ અને અસંગતિઓને પણ એ કાચી ધાતુ તરીકે વાપરીને કાવ્યત્વમાં કાલવી લે છે. જેમ આ બધું કાવ્યત્વને ઉપકારક નીવડે છે તેમ કવિતા પણ આ બધાંને પોતાની રીતે સમૃદ્ધ કરતી રહે છે. આથી વોલ્ટર બેન્જામિન કહે છે તેમ, ‘Cruces and talismanic deeps in poetry cannot be elucidated now or at all times.’ વળી અમુક કૃતિઓ અને આપણા સાંસ્કૃતિક સન્દર્ભો વચ્ચે જો ઘણું અન્તર પડી ગયું હોય તો એ અન્તરને પૂરવાનો પણ પ્રયત્ન કરવાનો રહે.

અમુક શબ્દો કે શબ્દસમૂહના પ્રયોગોને કારણે આવતી દુર્બોધતા રસાસ્વાદમાં એટલું મોટું વિઘ્ન બની રહેતી નથી. એથી કંઈક વધુ સૂક્ષ્મ પ્રકારની મુશ્કેલી પણ ઊભી થતી હોય છે. કાવ્યના ઉપાદાન રૂપ સામગ્રી અને એનું કાવ્યરૂપ – આ બે વચ્ચેની કશીક વિસંગતિ આપણને રુચિભેદને કારણે અથવા તો કવિકર્મની ક્ષતિને કારણે રસાસ્વાદમાં વિઘ્નરૂપ નીવડતી હોય છે. કાવ્યના મૂળમાં રહેલો સન્દર્ભ કે પ્રસંગ છટકિયાળ કે અણગમતો હોય અને આપણી કાવ્ય વિશેની સૂઝનો વિરોધી નીવડે એવું બને; આપણને રસકીય દૃષ્ટિએ કે નૈતિક દૃષ્ટિએ અનુચિત લાગે એવા આશયોની એમાં સેળભેળ થઈ ગઈ હોય. આ માટે કાવ્યનું પૂરું અર્થઘટન કરેલું હોવું જોઈએ. પછી જ આપણે આવાં વિઘ્નોને સાચી રીતે ઓળખાવી શકીએ અને આપણે કેવળ આપણા કશાક પૂર્વગ્રહને વશ થયા છીએ એવું નથી તેની ખાતરી કરી લઈ શકીએ. આ સિવાયનું બીજું અનૌચિત્ય પણ સમ્ભવી શકે; ભાવનું સ્તર અને ભાષાનું સ્તર – આ બે વચ્ચે અસંગતિ ઊભી થઈ હોય; કવિતા performative means અને native pulse વચ્ચે વિસંગતિ લાગતી હોય. આ વિસંગતિ નામે અનિષ્ટ છે એવું કહી નહીં શકાય. એવું કશું રસકીય પ્રયોજન હોય તો જ એ સાભિપ્રાય લાગી શકે. અન્ય સાહિત્યસ્વરૂપોમાં જે નભી જાય એવું, ઉચિત કે સાભિપ્રાય લાગતું હોય તે ઘણી વાર કાવ્યમાં એવું લાગતું નથી.

અમુક કૃતિનો બુદ્ધિપૂર્વક અર્થબોધ શક્ય બને અને તેથી આનન્દ કે અણગમો થાય એ એક વાત થઈ, પણ એવું બને કે કૃતિનું સ્વાયત્ત અસ્તિત્વ આપણી પકડમાં આવે નહિ એ કારણે એને માટેનો આપણો પ્રતિભાવ કુણ્ઠિત થઈ જાય. આપણે કૃતિને સમજવા માટે જે કાંઈ જરૂરી જાણકારી મેળવવાની હોય તે મેળવી ચૂક્યાં હોઈએ તેમ છતાં કૃતિ સાથેનો આપણો સમ્બન્ધ સ્થાપવાનું બની શકતું નહીં હોય. આ કેવળ આપણા વ્યક્તિગત ગમાઅણગમાને કારણે બનતું નથી હોતું. પણ કવિની અને આપણી ચેતના સમાન વાતાવરણમાં વિહરી શકતી નથી એવું આપણને લાગ્યા કરતું હોય છે. કૃતિને એક રસકીય પદાર્થ તરીકે સ્વીકારીને એને વશ વર્તવામાં મુશ્કેલી વર્તાતી હોય છે. કવિએ રચેલી કૃતિમાં એની સંવેદનાનો જે આકાર પ્રકટ થાય છે તેમાં આપણી સંવેદનાને પરાણે ઢાળવા જતાં ક્લેશ થતો હોય તો રસાસ્વાદમાં વિઘ્ન ઊભું થાય.

આપણી સંસ્કૃતિ વિશે એવું કહેવાય છે કે એને જેટલો જાણવામાં રસ નથી તેટલો અનુભવવામાં છે. લાગણીની અતિમાત્રા બુદ્ધિ સાથેની એની સમતુલાને જાળવી નહીં શકે; શિસ્તનો કે રૂપરચનાનો આગ્રહ ઝાઝો રહે નહીં, અનેક પ્રકારનાં સંમિશ્રણો અને સાહચર્યો યોજી જોવાનો ઉત્સાહ વધે. કશા વિધિનિષેધને વશ થવામાં હિણપત જેવું લાગે. તાત્કાલિક મર્યાદિત પ્રતિભાવને સ્થાને જાણકારીપૂર્વકના પ્રતિભાવને માટેની આપણામાં ધીરજ નહીં હોય. આથી આપણો મૂલ્યવિવેક ડહોળાઈ જાય. આવા વલણને કારણે આપણા સમયમાં સાહિત્ય અને કળાનાં ક્ષેત્રના ઘણા અંશો પ્રત્યે આપણે જડ બનીને ઉદાસીનતા જ સેવી છે. આને કારણે આપણા પૂર્વગ્રહો ઉગ્ર બનતા જાય છે અને આપણી રુચિ વધુ ને વધુ સંકીર્ણ બનતી જાય છે. આ બન્યું છે તે પણ આગળ પ્રવર્તતી પરિસ્થિતિની પ્રતિક્રિયા રૂપે જ બન્યું છે. ઔદ્યોગિક ક્રાન્તિ પછી માનવીની રસેન્દ્રિય ધીમે ધીમે બુઠ્ઠી થતી ગઈ; માનવી કંઈક અંશે જડભરત જેવો થતો ગયો. કન્ઝ્યુમર્સના બનેલા સમાજમાં ઉપભોગની સામગ્રી અને એના વેપારવણજનું મહત્ત્વ વધ્યું; અમલદારશાહીએ માનવીને પ્યાદું માત્ર બનાવી દીધો. આને પરિણામે કળાકાર તથા સર્જકો સાથેનો સમ્બન્ધ તૂટ્યો; વેગળાપણાના અનુભવની તીવ્રતા વધી. આની સામેના વિદ્રોહની સમ્ભવિતતા ઝાઝી હતી નહીં, આથી સર્જકોએ પોતે પોતાનામાં હદપાર થયા હોવાનો ડોળ કર્યો. જડભરત સમાજની બહાર નીકળી જવાનું એમણે પસંદ કર્યું. આને પરિણામે semantic privacy કેળવવાની વૃત્તિને અનુમોદન મળ્યું. આ જ ગાળામાં સામૂહિક માધ્યમોનો ઉપદ્રવ વધ્યો. એના પ્રચારથી માનવીના કશીક પરિસ્થિતિ વિશેના અંગત પ્રતિભાવ જેવું કશું રહ્યું નહિ. છાપાં, ઝટ ઝટ વાંચીને બાજુએ મૂકી દવાની જાસૂસી વાર્તાઓ, અશ્લીલ સાહિત્ય, કોમિક્સ – આ બધાંએ કવિતાને પશ્ચાદ્ભૂમાં ધકેલી દીધી. વ્યક્તિગત અનુભવની અદ્વિતીયતાનું ઝાઝું મૂલ્ય રહ્યું નહિ. ભાષામાંથી પ્રભાવ પાડવાની શક્તિ ચાલી ગઈ. એ સસ્તી બની ગઈ. આને પરિણામે કવિઓ આ બધાંથી અકલુષિત એવા વિરલ શબ્દને શોધવા લાગ્યા. એને માટેના ફતવાઓ બહાર પાડવામાં આવ્યા; રેઢિયાળ બની ગયેલી ભાષામાં ફરીથી ક્રાન્તિ લાવવાનો મરણિયો પ્રયત્ન થયો.

આ પ્રતિક્રિયાનાં બે પાસાં છે: કંઈક અસમ્પ્રજ્ઞાતપણે એમાં પ્રશિષ્ટ સાહિત્ય સામે પણ વિદ્રોહની લાગણી છે. એનું વર્ચસ્ જે અપ્રતિરોધ્ય ગણાતું હતું તેને પડકારવાનો અભિનિવેશ એમાં દેખાય છે; એ રૂઢ પરમ્પરાને પણ પડકારવા ઇચ્છે છે. આથી ગુહ્યતાનો આશ્રય લઈને એ આ પરમ્પરાના વારસાની શૃંખલા તોડી નાખવા મથે છે. બીજો પ્રયત્ન માલાર્મેના અભિગમનું સમર્થન કરે છે. જે કાંઈ સીધી રેખાએ ચાલતું, કથનાત્મક, વાસ્તવિક, લોકકેન્દ્રિત છે તેને સ્થાને એ આદિ કાળની કવિતાની રહસ્યમય જાદુની મોહિનીને લાવવા ઇચ્છે છે. હાઇડેગરની ભાષામાં કહીએ તો આ પ્રયત્ન ‘hidden presences of Being in beings’ને અનુભવવાનો છે. આપણું સાચું સ્વત્વ સ્મૃતિભ્રંશથી ભુલાઈ ગયું છે. તેને અજાગ્રત અને અર્ધજાગ્રત ચેતનાના સ્તરમાંથી બહાર લાવવાનું છે. આમ કવિની સમસ્યા તે ભંગુર બની ગયેલી, દુરુપયોગને કારણે ખવાઈ ગયેલી ભાષાને આજની માનવનિયતિને ઉત્કટતાથી પ્રભાવક રીતે પ્રકટ કરવી તે છે. પોલાન સેલાન નામના જર્મન કવિએ કહ્યું છે કે આઉશવિત્ઝની સામૂહિક નિર્ઘૃણ હત્યા પછી કવિતા લખવાનું કાર્ય દુષ્કર બની ગયું છે; વળી એ હત્યારાઓની ભાષાનો જ કવિતા માટે વિનિયોગ કરવાનો રહે છે, કારણ કે એઓ પણ જર્મન જ હતા. આનું કારણ એ છે કે કાવ્યમાં કવિ નથી બોલતો, વાસ્તવમાં ભાષા જ બોલતી હોય છે, ભાષા જ પોતાને પ્રકટ કરતી હોય છે. જે કાવ્યમાં આ ભાષા પોતાને કશા વ્યવધાન વિના પ્રકટ કરે તે કાવ્ય સાચા અર્થમાં અધિકૃત લેખાય. એવાં કાવ્યો વિરલ જ હોય તે દેખીતું છે.

કવિ ભાષાને પોતાની લાગણીની સચ્ચાઈથી અને ઉત્કટતાથી અનુપ્રાણિત કરવા ઇચ્છતો હોય છે. એથી એની કૃતિમાં તાજગી અને નવીનતા આવે છે જે ક્ષણજીવી હોતાં નથી. એને કારણે એવી આન્તરસૂઝ ઉદ્ભવે છે જે ભેદક અને દ્યોતક નીવડે છે. પણ જે ભાષા જોડે એણે કામ પાડવાનું છે તે તો સામાન્ય વ્યવહારની જ ભાષા છે. એની ઉપમાઓ અને રૂપકો વપરાશને કારણે રેઢિયાળ બની ચૂક્યા હોય છે. આ ભાષા પાસેથી આવું કામ એ શી રીતે કઢાવી શકે? કેટલાક આથી એમ માનવાની હદે ગયા છે કે સાચો કવિ આવી, રોજ-બ-રોજના વપરાશથી, રજોટાયેલી ભાષાથી કામ ચલાવી લઈ શકે નહિ. એ શબ્દોનું તો અવમૂલ્યન થઈ જ ચૂક્યું હોય છે, એમાંથી એ નવો રણકો શી રીતે ઉપજાવી શકે? આથી એણે ખરેખર નવા શબ્દો અને પદવિન્યાસો યોજવાં જોઈએ. એઝરા પાઉંડનો પણ કવિઓને આ જ આદેશ હતો: ‘Make it new.’ દાદા, પરાવાસ્તવવાદીઓ તેમ જ રશિયાના ‘ફ્યુચરો-ક્યુબિસ્ટ’નો પણ આવો જ પ્રયત્ન હોય. ભાષાને અર્થથી બને તેટલે દૂર ખેંચી જવાનો પ્રયત્ન પણ થતો રહ્યો છે. આથી બિયર્ડસ્લીએ કહ્યું છે તે સાચું છે કે કાવ્યનું કોઈ પણ અર્થઘટન વસ્તુલક્ષી દૃષ્ટિએ સર્વસમ્મત નીવડી શકે નહિ. ‘Interpretation is not verdictive.’ કવિએ સર્જેલી આ ‘અજ્ઞાતભૂમિ’ પર જો ભાવકે વિહાર કરવો હોય તો કવિને થયેલા સાક્ષાત્કારને અનુભવવા માટે એની સાંકેતિક લિપિ ભાવકે જાણી લેવી પડે. આવી ગુહ્ય સંકેતલિપિ જે અભિવ્યક્ત કરે તે એવી રીતે ન કરે જેથી એનું રહસ્ય લુપ્ત થઈ જાય. એથી ઊલટું, ભાષા વડે એ પ્રકટ કરવાનું નહીં પણ ઢાંકવાનું કામ કરે. એવી કૃતિમાં થોડાં દીક્ષિતો જ પ્રવેશ પામી શકે. એ ‘બહુજન’ માટે, ‘લોકડિયાં’ માટે હોઈ શકે નહીં. એવું બને તો તો જે અભૂતપૂર્વની નરવી કાન્તિ એ ધરાવે છે તે કલુષિત થઈ જાય!

અહીં ઉપમા અને રૂપકોનો નિર્દેશ થયો. પ્રકૃત અને સમ વચ્ચેના કે પ્રસ્તુત અને અપ્રસ્તુત વચ્ચેના અનેકવિધ સમ્બન્ધોની શક્યતા છે. આ સમ્બન્ધો શોધવા, આવિષ્કૃત કરવા, એને હૃદ્ય અને આસ્વાદ્ય બનાવવા એ કવિકર્મનો એક મહત્ત્વનો અંશ છે. આથી ઉપમારૂપકનું અર્થઘટન શી રીતે કરવું એ પણ એક મહત્ત્વનો પ્રશ્ન છે. અહીં કેવળ સમ્બન્ધો શોધવાનો કે આવિષ્કૃત કરવાનો જ મુદ્દો નથી, નવા સમ્બન્ધો સર્જવામાં પણ આવે છે. આ સમ્બન્ધોની પ્રમાણભૂતતા શેને આધારે સ્થાપી શકાય? આ અલંકારો ‘creative’ બને છે તે શબ્દના નવા અર્થો યોજીને નહીં, પણ જગતનું નવું રૂપ પ્રકટ કરીને. નવીનતાપૂર્ણ અલંકાર યોજનાર વર્ણ્યવિષયનું નવું પાસું પ્રકટ કરે છે. એ નવું પાસું આ અલંકારયોજના સિદ્ધ થવાને પરિણામે પ્રકટ થાય છે. પણ જગત વિશે નવું દૃષ્ટિબિન્દુ રજૂ કરવાથી જગતનું પરિર્વતન કર્યાનો દાવો થઈ શકે નહીં. અલંકારો કાવ્યમાં વિહાર કરવાની દિશા સૂચવનારા નિર્દેશકો છે. એમ કરવાથી જગત વિશેની આપણી સમજ સંસ્કારાય છે; એ અર્થમાં જગત અંશત: આપણે માટે નવું તો બને જ છે. આ અલંકારો આપણા કાવ્યબોધને કે કાવ્યમાં નિરૂપિત ઐતિહાસિક ઘટનાના બોધને નવી દિશાએ વાળે છે. પણ આમ બને છે ખરું? કાવ્યના અર્થઘટનમાં આ અલંકારો પરિણામકારી નીવડે છે એટલું તો સ્વીકારવું જ રહ્યું.

બોર્હેસે કહ્યું હતું, ‘Oppression is the mother of metaphor.’ જ્યાં સરમુખત્યારશાહીનો દોર ચાલતો હોય છે ત્યાં સર્જકોના પર નિયન્ત્રણ આવી જાય છે. આમ છતાં સર્જકોની સત્યનિષ્ઠાને, અભિવ્યક્તિને માટેની સચ્ચાઈને, કુણ્ઠિત કરી શકાતાં નથી. આથી જે સર્જન કરવું છે તે તો કરવું જ, જે સત્યને પ્રકટ કરવું છે તે તો કરવું જ, પણ તે એવી રીતે કે મર્મવિદો જ એને પામી શકે, જડભરત શાસકોની એમાં ચાંચ જ ડૂબે નહીં. અહીં અપ્રકટ એવી પ્રકટતા સર્જકે સિદ્ધ કરવાની રહે છે. અહીં અલંકારો, રૂપકગ્રંથિઓ આપણા કાવ્યબોધની દિશાના નિર્દેશકો બનવાને બદલે એને ખૂબીથી પ્રચ્છન્ન રાખવાનું કામ કરે છે. આવી પરિસ્થિતિમાં ‘indirection’ જ વ્યંજનાનું કાર્ય બની રહે છે. અહીં અર્થઘટન તે decodingનો એક વ્યાપાર બની રહે છે. આપણે ત્યાં પણ કટોકટીના ગાળામાં સાહિત્યના સ્તર સુધી પહોંચી શકે એવું જે સર્જાયું તેમાં આવી પ્રક્રિયા જોઈ શકાય. પ્રજાની વ્યંગશક્તિની ત્યારે ધાર નીકળે છે. જે પ્રાસંગિક બનીને રહી જાય તે સર્વકાળસંવેદ્ય બનવાના સ્તરે પહોંચે છે. આવી આવશ્યકતા વિશિષ્ટ રાજકીય પરિસ્થિતિમાં જ ઊભી થાય છે એવું નથી. સમાજની નૈતિક આબોહવા પ્રતિકૂળ હોય ત્યારે હૃદયની કેટલીક લાગણીઓને, ચોખલિયાઓની નજરથી બચાવવા કે કવિને પોતાને જ એની ગુહ્યતા ઇષ્ટ હોય તેથી, ભાવક એને સીધો પામી નહીં લે તે માટે અર્થબોધ આડે અન્તરાય ઊભા કરવાના રહે છે. જ્યોર્જ સ્ટાઇનર કહે છે તેમ કવિને માટે એ પોતાની પ્રિયતમાને પ્રચ્છન્ન રાખવા માટેનો જ પ્રયત્ન હોતો નથી. પ્રેમમાં ગુહ્યતાના અંશો ભળ્યા હોય છે ત્યારે જ એ વધુ આસ્વાદ્ય બને છે. પ્રેમને અને અતિપ્રકટતાને વેર છે. એવી અતિપ્રકટતા સુરુચિને કઠે છે. પ્રેમીઓ ઘણી વાર એકબીજા આગળ પોતાની લાગણીનું સાચું રૂપ પ્રકટ કરી દેવા ઇચ્છતા નથી. આવી સન્દિગ્ધતા જ પ્રેમમાં તો ઉત્કટતાનું, વિસ્મયનું, કારણ બની રહે છે. ભાવક કાવ્યમાં વધુ digging કરે તે માટે પણ કવિ આવી યોજના કરતો હોય છે. કાવ્યબોધમાં જાણી કરીને વિઘ્નો ઊભાં કરવાં, એ રીતે એ બોધ થવામાં વિલમ્બ ઊભો કરવો, અમુક તરત ઓળખાઈ જાય એવી ભાત ન ઊપસવા દેવી, અલંકારોની યોજનામાં સારી એવી સંકુલતા અને એને કારણે આવતી દુર્બોધતા લાવવી, કાવ્યમાં રહેલી અન્તર્ગત એકતાને ભાષા, અલંકાર વગેરેની બાહ્ય ઉપલક અસંગતિથી ઢાંકવી – કવિ આવી યુક્તિને પ્રયોજતો જોવામાં આવે છે. પણ કવિ અને ભાવક વચ્ચેના હૃદયસંવાદને માટેની ભૂમિકા જ ન રહેતી હોય તો તો અર્થઘટન સમ્ભવે જ શી રીતે?

આમ છતાં જેઓ કાવ્યને જાદુ જ માને છે; કાવ્ય અકળ રીતે આપણને વિગલિત-વેદ્યાન્તરત્વની સ્થિતિમાં લઈ જઈને સ્થાપી દે છે એમ માને છે તેઓ તો આ અર્થઘટનના આખા પ્રપંચને અનાવશ્યક ડહાપણ ડોળવા જેવું જ લેખતા હોય છે. કાવ્યને, એની સમગ્રતા સહિત, ચેતનામાં ઓગળવા દેવું, આપણે એને માટે તત્પર રહેવું, એટલું જ બસ નથી? કાવ્યની અવેજીમાં બીજું કશું મૂકી નહીં શકાય.

જે લોકો અર્થઘટન અને અર્થબોધની વાતો કરે છે તેઓ આખરે તો શબ્દાન્તરે કાવ્યનો ગદ્યાળુ ભાષામાં અનુવાદ જ આપી છૂટે છે. એથી વિદ્વત્તાનો અર્થ સરતો હશે, રસાસ્વાદમાં એ ઉપકારક નીવડે જ એવું કહી શકાય નહિ. કાવ્યશાસ્ત્ર નહિ, પણ અનેક કાવ્યોમાં કરેલું નિમજ્જન જ આપણને રસસૃષ્ટિનાં દ્વાર ખુલ્લાં કરી આપે છે. કાવ્ય પર ભાષ્ય કરનારા ‘કવિએ શું કહ્યું’ તેની ખટપટમાં પડતા હોય છે; ‘કવિએ શું કર્યું’ તે પરત્વે એઓ ઉદાસીન રહે છે. કાવ્યથી સંસ્કૃતિને એનું મૂલ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે એ માનવચેતનાના ઉત્કર્ષના શિરમોર રૂપ છે. એને બદલે કાવ્યને એઓ નિપજી ચૂકેલાં સાંસ્કૃતિક મૂલ્યોનું વાહક પ્રચારક લેખે છે. બૌદ્ધિકોના આ વલણને કારણે મોટા ભાગની શિક્ષિત પ્રજા પણ કાવ્યાસ્વાદ એ તો અમુક નિષ્ણાતોનો જ કાર્યપ્રદેશ છે એમ માનીને એનાથી વિમુખ થઈને રસજડ બનતી જાય છે.

આ દૃષ્ટિએ જોનારા ટી.એસ.એલિયટ જેવા કવિની કેવળ વિદ્વદ્ભોગ્ય કવિતાને સુકાઈ ગયેલી સરસ્વતીના રેતાળ પટ જેવી કહે છે. એમાં પેલા જાદુનો અંશ સરખો રહ્યો હોતો નથી. કાવ્ય એ કશાનું અનુકરણ નથી, એ નૂતનનું નિર્માણ છે એ વાતના પર ભાર મૂકવામાં આવે છે. અર્થઘટનો આખરે તો આપણી સંવેદનશીલતાની સાહજિકતાને અળપાવી નાંખે છે. આવાં અર્થઘટનોને નામે બુદ્ધિનો કળાદ્વેષ જ પ્રકટ થતો હોય છે. રસાનુભવમાં જે વ્યવધાનરહિત તત્ક્ષણતાની અપેક્ષા રહે છે તેનો જ અર્થઘટનને નામે લોપ કરવામાં આવે છે. કાવ્યના સમગ્રને બૌદ્ધિક ચોકઠાંઓમાં સારવી લેવાની પ્રવૃત્તિ આપણા અનુભવજગતને ધીમે ધીમે હ્રસ્વ કરી નાંખે છે. અર્થઘટનમાં મધ્યમ કક્ષાની બુદ્ધિવાળા લોકો જ મોટે ભાગે રાચતા હોય છે. એમાં આખરે તો કૃતિ સાથેના નમ્રતાપૂર્વકના તાદાત્મ્યને બદલે અહંકારપૂર્વકનો અસન્તોષ જ પ્રકટ થતો હોય છે. કાવ્યમાં જે છે તે શી રીતે છે તે વર્ણવવા સિવાય વિવેચકે બીજું ભાગ્યે જ કરવાનું રહે છે.

આ પણ કંઈક અન્તિમે જઈને કરેલાં વિધાનો છે. કાવ્ય એક શ્રવણે કે એક વાચને ચેતનામાં તદાકાર થઈ જાય એવું ભાગ્યે જ હોય છે. પણ અર્થઘટન રસાસ્વાદને ગૌણ બનાવી દે એવું તો ન જ બનવું જોઈએ એ વાત તો આપણે સ્વીકારવી જ રહી.

License

ચિન્તયામિ મનસા Copyright © by સુરેશ હ. જોષી. All Rights Reserved.