૪૯

હૃદય એનો લય બદલી બેઠું છે. મારું અસ્તિત્વ ફોટાની ફ્રેમ જેવું માત્ર રહ્યું છે. એમાં મઢેલી છબિઓ બદલાતી આવે છે. એ છબિ મને પરિચિત નથી. એની જોડે મારે કશી નિસ્બત પણ નથી. કોની હશે આ સ્મૃતિઓ? ઉત્સવ વખતે, અનેક અજાણ્યાઓની અવરજવર વચ્ચે, પોતાના જ ઘરમાં પારકાની જેમ બેસી રહેવું પડે છે તેના જેવું આ લાગે છે. કાંઈ કેટલાં અપરિચિત મુખ, એ મુખે ઉચ્ચારાતી અપરિચિત વાણી, હાથમાં અજાણ્યા હાથ, અજાણ્યાં સ્થળ, દિવસરાત – આ બધું મને ભમાવે છે, મને ક્યાંથી ક્યાં ઘસડી લઈ જાય છે! આવે વખતે કદાચ માનવી ઝંખે છે કશા ધ્રુવને, ક્યાં છે એ? બે અક્ષરનું બનેલું તારું નામ ભેગું કરવાને ક્ષિતિજના એક છેડાથી બીજા સુધી પહોંચવું પડે છે. એ નામ એકઠું કરીને ઉચ્ચારવા જાઉં છું ત્યારે એ ધ્રુવપ્રદેશની હિમાચ્છાદિત શ્વેત નિસ્તબ્ધતામાં શોષાઈ જાય છે. માલા, તારાં બધાં જ આંસુઓ ને તારું સકળ મૌન અહીં હિમસ્વરૂપને પામ્યાં છે. અહીં જળનો કલ્લોલ નથી, વૃક્ષનો પર્ણમર્મર નથી, પંખીનો ટહુકાર નથી, અન્ધકારનો મહિમા પણ અહીં અક્ષત નથી. આપણાં વ્યક્તિત્વ અહીં માત્ર આ શ્વેત વિસ્તાર વચ્ચે થોડાં ધાબાં જેવાં દેખાય છે. આ નિસ્તબ્ધતા વચ્ચે બેસીને શબ્દનો મહિમા સમજું છું. કેટલા સૂર્ય આ નિ:શબ્દતાને ઓગાળી શકે? માલા, એ સૂર્યમાળાના ભ્રમણને માટેના અવકાશરૂપ જ તારું અસ્તિત્વ હતું? લાખ જોજનને અન્તરે રહેલા તારા પણ એકબીજાને આમ જ સમ્બોધતા હશે? આ નિસ્તબ્ધતામાં બધા પ્રશ્નો અને બધાં સમ્બોધનોનો વિલય થઈ જશે. પણ સમ્ભવ છે કે એમાંથી જ ફરી આકાર પામીને મારું એકાદ સમ્બોધન તારી આંખમાંથી ટપકી પડે; એકાએક કશોક શીતળ સ્પર્શ પ્રશ્નની જેમ તને ચોંકાવી દે.’સમ્ભવ છે, સમ્ભવ છે –’ પોપટની જેમ મારી આશા પઢે છે. પણ આશાને હડધૂત કરવા જેટલી નિર્મમતા મારામાં નથી. હું નિર્મમ થઈ શક્યો નથી. મમત્વના વિસ્તારને બીજે છેડે તું રહી જ છે એમ માનીને તો હું જીવ્યો છું. કદાચ મારું મમત્વ ને તારી નિર્મમતા એકબીજાની સમ્મુખ થશે ત્યારે એ બે વચ્ચેના ભેદનું આવરણ કેટલું તો મિથ્યા હતું તે તરત તને સમજાઈ જશે. મમત્વની મને નામોશી નથી. મારે મન એ ગૂંચનો વિષય નથી. જે બધું લઈને આપવા જાય છે તેને કશા સરવાળાબાદબાકી કરવા પડતા નથી, પણ જે થોડું સાચવી રાખે તેને માટે જ બધી જંજાળ ઊભી થાય છે. લીલા તો આપવા લેવાની પરિભાષા જ સ્વીકારતી નથી. પણ આપણે માનવી છીએ, એ પરિભાષાની બહાર આપણે શ્વાસ શી રીતે લઈ શકીએ? લીલા અમાનુષી છે. આપણે માનવી છીએ, માટે જ તો આપણા માર્ગ વિરુદ્ધ દિશામાં જતા લાગે તો ફરી ભેગા થઈ જાય છે. એથી જ તો આજે ‘વેદના’ શબ્દ વાપરવાનું મન થતું નથી. વેદના વડે જ જો પોતાને અનુભવી શકતા હોઈએ તો એ જ જીવનનો શ્વાસ નહિ બની રહે? આજે હું પણ ઘડીભર આંખ બંધ કરીને આ નિસ્તબ્ધતામાં ઊંડે ઊંડે મારી જાતને નિમજ્જિત કરી દેવા ઇચ્છું છું. હું એમાં ઓગળીને એકાકાર થઈ જઈશ એવી આશા નથી, પણ જો એવું થઈ જાય તો એની મને હવે ભીતિ નથી.

License

છિન્નપત્ર Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.