૩૫

મારું કણ સરખું બચ્યું નહિ. ફરી ફરી ક્યાંથી આવે છે આ વિનાશ? નિર્દોષ બે આંખોમાંથી? સ્પર્શભીરુ કાયામાંથી? બે ભંગુર અશ્રુઓમાંથી? અશરીરી બનીને ફંગોળાઈ ગયો છું. નથી પડછાયો કે નથી પડઘો. જળને મુખે આજે આદિ કાળનો વિષાદ છે. આંધળી હવા અડબડિયાં ખાય છે. બધિર નક્ષત્રોનો મૂક ઇશારો આકાશમાં રઝળે છે. બે હાથે રચેલા આશ્લેષમાં સુખથી સમાઈ જનારો હું આજે એટલો તો વ્યાપી ગયો છું કે શૂન્ય સિવાયનાં બધાં જ પાત્રો હવે નાનાં પડે છે. પણ નથી બુઝાઈ ગઈ એક મારી ચેતના. એ બધી આકાંક્ષાસ્મૃતિ લઈને પ્રજળે છે. માલા, તારી સૃષ્ટિના વાયુમણ્ડળને ભેદીને હું નક્ષત્રોના ચક્રપથમાં ભટકતો થઈ ગયો છું. ને છતાં તારી જ આકાંક્ષા ને તારી સ્મૃતિ મારી ચેતનાને વિલાઈ જવા દેતાં નથી. પણ હવે તારી ને મારી વચ્ચે કશું માધ્યમ રહ્યું નથી. માધ્યમનું વ્યવધાન તો તને પહેલેથી જ પસંદ નથી. હું ખુશ થઈને તને કહેતો: ‘પ્રિયતમા!’ તું ચિઢાઈને કહેતી: ‘એવાં વિશેષણોનો અન્તરાય શા માટે?’ આથી મેં પત્રમાં તને સમ્બોધન કરવાનું સુધ્ધાં છોડી દીધું. અભિમાનનો નાનો શો ગાંગડો બાંધીને આ સૃષ્ટિમાં આવ્યો હતો. મારું એ અભિમાન સુધ્ધાં રહ્યું નથી. હું તો બધું ખોઈ નાખી શકું. તું કહેશે: ‘ખોવાનુંય તને ઓછું અભિમાન નથી!’ ભલે હશે, પણ માલા, મને ખોઈ બેસવાની ચિન્તા તને કદી થઈ નથી! જેને સ્મૃતિ નથી, નામ નથી, સમય નથી તેને જ તું ચાહી શકે છે? ગાઢ આલિંગન કરતી વેળાએ તારી બંધ આંખો શેની સ્મૃતિને તારા હૃદયના ઉમ્બર પરથી પાછી ઠેલતી હોય છે? મારા પ્રશ્નોથી વીંટળાઈને તું શાન્ત અવાક્ બેસી રહે છે. ધીમે ધીમે મારા પ્રશ્નો પણ એની વાચા ખોઈ બેસે છે. ને છતાં તારો ને મારો યાત્રાપથ ફરી ફરી કેમ એકબીજાને જન્મેજન્મે છેદે છે? તે દિવસે મેં તને જોઈ હતી – સોમવારને દિવસે. તુલસીકૂંડાની પ્રદક્ષિણા કરીને સૂર્ય તરફ પાણી છાંટીને આંખ બંધ કરીને તું કશુંક પ્રાર્થતી હતી. તું શેની યાચના કરતી હતી એ તો તું કદી મને કહેશે નહીં તે જાણું છું. તું માત્ર એટલું જ કહે છે: ‘મને પુણ્યનો લોભ છે. ક્યારેક કામમાં આવશે.’ આ શૂન્ય અવકાશમાંથી મને કક્ષચ્યુત કરે એવા કોઈક પાપનો ભાર પણ મારી પાસે બચ્યો નથી. તારા વાયુમણ્ડળની બહાર જે આવી ગયો છે તેની ભીતિ હવે તને છે ખરી? સમયના વજ્રબન્ધને તોડીને મારી રજ ઊડે છે. કદાચ દૂરથી એના પ્રકાશનાં ટપકાં તને દેખાતાં હશે. પણ એમ તો તને ઘણું ઘણું દેખાતું હશે: બારસાખ પર ચાલી જતી લાલ કીડીની હાર. આંખોને સ્થિર કરીને બેઠેલો કાંચીડો, અર્ધા ખુલ્લા રહી ગયેલા નળમાંથી ટપકતી પાણીની ધાર, શેરીમાં ભટકતા ફેરિયાઓના અવાજ, દૂર ઊંચે ઊંચે ચકરાવો લેતી સમડી…

License

છિન્નપત્ર Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.